Veer Vatsala - 10 books and stories free download online pdf in Gujarati

વીર વત્સલા - 10

વીર વત્સલા

નવલકથા

રઈશ મનીઆર

પ્રકરણ - 10

વીરસિંહે હિંદુસ્તાનની ભૂમિ પર પગ મૂક્યો. યુદ્ધમાં જવા ટાણે કંપની સરકારે સિપાહીઓને વઢવાણથી મુંબાઈ મૂકવા માટે પેશ્યલ આગગાડિયુંની વ્યવસ્થા કરેલી. પણ પરત આવેલા સિપાહીઓ માટે એવી કોઈ વ્યવસ્થા નહોતી. અમુક સિપાહીઓ મોજમજા માટે મુંબાઈ રોકાઈ ગયા. વીરસિંહ દોઢ દિવસની ટ્રેનની મુસાફરી પછી વઢવાણ ઉતર્યો. હવે 40 ગાઉની યાત્રા કરવા માટે એના પગ ઉતાવળા થયા હતા. વત્સલાને મળવાને આડે બસ હવે એક દિવસ જ હતો.

*

વીરસિંહ પોતે આજે આવશે એવા પાકા સમાચાર ગામમાં કોઈને આપી શક્યો નહોતો. આમેય એનાં ઘરડાં ફોઈફુઆ લેવા આવી શકે એમ તો હતું નહીં. અને વત્સલા કે માણેકબાપુના તો કોઈ વાવડ જ એની પાસે નહોતા.

એની સાથે એ જ ટ્રેનમાં વજુ સાંગા અને ગજાનંદ રાણા પણ હતા. એમણે મુંબાઈથી ટેલિગ્રામ કરીને પોતાનાં ગામમાં ખબર કરી હતી, એમને લેવા ઘોડા લઈને એમના બે સગાં વઢવાણ આવ્યા હતા. સહુના ગામ ચંદ્રપુરની આસપાસ જ હતા. અડધે પોણે સુધી એક જ રસ્તો હતો. તેઓની સંગાથે વીરસિંહ પણ નીકળી પડ્યો. ચાર ઘોડા પર પાંચ વ્યક્તિઓનો કાફલો નીકળ્યો. રસ્તો ઝડપથી કપાવા લાગ્યો કેમ કે ગજાનંદ રાણા પાસે લેવા આવેલા દેશીઓને કહેવા માટે યુદ્ધની ખરીખોટી અલકમલકની વાતો હતી. તો વજુ સાંગાને દેશમાં ઊભી થઈ રહેલી, ઓલા મોહન ગાંધીની નવી સેના વિશે જાણવાની ઈંતેજારી હતી.

વીસેક ગાઉની મુસાફરી પછી રસ્તો રૂપમતી નદીને કિનારેથી પસાર થતો. રૂપમતી નદી જે આગળ જઈને વેગમતીને મળતી એ સંગમસ્થાન આવે એ પહેલા ઘણી કોતરો આવતી. લેવા આવેલા ભાઈઓએ ગભરાવ્યા કે રાતે કોતરમાંથી પસાર થવામાં લૂંટફાટનું જોખમ હતું.

કોતરો શરૂ થાય એ પહેલા રસ્તે વિરાટપુર ગામ આવતું. સાંજનો સમય હતો, રાતે કોતરમાંથી પસાર થવાનું જોખમ લેવા કરતાં વીરસિંહે રાત વિરાટપુરની ધરમશાળામાં વીતાવવાનું મુનાસિબ માન્યું. રાત્રિરોકાણ થયું એટલે સાથી સિપાહીઓને લેવા આવેલા બે દેશીઓ તક મળતાં વિરાટપુર ગામની બદનામ ગલીઓમાં જઈ આવ્યા. વીરસિંહે અને વજુ સાંગાએ એમને વાર્યા પણ માન્યા નહીં. સાથે તેઓ ગજાનંદ રાણાને પણ લઈ ગયા. કેમ કે એની પોટલીના જોરે જ તો આ મોજની રાત્રિસફર થવાની હતી.

બીજી દિવસે વહેલી સવારે નીકળવાનું હતું. વીરસિંહ પાસે કટારી તો હતી, તોય ધરમશાળાનો માલિક, જે શસ્ત્રોનો શોખીન હતો, એની પાસેથી વીરસિંહે એક દેશી બેનાળી ખરીદી.

