Sumudrantike - 3 in Gujarati Social Stories by Dhruv Bhatt books and stories PDF | સમુદ્રાન્તિકે - 3

સમુદ્રાન્તિકે - 3

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(3)

પરોઢિયે જાગ્યો ત્યારે દરિયે ઓટ આવી ગઈ હતી. નાળિયેરીનાં પાન પર ઝાકળના ટીપાં બાઝ્યાં છે. સૂર્યોદય થતાં તે સ્વર્ણ મોતી-શાં ચમકી ઊઠશે. હું ઊઠીને કૂવા પર ગયો. ડોલ સીંચીને મોં ધોયું. પછી વાડી બહારના માર્ગે લટાર મારવા નીકળી પડ્યો. વાડીની રક્ષણ-વાડના પથ્થરો પર પણ ભીનાશ છવાયેલી છે. હવામાં કંઈક અપરિચિત પરંતુ મધુર સુગંધ છે. દીવાદાંડી તરફ જવાને બદલે હું વાડીઓની પાછળના ભાગે આવેલા કિનારા તરફ ચાલ્યો. કિનારે પહોંચીને ખડકો પર બેસી ઓસરતો સમુદ્ર જોઈ રહ્યો. ઊગતા સૂર્યની કિનાર દરિયા પર દેખાઈ ત્યારે હું પાછો વળ્યો.

વાડીએ પહોંચ્યો ત્યારે વાલબાઈ ચૂલો સળગાવવામાં પડી હતી.

‘આ સબૂરિયો બંગલા કોર જાવાનો છ. તારે ઈની હાર્યે જાવું હોય તો લઈ જાસે.’ વાલબાઈએ ચા ભરેલી પિત્તળની રકાબી મારા સામે મૂકતાં કહ્યું. કાળો, ગૂંચવાયેલા વાળવાળો, પચીસેક વર્ષનો જુવાન કૂવાના પથ્થર પર બેઠો હતો. તેના તરફ હાથ લંબાવીને વાલબાઈએ આગળ કહ્યું, ‘કાલ્ય સાંજુકનો ઈ ગામમાં જ હતો. મને ખબર્ય પડી કે બરકી આવી.’

‘શી રીતે જવાનું છે? ગાડામાં કે મછવો જાય છે?’ મેં સબૂર તરફ જોતાં પૂછ્યું. સબૂરે કંઈ ઉત્તર ન આપ્યો. તે લગભગ જડ જેવો બેસી રહ્યો.

વાલબાઈ ખડખડાટ હસી પડી, ‘આંય અમારે મછવા કેવા ને ગાડાંની શી વાત?’ મેં વાલબાઈ સામે જોયું. ‘ઈ તો હાલ્યો જવાનો સટે ને સટે, તે સાંજ લગણમાં તારે બંગલે. તારો સામન ઊંચકી લેય. તારે પોગવું હોય તો હારે વયો જા. નીકર આંય મછવાની વાટ્યું જો.’

મછવા કે ગાડાની રાહ જોવાનું કે તે માટે જાતે ફરીને તપાસ કરવાનું મારા માટે શક્ય ન હતું. હવે તો જે માર્ગે જે રીતે જલદી બંગલે પહોંચી જવાય તે રસ્તો અપનાવવા હું તૈયાર હતો. હું કંઈ નિર્ણય લઉં ત્યાં સબૂર બોલ્યો, ‘હાલવું હોય તો વે’લો હાલજે.’

‘એમ વે’લો ક્યાંથી હાલે?’ મારા બદલે વાલબાઈએ જવાબ આપ્યો, ‘નાઈધોઈને શિરામણ કરી લેય એટલે મંડો હાલવા.’

વાલબાઈએ જુવારના તાજા ઘડેલા રોટલા અને લીલાં મરચાં અમને નાસ્તામાં આપ્યાં. જાનકી, તેનો પિતા તથા સબૂર મજાથી ખાઈ શકતાં હતાં. મને રોટલો ગળે ઉતારવા દરેક કોળિયે પાણી પીવાની જરૂર પડતી.

