વન્સ અપોન અ ટાઈમ - 14

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ 14

‘એ ખજૂર, અપને કો જ્યાદા બાત સુનને કા આદત નહીં હૈ. તુઝે એક બાર બોલ દિયા ના. કલ શામ તક કૈસે ભી કર કે પૈસા પહુંચા દે, નહીં તો આજ યે પિસ્તોલ મેં જો ગોલિયાં હૈ વો સબ કલ શામ કો તેરી ખોપડી મેં હોગી!’

મન્યા સુર્વે દાદર વિસ્તારના એક વેપારીને ધમકાવી રહ્યો હતો.

‘ભાઈ, મેરી બાત તો સુનો. મેરી હાલત બહુત ખરાબ હૈ...’ વેપારીએ ફરી વાર આજીજી કરીને મન્યાને સમજાવવાનો પ્રયાસ કર્યો. અને એ સાથે મન્યાના દિમાગનો પારો સાતમા આસમાનને આંબી ગયો: ‘નાટક કરતા હૈ સાલ્લા? અભી આગે કુછ ભી બોલને કે લિયે મુંહ ખોલા તો ગોલી માર દૂંગા @#$%*&!’ મન્યાએ ગંદી ગાળ આપતા બરાડો પાડ્યો અને બાપડો વેપારી ગભરાઈને ચૂપ થઈ ગયો. મન્યાએ તેને થોડી વધુ ગાળો ચોપડીને અલ્ટિમેટમ આપી દીધું.

મન્યા સુર્વેના નામથી મુંબઈના દાદર અને આજુબાજુના વિસ્તારોના લોકો કાંપતા હતા. ખાસ તો વેપારીઓને તે બહુ નડતો હતો. માથાભારે મન્યા વાતવાતમાં હાથ ઉપાડી લેતો હતો અને તે બોલતો હોય ત્યારે તેના મોઢામાંથી સામાન્ય શબ્દોને બદલે ગાળો વધુ નીકળતી હતી. અત્યારે પણ તેની દાદાગીરીનો અનુભવ વધુ એક વેપારીને થયો હતો પણ મન્યાની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જવાની તેની હિંમત નહોતી. મન્યાએ તે વેપારીને બીજા દિવસની સાંજ સુધીમાં ખંડણીપેટે પચાસ હજાર રુપિયા પહોંચાડી દેવા માટે ધમકી આપી હતી. પણ ત્યારે મન્યાને ખબર નહોતી કે આ વખતે પેલા વેપારીનું નસીબ જોર કરતું હશે.

***

દાદરના વેપારીને રવાના કર્યા પછી મન્યા સુર્વે આગળ શું કરવું તે વિચારતો હતો. એ વખતે તેના ફોનની રિંગ રણકી ઊઠી. મન્યાએ રિસિવર ઊંચકીને કાને માંડ્યું. સામા છેડેથી મીઠો અવાજ સંભળાયો અને મન્યાનો મૂડ બદલાઈ ગયો. તેની ભાષા અચાનક મધમીઠી બની ગઈ. સામા છેડે તેની પ્રેમિકા હતી. મન્યાએ કહ્યું, ‘જાનેમન, મૈં તુઝે હી યાદ કર રહા થા...’

ગામ આખાને ધ્રુજાવતો મન્યા સુર્વે તેની પ્રિયતમા પાસે સામાન્ય ટીનેજરની જેમ લટુડાપટુડા કરવા લાગ્યો. તેણે પ્રેયસી સાથે લાંબા સમય સુધી પ્રેમાલાપ કર્યો અને પછી તેની સાથે મુલાકાતનો સમય નક્કી કરીને રિસિવર ક્રેડલ ઉપર મુક્યું. મન્યાની માશૂકા વડાલા વિસ્તારના એક બ્યુટી પાર્લરમાં જવાની હતી ત્યાં તેને મળવાનું મન્યાએ ફોન પર નક્કી કર્યું હતું.

