Incomplete Love story books and stories free download online pdf in Gujarati

એક અધુરી કહાની

રવિવાર ની સાંજે રવિશંકર રાવલ આર્ટ ગેલેરી માં અમદાવાદનાં ખૂબ જ પ્રતિષ્ઠિત ચિત્રકાર ના પેઈન્ટીંગ્સ નું એક્ઝીબીશન હતું પરંતુ લોકોમાં ઈન્તેજારી જળવાઈ રહે તે માટે હજુ ચિત્રકાર કોણ છે એ જાહેર કરાયું નહોતું ફક્ત અમદાવાદ ના છે એટલું જ ડીકલેર કરાયેલું હતું. સાંજના છ વાગ્યા હોવાથી કલા રસિકોની થોડી ભીડ પણ હતી. લોકો શાંતી થી પેઈન્ટીંગ્સ જોઈને કલાને માણી રહ્યા હતા લગભગ પીન ડ્રોપ સાઈલન્સ હતું ને એટલામાં એક મોબાઈલ રણક્યો એનો રીંગટોન એટલો મોટો હતો કે હાજર તમામનું ધ્યાન તરત જ એ તરફ ગયું,

“ હમ દિલ દે ચૂકે સનમ તેરે હો ગયે હૈ હમ તેરી કસમ “.

દૂરથી જ તિમીરનું ધ્યાન પણ એ તરફ ખેંચાયું એ કાનની બુંટમા સિફત થી વાળ પરોવીને લટોમાં એ કોમળ આંગળીઓ ને ફરકતી જોઈને એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું અને એ અતીત માં ખોવાઈ ગયો.
એ અમદાવાદમાં એમની કોલેજનો છેલ્લો દિવસ હતો. એટલે બધા એ એક નાની પાર્ટી પ્લાન કરેલી. નજીકમાં જ એક નાની રેસ્ટોરન્ટ માં, એ જમાના માં હજુ ઢગલા બંધ હોટેલ્સ અને કોફી શોપ નો ટ્રેન્ડ નહોતો. છોકરીઓ મોડી રાત સુધી ક્યાંય જાય એ પણ અજુગતું કહેવાતું એટલે સ્ટ્રીકટલી રાત્રે 10 પહેલાં તો પાર્ટી પૂરી કરી જ દેવાની હતી. જમ્યા પછી સૌ મ્યુઝિક સાથે પેલી ફેમસ રૂમાલ ફેરવવાની રમત શરૂ કરી ત્યારે વોકમેન તો એક લક્ઝરી કહેવાતું જેની માંડ વ્યવસ્થા થઈ હતી અને એના સેલ ચાલે એટલી વાર જ રમત રમાવાની હતી! બધાં એક પછી એક સપડાતાં જતાં હતા અને પોતાને ગમતાં ગીત કે કવિતાઓ રજૂ કર્યે જતાં હતાં. એવામાં રૂમાલ તિમિર અને કિરણ બન્નેનાં હાથમાં રહી ગયો. છેવટે આનાકાની પછી નક્કી થયું કે બંને સાથે જ ગીત ગાશે. થોડી વારની શાંતી પછી કિરણે કાનની બુંટમા સિફત થી વાળ પરોવીને લટોમાં એની કોમળ આંગળીઓ ને ફેરવીને ગીત શરૂ કર્યું
“ હમ દિલ દે ચૂકે સનમ તેરે હો ગયે હૈ હમ... તેરી કસમ... “
જ્યારે એનું મુખડું પૂરું થયું એટલે ફક્ત થોડી સેકંડો માટે કિરણે તિમિરની તરફ જોયું અને જેવી એમની નજરો મળી થોડી સેકન્ડ માટે જાણે કે આજુબાજુ કોણ છે એ ગૌણ થઈ ગયું પરંતુ ક્ષણોમાં જ કિરણે નજર ને ફેરવી લીધી અને તિમિરે શરૂ કર્યું
“ હે... દુનિયા કરે સિતમ તુજ પે મિટેંગે હમ તેરી કસમ “
એ સમયે નીચે જોતાં જોતાં જ કિરણ ના મુખ પર અનાયાસ જ એક શેરડો આવીને ચાલ્યો ગયો જેની કોઈ નોંધ લે એ પહેલાં તો સૌની તાળીઓના ગડગડાટ વચ્ચે એમનો ટર્ન પૂરો થયો અને ફરીથી રમત શરૂ થઈ ગઈ.

