Sumudrantike - 1 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | સમુદ્રાન્તિકે - 1

સમુદ્રાન્તિકે - 1

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

અર્પણ

મારા જીવન તથા લેખનનો
નાભિ-નાળ સંબંધ
જેની સાથે જોડાયેલો છે તે
મારા કૌટુંબિક વાતાવરણને

નિવેદન

સાહિત્ય જગતના અધિકારીઓએ પ્રબોધેલા નિયત લખાણ-પ્રકારોને ધ્યાનમાં લીધા વિના આ વાત મેં લખી છે.

ગોપનાથથી શરૂ કરીને ઝાંઝમેર, મહુવા, જાફરાબાદ, દીવ, સોમનાથથી પોરબંદર - દ્વારિકા સુધીનો સમુદ્રતટ, જેમ જેમ પગ તળેથી સરકતો ગયો, તેમ તેમ મને એવું ઘણું સમજાતું ગયું જે અન્યથા ક્યારેય સમજાયું ન હોત.

આ વાતમાં આવતાં મોટા ભાગનાં પાત્રો મને અલગ અલગ નામે-સ્થળે-કાળે મળ્યાં છે. એકાદ પાત્ર વિશે મેં મારા વડીલો પાસે સાંભળ્યું છે.

આ બધાંને એક સ્થળ-સમયમાં લાવી મૂકવા મેં કેટલીક ઘટનાઓ કલ્પી છે.

પ્રથમ આવૃત્તિ વખતે જ મેં આ લખાણને કોઈ પ્રકારનું નામ આપવાનું ટાળ્યું છે. આ શું છે? તે નક્કી કરવાનું કામ મારું નથી. મારે તો જે છે તે અનુભૂતિ સીધી જ તમારી સંવેદનામાં મૂકવી છે. તમે ચાહો તે પ્રકારે અને નામે આ લખાણ માણી શકો છો.

આથી વિશેષ આ લખાણ અંગે મારે કંઈ કહેવાનું નથી, કે મિત્રો-પરિચિતો પાસે કંઈ કહેવરાવવાનું નથી.

ધ્રુવ ભટ્ટ

1, ગોપાલનગર, સ્ટેશન રોડ,
કરમસદ - 388 325

***

લેખક અને તેના મિત્રોએ 1980થી 1985 સુધીમાં દર વર્ષે 1 મેથી 8 મે દરમિયાન ગુજરાતના સમુદ્રતટે પગપાળા કરેલ પ્રવાસના અનુભવોને આધારે આ કથા રચાઈ છે. પ્રથમ જાફરાબાદથી ગોપનાથ અને પછીનાં વર્ષોમાં જાફરાબાદથી દીવ, સોમનાથ, ચોરવાડ-પોરબંદર હર્ષદ સુધી આ પ્રવાસનો માર્ગ ઉપર દર્શાવ્યો છે. (નકશો માત્ર માર્ગ દર્શાવવા જ મૂક્યો છે. પ્રમાણમાપ સાથેનો નથી.)

પ્રવાસની મુખ્ય શરત એ રહેતી કે ખડકો અને કાદવ ન હોય ત્યાં સમુદ્ર અને કિનારો ભેગા થતાં હોય એ સ્થળે જ ચાલવું. રાત્રે જ્યાં પહોંચાય ત્યાં રોકાવું અને જે મળે તેનાથી ચલાવી લેવું.

***

(1)

ભરતી ઊતરે ત્યાં સુધી અમારે રાહ જોવાની છે. ત્રણ બાજુએથી સમુદ્રજળ વડે ઘેરાયેલી ભૂશિરના આખરી ખડક પર હું બેઠો છું. જાનકી દીવાદાંડી પાસે રમે છે. શંખલાં, છીપલાં, છીપલાં વીણતી, પોતાની નાનકડી ચાળમાં ભરતી, કંઈક ગીત ગણગણે છે.

