Veer Vatsala - 11 books and stories free download online pdf in Gujarati

વીર વત્સલા - 11

વીર વત્સલા

નવલકથા

રઈશ મનીઆર

પ્રકરણ - 11

ગેમલને માટે આ અનુભવ પહેલીવારનો હતો. એણે સીટી વગાડી, દસેક બહારવટિયા આજુબાજુથી પ્રગટ્યા. સહુ એમના સરદારની આગળ કવચ બની ઊભા રહી ગયા. અને એક સાથે દસ બેનાળી વીરસિંહની સામે તકાઈ ગઈ. સંખ્યાને પહોંચી વળાય એમ નહોતું એટલે વીરસિંહે ગેમલના અહંકારને લલકારવાનું નક્કી કર્યું.

“આમ શિયાળવાની જેમ ગોઠિયાઓની પાછળ છુપાઈ કાં જાય છે! બહાદુર હોય તો સામે આવ!”

ગેમલ આ શબ્દયુદ્ધ ચાલવા દેવા માંગતો ન હતો. પોતાની ટોળકી સામે એના સ્વમાનને ઠેસ પહોંચી રહી હતી. એક સાથીની પાછળ છુપાઈને અચાનક એણે નિશાન લીધું. સાવચેત વીરસિંહ ખસી ગયો અને પાછળ ઘોડાની ઓથે છુપાવા મથી રહેલા ગ્રામવાસીની ખોપરી વીંધાઈ ગઈ.

કાયર! સામે આવી નથી લડવું?” નિર્દોષની હત્યાથી સહેજ હચમચેલો વીરસિંહ ચિલ્લાયો! ગમે તે રીતે ગેમલને લલકારવાની કોશીશ એણે કરી જોઈ. ચારેક બહારવટિયા પોતાના સરદારનું અપમાન થતું જોઈ આગળ ધસી આવ્યા.

વજુ સાંગા પાછળથી બોલ્યો, “વીરસિંહ, જીવ બચાવીને નીકળી જઈએ!”

વીરસિંહે ઘડીભરમાં નિર્ણય લઈ લીધો, એણે ગેમલને લલકાર્યો, “નામનો સરદાર છે તું! ..ચાલ લડાઈ નથી કરવી તો એક સોદો કરીએ. અમારી પાસે જે કંઈ છે એમાંથી બરાબર અડધું તને આપી દઈએ. બાકીનું અડધું લઈ અમને જીવતા નીકળી જવા દે!”

એક ક્ષણ સોપો પડી ગયો. અત્યાર સુધી આ કોતરમાં ગેમલ સામે આવતાં જ કેટલાક તો થથરીને જ મરી જતાં. કેટલાક મનથી મરી જઈને જીવતી લાશ બની જતાં. મોટેભાગના માલમત્તા ધરી દેતા. જ્યારે આ સિપાહી સોદો કરી રહ્યો હતો. તેય ગેમલ સાથે!

હવે વજુ સાંગામાં હિંમત આવી, “અંગ્રેજ રાજ તરફથી બહાદુરીનું ઈનામ લઈને આવેલા સિપાહી છઈએ. યાદ રાખજો, અમે મરશું તો અંગ્રેજ રાજ તમને જીવતા નહીં છોડે!”

છેલ્લા ત્રણ મહિનામાં ગેમલના ત્રણ સાથીઓ જેલમાં ગયા હતા અને બે સાથીઓને અંગ્રેજ એજંટની ફોજે મુઠભેડમાં ઉડાવી દીધા હતા. એમનાય જીવ તંગ હતા.

વીરસિંહ બોલ્યો, “આજે લૂંટ થશે તો અડધી મતાની થશે. અને પૂરી મતા હાથ કરવી હોય તો બાકીના ચારનોય જીવ લેવો પડશે.”

એકાદ બહારવટિયો આ વાત સાંભળી એના ગંદા દાંત દેખાય એ રીતે હસી પડ્યો, “સરદાર! આ તો શિકાર જ સામેથી પાંચેયનો જીવ લેવા કહે છે!”

“અને અમે ચાર તમારામાંથી આઠને માર્યા વગર મરીશું નહીં. અને પછી અંગ્રેજ રાજ જે બદલો લે તે નફામાં!” વીરસિંહ બોલ્યો.

