Hashtag love - 25 books and stories free download online pdf in Gujarati

હેશટેગ લવ - ભાગ-૨૫ (અંતિમ ભાગ)

"હેશટેગ લવ" ભાગ - ૨૫ (અંતિમ ભાગ)

"કાવ્યાજી. 
મને જ્યારે તમારા માટે લાગણી જન્મી ત્યારે મેં કંઈ જ નહોતું વિચાર્યું. તમે કોણ છો ? કેવા છો ? એનો મેં વિચાર સુદ્ધાં પણ નહોતો કર્યો. બસ તમારા શબ્દોથી મને આકર્ષણ થયું. અને ધીમે ધીમે એ આકર્ષણ પ્રેમમાં પરિણમ્યું. તમારા વિશે જાણી થોડું દુઃખ પણ થયું. સાથે ઈશ્વર ઉપર ગુસ્સો પણ આવી ગયો. ઈશ્વર કેમ આટલો ક્રૂર હશે ? જે આટલું સરસ લખી શકે છે ? પોતાની કલ્પના શક્તિથી દુનિયાના ખૂણે ખૂણા સુધી પહોંચી શકે છે એજ વ્યક્તિને ઘરની ચાર દીવાલોમાં કેદ કરી દીધી ? પણ સાથે તમને સલામ કરવાનું પણ મન થાય છે. તમારા પગ ના હોવા છતાં તમે તમારી કલ્પનાથી આટલું સરસ લખી શકો છો. જ્યાં બીજા લોકો આવી હાલતમાં પોતાના હથિયાર હેઠા મૂકી દે ત્યાં તમે કલમને તમારું હથિયાર બનાવી આગળ વધ્યા. ખરેખર મારા માટે ગર્વની વાત છે કે હું તમારી સાથે વાત કરી શક્યો. અને આજે એ વાતની પણ ખુશી છે કે મને તમારાથી પ્રેમ થઈ ગયો છે. 
કાવ્યાજી. તમે મને તમારા જીવનમાં એક મોકો આપો. હું તમને ક્યારેય નિરાશ નહિ કરું. છેલ્લા શ્વાસ સુધી હું તમારી સાથે રહીશ. ભલે તમે ચાલી નથી શકતાં પણ હું તમારા પગ બનીશ. તમારા ભૂતકાળમાં શું બન્યું એના વિશે મારે નથી જાણવું. પણ તમારા ભવિષ્યને હું મારી સાથે ઉજ્જવળ બનાવીશ. 
મારુ જીવન પણ સાવ એકલવાયું છે. મા-બાપ, ભાઈ-બહેનનો પ્રેમ કેવો હોય એ મને નથી ખબર. આજથી ૨૫ વર્ષ પહેલાં મને કોઈ અનાથ આશ્રમના દરવાજા પાસે મૂકીને ચાલ્યું ગયું હતું. આશ્રમમાં રહી મોટો થયો. નામકરણ પણ આશ્રમ દ્વારા જ થયું. અભ્યાસ બાદ મને નોકરી મળી. આશ્રમ છોડી અને અમદાવાદ વસ્યો. આજે સારી નોકરી છે. સારું કમાઈ પણ શકું છું. પેટની ભૂખ સંતોષાઈ ગઈ છે. પણ હજુ પ્રેમની ભૂખ નથી સંતોષાઈ. ઘણાં સમયથી તમને વાંચતો થયો. અને તમારા માટે દિલમાં લાગણીનો જન્મ થયો. મારા વિશે તમારે જે પણ કઈ જાણવું હોય એ તમને હું જણાવીશ. વિના સંકોચે તમે મને કંઈપણ પૂછી શકો છો. 
હું મારી જાતને ધન્ય ગણું છું કે તમે મને મળ્યા. મારે મારા જીવનના નિર્ણય લેવા વિશે કોઈને પણ પૂછવાની જરૂર નથી. ના હું તમારા ઉપર રહેમ ખાઈને તમને અપનાવવા માંગુ છું. કદાચ આ કાર્ય કરવા માટે ઈશ્વરે જ મને તમારી વાર્તાઓ વાંચવી હશે. તમારા માટે લાગણી જન્માવી હશે. હું ખુલ્લા દિલથી તમને સ્વીકારવા તૈયાર છું. બસ એના માટે માત્ર મારે તમારી હા સાંભળવી છે. 
હું તમારા જવાબની રાહ જોઈશ."
                                        લી.
                                     નીરજ