અહીંથી થોડે દૂર સમુદ્રમાંથી ઊભા થતા કોઈ મહાદાનવના શીર્ષ સમો એક ખડક ઊપસ્યો છે. તેના પર શિકોતર માતાનું મંદિર છે. જાનકી મને તે મંદિરે લઈ જવાની છે.

મુખ્ય ભૂભાગને પેલા ખડક સાથે જોડતો માર્ગ અત્યારે દરિયાનાં ખારાં સફેદ, ફીણાળાં પાણીતળે આરામ ફરમાવે છે. ઓટ થતાં જ તે માર્ગ દેખાશે અને અમે ખડકો ઊતરીને શિકોતર જઈ શકીશું.

‘શિકોતરીયે બોવ મજા પડે’ એવું જાનકી વારે વારે આવીને કહી જાય છે અને પાણી જોઈને પાછી રમવા જતી રહે છે. તેનું ‘બોવ મજા’ વાળું આ કથન મારા થાક અને કંટાળાને દૂર કરી દે તેવું નથી, પરંતુ તેને મજા પડે છે તે જાણીને હું ખુશ જરૂર થાઉં છું.

ત્રણેક દિવસ પહેલાં પરાશર અને વીણા મને સ્ટેશન પર વળાવવા આવેલાં. કોલાહલથી ઊભરાતા મહાનગરનું એવું જ એ કોલાહલમય સ્ટેશન. જાનકીએ તો એટલો ઘોંઘાટ કદાચ સાંભળ્યો પણ નહીં હોય.

બે દિવસની મીટરગેજ રેલ સફર, ત્રણેક કલાકની ખખડધજ બસ સફર. હું ખાડીને સામે કિનારે ઊતર્યો ત્યારે મન એકલતા અને નિરાશાથી છલકાઈ રહ્યું હતું. આ નવા પ્રદેશમાં હું કેટલા દિવસ રહી શકીશ? ખાડી પાર કરવા હોડી તરફ ચાલતો જતો હતો ત્યારે ડગલે ને પગલે મને મારું નગર, મારા મિત્રો, મારી સભ્યતા અને મારું પોતાનું જગત યાદ આવ્યા કરતાં હતાં. મને મારાં સ્વજનો પાસે, મારા સમાજ વચ્ચે પાછા ચાલ્યા જવાની ઇચ્છા થઈ આવતી હતી. ઉદાસ મને હું હોડીમાં બેઠો અને આ તરફના કાંઠે આવ્યો.

બંદર પર નાગોડિયાં બાળકો રમતાં હતાં. મારી બૅગને કોઈ નવતર ચીજ જોતાં હોય તેમ તેઓ જોઈ રહ્યાં. બે-ચાર ખારવાઓ સગડી પર સતત ઊકળ્યા કરતો ચાનો કાળો કાવો પીતા બેઠા હતા. થોડે આગળ જતાં બંદર ખાતાની કચેરી. મારી આગળની મુસાફરીની વ્યવસ્થા આ કચેરી પરથી થવાની હતી.

પતરાના દરવાજાવાળી કચેરી ગોડાઉન જેવી વધુ લાગતી હતી. અંદર પ્રવેશતાં જમણી તરફ ટેબલ પાછળની ખુરશી પર બેઠેલો બંદર-કારકુન એકદમ ઊભો થઈ ગયો.

‘તમને તેડવા આવત. તમે આવો છો એવા ખબર તો હતા પણ કંઈ તારીખ-વાર..’ તે મારા અચાનક આગમનથી ગભરાયેલો લાગ્યો. ‘ઈસ્માઈલ, સાહેબની બૅગ લઈ લે,’ તેણે કહ્યું. અને ખુરશી મારા તરફ ખસેડતાં ફરી બોલ્યો, ‘તારીખની કાંઈ ખબર નહીં એટલે શું કરીએ?’

