Comfort - 7 books and stories free download online pdf in Gujarati

દિલાસો - 7

જે રીતે આપણે અગાઉ દિલાસો 6ના પ્રકરણમાં જોઇ ગયા કે રાજુ લઘુશંકાનું બાનું કાઢીને સીધો જીવાના અડ્ડે પહોંચી જાય છે. જ્યાં ડિલર ધનજી દારૂ બનાવી રહ્યો હતો. ત્યારે અચાનક રાજુને જોઈને ધનજી નવાઈ પામે છે. પછી બંને વચ્ચે દારૂ પીતાં પીતાં વાતચીત કરવાનો દોર ચાલુ થઈ જાય છે. અને બીજી બાજુ રાજુની પત્ની અને તેની માં જોગણીના મંદિરે ઘણી રાહ જોયા પછી પણ રાજુ ન આવ્યો એટલે નિરાશ થઈને ઘર તરફ જવાની પગવાટ પકડી લે છે.

જ્યારે રાજુ અને ધનજી દારૂને લગતી વાતો કરવામાં તલ્લીન હતા. ત્યાં જ અડ્ડાનો સેઠ જીવો એકદમ દબાયલે પગે આવીને કહેવા લાગ્યો " અલ્યા ધનજી કેટલા ટાંકા દારૂ ગાળ્યો ( બનાવ્યો ) ?"
અચાનક ઊંચો અવાજ સાંભળીને રાજુ અને ધનજી ચમકી ગયા. પછી જીવાને જોઇને ધનજી એ ધીમા અવાજે કહ્યું
" સેઠ.. એક ટાંકો "

" તેમાંથી કેટલો દારૂ નિકળ્યો ?"

" લગભગ 40 થી 45 લીટરને આસપાસ હશે ? પેલા બે સફેદ કેરબામાં ભર્યો છે. એટલે તમે જ જાતે જોઈ લો. કદાચ.. તમારો અંદાજ મારા કરતા ચોક્કસ હશે ? "

" હા.. ભલે ધનજી પણ હું એક વાત કહેવાની ભુલી ગયો. "

" કેવી વાત સેઠ...? "

"હું કાલે જ ચાર થેલી યુરિયા ખાતર લાવ્યો છું ? એટલે તું હાલ ઘરેથી એક યુરિયા ખાતરની થેલી લાવીને આ ત્રણ સેટેક્સના ટાંકાંમાં નાખી દે ? "

હા.. સેઠ..! " કહીને ધનજી દારૂને એક કેરબો પકડ્યો. બીજો જીવાાએ પકડી લીધો. એટલામાં ધનજીએ કહ્યુ "રાજુ તું હાલ તો અહીંયા જ છે ને... ?"

" હા.. ધના ભઈ ! "

" હું ઘરે જઈને યુરિયા ખાતર લઈને આવું છું ? એટલી વારમાં તું .. એક દારૂની ભઠ્ઠી થઈ જાય તો ઉતારીને બીજી દારૂની ભઠ્ઠી ચઢાવી દેજે. પેલા સેટેક્સમાંથી બે ડોલ મહુડીનો મિશ્રણ ભરીને ડેગડામાં ( મોટું વાસણ માટલા પ્રકારનું ) નાંખીને બાબરું બરાબર ( માટલું ઉધું મૂકીને) લીંપીને ફરીથી દેવતા પર ચઢાવી દે જે ? "

હળવું હસતાં જતા રાજુએ કહ્યુ
" તું.. તો મને દારૂ બનવામાં ઠોઠ નિશાળિયો માનતો હોય તે કહે છે. જાણે રાજુને દારૂ જ પીતા જ આવડતું હોય. તેમ માની બેઠા કે કેમ ? "

" અલા રાજુ એવુ નથી. પણ કદાચ દારૂ ના ગાળતો હોય એટલા આ કહું છું ? "

" તું.. જરા પણ ચિંતા ના કરીશ, હું દારૂની બીજી ભઠ્ઠી દેવતા પર ચઢાવી દઈશ ! "

રાજુની વાત સાંભળીને ધનજી જીવા સેઠના ઘેર તરફ ઉતાવળે પગવાટે હેડવા લાગ્યો. કારણ કે દેશી દારૂની ભઠ્ઠી અને અડ્ડા સુધીનું અંતર એકાદ કિલોમીટરની આસપાસ હશે ? કારણ કે બંને જગ્યા વચ્ચે ગુપ્તતા જળવાઈ રહે અને પુલિસ વિભાગનો કોઈ પણ ખાતુ કદાચ દેખાવા ખાતર રેડ પાડે તો પણ દેશી દારૂના ખાસ ઠેકાણા ના મળે એટલે એવા દુર્લભ અને ડુંગરના ઓથે જ્યાં ઝાંડવાનું પ્રમાણ વધુ હોય તેવી જગ્યાએ દારૂ બનાવવાનો અને મૂકવાનો સહારો લીધો હતો.