ગેમલે અત્યાર સુધી વેપારીઓ અને એકલ દોકલ સિપાહીઓને લૂંટ્યા હતા. બારેક હત્યાઓ અને ચાલીસેક લૂંટ એના નામે નોંધાઈ હતી. ફરિયાદ ન કરનારાઓની સંખ્યા પણ બહુ મોટી હશે. પણ આજે એક સાથે પાંચ હત્યા! એમાંય કંપનીના ત્રણ બહાદુર સિપાહીઓ એક સાથે ખપી જશે તો બબાલ તો થશે. બહારવટિયાની ટોળકીને ફાળે વિચારવાનું એવું કામ આવ્યું, જેની એમને બિલકુલ ફાવટ નહોતી.

તાણેલી બંદૂકો ઢીલી પડી. આઠેક રક્ષકોના કવચની પાછળ ગેમલે એના એક-બે વિશ્વાસુ સાથીઓ સાથે ઘડીક ચર્ચા કરી, અને “મંજૂર છે!” કહી હાપાડી!

આ સોદો સલામતીથી અમલમાં કઈ રીતે મૂકવો, વીરસિંહ એની યોજના બનાવવા લાગ્યો ત્યાં જ ગજાનંદ રાણા બોલ્યો, “એ દગો કરશે!”

વીરસિંહ દબાતા અવાજે બોલ્યો, “પણ આપણી પાસે આનાથી સારો બીજો કોઈ રસ્તો નથી!”

“હું મારી સોનામહોર નહીં આપું!” એક હાથ કપાળના લોહી નીતરતાં ઘા પર અને બીજો હાથ કમરે બાંધેલી સોનામહોરની ગઠરી પર રાખી ગજાનંદ રાણા મોટે અવાજે બોલ્યો. એ કસમયે જિદે ભરાયો હતો.

ગેમલ હવે આગળ આવ્યો, “નક્કી કરી લે, સિપાહી! તમારી ટોળીનો આગેવાન કોણ છે?”

વજુ સાંગા બોલ્યો, “હું તૈયાર છું અડધી સોનામહોર આપવા!”

બચેલો સાથી બોલ્યો, “આ ચારે ઘોડા મારા છે, એ લઈ લો!”

સાથીઓની શરણાગતિથી અકળાયેલો ગજાનંદ રાણા ઘોડો પલાણી એને એડી મારી ચિલ્લાયો, “કાયર છો તમે બધા!”

એ એના છેલ્લા શબ્દો હતા.

ગેમલે એને ગોળીથી વીંધી નાખ્યો. ગેમલની મુરાદ તો વીરસિંહને વીંધવાની હતી, પણ વીરસિંહ સાવચેત હતો. ગોળી ખાઈનેય સામી ગોળી ઝીંકે એવો જાંબાઝ હતો, એટલે ગેમલે વાટાઘાટમાં નડતર બની રહેલા ગાફેલ સિપાહીને પહેલા દૂર કર્યો. અને ચાર કદમ આગળ આવ્યો.

એનો ગંદા દાંતવાળો સાથી બોલ્યો, “પતાવી દો બધાને સરદાર!”

સરદાર “સબૂર!” બોલે એ પહેલા બે ત્રણ ગોળીઓ છૂટી ગઈ.

વીરસિંહ અને વજુ સાંગાએ સમય વરતીને સામસામી દિશામાં શિલાની આડશમાં પોતાનું સ્થાન લઈ લીધું. છેલ્લી દસ મિનિટની ધમાચકડીમાં આ બન્ને કુશળ સિપાહીઓએ ત્રાંસી આંખે જ્યાં આડશ લઈ ગોળી છોડી શકાય એવી છુપાવાની જગ્યા શોધી રાખી હતી.

બીજો ગ્રામવાસી જે ઘોડાનો માલિક હતો, એની નજીકથી બે ગોળી પસાર થઈ. એ ગભરાયો. એ કોઈ સિપાહી નહોતો પણ એ સારો ઘોડેસવાર હતો, પોતાની એ આવડત પર ભરોસો મૂકી ઘોડો પલાણી એ વિરાટપુરની દિશામાં ભાગ્યો. નસીબ હશે તો પડેલા ઝાડને ઠેકાવી દેવાશે, એમ વિચારી એણે ઘોડાને એડી મારી. બહારવટિયાઓએ એની પીઠનું નિશાન લઈ ગોળી છોડી. ઘોડાઓની મોટેભાગે જોડી હોય. પોતાનો જોડીદાર ઘોડો જ્યાં જાય ત્યાં જ બીજો પણ જાય. એટલે ગ્રામવાસીના ભાગેલા ઘોડાની પાછળ એનો જોડીદાર ઘોડો ભાગ્યો. આ ઘોડા પર ગજાનંદ રાણાની લાશ લદાયેલી હતી. બહારવટિયાઓની ગોળીના માર્ગમાં આ બીજો ઘોડો આવતો હોવાથી ગોળીઓ ગજાનંદની લાશને જ વાગતી હતી. પણ બન્ને ઘોડા ભાગતા રહ્યા. ખાસ તો ઘોડા સાથે ગજાનંદની ગઠરીનું સોનું પણ જઈ રહ્યુ હતું એટલે બહારવટિયાઓએ એમના ઘોડા પાછળ ભગાવ્યા. આ તકનો લાભ લઈ શિલાની આડશે છુપાયેલા વીરસિંહ અને વજુ સાંગાએ ગોળીઓનો વરસાદ વરસાવી એ છ બહારવટિયાને ઉડાવી દીધા અને જે અંધાધૂંધી સર્જાઈ અને ધૂળના ગોટા ઊડ્યા એનો લાભ લઈ વીરસિંહ અને વજુ સાંગા બન્ને ઘોડે બેસી ગયા. અને એમણે ચંદ્રપુરની દિશામાં ઘોડા મારી મૂક્યા, મરણિયો બનેલો ગેમલ બાકીના સાથીઓ સાથે એમની પાછળ પડ્યો.