‘મારે ખબર આપીને આવવું જોઈતું હતું. પરંતુ એકદમ જ મેં વહેલા નીકળી જવાનું ગોઠવ્યું. નવી જગ્યા છે. અગાઉથી પહોંચીને થોડું સમજી લઈએ. એથી જલદી આવ્યો.’ મે કહ્યું.

‘જલદી તો નથી થૈ. મોડો થ્યો કે’વાય.’ ઈસ્માઈલે કહ્યું ‘અબી અસ્ટેટ બંગલે જાણે કે વાસતે હોડા બી નંઈ જડે.’ તે નહીં ગુજરાતી નહીં ઉર્દૂ-હિન્દી, કંઈક ત્રીજી જ ભાષા બોલતો હતો.

‘આ અખાતરીજ બીતે અઠવાડિયા હો ગ્યા. કોઈ બી ખારવા અબ વાણે ચડેગા જ નંઈ.’

‘કેમ?’ મેં પૂછ્યું.

‘અબ કેમ તો યે ઉણકા રિવાજ જાણે.’ ઈસ્માઈલે મારા અજ્ઞાનનો જવાબ પોતાના અજ્ઞાનથી આપ્યો. ‘અખાતરીજ જાવે ને દરિયા બંધ. અબ તો ઠેઠ સાવની પૂનમે નાળિયેર પડ્યા કેડે જ ખૂલવાના.’

આ આખોએ સંવાદ પેલો કારકુન મૂંઝાઈને સાંભળતો હતો. મારી નજર તેના પર પડતાં તે થોથવાયો, ‘ખરું કહે છે. એસ્ટેટ બંગલા માથે કાં તો પટવા થઈને ગાડામાં જવાય કાં અહીંથી હોડીમાં. વારારૂપથી પણ ગાડાં જાય ખરાં.’

તેણે ગણાવ્યાં તેમાંથી આ બંદર સિવાયના બીજા કોઈ સ્થળનું નામ પણ હું જાણતો ન હતો. ‘દરિયો તો હવે નાળિયેરી પૂનમે, શ્રાવણ મહિને જ ખૂલે.

‘તો ગાડામાં જઈએ. બંગલો કેટલેક દૂર છે?’

‘છે આઘું, ને ગાડુંય આંય કોનું લાવવું?’ કારકુન ચિંતામાં પડ્યો. ‘મિત્યાળે કે વારારૂપથી કો’કનું લાવીયે ત્યારે.’ તેણે મારી મૂંઝવણ પણ વધારી મૂકી.

હે ઈશ્વર, આ કેવા અજાણ્યા એકાંતમાં હું ધકેલાઈ રહ્યો છું? માનવીને એક નાનકડું જીવન મળે છે. તેને સારી રીતે, પોતાનાં સ્વજનો વચ્ચે રહીને પૂરું કરવા દેવાનું પણ તને મંજૂર નથી? એકાએક મને અહીંથી જ પાછા ફરી જવાની ઇચ્છા થઈ આવી. પરંતુ બે વર્ષ નોકરી વગર રખડ્યા પછી પાછી માંડ મળેલી આ બીજી નોકરી તજી દઈને હું ત્રીજું કયું કામ શોધવા બેસવાનો?

પેલા કલાર્કે મને અનેકવિધ આશ્વાસનો આપ્યાં. આ ઓચિંતા આવી ચડેલા મહેમાનને એસ્ટેટ બંગલા પર પહોંચાડવાનો આદેશ તેને તેના ઉપરીઓએ મોકલી આપ્યો છે; પરંતુ આ બિચારો તે વ્યવસ્થા શી રીતે કરશે તેની ચિંતા કોઈએ કરી નથી.

દરિયો ખૂલે અને બંધ થાય જેવા શબ્દપ્રયોગોએ મને રમૂજ પૂરી પાડી. પરંતુ ચિંતાએ મારું હાસ્ય ચોરી લીધું હતું.

