રૂહ સાથે ઈશ્ક રિટર્ન 29

                     રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 29

 

રાજુની મોત બાદ કબીરનો હવે આગળનો ટાર્ગેટ હોય છે ડોકટર ગિરીશ..આ માટે કબીર રાધાની જેમ જ ઠાકુર પ્રતાપસિંહ ની અંધશ્રદ્ધાનો ભોગ બનનારી તખી નામની મહિલાનાં પતિ નટુ ની મદદ વડે એવાં ગ્રામજનો ને મંદિરે આવવાનું કહે છે જેમનું નકલી ઓપરેશન ગિરિશે કર્યું હોય..ડોકટર ગિરીશને ડરાવવા માટે રાધા એનાં મકાને પહોંચે છે.

રાજુનાં કપાયેલાં ગળાને ફ્રીઝની અંદર જોતાં જ ડોકટર ગિરિશ જીવ હથેળી પર રાખીને પોતાનાં રૂમ તરફ દોટ મૂકે છે..ભારે ભરખમ શરીર હોવાં છતાં પણ એ ઘણી ચુસ્તી અને ફુર્તિથી દાદરો ચડીને પોતાનાં રૂમમાં પહોંચી ગયો..અંદર પ્રવેશતાં જ એને દરવાજો અંદરથી બંધ કરી દીધો.અત્યારે એનું આખું ડીલ પરસેવેથી તરબતર થઈ ચૂક્યું હતું..વધારામાં એનાં શ્વાસોશ્વાસ પણ ધમણની માફક ચાલી રહ્યાં હતાં.

એને કપાળ પર પોતાનો હાથ મૂકી પોતાનું માથું બરાબર હલાવી જોયું..જાણે એ પોતે જોયું હતું એ મનનો વહેમ હતો અને એ વહેમ ખંખેરવાની એ વ્યર્થ કોશિશ ના કરતો હોય.અત્યારે ભયથી એ થરથર ધ્રુજી રહ્યો હતો.થૂંક ગળે ઉતારતો ઉતારતો એ પલંગ પર આવીને બેઠો..એનું માથું અત્યારે ખૂબ ભારે થઈ ગયું હતું..આંખો ને બંધ અને ખુલ્લી કરી એ પોતાની જાતને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

"શું થયું ડોકટર.. બીક લાગી..?"અચાનક કોઈકનો અવાજ સાંભળી ડર અને અચરજ સાથે ગિરિશે અવાજની દિશામાં નજર કરી.

અવાજ ની દિશામાં નજર કરવાં છતાં એને કોઈ નજરે ના ચડ્યું એટલે એ આજુબાજુ ડાફેરા મારવા લાગ્યો.અચાનક એનાં શરીર પર લોહીની ત્રણ-ચાર બુંદો આવીને પડી.ગિરિશે હાથ વડે એ પડેલી બુંદો લોહીની છે એ જોયું એ સાથે જ ડરતાં-ડરતાં એને પોતાનું માથું ઊંચું કર્યું અને છત ની તરફ નજર કરી..છત ઉપર અત્યારે રાધા ઉલટી લટકેલી હતી અને એનાં ચહેરા પરથી લોહી નીચે ટપકી રહ્યું હતું.

આ જોતાં જ ગિરીશ પલંગ પરથી નીચે પડી ગયો..એન રિવોલ્વર શોધવા આમતેમ ફાંફા માર્યાં પણ એને યાદ આવ્યું કે પોતે તો રિવોલ્વર તો નીચે રસોડામાં જ ભૂલી ગયો હતો..રાધાનો વિકૃત ચહેરો જોઈ પહેલાં તો ગિરીશ સમજી ના શક્યો કે એ કોણ હતું એટલે એને ડરતાં ડરતાં કહ્યું.

"કોણ છે તું..અને અહીં કેમ આવી છો..?"

ગિરીશનાં આ સવાલનાં જવાબમાં રાધાએ જોરદાર અટ્ટહાસ્ય કર્યું અને પછી પલંગ પર છલાંગ લગાવી..બે હાથ અને બે પગ બધું સાથે કરી ચાર પગે ચાલતી હોય એમ રાધા ગિરિશની તરફ આગળ વધી..ગિરીશ ઘસડાતો ઘસડાતો છેક પાછળની દીવાલ સુધી પહોંચી ગયો..રાધાએ એની તરફ જોઈ એક ક્રૂર સ્મિત વેર્યું અને પોતાનો ભયંકર ચહેરો ગિરીશનાં ચહેરાની સમીપ લાવીને બોલી.

