Sagar have shu bole ? books and stories free download online pdf in Gujarati

સાગર હવે શું બોલે ?

આજે પહેલી વખત એવુ થયુ હશે, સાગરને ઘરમાં પગ મુકતા સંકોચ થ​ઈ રહ્યો હતો! એનું મન ચકરાવે ચઢ્યું હતુ. કમને એણે ગ્રુહપ્ર​વેશ કર્યો. 

સરીતા, એની પત્નિ રસોડામાં એના કામમાં હતી. એણે બહાર આવીને પતિને પાણીનો ગ્લાસ આપ્યો. ગ્લાસ હાથમાં લેતા સાગરે સરીતાના ચહેરા સામે એક પળ જોયુ. બસ, એક પળ જેટલુ જ​. એના પર કોઇ ભાવ ના હતો, કે પછી સાગર એને કળી ના શક્યો! પત્નિની હાજરી સહેવાતી ના હોય એમ ફટાફટ પાણીનો ગ્લાસ ખાલી કરીને આપી દીધો, એની સામે નજર નાખ્યા વગર... 

હ​વેની દરેક પળ સાગર માટે ખુબ કપરી હતી. સરીતાની ચુપ્પી સાગરને અકળાવી રહી હતી. રહી રહીને એને થતું હતુ કે, હ​વે સરિતા ગુસ્સાથી લાલચોળ થ​ઈને એને ખરી ખોટી સંભળા​વશે ને દરેક વખતે કંઈ ના થતું. એમા ને એમા સુવાનો વખત પણ થ​ઈ ગયો. છતા, સરિતા ક​ઈ ના બોલી! એતો રોજની જેમ જ પલંગની એક બાજુની કીનાર પર પડખુ ફરીને સુઇ ગ​ઈ. 

“તું તારે જે બોલ​વુ હોય એ બોલી નાખ એટલે પતે. આમ શાંત રેવાનુ નાટક હ​વે બંધ કર​.ઝઘડ​વુ હોય તો ઝઘડીલે!” આખરે સાગરે જ મનનો રઘવાટ ઠાલ​વ્યો! 



સાગર અને સરિતા, બન્ને જણાના લગ્નને દસ વરસ થ​ઈ ચુક્યા હતા. આમ જુઓ તો એ લોકો સુખી હતા. સાગર સરકારી ખાતામા મોટો ઓફિસર હતો. સારુ કમાતો, કોઇ પણ વ્યસન વિનાનો, શાંત સ્વભાવનો વ્યક્તિ હતો, તો સામા છેડે સરિતા પણ ઠરેલ, પ્રેમાળ , ઘરરખ્ખુ ગ્રુહીણી હતી. એમને એક દેવ જેવો દિકરો પણ હતો. તો...? 

અહિં જ આવે છે નિયતિનો ન​વો વળાંક! વાત એમ બની કે આજે સાંજે સરિતાને એના દિકરાને પિત્ઝા ખા​વા બહાર લઈ જ​વો પડ્યો. છોકરો કેટલાયે દિવસોથી જીદ કરતો હતો ને સાગરને ઘરે આવતા રોજ મોડું થ​ઈ જતુ એટલે આજે એમણે પ્રોગ્રામ બનાવી લીધો. મા દિકરો હજી હોટેલમાં પ્રવેસ્યા જ હતા કે સરિતાની નજર છેલ્લા ખુણે બેઠેલા સાગર પર પડી એની સાથે કોઇ અજાણી છોકરી હતી! આજ વખતે સાગરની નજર પણ સરિતા પર પડી હતી. બન્નેની નજર એક ક્ષણ માટે ટકરાઈ, ને જાણે કંઈ જોયુ જ ના હોય એમ સરીતાએ નજર વાળી લિધેલી! મા-દિકરો બન્ને પિત્ઝા ખા​ઈને જતા રહ્યા એના કેટલાય સમય બાદ સાગરને હોશ આવેલો. આજે ચોક્કસ ઘરે મહાભારત થશે એવી માનસીક તૈયારી સાથેજ એ ઘરે આવેલો પણ, અહિં તો..! 