એકાદ કલાક પછી મેં જાનકીની વાડીએથી વિદાય લીધી. જે રીતે અહીં પ્રવેશ્યો હતો તે જ રીતે કશીયે ઔપચારિકતા આચર્યા વગર હું ચાલવા માંડ્યો. મારી બૅગ અને નાનું બિસ્તર સબૂરે પછેડીમાં લઈને પોતાની પીઠ પાછળ બાંધ્યું અને અમે બંદરના માર્ગે ચડ્યા. જાનકી ઝાંપલીએ દાઢી ટેકવીને ઊભી ઊભી અમને જતાં જોઈ રહી.

બંદર પર હજી બધું સૂમસામ હતું. બે નાની હોડી ડક્કા પર લાંગરી હતી. સબૂર એક હોડીમાં પ્રવેશ્યો. પાછળ હું પણ હોડીમાં ઊતર્યો. નાવિક કાળી ચા પીતો હતો તે પૂરી કરીને આવ્યો. ખાડી પાર કરીને અમે સામા કિનારે ઊતરી પડ્યા. ઊતરાઈ ચૂકવીને રેતીમાં ચાલવા માંડ્યું.

‘વાલબાઈ કહેતી હતી કે તું સટે ને સટે ચાલીશ. એટલું ઉતાવળે મારાથી નહીં ચલાય,’ મેં સબૂરને કહ્યું. સટે સટે એટલે ‘ઉતાવળી ચાલે’ એવું કંઈક હું માનતો હતો.

‘તે સટે હાલવું જ ઓરું પડે. ઉપલ્યો મારગ લાંબો,’ સબૂરે કહ્યું. ‘સટે હાલીયે એટલે મારગ ગોતવનો નંઈ. દરિયો જ મારગ ચીંધે. ઈની સટ ઉપર હાલ્યા જાંઈ કે વેલો આવે બંગલો.’ કહેતો તે છેક સમુદ્રજળ પાસેની ભીની રેત પર જઈને ચાલવા માંડ્યો. હું તેની પાછળ દોરાયો. ભીની રેતમાં ચાલવાની પૂરી મજા લેવા મેં પગ ખુલ્લા કર્યા. બૂટની દોરી સામસામે બાંધીને બૂટ ખભા પર લટકાવીને હું ચાલવા માંડ્યો. સટ એટલે સમુદ્રનાં પાણી કિનારાને મળે તે ભીનો રેતાળ વિસ્તાર, તે મને હવે સમજાયું.

સમુદ્રનું આવું અડાબીડ એકાંત મેં ક્યારે માણ્યું નથી. એકાદ મહાનગરની ગલીઓ પાર કે ઊંચા મકાનો પરથી મેં દરિયો જોયો છે. ક્યારેક ઘોંઘાટિયા કિનાર પર ફરવા પણ ગયો હોઈ; પરંતુ આજે આ સૂમસામ સમુદ્રતટ પર હું અને સબૂર એકલા મૌન ચાલ્યા જઈએ છીએ. એવું નીરવ એકાંત મેં ક્યારેય માણ્યું નથી. સમુદ્ર મને તરંગોથી સ્પર્શે છે, હવામાં ભેજ સ્વરૂપે આવીને મારા મુખ પર પથરાય છે. તેની ખારાશભરી સુગંધ મનને પ્રફુલ્લિત કરે છે. ધીમે ધીમે ઉપર આવતો મે મહિનામાં પણ હજી દઝાડતો નથી. દરિયા પરથી આવતો ઠંડો પવન સૂર્યના તાપની અસર ઘટાડી દે છે.