"ભૂલી ગયો ગિરીશ હું કોણ છું એ...હું તારી મોત છું રાધા..જેનાં લગ્નની આગળની રાતે તમે એની હત્યા કરી હતી.."

"પણ તું અહીં કેવી રીતે..આ ગામ ફરતે તો રક્ષાકવચ મોજુદ છે.."થોથવાતાં સુરે ગિરીશ બોલ્યો.

"હવે કોઈ રક્ષાકવચ પણ મારું કંઈપણ નહીં બગાડી શકે..તારાં કંપાઉન્ડર રાજુને તો હું મોતને ઘાટ ઉતારી ચુકી છું અને હવે તારી વારી છે.."રાધાએ એટલું બોલી પોતાનાં હાથ વડે ગિરિશનિ ગરદન પકડી લીધી.

રાધાની પકડ મજબૂત થઈ રહી હતી એમ ગિરીશની છટપટાટ વધી રહી હતી..પોતાનું મોત ગિરીશને નજરો સમક્ષ દેખાઈ રહ્યું હતું..આખરે એને થોડી ઘણી રહીસહી હિંમત ભેગી કરીને રાધાને ધક્કો મારી પોતાની ઉપરથી દૂર કરી અને દોડીને બાથરૂમમાં છુપાઈ ગયો.

"તું બહાર નીકળ..હું તને જીવતો નહીં છોડું.."રાધા ગિરીશને વધુ ને વધુ ડરાવવા માંગતી હતી એટલે એ અંદર જઈ શકતી હોવાં છતાં પણ અંદર ના ગઈ અને ખાલી ખાલી ઊંચા અવાજે આવું બોલી ગિરીશને ડરાવતી રહી.

પોતાને યાદ હતાં એટલાં બધાં ભગવાનનું રટણ કરતાં કરતાં ગિરીશ બાથરૂમમાં જ ભરાઈ રહ્યો..આખરે એ ક્યારે બાથરૂમમાં જ સુઈ ગયો એની ખબર જ એને ના રહી.અત્યાર પૂરતું આટલું પૂરતું હતું એમ વિચારી રાધા ત્યાંથી ચાલી નીકળી..કેમકે હવે સવાર થવા આવી હતી અને એને મળતાં નિયત સમય મુજબ એનાં જવાનો સમય પણ થઈ ગયો હતો.

                          *********

સવારે જ્યારે ડોકટર ગિરીશની આંખ ખુલી ત્યારે એ બાથરૂમની ફર્શ ઉપર જ પડ્યો હતો..એને હજુપણ બહાર કોઈ ઉભું હશે એ વાતનો ડર હતો..માટે પહેલાં તો એ અડધો કલાક એમજ બાથરૂમમાં બેસી રહ્યો..પછી થોડી ઘણી હિંમત એકઠી કરી એને બાથરૂમનો દરવાજો ધીરેથી ખોલ્યો અને બહાર નજર કરી..હવે બહાર કોઈ નહોતું એની પૂર્ણ ખાતરી કર્યાં બાદ ગિરીશ પોતાનાં રૂમમાં આવ્યો.રાતનું અંધારું હવે સવારનાં અજવાળાંમાં બદલાઈ ગયું હોવાનું જ્ઞાત થતાં ગિરીશનો ડર ઘણોખરો ઓછો થઈ ગયો હતો.

એને પહેલાં તો રૂમની બધી બારીઓ ખોલી દીધી..અને બધી લાઈટો પણ ચાલુ કરી દીધી..ઘડિયાળમાં નવ વાગી રહ્યાં હતાં એટલે પહેલાં તો એ ફટાફટ સ્નાન ઈત્યાદિ પ્રવૃતિઓ પતાવી રસોડામાં આવ્યો..એની રિવોલ્વર હજુ એમજ રસોડામાં પડી હતી જે જોઈ એને હાશ થઈ.રિવોલ્વર સાથે લઈને એ ઘરની બહાર નીકળ્યો અને ઘરનો દરવાજો લોક કરી પોતાની ગાડીમાં બેસી નીકળી પડ્યો ઠાકુર પ્રતાપસિંહ ને જાણ કરવા કે રાધા પોતાની મોતનો બદલો લેવાં શિવગઢ આવી પહોંચી છે.

