મિસ્ટર યાદ - ભાગ ૧૦

એક દિવસે દક્ષ મહેકને ઓફિસને લગતા કામ વિશે કંઈ સમજાવતો હતો. એટલામાં જ મહેકના ફોનની રીંગ વાગે છે. દક્ષે જોયું તો સિધ્ધાર્થનો ફોન હતો. મહેકે ફોન રિસીવ કર્યો અને વાત કરતા કરતા કેબિનની બહાર નીકળી ગઈ. દક્ષ મનમાં જ વિચારવા લાગ્યો " ભલે સિધ્ધાર્થ  અને મહેકની સગાઈ થઈ ગઈ હોય. પણ હું તો આજે પણ મહેકને ચાહું છું. સગાઈ જ તો થઈ છે. લગ્ન તો નથી થયાને..!! અને સગાઈ તો તૂટી પણ શકે..!!" દક્ષને આવા જાતજાતના વિચારો આવવા લાગે છે. 

એક દિવસ ઑફિસમાંથી બધો સ્ટાફ જતો રહ્યો હતો. મહેકને પંદર વીસ મિનીટનું કામ હતું તે પતાવીને જવાનું વિચારતી હતી. મહેક કામ બાબતે થોડી મૂંઝવણ અનુભવતી હતી. એ દક્ષની કેબિનમાં જતી હતી કે મહેકને સિધ્ધાર્થનો ફોન આવ્યો અને મહેક વાત કરવા લાગી. દક્ષની નજર મહેક પર જ હતી. સિધ્ધાર્થ સાથે વાત કરીને મહેક દક્ષની કેબિનમાં ફાઈલ લઈને પ્રવેશ કરે છે. 

મહેકના પ્રવેશતા જ દક્ષે મહેકને સવાલ કર્યો " કોનો ફોન હતો? સિધ્ધાર્થનો?

મહેક:- " હા...દક્ષ આ ફાઈલમાં....

"શું કહેતો હતો?" મહેક ફાઈલ વિશે કંઈ બોલે એ પહેલા જ દક્ષે મહેકની વાત વચ્ચેથી કાપતા કહ્યું.

મહેક:- "કંઈ ખાસ નહિ...બસ એમજ"

"કેમ કંઈ ખાસ નહિ. કંઈક તો કહ્યું હશે ને? કે પછી કંઈક એવી વાત છે જે સિક્રેટ છે. I mean કે મને ન કહી શકાય એવી કોઈ વાત છે." દક્ષ મહેકની નજીક જતા બોલ્યો. દક્ષ મહેકની નજીક જતો તેમ તેમ મહેકના કદમ પાછળ હટતા હતા. મહેકને લાગી ગયું કે દક્ષ આજે કંઈક જુદા જ મૂડમાં છે. કંઈક બદલાયેલો લાગે છે.

મહેક:- "દક્ષ તું સમજે છે એવું કશું નથી."

દક્ષ:- "શું છે અને શું નથી એ મને બધી ખબર છે."

મહેક ફરી એક કદમ પાછળ હટવા ગઈ. પણ પાછળ દિવાલ આવી ગઈ. મહેકનો દુપટ્ટો નીચે પડી ગયો. મહેક દુપટ્ટો લેવા નમી પણ દુપટ્ટો દક્ષના પગ નીચે દબાયેલો હતો. મહેક સાઈડ પરથી નીકળવા જતી હતી કે દક્ષે બંને હાથ દિવાલ પર મૂકી દીધા.

દક્ષ:- "શું કમી હતી મારામાં તે તું સિધ્ધાર્થને પ્રેમ કરવા લાગી."

મહેક:- "દક્ષ તારી તબિયત ઠીક નથી લાગતી. આપણે કાલે વાત કરીશું."

દક્ષ:- "ના મારે આજે જ વાત કરવી છે. મહેક હું તને આજે પણ પ્રેમ કરું છું." 

મહેક:- "પ્લીઝ દક્ષ મને જવા દે." 

દક્ષ દિવાલ પરથી હાથ હટાવી લે છે.

દક્ષ નીચે પડેલો દુપટ્ટો ઉઠાવે છે અને મહેકની ફરતે ઓઢાવી દે છે. મહેક ત્યાંથી નીકળી જાય છે. મહેક નીચે ઉભી રહી રિક્ષાની રાહ જોય છે. દક્ષ કાર લઈને આવે છે. બારીનો કાચ ખોલતા કહે છે " મહેક હું ઘરે મૂકવા આવું છું."

મહેક:- "દક્ષ હું જતી રહીશ."

દક્ષ:- "ઑ પ્લીઝ આ તારી આત્મનિર્ભર વાળો એટિટ્યુડની હું રીસપેક્ટ કરું છું...Ok...તો ચાલ હવે બેસી જા." 

મહેક બેસી જાય છે. મહેક ઘરે જઈ દક્ષના વિચારોમાં ખોવાઈ જાય છે.