રેતાળ કિનારો પૂરો થયો. પછી ખડકાળ વિસ્તારમાં ચાલવાનું આવ્યું. મેં પાછાં બૂટ પહેરી લીધાં. અણિયાળા ખડકો પર ચાલવાનું મુશ્કેલ બન્યું. લીલ અને ભીનાશને કારણે લપસી પડાય તો રક્તરંજિત જરૂર થવાના. સબૂર તો આરામથી ચાલ્યો જાય છે. મારે ખૂબ સંભાળીને પગ મૂકવો પડે છે.

સાવ અજાણ્યા માણસો સાથે પણ પરિચિત મિત્રની જેમ વર્તે અને સતત વાતો કર્યા કરે તેવી આ પ્રજાનો સબૂર એક સભ્ય છે; છતાં તે હજી સુધી મારી સાથે કંઈ બોલ્યો નથી તેની મને નવાઈ લાગી. ક્યારેક જરૂર પડી હોય ને કંઈ બોલ્યો હોય તો તે એકાદ ટૂંકું વાક્ય.

વાતોમાં ખેંચવા મેં તેને બોલાવ્યો, ‘સબૂર, મૂંગો મૂંગો શું ચાલે છે? કંઈક વાત કર તો રસ્તો ખૂટે.’

‘સું વાત્ય કરું?’

‘કંઈ પણ, તારાં ઘર વિશે, તારા માતા-પિતા વિશે...’

અચાનક સબૂર ઊભો રહી ગયો. હું એની સાથે થઈ ગયો ત્યાં સુધી તે મૌન, સ્થિર ઊભો રહ્યો. હું તેની પાસે પહોંચ્યો તો તે બરફ જેવા અવાજે બોલ્યો, ‘મા-બાપ તો મરી પરવાર્યા.’

‘ઓહ!’ મને થોડી ગૂંચવણભરી દુ:ખદ લાગણી થઈ. ‘કેમ કરતાં?’

‘વાંહ્યલા દુકાળમાં બેય જણ ગ્યાં’તાં રાહતકામે. ન્યાંથી મા પાછી નો આવી. આતો ઘેર આવીને મરી ગ્યો.’

મારે શું બોલવું તેની મને સમજ ન પડી. મેં મૌન રહીને સબૂરને ખભે મારો હાથ મૂક્યો, તેને ખોટો પ્રશ્ન પૂછી નાખ્યા જેવું મને લાગ્યું. ‘આપણા હાથની વાત થોડી છે?’ મેં ઠાલા આશ્વાસનના શબ્દો કહ્યા. જાણે કાલે જ તેનાં માતા-પિતાનું અવસાન થયું હોય?

સબૂરનું મન ભરાઈ આવ્યું. તેણે દરિયા પર ફેરવીને નજર મારા પર ઠેરવી. બે પળ મૌન રહ્યો. પછી છુટ્ઠો પથ્થર ફેંકતો હોય તેમ બોલ્યો, ‘ખાલી પેટે માણાં જીવે કેમ?’

કોઈ ઊંચા મકાનની અગાશી પરથી રસ્તા વચ્ચે પછડાયો હોઉં તેવો અનુભવ મને થયો. મારું મગજ સુન્ન થઈ ગયું. આ એકલવાયા જુવાનનાં માતા-પિતા ભૂખથી મૃત્યુ પામ્યાં તે તેણે નજરે જોયું હશે. આજે કે કોઈ કાળે એ દશ્ય તેની આંખ સામેથી ખસતું નહીં હોય. તે વાતોડિયો શા માટે નથી તેનું જરા તરા કારણ મને મળી ગયું. હું તેની સાથે રહીશ તો જરૂર તેને તેનાં દુ:ખોથી અલગ કરવાનો પ્રયત્ન કરીશ. અત્યારે તો મેં તેને દુ:ખદ સ્મૃતિઓમાં ધકેલ્યો છે.

‘ક્યાં રહે છે તું?’ મને થયું કે વાત બદલાવાથી તેને રાહત થશે.

