Tahuko - 22 books and stories free download online pdf in Gujarati

ટહુકો - 22

ટહુકો

મળી માતૃભાષા મને માંહ્યલાનું જતન કરવા

(February 25th, 2015)

માતૃભાષાના રક્ષણ માટે શહીદ થયેલા બહાદુર લોકોનું સ્મારક તમને ઢાંકા સિવાય બીજે જોવા નહીં મળે. પશ્ચિમ પાકિસ્તાનના શાસકો પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસ્લિમો પર ઉર્દૂ લાદવા માગતા હતા ત્યારે જે પ્રચંડ વિરોધ થયો તેમાંથી બાંગ્લાદેશનું સર્જન થયું. અબ્દુલ ગફાર ચૌધરી બાંગ્લાદેશના જાણીતા કટાર લેખક છે. એમણે લખેલી કવિતા સાંભળો :

શું હું એકવીસમી ફેબ્રુઆરી ભૂલી શકું,

જે મારા બંધુઓના ખૂનથી લથબથ હતી ?

શું હું એ ફેબ્રુઆરી મહિનો ભૂલી શકું,

જેણે હજારો માતાઓને પુત્રવિહોણી કરી નાખી ?

શું હું એ ફેબ્રુઆરી મહિનો ભૂલી શકું,

જેણે મારા સોનેરી દેશને લોહીથી રંગી નાખ્યો ?

આજકાલ અબ્દુલ ગફાર ચૌધરી બંગબંધુ શેખ મુજિબુર રહેમાન પર ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં શેખ મુજિબની ભૂમિકા અમિતાભ બચ્ચન નિભાવશે અને દિગ્દર્શન શ્યામ બેનેગલ કરશે. રાહ જોઈએ.

લાગણીના પ્રદેશમાંથી બહાર આવીને માતૃભાષા અંગે વિચારવાનું રાખીએ તો પણ કેટલીક હકીકતોની પજવણી શરૂ થશે. સોક્રેટિસની, પ્લેટોની, એરિસ્ટોટલની, ઈસુ ખ્રિસ્તની, આઈન્સ્ટાઈનની અને રોમન કેથલિક પ્રજાના ધર્માચાર્ય પોપ ધ બેનિડિક્ટની માતૃભાષા અંગ્રેજી ન હોય, તોય અંગ્રેજીનું મહત્વ ઓછું નથી. સુરેન્દ્રનગરમાં હર્ષદ ત્રિવેદીએ કહ્યું કે : ‘માતૃભાષા મારી ત્વચા છે અને અન્ય ભાષાઓ વસ્ત્ર છે. ’ અંગ્રેજીનો વિરોધ કરનાર મૂર્ખ છે, પરંતુ માતૃભાષાની અવગણના કરનાર મહામૂર્ખ છે. શિક્ષણનું માધ્યમ માતૃભાષા ન હોય એવો કોઈ યુરોપીય દેશ ખરો ? ડેન્માર્કમાં શિક્ષણનું માધ્યમ ડેનિશ છે, સ્વિડનમાં સ્વિડિશ છે, ફિનલેન્ડમાં ફિનિશ છે, ફ્રાન્સમાં ફ્રેન્ચ છે, ઈટલીમાં રોમન છે, પોર્ટુગલમાં પોર્ચુગીઝ છે, સ્પેનમાં સ્પેનિશ છે, ગ્રીસમાં ગ્રીક છે, બ્રિટનમાં અંગ્રેજી છે, જર્મનીમાં જર્મન છે, સ્વિટ્ઝર્લેન્ડમાં સ્વિસ છે અને રશિયામાં રશિયન છે. ચીનમાં ચીની ભાષામાં ભણાવાય છે, જાપાનમાં જાપાની ભાષામાં ભણાવાય છે અને સમગ્ર અરબસ્તાનમાં અરબી ભાષામાં ભણાવાય છે. આઈસલેન્ડની વસ્તી અઢી લાખની છે. તે દેશમાં પણ શિક્ષણનું માધ્યમ અંગ્રેજી નથી, પરંતુ આઈસલેન્ડિક છે. શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોય તે અંગેની ચર્ચા પણ અન્ય દેશોમાં ક્યારેય થતી નથી. અંગ્રેજી ભણવું અને અંગ્રેજી દ્વારા ભણવું એ બે સાવ જુદી બાબતો છે. માતૃભાષાની વંદનયાત્રા કાઢવી પડે એ તો આપણે માટે શરમજનક બાબત ગણાય. અન્ય દેશોમાં એવી યાત્રાની કલ્પના પણ ન થઈ શકે. હવે હકીકતોના પ્રદેશમાં એક ચકરાવો મારીએ.

