Veer Vatsala - 19 books and stories free download online pdf in Gujarati

વીર વત્સલા - 19

વીર વત્સલા

નવલકથા

રઈશ મનીઆર

પ્રકરણ - 19

શાહુકારની પુત્રવધુને સલામત ભાગી જવા દીધી એ પછી વીરસિંહને અનુભવ થયો કે વેર વાળ્યા પછી જેટલો ધરવ થાય છે એના કરતા વધુ સંતોષ વેર વાળવાની તક આવે અને તમે એ જતી કરો ત્યારે થાય છે. શાહુકારના દીકરાને ક્ષમા કરી શકે એટલું ઠંડુ લોહી એનું નહોતું પણ કોઈની નિર્દોષ પત્ની પર અત્યાચાર ગુજારી વેર વાળે એવી તામસિક વૃત્તિ પણ એનામાં નહોતી. આવેશ પર સમજદારીને સરસાઈ અપાવે એવું ચિત્ત પોતાને આપનાર કુદરતનો એણે આભાર માન્યો. એ જરા સ્વસ્થ થયો. લાગણીના ઝંઝાવાતમાં ડોલી રહેલું મન હવે ઘડીક બધી બાજુથી વિચારી શકે એટલું શાંત થયું.

શાહુકારની વહુના શબ્દો એના મનમાં પડઘાતા રહ્યા. જગતમાં ભયમુક્ત થયેલી નારીથી વધુ ધારદાર સત્ય કોઈ બોલી શકતું નથી. પોતે જે સ્ત્રીનાં ચીર પૂરી એની લાજ બચાવી, એ સ્ત્રીએ એની દ્વિધાનો પડદો ચીરી નાખ્યો. વીરસિંહનું અંતર્મન જાણે નિર્વસ્ત્ર થઈ ગયું. બાળક જેવું નિર્વસ્ત્ર. હવે એ પોતાની જાતનો, પોતાના જીવનના નગ્ન સત્યનો સામનો કરવા તૈયાર થયો.

એ સ્ત્રીના છેલ્લા સવાલે વીરસિંહ વિચારતો કરી મૂક્યો. વત્સલાથી પીઠ ફેરવી શકે એમ હતો? ના, કદી નહીં. તો પછી હવે એના પર દયા કે ઉપકારની ભાવનાથી જીવન જીવવાનું હતું? ના, એ ય શક્ય નહોતું, એણે તો પ્રેમ કરવો હતો. એવો પ્રેમ જેમાં બન્ને સમાન સ્તરે હોય! શું કરી શકાય, જેથી શુદ્ધ પ્રેમ ફરી વિજયી થાય?

વત્સલાના જીવનમાં અભય નામનું બાળક આવી ગયું હતું. એ બાળક પ્રત્યેનો દ્વેષ પ્રેમના માર્ગમાં આડો આવી રહ્યો હતો. વીરસિંહે નક્કી કર્યું, એ બાળકનું શું કરવું એ ફેંસલો હું નહીં કરું.

વત્સલા જે નક્કી કરશે એ મને માન્ય રહેશે. આજે એ બાળક વત્સલાના ખોળામાં છે. વીરસિંહ વિચારતો રહ્યો કે જગતના કોઈપણ નિર્દોષ બાળકને જે રીતે સહજતાથી હું રમાડી શકું છું, એમ અભયને રમાડી શકીશ?

આ સવાલનો જવાબ તત્કાળ હામાં આવે, એટલું મન સાફ થાય તો જ વત્સલા માટે દયા કે ઉપકાર નહીં, પણ પ્રેમ મનમાં જાગે!

વીરસિંહે નક્કી કર્યું કે આ બધી વાત વત્સલા સાથે કરતાં પહેલા ચંદનસિંહ સાથે કરું. એને મારી અંતરાત્માની અદાલતનો મુનસફ બનાવું. પછી પગલું લઉં.

સાંજ પડતાં ચંદનસિંહ સામેથી જ એને શોધતો આવ્યો. અહીં સરદારસિંહની હવેલીમાં એણે આવી બધી વાત કરવી નહોતી એટલે ચંદનસિંહ સાથે શિવમંદિરે જવા માટે સરદારસિંહની રજા લેવા ગયો.