‘અમારે મજૂરિયાંવને રે’વાનું કેવું? જ્યાં કામ જડે ત્યાં રેઈ.’

‘તું ખેતી નથી કરતો?’ મારાથી પુછાઈ ગયું.

‘ખેડુ હોત તો ભૂખે મરત? જમીન તો મા કેવાય. ભલે ગમે એવો કાળ પડે. જમીન હોય તો તો કાળનોય કાં’ક નિવેડો આવે. પણ જમીન વગરનો માણાં જાય ક્યાં? મા વિનાનાં છોકરાં જેવું.’ તે ઘણું લાંબુ બોલ્યો હોય તેમ થાકી ગયો. ‘હમણે તો બંગલા પાંહે વગડે પડ્યાં છંઈ; મોટા બંદરની ખાણ્યુંમાં બેલાં કાઢવાના કામે જાયેં છ.’ તે જરા અટકીને આગળ બોલ્યો. ‘આ વાલબાઈની વાડ્યે ભાળ્યાં એવાં બેલાં. આયાં ચણતરમાં ઈ વપરાય છ.’

સૂર્ય માથા પર આવ્યો ત્યાં સુધીમાં મારી ચાલવાની તાકાત ખલાસ થઈ ગઈ. ‘હું હવે ચાલી શકું તેમ નથી’ તેમ બોલું ત્યાર પહેલાં સબૂરે સમુદ્ર કિનારાના ખડકો તરફ જઈને સામાન નીચે ઉતાર્યો, હું ધીરે ધીરે ચાલતો ખડકો પાસે પહોંચ્યો. મોજાંઓના મારથી ખડકમાં કોતરાયેલી રેતાળ પથારીવાળી વિશાળ ગુફા નજરે પડી. સબૂર સામાન મૂકીને ક્યાંક ચાલ્યો ગયો હતો. મેં મારી બૅગ ખોલવાની પણ પરવા કર્યા વગર ગુફાની ઠંડી રેત પર લંબાવ્યું. સમુદ્રનું આછું ગુંજન અને રેતની ભીનાશ અનુભવતો પડી રહ્યો.

સબૂર પાછો આવ્યો ત્યારે તેના હાથમાં ઝાંખરાં-કરગઠિયાંની નાનકડી ભારી હતી. તેણે ભારી નીચે મૂકીને પોતાની મેલી પોટલી ઉખેળી. એ નાનકડી પોટલીમાં તેના પૂરતી બધી જ ચીજો હતી. ઍલ્યુમિનિયમની એક નાનકડી તપેલી, લોટ, ચોખાને મળતું કોઈક ધાન, ચા, ખાંડ, ચલમ, તમાકુ અને દીવાસળીનું ખોખું.

સબૂર ત્રણ પથ્થરો ગોઠવીને વચ્ચે ખાંખરાં સળગાવ્યાં. તપેલીમાં લોટ મસળીને જાડો રોટલો ઘડ્યો અને તાવડી વગર સીધો જ અગ્નિ પર શેકાવા મૂક્યો. ‘તારે રોંઢો નથ્ય કરવો?’ તેણે પૂછ્યું.

તે મને જમવા વિશે પૂછે છે તે સમજતાં મને થોડી વાર લાગી.

‘ખાઈશું, તું પણ મારી સાથે ખાઈ લેજે, જુદું શા માટે બનાવે છે?’ હવે છેક મને સબૂરના પેટનો વિચાર આવ્યો. મેં ઊભા થઈને મારી બૅગ ખોલી. વેફર, ગાંઠિયા, ચવાણું, બિસ્કિટ અને વીણાએ આપેલી મીઠાઈ બહાર કાઢ્યાં. સબૂરે મારા તરફ જોયું પણ નહીં. તે પોતાનો રોટલો પકાવવામાં મશગૂલ રહ્યો.

