Sumudrantike - 8 books and stories free download online pdf in Gujarati

સમુદ્રાન્તિકે - 8

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(8)

જૂનની શરૂઆતમાં જ વરસાદ થયો. નૂરભાઈ વરસાદ પડ્યો તેના બીજે દિવસે જ હાજર થઈ ગયો. એકાદ મહિના પછી તે મને મળતો હતો. ‘માલિક, જાસું ફરવા?’ તેણે કહ્યું.

‘ચાલો’, મેં કહ્યું. મે માસના તાપમાં જમીનો માપી માપીને હું કંટાળ્યો હતો. વરસાદ પડતાં જ કબીરાને દૂર સુધી દોડાવી જવાની ઈચ્છા તો મને પણ હતી. હું તૈયાર થઈને નીકળ્યો. બે-ત્રણ કલાક સુધી સવારના વાદળછાયા વાતાવરણમાં અમે રખડ્યા કર્યું. નૂરભાઈએ બીજાં બે-ત્રણ નવાં પક્ષીઓ ઓળખાવ્યા. તેમની બાવળની કાંટ ધોવાઈને તાજી, ઘેરી લીલી લાગતી હતી. લગભગ અગિયાર વાગે નૂરભાઈ છૂટો પડ્યો.

‘દૂધરાજ ક્યારે આવે?’ જતાં જતાં મેં પૂછ્યું.

‘ઈ આંય આવે તો તો અલ્લાની કુદરત થઈ જાય. બાપ, એને જોવે એવું જંગલ આંય ક્યાંથી કાઢવું? હતા એક વાર. હું નાનો હતો તંયે જોયાનું યાદ છે.’

નૂરભાઈ આ બધું ક્યાંથી શીખ્યો તે પૂછવાનું રહી ગયું. પણ ફરી ક્યારેક વાત એમ વિચારીને મેં કબીરાને પાછો વાળ્યો. હવેલી પર સબૂર મારી રાહ જોતો હોય તેમ બહારના દરવાજે બેઠો હતો. હું ઘોડા પરથી ઊતર્યો કે તરત તે મારી પાસે આવ્યો. મારા હાથમાંથી અશ્વની લગામ લઈને તેણે ઘોડાને છૂટો કર્યો, ખીલે બાંધ્યો, ચારો નાખીને પગથિયે આવીને ઊભો રહ્યો. ત્યાં સુધીમાં મેં કપડાં બદલી લીધાં હતાં.

‘કેમ? કંઈ કામ છે?’ મેં સબૂરને પૂછ્યું. તે કામ ન હોય તો કદાચ ક્યારેય દેખાય નહીં. તેની, માણસોથી દૂર રહેવાની, આદત મને ખૂંચી.

‘તું જમીન વેચવાનો છ.’ તેણે લાગલું જ કહ્યું. જાણે તેને વિશ્વાસ હોય કે હું જમીન વેચવાનો છું.

‘ખેતી કરવી છ’ એ જ ઢબનું બીજું ટૂંકું વાક્ય.

‘આવું તને વળી કોણે કહ્યું?’

‘સરવણ કેતો’તો, તું આવ તંયે મળવાનું.’

હું થોડો મૂંઝાયો. આ ગળેપડુ ગામડિયાને કંઈક ગેરસમજ ઊભી થઈ હોય તો તે દૂર કરવા મેં કહ્યું ‘જો સબૂર, તું માને છે તેવું નથી. જમીન સરકારી છે. ને અહીં કારખાના કરવા માટે સારી જગ્યા છે તેવું સરકારને કહેવાનું જ મારું કામ છે. હું જમીન વેચવાનો નથી.’ મારું ખરેખરું કામ શું છે તે આ અભણ જિદ્દી છોકરાને સમજાવી શકાય તે રીતે વાત કરવા હું તેની પાસે જવા ગયો. મારા આશ્ચર્ય વચ્ચે સબૂર આગળ કંઈ પૂછ્યા, સાંભળ્યા વગર ચાલ્યો ગયો.

‘સબૂર, સાંભળ.’ મેં કહ્યું, પરંતુ તે રોકાયો નહીં.

પગી આવ્યો ત્યારે મેં તેને ધમકાવ્યો, ‘હું જમીન વેચવાનો છું એવું વળી તને કોણે કહ્યું? આપણું કામ તને ખબર નથી?’

‘મેં વળી ક્યાં એવું કીધુ છ?’ પગીએ ગભરાઈને પોતાનો બચાવ કર્યો.