સવારે ઉઠતાની સાથે જ મેં ઈ-મેઈલ ચેક કર્યા. પહેલો જ ઈ-મેઈલ નીરજનો હતો. સમય જોયો તો રાત્રે ત્રણ વાગ્યાનો. નીરજનો જવાબ વાંચી ક્ષણવાર માટે તો મારા ચહેરા ઉપર ખુશી ફરી વળી. આજની આ સ્વાર્થી દુનિયામાં પણ નીરજ જેવો વ્યક્તિ પણ છે. પરંતુ થોડી જ વારમાં અજય સાથે બનેલી ઘટના આંખો સામે દોડવા લાગી. બીજી વખત પ્રેમમાં પડતાં ડર લાગવા લાગ્યો. "કદાચ નીરજ પણ અજયની જેમ અડધા રસ્તે છોડી દેશે તો ?" મારા પગ સામે જોઈ મારી આંખો આંસુઓથી છલકાવવા લાગી. લેપટોપ બાજુમાં મૂકી થોડીવાર રડી લીધું. શું કરવું ? કઈ જ સમજાઈ રહ્યું નહોતું. એક તરફ નીરજનો પ્રેમ મને બોલાવી રહ્યો હતો તો બીજી તરફ અજય સાથે બનેલો બનાવ મને આગળ વધતા રોકતો હતો.
થોડીવાર પોતાની જાત સાથે જ મનોમંથન કર્યા બાદ નીરજને જવાબ આપવાનું નક્કી કર્યું. લેપટોપ હાથમાં લીધું. અત્યાર સુધી લાખો શબ્દો લખી નાખ્યા હતા. પણ આજે નીરજને જવાબ આપવા માટે મને શબ્દો નહોતા મળી રહ્યા. છતાં પણ લખવાની શરૂઆત કરી.
"નીરજજી
તમારા પ્રેમ અને તમારી મારા પ્રત્યેની જે લાગણી છે તેને હું વંદન કરું છું. આજના સ્વાર્થી જમાનામાં તમારા જેવું કોઈ વિચારનારું હશે તેની કલ્પના પણ હું નથી કરી શકતી. તમારા જીવન વિશે જાણી મને પણ દુઃખ થયું. છતાં તમે પોતાની મહેનતથી આગળ વધ્યા છો તે જાણી ખુશી પણ થઈ.
મારા વિશે તમે હજુ કઈ ખાસ નથી જાણતા. મારો ભૂતકાળ બહુ ભયાનક રહ્યો છે. મારામાં હવે એટલી હિંમત નથી રહી કે હું હવે બીજીવાર કોઈના પ્રેમને અપનાવી શકું. એકવાર પ્રેમમાં હું મારા પગ ખોઈ બેઠી છું. હવે બીજું કંઈ ખોવાની મારી ઈચ્છા નથી. તમે બહુ જ સારા માણસ છો. તમને કોઈપણ મળી જશે. પણ હું મારી આ હાલતના કારણે તમારા જીવનમાં બોજ બનવા નથી માંગતી. તમારી ભાવના, તમારા પ્રેમની હું કદર કરું છું. પણ મારાથી એ નહીં થઈ શકે જે તમે ઇચ્છો છો. માટે મને માફ કરજો. એક સારા વાચક તરીકે હું તમને ખોવા નથી માંગતી. પણ એક પ્રેમી તરીકે હું તમને મારા જીવનમાં ક્યારેય સ્થાન નહિ આપી શકું. 
હું ઇચ્છિશ કે તમે પણ તમારા નવા જીવનની શરૂઆત કરો. તમારા સુખમય જીવન માટે હું ઈશ્વરને પ્રાર્થના કરીશ."
                                                 લી. 
                                             કાવ્યા દેસાઈ

