Mob Linching books and stories free download online pdf in Gujarati

મૉબ લિંચિંગ

ઓપન માઇકને શરૂ થયાને કલાકથી વધું સમય થઇ ગયો હતો. ઘણા બધા સરસ મજાના લોકોને સાંભળ્યા પછી મારા પરફોર્મન્સને હવે થોડી જ વાર હતી.

એક પ્રાઇવેટ સંસ્થા દ્વારા અવારનવાર નવા કવિઓ, લેખકોનો ઉત્સાહ વધારવા આવી ઓપન માઇક થતી રહેતી. હું ઘણા સમયથી આ સંસ્થાના ઓપન માઇકનો રેગ્યુલર સભ્ય રહ્યો હોવાથી આયોજકોના પ્રત્યક્ષ સંપર્કમાં હતો. ઉપરાંત અહીંના ઘણા લોકો મારી લેખનકળાથી સુપરિચિત હતા. આમ સાચું કહું તો અન્ય લેખકો અને વાંચકોના સહકારથી જ હું અહીં સુધી પહોંચ્યો હતો.

એન્કરે મારા નામનો ઉલ્લેખ કરતા જ લોકોએ તાળીઓના ગડગડાટ સાથે સહર્ષ એને વધાવી લીધું. હૉલ આમતો ઘણો મોટો હતો પણ ઉત્સાહીત લોકોનો તાળીઓનો અવાજ હોલને ભરી દેવા પૂરતો હતો.

સ્ટેજ પર પહોંચીને મે લોકોના આવકારને હર્ષપૂર્વક સ્વીકાર્યો. ક્યારનાય મૌન રહેવાથી દબાઇ ગયેલા અવાજને એક ખોંખારો ખાઈને સરખો કરતા મે બોલવાની શરૂઆત કરી.

"અહીં ઉપસ્થિત લેખકગણ અને સાહિત્યમાં રસ ધરાવતા પ્રેક્ષકો, હું તમારા સૌનો અહીં ઉપસ્થિત રહેવા બદલ આભાર માનું છું તથા આવા સુંદર ઓપન માઇકનું અવારનવાર આયોજન કરી અમારા જેવા લેખકોનો ઉત્સાહ વધારવા બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભારી છું. તમારા બધાના સહકારથી જ મને રોજ કંઇક નવું લખવાની પ્રેરણા મળે છે" , મે કહ્યું

હું આજે એક વાર્તા કહીશ, શીર્ષક છે 'મૉબ લિંચિંગ'. હમણાંથી લગભગ બધા લોકોએ આ શબ્દ ક્યાંય ને ક્યાંક સાંભળ્યો જ હશે. આ વાર્તા એક ડાયરી લખતા વ્યક્તિની ડાયરીના અંશ રૂપે છે. તમારામાંથી ઘણા બધાને ડાયરી લખવાની આદત હશે જ. આ લખાણમાં પોતાની જાતને મૂકીને સમજશો તો વાર્તાના હાર્દ સુધી પહોંચશો તો એ રીતે સાંભળવા આપ સૌને નમ્ર વિનંતી છે. આટલું કહી મે શરૂ કર્યું

-> આજે રવિવાર હોવા છતાં કાળક્રમ મુજબ જ સવારે વહેલો જાગી ગયો છું. રોજબરોજના કામ પતાવી હું આદતથી મજબૂર આજનું ન્યુઝ પેપર લઇને બેસ્યો જ હતો કે મોટા અક્ષરોમાં છપાયેલ ન્યુઝ પર મારી નજર પડી, "શહેરમાં મૉબ લિંચિંગની વધુ એક ઘટના, ભીડે બાળકોને ઉપાડી જતી ટોળકીને ઘટનાસ્થળે જ રહેંસી નાખી". છેલ્લા ઘણા સમયથી, લગભગ રોજે હું આ મૉબ લિંચિંગ શબ્દ સાંભળી રહ્યો હતો, છતાં સ્પોર્ટ્સ પેજ સીવાય કશાંમાં રસ ન હોવાથી કદીયે એને ઉંડાણપૂર્વક વાંચ્યું ન હતું. છતાં ન જાણે કેમ હું આજે એ વાંચવા પ્રેરાયો છું.

>શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બાળકોને ઉપાડી જતી ટોળકીનો ત્રાસ વર્તાતો હતો. રોજ બાળકો ગુમ થવાની ફરિયાદો પોલીસના ચોપડે નોંધાતી હતી. આથી ત્રસ્ત પ્રજાએ આજે શંકા પડતા જ મહિલાઓની એક ટોળકીને ઘટનાસ્થળે જ રહેંસી નાખી હતી. આટલું વાંચતાવેંત હું સમજી ગયો કે મૉબ લિંચિંગ એ ટોળા દ્વારા કરાયેલી હત્યા જેવું કંઇક હતું. કાયદાથી અજાણ હું વિચારી રહ્યો હતો કે આ લોકો સામે પોલીસ ફરિયાદ કેમ ના થઇ ? એ વિશે થોડી માહિતી મેળવતા જણાયું કે ટોળાં પર કેસ કરી શકાય એવો કોઇ કાયદો જ અસ્તિત્વમાં નહોતો. આ વાંચ્યા પછી હું ઘણા ઉંડા વિચારમાં ડૂબી ગયો છું. જે રોકવા કોઇ કાયદો જ ના હોય એને ભલા રોકી કઇ રીતે શકાય? આમ ને આમ તો લોકો વધું ને વધું ક્રૂર થઇ જશે અને લોકોને મન કાયદો ફક્ત એક પુસ્તક બનીને રહી જશે. આથી હવે હું આ વાતની ચર્ચા કરવા મારી લાઇફ લાઇન સુબોધ પાસે જઇ રહ્યો છું. એની સાથેની ચર્ચા મારા માટે હંમેશા જડ્ડીબુટી સમાન રહી છે.

-> સુબોધના ઘરે જતાં માર્ગમાં બનેલી ઘટના પછી હું મારૂ મન સ્થિર કરી શકતો નથી. એ બાળક ન તો મારો સગો હતો કે ન હું એને ઓળખતો હતો પણ એ હાથવેંત જ છેટો હતો ! હું ધારત તો અકસ્માતે જીવ ગુમાવતા એને બચાવી શક્યો હોત. જીવનની એવી તે કેવી લાલસા હતી મને ! એને બચાવવા જતાં લોકો મને પણ બાળકોને ઉપાડી જતી ટોળકીનો સભ્ય ન ગણાવી લે અને મારે પણ મૉબ લિંચિંગનો શિકાર ન બનવું પડે એવી નાહકની બીકે મે એ નાનકડા ભૂલકાંને માર્ગ અકસ્માતમાં મરવા દીધો ! આ અકસ્માત નથી, આ મારા દ્વારા થયેલી હત્યા જ છે ! હું આ બોજા હેઠળ જીવી શકું એવી નાની અમથી આશા પણ મને દેખાતી નથી. મારૂ માથું મને ભારે ભારે લાગી રહ્યું છે, ગળા નીચે પાણી પણ ઉતરતું નથી, પગ બેજાન વરતાય છે, હાથ આટલું લખતા જ સુન્ન થઇ ગયા છે. આંખો આગળ અંધારું છવાઇ ગયું છે અને એ અંધકારમાં એ નાનકડો ભોળો ચહેરો દેખાય છે ને પછી તરત એના લોહીથી ખરડાયેલો ડામરનો રસ્તો ! હું એને મળીને એની માફી માંગવા માંગુ છું, હું મારા જીવનનો અંત લાવી રહ્યો છું અને આ માટે હું કોઈને જવાબદાર ઠેરવતો નથી.

આટલું કહી મે વાર્તા પૂરી કરી.

હું અહીં ઉપસ્થિત લોકોને પૂછવા માંગીશ કે શું આ માર્ગ અકસ્માતની ઘટના હતી ? આત્મહત્યાની ઘટના હતી ? મારા માટે આ એનાથી કંઇક વિશેષ હતું. અહીં લોકો વિના જ લોકો દ્વારા બે હત્યા થઈ હતી, આ પણ મારા માટે તો મૉબ લિંચિંગની જ ઘટના હતી.

આટલું કહેતા જ લોકો મારી વાર્તાને તાળીઓ અને ચીચીયારીઓ સાથે વખાણી રહ્યા હતા અને હું એ કાગળના ડૂચાંમાં મારા મિત્રનો ચિંતાતૂર મૃત ચહેરો નિહાળી રોઇ રહ્યો હતો.