Bade Papa - 21 books and stories free download online pdf in Gujarati

બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૧

૬ મહિનાની અંદર જ સત્યમ અખબારી આલમમાં થયેલા અનુભવોથી ત્રાહિમ ત્રાહિમ પોકારી ગયો હતો . તે દરમિયાનમાં સત્યમને શેઠ બ્રધર્સની એસોસિયેટ સાથે સંકળાયેલા એક પરિચિત વ્યકિતની ભલામણથી પુનઃ એક્સપોર્ટ ઇમ્પોર્ટ લાઈનમાં જોબ મળી ગયો હતો .

પણ તે વધુ સમય ટકી શક્યો નહોતો . શેેેઠ
બ્રધર્સમાં કામ કરતી વેેળા સુુશીલ ગાંધી કંપનીના મુખ્ય કાર્યકર્તા હતા સત્યમને જોડે બિલકુલ ફાવતું નહોતું . સુશીલ ગાંઘીના અતીત વિષે સત્યમ પાસે અમુક વિગતો હતી જેના આધાર
પર તેણે એક કાલ્પનિક વાર્તાનું સર્જન કર્યું હતું . સુશીલ ગાંધીના કારનામાની આડમાં તેણે કંપનીના અનેક બખાડા સત્યમે ઉઘાડા પાડ્યા હતા .

રમેશ દેસાઈની ગાંડી વર્તણુક તેમ જ વ્યવહારે સત્યમને તે જોબને છોડવાની ફરજ પાડી રહ્યો હતો . છતાં તે જોબને વળગી રહ્યો હતો . તેના સારા નસીબે ' શેઠ બ્રધર્સ ' જોડે સંકળાયેલી , તેમના સંબંધીની કંપનીમાં તેને જોબ મળી ગયો . તે કંપનીમાં કામ કરતો છોકરો સત્યમને ઓળખતો હતો . તેના થકી સત્યમને આ જોબ મળી ગયો હતો !

પણ નજીવી બાબતમાં સત્યમ આ જોબને લાત મારી પુનઃ રમેશ દેસાઈ પાસે કામ કરવા લાગ્યો હતો . તે જ દરમિયાનમાં તેની આ નવલિકા શહેરના નામી અખબારના પહેલા પાને છપાઈ ગઈ હતી . આ વાર્તા તે કંપનીના કાવાદાવા ખુલ્લા કરતી હતી . કદાચ તેથી જ તેના કહેવાતા છોકરાએ નવલિકા વાંચી સત્યમને આડકતરી રીતે ગાળો આપી ઝગડો કરવા ઉશ્કેર્યો હતો . અને સ્વમાની જીવ વટથી તેમને ' તમે કરોડપતિ હોવ તો તમારા ઘરના તેવું કહી જોબને અલવિદા કરી દીધી હતી .

અખબારી દુનિયામાં કમ બેક કરતાં તેને એક ફાયદો થયો હતો . પહેલી વાર તે એક પ્રૂફ રીડર તરીકે જોડાયો હતો અને બીજી વાર જોડાયો ત્યારે ઉપ તંત્રીના પદે . તેને અન્ય પ્રૂફ રીડર કરતાં પગાર પણ વધારે મળતો હતો !

તે દરમિયાનમાં તેનો અન્ય ઉપતંત્રી રાજ હંસ જોડે પરિચય થયો હતો . તેને એક અઠવાડિક મેગેઝિનમાં તંત્રીનો જોબ મળ્યો હતો. તેને એક મદદનીશની જરૂર હતી . તેને માટે તેણે સત્યમને ઑફર કરી હતી અને તે તરત જ તૈયાર થઈ ગયો હતો .

સત્યમ આ જવાબદારી ઉઠાવવા માટે પૂર્ણ રીતે સક્ષમ નહોતો . છતાં તે મન દઇને કામ કરતો હતો . રોજ રોજ નવું શીખતો પણ રહેતો હતો .

