Veer Vatsala - 8 books and stories free download online pdf in Gujarati

વીર વત્સલા - 8

વીર વત્સલા

નવલકથા

રઈશ મનીઆર

પ્રકરણ - 8

ખરેખર માણેકબાપુની આ ઝૂંપડી અને આ ઘડી સરદારસિંહ માટે શુકનવંતી હતી. સરદારસિંહ વઢવાણનો હતો, પણ વઢવાણમાં પાંચેક વરસથી એના વળતાં પાણી હતા. દુર્જેયસિંહના સાસરા સાથે એની દૂરની સગાઈ હતી ખરી પણ એ કંઈ સગાઈના જોરે એને સાથ આપી નહોતો રહ્યો. દિલીપસિંહ અને તેજલબાને જીવતાં અથવા મૂએલાં હાજર કરનારને સો વીઘા જમીન મળવાની હતી. તેથી દિવસોથી રાજના દુશ્મનની પાછળ સિપાહીઓ જુદી જુદી ટોળકી બનાવી પડયા હતા, એ સૌ ટુકડીઓને હંફાવી આ જશ એને પોતાને મળ્યો. દિલીપસિંહ અને તેજલબાનો ખાતમો પોતાને હાથે થયો તેથી સરદારસિંહની ખુશીની કોઈ સીમા નહોતી. નસીબનું પાનું પલટાયું હતું. કુટુંબના ઝઘડા અને નશાખોરીને કારણે હાથથી સરી ગયેલી જમીનદારી હવે સરદારસિંહને પાછી મળવાની હતી.

આજે દિલીપસિંહ અને તેજલબાના લોહીરૂપે સારો સમય સરદારસિંહના ભાલે રક્તતિલક કરવા આવ્યો હતો. એના સ્વભાવગત અહંકારને ફૂલવાફાલવા માટે હવે સો વીઘાંની સાહ્યબી મળવાની હતી. ગોળ જોઈ માખીઓ આવે એમ ખુશામતખોરોની મંડળી ફરી જામવાની હતી. હુક્કાપાણી-કસુંબાનો દૌર ચાલવાનો હતો. વૈભવી જીવનની આનાથી ઊંચી કલ્પના કરવાની એની વિસાત નહોતી. નાનકડાં ધીંગાણાથી ગરમ થયેલા એના લોહીમાં આવી કલ્પનાથી ધીરેધીરે ઠંડક વ્યાપી રહી હતી.

હુકુમસિંહની વાત એના ગળે ઉતરી.

ખિસામાંથી થોડા કાવડિયા કાઢી માણેકબાપુ તરફ ફેંક્યા, “બધું સમું કરાવી લેજે!”

માણેકબાપુ વિચારી રહ્યા હતા, આ લોકો જાય તો વત્સલાને શોધવા નીકળું.

તો દૂરથી નજર રાખી રહેલી વત્સલાને પણ માણેકબાપુની ચિંતા હતી. ત્યાં જ કિનારા તરફથી સિપાહીઓના હોકારા-પડકારાના અવાજ આવ્યા. ચકોર વત્સલાને તરત ખ્યાલ આવી ગયો કે સો વીઘાની લાલચમાં આવેલી સિપાહીઓની આ બીજી ટુકડી હશે જે માલવપુરથી નદીને કિનારેકિનારે દુર્ગમ રસ્તે આવી રહી હતી.

એમનાથી પણ બાળકને બચાવવું જરૂરી હતું. સરદારસિંહ અને હુકુમસિંહ ઘોડે ચડ્યા કે તરત વત્સલાએ બાળક હાથમાં લઈ મઢૂલી તરફ દોટ મૂકી.

સરદારસિંહ દુશ્મનને હણ્યાના શુભ સમાચાર દુર્જેયસિંહને આપવા ઉતાવળો થયો હતો. રાજના દુશ્મનોનો સફાયો બોલી ગયો છે એનો પુરાવો રજૂ કરવા હુકુમસિંહે મહેતરને બોલાવી બન્ને લાશ સૂરજગઢ મોકલવાની હતી.

હુકુમસિંહ મહેતરને લઈને આવે ત્યાં સુધી લાશને જંગલી કૂતરા ખેંચી ન જાય એ માણેકબાપુએ જોવાનું હતું. એટલે માણેકબાપુ ઝૂંપડીની પાછળ લાશ તરફ ગયા. અને સરદારસિંહ અને હુકુમસિંહ ઘોડો પલાણી નીકળ્યા અને વત્સલા દોડતી આવી.

વત્સલાના હાથમાં બાળક જોઈ માણેકબાપુ ચોંક્યા. તરત વત્સલા બોલી, “બાપુ, તમને મારા સમ છે જો કશું બોલ્યા તો!”

જલદીથી એણે ભેંસનાં આંચળ ખેંચ્યા અને દૂધની સેર બાળકના મોં પર પડી. અડધું દૂધ મોં પર અને ગાલ પર લાગ્યું, અને અડધું બાળક ચપચપ કરતું પી ગયું.