મેં ખૂબ આગ્રહ કર્યો ત્યારે સબૂરે મારા નાસ્તામાંથી થોડી મીઠાઈ અને બિસ્કિટ લીધાં. આટલી ભીષણ ગરીબાઈ અને ભૂખમરા વચ્ચે પણ આ માનવીઓ પોતાની ખુમારી કેમ કરીને ટકાવી રાખતા હશે?

‘હવે આઘું નથ, સબૂરે જમતાં જમતાં કહ્યું. ‘આ પેટમાં ધાન પડ્યું કે હાલવાની તાકાત આવી જાસે.’ પણ એ તાકાત આવે તે માટે મારે તો આ એકાદ કલાક ઊંઘવું પડ્યું.

સબૂરે મને જગાડ્યો ત્યારે બે-અઢી વાગવામાં હતા. ભરતીનાં જળ છેક ગુફા સમીપ આવી ગયાં હતાં. હવે વધારે સમય અહીં રોકાવાય તેમ ન હતું.

‘લે, હાલ જટ, પાછી વિયડી દબાઈ જાસે તો પાણી નંઈ જડે.’ સબૂરે કહ્યું અને હું ઊભો થયો.

સમુદ્ર હવે ભેખડોની સાવ પાસે આવી ગયો હતો. અમે ખડકો પાસે ચાલી શકીએ એટલી જ જગ્યા બાકી રહી છે. વધારે ભરતી આવે તો અમારે ભેખડની ઉપર માર્ગે ચાલ્યા જવું પડે.

થોડે આગળ ગયા ત્યાં એક કોતર પાસે સબૂર રોકાયો.

‘તારી માટલી દે, પાણી ભરી લંઈ,’ કહી તેણે મારી વૉટરબૅગ માગી; અને ખડકો વચ્ચે ગોળ કોતરાયેલા ખાડામાંથી તેમાં પાણી ભર્યું.

‘પેલા તું પી લે.’ તેણે વૉટરબેગ મારા હાથમાં આપી.

‘આ? દરિયાનું પાણી?

‘પેલા પી જો, પછી કે. ઝટ કરજે નીકર દરિયો લાગી જાસે.’ સમુદ્ર તે ખાડાથી માંડ એકાદ મીટર દૂર રહ્યો છે.

મેં પાણી ચાખ્યું અને પછી આખી વૉટરબૅગ મોઢે લગાડી. સમુદ્રની સાવ પાસે આવું અમૃત જેવું મીઠું જળ સંભવી શકે તે અનુભવ વગર ન માની શકાય તેવી ઘટના છે. શ્રીફળ જેવી મીઠાશવાળું પાણી પીતાં પીતાં મેં પ્રકૃતિની અદ્ભુત રચનાની વાત પરાશર અને વીણાને લખવાની ગાંઠ વાળી અહીંથી અમે ખડકો ચડીને ઉપરના માર્ગે ચાલવા માંડ્યું. અત્યાર સુધી પગ પાસે આવીને રમતો ઉદધિ હવે પચીસ-ત્રીસ ફૂટ નીચે ખડકોમાં અફળાઈને વાછટ સ્વરૂપે ભીંજવતો રહ્યો. ભરતી ચડતાં જ ઠંડો પવન ફરફરાટ વહેતો થયો.

‘સબૂર, બંગલે કોઈ સારી વ્યવસ્થા છે કે પછી એવું જ?’ મેં પૂછ્યું.

‘ન્યાં તો કાંય વાંધો નો આવે. ન્યાં બધું છે.’

‘કોઈ સ્ટાફ છે?’ મને લાગ્યું કે સબૂર ‘સ્ટાફ’ શબ્દ નહીં સમજે. ‘માણસો ખરાં કે?’

‘પગી છે... સરવણ.’

‘બીજું કોઈ?’

‘ના, બીજાં નો જડે.’

