રૂહ સાથે ઈશ્ક રિટર્ન 32

                   રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 32

રાજુ બાદ કબીરે ડોકટર ગિરીશને પણ પોતાની યોજના મુજબ મોત ને હવાલે કરી દીધો હતો.કંચન ને બચાવવા માટે કબીર એક નક્કર આયોજન કરી ચુક્યો હોય છે.ઠાકુર પ્રતાપસિંહ ને ચમન થકી જાણ થાય છે કે ગિરીશ ની મોત માટે કબીર જ જવાબદાર છે એટલે પોતાનાં પુત્ર વીર સાથે તેઓ વુડહાઉસ તરફ આગળ વધે છે.
આ તરફ કબીર ની યોજના મુજબ જ જીવાકાકા પહેલાં પોતાનાં ઘરે જઈને એમની પત્નીને ઠાકુર પ્રતાપસિંહ ની હકીકતથી અવગત કરે છે..જીવાકાકા નાં પત્ની એમનાં કહ્યાં મુજબ જ સાંજે ઠાકુર પ્રતાપસિંહ ની હવેલી સુધી પહોંચી જાય છે.કોઈ એમની વાત સાંભળે નહીં એ રીતે જીવાકાકા નાં પત્ની એમનાં દીકરા બંસી અને બંસીની પત્ની કંચનને આ બધું જણાવે છે.
પહેલાં તો ભગવાનની જેમ જેને પૂજે છે એવાં ઠાકુર પ્રતાપસિંહ પર શક કરવાનો વિચાર પણ બંસી નથી કરી શકતો..પણ જ્યારે કંચન એ કહ્યું કે પોતે ઠાકુર ને કોઈ તાંત્રિક જોડે વાત કરતાં સાંભળેલાં છે કે એમનો નવો શિકાર અત્યારે એમની કોઠી ઉપર જ મોજુદ છે અને નજીકમાં નક્કી સમયે એ એની બલી આપીને સર્વશક્તિમાન બનવાની પોતાની ઈચ્છા પૂર્ણ કરશે તો એ સમજી ગઈ હતી કે ઠાકુર નક્કી ક્યાંક પોતાની જ વાત કરી રહ્યાં હતાં..એ દિવસથી પોતે ભયનાં ઓથાર નીચે જીવતી હતી..છતાં તમે મારી વાત નહીં માનો એટલે હું ચૂપ જ રહી.
કંચન ની વાત સાંભળ્યાં બાદ તો બંસી પણ ઠાકુર પ્રતાપસિંહ ને ભારોભાર નફરત કરવાં લાગ્યો..પોતાની માં નાં કહ્યાં મુજબ ઘરે રહેતો પોતાનો પુત્ર બીમાર હોવાનું બહાનું સિક્યુરિટી વાળા ને બતાવીને બંસી પોતાની પત્ની અને વૃદ્ધ માં જોડે મહાદેવ મંદિર જવા માટે ત્યાંથી નીકળી ગયો.
કબીરે નક્કી કર્યાં મુજબ જીવાકાકા પણ એમનાં પૌત્ર ને લઈને ત્યાં આવી પહોંચ્યા..કબીર અને નટુ ત્યાં સમયસર હાજર હતાં.કબીરને ખબર હતી કે પોતે જ ગિરીશ ની હત્યા પાછળ સામેલ છે એ વાત જ્યારે ઠાકુર પ્રતાપસિંહનાં કાને પહોંચશે ત્યારે પોતાનાં માટે મુસીબત નો સબબ બનશે..માટે એ સાંજે જ પોતાનો બધો સામાન લઈને ત્યાંથી વુડહાઉસને લોક કરીને મંદિરે આવી પહોંચ્યો હતો.