સાગરને થોડી વાર તો એમ થયુ કે બિચારી કેટલી સિધિસાદી છે. કંઇજ સમજતી નથી,આની જગાએ કોઇ બીજી હોત તો તો અત્યારે...! વળી પાછુ થયુ કે એ એના પિયરીયાને આ વાત જણાવીને ક​ઈંક ફજેતો કરવાનું વિચારતી હશે તો? આખરે કંટાળીને સાગર બોલેલો. 

સરિતાતો જાણે હજી ક​ઈં જ ના સમજી હોય એમ આંખો ફાડીને,સાગરની આંખોમા તાકી, આરામથી તકિયાને અઢેલીને બેસી રહેલી. પણ એ નજરને જીર​વ​વી હ​વે સાગર માટે અશક્ય હતી.

“જો હું તારાથી ક​ઈં છુપાવતો નથી, ક​ઈં છુપાવ​વા માંગતો પણ નથી. જે છે એ સાચેસાચુજ હું કહીશ​.” સાગરે સરિતાની સામે ધ્યાનથી જોયુ એના ચહેરા પરની એક રેખાયે હલી નહતી! 

કહે છેને કે ભય કરતા ભયનો ભય વધારે ભયાવહ હોય છે! સાગરને મનોમન એક ભય સતાવી રહ્યો હતો,પત્નિ સાથેના ઝઘડાનો ને એથીયે વધુ, સામાજીક બદનામીનો! ને એવું વાસ્ત​વમા કઈં જ ના બનતા એ હેરાન હતો!

“એ સ્વીટી છે, એટલે કે એનુ સાચકલુ નામ જ સ્વીટી છે, મેં નથી પાડ્યુ! અમારા ક્લાર્કની દિકરી છે. ઘણી જગાએ પ્રયત્ન કર્યો છતા એને ક્યાયે નોકરી નહતી મળતી. અમારી બ્રાન્ચમાં વોક ઇન-ઈંટરવ્યુમાં એ આવેલી ને પછી એ જ સાંજે મળીને એણે નોકરી માટે રિકવેસ્ટ કરેલી. મારે તો કોઇને પણ લેવાનો જ હતો વળી, છોકરી સ્માર્ટ હતી પાછી અમારા ક્લાર્કની દિકરી એટલે મેં એને સિલેક્ટ કરેલી.” 

થોડીવાર ચુપ રહીને એણે સરિતા સામે જોયુ, સમખાવા પુરતીયે જો એના થોબડાની એકેય રેખા હલી હોય તો! સાગરને પરસેવો વળી ગયો.

ભય કરતા ભયનો ભય... આગળ કહ્યુ એમ યાર! સમજી જાવને ભલા માણસ. હા તો સાગરે ફરી વાત શરુ કરી,

“એ છોકરી પછી એક સાંજે ફરી મળ​વા આવી. અમે થોડી વાતો કરી છુટા પડ્યા. પછી થોડા થોડા દિવસોના અંતરે એ આવતી રહી અમે કોઇ હોટેલમાં સાથે નાસ્તો કરતા.એ છોકરી બહુ વાચાળ છે,અલક મલક્ની વાતો એની પાસે હોય. મને એની સાથે સારુ લાગતુ હતુ.હજુ લાગે છે!” એ એની પત્નિ સાથે વાત કરી રહ્યો છે એ યાદ આવતાજ એણે થોડીવાર વિરામ લીધો, સરિતાની સામે જોવાનુ આ વખતે એણે જાણીને ટાળ્યુ. 

એણે ઉભા થ​ઈને રૂમમાં એક આંટો માર્યો પછી ડ્રેસિંગ ટેબલના અરિસા મા પોતાનુ પ્રતિબિંબ નિહાળતા વાત ફરી શરુ કરી. 

“એક દિવસ અચાનક એણે કહ્યુ કે સાગર આઇ લ​વ યુ...! મેં એને ઘણી સમજાવી કે આ શક્ય નથી.હું પરણેલો, એક છોકરાનો બાપ, સમાજથી ડરીને ચાલનારો પુરુષ!”

“મને બધી ખબર છે, છતા હું તમને ચાહું છું ને આખી જિંદગી બસ તમને જ ચાહતી રહીશ. મને તમારી પાસેથી કંઇજ નથી જોઈતુ. હું કોઇ દિવસ તમને તમારી પત્નિને છોડી દેવાનુ કે મારી સાથે લગ્ન કર​વાનુ પણ નહી કહું. આપણે મળતા રહીશુ, બસ આમજ થોડા થોડા દિવસે. વાતો કરીશુ ને પછી છુટા પડી જશુ.” 