નીરજને જવાબ આપી. લેપટોપ બંધ કરી રડી લીધું. થોડીવાર રૂમમાં બેઠી. પછી આંખો લૂછી મમ્મી પાસે ગઈ. મમ્મી મારી આંખો જોઈને સમજી ગઈ કે હું રડી છું. મારા ચહેરા ઉપર પણ મમ્મી મારી ચિંતાઓ વાંચી શકતી હતી. મમ્મીએ મને તરત કારણ પૂછ્યું પણ મેં સાચો જવાબ ના આપતાં. મારી એકલતાં કારણરૂપે દર્શાવી. પણ મમ્મી માને એમ નહોતી. મારા દિલના હાલ મમ્મી બરાબર સમજતી હતી. એને મને સાચું કારણ જાણવા માટે કહ્યું. મેં પણ આંખોમાં નવા આંસુઓ સાથે એને નીરજ વિશેની બધી જ વાત જણાવી. મમ્મીને પણ જાણીને નવાઈ લાગી કે "આજના સમયમાં નીરજ જેવી વ્યક્તિ પણ હોઈ શકે !" મમ્મીએ મને સમજાવતાં કહ્યું કે...
"જો તું ઈચ્છે તો અમને કોઈ વાંધો નથી. પણ એ વ્યક્તિને હજુ આપણે બરાબર ઓળખતા નથી. અમે તારા મા-બાપ છીએ. અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી તને સાચવી લઈશું. પરંતુ અમે જ્યારે નહીં હોઈએ ત્યારે તારું શું થશે એ ચિંતામાં હું અને તારા પપ્પા આજે પણ દુઃખી થઈએ છીએ. પણ જો તને સમજી શકનારું, તને સાચવી શકનારું વ્યક્તિ મળી જાય તો અમે પણ ખુશ થઈએ. તું કહું છું એમ જો નીરજ સાચે જ તને સાચવવા માંગતો હોય તો એની સાથે વાત કર. ઘરે પણ બોલાવ. તમે બંને રૂબરૂ મળો. અને પછી જો યોગ્ય લાગે તો અમારા તરફથી તમને કોઈ તકલીફ નહિ થાય. અને તું કહું છું કે નીરજ અનાથ છે. તો આપણે બધા સાથે પણ રહી શકીએ. એને પણ અમે દીકરાની જેમ રાખીશું."
મમ્મીની વાતોથી મારા મનમાં એક નવી આશા જાગી હતી. પણ મેં નીરજને જવાબ આપી દીધો હતો. અને જવાબમાં મેં ના કહ્યું હતું. મમ્મી એની રીતે સાચી છે. પણ હું એટલી સ્વાર્થી તો ના જ બની શકું ને કે "મારો બોજ હું કોઈના ખભે નાખી દઉં." નીરજ હવે મારી વાતનો શું જવાબ આપે છે એ જાણવા માટે મારી રૂમ તરફ ગઈ. લેપટોપ ખોલી જોયું તો નીરજનો જવાબ આવી ગયો હતો.
"કાવ્યાજી
તમે એમે કેવી રીતે કહી શકો કે "હું તમારા ઉપર બોજ બનવા નથી માંગતી ?" હું મારી મરજીથી તમને અપનાવવા માંગુ છું. કદાચ આપણાં લગ્ન પહેલા થઈ ગયા હોત અને તમારા પગ કોઈ અકસ્માતમાં કપાઈ ગયા હોત તો શું હું તમને છોડી દેતો ?  રહી વાત તમારા ભૂતકાળની તો મેં પહેલા જ કહ્યું કે તમારો ભૂતકાળ ગમે તેવો હોય એની સાથે મારે કોઈ નિસબત નથી. હું તમારા ભૂતકાળને ઉખેડવા નહિ પણ તમારા વર્તમાનને મારા પ્રેમની ચાદર ઓઢાળવા આવ્યો છું. 
તમને જોયા વગર, તમને મળ્યા વગર પણ હું તમને ચાહું છું. હું તમારી હિંમત બની અને સદાય તમારી પાસે રહેવા માંગુ છું. તમે શાંતિથી આ બાબતે વિચાર કરજો. હું રાહ જોવા માટે તૈયાર છું. મારા જીવનનો પહેલો પ્રેમ તમે છો. અને હવે તમારા બાદ હું મારા જીવનમાં કોઈને પ્રવેશ પણ આપવા નથી માંગતો. તમારી રાહ હું જોઈ લઈશ."
લી.
નીરજ 

