Veer Vatsala - 9 books and stories free download online pdf in Gujarati

વીર વત્સલા - 9

વીર વત્સલા

નવલકથા

રઈશ મનીઆર

પ્રકરણ - 9

વીરસિંહ પરેશાન હતો. શરૂશરૂમાં તો વત્સલાના ખબરઅંતર મળ્યાં પણ છેલ્લા બે વરસથી વત્સલાના કોઈ સમાચાર ન હતા. બેલ્જિયમના સરહદી શહેર યેપ્રીની છાવણીમાં બેઠોબેઠો એ બીમાર ચંદનસિંહની સુશ્રુષા કરી રહ્યો હતો. બન્ને મિત્રો સતત ત્રણ લડાઈ ઘસરકાનીય ઈજા પામ્યા વગર સફળતાથી લડ્યા, પણ ચોથી લડાઈમાં ચંદનસિંહના પગમાં ગોળી વાગી હતી. એને ખભે ઉઠાવીને ગોળીઓની બોછાર વચ્ચે વીરસિંહ ચાર માઈલ દોડ્યો હતો. ચંદનસિંહ આર્મીની હોસ્પીટલમાં ભરતી હતો. ગોળી કાઢ્યા પછી ચંદનસિંહના પગની સારવાર ચાલી રહી હતી.

વિશ્વયુદ્ધ તો અટકવાનું નામ નહોતું લેતું. એ તો નવી નવી સરહદે નવા નવા મોરચે વિસ્તરી જ રહ્યું હતું. હોસ્પીટલમાં દૃશ્ય દારૂણ હતું. એક પછી એક ચારેક સરહદે જંગ પત્યા પછી કાઠિયાવાડ બ્રિગેડના સિપાહીઓ ટપોટપ બિમાર પડવા માંડ્યા હતા. આર્મી હોસ્પીટલ અને સિમેટ્રી(કબ્રસ્તાન) વચ્ચે 300 વારનું અંતર રહેતું. દવા અને મેડીકલ સ્ટાફના અભાવ વચ્ચે આર્મી હોસ્પીટલમાં ડોક્ટરો એ જ નક્કી કરવાનું રહેતું કે કેટલાની પાછળ જીવ બચાવવાની મહેનત કરવી અને કેટલાને 300 વારનું અંતર કાપવા માટે રઝળતા રાખવા.

રોજ બે શેર શેડકઢું દૂધ પી જનાર વીરસિંહ અડધો કપ કોફી સાથે બ્રેડ ઠૂંસીઠૂંસીને અકળાયો હતો. વીરસિંહની જેમ જે તનથી ઘાયલ નહોતા તેય મનથી ભાંગી પડવા લાગ્યા.

હિંદના સિપાહીઓના પરિવારને દર મહિને રાજના એજંટ પાસેથી ખરચીની રકમ મળતી, પણ એ રકમ રજવાડાંઓના કારભારીઓના હાથમાં થઈને સંકોરાઈને આવતી. જે સિપાહીઓ યુદ્ધ મેદાને ખપી ગયા, એમને વચન પ્રમાણે જમીનોના ગરાસ અપાયા. પરલોક સિધાવ્યા એ સિપાહીઓના પરિવારોને તો ખબર હતી કે એમનું સ્વજન ક્યાં છે પણ જે હયાત હતા એમના પરિવારોને ખબર નહોતી કે તેઓ ક્યાં લડી રહ્યા છે? કેમ કે મોટાભાગના સિપાહીઓ સંપર્કવિહોણા હતા.