‘હવે?’

‘કાંઈ વાંધો નંઈ, ગોઠવશું કાં’ક.’ ક્લાર્કે કહ્યું.

‘કાંક એટલે શું? તે મને સ્પષ્ટ ન થયું. પરંતુ હું ખાતરીપૂર્વક સમજી ગયો કે મારા આગળના પ્રવાસ માટે તેનાથી કંઈ જ થઈ શકવાનું નથી. મારા માટે રાતવાસાની સગવડ કરવાનું પણ તેને મુશ્કેલ થઈ પડવાનું.

‘એમ કરીએ, આજની રાત તમે મારે ન્યાં રોકાઈ જાવ.’ તેણે કહ્યું તો ખરું પણ પછી તરત બોલ્યો. ‘પણ તમને મારે ન્યાં ફાવે ન ફાવે...’

હું તેનો મહેમાન તો ન જ હતો. કદાચ તેના પર આવી પડેલી વિપત્તિ ગણાઉં ખરો. ‘ઘરે રહેવા દો અહીં કોઈ રેસ્ટહાઉસ કે એવું કંઈ?’ મેં પૂછ્યું.

તેણે મને ઉત્તર આપવાને બદલે ઈસ્માઈલ તરફ જોયું ‘વો દાંડી કા કવાટર ખાલી પડા હૈ.’ ઈસ્માઈલ તેના નાનકડા સાહેબની વહારે ધાયો.

થોડી ચર્ચાને અંતે બન્ને એ નક્કી કર્યું કે બંગલે જવાની વ્યવસ્થા ન ગોઠવી શકાય ત્યાં સુધી મને દીવાદાંડીના કવાર્ટર પર ઉતારો આપવો. પોતાની પત્ની જે કંઈ બનાવી શકશે તે મને ઈસ્માઈલ સાથે મોકલી આપશે તેવું આશ્વાસન કલાર્ક સાહેબે આપ્યું; પરંતુ મારી પાસે હજી બે દિવસ ચાલે તેટલો ખોરાક છે તેવું મેં તેને ભારપૂર્વક સમજાવ્યું. તેને અને મને, બન્નેને, આથી રાહત થઈ.

ઈસ્માઈલ કવાર્ટરની ચાવી અને મારો સામાન લઈને આગળ ચાલ્યો. બંદર પૂરું થાય પછી થોડીક દુકાનો, લાકડાં અને મેંગ્લોરી નળિયાંની લાતીઓ. પછી કબ્રસ્તાન. ત્યાંથી સીધો ગાડાચીલો દીવાદાંડી સુધી જાય છે. ઈસ્માઈલ તે રસ્તે ઉતાવળે આગળ ગયો. હું ધીમે ધીમે ચાલતો રહ્યો.

એક તરફ સમુદ્રજળ અને બીજી તરફ નાની નાની વાડીઓ વચ્ચેથી આ નાનકડો ચીલો પસાર થાય એ, દરેક વાડીને ફરતે ચોરસ કાપેલા ભૂખરા પથ્થરો એકબીજા પર ગોઠવીને વાડ કરી છે. વચ્ચે વાંસની પટ્ટીઓ કે સાંઠી-લાકડીની બનાવેલી ઝાંપલીઓ. આ ઝાંપલી તે જ વાડીનું પ્રવેશ કે રક્ષણદ્વાર. મારા પ્રદેશના વિશાળ ફાર્મ અને ફાર્મ-હાઉસ પાસે આખીએ વ્યવસ્થા હજારો વર્ષ પછાત લાગે.