આઈઝેક બાસેવિક સિંગર એક મોટા યહૂદી લેખક છે. એમને નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારે એમને પૂછવામાં આવ્યું : ‘તમે યીડિશ જેવી મરણોન્મુખ ભાષામાં શું કામ લખો છો ?’ જવાબમાં એ લેખકે કહ્યું : ‘મને પાકી ખાતરી છે કે મૃત્યુ પામેલા કરોડો યહૂદીઓ એક દિવસ એમની કબરમાંથી બેઠા થશે અને પ્રશ્ન પૂછશે : યીડિશ ભાષામાં પ્રગટ થયેલી લેટેસ્ટ બૂક કઈ છે ? એ લોકો માટે યીડિશ ભાષા મરી પરવારેલી ભાષા નહીં હોય. મને તો ફક્ત આ એક જ ભાષા બરાબર આવડે છે, જેમાં હું આખો ને આખો ઠલવાઈ શકું. યીડિશ મારી માતૃભાષા છે અને મા ક્યારેય મરતી નથી.

વાત હજી આગળ ચલાવીએ. જોશ રીઝાલ ફિલિપિન્સના ગાંધી ગણાય છે. સન ૧૮૯૬માં એમને અત્યાચારીઓએ ફાંસીને માંચડે લટકાવી દીધા હતા. ગાંધીજી એમને ‘અહિંસાના મસીહા’ ગણાવ્યા હતા. એમના શબ્દો સાંભળો : ‘જે પોતાની ભાષાને પ્રેમ નથી કરતો, તે ગંધાતી માછલી કરતાંય ખરાબ છે. ’ જાણી રાખવા જેવું છે કે ઈંગ્લેન્ડનો રાજા જ્યોર્જ પહેલો અંગ્રેજી બોલી શકતો ન હતો. એ જર્મનીમાં મોટો થયેલો. એ અંગ્રેજી ન ભણ્યો તે ન જ ભણ્યો ! એણે ઈ. . ૧૭૧૪થી ૧૭૨૭ સુધી અંગ્રેજી જાણ્યા વિના જ ઈંગ્લેન્ડ પર રાજ કર્યું હતું. પોતાની માતૃભાષામાં લખી-બોલી ન શકે એવાં બાળકો એ રાજા જેવાં પ્લાસ્ટિકિયાં કે નાયલોનિયાં બની જાય એવી સંભાવના ઓછી નથી. માતાપિતાથી અળગાં અળગાં અને પરાયાં પરાયાં સંતાનો તમે નથી જોયાં ? ક્યારેક એવાં બાળકો છતે માબાપે ‘અનાથ’ જણાય તો નવાઈ નહીં.

હવે એક નક્કર હકીકત કાન દઈને સાંભળજો. તા. ૧૬-૭-૨૦૦૯ને દિવસે હૈદર રિઝવીએ યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન (યુનો) માટેનો અહેવાલ લખ્યો તેનું મથાળું છે : ‘હજારો વર્ગખંડોમાં માતૃભાષા ગેરહાજર છે. ’ અહીં ટૂંકમાં અહેવાલમાં પ્રગટ થયેલા માત્ર બે મુદ્દાઓ જ પ્રસ્તુત છે :

(૧) તાજેતરનાં સંશોધાનો જણાવે છે કે દુનિયાનાં અડધા ભાગનાં બાળકો નિશાળે નથી જતાં કારણ કે નિશાળની ભાષા ઘરે બોલાતી ભાષા કરતાં જુદી છે.

(૨) યુનોના બાલ – અધિકારોની ઘોષણામાં જણાવવામાં આવ્યું છે કે બાળકોને એ જ ભાષામાં ભણાવવાં જોઈએ, જે ભાષામાં ઘરે માતાપિતા, દાદા – દાદી અને ભાઈઓ – બહેનો વાતો કરતાં હોય.

શું આ બધી વાતો અંગ્રેજીનો વિરોધ કરવા માટે લખી છે કે ? ના, ના, ના. એક જ દાખલો પૂરતો છે. ગુજરાત ખાતે ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના સ્થાનિક તંત્રી હતા તૃષાર ભટ્ટ ચીખલી પાસે આવેલા એંધણ ગામની પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા. માતૃભાષા પરનું પ્રભુત્વ પણ અન્ય ભાષા પરના પ્રભુત્વ માટે ખૂબ જ ઉપકારક થાય છે. સુંદર ત્વચા પર સુંદર વસ્ત્ર જરૂર વધારે શોભે. ત્વચાની માવજત એ ‘વસ્ત્રવિરોધી’ બાબત થોડી છે ?