આ તરફ વુડહાઉસમાં પોતાનો નિત્યક્રમ પૂર્ણ કરી કબીર પણ નટુ ને લઈને દોલતપુર જવા નીકળી પડ્યો..દોલતપુર અમુક કામ હતાં જે કબીરે પતાવી લીધાં.. આ વખતે કબીરે એનો પીછો કરી રહેલ બાઈક સવારને ગમે તે કરી ચકમો આપી દીધો અને એની નજરોથી બચી પોતાનું જરૂરી કામ પતાવી લીધું.

દોલતપુર પોતે જે કામ માટે કબીર ગયો હતો એ પતાવી એને પાછું શિવગઢ આવતાં સાંજનાં પાંચ વાગી ગયાં હતાં..કબીરે નટુ ને ગામમાં ઉતાર્યો અને ગિરીશની હોસ્પિટલમાં જેમનાં ખોટાં ઓપરેશન થયાં હતાં એવાં લોકોને લઈને રાતે મંદિરે પહોંચવાનું કહી કબીર વુડહાઉસ તરફ ચાલી નીકળ્યો.

વુડહાઉસ પહોંચી એ પોતાનાં રૂમમાં ગયો અને દોલતપુરથી એ જે કંઈપણ કામ પૂર્ણ કરીને આવ્યો હતો એ બરાબર થયું હતું કે નહીં એની પણ કબીરે ચકાસણી કરી લીધી..સાંજનું જમવાનું પતાવી જેવાં જીવાકાકા પોતાનાં ઘરે જવા નીકળ્યાં એ સાથે જ કબીર પોતાની લેપટોપ બેગ અને એક પ્રોજેક્ટર લઈને મહાદેવ મંદિર જવા માટે ગાડી લઈને નીકળી ગયો.

કબીરે દોલતપુર જઈ ડોકટર પ્રકાશ ત્રિવેદીની મદદથી અમુક એપેન્ડિક્સ પેશન્ટ નાં સોનોગ્રાફી ટેસ્ટ ની એક્સરે નકલો અને ફોટા સાથે લીધાં હતાં..આ ઉપરાંત એ સાયબર કાફેમાં જઈને એપેન્ડિક્સનાં ઓપરેશનને લગતાં વીડિયો અને કિડની નીકાળી દીધાં બાદ વ્યક્તિને પડતી નાની-મોટી તકલીફોનાં યુટ્યુબમાંથી વીડિયો પણ ડાઉનલોડ કરી લાવ્યો હતો.આ વીડિયો ને સરખી રીતે બતાવવા કબીરે એક પ્રોજેક્ટર પણ ભાડે લઈ લીધું હતું.

આ બધી વસ્તુઓ સાથે કબીર મંદિરે પહોંચી ગયો અને ત્યાં હરગોવન મહારાજની સહાયતાથી કબીરે બધું સેટઅપ પણ સાડા નવ વાગ્યાં આજુબાજુ લગાવી દીધું હતું. કબીરને ખબર હતી કે ગામની આ અભણ અને ભોળી જનતા આ બધું જ્યારે પ્રોજેક્ટર પર જોશે ત્યારેજ એમને પોતાની વાત સમજાશે.

સાડા નવ થતાં ની સાથે નટુ એ જે લોકોને સમજાવ્યું હતું એ બધાં એક પછી એક મંદિરમાં આવવાં લાગ્યાં.. સવા દસ વાગ્યાં આજુબાજુ તો નટુ,રમણભાઈ અને બીજાં પચાસેક લોકોનું ટોળું ત્યાં એકઠું થઈ ચૂક્યું હતું.કબીર વુડહાઉસમાં રહે છે એવી ઘણાં ને ખબર હતી પણ કબીરે અહીં આ પ્રોજેક્ટર અને બીજું બધું કેમ લગાવ્યું હતું એ વિશે બધાંને અચરજ પેદા થયું હતું.

કબીર કંઈપણ બોલે એ પહેલાં નટુ એ બધાં ને નીચે શાંતિથી બેસવા કહ્યું અને પોતે કબીર ની સમીપ જઈને ઉભો રહ્યો અને બોલ્યો.