મારી નિમણૂક થઈ તે સમયે જ મને જણાવેલું કે બીજો સ્ટાફ હમણાં નીમવાનો નથી. પરંતુ ‘એસ્ટેટ બંગલો’ એવું ભવ્ય નામધારી સ્થળ જનહીન હોય તેવું માની લેવું મારા મનને મંજૂર ન હતું.

અચાનક મને લાગ્યું કે આવા ઉજ્જડ પ્રદેશમાં, આવા નિર્જન સ્થળે રહેવાની સજા સ્વીકારી લઈને મેં મૂર્ખાઈ કરી છે. સરવણ પગી! છી, આ સબૂરિયા જેવો જ કોઈ અણઘડ ગામડિયો હશે. તે મારો એક માત્ર સાથીદાર. સત્તાશાળી ઈજનેરને કારકુનમાં કામો પણ સ્વયં કરી લેવાનાં? અને તે પણ થોડા પગારના પૈસા ખાતર? આવી વિપરીત બુદ્ધિ મને સૂઝી શા માટે? પરાશરે પણ મને ‘અરે! નવો અનુભવ અને સ્વતંત્ર કામ. જા ને યાર, શરૂ તો કર’ કહીને ધકેલી મૂક્યો.

‘આસપાસ કોઈ ગામ તો છે ને?’

‘ખેરા!’ સબૂરે કહ્યું, ‘આ ભાઠોડા હેઠે ઊતરીયેં એટલે રેતીમાં આ ર્યું. પટવા અંદર પડે. આઠ ગાઉ. ને ઓલીપાની સટ માથે ઠેઠ મોટા બંદર લગી બીજું ગામ નો જડે.

‘બીજી કોઈ વસ્તી?’

‘વાડીયુંમાં રેય માણાં જડે. પણ ઈ તો થોડાં આઘાં. ને તારી હાર્યે બોલે નંઈ.’

જાણે હું કોઈ વાઘ-દીપડો છું. આ મૌન ખડકો, સૂકો ખારોપાટ, આ એકધારો ઊછળતો જળરાશિ. કેમ જશે મારો સમય? આ મૌન વચ્ચે ભીંસાતો હું કેટલી ક્ષણો જીવી શકવાનો ભલા! મારું અહીંનું કામ પૂરું થતાં સુધીમાં તો હું પણ કદાચ સબૂરિયો બની જઈશ.

‘લે, પણે દેખાય ઈ બંગલો.’ સબૂરે દરિયાકિનારા પર દૂર ઊંચા ખડક પર દેખાતી વિશાળ ઈમારત બતાવતાં કહ્યું. તે પછી લગભગ બે અઢી કલાકના મૂંગા મૂંગા પ્રવાસ પછી મેં એસ્ટેટ બંગલાના પ્રાંગણમાં પગ મૂક્યો ત્યારે સાંજ ઢળી ગઈ હતી.

આ હવેલીને જોતા જ મારો થાક ઊતરી ગયો. અત્યાર સુધી મનમાં ભરાઈ ગયેલી ઉદાસીનતા થોડી ઓછી થઈ. જાણે હું કોઈ પરિચિત સ્થાને આવ્યો હોઉં તેવો આભાસ થયો. મેં વિચાર્યું હતું તેનાં કરતાં હવેલીનું મકાન અતિ વિશાળ હતું. આછા અંધકારમાં પણ તેની ભવ્યતા ઓછી થતી ન હતી. આવા નિર્જન સ્થળે આવડો મોટો મહાલય કોણે અને શા માટે બંધાવ્યો હશે? તે પ્રશ્ન મનમાં ઊગ્યો; પરંતુ ત્યારે તો હું આરામ અને મારી પોતાની ઓળખ શોધવા સિવાયની કોઈ વાતમાં રસ લઈ શકું તેમ નથી.