રાજહંસ એક નંબરનો કામચોર તેમજ આળસુ ટાઈપ હતો . મોટા ભાગે તે ઓફિસે આવતો નહોતો . અને આવતો તો કોઈને કોઈ બહાનું બનાવી બહાર નીકળી જતો હતો અને મેગેઝિન પુરું કરવાની સઘળી જવાબદારી તેના માથે આવી પડતી હતી . સામાયિક પૂરું કરવાની ડેડ લાઈન હોય તે દિવસે તે ૨૦ થી ૨૨ કલાક કામ કરતો હતો . ખાવા પીવાના પણ કોઈ ઠેકાણા પણ રહેતા નહોતા .

તે રીતસરની મેનેજમેન્ટની આંખોમાં ધૂળ નાખતો હતો . તે ડમી નામનો ઉપયોગ કરી અન્ય મેગેઝિન તેમ જ અખબારમાં લેખો તેમ જ વાર્તા ઈત્યાદિ લખી અલગથી કમાણી કરતો હતો . કૉંફરેન્સ તેમ જ હર એક ઇવેન્ટમાં ભાગ લેતો હતો . ડાન્સ પાર્ટીઓમાં જતો હતો . સિગારેટ તેમ જ દારૂ પીતો હતો . ઐયાસી પણ કરતો હતો .

સત્યમે પોતાની એક વાર્તા પ્રકાશિત કરવા માટે આપી હતી જે તેને હિસાબે નબળી કૃતિ હતી . અને તેણે છાપવાની ના પાડી હતી . સત્યમને તે વાતનો કોઈ રંજ કે અફસોસ નહોતો . તેની પ્રકાશિત કરવા અન્ય જગાએ મોકલાવેલી અનેક કૃતિ પહેલા પણ સાભાર પરત થઈ હતી .

સત્યમ વધારે કામ કરતો હતો . તે બદલ ન તો તેને વધારે પૈસા ના મળતા હતા ન તો છુટ્ટી . આ બાબત રાજ હંસ કોઈ જ ધ્યાન આપતો નહોતો . આ બદલ તેણે કેટલી વાર તેનું ધ્યાન દોર્યું હતું . પણ તેની લાપરવાહીને કારણે આવી સ્થિતિ નિર્માણ થઇ રહી હતી . આથી તે કંઈ જ કરતો નહોતો .

તેની અન્યથા પ્રવૃત્તિ વિશે મેનેજમેન્ટને ગંધ આવી ગઈ હતી . તેમની રાજ હંસ પર ચાંપતી નજર હતી . તેમણે તેના વિકલ્પની શોધખોળ પણ આદરી દીધી હતી .

રાજહંસ તેની માંગણી પ્રત્યે ધ્યાન આપતો નહોતો . અને સત્યમ તેની પાછળ લાગી ગયો હતો . ત્યારે તેનો પીછો છોડાવવા માટે તેણે કહ્યું હતું :

' શનિવારે તમારો ટાઈમ થઈ જાય એટલે જતાં રહેજો ! '

તેની વાત પર ભરોસો રાખી આગલા શનિવારે સત્યમે તેની સંમતિ માંગતા સવાલ કર્યો હતો :

' હું જાઉં ? '

તેનો સવાલ સાંભળી રાજહંસે મોઢું બગાડતા પલટી મારી હતી .

' તમારી મરજી . કંઈ થાય તો મને જવાબદાર ના ગણતા ! '

' શું થશે ? મારે જોબ છોડવો પડશે એટલું જ ને ? '

એટલું કહી તે માનભેર ઓફિસમાંથી નીકળી ગયો હતો . દાદરો ઉતરતા તેને પોતાની શાળા જીવનનો એક મિત્ર ભેટી ગયો હતો જે એ જ કંપનીમાંથી બહાર પડતા દૈનિક પત્રનો તંત્રી હતો . સત્યમે તેને માંડીને બધી વાત કરી હતી . તેણે સત્યમને આશ્વાસન આપ્યું હતું .