"આપ સૌ મારી વાત માની અહીં સુધી આવ્યાં એ બદલ બધાં નો આભાર..મેં તમને કહ્યું હતું કે આપણાં ગામલોકો નાં પેટમાં થતાં દુખાવાને એપેન્ડિક્સ નું નામ આપી મફતમાં ઓપરેશન કરવાનાં બહાને આપણી કિડની કાઢી આપણને છેતરવામાં આવે છે..આ કબીર રાજગુરુ છે જે ગુજરાતનાં બહુ મોટાં લેખક છે..એ તમને સમજાવશે આખરે હકીકતમાં શું થાય છે.."નટુ એ કબીરની તરફ આંગળી કરી કહ્યું.

કબીરે ગામલોકો તરફ એક નજર કરી અને પછી પોતાનું બોલવાનું શરૂ કર્યું.

"અહીંયા હાજર શિવગઢનાં દરેક રહેવાસીને મારાં નમસ્કાર..હું અહીં ગિરીશભાઈ દ્વારા સેવા ને નામે ચાલતી હોસ્પિટલમાં થતાં ગોરખધંધા વિશે આપ સૌ ને માહિતગાર કરવા આવ્યો છું..અહીં તમે જે લોકો આવ્યાં છો એ બધાં નું ગિરીશભાઈ દ્વારા ઓપરેશન થયેલું છે..બરાબરને..?"

જવાબમાં ગામલોકોએ હકારમાં ડોકું ધુણાવ્યું એટલે કબીર એ આગળ બોલવાનું શરૂ કર્યું.

"ડોકટર ગિરીશ દ્વારા તમને કહેવામાં આવતું હશે કે તમારું આંતરડું વધી રહ્યું છે..જે તમારાં પેટનાં અંદરનાં ભાગને નુકશાન પહોંચાડશે જેનાં લીધે તમારું મૃત્યુ પણ થઈ શકે છે વગેરે વગેરે..આ બધું સાંભળી તમે ડરી ગયાં હશો અને એ હરામી ડોકટર સામે કરગર્યા હશો બદલામાં એને મફતમાં તમારું એપેન્ડિક્સ નું ઓપરેશન કરી આપ્યું હશે અને તમારી નજરોમાં પોતાની જાતને ભગવાન બનાવી દીધી હશે.."કબીર જે કંઈપણ બોલી રહ્યો હતો એ ત્યાં હાજર બધાં શાંતિથી સાંભળી રહ્યાં હતાં કેમકે કબીરની વાત અક્ષરશઃ સાચી હતી.

"તમારાં એપેન્ડિક્સ નાં ઓપરેશનનાં બહાને એને તમારી કિડની કાઢી લીધી છે..જેની તમને ખબર જ ના પડી.."આટલું કહી કબીરે પોતાની જોડે રહેલાં સોનોગ્રાફી રિપોર્ટ પરથી લોકો ને સમજાવ્યું કે એપેન્ડિક્સ નું ઓપરેશન કઈ બાજુ કરવામાં આવે છે..આ બધી વાતમાં એને રમણભાઈ નો પણ જવાબ એ લોકોને સંભળાવ્યો.

ત્યારબાદ કબીરે પ્રોજેક્ટર ચાલુ કર્યું અને એપેન્ડિક્સ વખતે થતી તકલીફો, એનું ઓપરેશન અને ઓપરેશન પછી કઈ બાજુ નિશાન હોય છે એ બધું વીડિયો દ્વારા સમજાવી જોયું..કબીરની વાત સાંભળી ગ્રામજનોએ પોતાનાં ખમીસ ને ઊંચું કરી પોતાને ક્યાં ઓપરેશનનું નિશાન હતું એ તપાસી જોયું..પંદર-સત્તર લોકોને બાદ કરતાં બધાં ને જમણી તરફ ઓપરેશન કર્યાના ટાંકા હતાં.. અને જે પંદર લોકો વધ્યાં હતાં એમને પણ ભલે ટાંકા ડાબી તરફ હતાં પણ એ હોવાં જોઈએ ત્યાં નહોતાં.

