AKASH - 5 books and stories free download online pdf in Gujarati

આકાશ - ભાગ - ૫

ખાસ નોંધ :-

આ વાર્તા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી એક કાલ્પનિક વાર્તા છે. એમાં પાત્રો, સ્થળ અને મિશન બધું જ કાલ્પનિક છે. આ વાર્તા દ્વારા અમે દેશના વીર જવાનોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એનો થોડો ચિતાર આપીને એક નાનકડી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. અમારાથી કોઈ ભૂલ થાય તો અમારું ધ્યાન દોરીને અમારા આ પ્રયાસને યોગ્ય માર્ગે વાળવા વિનંતી.  

*****

આપણે ચોથા ભાગમાં જોયું કે આર્યન રાજપૂત અને એમની ટીમ ભારત તરફથી મિશન માટે તૈયાર થઈ જાય છે. NSA અને PMO તરફથી AKASH મિશન લોંચ કરવામાં આવે છે. આતંકને મૂળિયાં સાથે કાઢવા માટે નાપાક વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવે છે. 

*****

ચીનની જાસૂસી સંસ્થાને જેવી આકાશ મિશનની ખબર પડે છે તરતજ નાપાક ને સચેત કરે છે કે ભારત તમારા વિરુદ્ધ કોઈક હુમલો કરવાનું નક્કી કર્યું છે. અને AKASH મિસાઇલ લોન્ચ કરવાનું નક્કી કર્યું હોય એવું લાગે છે. તમારે સાવચેતી રાખવી પડશે અમે તમારી સાથે છીએ. આ વાત સાંભળતા જ પાકિસ્તાનમાં હડકંપ મચી જાય છે. 

આ તરફ ટીમ AKASH મિશન તરફ રવાના થઈ જાય છે. મિશનની ગુપ્તતા જળવાય એ હેતુથી બહુજ ઓછા લોકોને આ વાતની જાણ કરવામાં આવે છે. ટીમ AKASH ને ટ્રેક કરવા માટે A-Set કે જે ભારતનો ઉપગ્રહ છે એને સ્પેશિયલ ઓપરેશન માટે ફાળવવામાં આવે છે. ટીમ AKASH ના દરેક સભ્ય પાસે એક માઇક્રોચીપ હોય છે જે તેમને ગાઇડ કરવા ઉપરાંત એમને ટ્રેક કરતી હોય છે. 

ભારતમાં આવેલા શોપિયાથી પૂંછ સેક્ટર માં થઈ કે જ્યાં આતંકીઓએ ભારતમાં ઘૂસણખોરી કરવા સુરંગો બનાવી હતી ત્યાંથી ટીમ AKASH નાપાકમાં ઘૂસણખોરી કરે છે. 

બીજી તરફ નાપાક હરકતમાં આવે છે અને સરહદ ઉપર ચોકસી વધારે છે. રડાર પણ ભારત તરફ વધુ કાર્યરત કરે છે. ભારતના બધાજ એરપોર્ટ ઉપર નજર રાખે છે. સાથે પોતાના એરપોર્ટ કોઈપણ સ્થિતિમાં કામ લાગે એ માટે તૈયાર રાખે છે. નાપાક જાણતું હોય છે કે પહેલા અને અત્યારના ભારતમાં બહુ ફેર છે. કારણ કે એર સ્ટ્રાઇક પછી નાપાક એ સમજી ગયું હોય છે કે હવે ભારત વળતો જવાબ આપવામાં પાછી પાની નહી કરે.

NSA ચિફ ગુપ્ત હેડ કવાર્ટરમાં આ બધુંજ મોનીટરીંગ કરતા હોય છે. ભારત સરકાર અને અધિકારીઓ નાપાકને ઘેરવાની તૈયારીઓ કરતાં હોય છે. 

આર્યન રાજપૂત અને ટીમ જંગલના રસ્તે આગળ વધતી જાય છે. એક એક પળ કીમતી છે કારણ કે કાલ સાંજ સુધીમાં નાપાક સ્થિત દાદયાલ પહોંચવાનું હોય છે જે પૂંછથી ૬૩ કિલોમીટર હોય છે. દાદયાલમાં RAW દ્વારા ગુપ્ત રીતે એમના રહેવાની સગવડ કરવામાં આવી હોય છે અને ત્યાંથી બીજી આગળની માહિતી અને બીજો સામાન પણ મેળવવાનો હોય છે. 

આર્યન રાજપૂત અને શાયોના સિંહ આગળ ચાલતા હોય છે. જ્યારે હનુમાન ગુર્જર, અહેમદ ખાન અને કરણ યાદવ પાછળ ચાલતા હોય છે . તેઓ અંધારામાં પાછળ અને બંને સાઇડ તરફ બાજ નજર રાખતા હોય છે. 

