Sumudrantike - 4 books and stories free download online pdf in Gujarati

સમુદ્રાન્તિકે - 4

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(4)

ઠંડી થોડી વધારે લાગે છે તેવું લાગતાં હું જાગ્યો ત્યારે ચંદ્ર આથમી ગયો હતો. પૂર્વમાં આકાશ લાલાશ પકડતું જતું હતું. મેં સૂતાં સૂતાં જ બારી બહાર જોયા કર્યું. રાત્રે ગંભીર ગર્જના કરતો સમુદ્ર પછડાઈ પછડાઈને થાક્યો હોય તેમ શાંત થઈ ગયો છે.

ઊઠીને પરસાળમાં આવ્યો તો આરામખુરશી સામે નાના ટેબલ પર ત્રાંબાના કળશમાં બાવળનું લીલુંછમ્મ દાતણ મૂકેલું છે. પગી બંગલાના ચોગાન વચ્ચે કૂવા પરથી પાણી સીંચે છે અને કવાર્ટર પાસેની કૂંડી ભરે છે.

દાતણ લઈને હું કૂવાના થાળા પર બેઠો. ‘પગી, આજ મોટા બંદરથી રેશન લાવી દઈશું?’

‘આજ ને આજ તો નો બને. સીધું-સામાન લાવવા ગાડું જોવે. આઠ દા’ડે પટવાનું ગાડું ટપાલે જાય તયેં આવે તો થાય.’

‘હશે.’ મેં કહ્યું ‘ગોઠવીશું કંઈક. ઑફિસ ગોઠવવી પડશે આજ તો.’

‘આંયા, ઓલીપાના કવાટરમાં ઑફિસ રાખી છ. અવલે બધું ગોઠવ્યું છ.’

અચાનક મને ધક્કો લાગ્યો. મારા અધિકારના ક્ષેત્રમાં મારે ક્યાં રહેવું ક્યાં ઑફિસ કરવી તે નક્કી કરનાર કોઈ બીજું હોય તે મારાથી સહન ન થયું. અવલ, તે કદાચ મોટી કચેરીનો અવલકારકુન હોય કે પછી આસપાસના ગામનો મુખ્ય માણસ હોય, જે હોય તે. મારા આવડા અધિકારે આવું તો હું કેમ ચલાવી લઉં?

અત્યારના પહોરમાં ‘અવલ કોણ’ તેની ચર્ચા પગી સાથે કરવી મને યોગ્ય ન લાગી. મેં કૂવેથી પાણી સીંચીને સ્નાન પતાવ્યું. જૂનાં કપડાં ધોયાં અને સૂકવ્યાં ત્યાં સુધીમાં સૂર્યોદય થઈ ગયો હતો.

મારો કમરો વ્યસ્થિત ગોઠવીને પાછો બહાર આવું છું ત્યાં પગી ચા લઈ આવ્યો. પરસાળમાં બેસીને ઊગતા સૂર્યના પ્રકાશમાં હવેલી નીરખતો હું ચા પીવા બેઠો. ઊઠીને બંગલા તરફ ચાલ્યો.

ઢોળાવ પર ઊભેલી આ ઈમારત ભૂખરા પથ્થરોથી બંધાઈ છે. વિશાળ પગથારો વટાવીએ ત્યારે પરસાળમાં પહોંચાય તેટલી ઊંચી બાંધણી ગોળાકાર કોતરેલા પથ્થરોના થાંભલા પર ટેકવાયેલી, રાતાં નળિયાં જડેલી પરસાળની છત. પરસવાળમાં લાઈનબંધ, મોટા દરવાજાવાળા, ત્રણ ઓરડા અને જમણી તરફ લાકડાનો દાદર ઉપર તરફ જાય છે. ઉપર વચ્ચેના કમરા પર બીજો કમરો દૂરથી દેખાય છે. બાકીનો ભાગ ખુલ્લી અગાસી તરીકે વપરાતો હોય તેવું લાગે છે. પગથારો ચડીને હું બંગલાની પરસાળમાં જઈ ઊભો. સામે મારું કવાર્ટર, બાજુમાં કચેરીવાળું કવાર્ટર, દરવાજા બહાર નજર પહોંચે ત્યાં સુધી ભૂખરી ખારી જમીન. કવાર્ટરની પાછલી દીવાલથી થોડે દૂર નાનકડી વાડી છે. લગભગ જાનકીની વાડી જેવી. બંગલાની પાછલી બાજુએ ખડકો પર પછડાતો મહાજળરાશિ અને તેના કિનારે સળંગ ઊગેલી બાવળનાં વૃક્ષોની લીલી હાર સુદૂર ચાલી જતી દેખાય છે.