પગી દરવાજા પર જ બેઠો હતો. તેણે મારો સામાન સબૂર પાસેથી લઈ લીધો. દરવાજામાં પ્રવેશતાં ડાબી તરફ આઉટ હાઉસ જેવા ઊંચા ઓટલાનાં બે મકાનો છે. પગી તે તરફ ગયો. કદાચ બંગલો હજી અવાવરુ હશે. કાલે સાફ કરવાનું ચાલુ કરીશું તેમ વિચારતો હું પગી પાછળ ગયો.

પથ્થરનાં પગથિયા ચડીને હું ઉપર આવ્યો તે સમયે જ મને ખ્યાલ આવ્યો કે સબૂર નથી. મેં પાછળ ફરીને બૂમ પાડી ‘સબૂર!’ પણ કંઈ જવાબ ન મળ્યો.

‘ઈ તો વયો ગ્યો.’ પગીએ કહ્યું.

‘અરે! પણ એને પૈસા...’ મેં ઝંખવાઈ જતાં કહ્યું. ‘ક્યાં રહે છે તે?’

‘ઈનું કાંય ઠેકાણું નંઈ. ધૂની માણાં છે. આવે તો કાલ્ય આવે નીકર વરહ દા’ડેય ભેગો નો થાય.’

સબૂરની ચિંતા છોડીને હું કવાર્ટરની પરસાળમાં મૂકેલી આરામખુરશી પર જઈ બેઠો. વિગત ત્રણ-ચાર દિવસથી મારી ઓળખ ખોઈ બેઠેલો હું, આજે મારી હકૂમતના પ્રદેશમાં પહોંચ્યાની હળવાશ અનુભવતો હતો.

સરવણ ક્યાંકથી ચા લઈ આવ્યો. પછી બાજરાનો રોટલો અને વઘારેલી ડુંગળી પણ લઈ આવ્યો, કદાચ તેણે પોતાને ત્યાંથી આ વ્યવસ્થા કરી હશે. મેં વધુ વિચાર્યા વગર જમી લીધું.

કવાર્ટરના ઓટલેથી રહી રહીને મારી નજર પેલા વિશાળ ભવન પર પડતી હતી. ચારે તરફ પાકી દીવાલથી કિલ્લેબંધ આ હવેલી અને આઉટ-હાઉસનું આખું સંકુલ હવે મારા તાબામાં છે તે વિચારે મને રોમાંચ થતો હતો.

સરવણે બે ફાનસ પ્રગટાવ્યાં. એક પરસાળમાં મારી સામે મૂક્યું. બીજું અંદરના કમરામાં. પછી તે પગથિયાં ઊતરતાં બોલ્યો: ‘હું રાતેય આંય રવ છું. તમતમારે કોઈ વાત્યે ફિકર નો કરતા.’ કહીને તે દરવાજે જઈને બેઠો.

ક્યાંય સુધી હું આરામખુરશીમાં બેસી રહ્યો. પછી અંદર ગયો. કેટકેટલી રઝળપાટને અંતે હું મારા પોતાના ઘરમાં આવી પહોંચ્યો! મચ્છરદાનીથી ઢંકાયેલી સફેદ પથારી અને સિસમના ઢોલિયા પર પડતું ફાનસનું પીળું અજવાળું મને રમણીય લાગ્યું. ચિંતારહિત, ભયરહિત, કોઈ પણ વિચારરહિત થઈને મેં નિરાંતે પથારીમાં લંબાવ્યું.

સમુદ્ર ખડકો પર પછડાતો પોતાની અવિરત હાજરી નોંધાવતો રહ્યો. મારી ઘેરાતી આંખો મને લઈ ચાલી સુખમય, અજ્ઞાત અવસ્થા તરફ.

***

Rate & Review

Bharat

Bharat 4 days ago

Ranjitsinh Makvana
Nimisha Patel

Nimisha Patel 4 weeks ago

nihi honey

nihi honey 1 month ago

Vipul Petigara

Vipul Petigara 1 month ago