સરદારસિંહને ત્યાં સુધીમાં ખબર મળી ચૂકી હતી કે વીરસિંહે વેર વાળવાને બદલે શાહુકારની દીકરીને સહીસલામત વળાવી દીધી હતી.

એણે હસતાં મોઢે વીરસિંહને શિવમંદિર જઈ આવવા રજા આપી, ત્યાં તો મારતે ઘોડે હુકુમસિંહ આવી રહેલો દેખાયો. હુકુમસિંહ હજુ અડધો ગાઉ દૂર હતો પણ એની ઝડપ જોઈને સિપાહીઓ સજ્જ થયા.

શું થયું હશે, એ વીરસિંહને સમજ ન પડી પણ એટલું સમજાયું કે હવે અત્યારે ચંદનસિંહ સાથે વત્સલાને મળવા નહીં જવાય. ઝડપથી એક ચબરખી લઈને એણે લખ્યું, “બહુ જલદી આવીશ, અભયને રમાડવા!” ચિઠ્ઠી એણે ચંદનસિંહના હાથમાં મૂકી.

વીરસિંહને ખુદનેય ન સમજાયું કે કઈ ઘડીએ અભયને રમાડવાનો ઉમળકો એના મનમાં આવી ગયો. અને કઈ વિચારથી એણે આ ચબરખી લખી નાખી, પણ મનમાં જે કંઈ હલચલ થઈ, એનાથી એના અંગેઅંગમાં, એની રગેરગમાં ઉમંગોના તરંગો દોડી વળ્યા.

ચંદનસિંહે ચિઠ્ઠી વાંચી, “બહુ જલદી આવીશ, અભયને રમાડવા!” આ પાંચ શબ્દોથી પોતાના મિત્ર માટે એના મનમાં જે માન હતું, એ પાંચગણું થઈ ગયું.

*

ચંદનસિંહ ચબરખી લઈ રવાના થયો. હુકુમસિંહ સમાચાર લઈને આવ્યો હતો. વાત એમ બની હતી કે દુર્જેયસિંહ એમની ટોળી સાથે માલવપુરની તરફ વગડામાં શિકાર માટે ગયા હતો. ત્યાં વશરામ કોળીએ એના બાર સાથીઓ સાથે એમની ટોળી પર હુમલો કર્યો હતો. સુવ્વર અને શિયાળવા મારવાનાં ટચુકડાં હથિયારો લઈ શિકારે ગયેલી ટોળી બધી તરફથી ફસાઈ ચૂકી હતી. અને શિકારી બાજની જેમ વશરામ કોળી એમને ઘેરીને તૈનાત હતો.

ભાગે છૂટેલ એક પગી હુકુમસિંહને મળ્યો, એણે આ વાત કરી.

બાર જણ સામે લડી શકાય એ માટે બમણાં સિપાહીઓ અને શસ્ત્રો લઈ સરદારસિંહ અને વીરસિંહ નીકળી પડ્યા. હજુ સૂરજગઢ ડેલા સુધી તો આ વાત પહોંચીય નહોતી.

*

સરદારસિંહ અને વીરસિંહ માલવપુર તરફના વગડામાં પહોંચ્યા. નિર્જન વગડામાં અચાનક પક્ષીઓના ખાસ પ્રકારના અજંપાભરેલા અવાજ સંભળાતાં જ વીરસિંહને ખ્યાલ આવ્યો કે નજીક જ માનવોની હિલચાલ છે.

કંઈ વિચારીને સરદારસિંહની અનુમતિ લઈ એણે જુદો રસ્તો લીધો. પોતાની સાથે ત્રણ સિપાહીઓ લઈને એ મુખ્ય પગદંડી છોડીને છૂટો પડ્યો.

સરદારસિંહે બાકીના સાથીઓ સાથે આગળ વધવાનું ચાલુ રાખ્યું. અડધો ગાઉ ચાલતાં જ વશરામ કોળીની ટોળકી દેખાઈ. ધ્યાનથી જોયું તો આઠેક સૈનિકો દુર્જેયસિંહને બાંધીને લઈને આવી રહ્યા હતા. દુર્જેયસિંહના માથે પિસ્તોલ તાકીને વશરામ બેફિકર થઈ ચાલી રહ્યો હતો. અંગ્રેજરાજના શસ્ત્રભંડારમાંથી કોઈક રીતે મેળવેલી આ પિસ્તોલના બળે અને બંદી પોતાના કબજામાં હોવાથી વશરામ કોળી સામેથી સરદારસિંહના સિપાહીઓને આવતાં જોઈ ડગ્યો નહીં.