નીલવર્ણ આકાશ, ભૂખરાં ભૂરાં જળ અને પીળા તડકાથી પશ્ચાદ્ભૂમાં આ રમ્ય ભવનની શોભા ખીલી ઊઠી છે. પરસાળ લાકડાના કઠોડાથી બંધ કરાઈ છે. તેના પરની ગોળ કમાનો સમુદ્ર તરફ અ-બાધિત દૃષ્ટિને માર્ગ આપે છે.

ઓરડાના દરવાજા બંધ પરંતુ ધૂળ વગરના સાફ. કાચમાંથી આરપાર જોઈ શકાય છે. ખાલી કમરાઓ વધુ વિશાળ લાગે છે. બંગલો જૂનો છે. પરંતુ જર્જરિત નથી. કોણ આ જાળવણી કરતું હશે? મને તો કહેવાયું હતું કે આ સરકારી મકાન છે. કેટલાંક કારણોને લીધે હજી અમારા ખાતાને ફાળવાયું નથી. પરંતુ તે તો મળી જ જવાનું છે. તો પછી આ જનહીન સ્થાનની આટલી સંભાળ કોણ લે છે? કોઈની અંગત માલિકીનો મહેલ તો નહીં હોય? સરવણ પગી મળ્યો ન હોત તો હું માની બેસત કે અણઘડ સબૂર મને કોઈ ભળતી જગ્યાએ જ મૂકી ગયો છે.

દાદરનાં બે-ત્રણ પગથિયાં ચડું ન ચડું ત્યાં ઉપરથી ઊતરતી પાતળી, ઊંચી સ્ત્રી પર મારી નજર પડી. મને જોઈને તે સહેજ અટકી. હું પણ આગળ ન વધ્યો. તે સ્ત્રીના હાથમાં સાવરણી હતી. તે ધીમે ધીમે નીચે આવી. ‘આખા વર્ષનું પાણી અગાસીએ એકઠું કરીએ છીએ. તમે બૂટ પહેરીને ઉપર ન જશો.’ તેણે કહ્યું અને હું કંઈ બોલું, પૂછું તે પહેલાં ઝડપથી પગથિયાં ઊતરી ગઈ.

છેલ્લા ઘણા સમયથી મેં આવી સભ્ય ભાષા સાંભળી નથી. આ સ્થળ મારું છે. સરકારી, પણ મારા અધિકારમાં છે તે વિશે મારા મનમાં સહેજ પણ શંકા ન હોવા છતાં મેં બૂટ ઊતાર્યા અને પછી અગાશીમાં ગયો.

સિમેન્ટમાં ટાઈલ્સના ચળકતા ટુકડા જઈને આખી અગાશી ચિત્રાંકિત કરાઈ છે. મોર, તુલસીક્યારો, ફૂલો જેવાં જાતજાતનાં ચિત્રો. ચારે તરફની પાળીપાસે સિમેન્ટની પાકી નીક બનાવાઈ છે. ખૂણામાં નાની કૂંડી જેવા ઢોળા સાથે નીક જોડવામાં આવી છે. અગાશીમાં પડતું વરસાદી જળ તે નીક વાટે હવેલીના ભૂગર્ભમાં પહોંચી જાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. કૂંડી અત્યારે લાકડાના દટ્ટાથી બંધ રખાઈ છે. એકાદ-બે વરસાદ પછી તે ખોલી નાખીને પાણી ભેગું કરાતું હશે.