' ગભરાવાની જરૂર નથી ! '

છતાં સત્યમ જાણતો હતો . રાજહંસ ચૂપ નહીં રહે .

સોમવારે તેણે જેવો ઓફિસમાં પગ મૂક્યો કે પિયુને તેને સંદેશો આપ્યો :

' આપ કો બડે સાબ બુલા રહે હૈં ! '

તેણે મેનેજમેન્ટને શુ જવાબ આપવા તેની માનસિક તૈયારી કરી લીધી .

કેબિનનો દરવાજો ખોલી ' મે આઈ કમ ઇન સર ? સવાલ પૂછી અંદર દાખલ થયો . તેને જોઈ મોટા સાહેબે સવાલ કર્યો .

' તમે કેમ તમારા ઉપરીને સહકાર નથી આપતા ? '

' હું કાંઈ સમજ્યો નહીં . '

' શનિવારે તમે અંકનું કામ અધવચ્ચે છોડી કેમ ઘરે જતા રહયા ? '

' સાહેબ ! આપણો અંક શુક્રવારના દિવસે પૂરો કરવાનો હોય છે . પણ રાજહંસ સાહેબની બેદરકારીને કારણે મારે શુક્રવાર આખો દિવસ , આખી રાત અને શનિવારે પણ નોન સ્ટોપ કામ કરવું પડે છે . તે બદલ મેં કેવળ વળતર કે ઓવર ટાઇમની માંગણી કરી હતી . જેનો તેમણે સદંતર અનાદર કર્યો . તેમણે મારો કેસ ગલત રીતે તમારી સમક્ષ રજુ કર્યો છે !! '

' તે તો એવું કહે છે . તેમણે તમારી કોઈ વાર્તા ના છાપી તેથી તમે તેની સાથે આડા ચાલી રહયા છો ! '

' સાહેબ ! તેમની આ વાતમાં કોઈ દમ નથી . મારી આ પહેલા કેટલી જગ્યાએથી વાર્તા રિજેક્ટ થઈ છે . મેં કદી આ બાબત અફસોસ વ્યક્ત કર્યો નથી ! બાકી દુખે પેટને ફૂટે માથું જેવો ઘાટ છે ! '


સત્યમે જે રીતે પોતાના બચાવમાં જે કાંઈ કહ્યું હતું
તેનાથી મોટા સાહેબ ઘણા જ પ્રભાવિત થયા હતા . તેમણે સત્યમની બધી વાત સ્વીકારી લીધી હતી . ત્યારે સત્યમે એક અન્ય ખુલાસો કર્યો હતો .

' સાહેબ ! મારી પહેલી લઘુ નવલ હાલમાં એક સામાયિકમાં પ્રકાશિત થઈ છે . જેનું છપાઈ કામ આપણા જ પ્રેસમાં થયું છે . મારી આ સફળતા બદલ મારા ઘરે એક નાનકડી પાર્ટી આયોજિત કરી હતી . જેમાં મેં તેમને આમંત્રિત નહોતા કર્યા પણ મરાઠી વિભાગની એક છોકરી જેને હું મારી દીકરી માનું છું , તેને આમંત્રિત કરી હતી .આ વાતથી તેમનું સ્વમાન ઘવાયું હતું . અમારા સંબંધો તેમને દીઠા ગમતા નહોતા . આ અંગે તેમણે અઘટિત ટકોર પણ કરી હતી . સંગીતા તેમને ભાવ નહોતી આપતી નહોતી . આ વાત પણ તેમને ખટકતી હતી . તેમની નજર સતત સંગીતા પર ખોડાયેલી રહેતી હતી . આ વાતનો મેં મારી વાર્તામાં આછકલો અણસાર આપ્યો હતો . આ જ કારણે તેમણે મારી વાર્તા છાપવાની ના પાડી હતી . '