ટેલિફોન તો હજુ ભારતના માત્ર મોટા શહેરોમાં જ હતા. ટેલિફોન સપર્કનું સુખ મુંબાઈ, કલકત્તા અને મદ્રાસના કર્નલોના પરિવારને જ મળતું. જે સામી છાતી લડવા નહોતા જતા, એમને એમનો પરિવાર નિયમિત ખબરઅંતર પૂછતો. બાકીના સિપાહીઓના કાફલાને ટેલિગ્રામ કરવા માટે પણ રસ્તે પોસ્ટઓફિસ મળે એની રાહ જોવી પડતી. તક મળે ત્યારે ચન્દ્રપુરના યુવાનો મંગુ માસ્ટરને ટેલિગ્રામ કરતાં. અભણ સિપાહીઓ ઉપર મહેરબાની કરી ક્યારેક કોઈ ઉપરી પત્ર લખી આપતું અને કોઈવાર પત્ર એમના ઘરે પહોંચતો પણ ખરો. તોય સિપાહીઓના કાફલાનું ઠેકાણું ન હોય એટલે જવાબ મળવાની આશા તેઓ ન રાખી શકે.

લગભગ બધાની જ આવી દશા હતી, એમાંય વીરસિંહની દશા તો વધુ કફોડી હતી. વીરસિંહના સમાચાર મંગુમાસ્ટર ફોઈફૂઆને આપે પણ વત્સલા સુધી કોણ ખબર પહોંચાડે? વત્સલાના કોઈ સમાચાર ન હતા. નવા ભરતી થયેલા ગામના સિપાહી પાસેથી એને ખબર મળ્યાં કે માણેકબાપુ અને વત્સલા શિવમંદિર છોડી બીજે ક્યાંક ગયાં છે. પણ ક્યાં ગયાં છે, એ ખબર ન પડી. આ દશામાં વીરસિંહ પણ જરા ચીડિયો થઈ ગયો હતો.

જંગ જારી હતો છતાંય આખી કાઠિયાવાડ બ્રિગેડ હવે દેશ પરત ફરવા બેચેન હતી. થાકેલા હિંદી સૈન્યને સ્વદેશ રવાના કરી નવી તરોતાજા બ્રિગેડ હિંદથી બોલાવવામાં અંગ્રેજોને કોઈ વાંધો આવતો નહોતો કેમ કે રોજગારી માટે અને બહાદુરી બતાવવા માટે હિંદના જુદા જુદા વિસ્તારોમાંથી નવા નવા સિપાહીઓ ભરતી થવા તૈયાર જ હતા.

આખરે લગભગ ત્રણ વરસની સેવા પછી કાઠિયાવાડ બ્રિગેડને વિખેરી નાખવામાં આવી. એમને હિંદ પરત જવાની પરવાનગી મળી. ત્યાંથી સરપાવમાં થોડી સોનામહોરો મળી અને અહીં દેશમાં જમીન આપવાનો વાયદો કરવામાં આવ્યો. વીરસિંહ પોતાના બીમાર દોસ્તને મૂકીને આવવા માંગતો નહોતો, પણ વીરસિંહનું નામ સ્વદેશ પરત જનારાની યાદીમાં આવ્યું અને ચંદનસિંહને હોસ્પીટલમાંથી રજા મળી નહીં. વીરસિંહ મૂંઝાયો, ચંદનસિંહની સાથે રોકાવું કે હિંદ જઈ વત્સલાની તપાસ કરવી? ચંદનસિંહે જિદ કરી એટલે વીરસિંહે એકલા વતન પરત થવું પડ્યું.

સ્ટીમર ઉપડી. પરિવારના મિલનની આશા સાથે સૈનિકોને ભવિષ્યની ચિંતા પણ સતાવતી હતી. એક સૈનિક ગજાનંદ રાણા બોલ્યો, “ચિંતા ન કરો, વિશ્વયુદ્ધમાંથી પાછા વળી રહેલા સૈનિકોના અનુભવને ધ્યાનમાં લઈ રજવાડાઓમાં એમને ઊંચી પાયરી મળવા લાગી છે.”

વજુ સાંગા બોલ્યો, “અરે એના કરતાં, ન્યાં મોહનદાસ કરમચંદ ગાંધી હિંદમાં અગ્રેજો સામે લડવા નવી સેના બનાવી રહ્યા છે, ઈમા ભરતી થઈ જાવાનું!”

ગજાનંદ રાણાએ પૂછ્યું, “ઈ મોહનદાસ પગાર શું આપે સૈનિકને?”