મન્યાએ પોતાની પ્રિયતમા સાથે પ્રેમાલાપ પૂરો કર્યો એ પછી તેનું ધ્યાન સામે આવીને ઊભા રહેલા તેના માણસ પર પડ્યું. માન્યો મજનુ બનીને ફોન પર તેની લયલા સાથે વાત કરી રહ્યો હતો એ વખતે જ તે યુવાન રૂમમાં પ્રવેશ્યો હતો. મન્યાને રોમેન્ટિક મૂડમાં વાત કરતો જોઈને તે પાછો વળવા જતો હતો. પણ ત્યારે જ મન્યા ફોન પર મળવાનો સમય અને સ્થળ નક્કી કરીને વાત પૂરી કરી રહ્યો હોય એમ લાગ્યું એટલે તે ઊભો રહી ગયો હતો. મન્યા તેની મહેબૂબા સાથે વાત કરવામાં એટલો તલ્લીન હતો કે તેનો માણસ રૂમમાં પ્રવેશ્યો તેના પર તેનું ધ્યાન જ ગયું નહીં.

પણ રિસિવર ક્રેડલ ઉપર મૂકતાવેંત મન્યાનું ધ્યાન રૂમમાં આવીને ઊભેલા તેના માણસ પર પડ્યું અને તેણે તેની જાનેમન સાથે વાત કરતી વખતે જે અદૃશ્ય મહોરું પહેરી લીધું હતું તે ઉતારી નાખ્યું અને બરાડો પાડ્યો, ‘ક્યા હૈ? સાલે વક્ત-બેવક્ત ચલે આતે હૈ...’

‘ભાઈ, વો આપને કલ બતાયા થા ના...’ કહેતા એ યુવાને મન્યાને પોતાના કામનો રિપોર્ટ આપવા માંડ્યો. મન્યાએ તેની વાત સાંભળી લઈને તેને રવાના કર્યો. પણ મન્યાના વર્તનથી એના માણસને ગુસ્સો આવી ગયો હતો. પ્રત્યક્ષ રીતે તો એ કંઈ કરી શકે એમ નહોતો, પણ મન્યાએ ફોન પર તેની ‘જાનેમન’ સાથે છેલ્લે છેલ્લે જે વાત કરી હતી એ એણે સાંભળી લીધી હતી. મન્યા સાથે ઊંધાચત્તા ધંધા કરનારા એ ટપોરીએ ખુન્નસથી દાંત ભીંસ્યા અને મન્યા બીજા બધા સાથે વાત કરતી વખતે જે ભાષા બોલતો એ જ ભાષામાં તે મન્યા માટે થોડા શબ્દો મનોમન બબડ્યો!

***

‘વો અપની આઈટેમ કો મિલને જાનેવાલા હૈ...’

મન્યાએ થોડી વાર અગાઉ તેના જે ગુંડાને ગાળો આપીને તગડી મૂક્યો હતો એ દાઉદને ફોન પર કહી રહ્યો હતો!

દાઉદના ચહેરા પર સ્મિત ફરકી ગયું. મન્યાએ દાઉદ ગૅંગને છેલ્લા બે વર્ષમાં ખૂબ જ નુકસાન પહોંચાડ્યું હતું. એટલું નુકસાન તો તેને તેની કટ્ટર દુશ્મન એવી પઠાણ ગૅન્ગે પણ નહોતું પહોંચાડ્યું.

***

‘વો મુઝે મિલને કે લિયે આંબેડકર જંકશન કે પાસ દોપહર ડેઢ બજે આયેગા...’મન્યાની પ્રેમિકા વિધ્યા કોઈને ફોન પર કહી રહી હતી.

***

‘મન્યા ડેઢ બજે વડાલા આંબેડકર જંકશન પે આનેવાલા હૈ...’

મુંબઈ પોલીસના સિનિયર ઈન્સપેક્ટર વાય. ડી. ભીડેને કોઈ ફોન પર માહિતી આપી રહ્યું હતું. તેણે વાત પૂરી કરીને રિસિવર ક્રેડલ પર મૂક્યું એ પછી બીજી ક્ષણે તેમણે ધડાધડ આદેશ છોડવા માંડ્યા.

***

1 નવેમ્બર, 1982.

‘મન્યા, ભાગને કી કોશિશ મત કરના વરના...’

વડાલા વિસ્તારમાં પોતાની પ્રેમિકાને મળવા પહોંચેલા મન્યાના કાને શબ્દો અથડાયા અને તે જાણે થીજી ગયો.