રમત પત્યા પછી ક્યાંય સુધી ખબર નહી કેમ કિરણ એકલી જ એક બેન્ચ પર બેઠી હતી અને આકાશને નિહાળી રહી હતી,તિમિર ત્યાં જવા માટે સતત હિમ્મત એકઠી કરી રહ્યો હતો અને છેવટે એણે કિરણ તરફ જવા એના ડગલાં માંડ્યા અને ત્યાં જ પ્રકાશ ત્યાં આવીને બેસી ગયો.

તિમિરે પ્રકાશના જવાની ઘણી રાહ જોઈ પણ એ ત્યાં થી ગયો જ નહી અને એ દરમિયાન કિરણે પણ એક પણ વખત તિમિર તરફ નજર ના કરી એટલે તિમિર ઊઠીને ત્યાંથી ચાલ્યો ગયો અને કોલેજ પુરી થઈ ગઈ. એ સમયે મોબાઈલ તો હતાં જ નહીં અને લેન્ડ લાઈન માં કોઈ છોકરીને ઘેર ફોન કરવો એટલે આફત ને આમંત્રણ આપવું એટલે એક અધૂરી લવ સ્ટોરીનો ત્યાં જ ધી એન્ડ થઈ ગયો.
અત્યારે આ તમામ ઘટનાઓ તિમિરની આંખ સમક્ષ સડસડાટ આવીને ચાલી ગઈ. આજે કોલેજ પૂરી થયાને ૨૦ વર્ષ થઈ ગયાં છે. જમાનો ક્યાંય ફોરવર્ડ પ્લસ ફાસ્ટ થઈ ગયો છે અને એટલે જ તિમિર ઊભો થયો અને સીધો જ એ તરફ ચાલ્યો એટલામાં એ યુવતી એ વાત પૂરી કરી અને તિમિરની તરફ ફરી, બંનેની આંખો મળી અને ફરી એ જ ૨૦ વર્ષ જૂની યાદો તાજી થઈ ગઈ પણ આ વખતે કોઈએ આંખો નીચી કરી નહી. કિરણ જ બોલી ઉઠી

“ અરે What a pleasant surprise ? તિમિર જોશી રાઈટ ? તું અહીંયા ક્યાંથી ? “
તિમિર પણ એકદમ મોટા અવાજે બોલ્યો :

“ કિરણ શુક્લા રાઈટ ? હું પણ તને એ જ પ્રશ્ન પૂછવાનો હતો કે તું અહીયાં ક્યાંથી ? “
અચાનક જ એક ખૂણે થી શશશ... નો અવાજ આવ્યો અને પુરી આર્ટ ગેલેરી એમની તરફ એ રીતે જોઈ રહી હતી કે જાણે એ બંને ત્યાના પેઈન્ટીંગ્સ ચોરીને ભાગવાનો પ્લાન ઘડી રહ્યા હોય !
તિમિરે તરત જ કહ્યું કે “ ચાલ અહીં થી બહાર જઈએ “

અને એ બહાર ચાલતો થયો અને કિરણ એની પાછળ ચાલી નીકળી.
બહાર આવીને તિમિરે પુછ્યું ક્યાં જઈશું