કબીરે જીવાકાકાનાં આખા પરિવાર ને ફટાફટ ગાડીમાં બેસવા કહ્યું અને પછી હરગોવન મહારાજ જો આશીર્વાદ લઈને ત્યાંથી પોતાની ગાડીને દોલતપુર જવા ભગાવી મૂકી..ઠાકુર પ્રતાપસિંહ જ્યારે વુડહાઉસ તરફ જવા નીકળ્યાં ત્યારે એમનાં નીકળ્યાં ની બે મિનિટ પહેલાં જ કબીર શિવગઢ મૂકીને દોલતપુર જવા નીકળી ચુક્યો હતો.
કબીર વુડહાઉસમાં હાજર નથી એ વાતથી બેખબર ઠાકુર પ્રતાપસિંહ પોતાનાં દીકરા વીર અને સાગરીતો સાથે વુડહાઉસ આવી પહોંચ્યા..પહોંચતાં ની સાથે ઠાકુરે ગાડીનું આગળનું ડ્રોવર ખોલી એમાંથી પોતાની પસંદગીની જર્મન બનાવટની રિવોલ્વર કાઢી અને ગાડીનો દરવાજો ખોલી વુડહાઉસ નાં પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યાં.
વુડહાઉસ નો દરવાજો બહારથી લોક જોતાં જ વીર ઉકળાટ માં ગંદી ગાળ દેતાં બોલ્યો.
"લાગે છે એ હરામી અહીં નથી લાગતો..અને આ ઘર પણ લોક છે.."
"એને તો ગમે ત્યાંથી શોધી કાઢીશું..અને આ લોક તો આમ તૂટે.."આટલું કહી ઠાકુર પ્રતાપસિંહ એ પોતાની રિવોલ્વર નું નિશાન વુડહાઉસનાં બારણે લટકી રહેલ તાળાં પર રાખી ટ્રિગર દબાવી દીધું.ગોળીનાં પ્રહારથી તાળું એક ઝટકા સાથે ખુલી ગયું.
આંખનાં ઈશારાથી જ ઠાકુર પ્રતાપસિંહે વીર ને દરવાજો ખોલી અંદર પ્રવેશવા કહ્યું..વીરે ઠાકુરનો સંકેત સમજી દરવાજો ખોલ્યો અને વુડહાઉસમાં પ્રવેશ્યો.વીર ની પાછળ પાછળ ઠાકુર અને એમની જોડે આવેલાં ચમન અને બીજાં ત્રણ સાગરીતો પણ વુડહાઉસમાં પ્રવેશ્યાં.
"વીર આમને લઈને ઉપર જા અને બધી પેટીઓ નીચે લેતો આવ.."ઠાકુર પ્રતાપસિંહે એક ખુરશી પર સ્થાન લેતાં વીર ને કહ્યું.
ઠાકુર પ્રતાપસિંહ નો પડ્યો બોલ ઝીલવા ટેવાયેલાં એમનાં સાગરીતો વીર ની પાછળ પાછળ એને અનુસરતાં દાદરો ચડ્યાં અને કબીર જ્યાં રહેતો હતો એની સામે જે બંધ રૂમ હતો અને પોતાનાં જોડે રહેલી ચાવી વડે ખોલ્યો અને પછી રૂમમાં પ્રવેશ્યો.. આ રૂમ પણ કબીરનાં રૂમની જેવો જ હતો..પણ આમાં એક ખાસ બનાવટ કરવામાં આવી હતી.
વીરે અંદર જઈને દીવાલ પર લટકતી સાત દોડતાં ઘોડાની તસ્વીર ને એક તરફ ઘુમાવી એટલે બાથરૂમની જોડેનો લાકડાનો ભાગ એક તરફ સરકી ગયો..વીરે પોતાની જોડે આવેલ પોતાનાં સાથીદારો ને એ ખસેલા ભાગ માં પડેલી પેટીઓ નીચે મૂકી આવવાં કહ્યું.વીર નાં આદેશ મળતાં જ બે લોકો ની ટુકડી બે-બે ધક્કામાં એ પેટીઓને નીચે ઠાકુર પ્રતાપસિંહ જ્યાં બેઠાં હતાં ત્યાં લઈ ગયાં.