સરદારસિંહે તાગ મેળવ્યો કે દુર્જેયસિંહની સાથે શિકારે આવેલા બીજા સાથીઓ કદાચ ભાગી છૂટ્યા હશે અથવા હણાઈ ચૂક્યા હશે. હવે વશરામ કોળીની ચુંગાલમાંથી આ દોરડે બંધાયેલા દુર્જેયસિંહને છોડાવવો એ સહેલું કામ નહોતું. વશરામ સાથે એના આઠેક સાથીઓ હતા. દરેક પાસે ભારેખમ બંદૂક હતી. બળવાખોરોનો સૌથી વધુ વિશ્વાસ એમના હથિયારો પર હોય. સરદારસિંહે જોયું કે સંખ્યા ભલે એમની ટોળકીની વધુ હતી, પણ સાધન અને સાહસની દૃષ્ટિએ દુશ્મનો બળિયા હતા તેમજ એમની પાસે એક બંધક હતો, જેને જીવતો છોડાવવો જરૂરી હતો. બન્ને ટોળી સામસામે નજીક આવીને એકબીજાથી પચીસેક ડગલા દૂર ઊભી રહી.

*

ત્યાં ચંદ્રપુરમાં ચંદનસિંહ શિવમંદિર તરફ ગયો. ટીંબા પર ખીજડાના વૃક્ષ નીચે બે યૌવનાઓ રાહ જોઈ રહી હતી. પણ એમને મળવા જુવાન એક જ આવ્યો. ગઈ કાલે પણ વીરસિંહ અડધેથી પાછો વળ્યો હતો. આખી રાત વત્સલાએ રડીને પસાર કરી હતી. વીણા સવારથી વત્સલાને વિશ્વાસ અપાવતી હતી કે આજે વીરસિંહ આવશે જ. પણ આજેય એ ન આવ્યો. એકની આશા ખોટી પડી અને બીજીનું આશ્વાસન ઠાલું સાબિત થયું એટલે એક નહીં, બન્ને સહેલીઓ રડવા જેવી થઈ ગઈ.

ચંદનસિંહ આવ્યો કે તરત વીણાએ પૂછ્યું, “વીરસિંહ ક્યાં?” ચંદનસિંહે વત્સલાને ચિઠ્ઠી આપી. વીરસિંહે આટલા વર્ષોમાં કદી ચિઠ્ઠી-ચબરખી લખી ન હતી. આ એની પહેલી ચિઠ્ઠી હતી. વત્સલાએ ચિઠ્ઠીની ગડ ખોલી, અને વીણાએ ચિઠ્ઠી તરફ નજર કરી. પ્રેમીની ચિઠ્ઠી પ્રેમિકા વાંચતી હોય ત્યારે બીજા કોઈથી ડોકિયું કરીને ન વંચાય, એવો વિવેક વીણા ચૂકી. વત્સલાએ એ જોયું, પણ એને કોઈ વાંધો નહોતો. જોકે પછી યાદ આવ્યું કે વીણાડીને તો વાંચતાય ક્યાં આવડતું હતું!

વીણાના લાભાર્થે એ પહેલા ત્રણ શબ્દો મોટેથી બોલી, “બહુ જલદી આવીશ!” એના હૈયામાં સો સો સમુદ્ર ઉછળવા લાગ્યા! જાણે સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું. હર્ષઘેલી વત્સલાએ બીજા બે શબ્દો વાંચ્યા, “અભયને રમાડવા!” ઓહોહો, વત્સલાને લાગ્યું કે હવે તો ધરતી ખુદ ઊડીને સ્વર્ગને સ્થાને પહોંચી ગઈ.

*

માલવપુર નજીકના વગડામાં બન્ને ટોળકીઓ એક બીજાનું માપ કાઢતી આગળ વધી રહી હતી. બે ટોળકીઓ વચ્ચે પચીસ વારનું અંતર રહ્યું ત્યારે વશરામ કોળીએ અચાનક એક ગોળી છોડી. ગોળી સરદારસિંહના કાન પાસેથી પસાર થઈને એક સિપાહીની ખભે વાગી.