' હું ઓવર ટાઈમ કે અડધા દિવસની છુટ્ટી માટે તમારી પાસે આવવા માંગતો હતો . પણ તેમણે કદી મને તમારી પાસે ના આવવા દીધો કેમ કે તેમની જ બેદરકારીને કારણે જ દર વખતે અમે ડેડ લાઈન ચુકી જતા હતા અને મારે ભૂખ્યા તરસ્યા વધારે કામ કરવું પડતું હતું . '

' તમે ફિકર ના કરો ! અમે પણ તેના વિશે ઘણું બધું સાંભળ્યું છે . અમે બહુ જ જલ્દી તેની વિરુદ્ધ કાર્યવાહી કરીશું . '

સત્યમ જોબ છોડવા માંગતો હતો . પણ સંગીતા પ્રત્યેની લાગણી અને સદભાવનાને કારણે છોડી શકતો નહોતો . તે સંગીતાને લાડમાં ' મ્યુઝિકા '
કહીને બોલાવતો હતો . સંગીતાના નામનું તેણે અંગ્રેજીકરણ કરી નાખ્યું હતું . આ વાત તેને ઘણી જ ગમી હતી .

તેની સગાઈમાં સત્યમે હાજરી આપી હતી . અલગથી તેને ૫૦૦ રૂપિયા રોકડા આપ્યા હતા . પોતાની પાસે આ પૈસા વપરાઈ જવાની બીકે તેણે મ્યુઝિકાને સાચવવા આપ્યા હતા . તેને આ વાતની જાણ થઈ ત્યારે ખૂબ જ ભાવુક બની ગઈ હતી .તેણે નીચા નમી સત્યમના ચરણોનો સ્પર્શ કર્યો હતો અને તેણે મ્યુઝિકાને આશીર્વાદ આપ્યા હતા !

તેના લગ્ન ગામમાં થવાના હતા. . સત્યમ તો આ લગ્નમાં જઇ શકે તેમ નહોતો . આ હાલતમાં તેણે આંસુ ભીના ચહેરે તેને વિદાય આપી હતી . અને તે નોકરી છોડી લગ્ન માટે જતી રહી હતી . તેની ગેર હાજરીમાં સત્યમ અસ્વસ્થ રહેતો હતો . તેનું મન કોઈ વાતમાં ચોટતું નહોતું !

મ્યુઝિકાનો મંગેતર તેને સારી રીતે ઓળખતો હતો . તેણે પ્રસાદ જોડે ફોન પર અનેક વાર વાત કરી હતી . મ્યુઝિકાની વિદાયને ટાણે તેણે ફોન પર અરજ કરી હતી :

' મારી દીકરી મ્યુઝિકાનું ખાસ ધ્યાન રાખજો . તે ઘણી જ નાજુક તેમજ સંવેદનશીલ છે તેને ફૂલની જેમ સાચવજો . '

તેની વિદાયે સત્યમને તેની ખોટ ખૂબજ સાલી રહી હતી . અખબારી લાઈને તેને અનેક જખ્મોની લહાણી કરી હતી . જેના પર મ્યુઝિકાની લાગણીએ લેપ લગાડ્યો હતો .

એક વાર કોઈ બાબતે રિસાઈને મ્યુઝિકાએ તેના પર ગુસ્સો કર્યો હતો . તેથી સત્યમને હાડોહાડ લાગી આવ્યું હતું . તેની આંખોમાં આંસુ આવી ગયા હતા . તે જોઇ મ્યુઝિકા તેની પાસે દોડી આવી હતી . તેણે પોતાના હાથ રૂમાલથી તેના આંસુ લૂછી સત્યમની માફી માંગી હતી . પોતાના હાથે જ તેના શર્ટના ખિસ્સામાંથી દવા કાઢી તેને પિવડાવી હતી . બંને વચ્ચે કોઈને કોઈ કારણોસર મતભેદની સ્થિતિ ઊભી થતી હતી . થોડી વાર માટે બંને અબોલા પણ લઇ લેતા હતા અને નાના બાળકોની જેમ ભેગા થઈ જતાં હતાં !