લગભગ સવારના ૪ વાગ્યા હોય છે અને નાપાકની સરહદમાં ૧૦ કિલોમીટર સુધી ઘુસી ગયા હોય છે. થાક લાગતા આરામ કરવા બધાં બેસે છે. અને હનુમંત ગુર્જર નજીકમાં પાણી દેખાતા ત્યાં પાણી ભરવા જાય છે. એ જેવું તળાવમાંથી પાણી ભરે છે ત્યાંજ એ પાણીની આહટની વચ્ચેજ એક ગોળીનો અવાજ આવે છે. 

ત્યાંજ બધા હરકતમાં આવી જાય છે અને પોતાની પોઝિશન લે છે. તરતજ આર્યન A-Set સેટેલાઇટ ને ટીમ ઉપર અચાનક હુમલો થયાનું કોડ સિગ્નલ મોકલે છે. કંટ્રોલ રૂમમાં હિલચાલ વધી જાય છે. કારણ કે હજુ તો મંઝિલ ઘણી દૂર છે એ પહેલાં અચાનક થયેલો આ હુમલો બધાના જીવ અદ્ધર કરે છે. 

આર્યન રાજપૂત અને એની ટીમ નાઇટ વીઝન ચશ્મા પહેરે છે જેથી અંધારામાં દૂરની વસ્તુ જોઈ શકાય. આ તરફ A-Set તરફથી આર્યનને ત્રણ આતંકીઓ એમની તરફ આગળ વધી રહ્યા છે એનું સિગ્નલ આપે છે. સિગ્નલની દિશામાં આર્યન રાજપૂત અને ટીમ ઘેરો બનાવે છે. જેવા એ આતંકીઓ નજીક આવે છે તરત જ અંધાધૂંધ ગોળીબાર ચાલુ થઈ જાય છે. આખું જંગલ આ અવાજથી ગુંજી ઉઠે છે. 

આવો હુમલો થઈ શકે છે એવી માહિતી એમને પહેલેથી જ આપી દેવામાં આવી હતી. પણ સાથે માત્ર જરૂર પૂરતા જ હથિયારો લઈ જવાય એમ હતું. આર્યન રાજપૂત અને બીજા સાથીદારો એક એક ગોળીની કીમત જાણતા હતા. તેઓ માત્ર નાઇટ વિઝન ચશ્માના ઉપયોગથી ચોક્કસ લોકેશન ટાર્ગેટ કરી ગોળી મારી રહ્યા હતા. 

લગભગ ૧૫ મિનિટના ગોળીબારમાં ત્રણેય આતંકીઓને ઢાળી દેવામાં આવ્યા. શાયોના સિંહ પણ RAW માં કામ કરેલ હોઈ આ બધીજ બાબતોથી માહિતગાર હતી. એણે પણ કવર ફાયરિંગમાં સાથીઓને સાથ આપ્યો અને આ આતંકી ઘટના નાકામ કરવામાં આવી. 

આ કામને અંજામ આપ્યા બાદ બધાજ સાથીઓ ભેગા થયા. પણ અત્યાર સુધીમાં સ્થિર ઉભેલી શાયોના સિંહ તરત પરત આવી ના શકી. આથી આર્યન રાજપૂત તરતજ એની પાસે પહોંચી ગયો. જોયું તો શાયોનાના પગને ટચ થઈને એક ગોળી પાસ થઈ હતી. વધુ વાગ્યું નહોતું પણ ગોળીની અસર અને મોત સામે જોવાની ગભરાહટ એને એક પળ માટે અસ્થિર કરી ગઈ હતી. 

આર્યન રાજપૂતે એને એક બાજુ બેસાડી અને શાંત્વના આપી. કરણ યાદવ તરતજ મેડિકલ કીટ લઈને આવ્યો. પ્રાથમિક સારવાર રૂપે એક પાટો બાંધવામાં આવ્યો અને એક ઇંજેક્શન આપવામાં આવ્યું. ત્યારબાદ આર્યન રાજપૂતે શાયોના સિંહને પોતાના હાથે પાણી પીવડાવ્યું. આ બધી ઘટના એના પછીની મદદ અને આર્યન રાજપૂતનો સાથ શાયોના ને પ્રભાવિત કરી ગયો હતો અને એક પળ એણે આર્યનની વિહ્વળ આંખો વાંચવા પ્રયત્ન કર્યો. 