નીરજનો જવાબ વાંચી મને ખુશી થઈ. એ મને અપનાવવા માટે તૈયાર હતો. એને મેં "હા"નો જવાબ પણ આપી દીધો. મમ્મીને પણ આ વાતની જાણ થઈ ગઈ હતી. પપ્પાને પણ એને જાણ કરી. પપ્પા પણ આ વાતથી ખુશ હતા. થોડા દિવસ નીરજ સાથે મેઈલ દ્વારા જ વાતો કરી. એને મારો અવાજ સાંભળવાની ઈચ્છા હતી. એટલે એને મારો ફોન નંબર પણ આપ્યો. હવે ઇ મેઈલ ઓછા થયા અને ટેક્સ્ટ મેસેજ અને ફોન વધવા લાગ્યા. રૂબરૂ મળવાનું તો શક્ય જ નહોતું. છ મહિના આ રીતે નીરજ સાથે વાતોમાં જ વીતવા છતાં એને મને ક્યારેય જોવાની ઈચ્છા ના દર્શાવી. ના મેં એને ક્યારેય પોતાનો ફોટો મોકલ્યો. એકવાર એને મને સામેથી જ કહ્યું કે "આપણે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે જ આપણે એકબીજાને જોઈશું." મને નીરજના પ્રેમ ઉપર ગર્વ થતું હતું. મારી જાતને હું કિસ્મતવાળી સમજતી હતી. 

મમ્મી પપ્પાએ મને એક દિવસ નીરજને ઘરે બોલાવી રૂબરૂ મળવાની વાત કરી. વાતોમાં નીરજને બરાબર ઓળખી લીધો હતો. વાતો દ્વારા એનો સ્વભાવ મને ગમ્યો હતો. પણ મમ્મી પપ્પા હવે ઇચ્છતા હતા કે નીરજને રૂબરૂ મળી વાત આગળ વધારવી. મમ્મીએ મને જ્યારે આ વાત કરી ત્યારથી મારા દિલની ધડકનો તેજ થવા લાગી. નીરજને જોવાની તાલાવેલી જાગવા લાગી. મેસેજ કરી અને નીરજને ઘરે આવવાનું આમંત્રણ આપી દીધું. નીરજે પણ વળતાં જવાબમાં રવિવારે આવવાનું જણાવી દીધું. રવિવાર આવવામાં હજુ ત્રણ દિવસ બાકી હતાં. પણ એ ત્રણ દિવસ મને ત્રણ વર્ષ જેવા લાગ્યા.
રવિવારના દિવસે સવારે અગિયાર વાગે ડોરબેલ વાગ્યો.  પપ્પાએ દરવાજો ખોલ્યો. હું મારા રૂમમાં જ તૈયાર થઈને બેઠી હતી. ડોરબેલના અવાજ સાથે નીરજ જ આવ્યો હશે એ ખાત્રી હતી. અડધા ખુલેલા બારણાં માંથી મેં બહાર નજર કરી. સ્કાય બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટમાં એક યુવાનને પપ્પાએ ઘરમાં આવકારો આપ્યો. ઘરમાં આવી પપ્પાને પગે લાગ્યો. એના ચહેરા ઉપર ખુશી મલકતી હતી. મમ્મી પણ રસોડામાંથી બહાર આવી. મમ્મીને પણ એ યુવાન પગે લાગ્યો. પપ્પાએ એને સોફા ઉપર બેસાડ્યો. મમ્મી બેઠક રૂમમાંથી સીધી મારા રૂમ તરફ આવી. અને કહેવા લાગી 
"નીરજ આવી ગયો છે. દેખાવડો છે.  અને સંસ્કારી પણ લાગે છે. મને તો ગમ્યો. હવે તું પણ એને મળી લે એટલે બધું નક્કી કરી લઈએ."
મમ્મીના બોલવાથી મારા ચહેરા ઉપર શરમ ફરી વળી. મેં મારી આંખો નીચે ઝુકાવી લીધી. વ્હીલચેરમાં બેસી મને એમ પણ થયું કે હું પણ બહારના રૂમમાં ચાલી જઉં. પણ એમ અચાનક જવું યોગ્ય નહોતું. મમ્મી પણ પાણી લઈ નીરજને આપી એની પાસે બેસી ગઈ. એ ત્રણ જણ વાતોમાં એટલા મશગુલ થઈ ગયા કે મને કોઈએ યાદ પણ ના કરી. હું રૂમમાં એકલી બેઠી છું એ પણ ભૂલી ગયા. થોડીવારમાં મમ્મી મને લેવા માટે આવી. વ્હીલચેરને ધકેલી મમ્મી મને બહારના રૂમમાં લઈ ગઈ. નીરજને જોઈ મારી આંખો શરમથી ઝૂકી ગઈ. મેં કલ્પના પણ નહોતી કરી કે નીરજ પણ આટલો સુંદર હશે. ખરેખર હું કિસ્મતવાળી હતી કે નીરજ મને મળવાનો હતો. જો નીરજે ઇચ્છયું હોત તો એને કોઈપણ મળી જતું. 
થોડીવાર રૂમમાં બધાની સાથે બેસી મમ્મીએ અમને મારી રૂમમાં એકલા બેસવા માટે કહ્યું. મમ્મી મને રૂમમાં લઈ આવી. નીરજ પણ ત્યાં આવ્યો. મારા બેડ ઉપર નીરજ બેઠો. હું એની સામે. મમ્મી બહાર નીકળી ગઈ. પપ્પા પણ અમે વાતો કરી શકીએ એ માટે મમ્મી સાથે રસોડામાં ચાલ્યા ગયા.
નીરજને મેં સામે બેસી આ સમયે પણ  એના છેલ્લા નિર્ણય વિશે પૂછ્યું પણ એ પોતાના નિર્ણય માટે અડગ હતો. વળી એને તો મને જોયા બાદ પોતાની ઈચ્છા વધુ વધી ગઈ હોય એમ જણાવ્યું. અડધો કલાક સુધી અમે બંનેએ રૂમમાં બેસી વાતો કરી. જમવાનો સમય થતા મમ્મીએ જમવા માટે બોલાવ્યા. જમીને થોડીવાર બેસી નીરજ જવા માટે રવાના થયો.
મમ્મી પપ્પાને નીરજ ગમ્યો. મને પણ. નીરજના ગયા બાદ મમ્મીએ એના ખૂબ વખાણ કર્યા. મેસેજમાં નીરજે મને મારા મમ્મી પપ્પાએ શું કહ્યું એના વિશે પૂછ્યું. મેં બધાની મરજી છે એમ પણ જણાવ્યું. નીરજ ખુશ હતો. લગ્ન બાદ એ અમારી સાથે રહેવા માટે પણ તૈયાર છે એમ જણાવ્યું. એ પણ ઈચ્છતો હતો કે "મને પણ મા-બાપનો પ્રેમ મળે. એ નોકરીએ જાય ત્યારબાદ મારી દેખરેખ રાખવા માટે મારી સાથે કોઈ હાજર હોય. હું પણ મારા માતા પિતાની સાથે રહું." 