સત્યમે એક વાર એક કાપલી મારફત મ્યુઝિકાને અરજ કરી હતી :

' શું એક બાપ બેટીના નાતે આપણે દિવસમાં એક વાર સાથે બેસીને પાંચ મિનિટ વાત ના કરી શકીએ ? '

સત્યમને ગળા સુધી ખાતરી હતી . મ્યુઝિકા તેનો પ્રસ્તાવ સ્વીકારી લેશે . પણ અહીં તે પાછો પડ્યો હતો .

આ તબકકે સત્યમ એવું માનવા પ્રેરાયો હતો .

કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે જમીન આસમાન જેટલું અંતર છે . તે બંને કદી ભેગા થઈ શકતા નથી .

તેની નિકટતમ સહિયરે સત્યમની લાગણીને બિરદાવતા પોરસ ચઢાવતા કહ્યું હતું :

' મ્યુઝિકાને દીકરી માની છે તો તેના લગ્નનો અડધો ખર્ચ ઉઠાવવો પડશે ! '

તેની વાત સાંભળી સત્યમ પણ રંગમાં આવી ગયો હતો !

' અડધો શું કામ હું પૂરો ખર્ચ ઉઠાવવા તૈયાર છું ! '


આ મામલે મ્યૂઝિકાનો કોઈ જ વાંક નહોતો . રાજહંસના બહેકાવમાં આવી તેના બોસે તેને સત્યમ વિરુદ્ધ ભડકાવી હતી . આ કારણે થોડા સમય માટે બંને વચ્ચે મનમુટાવ પેદા થયો હતો . આ સ્થિતિમાં તેણે ' આશીર્વાદ ' વાર્તાની રચના કરી હતી .

મૈં બસાના ચાહતા હું સ્વર્ગ ધરતી પર ,
આદમી જિસ મેં રહે બસ આદમી બનકર ,

આશીર્વાદ વાર્તામાં તેણે પોતાની લાગણીને ઉચ્ચ શિખરે લઈ જવાની કોશિશ કરી હતી .

લાગણી કોઈના વશમાં નથી હોતી . લાગણીનું આ ઝરણું ક્યારે ? કેમ ? અને ક્યાં વરસી પડશે તે કહેવું અત્યંત કપરું કામ છે ! મ્યૂઝિકા પ્રતિ તેના હૃદયમાં લાગણીનો નાયગ્રા વહેવા મંડ્યો હતો . તેની નેકદિલ લાગણીમાંથી જ આશીર્વાદ વાર્તાનો જન્મ થયો હતો !

વાર્તા તેના અંગત જીવનના દર્પણ સમાન હતી . પણ મ્યુઝિકાએ તેને કેવળ વાર્તા જ ગણી લીધી હતી !

વાર્તાના જીવંત ટુકડાઓને ભેગા કરી , તેને હાઈ લાઈટ કરી પુનઃ વંચાવ્યા હતા . અને સત્યમની લાગણીનો તેને એહસાસ થયો હતો . અજાણતામાં તેના હાથે થયેલી ભૂલની તેણે માફી માંગી હતી .

વાર્તાના જીવંત તેમ જ વાસ્તવિક સંવાદોએ ચાર ચાંદ લગાવી દીધા હતા .