એક દિવસે મહેક ઑફિસમાં ફાઈલ શોધી રહી હતી. દક્ષ આજે ઑફિસે મોડો આવવાનો હતો. આમતેમ નજર કરી પણ ન મળી. મહેકને વિચાર આવ્યો કે શું ખબર આ ફાઈલ દક્ષે લીધી હોય. એકવાર એની કેબિનમાં તપાસ કરી લઉં. એમ વિચારી મહેક દક્ષના કબિનમાં ગઈ. બે-ત્રણ ડ્રોઅર ચેક કર્યા. પણ ફાઈલ ન મળી. એક ખૂણામાં રહેલા ડ્રોઅર પર મહેકની નજર ગઈ. એ ડ્રોઅર ચેક કર્યું તો એ ફાઈલ ત્યાં જ હતી. મહેકે એ ફાઈલ લીધી અને પોતાની કેબિન તરફ જતી જ હતી કે એને ફાઈલની નીચે રહેલી ડાયરી જોઈ હતી.
દક્ષે શું લખ્યું હશે આ ડાયરીમાં? મહેકને જાણવાની ઈચ્છા થઈ. એમ પણ દક્ષ અહીં નથી તો વાંચવામાં શું વાંધો છે? એમ વિચારી મહેકે ડાયરીના પન્નાં ઉથલાવ્યા. એઈ પછી એક બધી શાયરી વાંચી. 

એક દિવસે દક્ષની ઑફિસમાં સિધ્ધાર્થ આવે છે. 

દક્ષ:- "Hi... સિધ્ધાર્થ....કેમ છે? મજામાં ને?"

સિધ્ધાર્થ:- "Hey દક્ષ...તું તો બહુ મોટો રૉકસ્ટાર બની ગયો ને? Congrats..."

દક્ષ:- 'Thanks...તું બહુ વર્ષે મળ્યો ને...! આમ અચાનક ઈન્ડીયામાં?"

સિધ્ધાર્થ:- "હા...મારા મેરેજ છે. બધાને ઈન્વીટેશન આપવા નીકળ્યો છું. આ મારા મેરેજનું ઈન્વીટેશન કાર્ડ. તમારે બધાએ આવવાનું છે Ok?"

દક્ષને સિધ્ધાર્થે ઈન્વીટેશન કાર્ડ આપ્યું. દક્ષે કાર્ડ જોયા વગર જ ટેબલ પર મૂકી દીધું. સિધ્ધાર્થના મેરેજની વાત સાંભળી દક્ષ વ્યથિત થઈ ગયો હતો. 

સિધ્ધાર્થે જતા જતા કહ્યું "દક્ષ આ મહિનાની ૨૪ તારીખે સંગીત ફંક્શન છે અને ૨૫ તારીખે મેરેજ. તો તારા જે કંઈપણ શૉ હોય તે કેન્સલ કરજે. તારે તો ખાસ આવવાનું છે. OK?"

દક્ષે સ્માઈલ આપી કહ્યું "Ok હું આવી જઈશ."
દક્ષે કહી તો દીધું કે પોતે આવી જશે. પણ દક્ષને મેરેજમાં જવાનું મન ન થયું. દક્ષે વિચાર્યું 
" હું કોઈ બહાનું કાઢી નહિ અવાય એવું કહી દઈશ. હું મહેકને બીજા કોઈ સાથે લગ્ન કરતા નહિ જોઈ શકું."

દક્ષ મહેક વિશે જ વિચાર્યા કરતો. જાતજાતના વિચાર આવવા લાગ્યા. ઘણીવખત દક્ષને એમ વિચાર આવ્યો કે મહેકને જઈને એમ કહી દઉં કે હું આજે પણ તને જ પ્રેમ કરું છું. પણ પછી દક્ષને વિચાર આવ્યો કે મહેક સિધ્ધાર્થ સાથે ખુશ છે. અને હું મહેકને પ્રેમ કરું છું. હું એને ખુશ જોવા માંગુ છું." 

દક્ષે સિધ્ધાર્થના મેરેજમાં નહોતું જવું તોપણ કેશવ, કાર્તિક અને અજય ત્રણેય દક્ષને મેરેજમાં લઈ આવ્યા. કિંજલ,સ્વાતિ, મહેક, કેશવ, કાર્તિક, અજય અને દક્ષ બધા એકીસાથે ઘણાં સમય પછી મળ્યા હતા. દક્ષ મહેકને જોઈ વિચારવા લાગ્યો કે "મહેકના આજે મેરેજ છે તોપણ મહેક થોડી સાદાઈમાં કેમ તૈયાર થઈ છે.?" દક્ષને થોડું આશ્ચર્ય થયું પણ પછી એમ વિચાર આવ્યો કે મહેકને તો પહેલેથી જ સાદાઈમાં રહેવું પસંદ છે.