એક વાડીના ઝાંપે હું અટક્યો. અંદર જોયું. જમણી બાજુ ખડક કોચીને બનાવેલો કૂવો. ઝાંપલીની સામે જ બે નાની નાળિયેરી વચ્ચે, ઝૂંપડીના આંગણામાં બેઠેલી આઠ-દશ વર્ષની એક બાળા પોતાની સામે પડેલા ઘોડિયાની દોરી ખેંચે છે. મને જોઈને કદાચ તે ડરશે. તે વિચારે હું જરા ખચકાયો, પરંતુ કંઈ જ ન બન્યું હોય તેમ તેણે ઘોડિયું હીંચોળ્યા કર્યું. મેં ઝાંપો ઠેલ્યો અને અંદર ગયો, પણ તેણે મારા અનધિકાર પ્રવેશની નોંધ સુધ્ધાં ન લીધી!

મને મારા નગર બહાર વસેલાં ફાર્મ યાદ આવ્યાં. આટલાં વર્ષોમાં મેં એમાંના કોઈ ફાર્મમાં આટલી સાહજિકતાથી પગ નથી મૂક્યો. હું છેક કૂવા પાસે પહોંચ્યો. થાળા પર ડોલ અને દોરડું પડ્યાં છે. તે લેતાં પહેલાં મારી નગર-સભ્યતા સહજ મેં પૂછ્યું, ‘બહેન, તારી ડોલ લઉં?’

અચાનક જ આખું જગત બદલાઈ ગયું હોય તેટલી નવાઈથી તે બાળાએ મારી સામે જોયું. ઘોડિયામાં સૂતેલું ટબૂરિયું બાળક ઊંચુ થઈને, મને જોઈ, પાછું નચિંતપણે ઘોડિયામાં સરી ગયું. અને મારા કાને હું માની ન શકું તેવા શબ્દો પડ્યા:

‘તે લૈ લે ને. આંય તને કોઈ ના નો પાડે.’

આ નાનકડી ખેડુબાળાના તુંકારે, એક જ સપાટામાં, મારી ઉંમરનાં કેટલાંયે વર્ષો સેરવી લીધાં. મારો હોદ્દો, મારી પદવીઓ, મારી કેળવણી અને મારી સભ્યતા વચ્ચેથી સરકતો સરકતો હું પેલા ઘોડિયે સૂતેલા બાળક જેવો બની ગયો. મારી સમગ્ર ચેતના નિર્બંધ, મુક્ત બનીને વાડીઓનાં પર્ણે પર્ણે રમી રહી.

ઓ રે! છોકરી, તું કોણ છે રે, આ નિર્જન શાંત સ્થળે વસતા પછાત એવા ખેડૂતની ગરીબડી પુત્રી! કે પછી જગત સમગ્રને પોતાના હેતાળ પાલવમાં મુક્તિનો અનુભવ કરાવતી શાતાદાયિની જગત્જનની?

હું પળ-બે પળ વિચારતો રહ્યો. ત્યાં થોડે દૂર અર્ધા ઉઘાડે દેહે કામ કરતો ખેડૂત કામ છોડીને આવી પહોંચ્યો, ‘જાનકી, તારી માને બરકી લે.’ કહેતાં તેણે મને ડોલ સીંચી આપી.

પાણીનું દર્શન અને સ્પર્શ જીવ માત્ર માટે આનંદદાયી હોય છે, પરંતુ આજે આ કૂવાના જળને સ્પર્શતા જે અનુભવાયું તેવું સુખ મેં નળમાંથી વહેતાં પાણીના સ્પર્શે ક્યારેય અનુભવ્યું નથી. બેઉ સ્થળે પાણી તો પાણી જ હોય છે છતાં અલગ અલગ અનુભવ કરાવતું તત્ત્વ કયું હશે? તે હું નક્કી નથી કરી શકતો.

‘ક્યાં રે’વા?’ ખેડુએ મને પૂછ્યું.

‘દૂરથી આવું છું. આજની રાત દીવાદાંડીના કવાર્ટર્સ પર રોકાઈશ. પછી એસ્ટેટ બંગલે જવું છે.’ મેં જવાબ આપ્યો.