તેનું એક મન તેને અખબારી લાઈન જોડે વળગ્યા રહેવાની તરફેણ કરતું હતું જ્યારે સંજોગો તેને છોડી દેવા માટે ઉકસાવતા હતા . આ હાલતમાં તે અસમંજસ અનુભવી રહ્યો હતો . શું કરવું તે સૂઝતું નહોતું . આ સ્થિતિમાં તેને હથેળી વચ્ચે આઠ આનાનો સિક્કો દબાવી મ્યુઝિકાને સવાલ કર્યો હતો :
' પ્લીઝ ટેલ મી હેડ્સ કે ટેઈલ ? '

' કેમ એવું પૂછો છો ? '

' પહેલા જવાબ આપ પછી કહીશ . '

' ટેઈલ ! ' સત્યમને અપેક્ષિત જવાબ મળ્યો હતો . આથી તે ખુશી અનુભવી રહ્યો હતો . તે મ્યુઝિકાનો સંગાથ છો
છોડવા માંગતો નહોતો . પણ મ્યુઝિકાની સગાઈ થઈ ગઈ હતી અને લગ્ન બાદ તે જોબ છોડી દેવાની હતી . આ હાલતમાં તેને સુધા પબ્લિકેશનમાં કોઇ દિલચસ્પી

રહી નહોતી .

અને જોગાનુજોગ પણ કેવો થયો . સત્યમને તેની અસલ લાઇનમાં જોબ મળી ગયો . તેણે સુધા પબ્લિકેશનને બાય બાય કરી દીધું અને તે જ દિવસે સુધા પબ્લિકેશને રાજહંસને પાણીચુ પકડાવી દીધું .

સબ કુછ યહી ચુકાના હૈં . સત્યમને આ વાતનો પરચો થઈ ગયો .

તે તરત જ નવા જોબ પર જોડાઈ ગયો . પણ હાલાત એવા ઉભા થયા કે તેને એક મહિનાની અંદર જ જોબથી હાથ ધોઈ નાખવા પડયા .

પણ તેના સારા નસીબે એક ઓળખાણ થકી સત્યમને ' માધુરી એક્સપોર્ટસ 'માં સારો જોબ મળી ગયો .

આ કંપનીના નામનો ડંકો વાગતો હતો . અબજો રૂપિયાનો રશિયા સાથે કારોબાર હતો .

સત્યમે તેને કામ આપવા બદલ ડિપાર્ટમેન્ટલ હેડ નગીન ભાઈ તિજોરીવાલાનો તહેદિલથી આભાર માન્યો હતો .

સત્યમે સદાય નિષ્ઠા અને ઈમાનદારીથી પોતાની જવાબદારી નિભાવી હતી . તેણે ઉપલી કમાણીનો ખ્યાલ મનમાં આણ્યો નહોતો . તેને જે પગાર મળતો હતો તેનાથી ઘર ચલાવતો હતો .

છતાં તેને તિજોરીવાલાનો રંગ લાગી ગયો હતો . સત્યમે તેમના વાદે ચઢી અનીતિની આંગળી ઝાલી હતી . તેણે બેઇમાની કરી ૨૦ રૂપિયા જેટલી મામુલી રકમ ખોટી રીતે લીધી હતી ! અને ભગવાને તેનો સત્યમને તરત જ પરચો દેખાડી દીધો હતો !

તે વખતે તેની નાની દીકરી ક્રિષ્ના ૩ વરસની હતી . તે જ દિવસે રાતના તેણે રમતા રમતા એક નાનકડું મોતી તેના નાકમાં ઘુસાડી દીધું હતું . બંને પતિ પત્નીએ તેને કાઢવાની કોશિશ કરી હતી . પણ મોતી બહાર નીકળવાનું નામ લેતું નહોતું . આ સ્થિતિમાં સત્યમ તેને ડૉક્ટર પાસે લઈ ગયો હતો . રાતનાં દસ વાગી ગયા હતા અને દવાખાનું બંધ થઈ ગયું હતું . આ હાલતમાં સત્યમ તેને ડૉક્ટરના ઘરે લઈ ગયો હતો . ડૉક્ટરે પણ મોતી કાઢવાની ખુબજ કોશિશ કરી હતી પણ વિના સાધન તે નીકળી શકે તેમ નહોતું . આ હાલતમાં ડોકટરે તેને હોસ્પિટલ લઇ જવાની સલાહ આપી હતી . સત્યમ તેને રિક્ષામાં હોસ્પિટલ લઇ ગયો હતો .