સવારે વીરસિંહ એના બીજા ચાર સાથીઓ સાથે કોતરના બે વળાંક પસાર કરી ત્રીજા વળાંક પાસે આવ્યો ત્યારે એણે જોયું કે વીસ ફૂટ ઊંચી કોતરની વચ્ચે માંડ એક ગાડું પસાર થાય એટલો રસ્તો હતો. એમણે ત્રીજો વળાંક પસાર કર્યો કે તરત પાછળથી એક મોટો અવાજ આવ્યો. પાછળ ફરી જોયું તો એમની બરાબર પાછળ કોતરની ધાર પરથી એક ઝાડ પડ્યું. પવન હતો, કદાચ કોતરની ધારે ઉગેલું ઝાડ ખડી પડ્યું હશે, એમ વિચારી તેઓ આગળ વધ્યા.

અચાનક સામેથી કોતર ઉપરથી ધડાધડ પથ્થરો પડવા લાગ્યા. પાછળ ડગલાં ભર્યા તો ઝાડને કારણે વિરાટપુર તરફ પરત જવાનો રસ્તો બંધ થઈ ગયો છે એ ખ્યાલ આવ્યો. આ બન્ને કોઈ કુદરતી ઘટના નહોતી. બહારવટિયાઓનો હુમલો થઈ ચૂક્યો હતો. આગલે દિવસે ધરમશાળામાં કથાઓ સાંભળી હતી કે કોતરની સહેજ દૂરથી પસાર થતી રૂપમતીના વહેણમાંથી પથ્થરો ઉઠાવી-ઉઠાવીને બહારવટિયાઓ કોતરની ધાર પર ગોઠવી રાખતા અને શિકાર નજીક આવતાં જ એ પથ્થરો કોતરમાં તોપના ગોળાની જેમ ગબડાવતા. મોટા પથ્થરો થોડા દૂર પડે પછી થોડા નાના પથ્થરો એ લોકો ગોફણથી વીંઝાતા. જેમાંથી એકાદ વટેમાર્ગુને વાગેય ખરો. પછી હવામાં એક ગોળીબાર થતો અને ચોથા વળાંક પર ગેમલ સદેહે હાજર થતો.

આગલે દિવસે ધરમશાળામાં સાંભળેલી કથા તાદૃશ થઈ. ગજાનંદ રાણાના માથે એક પથ્થર વાગ્યો અને સહુ એના પર ધ્યાન આપે એ પહેલા કાળી ઘોડી પર બેસીને હાજર થયેલો ગેમલ દેખાયો.

વીરસિંહની આશંકા સાચી પડી હતી. ગઈ રાતે ગજાનંદ રાણા અને એની સાથેના બે સાથીઓને બદનામ ગલીમાં જોઈ ગયેલા કોઈએ બાતમી આપી હશે. અથવા ખુદ રૂપજીવિનીએ બહારવટિયાઓને ખબર આપી દીધી હશે. છેલ્લા થોડા મહિનાથી આ ક્રમ થઈ ગયો હતો. લડાઈથી પોતાની ગઠરીમાં સોનામહોર બાંધીને પરત આવતા સિપાહીઓને કોતરમાં લૂંટી લેવાતા. જે સિપાહીઓ રૂપજીવિનીની રૂપજાળમાં ફસાતા, એ બીજે દિવસે રૂપમતીની કોતરોની માયાજાળમાં લૂંટાઈ જતા. સરહદ પર બહાદુરીથી લડનારા સિપાહીઓ કોતરોની ભૂલભુલામણીમાં નિસહાય થઈ જતા.

રૂપમતી નદીની કોતરમાં રંજાડ ઊભી કરનાર નિર્દય બહારવટિયા ગેમલની ટોળી સામે અંગ્રેજ રાજે ઈનામ બહાર પાડ્યું હતું. પણ ઈનામની લાલચે ગેમલને ઝબ્બે કરવા કોતરોમાં ઘૂસનાર કોઈ જીવતું પાછું વળ્યું નહોતું. ગેમલ ગરીબ વટેમાર્ગુઓને રંજાડતો નહીં. માત્ર માલમત્તા લઈને પસાર થનારનું આવી બનતું. અંગ્રેજોને બાતમી આપનારનુંય આવી બનતું. ગેમલ કાળીમાનો ભક્ત હોવાથી દર પૂનમે વિરાટપુર મંદિરે ભજન મંડળી બોલાવતો, એમાં વેશ બદલી પોતે હાજર રહેતો. કદી મંજીરાય વગાડતો. એની શાખ અને હાક એવી હતી કે ગરીબો સામે ચાલી એને બાતમી આપતાં કે કોણ, ક્યારે, કેવી મતા લઈ કોતરમાંથી પસાર થવાનું છે. એક સમયે ગેમલે એકલાએ ચાલુ કરેલી ટોળીનું સંખ્યાબળ હવે 20 જેટલું થયું હતું.