‘ન્યાં દાંડીયે રે’વાય એવું ક્યાં છે? તેણે પોતાની કમ્મર પર બે હાથ મૂકીને દીવાદાંડીની દિશામાં જોતાં કહ્યું.

હું કંઈ વિચારું કે બોલું ત્યાં પહેલાં તો ઈસ્માઈલ ઝાંપો ખસેડતો વાડીમાં પ્રવેશ્યો. ‘ઉંવા તો રે’ણ લાયક છે જ નંઈ. વાપસ બંદ્રે જાણા પડેગા. આખ્ખે કવાટરમેં કબૂતરે કે માલે પડે હે.’ તેની વિચિત્ર ભાષામાં તે બોલ્યો.

‘લે, કર્ય વાત,’ પેલો ખેડૂત બોલ્યો. ‘એલા, બે દિ’ મોર્ય વાત કરી હોત તો? આ મારી જાનકી ને વાલબાઈ પુગી ગ્યાં હોત કાટરે; ને કરી નાખ્યું હોત સાફ.’ તે પોતાના મુખ પર હાથ ફેરવતાં હસ્યો, ‘આગલી વારકો સાહેબ આવ્યો તયેં ઈ બે જણે જ બધું ધોયું’તું.’

‘તે ઈણકો કવાટરમેં તો રે’ણે કા જ નંઈ. ઈણકું તો એસ્ટેટ બંગલે પોંચાણે કા ઓડર હૈ.’

અમે આગળ કંઈ વાત કરીએ ત્યાં જાનકી અને તેની માતા આવ્યાં. તે કાળી સ્ત્રીએ પોતાના બે હાથ મારા મસ્તક તરફ લંબાવ્યા પછી પોતાના લમણા પર આંગળાં દબાવીને ટચાકા બોલાવ્યા. આ પ્રથાથી હું અજાણ નથી. નાનપણમાં મારાં મામી મારાં દુ:ખણાં લેતાં ત્યારે તે શું કરે છે? તેવું હું અવશ્ય પૂછતો. મામી કહેતાં, ‘તમારાં પર દુ:ખ આવવાનાં હોય તો તે તમારા બદલે અમારા પર આવે. આ તમારાં દુ:ખણાં અમે લીધાં કહેવાય.’

મારાં દુ:ખ મામી લેતાં ત્યારે મારા બાળમનને ગર્વ થતો; પરંતુ આજે મને ખૂબ નવાઈ લાગી. પરસ્પર પરિચય ન કરાવાય ત્યાં સુધી એકબીજા સાથે વાત પણ ન કરાય તેવી સભ્યતામાં ઊછરેલા માણસને એ પ્રશ્નો જવાબ ક્યારેય મળવાનો નથી, કે આ એક સાવ અજાણી સ્ત્રી આ સાવ અજાણ્યા માનવીનાં દુ:ખો પોતાને શિર ધરવાની ચેષ્ટા શા માટે કરી રહી છે?

‘લે, એલા, ઈસ્માલિયા, તું મૂક પોટલાં હેઠાં,’ તે સ્ત્રીએ કહ્યું.

‘અરે, ઈણકો એસ્ટેટ બંગલે ભેજણેકા ઓડર...’

તે બોલી રહે તે પહેલાં જાનકીની મા બોલી, ‘તે ઈ ભેજવાનું હું પતવી દઈસ. ને ઈવડો ઈ આંય રે’સે તોય વાલબાઈને બાજરી ખૂટવાની નથ્ય. તું તારે થા વે’તો.’ કહેતાં વાલબાઈએ ખરેખર ઈસ્માઈલના હાથમાંથી બૅગ નીચે મુકાવી દીધી. પછી મારા તરફ ફરીને કહ્યું, ‘તુંય રઘવાયો કાં થા છ? આંય કાંઈ ખોટ નથ્ય. આ આખું પડું ઉઘાડું પડ્યું છ. તારે રે’વું હોય ન્યાં લગણ રે’જે.’