વીર રૂમને જેવો હતો એવો કરીને પુનઃ નીચે પોતાનાં પિતાજી જ્યાં હતાં ત્યાં આવી પહોંચ્યો.ત્યાં પહોંચતાં ની સાથે જ વીરે ઠાકુર પ્રતાપસિંહ ને ઉદ્દેશીને કહ્યું.
"પિતાજી આ રહી એ પેટીઓ જેમાં તમારાં MLA બનવાની શક્તિ છુપાયેલી છે.."
"હા દીકરા,હવે આ ઈલેક્શનમાં પાર્ટી મને ટીકીટ આપશે એ નક્કી છે..અને આ પેટીઓમાં રહેલી વસ્તુનાં જોરે હું ઈલેક્શન જીતી પણ લઈશ.."પોતાની જગ્યાએથી ઉભાં થઈને પેટીઓ તરફ આગળ વધ્યા.
ઠાકુરે એક પછી એક બધી પેટીઓ ખોલી દીધી અને એમાં રહેલી વસ્તુઓને ફાટી આંખે જોઈ રહ્યાં..આ પેટીઓની અંદર વિવિધ પ્રકારની મોંઘી બંદૂકો, બૉમ્બ અને વિસ્ફોટકો મોજુદ હતાં.વીરે ગિરીશની સહાયતાથી પાંચ લોકોની કિડની મલેશિયા જઈને વેચી હતી અને એનાં બદલામાં બ્લેક માર્કેટમાંથી આ બધી હિંસક સામગ્રી ખરીદતો આવ્યો હતો..આ બધું અત્યારે પોતાની કોઠી ઉપર રાખવું હિતાવહ નથી એવું સમજતાં ઠાકુર પ્રતાપસિંહ એ એ બધી પેટીઓને અહીં વુડહાઉસ માં રખાવી દીધી હતી.
"ચાલો તો આ પેટીઓ ગાડીમાં મુકો.."પોતાનાં સાગરીતોને હુકમ કરતાં ઠાકુરે કહ્યું.
એમની વાતનો તરત અમલ થયો અને ઠાકુરનાં માણસોએ એ ચારેય પેટીઓ ઉપાડીને ગાડીમાં ગોઠવી દીધી..ત્યારબાદ વીર ઉપર ગયો જ્યાં કબીર રોકાયો હતો..અહીં કબીરનો કોઈ સામાન મોજુદ ન હોવાનું જોયાં બાદ વીર સમજી ગયો કે કબીર અહીંથી ભાગી છૂટ્યો હતો..એને આ વાત ઠાકુર ને જણાવી ત્યારે ઠાકુરનાં મગજમાં એક ઝબકારો થયો.
ઠાકુરે ફટાફટ લેન્ડલાઈનનું રીસીવર હાથમાં લઈને કોઠી નો નંબર ડાયલ કર્યો..પણ અહીંની લેન્ડલાઈન તો બંધ હતી એટલે ઠાકુરે ગુસ્સામાં રીસીવર પછાડયું અને વીર ની તરફ જોઈને બોલ્યાં.
"વીર જલ્દી ગાડીમાં બેસ.. આપણે વહેલીમાં વહેલી તકે કોઠી પહોંચવું પડશે.."
ઠાકુરનો હુકમ થતાં જ વીર અને એમનાં અન્ય સાથીદારો નીકળી પડયા ઠાકુર પ્રતાપસિંહ ની હવેલીની તરફ..કબીર ત્યાં હાજર ન હોવાનું જાણ્યાં બાદ ઠાકુરને પોતાની બધાં કાળાં કામથી જો કબીર અવગત હશે તો ચોક્કસ એ પોતાની સાથે કંચનને પણ લઈ ગયો હશે એ વિચારી ઠાકુરને ફાળ જરૂર પડી હતી..અને એનાં જ નિવારણ માટે ઠાકુરે વીરને જલ્દીથી કોઠી પહોંચવા કહ્યું હતું.
ગાડીમાં બેઠાં બાદ ઠાકુર ને કંઈક યાદ આવતાં ચમન ને પોતાની જોડે બોલાવ્યો અને કહ્યું.
"ચમન તને ખબર છે ને કે આપણો નોકર જીવો ક્યાં રહે છે.."
"હા માલિક.."ચમને ટૂંકમાં જવાબ આપ્યો.