એહમદ ખાન અને હનુમંત ગુર્જર મનમાં પહેલાજ એવું વિચારતા હતા કે આવા ખતરનાક મિશનમાં એક લેડી ઓફીસરનું શું કામ..!? એમને આ ઘટના બન્યા પછી લાગવા લાગ્યું કે શાયોના આ મિશનમાં તકલીફો વધારી શકે છે અને તકલીફોની શરુવાત અહીં થઈ ગઈ છે. 

આ તરફ આર્યન રાજપૂતે A-set મારફત મેસેજ મોકલાવ્યો કે All Is well. એટલે NSA કંટ્રોલ રૂમમાં શાંતિ થઈ અને પહેલા ખતરાની પાર નીકળી ગયાનો અહેસાસ થયો. ભારતની આ ટેક્નોલોજી ક્ષેત્રમાં ભરેલી હરણફાળ માટે બધાને ગર્વ થઈ રહ્યો હતો. આ એ જ બધી ટેક્નોલોજીઓ હતી જેથી આ મિશન કરવાનો વિચાર પણ આવ્યો. 

આર્યન રાજપૂતે શાયોનાને પૂછ્યું કે હવે કેમ છે. શું એ ચાલી શકશે.!? શાયોના સિંહે હિંમત પૂર્વક કહ્યું yes sir. અને ઉભી થઈ ને ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું. અત્યારે સવારના ૫ વાગી ગયા હતા અને દિવસ થતાં પહેલાં જંગલ પસાર કરી બહાર નીકળવું જરૂરી હતું. આથી આર્યન રાજપૂતે વ્યૂહ બદલતા કહ્યું કે હનુમંત ગુર્જર, અહેમદ ખાન અને કરણ યાદવ આગળ ચાલશે જ્યારે શાયોના અને પોતે પાછળ. 

શાયોના પોતે મક્કમતાથી ડગ ભરી રહી હતી અને આર્યન પણ સાથે ચાલી રહ્યો હતો. થોડુક ચાલ્યા પછી શાયોના થોડી થાકી ગઈ. થાક કરતા ગોળીના ઝેર ની અસર વધારે તકલીફ આપી રહ્યા હતા અને રસ્તો પણ બહુ ખરાબ હતો. જેની અસરથી શાયોના અસ્થિર થઈ પડવા જઈ રહી હતી ત્યાંજ આર્યને એને પકડી અને સ્થિર કરી. 

આર્યને શાયોનાને પોતાનો હાથ આપ્યો અને હાથ પકડી ચાલવા કહ્યું. હાથમાં હાથ આવતાજ શાયોનાની હિંમત વધી ગઈ અને એ ચાલવા લાગી. અને ક્યારેય પ્રેમ કે લગ્ન ના કરવાનું નક્કી કરી બેઠેલી શાયોનાના શરીરમાં એક ઝણઝણાટી વ્યાપી ગઈ. પોતાના પ્રેમી સાથેના બ્રેક અપ પછી શાયોના પહેલીજ વાર  આવી કોઈ લાગણી અનુભવી હતી. એવું પણ નહતું કે એના જીવનમાં કોઈ પુરુષે આવવાનો પ્રયત્ન નહતો કર્યો. પણ આત્યર સુધી અડગ રહેલી શાયોના આર્યનની દરેક વાત જેવી કે બહાદુરી, ચાતુર્ય, સમજણ અને સ્ત્રીને સન્માન આપવાની વાત થી પ્રભાવિત થઈ રહી હતી. તેના મનમાં વિચારો ઘેરી રહ્યા હતા કે આર્યન રાજપૂત જેવા ઓફીસરનો હાથ હાથમાં હોય એનો ગર્વ કરવો કે મનમાં એક નવાજ તરંગો અને ઉદ્ભવેલા વિચારો ઉપર ધ્યાન આપવું. શાયોના એ આ બધાજ વિચારોને બ્રેક મારી અને મિશન જ અત્યારે જિંદગી છે એ વાતમાં મન પરોવ્યું અને આર્યન રાજપૂત સાથે પગથી પગ મિલાવી ચાલવા લાગી.

બરાબર દસ વાગે એમને જંગલમાંથી પસાર થતા હાઈ વે ઉપર પહોંચવાનું હોય છે અને હજી એમની જોડે ઘણો સમય હોય છે એટલે હવે બધા થોડા શાંતિથી ચાલતા હોય છે. રસ્તામાં બે જગ્યાએ બ્રેક કરે છે ત્યાં બધા એકબીજાને વાતચીત દ્વારા સમજવાનો પ્રયત્ન કરે છે સામાનમાં લાવેલા નાસ્તામાં ખજૂર, કાજુ, બદામ ખાઈ લે છે જેનાથી એમનું એનર્જી લેવલ જળવાઈ રહે. દસ વાગવા માં અડધો કલાક બાકી હોય છે અને એ બધા એમના નિયત સ્થળે પહોંચી જાય છે. 