એ ગેમલ એની મજબૂત ટોળી સાથે આ પાંચ વટેમાર્ગુઓની સામે ઊભો હતો.

વીરસિંહ અને એના બન્ને સાથીઓ પાસે ત્રણ વરસની સખત મહેનતની કમાઈ ગાંઠે બાંધેલી હતી. લેવા આવેલા ગ્રામવાસીઓની નાદાનીને કારણે જીવ અને જણસ બન્ને જોખમમાં આવી પડ્યાં. વીરસિંહ તો વત્સલાને મળવાની આશામાં બહાવરો થયો હતો. હવે એણે અચાનક પ્રેમી-અવતાર ભૂલીને આ ક્રૂરતાના અવતાર જેવા બહારવટિયાનો સામનો કરવાનો હતો.

વીરસિંહ વિદેશમાં યુદ્ધ કરીને આવ્યો હતો. પણ કોતરોમાંથી ગેરીલા પદ્ધતિથી હુમલો કરનાર શત્રુ સામે લડવાનો એને કોઈ અનુભવ નહોતો. તોય ભાગવાનું કે ડરી જવાનું એના સ્વભાવમાં નહોતું.

ગજાનંદ રાણાના માથેથી લોહી વહી રહ્યું હતું. વીરસિંહે ગેમલને લલકાર્યો, “લડવા માટે હું તૈયાર છું. પણ સામે આવીને લડો! નામર્દની જેમ છુપાઈને પાણાં ન ફેંકો!”

ગેમલ હસ્યો, “મારી સાથે વીસ બહારવટિયાની ટોળી છે. એક સીટી વગાડતાંમાં તો બધા શેતાનના ભાઈઓ હાજર થઈ જશે. અને તારી હંગાથે કોણ છે? બે થાકેલા સિપાહી! અને આ બે ઢીલાં ધોતિયાં!”

વીરસિંહને ખ્યાલ આવી ગયો કે ગેમલની વાત સાચી હતી. એમનું સાચું સંખ્યાબળ ત્રણનું હતું જેમાંથી એક ઘાયલ થઈ ચૂક્યો હતો અને સાથે ભારરૂપ ગણાય એવા બીજા બે સાથી હતા. પાછળ રસ્તો બંધ હતો, સામે ગેમલ હતો બન્ને બાજુ કોતર ઊંચી હતી. ઘોડા ઠેકાવી ભાગી શકાય એમ હતું નહીં.

અસમાન તાકાત અને સંખ્યાવાળી બે ટોળી ચાળીસ ફૂટના અંતરે સામસામે ઊભી હતી.

ગેમલે પોતાની જાણીતી કોતરમાં પોતાની વારંવાર સફળ પુરવાર થયેલી રીતથી શિકારને ફાંસ્યા હતા. ઘણીબધી સોનામહોરો અંકે થવાની હતી. હવે માત્ર સમયનો સવાલ હતો. નકામી વધુ ખૂનામરકી ન કરવાનું મનોમન નક્કી કરી, ધાક ઊભી કરવા એ બિહામણું હસ્યો.

વીરસિંહને ન તો ગાંઠે બાંધેલી થોડીક સોનામહોરો ધરી દેવાનું મન હતું, ન તો એણે પોતાની પ્રેમિકા પાસે એક હારેલ કે લુંટાયેલ સિપાહીની જેમ જવું હતું. ત્રણ વરસનો વિરહ સાવ નકામો નીવડે એ એને પોષાય એમ નહોતું. વીરસિંહે ગેમલ બહારવટિયાની ટોળકીનો મુકાબલો કરવાનો નિર્ણય કર્યો.

અચાનક વીરસિંહે બે કદમ આગળ વધીને પોતાની બેનાળી ગેમલ સામે તાકીને ગેમલની સાથે આંખમાં આંખ મેળવી કહ્યું, “હું મરીશ પણ તનેય મારતો જઈશ.”

***