માતૃભાષા વંદનયાત્રા રૂડીપેરે પૂરી થઈ. હવે પછી કરવાનું શું ? ગુજરાતમાં ૫૦૦ જેટલી સ્કૂલોમાં પચ્ચીસ સુજ્ઞ નાગરિકો પહોંચી જાય. અંગ્રેજી માધ્યમની નિશાળોમાં જઈને તેઓ આચાર્યને અને ટ્રસ્ટીઓને હાથ જોડીને કહેશે : ‘તમારી શાળામં માતૃભાષાનું માધ્યમ નથી તે અમને ખૂંચે છે. એમાં બાળકોનું ખરું પ્રફુલ્લન થતું નથી. આમ છતાં તમે એક કામ અવશ્ય કરો. બાળકોને ઉત્તમ ગુજરાતી ભણાવો. ’ એ જ રીતે પચ્ચીસ સુજ્ઞ નાગરિકો ગુજરાતી માધ્યમની શાળાઓમાં જઈને કહેશેઃ ‘માતૃભાષાના માધ્યમ દ્વારા ભણાવવા બદલ તમને અમારાં અભિનંદન છે, પરંતુ તમારી નિશાળમાં અંગ્રેજી વિષય તરીકે ઉત્તમ રીતે ભણાવાય તેવી ગોઢવણ કરશો. ’ આવી કેટલીક નિશાળો સાથે હું સીધા સંપર્કમાં છું. આવી નમૂનારૂપ નિશાળોની સંખ્યા વધે તો ગુજરાતીને વાંધો નહીં આવે. અંગ્રેજી અને ગુજરાતી ભણાવતી આવી ૫૦૦ જેટલી ‘મોડલ સ્કૂલો’ની યાદી તૈયાર થવી જોઈએ. આ ઉકેલ વ્યવહારુ છે. સંશોધન કહે છે : વાંચવાની ઝડપ માતૃભાષામાં જ ખરેખરી વધારી શકાય છે. પ્રથમ ધોરણમાં પરભાષામાં ભણનારા બળકો પર ઘણો વધારે બોજ પડે છે. પરિણામે બંને ભાષામાં ‘રીડિંગ ફલુઅન્સી’ ઘટે છે. આવા વિદ્યાર્થીઓ પછીના ધોરણોમાં પાછળ પડી જાય છે અને નિશાળમાં ભણવાનું પૂરું થાય ત્યારે ‘લગભગ નિરક્ષર’ જેવાં બની રહે છે. આ ‘ન્યુરોલોજિકલ થિયરી ઓફ લર્નિંગ’ છે, જે વૈશ્વિક કક્ષાએ સ્વીકાર પામી ચૂકી છે. બોલો હવે વધારે શું કહેવું ? આ બાબતે થોડાક એવા પ્રબુદ્ધ નાગરિકો, શિક્ષણકારો અને સાહિત્યકારોની જરૂર છે, જે લોકતંત્રને શોભે એવું પ્રેશરગૃપ બની શકે. ગુજરાતની સરકાર પર આવા સમર્થ પ્રેશરગૃપનો પ્રભાવ પડશે, પડશે અને પડશે જ ! વિનંતી નહીં, દબાણ જરૂરી છે.

માણસની માતા એકની એક જ હોય છે. માણસનો માંહ્યલો પણ એકનો એક જ હોય છે. આપણો માંહ્યલો સતત વ્યક્ત થવા તલસે છે. એ માતૃભાષામાં જ ખરેખરો વ્યક્ત થઈ શકે. માતૃભાષા દ્વારા શિક્ષણ પામવું એ બાળકનો મૂળભૂત માનવીય અધિકાર છે. માણસ પોતાના માંહ્યલાની અવગણના કરે, ત્યારે પોતાની જાતને દગો દેતો હોય છે. માતૃભાષા તો આપણા માંહ્યલાની માવજત કરનારી ‘હ્રદયભાષા’ છે. નિરંજન ભગતે કહેલું : ‘સમાજ કવિસૂનો ન હજો અને સંસ્કૃતિ કવિતાસૂની ન હજો. ’ આપણે ક્યારે જાગીશું ?

(યુનેસ્કો તરફથી વિશ્વભરમાં જાહેર થયેલા માતૃભાષા દિને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં યોજાયેલી જાહેરસભામાં આપેલ પ્રવચન, અમદાવાદ, તા. ૨૧-૨-૨૦૧૦)

***