દૂધની બીજી બે સેર ભૂખ્યા બાળકના મોં પર પડી ત્યાં તો સિપાહીઓના હોંકારા-પડકારા નજીક આવ્યા. વત્સલા બાળકને લઈને ઝૂંપડીમાં ભરાઈ ગઈ.

કોલાહલ સાંભળીને તરત સરદારસિંહ અને હુકુમસિંહ પાછા આવ્યા!

માણેકબાપુને વચ્ચેથી હટાવી સીધા ઝૂંપડીમાં ગયા.

વત્સલાના ખોળામાં બાળક જોઈને સરદારસિંહ ચોંક્યો!

વત્સલાને થયું, માબાપ ભેગા બાળકની પણ આવરદા આવી ગઈ. એને મરતી સ્ત્રીની આંખો યાદ આવી.

“કોનું બાળક છે?” સરદારસિંહ બરાડ્યો. પાછળ આવતાં હુકુમસિંહને પૂછ્યું, “પરણેલી છે આ?”

હુકુમસિંહને વીણાના બાળક ગણેશ વિશે ખબર હતી. પણ આ.. આ તો નવજાત લાગતું હતું. એ મૂંઝાયો..

“બોલ, બૂઢા! કોનું બાળક છે આ? આ છોકરીનું છે?” સરદારસિંહનો અવાજ વધુ ઊંચો થયો.

વત્સલાએ ઘડીભરમાં વિચારી લીધું કે હાબોલીશ તોય આને સંતોષ નહીં થાય!

વત્સલાના કાનમાં મરતી સ્ત્રીએ માંગેલું વચન પડઘાઈ રહ્યું હતું, “બચાવશે ને એને?”

એણે સામે ઊભેલા બાપ અને બે પુરુષોની શરમ ત્યજીને પોતાનું પોલકું ઊંચું કર્યું. દોડધામમાં ઓઢણી પડી ગઈ હતી એટલે આડશ કરવા માટે કંઈ હતું નહીં. બન્ને પુરુષોએ વત્સલાની ધોળી છાતીની ઘડીભર ઝલક જોઈ. વત્સલાએ મમતાપૂર્વક બાળકને છાતીએ લગાડી દીધું.

બાળક માતાની છાતીએ વળગેલું હોય એ દૃશ્યની પકડ કેવી સખત હોય! પથ્થરદિલ સરદારસિંહના મનનીય જરાતરા શંકા એ દ્રશ્ય જોઈ ઓગળી ગઈ. અને નવી કોઈ શંકા જન્મી નહીં. આમેય એ અઠવાડિયા પહેલા જ વઢવાણથી આવ્યો હતો અને તેજલબા બેજીવી હશે એ વાતથી એ ઘડીએ એ અજાણ હતો.

વત્સલા સ્થિતિને પારખી ગઈ હતી. એ સમજી ગઈ કે બાળકને બચાવવા માટે બોલવાની જરૂર જ નથી. એ પુરુષો સાથે આંખ મેળવ્યા વગર બાળકને છાતીએ લગાડી એના ગાલે લાગેલું દૂધ આંગળીથી ઉસેટી એના મોંમા નાખતી રહી, અને બાળક બચ બચ કરતું રહ્યું.

બન્ને પુરુષોએ એ દૂધ પણ જોયું. એટલે વત્સલા જ આ બાળકની માતા છે એ બાબતે એમને કોઈ શંકા રહી નહીં.

હુકુમસિંહને તો એ વાતનો ખ્યાલ હતો જ કે તેજલબાને સારા દિવસો જાય છે. પણ એક બાળકને છાતીએ વળગાડી મમતાની ધારા વહાવી રહેલી વત્સલાને જોઈ, ત્યારે આ બાળક તેજલબાનું હોઈ શકે, એવો વિચાર એને આવ્યો જ નહીં. કેમ કે હુકુમસિંહનું મન જરા જુદી દિશામાં ચકરાવે ચડ્યું હતું.

હુકુમસિંહ બોલ્યો, “એ ય છોડી, વીરસિંહ તો બે વરસથી પરદેશ છે! આ જંગલમાં કોની સાથે મંગલ કર્યું?”

માણેકબાપાના હાથ ભીંત પરથી કટારી ઉતારી આ નીચ કલ્પના કરનાર સિપાહીના ગળે ખૂંપાવી દેવા સળવળી રહ્યા. પણ એ ઝનૂન કરતાં અસમંજસનો ભાવ એમના મનને વધુ મૂંઝવી રહ્યો હતો. વત્સલાએ આ કોના બાળકને છાતીએ લગાડ્યું છે? શું કામ લગાડ્યું છે? એની સમજ એમને પણ કેમે કરી પડી નહીં.