વાલબાઈએ, મને વાડીએ રોકાઈ જવાનું કહેતાં, કોઈની, ખુદ તેના પતિની પણ પરવાનગી ન માગી તેથી મને જરા અચરજ થયું. તે તો પોતાનામાં જ મસ્ત હતી. બોલી, ‘બપોર જોગુનો તને કાંઠે ભાળ્યો’તો. મારા વાલાઉં તને દાંડીયે રે’વા મોકલતા સરમાણાં નંઈ? ઈના પોતાનાં ખોઈડાં સું પડી ગ્યા’તાં? પણ સરકારી માણસું એમ કો’કને હેરાણ કરે ને વાલબાઈ જોઈને બેસી થોડી રેય?’ બોલતાં બોલતાં તે ઘોડિયા પાસે ગઈ અને બાળકને તેડીને નાળિયેરીને ટેકે બેસતાં કહ્યું, ‘તું તારે રોકાજે તારે રોકાવું હોય એટલું.’

‘કાલે તો જવું જ પડે.’ મારાથી બોલી જવાયું. અજાણતાં જ આજે અહીં રહી પડવાનું મેં કેમ, ક્યારે વિચારી લીધું? તેની મને પણ ખબર ન પડી.

‘લેં, તંયે, જાનકી, આને પાણી સીંચી દે. ને ના’ઈ લે એટલે શિકોતરીયે લઈ જા.’કહેતી વાલબાઈ કામે વળગી. હું કૂવાના થાળે ખૂબ નહાયો, કપડાં ધોયાં. પછી તૈયાર થઈને જાનકી સાથે દીવાદાંડી તરફ ચાલી નીકળ્યો.

‘તું ભણવા જાય છે?’ મેં જાનકીને પૂછ્યું.

‘તે નથ્ય જાતી?’ તેણે કહ્યું. પછી કૂદતી-ગાતી આગળ દોડી.

‘ઊભી રહે, તું આગળ જતી રહે તો મને રસ્તો કેમ મળશે? મેં તેને કહ્યું. તે ઊભી રહી. ‘ આ પણે દેખાય ઈ દીવાદાંડી. ત્યાં જ શિકોતરનું મંદિર છે. નો સું જડે?

‘મને ક્યાં બધી ખબર છે?’ મેં કહ્યું. જાનકીએ કંઈ જવાબ ન આપ્યો. તેની ચકોર આંખો રસ્તા પર, દરિયા પર નિરીક્ષણ કર્યા કરતી હતી.

‘તારા ભાઈને સાથે લીધો હોત તો?’ મેં પૂછ્યું.

‘ઈને તેડે કોણ?’ જાનકીએ બેય હાથની હથેળીઓ અવળી ફેરવતાં પ્રશ્ન કર્યો.

‘કેમ? થોડી વાર તું તેડે. તું થાકે એટલે હું તેડું.’

‘ઈવડો ઈ તારી પાસે રેય? રોવા મંડે તો પાછો મૂકવા જાવો પડે.’

જાનકી જાણે બધા સમયથી મને ઓળખતી હોય તેમ વાતો કર્યે જતી હતી. તેનો ભાઈ તેને ખૂબ વહાલો છે. પરંતુ તેડીને ફરવું કે તેને હીચકો નાખવો તે તેને કંઈ બહુ પ્રિય કાર્ય નથી લાગતું. વાતોવાતોમાં અમે દીવાદાંડી પહોંચી ગયાં.

ત્યારથી હું અહીં બેઠો છું. ભરતી ઊતરે તેની રાહ જોતો.

***

Rate & Review

RANJIT MULJIBHAI MAKWANA
neha gosai

neha gosai 3 weeks ago

Suresh

Suresh 4 weeks ago

Anjali Vasava

Anjali Vasava 2 months ago

Kabir

Kabir 2 months ago