આ બધું જોઈને તો ગામલોકોની અંદર રોષ અને આશ્ચર્ય નું મોજું ફરી વળ્યું..પોતાનાં ભોળપણ નો ફાયદો ઉઠાવી એમની કિડની કાઢવામાં આવી છે એ જાણ્યાં બાદ તો એ લોકોનાં મનમાં ગિરીશભાઈ નું કાસળ કાઢી નાંખે એવી આગ ભભૂકી ચુકી હતી..કબીરે કિડની કાઢયાં બાદ પડતી તકલીફો વિશે પણ એ બધાં ને જ્યારે માહિતગાર કર્યાં ત્યારે એમને હવે તો કબીરની વાત પર 110% ભરોસો બેસી ગયો હતો.

"અમે મારી નાંખીશું એ નીચ ડોક્ટરને.."લોકો જોરજોરથી એકસુરમાં બોલવા લાગ્યાં.

"તો પછી રાહ શેની જોવો છો..ચાલો નીકળીએ એ ડૉક્ટરનાં ઘરની તરફ.."નટુ એ એ બધાં ને પોરસ ચડાવતાં કીધું.

"ચાલો બધાં.. આજે તો એ ડોક્ટરને નર્કનાં દ્વારે પહોંચાડીને જ રહીશું.."બધાં પોતાની જગ્યાસેથી ઉભાં થતાં બોલ્યાં.

આ લોકો હવે ગિરીશને એનાં કર્મોની સજા આપીને જ રહેશે એમ વિચારી કબીર મનોમન ખુશ થઈ રહ્યો હતો..કબીર પણ એ લોકોનો પારો ચડાવતાં બોલ્યો.

"તો પછી રાહ શેની જોવો છો..આજની રાત જ એ ડૉક્ટરનાં વેશમાં મોજુદ દાનવ ને ખતમ કરી દો.."

કબીરનું આટલું બોલતાં તો એ પચાસેક લોકોનું ટોળું આક્રમક બની ડોકટર ગિરીશ રહેતો હતો એ તરફ લગભગ દોડતું હોય એમ ચાલી નીકળ્યું..નટુ એ આ ટોળાની આગેવાની લીધી હતી.એ લોકોએ રસ્તામાં જે કંઈપણ મળ્યું લાકડી,પાઇપ, પથ્થર બધું પોતાનાં હાથમાં લઈ રાખ્યું હતું..માસુમ લોકોની જીંદગી સાથે રમનાર ડોકટર ગિરીશને આજે એનાં કર્મોની સજા મળવાની હતી એ વાતથી એ બેખબર હતો.

જેવાં એ લોકો ગિરીશનાં ઘરે પહોંચ્યા એ સાથે જ નટુ એ એક પથ્થર ઘરની બારી પર ફેંકી મોટેથી કહ્યું.

"બહાર નીકળ સાલા હરામખોર.."

બીજાં બધાં લોકોની પણ બુમો આ સાથે ચાલુ જ હતી જેમાં એ બધાં ડોક્ટરને બહાર નીકળવા કહી રહ્યાં હતાં..પંદરેક મિનિટ સુધી પથ્થર નો મારો ઘરની અલગ અલગ બારીઓ ઉપર કરવા છતાં અંદરથી કોઈ પ્રતિભાવ ના મળતાં નટુ એ બધાં ની તરફ જોયું અને મોટેથી બોલ્યો.

"લાગે છે આ નીચ પોતાની મોત સામે જોઇને ડરી ગયો છે..ચાલો આપણે બારણું તોડી અંદર જઈએ.."

નટુ નાં આટલું બોલતાં તો ગામલોકોનું એ ટોળું ગિરીશનાં ઘરનાં મુખ્ય દરવાજાને તોડવા માટે એ તરફ ઘસી ગયું..જ્યાં એક નવું આશ્ચર્ય એમની રાહ જોઇને ઉભું હતું.

                          ★★★★★★

વધુ આવતાં અંકમાં.

શું થશે ડોકટર ગિરિશનું..?વીર કઈ પેટીઓની વાત કરી રહ્યો હતો...?કબીર કંચનને બચાવી શકશે કે નહીં..?મોહનનાં બદલાયેલાં નામ અને અલગ ચહેરા પાછળની હકીકત શું છે..?એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

                                   -દિશા.આર.પટેલ

***

Rate & Review

Hardik Parmar

Hardik Parmar 3 months ago

Aarti Dharsandia

Aarti Dharsandia 4 months ago

Rathod. Shailesh

Rathod. Shailesh 8 months ago

Fahim Raj

Fahim Raj 9 months ago

Mayank Patel

Mayank Patel 9 months ago