ત્યાં જ બીજી ટુકડીના સિપાહીઓના પગરવ સાંભળી સરદારસિંહ અને હુકુમસિંહ બહાર ધસ્યા. વત્સલાએ માણેકબાપુને ચૂપ રહેવા ફરી એકવાર ઈશારો કર્યો. સુવાવડી સ્ત્રી બાંધે એવો રુમાલ એણે માથે બાંધી દીધો.

બાળકને છાતીએ લગાડેલું રાખી એ બહાર આવી. એને માટે આ અનુભવ નવો ન હતો. રમત રમતમાં વીણાની સાથે સાથે એણે પણ ગણેશને ક્યારેક છાતીએ લગાડ્યો હતો.

નદીકાંઠે દિલીપસિંહના સગડ જોઈ મારતી ઝડપે આવી પહોંચેલા બીજી ટુકડીના સિપાહીઓ બે લાશ પડેલી જોઈ હતાશ અને નારાજ હતા.

હુકમસિંહે બીજી ટુકડીના ઉધમસિંહ અને જુગલસિંહને ઓળખ્યા. એ વ્યંગમાં બોલ્યો,

“બહાદુરો! તમે લોકો જરાક મોડા પડ્યા. સરદારસિંહે રાજના દુશ્મન દિલિપસિંહ અને તેજલબાનું કામ તમામ કરી દીધું! આ પડી બન્નેની લાશ!”

સરદારસિંહ મૂછોને તાવ દેતો રહ્યો અને બીજી ટોળીના સૈનિકોમાં ગણગણાટ ચાલુ રહ્યો.

વત્સલાને હવે સમજાયું કે જે હણાયાં તે દિલીપસિંહ અને તેજલબા હતા અને પોતે એવા અનાથ રાજવી બાળકને ખોળામાં લઈને ઊભી છે કે જેણે પકડાય તો બહુ જલદી મરવાનું હતું, અને બચે તો સતત ભયના ઓથાર નીચે જીવવાનું હતું. કેટલી મોટી જવાબદારી પોતે છાતીએ વળગાડી દીધી છે, એ વિચારી વત્સલા ઘડીભર તો ધ્રુજી ગઈ.

ઉધમસિંહ બોલ્યો, “ગામલોકો કિયે છ કે નદીમાં કૂદ્યા ત્યારે તેજલબાના ખોળે પછેડી હતી.. અને એ પછેડીમાં કદાચ...”

જુગલસિંહે તરત જવાબ વાળ્યો, “અરે ના! તેજલબાને મરેલું બચ્ચું જન્મ્યું હતું, કાલે જ વશરામ કોળીએ એને દાટ્યું! આ પછેડીમાં તો ઘરેણા હશે ઘરેણાં!”

જુગલસિંહને હજુ કમ સે કમ ઘરેણાં મેળવવાની લાલચ હતી, એટલે ઉધમસિંહની વાત એણે કાને ન ધરી.

લાલચુ સિપાહીઓએ લાશ ફેંદી. ન બાળકના અણસાર હતા, ન ઘરેણાંના!

નિરાશ થઈને નીકળતાં ઉધમસિંહ બોલ્યો, “બાળક હશે તોય વેગમતી નદીના મગરો છોડે? ખાઈ ગયા હશે!”

જુગલસિંહ સરદારસિંહ તરફ જોઈ બોલ્યો, “અને ઘરેણાં હશે તો આ લોકોએ દબાવી દીધા હશે!”

એ લોકોના વ્યર્થ બબડાટને સરદારસિંહે કાને ન ધર્યો. સરદારસિંહ વિજયી સ્મિત સાથે એમને જતા જોઈ રહ્યો.

ધમસાણ પછીની શાંતિને વેંઢારતાં માણેકબાપુ પહેરણની બાંયથી પરસેવો લૂછી રહ્યા હતા. અને વત્સલા બીજી દિશામાં ફરી ધાવણ આપવાનો દેખાવ કરી રહી હતી. માણેકબાપુની તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત હતી. વત્સલાએ સોગંદ આપીને જે વાત પૂછવાની ના પાડી હતી, એ વાત એ આપોઆપ સમજી ગયા હતા.

સરદારસિંહને જતાં જતાં પોતાને માટે શુકનરૂપ પુરવાર થયેલી આ મઢૂલીના બન્ને રહેવાસીઓ પર લાગણી જન્મી.

“હુકુમસિંહ! પેલા શાહુકાર પાસે જમીન છોડાવી માણેકબાપુને પાછી અપાવો! કાલે ને કાલે!”

ઘોડો પલાણતાં સરદારસિંહે વત્સલાને પૂછ્યું, “નામ શું છે તારા દીકરાનું?”

વત્સલાએ તાત્કાલિક દીકરાનું નામકરણ કરવું પડ્યું, એ ભય ફગાવીને બોલી, “અભય!”

હુકુમસિંહ એની સમજ અને માહિતીનો તાળો બેસાડીને બોલ્યો, “શાહુકારના દીકરાનું પાપ!”

***