‘કેમ રે! ખોટું બોલે છે?’ મેં કડકાઈ ચાલુ રાખી. ‘સબૂરને તેં શું કહ્યું હતું?’ મારો જ પગી અફવાઓ ફેલાવે તો વાત વધી જાય અને મારું કામ મુશ્કેલ બને. હું એવું થવા દેવા નહોતો ઇચ્છતો.

પગી ઝંખવાઈ ગયો. પછી બોલ્યો. ‘સબૂરિયોય માથાનો છે. ઈનો બાપ આખો જલમારો જમીન જમીન કરતો મરી ગ્યો. ઈનો વલોપાત હવે આ સબૂરિયામાં આવ્યો છ. આનાભારનીય અક્કલ નો મળે. મારાં વાલાં મજૂરિયાંવ.’

‘પણ સબૂરને એવું થાય એમાં તારે ખોટા આશ્વાસન આપવા શું કામ દોડવું પડે છે?’

ઈને જમીન લેવાનો દાખડો તો જલમથી છે. ગૂંજામાં કાવડિયો મળે નંઈ; તે સરકારી જમીનું મળે કે નો મળે? એમ પૂછ-પૂછ કરે. ઈમાં આપણને ખેરામાં જમીનું માપતા જોઈ ગ્યો તે દિ’નો વાંહે પડ્યો છે.’

‘પણ તારે તેને કહેવું હતું ને કે અહીં કેમિકલ ઝોન માટે જમીન મપાય છે.’

‘કીધું’ તું પણ ગરીન બેલ્ટની વાત સાંભળી ને ઈ વળગ્યો.’

‘અરે, હા.’ મારા મનમાં પ્રકાશ થયો. અહીં કેમિકલ ઝોન ફરતે ગ્રીનબેલ્ટ કરવા વૃક્ષોની ખેતી કરાવવાનું કામ તો સહુથી પહેલું હાથ પર લેવાનું છે. એમ કામ તો લગભગ મારી સત્તાની વાત થઈ.

હું વિચારતો હતો ને પગીએ કહ્યું.

‘ઈ વાતે કાં’ક થાય તો વાત કરશું એવું સબૂરિયાને કીધું’તું. ઈ ગાંડિયો કાંઈ સમજ્યોં નંઈ ને સીધો તમને ચોંટ્યો.’

મેં કંઈ જવાબ ન આપ્યો. પગી મારા સામું જોઈ રહ્યો હતો.

‘સારું. વિચારી જોઈશ. પણ હમણાં તું સબૂરને કંઈ કહીશ નહીં’ મેં કહ્યું.

‘નો કંઉં. હું ઓળખું ને ઈને! બાપ મરવા પડ્યો ઈ વેળાયે સબૂરિયાયે પાણી મૂક્યું છ કે ગમે ઈ થાય તલાટીને ચોપડે ઈ પોતાનું નામ લખાવશે.’

સબૂર પ્રત્યે મને કૂણી લાગણી અને થોડી ચીડ બંને હતાં. તેના જેવો યુવાન અબોલ, કમઅક્કલ ક્યારેક આળસુ અને માઠું લગાડીને ચાલવા માંડે એટલો આકરો હોય તે મને પસંદ ન હતું. પણ તેને જમીન મળે તેવું કંઈ કરી શકું તો તે હું જરૂરથી પહેલું કરવાનો.

તે સાંજે જ મેં નકશો કાઢ્યો. ગ્રીનબેલ્ટ માર્કિંગ કર્યા અને ઉપલી કચેરીની મંજૂરી માટે રવાના કર્યા. આખાયે વિસ્તાર ફરતે લીલાં વૃક્ષોનો વિશાળ પટ્ટો થશે. એકાદ કિલોમીટર પહોળું અને બાવીસ કિલોમીટર લાંબુ વન ફરી આ ખારાપાટને ઘેરતું ઊભું હશે તે વિચારે મને રોમાંચ થયો. પરંતુ એટલી જમીન લેનારા, તેમાં ખેતી, વૃક્ષોની ખેતી કરનારા માણસો આ ઉજ્જડ પ્રદેશમાં ક્યાં છે? કોની પાસે એટલી સાધનસંપત્તિ કે શક્તિ છે? પરંતુ એ બધો વિચાર મારે કરવાનો નથી. મેં ખેડૂતોને વૃક્ષોની ખેતી માટે ફાળવવાનો વિસ્તાર લીલા રંગથી દર્શાવ્યો. અને કેમિકલ ઝોનની દરખાસ્ત કરતાં પહેલાં ગ્રીનબેલ્ટની દરખાસ્ત રવાના કરી. મારું મન આનંદ અનુભવી રહ્યું.

***

Share

NEW REALESED