અત્યાર સુધી આવું કદી બન્યું નહોતું. ગેમલે હુમલો કર્યો હોય અને કોઈ આમ સામનો કરીને બચી ગયું હોય એ ગેમલની કલ્પના બહારનું હતું. પાંચ છ સાથી ગુમાવ્યાનું ખુન્નસ પણ હતું. એ લોકો સાત આઠ ગાઉ સુધી વીરસિંહ અને વજુ સાંગાનો પીછો કરતા રહ્યા. ઉબડખાબડ માર્ગ પર ઘોડાઓની ગતિને કારણે નિશાન લેવું જરાય સહેલું નહોતું.

વીરસિંહ અને વજુ સાંગાના ખભા કે કમરને ચીરતી ગોળીઓ નીકળી રહી હતી. બન્ને લોહીલુહાણ હતા. બન્ને પાછા ફરી નિશાન લઈ શકે એમ નહોતા. વળી એમના ઘોડા પણ ઘાયલ હતા. ચંદ્રપુર હવે ઉગમણી દિશામાં સાત આઠ ગાઉ દૂર હતું. વગડાની છેલ્લી ભેખડ વટાવી હવે તેઓ સીમના વિસ્તારમાં પ્રવેશી રહ્યા હતા.

ઘોડા પર લગભગ સૂઈને લથડી રહેલા વજુ સાંગાને હિંમત આપતાં વીરસિંહ બોલ્યો, “જો ઓલુ દેખાય ચંદ્રપુર. ગામની સીમ આવે પછી તો બહારવટિયાઓ પાછા વળ્યા જ સમજો!”

ઊંચી ભેખડની ધાર પરથી દૂર દેખાઈ રહેલ ગામને જોવા વજુ સાંગા ઊંચો થયો, ત્યાં જ અચાનક વજુ સાંગાને ગોળી વાગી અને એ જમીન પર પછડાયો. એના પડવાનો અવાજ સાંભળી વીરસિંહે ઘોડાની લગામ ખેંચી ત્યાં જ બીજી ગોળી વીરસિંહની ઘોડાને વીંધી ગઈ.

ગેમલની ટોળકી પચાસ હાથ દૂર હતી. ના, મોત પચાસ હાથ દૂર હતું. વીરસિંહનો ઘોડો લથડીને આડો પડ્યો એટલે ગેમલનું બિહામણું હાસ્ય સંભળાયું. વીરસિંહે ઝડપથી ઘોડાની પલાણમાં ફસાયેલ પગ બહાર કાઢ્યા. હવે ઘોડાથી ઉતરીને ઝાડી ઝાંખરીમાં છુપાવાનો એક જ વિકલ્પ બાકી હતો. વીરસિંહ ઘોડા પરથી ઉતરીને દોડવા ગયો ત્યારે જ એને ખ્યાલ આવ્યો કે એના ડાબા ઘૂંટણની પાછળ અને જમણા સાથળમાં ગોળી વાગી હતી. ભાગવાના ઝનૂનમાં ઈજાનોય ખ્યાલ નહોતો આવ્યો. પણ ઈજાને કારણે બે ડગ ચાલીને એ ફસડાઈ પડ્યો. નજીક આવી રહેલા ગેમલની આકૃતિ મોટી થતી ગઈ. વીરસિંહથી ઉઠાયું જ નહીં. ઘાયલ વીરસિંહને થયું, એને ઉપાડવા યમરાજા આવી રહ્યા છે.

***