લગ્નની વિધિ શરૂ થઈ. સિધ્ધાર્થની દુલ્હનને મંડપમાં લાવવામાં આવી. દક્ષ ત્યાંથી નીકળવાની તૈયારીમાં જ હતો કે દક્ષે જોયું તો સિધ્ધાર્થ સાથે દુલ્હનના પરિધાનમાં કોઈ અન્ય જ યુવતી બેઠી હતી. દક્ષને તો વિશ્વાસ જ ન આવ્યો. 

દક્ષ મહેકને શોધવા લાગ્યો. મહેક એની બહેનપણી સાથે વાત કરવામાં બિઝી હતી. મહેક પાસે જઈ દક્ષ મહેકને થોડી એકાંત વાળી જગ્યાએ એક રૂમમાં લઈ ગયો.

મહેક:- "દક્ષ અહીં શું કરવા લઈ આવ્યો. ચાલને આપણે સિધ્ધાર્થના લગ્ન જોઈએ."

દક્ષ:- "પહેલા મને એ કહે કે સિધ્ધાર્થના લગ્ન તારી સાથે થવાના હતા ને..!! તો સિધ્ધાર્થ સાથે પેલી યુવતી કોણ છે?" 

મહેક:- "તને કોણે કહ્યું કે મારા લગ્ન સિધ્ધાર્થ સાથે થવાના હતા. આવી અફવા કોણે ઉડાવી? મેં તો સિધ્ધાર્થને એવી નજરથી જોયું પણ નથી."

દક્ષ:- "કિંજલ અને સ્વાતિ વાત કરતા હતા કે તારી અને સિધ્ધાર્થની સગાઈ નક્કી થવાની છે."

મહેક:- "ઑહ એ વાત તો કેટલી જુની છે."

દક્ષ:- "મને કંઈ સમજ ન પડી."

મહેક:- "એક્ચ્યુલી દક્ષના મમ્મી પપ્પાએ મને સિધ્ધાર્થ માટે પસંદ કરી હતી. મારા મમ્મી પપ્પાને પણ સિધ્ધાર્થ પસંદ હતો. પરંતુ હું અને સિધ્ધાર્થ તો માત્ર મિત્રો જ છીએ. સિધ્ધાર્થ તો પહેલેથી જ ધૃતિને પ્રેમ કરતો હતો. સિધ્ધાર્થના મમ્મી પપ્પા અને મારા મમ્મી પપ્પાને પછી અમે સમજાવ્યા. કંઈક અરજન્ટ કામ આવતા તે દિવસે કિંજલ સાથે ફોન પર વાત અધૂરી રહી ગઈ હતી. એટલે કદાચ કિંજલને લાગ્યું હશે કે હું સિધ્ધાર્થ સાથે સગાઈ કરવાની છું."

દક્ષ:- "Ohh God...મહેક તું તો મને હાર્ટ એટેક અપાવીને જ રહેશે." 

મહેક:- "મેં શું કર્યું?"

દક્ષ:- "મને એવું લાગેલું કે તું તારા અને સિધ્ધાર્થના લગ્ન થવાના છે. હું તો આ લગ્નમાં પણ નહોતો આવવા માંગતો. પણ હું તને ખુશ જોવા માંગતો હતો."

મહેક:- "દક્ષ હું બીજા કોઈ સાથે ખુશ નહિ રહી શકું."

દક્ષ:- "મહેક હું તને આજે પણ પ્રેમ કરું છું."

મહેક:- "દક્ષ પ્લીઝ મને માફ કરી દે. પ્રેમનું બીજું નામ વિશ્વાસ છે અને તે દિવસે મેં જ તારા પર વિશ્વાસ ન કર્યો. હું તારે લાયક નથી."

દક્ષ મહેકના હોઠ પર આંગળી મૂકી દે છે. 

દક્ષ:- "તારે કશી જ બોલવાની જરૂર નથી અને તારે માફી પણ માંગવાની જરૂર નથી. તે સમય જ એવો હતો. કોઈની ભૂલ નહોતી."
દક્ષ મહેકને પોતાના તરફ ખેંચતા કહે છે
 "તું મારી સાથે લગ્ન કરીશ?"

મહેક:- "મહેકે ડોક હલાવી હા કહી. આખરે મારો પહેલો પ્રેમ મને મળી જ ગયો. કેમ સાચું કહ્યું ને Mr.Yaad?" મહેક આંખો નચાવતા બોલી.

દક્ષ આશ્ચર્યથી મહેકને જોઈ રહ્યો.

દક્ષ:- "કેવી રીતના ખબર પડી?"

મહેકે પોતાના પર્સમાંથી દક્ષની ડાયરી કાઢી.

દક્ષે મહેકને પોતાની તરફ ખેંચી.
મહેકે શરમાઈને  દક્ષની છાતી પર માથું ટેકવી દીધું. દક્ષે પણ મહેકને પોતાની આઘોષમાં સમાવી લીધી.

સમાપ્ત.........

***