"તું જલ્દીથી તારી બાઈક પર આ લાલજી ને લઈને જીવા નાં ઘરે જોતો આવ કે ત્યાં કોઈ છે કે નહીં..અને જો કોઈ હોય તો એને અહીં કોઠી પર ઢસડીને લેતો આવ.."ઠાકુરે કહ્યું.
ઠાકુરે અચાનક આવો કેમ હુકમ કર્યો એ વિચારી ચમનને નવાઈ જરૂર લાગી પણ ક્યારેય ઠાકુર ને પ્રશ્ન કરવા ના ટેવાયેલાં ચમને ઠાકુરને હાથ જોડ્યા અને પોતાની બાઈક ને જીવાકાકા નાં ઘરની તરફ ભગાવી મૂકી.
ઠાકુર વુડહાઉસમાંથી નીકળી સીધાં જ પોતાની કોઠી પર પહોંચ્યા..ઠાકુરની ગાડીને જોતાં જ એમનાં સિક્યુરિટી ગાર્ડે કોઠીનો દરવાજો ખોલી દીધો.પુરપાટ ઝડપે ઠાકુર ની ગાડી પાર્કિંગમાં આવીને ઉભી રહી..ગાડી ઉભી રહેતાં જ ઠાકુરે ઉંચા સાદે બંસીને અવાજ આપ્યો.
"બંસી.. ઓ...બંસી.."
બંસીનો કોઈ પ્રતિભાવ ના મળતાં ઠાકુરે ફરીવાર કહ્યું.
"ક્યાં મરી હરામખોર.. બંસી.."
પણ બંસી હોય તો જવાબ આપે ને..ઠાકુરની બુમાબુમ સાંભળી એમનો સિક્યુરિટી ગાર્ડ હવેલીની અંદર આવ્યો અને ઠાકુર પ્રતાપસિંહ જોડે પહોંચી માથું ઝુકાવી બોલ્યો.
"માલિક,બંસી ની બૈરી અને બંસી તો સાંજે જ પોતાનાં ઘરે ગયાં છે..એમનો દીકરો વધુ બીમાર છે એવું એ કહેતાં હતાં એટલે મેં પણ એમને જતાં ના રોકયાં."
સિક્યુરિટી ગાર્ડ ની વાત સાંભળી ધૂંવાપૂવા થયેલાં ઠાકુરે પોતાનો હાથ જોરદાર રીતે દીવાલ પર અથડાવ્યો અને કહ્યું.
"બહુ મોટી ગેમ રમાઈ ગઈ છે આપણી જોડે.."
ઠાકુર હજુ કંઈક વધુ બોલે એ પહેલાં તો ચમનની બાઈક કોઠીમાં પ્રવેશતી જોઈ..હવે ચમન શું ખબર લઈને આવ્યો હતો એની ઉપર ઠાકુર પ્રતાપસિંહનો સઘળો મદાર હતો.
"શું થયું..કોઈ મળ્યું કે નહીં જીવા નાં ઘરે..?"ચમનનાં પોતાની જોડે પહોંચતાં જ ઠાકુરે સવાલ કર્યો.
"ઠાકુર સાહેબ..જીવાનાં ઘરે તો તાળું મારેલું છે..એનાં પડોશમાં રહેતાં તભા એ કીધું કે આજે જ એ પોતાનાં પૌત્ર ને લઈને ક્યાંક નીકળી ગયો છે..જતી વખતે એની જોડે એક બેગ પણ હતી એવું પણ તભો કહેતો હતો.."ઠાકુર પ્રતાપસિંહનાં સવાલનો જવાબ આપતાં ચમન બોલ્યો.
"તમે બધાં પેલી પેટીઓ ભોંયરામાં મૂકી ને પછી આખું ગામ ફેંદી વળો અને બંસી કે એનાં પરિવારમાંથી જે કોઈપણ હાથમાં આવે એને અહીં લેતાં આવો.."ઠાકુર પારાવાર ગુસ્સામાં બોલ્યાં.
ઠાકુરનાં કહ્યાં મુજબ એમનાં માણસો વુડહાઉસમાંથી લાવેલી પેટીઓને હવેલીનાં ભોંયરામાં મૂકીને એક ગાડી લઈને શિવગઢ ગામમાં નીકળી પડ્યાં.