" કાફે કોફી ડે માં કે પટેલ આઈસક્રીમ માં ? "
કિરણ બોલી “ ત્યાં પણ શાંતી થી વાત નહીં થાય અહીં જ બેસીએ છીએ લોનમાં અને આઈસક્રીમ મંગાવી લઈએ “ અને તેઓ એક સ્વચ્છ જગા જોઈને બેસી ગયાં.
તિમિર એકધારો કિરણ ને જોઈ રહ્યો હતો એથી કિરણ બોલી “ શું જોઈ રહ્યો છે આમ બાઘા ની જેમ ? કાંઈ મેનર્સ જેવુ છે કે નહી ? “
તિમિર બોલ્યો “ અરે યાર તું વીસ વર્ષે પણ એવી ને એવી જ લાગે છે ? ઈન ફેક્ટ થોડી વધુ ગ્રેસફૂલ. “
કિરણ બોલી “ અને તું બાઘા માં થી થોડો કોન્ફિડન્ટ બન્યૉ છે. “
તિમિર બોલ્યો “ કેટલું વિચિત્ર લાગે છે નહી ? કોલેજ માં સાથે હતા છતાં એકબીજા ને કામ સિવાય ક્યારેય બોલાવવાની પણ હિમ્મત નહોતી અને અત્યારે જાણે કે આપણને પણ સમય ની હવા લાગી ગઈ છે ? “
કિરણ “ વર્ષો થી સમય જતાં લોકો બદલાતા રહે છે પણ છતાં ય બદનામ તો બિચારો સમય જ થાય છે કેમકે લોકો તો એમ જ કહે છે કે સમય બદલી ગયો છે ! ખેર છોડ તને વધુ બોર નથી કરવો એ બતાવ શું કરે છે તું આજ કાલ ? “
તિમિર “ એટલે અન્ય લોકોની જેમ તને પણ નથી ખબર એમ ? “
કિરણ આશ્ચર્યના ભાવ સાથે બોલી “ શું ? “
તિમિર “ એ જ કે આ આર્ટ એક્ઝીબીશન કે જેમાં આપ પધાર્યા છો એ મારું જ છે ! “
કિરણ “ શું વાત કરે છે ? યાર કોલેજ માં તો ક્યારેય તારી આ કલાકારી વિશે કોઈને ય ખબર નહોતી. તું તો છુપો રૂસ્ટમ નીકળ્યો ! “
તિમિર “ હોય કાંઈ આમાંથી મોટા ભાગના ચિત્રો તો કોલેજ કાળ ના જ દોરેલા છે. હું એમને વેંચતો નથી ફક્ત પ્રદર્શન માં જ મુકું છું. ધ્યાન થી જોયા હોત તો સમજાઈ ગયું હોત. “
કિરણ “ તો પછી ઘર કેમ ચાલે છે ? “
આગળ એક બીજાની અંગત વાતો શરૂ થાય એ ટાળવા માટે જ તિમિરે વાત ને બદલી કાઢી