વજુ સાંગા બોલ્યો, “પગાર કશો નહીં, પણ લડીને ખપી જઈએ તો ચાર કે આઠ વીઘા નહીં, આખેઆખો દેશ મળે આપણા વારસદારોને!”

આમને આમ અલકમલકની વાતોમાં સાત રાત વીતી અને આઠમી રાતે સુએઝની કેનાલ પસાર કરીને સ્ટીમર હિંદ મહાસાગરમાં દાખલ થઈ.

જહાજના ડેક પરથી પૂર્વના સૂર્યના વાત્સલ્યભર્યા કિરણોને જોઈને વીરસિંહને ભાસ થયો કે સવારના સૂર્યની કિરણાવલી નહીં પણ બાહુ પ્રસારીને વત્સલા એને આવકારી રહી હતી. વત્સલાની યાદ આવતાં જ એણે પોતાની ત્વચા પર હાથ ફેરવ્યો. બે વરસનાં તાપ-ટાઢમાં એની ચામડી પહેલા જેવી રહી નહોતી. હવે સંબંધની એ સુંવાળપ ફરી પાછી અનુભવાશે? ઘડીમાં સૂર્ય અલોપ થયો અને કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા. દેશમાં ચોમાસું બેસવાનું હતું.

વીરસિંહને યાદ આવ્યું કે મોટી લડાઈમાં ગયેલા કેટલાય સિપાહીઓની પ્રેમિકાઓને આ બે વરસમાં માથાભારે ઠકરાડાંઓ કે સામંતો ઉપાડી ગયા હતા. કેટલીય વિરહી પ્રેમિકાઓનાં માબાપે એમનાં બળજબરીથી લગ્ન કરાવી દીધાં હતાં. કેટલીય યુવતીઓ પ્લેગ કે ફ્લુની બિમારીમાં જીવ ખોઈ બેઠી હતી. એની વત્સલાનોય પત્તો નહોતો.

મનમાં નકારાત્મક વિચારોની હારમાળા એવી ચાલી કે એ વરસાદના ટીપાં પડ્યા ત્યારે જ એ રોકાઈ. પોતાની જરઠ થયેલી ત્વચા પર વરસાદનો સ્પર્શ અનુભવી એણે વિચારી લીધું કે એકવાર, બસ એકવાર, વેગમતીનાં વહેતાં પાણીની છાલક હાથ-મોં પર મારીશ તો કુમાશના એ અંકુર ફરી ફૂટશે જ.

આવા વિચારોમાં દિવસો વીત્યા, રાતો કપાઈ અને એક સવારે સ્ટીમર મુંબઈના બારામાં હતી.

*

સૂરજપુરના શાહુકારને થોડી દમડી અને થોડી દમદાટી આપીને સરદારસિંહે પોતાને માટે શુકનવંતા પુરવાર થયેલા માણેક બાપુને ચંદ્રપુરની જમીન પાછી અપાવી. માણેકબાપુ અને વત્સલાએ ખાલી પડેલ ખોરડાને ઘર બનાવી ફરી એને ધબકતું કર્યું. લાંબા અંતરાલ પછી ફરી શિવમંદિરમાં ઘંટારવ શરૂ થયો.

શરૂઆતમાં વત્સલા વિચારતી. શું સંબધ હતો એનો અને અભયનો? મદદ કરવાનો સ્વભાવ, માણસાઈ, સારપના પક્ષે રહેવાની કુદરતી વૃત્તિ આ બધાને કારણે કોઈ વિચારણા વગર માત્ર સ્ફૂરણાથી અભયને છાતીએ લગાડી દીધો. માતૃત્વથી વંચિત અભય હવે વત્સલાની હૂંફના વર્તુળની બહાર જવા નહોતો માંગતો. અભયે બરાબર આંખ ખોલી ત્યારે એની કાળજી લેનાર તરીકે એણે તેજલબાને નહીં પણ વત્સલાને જ જોઈ. અભયને માટે વત્સલાનો ખોળો એક સલામત તળેટી હતી. સાત દિવસની અંદર તો વત્સલાની અંદર મમતાનું ઝરણું ફૂટી નીકળ્યું. પોતાની કૂખે જન્મેલું બાળક હોય એવો જ નેહડો એને આ બાળકથી લાગી ગયો. જીવન વ્યસ્ત તો હતું જ. બાળકના આગમનથી એ મસ્ત બન્યું. જીવનના કોરા પટમાં રંગ અને રસ ઉમેરાયાં.