ઘરે કાંઈ જણાવ્યા વિના સત્યમ તેને હોસ્પિટલ લઇ ગયો હતો . તે વખતે મુખ્ય ડૉક્ટર કોઈ મોટા ઓપરેશનમાં વ્યસ્ત હતા . સત્યમને પાંચ દસ મિનિટ રાહ જોવી પડી હતી . ત્યાર બાદ ટ્રેનિંગ લઇ રહેલા એક શિખાઉ ડોકટરે એક ચિપિયા વડે મોતી બહાર ખેંચી કાઢી ૫૦ રૂપિયા વસુલી લીધા હતા .

તેણે માત્ર ૨૦ રૂપિયાની ચોરી કરી હતી .બદલામાં તેના ૧૦૦ રૂપિયા ચાલી ગયા હતા !

આ ઘટનાએ સત્યમને ' સબ કુછ યહી ચુકાના હૈં ' આ વાતનો પરચો દેખાડી દીધો હતો .

તે વીલે મોઢે ક્રિષ્નાને લઈ ઘરે પાછો આવ્યો હતો . નિરાલી પણ પતિના આ અનુભવની વાત સાંભળી ચેતી ગઈ હતી .

ત્યાર બાદ સત્યમે બેઇમાની કરવાનો વિચાર પણ મનમાં આવવા દીધો નહોતો !
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦


બેઇમાની , ચમચાગિરી તેમ જ મસ્કા બાજી , ખુશામત ખોરી સફળતા પ્રાપ્ત કરવાના પર્યાય બની ગયા હતા !

ક્રિષ્નાએ નાકમાં મોતી ઘુસાડી પોતાના પિતાને આડકતરી રીતે બેઇમાનીના પંથે જતાં રોક્યા હતા ! પણ ઘરની કંગાળ હાલત તેને વારંવાર બેઇમાનીનો રસ્તો દેખાડી રહી હતી .

મોટી દીકરી ક્ષમતા યુવાનીના ઉંબરે આવીને ઉભી હતી . તેણે બી કોમ સુધીનો અભ્યાસ પૂરો કરી લીધો હતો . તેની લગ્ન કરવાની ઘડી પણ આવી લાગી હતી . તેને માટે છોકરો ગોતવાની પ્રક્રિયા પણ શરૂ થઇ ચુકી હતી . લગાતાર પ્રયત્નો બાદ પણ તેનો કોઇ મેળ પડતો હતો . આ વાતે સત્યમ સતત તનાવ અમુભવતો હતો . તેના લગ્ન કરવા માટે તેની પાસે પૈસાની કોઈ જોગવાઇ નહોતી . આ હાલતમાં તેણે કંપની પાસે લોનની માંગણી કરી હતી . પણ ફાઇનાન્સ ખાતાના વરિષ્ઠ અધિકારી તેમજ ભાગીદાર કુમાર ભાઇએ કંપનીના કાયદા કાનૂન આગળ ધરી પોતાની લાચારી વ્યક્ત કરી હતી .

' સોરી મિ ભારતીય ! કંપનીની નવી પોલિસી અનુસાર અમે તમારા પગારના છ ગણી રકમ જેટલી જ લોન ગ્રાન્ટ કરી શકીએ તેમ છે ! '

સત્યમ હતાશ ચિત્ત ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટની કેબિનમાંથી બહાર આવ્યો હતો . તેણે વ્યક્તિગત કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ સમક્ષ ઘા નાખી હતી . અહીં પણ તેને નિરાશા હાથ લાગી હતી ! નિરાલી રોજ તેની વધતી ઉંમરની યાદ અપાવતી હતી !

ક્યાં સુધી દીકરીને ઘરમાં બેસાડી રાખીશું ? નિરાલીનો આ સવાલ સત્યમને વીંછી જેવો ડંખ મારતો હતો .
૦૦૦૦૦૦૦૦૦ ( ક્રમશ : )