“ એ તો ચાલ્યા કરે છે. પણ પેલી એ સમયની આપણી કોમન બેસ્ટ ફ્રેન્ડ નિશા શું કરે છે ? “
કિરણ બોલી “ અરે યાર કોલેજ ના મોટા ભાગના મિત્રો નું વોટ્સએપ ગૃપ બનાવ્યું છે. એફબી પર પણ અમે કનેકટેડ છીએ. ફક્ત થોડા જ લોકો છે જેમનો કોઈ જ અતો પતો જ નથી એમાં તારું નામ પણ છે. તારા નામ થી કેટલી ય વાર એફબી પર મેં સર્ચ મારી પણ કાયમ નિરાશા જ મલી તારા ફોટો સાથેની અથવા તને મેચ થતી પ્રોફાઈલ પણ ક્યાંય જોવા ન મળી. “
તિમિર બોલ્યો “ હું મોટા ભાગે તો મારા બિઝનેસમાં જ બીઝી હોઉં છું. એમાંથી સમય મળે તો મારી ચિત્રકળા માં ખોવાઈ જાઉં છું. એટલે બહુ ઓછા લોકો ના ટચમાં રહી શકું છું. આમ પણ મને હજુ પણ અતીત માં જ રહેવું વધુ ગમે છે. હું એફબી પર છું પણ ખૂબ ઓછો એકટીવ છું રીલેશનશિપ સ્ટેટસ પણ અધુરું છે ઈવન મારો ફોટો પણ મેં હજુ અપલોડ નથી કર્યો. સાચું કહું તો ઘણી વખત મને મન થયું કે તારી પ્રોફાઈલ એફબી પર ચેક કરી જોઉં પણ પછી થયું કે તને કોઈની સાથે ... છોડ એ બધું. “
કિરણ બોલી “ જે લોકો વર્તમાન માં મળેલી ક્ષણો નો સદુપયોગ નથી કરી શકતા એ લોકો ને અતીત માં જ જીવવું પડે છે. કેમકે એમને કોઈ ભવિષ્ય તો દેખાતું હોતું જ નથી ! “
તિમિર બોલ્યો “ પણ તું રાજકોટ રહે છે એ તો મને ખબર જ નહોતી. “
કિરણ “ જો મારી પ્રોફાઈલ જોઈ લીધી હોત તો ખબર પડી ગઈ હોત. “
તિમિરે છેવટે હિમ્મત કરીને પૂછી જ લીધું “ તો પ્રકાશ શું કરે છે? “
કિરણ બોલી “ કોણ પ્રકાશ ? “
તિમિર બોલ્યો “ અરે કોલેજ ના છેલ્લા દિવસે તારી સાથે બેન્ચ પર તારી સાથે છૂટા પડ્યા ત્યાં સુધી જે બેઠો હતો એ પ્રકાશ. “
કિરણ બોલી “ અરે એ તો મારા દૂરના માસીનો દીકરો હતો અમારી ફેમીલી વિશે ચર્ચા કરતો હતો. એક મિનિટ અને તું શું સમજ્યો હતો ? “ અને એ ખડખડાટ હસી પડી.
તિમિર થોડો ક્ષોભથી બોલ્યો “ કાંઈ જ નહીં. મને એમ કે તમે બંને એકબીજા ના પ્રેમ માં હતાં અને તમે બંન્ને એ લગ્ન પણ કરી લીધાં હશે. “
કિરણ બોલી “ લગ્ન તો કરી લીધા છે પણ અલગ અલગ વ્યકતીઓ સાથે. “
થોડી વાર માટે બંન્ને કાંઈ જ ન બોલ્યા. પછી થોડી આડી અવળી વાતો થઈ અને હવે કિરણ એના વિશે કાંઈ જ પૂછે એ પહેલા તિમિર ઝડપથી ત્યાં થી જવા માગતો હતો એટલે એણે એક્ઝીબીશન નું બહાનું કરીને જવા માટે રાજા માંગી. બંન્નેમાં થી કોઈ એ એકબીજા ના ફોન નંબર ની આપ લે ન કરી અને જવા માટે ઊભા થયાં.
કિરણે તિમિરની આંખમાં જોયું અને બોલી “ જમાનો ભલે ગમે એટલો બદલાય તું ક્યારેય નહીં બદલાય. “ એટલું કહીને એ સડસડાટ ત્યાંથી ચાલી ગઈ.
તિમિર એક્ઝીબીશન પતાવીને હોટલ પર પહોંચ્યો અને પોતે નંબર ન લઈને બરાબર કર્યું કે ભૂલ કરીએ એના વિશે ગડમથલ માં હતો. થોડું વિચારીને એણે એની પ્રોફાઈલ અપડેટ કરી ફોટો અપલોડ કર્યો અને સ્ટેટસ સિંગલ કર્યું. બીજી જ મિનિટે એને ફ્રેન્ડ રીકવેસ્ટ આવી
“ કિરણ શુક્લા, રાજકોટ, સિંગલ “
એને એની આંખ પર વિશ્વાસ જ ન આવ્યો અને એ ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારીને સીધો જ રેસકોર્સ તરફ દોડ્યો. કેમકે એને ખાતરી હતી કે કિરણ પણ ત્યાં આવવા નીકળી જ ગઈ હશે.