ઈજા નાની હતી પણ સનસનાટી વ્યાપી ગઈ. સરદારસિંહને અપેક્ષા નહોતી કે વશરામ આ રીતે પહેલો હુમલો કરશે. બંધક તો એમની પાસે જ હતો. એ સંજોગોમાં આક્રમકતા બિનજરૂરી હતી. પણ સિપાહીઓ કરતાં બળવાખોરોની વિચારવાની રીત અલગ હોય છે. ગોળી છૂટી એટલે બંધક દુર્જેયસિંહ પણ થથરી ગયો. સરદારસિંહ ઝડપભેર યોજના વિચારવા લાગ્યો.

હવે દુર્જેયસિંહને છોડાવવા ઉપરાંત પોતાના સિપાહીઓને પણ બચાવવાના હતા, એટલું જ નહીં, વશરામ પર માનસિક વિજય મેળવવા અને પોતાની ટોળીનું મનોબળ બનાવી રાખવા કોઈ સફળ ચાલ ચાલવી જરૂરી હતી.

એ પોતાના નજીકના ઘોડાઓ પર સવાર સાથીઓ સામે જોઈ, પચીસ વાર દૂર સંભળાય એવા અવાજે બોલ્યો, “એ લોકો સાત-આઠ છે, આપણે વીસ-પચીસ છીએ. એક એક છાતી પર ત્રણ ત્રણ ગોળી ધરબી શકીએ છીએ!”

વશરામનો સાથી પણ મોટેથી બોલ્યો, “વશરામજી, એ ખોટી હૂલ આપે છે! ઉડાવી જ દો આ બંધકને!” દુર્જેયસિંહના ચહેરેથી પરસેવાના રેલા ઉતરી ગયા.

વશરામની પણ કોઈ ઈચ્છા નહોતી દુર્જેયસિંહને જીવતો છોડવાની, પણ બંધકને બચાવવાની આશામાં જ સામી ટોળકી કાબૂમાં રહે એમ હતું. એકવાર બંધક મરી જાય પછી તો પચીસ સિપાહીઓ આ આઠ બળવાખોરોનો સફાયો જ કરી નાખે. વશરામને ખ્યાલ હતો કે આ પચીસ સિપાહીઓ નજર સામે તૈનાત હોય ત્યાં સુધી દુર્જેયસિંહનું જીવતા રહેવું જરૂરી હતું. અને છતાંય સામી ટોળકીનો જીવ તાળવે ચોંટેલો રહે, એવી સરફરોશીથી વર્તવાનું હતું.

વશરામે દુર્જેયસિંહને એક ઝાડ સાથે બાંધ્યો. દસ ફૂટ દૂર જઈ પોતાના બન્ને તરફના કમરપટામાંથી બે કટારી કાઢી.

સરદારસિંહ હસ્યો. એને પણ ખ્યાલ હતો કે વશરામ દુર્જેયસિંહને નહીં મારે. ત્યાં જ ઘડીના છ્ઠા ભાગમાં વશરામે 20 ગજ દૂરથી કટારી ઝીંકી. હવાને ચીરતી કટારી દુર્જેયસિંહની ગરદન સુધી પહોંચે ત્યાં તો બીજી કટાર પણ એજ દિશામાં ઝીંકી.

દુર્જેયસિંહના માથાની ડાબે અને જમણે વૃક્ષના થડ પર બન્ને કટારીઓ ખૂંપી ગઈ. માત્ર તસુ જેટલી જગ્યા છોડીને પોતાના ગળાની બન્ને તરફ ખૂંપેલી બબ્બે કટારીઓ જોઈ દુર્જેયસિંહ થથરી ગયો. એની બધી અકડ એક પળમાં ઓગળી ગઈ. એનો જીવ બચ્યો, એ વશરામ કોળીની અચૂક નિશાનબાજીને આભારી હતું.

સરદારસિંહને સમજાયું નહીં કે આ સ્થિતિમાં હવે શું કરવું. એ વિચારવા લાગ્યો, આવા મુશ્કેલ સમયે વીરસિંહ કઈ તરફ ભાગી ગયો!