એટલામાં રાજુએ વિચાર કર્યો કે દારૂ તૈયાર થઈ ગયો છે કે કેમ તેને જોઈ લઉં કહીને તે એક પાણીની ગોળ આકારની કુંડીમાં જોવે છે. જેની અંદર પિત્તળનો ૧૦ લિટરનો કળશ( ગઢો ) પાણી ભરીને લાકડાની વચ્ચે ભરાવેલો હતો. તેમાં એક જાડી નળી જોડેલી હતી. જેમાં પેલી સળગતી ભઠ્ઠીમાંથી ઉત્પન્ન થતી વરાળ સીધી નળી દ્વારા કળશમાં (ગઢો )પાણી સાથે ૩૦ થી ૩૫ મિનિટ બરાબર મિશ્રણ થઈને એ દેશી દારૂનું રૂપ ધારણ કરી લેતું. તથા તૈયાર થઈ ગયેલા દારૂ ને ચેક કરવા માટે રાજુએ કણજીના ઝાડનું એક નાનું સરખું લાકડું તોડીને પેલા ગઢામાં નાખીને સળગતા અંગારા પર હલાવ્યું કે તરત જ દારૂ ટીપાં પડતાં જ સળગી ઉઠ્યા. કારણ કે દેશી દારૂ પણ જ્વલંતશીલ હોય છે.

હવે રાજુ એ નક્કી થઈ ગયું કે દારૂની ભઠ્ઠી તૈયાર થઈ ગઈ છે. એટલે તેને જેમતેમ કરીને ડેગડો ઉતારીને બાજુમાં ઢોળીને બીજા મહૂડીના મિશ્રણી બે ડોલ નાખીને ફરીથી સળગતી દેવતા પર ચઢાવી દીધો. એટલામાં જ ધનજીએ બૂમ પાડી " અલા.. રાજુ જરા સામે આવજે ખાતરની થેલીનો ભાર વધારે લાગે છે. "

હાલ આવ્યો કહીને રાજુુ ધનજીની મદદ કરવા માટે ઉતાવળે પગે હેડ્યો, કારણ કે ધનજીના માથા પર એક થેલીના બે ભાગ પાડીને બે પોટલા બનાવેલા યુરિયા ખાતરની થેલી હતી. એટલે રાજુ એ ખભા પર એક થેલી મુકતાં પુછ્યું " " ધનજી કેવો ભાર લાગે.. ? "

" શું કહું રાજુ એટલાથી આવતા મને લાગ્યું કે હાલ મારું માથું ફાટી જાય. પણ થોડી હિંમત ભેગી કરીને આટલા સુધી આવી શક્યો. નહીંતર મારે બે આંટાફેરા કરવા પડે ને ?

" તું તો જબરો કાઠો નિકળ્યો. મારા જેવા દુબળા પાતળાનું તો આવું ગજું જ નથી ? "

" શું કરું રાજુ પેટનો ખાડો પૂરવા માટે આવી કાળી મજૂરી કરવી પડે. "

રાજુ એ પૂછયું " વાતો તારી હાચી પણ તું યુરિયા ખાતર તારા હેતરમાં નાખવા માટે લાવ્યો કે કેમ ? "

" ના.. રાજુ તને નથી ખબર કે શું ? હું તો આ દારૂના ટાંકીમાં નાખવા લાવ્યો છું. "

ધનજીની આવી વાત સાંભળીને જાણે રાજુની આંખો ફાટી ગઇ હોય તેમ પેલા સેટક્સના ટાંકી તરફ જોવા લાગ્યો. પછી ધનજી બોલ્યો " આવા નવા અખતરા ક્યારના ચાલું કર્યો છે ? "

" તને નથી ખબર કે શું અેક વરસ થઈ ગયુંને. દારૂ બનાવવા માટે હવે યુરિયા ખાતર, જાતજાતનાં ઝાડના મૂળ, નશાકારક ગોળીઓ તેમજ એસીડ યુક્ત પદાર્થો વગેરેનો ઉપયોગ ઘણો થવા લાગ્યો ને.. "

" સાલું આવો દારૂ પીવાથી શરીરને નુકસાન થાય તો પણ આવો દારૂ લોકો બેફામ બનાવે છે, વેચે છે અને બિંદાસ પીવે છે ? "

" રાજુ શહેરવાળા ક્યાં જાણે છે કે દારૂ કેવા પ્રકારનો છે બસ એમને તો ટેમ થાય એટલે પીવા માટે જોઈએ ને. પછી દારૂ અડ્ડા પર ગમે તેવો હોય. "

" એવો દારૂ પેશ્યલ અને પ્યોર તો ન હોય ને.. ?"

" રાજુ આવો રઘડા વાળો દારૂ પીવાથી કોઈને તરત જ નશો ચઢી જાય તો કોઈને લાંબા ગાળે નશાનો પાવર રહે.. ! "

" ધનજી મારા અંદાજ પ્રમાણે આવો નશા યુક્ત ધીમા ઝેર જેવો દારૂ પીવાથી લોકો દારૂના બંધાણી બની જતા હોય અને ધીરે ધીરે એ પણ એકદમ હલી જતા હશે." આમ રાજુ એ કહ્યું.

" રાજુ તને તો મારા મનની વાત ઝૂંટવી દીધી. હું પણ તને આમ કહેવાનો હતો કે આવો દારૂ પીવાથી લોકોનું જીવન એકદમ અડધું થઈ જાય છે. તોપણ લોકો ક્યો માને છે. બસ હવાર અને હોજ પેલા દારૂના અડ્ડા પર નજર ફેરવીને બેઠા છે ? "

( please wait next chapter -8 )

( નોંધ- ' દિલાસો ' નામની સામાજિક નવલકથા સત્ય ઘટનાઓ પર આધારિત છે. જેમાં (ગામડાની )આસપાસની પરિસ્થિતિનું નિરીક્ષણ અને અવલોકન કરીને તેનું વર્ણન કર્યું છે. )

- શેખર ખરાડી ઈડરિયા