પાંચ-છ મહિનાના અભયને રમાડવા માટે વત્સલા અને વીણા ઉપરાંત અઢી-ત્રણ વરસનો ગણેશ પણ તત્પર રહેતો. શિવજીના મંદિરની ધજાથી ટેકરી પરના ખીજડા સુધીનું રજવાડું ફરી ધમધમી ઊઠ્યું. ગામલોકો બન્ને સહેલીના બાળકો વિશે નઠારી ચર્ચા કરતાં, એ બાબતથી બેફિકર રહી બન્ને પોતાના પ્રિયતમની રાહ જોવા લાગી.

વીણાના આનંદનો પાર નહોતો. એક તરફ એની સહેલી વત્સલા પાછી ફરી. બીજી તરફ મંગુ માસ્તરે ચંદનસિંહનો સંદેશો આપ્યો કે કાઠિયાવાડી બ્રિગેડ વિખેરાઈ ચૂકી છે. વીરસિંહ નીકળી ચૂક્યો છે અને મહિના પછી બીજી ખેપમાં ચંદનસિંહ પોતેય આવશે.

ભોળી વીણા ક્યારેક વત્સલાને પૂછતી,તું ખરેખર અભયની મા છે? કોઈ કહે છે કે તારા માલવપુરના કોઈ પ્રેમીનું બાળક છે, અને કોઈ કહે છે શાહુકારનો દીકરો મૂડી વસૂલીને આ વ્યાજ મૂકતો ગયો.”

વત્સલા હસીને કહેતી, “કોઈ શું કહે છે એનાથી મને કોઈ ફરક પડતો નથી, તને શું લાગે છે?”

વીણા બોલી, “કોઈ નરાધમને તો તું પાસે ફરકવા ન દે પાસે, કાં એનો જાન લઈ લે કાં ખુદનો આપી દે! એટલે એ વાત તો નથી!”

“કુંતી માતાની વાર્તા ખબર છે? કર્ણના બાપુ કોણ હતા ખબર છે?” વીણા બાઘાની જેમ જોઈ રહેતી અને વત્સલા ભરમભર્યું હસતી રહેતી.

અમુક સખીપણાં એવા હોય છે જેમાં એક સખીની મહારાણી જેવી આણ હોય અને બીજી સખી રાજીખુશીથી સેવિકાની ભૂમિકા ભજવે. બાળપણથી વત્સલાની બધી વાતમાં વીણાની બિનશરતી હા જ હોય!

વાતનો વીંટો વાળતાં વીણા બોલી, “મારે શું? આ બાળકને લાગે છે કે તું એની મા છે, એટલું બસ છે!”

વત્સલાના ખોળામાં અભય ખુશ હતો. વત્સલા ખુશ હતી. અને વીરસિંહનો ઈંતેજાર હવે વરસોનો નહીં, દિવસોનો સવાલ હતો. હરખઘેલી વત્સલા વિચારે ચડી ગઈ, અચાનક એવું દૃશ્ય જોવા લાગી કે બાળ અભય વીરસિંહને હાથે ઘોડેસવારી અને અસ્ત્રશસ્ત્રની તાલીમ લઈ રહ્યો છે. એનો અભય બહાદુર બનશે અને એક દિવસ જાતે લડીને દુર્જેયસિંહ પાસેથી એનો હક્ક લેશે, એ કલ્પનાથી એ રોમાંચિત થઈ ગઈ.