"પિતાજી તમને શું લાગે છે..આ બધાં પાછળ પણ.."વીરે જાણી જોઈ પોતાનું વાક્ય અધૂરું મુકતાં કહ્યું.
"હા આ બધાં પાછળ પણ કબીર રાજગુરુ જ છે..એને ગિરિશે આ બધી હકીકત જણાવી દીધી લાગે છે એટલે એને કંચનને બચાવવા એનાં પરિવારને શિવગઢમાંથી લઈ જઈને બીજે ક્યાંક સુરક્ષિત સ્થાને છુપાવી દેવાનું કર્યું છે."પોતાનાં હાથની મુઠ્ઠી ને વધુ ભીંસીને ઠાકુર બોલ્યાં.
"તો પછી ચૌદશ નાં રોજ આપવામાં આવનાર બલી નું શું કરીશું..?"વીરે ચિંતિત સ્વરે કહ્યું.
વીરનાં આ સવાલનો પોતાની જોડે કોઈ જવાબ ન હોવાથી ઠાકુર પ્રતાપસિંહ એ ડાઇનિંગ ટેબલ ની જોડે રાખેલી ખુરશી પર બેઠક લીધી.પોતે બલી માટે કોઈ નવી ગર્ભવતી મહિલા કઈ રીતે શોધશે એ વિચારતાં ઠાકુરની નજર ડાઇનિંગ ટેબલ પર પડેલાં અમુક કવર પર પડી.
ઠાકુરે ઝીણી આંખે જોયું તો એક કવર પર વુડહાઉસનું એડ્રેસ લખ્યું હતું..ઠાકુર પ્રતાપસિંહ જ વુડહાઉસનાં માલિક છે એ વાત જાણતો હોવાથી ટપાલી વુડહાઉસનાં સરનામે આવેલો લેટર કોઠી પર પહોંચાડી ગયો હતો..અત્યારે કવરમાં બંધ એ લેટર તરફ નજર પડતાં જ ઠાકુર પ્રતાપસિંહ એ એ કવર હાથમાં ઉઠાવી લીધું.
કવર ફાડીને ઠાકુરે એ કવર ફાડયું અને એમાંથી લેટર બહાર કાઢી એમાં રહેલ લખાણ એક પછી એક વાંચવાનું શરૂ કર્યું..જેમ-જેમ ઠાકુર પ્રતાપસિંહ એ લેટર વાંચી રહ્યાં હતાં એમ-એમ એમનાં ચહેરા પર ની શૈતાની ચમક વધુ તીવ્ર બની રહી હતી...!
                         ★★★★★★
વધુ આવતાં અંકમાં.
લેટરની અંદર એવું તો શું લખ્યું હતું જે વાંચી ઠાકુરનો ચહેરો ચમકી ઉઠ્યો..?..મોહનનાં બદલાયેલાં નામ અને અલગ ચહેરા પાછળની હકીકત શું છે..?એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.
માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ 
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક 
ડણક
અનામિકા
The haunted picture
સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.
                                   -દિશા.આર.પટેલ
***

Rate & Review

Verified icon

Rathod. Shailesh 3 months ago

Verified icon

Fahim Raj 3 months ago

Verified icon

Mayank Patel 3 months ago

Verified icon

Ashish Rajbhoi 5 months ago

Verified icon

Meghna Kotiya 5 months ago