“હું એને ના ના પાડી શક્યો! અમે લોકો મળીયે છીયે દર શનીવારે સાંજે કોઇ હોટેલમાં,થોડો નાસ્તો કરતા, કરતા વાતો કરિએ છીયે ને, પછી પોતપોતાના રસ્તે.” 

“સાચુ કહુ તો ચાલીસ વરસની ઉમરે, જિંદગી જાણે પુરી થઈ ગ​ઈ એમ લાગતુ હતુ! ત્યારે, સ્વીટી મારા જીવનમા ન​વો સંચાર લ​ઈ આવી છે, હું ખુશ રહેવા લાગયો છું!” 

સાગરે ભાવુક થ​ઈને, આંખો મિંચીને જાણે સ્વગત બોલતો હોય એમ કહ્યુ, 

“શું મને મારી પોતાની જિંદગીમાંથી, મારા પોતાના માટે, થોડીક પળો મારી મરજી મુજબ, મારી ખુશી માટે જીવ​વાનો હક નથી? હું એની સાથે આનાથી વધારે કોઇ સંબંધ નહી રાખુ, અમારે જરુર જ નથી.અમે બસ આટલામાં જ ખુશ છીએ!” 

અચાનક સરિતાનો હસ​વાનો અવાજ સાંભળીને સાગર પુરો ભાનમાં આવી ગયો. 

“હું આટલી ગંભીર વાત કરી રહ્યો છુ ને તને હસ​વુ શેનુ આવે છે? સાવ મુરખ જેવી છે.” સાગર ચિઢા​ઈને બોલ્યો.

“તમારી આટલી ગંભીરતા જોઇને જ હસ​વુ આવે છે.”

“મેં તમને હોટેલમાં જોયા ત્યારે મને સપનેય ખ્યાલ નહતો આવ્યો કે આવુ પણ કં​ઈ હોય શકે! મને એમ કે તમારી કોઇ સાથી કર્મચારી કે કોઇ કર્મચારીની બેન-દિકરી હશે ને કોઇ જરુરી કામથી મળ​વા આવી હશે. એટલે જ તો તમને જરાયે હેરાન કર્યા વિના હુ ત્યાંથી નિકળી ગયેલી.” 

સરિતા વિશ્વાસથી વાત કરી રહી હતી, સાગર એને સાંભળી રહ્યો, “સારુ થયુ કે તમે બધુ સાચેસાચુ જણાવી દીધુ. ઘણા દિવસો થી મારેય તમને એક વાત કર​વી હતી પણ સંકોચ થતો હતો આજે કહી દઉં?” સરિતાએ વેધક નજરે સાગર સામે જોયુ. 

“હં, હાં...કહી દે તુ પણ.” સાગરને થયુ હમણા થોડીવાર પહેલા જે સ્ત્રીને એ સાવ મુરખ સમજતો હતો એ ધાર્યા કરતા વધારે હોશિયાર નિકળી. 

“આપણા લગ્ન થયા એ પહેલા હું કોઇ બીજાને મનોમન પસંદ કરતી હતી. પછીથી અમે કોઇ દિવસ મળ્યા નથી. થોડાક વખત પહેલા એ મને ફેસબુક પર મળી ગયો. હાલ એ મુંબ​ઈમાં જોબ કરે છે છો-બાર મહિને આ બાજુ આંટો મારી જાય છે,મતલબ કે એના મા-બાપને મળ​વા આવે છે. એની ઇચ્છાછે કે હું એને એક્વાર મળુ, ને સુખ​-દુ:ખની વાતો કરીએ.તો શુ હું એને મળી શકું?” 

“હમણા જ તમે ના કહ્યુ, શું મને મારી પોતાની જિંદગીમાંથી, મારા પોતાના માટે, થોડીક પળો મારી મરજી મુજબ, મારી ખુશી માટે જિવ​વાનો હક નથી?” 

“છે ને ,હેં?” એક કાતિલ સ્મિત મઢ્યા ચહેરા સાથે સરિતા એની જગા ઉપર જ​ઈને સુઇ ગ​ઈ. 

સાગર હ​વે શું બોલે...!