ત્યાં સૂરજગઢ દરબારમાં દુર્જેયસિંહના દિવસો સત્તા અને અફીણના બેવડા નશામાં પસાર થઈ રહ્યા હતા. ક્યારેક સિપાહીઓ વચ્ચે દબાતાં અવાજે ચર્ચા થતી કે મરતાં પહેલા વશરામે તેજલબાનું બાળક કોઈને ઉછેરવા માટે માલવપુર પહોંચાડ્યુ છે. પણ આવું માનનારાની સંખ્યા પણ નાની હતી અને એમનો અવાજ પણ પ્રબળ નહોતો.

એ બાળકની અફવાથી પરેશાન દુર્જેયસિંહે સરદારસિંહને વચન પ્રમાણે પૂરેપૂરો સિરપાવ ન આપ્યો. એણે સરદારસિંહને ચંદ્રપુરની આથમણી દિશામાં પૂરા સો વીઘાંને બદલે પચાસ વીઘાં જ આપ્યાં અને પચાસ બાકી રાખ્યાં. સરદારસિંહે બાકીની જમીન માટે ધીરજ ધરવાનું મુનાસિબ માની પોતાની જમીનદારી જમાવી. હુકુમસિંહ જેવા પાંચસાત મળતિયાઓના સંગાથે કસુમ્બાપાણી અને શિયાળવાં-સસલાંના શિકારમાં તેઓ સમય વીતાવવા લાગ્યા.

ચંદ્રપુરમાં શિવમંદિર પાસે હુકુમસિંહની અવરજવર રહેતી. હુકમસિંહ પોતે તો પરણેલો હતો. પણ હવે દસ વીઘાનો માલિક થયો હોવાથી પોતાને થોડી અય્યાશીનો હકદાર સમજવા લાગ્યો હતો અને એ માટે એના મનમાં વત્સલા વસી હતી.

માણેકબાપુને વીઘું અપાવ્યાના બદલામાં એ વત્સલા પાસે કોઈ ખાસ પ્રકારની કૃપા ઈચ્છતો હતો. વધુ સાહસ તો હતું નહીં પણ નિકટતા સાધવાનો પ્રયાસ કરતો. પોતાની તો કોઈ નીતિમત્તા હતી નહીં અને વત્સલાના ચારિત્ર્યની કાંગરીઓ ખેરવવા માટે વીરસિંહના ફોઈફૂઆએ વીરસિંહ માટે તો કન્યા જોઈ જ રાખી છે જેવી વાત પણ ભૂલ્યા વગર કરતો. વીણાના ખોળે ચંદનસિંહનું બાળક છે એનો એને ખ્યાલ હતો. અને વત્સલાના ખોળામાં રમતું બાળક શાહુકારના દીકરાનું છે એમ એણે ધારી લીધું હતું. વરસ-દોઢ વરસ પહેલા આ નિર્જન વગડામાં શાહુકારના દીકરાની અવરજવર એણે જોઈ હતી.

એવામાં એક દિવસ માણેકબાપુને હાટમાં જાણવા મળ્યું કે કાઠિયાવાડ બ્રિગેડના સિપાહીઓને લઈને સ્ટીમર મુંબઈના બારે ઉતરવાની છે. વીરસિંહ આવશે, એની ઉત્તેજનાથી માણેકબાપુના શરીરમાં ખુશીની લહેર દોડી ગઈ. આ આવનારી ખુશીના સમાચાર લઈને એ ઘરે પહોંચે ત્યાં સુધી હકીકતે એમના મનનો ભરડો લીધો. અત્યાર સુધી બાળકને કારણે ઘર ભર્યું ભર્યું હતું. પણ ગામલોકો વીરસિંહને આ બાળક વિશે શું કહેશે? વત્સલા વીરસિંહને બાળકની સાચી હકીકત કહેશે? અને એમ કરવામાં અભયની ઓળખ છતી થઈ જશે તો દુર્જેયસિંહ શું પગલું લેશે?

ઘરે પહોંચતા સુધી વીરસિંહના આગમનની ખુશી ઓસરી ગઈ અને એ વત્સલાને એટલું જ કહી શક્યા, “બેટા! વીરસિંહ આવી રહ્યો છે, હવે વિચારવું પડશે કે આ બાળકનું શું કરવાનું છે?”

***