આવતા વેલેન્ટાઈન ડે ના દિવસે જ હું અને નીરજ લગ્નબંધનમાં બધાઈશું. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારા જીવનમાં નીરજ આવશે. અજય સાથે જે થયું એના બાદ મેં બધી જ આશાઓ છોડી દીધી હતી. પણ નીરજ મારા જીવનમાં એક આશાઓનું નવું કિરણ લઈને આવ્યો. બેરંગ મારી જિંદગીમાં નવા રંગો ભર્યા. મને જીવવાની નવી આશ આપી. 

આ હતી મારા જીવનની એક વણકહી વાર્તા. જેને આજસુધી મેં મારી ડાયરીના પાનાઓમાં સીમિત રાખી હતી. પણ નીરજ મને મળ્યો ત્યારબાદ મેં એને મારી બધી જ હકીકત જણાવી. મારી ડાયરી વિશે પણ કહ્યું. એને પણ મારી ડાયરી વાંચી અને મને મારા જીવન વિશે લખવા પ્રોત્સાહન પૂરું પાડ્યું. મારા જીવન સફરમાં, મને એક સફળ લેખિકા બનાવવામાં  મારા મમ્મી પપ્પા સિવાય બીજી કોઈ વ્યક્તિ હોય તો તે છે નીરજ. કદાચ નીરજ ના હોત તો હું માત્ર કાલ્પનિક વાર્તાઓ લખી શકી હોત. પણ આજે મેં મારી જીવન સચ્ચાઈ પણ તમારી આગળ નીરજ ના કારણે મૂકી આપી. 
પ્રેમનું કોઈ સરનામું નથી હોતું. પ્રેમ પોતે જ તમારું સરનામું શોધી લે છે.

( પચ્ચીસ ભાગમાં પથરાયેલી "હેશટેગ લવ" નવલકથા આપને જરૂર પસંદ આવી હશે.  વાચકોનો બહોળો પ્રતિભાવ આ નવલકથાને મળ્યો. એ બદલ હું સૌ વાચકોનો આભારી છું. આ અંતિમ ભાગ બાદ આ સમગ્ર નવલકથા આપને કેવી લાગી તે જણાવશો. તમારો પ્રતિભાવ જ મને લખવાનું પ્રેરણા બળ પૂરું પાડે છે. આભાર !!!)

લે. નીરવ પટેલ "શ્યામ"