*

થોડીવાર પહેલા વ્યૂહ અને રસ્તો બદલીને અલગ પડેલા વીરસિંહની ગણતરી એવી હતી કે વશરામની ટોળકીને બે તરફથી ઘેરવી. અડધો ગાઉ દૂર ગયા પછી વશરામની ટોળીના બીજા ચાર સાથીઓનો પડાવ તેમને દેખાયો. ચાર અસાવધ સાથીઓને વીરસિંહ તેમજ એના સાથીઓએ પકડી લીધા અને એમને મારપીટ કરી, બંધક બનાવી એમને માથે બંદૂક તાકી એમને લઈ આગળ વધ્યા. બંધક સાથીઓ એમને મુખ્ય ટોળીની દિશામાં લઈ ગયા.

*

ચંદ્રપુરના શિવમંદિરે માણેકબાપુના ટીંબામાં ગજબની ચહલપહલ હતી. વીરસિંહની પાંચ શબ્દોની ચિઠ્ઠી સાર્વજનિક થઈ ગઈ હતી. જાણે એ ચિઠ્ઠી હોલા અને પોપટોએ પણ વાંચી લીધી હોય હોય એમ એ પંખીડાઓ કલબલ કરી રહ્યા હતા. એમની ભાષામાં એ બોલી રહ્યા હતા, “બહુ જલદી આવીશ, અભયને રમાડવા!” સામે વેલ પરથી કાકડીઓ લળી લળીને આ ઉદગારોને દાદ આપી રહી હતી.

માણેકબાપુના માથેથી તો એક મોટો બોજ ઉતરી ગયો. ચિઠ્ઠીનો સીધો અર્થ એ થતો હતો કે વીરસિંહે વત્સલાનો અને બાળકનો બન્નેનો સ્વીકાર કરવાનું નક્કી કરી દીધું છે. વીરસિંહની સચ્ચાઈ અને સજ્જનતા વિશે કોઈ શંકા કદી ન હતી પણ સંજોગોએ જે ધુમ્મસ ફેલાવ્યું હતું એની પાર એ જોઈ શકશે કે કેમ એની શંકા હતી. એ ધુમ્મસ હટી ગયું, એ જાણી એમને અજબ શાતાનો અનુભવ થયો. અચાનક એક સાથે ત્રણત્રણ જીવને ટાઢક થાય એવો યોગ બન્યો હતો. જો વીરસિંહે આ પહેલ ન કરી હોત તો વીરસિંહ, વત્સલા અને અભય ત્રણેના જીવન ખરાબે ચડી ગયા હોત! અને જે ચોથું જીવન ખરાબે ચડતાં અટક્યું તે એમનું પોતાનું! એ બોલી ઊઠ્યા, “શિવજી, હવે તને ઠીક લાગે તે કર, હવે મારી જીવવા અને મરવાની એકસરખી તૈયારી છે!”

વત્સલાએ નક્કી કર્યું કે અત્યારે અભય વિશે જે વાત ચાલે એ ચાલવા દેવી. સમય આવ્યે વીરસિંહને વિગતે વાત કરીશ. કેમ કે અસત્યના બોજ સાથે આખું જીવન ન જીવાય. વત્સલાને વિશ્વાસ હતો કે પોતે કઈ સ્થિતિમાં બાળકની મા બની બેઠી એ જાણીને વીરસિંહ એને બિરદાવશે. વળી પોતે કુમારિકા જ છે, બાળક તો શરણાગત છે, એ જાણી એ વધુ ખુશ થશે. સારા સમાચારથી વત્સલાના સારા વિચારોની પરંપરા આગળ ચાલી. …અને શરણાગતની રક્ષા કરવી એ તો ક્ષત્રિયનો પરમ ધર્મ છે, એ વાત વીરસિંહને શીખવાડવાની થોડી હોય? બસ હવે થોડા દિવસની વાર હતી! ખુલાસાઓ પછી થશે, ખુશાલીઓ ભલે આજથી શરૂ થતી.

*

ત્યાં માલવપુરના જંગલમાં એક જીવસટોસટનો જંગ ચાલી રહ્યો હતો. દુર્જેયસિંહને બચાવવા વીરસિંહે પોતાનો જીવ જોખમમાં મૂકવો પડે એમ હતું.

***