પોતાની પ્રેયસીને મળવા વડાલા વિસ્તારમાં આંબેડકર કોલેજ જંકશન નજીકના એક બ્યુટી પાર્લર પાસે પહોંચેલો મન્યા મીઠી કલ્પના કરી રહ્યો હતો ત્યારે જ તેણે ભયંકર વાસ્તવિકતાનો સામનો કરવાનો વારો આવ્યો. પ્રિયતમા વિધ્યા સાથે મધુર પળો માણવાના મૂડમાં ત્યાં પહોંચેલા મન્યા સામે ખોફનાક ક્ષણો મોં ફાડીને ઊભી હતી.

શરણે થવાની ચેતવણી સાંભળીને હેબતાઈ ગયેલા મન્યાએ પ્રતિકાર કરીને ભાગી છૂટવા માટે પિસ્તોલ કાઢી. જો કે તે ટ્રિગર દબાવી શકે એ પહેલા જ તેને ચેતવણી આપનારા માણસના હાથમાંની રિવોલ્વર ગર્જી ઊઠી અને એમાંથી છૂટેલી ગોળી મન્યાની છાતીમાં ખૂંપી ગઈ. મન્યાએ પોતાની છાતીમાં ગરમ સીસું ઉતરી રહ્યું હોય એવું મહેસૂસ કર્યું. મન્યાની આંખે અંધારા આવ્યા. એ જ વખતે સામેથી અનેક ગોળીઓ છૂટી અને મન્યાના શરીરમાં ધરબાઈ ગઈ. થોડી સેકન્ડોમાં મનોહર અર્જુન સુર્વે ઉર્ફે મન્યા સુર્વે તરફડીને પરધામ પહોંચી ગયો.

મન્યાને ગોળીઓથી વીંધી નાખનારો એ માણસ હતો આઈઝેક બાગવાન, મુંબઈ પોલીસનો સબ ઈન્સ્પેકટર. મુંબઈ પોલીસનું અંડરવર્લ્ડ સાથેનું એ પ્રથમ એન્કાઉન્ટર હતું. આઈઝેક બાગવાનની સાથે સબ ઈન્સપેક્ટર રાજા તમ્બાત સહિત સત્તર પોલીસમૅન હતા જે વ્યૂહાત્મક રીતે એ વિસ્તારમાં પોઝિશન લઈને ગોઠવાયેલા હતા. જો કે બાગવાન મન્યા જેવા ખતરનાક ગૅન્ગલીડરને ખતમ કરવાનું શ્રેય ખાટી ગયા હતા. મન્યાને ગોળીએ દઈને મુંબઈ પોલીસે અંડરવર્લ્ડ સાથે એન્કાઉન્ટરનું ખાતું ખોલ્યું હતું.

***

‘કુખ્યાત ગેન્ગસ્ટર મન્યા સુર્વે ગઈ કાલે પોલીસ સાથેની મુઠભેડમાં માર્યો ગયો. મન્યા સુર્વે તેની પ્રેમિકાને મળવા માટે તેની પ્રેમિકાને મળવા જવાનો છે એવી પાકી માહિતી તેની ગૅંગના જે એક ગુંડા પાસેથી મળ્યા પછી મુંબઈ પોલીસના જાંબાઝ અધિકારી આઈઝેક બાગવાનની ટુકડીએ એને દક્ષિણ મુંબઈમાં એક હોટેલની બહાર ઘેરી લીધો હતો. પોલીસે મન્યા સુર્વેને શરણે આવી જવા કહ્યું હતું, પણ શરણે આવવાને બદલે મન્યા સુર્વેએ પોલીસ ટીમ તરફ ગોળીબાર કર્યો હતો. પોલીસ અધિકારીઓએ કરેલા વળતા ગોળીબારમાં મન્યા સુર્વે ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો…’

સવારમાં ઉર્દૂ અખબારમાં ગેંગસ્ટર મન્યા સૂર્વેના એન્કાઉન્ટરના સમાચાર વાંચી રહેલા અંડરવર્લ્ડ ડૉન કરીમલાલા એ પૂરા સમાચાર વાંચ્યા વિના જ છાપું બાજુમાં મૂકી દીધું. તેને લાગ્યું કે પોતાની છાતી ભીંસાઈ રહી છે!

(ક્રમશ:)

***