હું અગાસીની પાળ પર બેઠો. દરિયો છેક દૂર ચાલ્યો ગયો છે. બપોરે પાછો આવશે. આ મહેલની દીવાલો પાછળના ખડકો પર અફળાઈને મહાધોષ ગજવશે. છેલ્લા બે દિવસથી હું આ સમુદ્રને આવતો-જતો જોઉં છું. કાલ કરતાં આજે એકાદ કલાક મોડી ભરતીઓટ થઈ. પણ આ ખારાં જળરાશિને જોઈ રહેતાં મને કંટાળો નથી આવતો.

ભરતી પવન નીકળ્યો ત્યાં સુધી હું પાળી પર બેસી રહ્યો પછી નીચે ચાલ્યો. હજી મારે મારું ભોજન પકાવવાની વ્યવસ્થા ગોઠવવાની છે, કચેરી ખોલવાની છે અને આ નિર્જન બિનઊપજાઉ ધરા પર રસાયણોનાં કારખાનાં ઊભાં કરવા માટેની દરખાસ્ત તૈયાર કરવાનું મારું કામ શરૂ કરવાનું છે.

કવાર્ટર પર પહોંચ્યો તો ટેબલ પર મારો ટુવાલ ગોઠવાઈ ગયો છે. બાજુમાં કાંસાની થાળી ઢાંકેલી પડી છે.

આજે પણ સરવણ ડુંગળી-રોટલો લઈ આવ્યો.

‘આ બધું ક્યાંથી ઉપાડી લાવ્યો?’

‘અવલે મોકલ્યું,’ તેણે કહ્યું, અને હું જમવા બેસીશ તેમ માનીને દૂર જતો રહ્યો. મને પગી પર ગુસ્સો આવ્યો. પટવાથી કે શહેર જઈને પણ થોડું ઘણું રૅશન ન લાવી શકે તો તે શા કામનો? શા માટે મારે અવલના ઉપકાર તળે રહેવું પડે?

‘પગી!’ મેં મોટેથી બૂમ પાડી. તે ઉતાવળે પાછો આવ્યો.

‘જો સરવણ, આપણે આપણું રૅશન લાવી દેવાનું. અને તમારા અવલને કહેરાવી દો કે આપણી ચિંતા ન કરે. આપણે તેની જરૂર હશે તો તેને બોલાવી લઈશું.’

‘કે’શું, પણ માનશે નંઈ.’

‘શા માટે ન માને? મારું નામ દઈને કહેજો. મને ખાવાનું બનાવતાં આવડે છે. મારું દરેક કામ હું જાતે કરી શકું છું.’

પગીએ કંઈ જવાબ ન આપ્યો. મેં જમવાનું શરૂ કર્યું એટલે તે પાછો દરવાજે જઈને બેઠો.

કચેરી છેક બપોર પછી ખોલી. પીળાં સરકારી કાગળિયાં અને નકશાનાં બંડલ બધું દીવાલ પર લાકડાના ઘોડામાં વ્યવસ્થિત ગોઠવેલું છે. એક મોટું, એક નાનું એમ બે ટેબલ, ચાર ખુરશીઓ. મારા આગમન પહેલાં સરકારે આટલો સામાન તો પહોંચાડ્યો ખરો.

કચેરીમાં બેઠો છું ત્યાં અચાનક દરવાજા પર કંઈ હિલચાલ થતી સંભળાઈ. હું ઊભો થઈને બહાર આવ્યો. સામેથી, કાળા ટપકાંવાળો, શ્વેત અશ્વ લઈને, કોઈ દરવાજામાં દાખલ થયું. પગી ઊભો થઈને તેની સામે ગયો અને તે તથા પેલો માણસ કચેરી તરફ આવ્યા. તેઓની પાછળ અશ્વ દોરાતો ચાલ્યો.

***

Share

NEW REALESED