બરાબર દસ વાગે ત્યાં એક ટ્રક આવીને ઊભી રહે છે. એનો ડ્રાઈવર ત્રણ વાર હોર્ન વગાડે છે જે સૂચક હોય છે કે આ એજ ટ્રક છે જેમાં તેમને બેસવાનું હોય છે. બધા ટ્રકની નજીક પહોંચે છે જેમાંથી એક માણસ ઉતરે છે અને એક કોડવર્ડ બોલે છે જેની સામે આર્યન પણ એક કોડવર્ડ બોલે છે જે સાંભળતા જ પેલો માણસ બધાને એક કપડાંની બેગ આપે છે અને એક નવી ઓળખ આપે છે જેના મુજબ  આ બધા એક જ પરિવારના સભ્યો હોય છે, એહમદ ખાન હવે અકબર ખાન અને શાયોના  એમની બીબી સલમા બેગમ હોય છે જ્યારે આર્યન, કરન અને હનુમંત એ એહમદ ખાનના ભાઈ અને અનુક્રમે અનવર ખાન, કરીમ ખાન અને હુસેન ખાન હોય છે. બધા ફટાફટ કપડા ચેન્જ કરીને ટ્રકમાં ટાયારોની જોડે બેસી જાય છે. 

રસ્તામાં એક જગ્યાએ ચેકીંગ આવે છે ત્યારે એહમદ ખાન બધાનો પરિચય એના પરિવાર તરીકે આપે છે અને એ લોકો દાદયાલ સંબંધીના ત્યાં પ્રસંગે જાય છે એવો જવાબ આપી દે છે જેનાથી સંતુષ્ટ થઈ ને એમને જવા દેવામાં આવે છે. ટ્રક વાળો એમને એક જગ્યાએ છોડે છે જ્યાંથી તેમને એક વેન માં બેસાડવામાં આવે છે જે મેઈન રોડ ઉપરથી લઈ જવાના બદલે આંતરિયાળ વિસ્તારમાં થઈને એ બધાને સાંજે ચાર વાગ્યાની આસપાસ દાદયાલ પહોંચાડે છે.

રસ્તામાં શાયોનાની તબિયત થોડી વધારે બગડી હોય છે એટલે કરણ યાદવ એને લગભગ ઘેનમાં જ રાખે છે. દાદયાલમાં  એમના ઉતારા માટે એક સ્થાનિકના ખાલી ઘરમાં RAW એજન્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હોય છે. ત્યાં પહોંચ્યા પછી બધા પહેલા તો થોડું ખાઈને રેસ્ટ કરે છે. લગભગ આઠ વાગે એમના માટે ડિનર લઈને એક માણસ આવે છે. ડિનર સાથે એક લેટર પણ આપવામાં આવે છે. આમાં તમામ આગળના પ્લાનની વિગતો હોય છે. અને એ માણસ ત્યાંથી નીકળી જાય છે.

*****

આતંકને મૂળિયાં સાથે કાઢવા NSA અને PMO નો શું પ્લાન હશે?
AKASH ટીમ નો આગળનો શું પ્લાન હશે?
શાયોના શું ટીમ માટે અવરોધ સાબિત થશે? 
આર્યન અને શાયોના શું નજીક જઈ રહ્યા છે? 

આ બધાજ સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો AKASH. ફરી એકવાર જલ્દી મળશું આ AKASH ની સફરમાં ત્યાં સુધી પ્રતિભાવો આપતા રહો. 

*****

આ વાર્તા અમારો સહિયારો લખવાનો પ્રથમ પ્રયાસ છે. આ પહેલાં પ્રતિલિપિ ઉપર અમારી સફળ વાર્તાઓ "અનંત દિશા" ભાગ ૧ -૨૧ (રોહિત પ્રજાપતિ) અને "પ્રેમની પેલે પાર..."  (શેફાલી શાહ અને સખી) એને વાંચી અને પ્રતિભાવો જરૂરથી આપશો.  

જય જિનેન્દ્ર
શેફાલી શાહ

આ વાર્તા AKASH ની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.

Whatsapp (Rohit Prajapati) :- 8320610092
Face book :- #sweetbeatfrdzzzzz (Sweet Beat Frdzzzzz)
Insta :- rohit_jsrk

સદા ખુશ રહો... 
સદા જીવંત રહો... 
સદા સંબંધો મહેકાવતા રહો... 
જય શ્રી કૃષ્ણ...

રોહિત પ્રજાપતિ

©Rohit Prajapati & Shefali Shah

જય શ્રી કૃષ્ણ..... જય જીનેન્દ્ર.....