મોત ની સફર - 23

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 23

અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે અબુ, કાસમ અને જોહારી નામમાં ત્રણ સ્થાનિક નાગરિકો પણ જોડાયાં હતાં. અલ અરમાના થી રકીલા આવી પહોંચ્યા બાદ બીજાં દિવસે ઊંટ પર બેસી એ આઠેય લોકોએ હબીબી ખંડેર સુધીની સફર શરૂ કરી દીધી.વીંછી નાં ઝેરથી મૃતપાય હાલતમાં પહોંચેલા ડેની નો જીવ મગુરા નાં બીજ વડે બચી જાય છે.. પાણી ની અછત નો પ્રશ્ન પણ દૂર થઈ જતાં એ લોકો ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યાં હતાં.

આખરે ચાર દિવસની મુશ્કેલીભરી સફરનો અંત આવી ચુક્યો હતો અને અલગ-અલગ પ્રદેશમાંથી આવતાં આઠ લોકો હબીબી ખંડેર સુધી આવી ગયાં હતાં.. જુનાં પુરાણા ચુનાનાં પથ્થરોમાં જર્જરિત હાલતમાં મોજુદ આ ખંડેરો લગભગ બે એકરથી પણ વધુ વિસ્તારમાં પ્રસરેલાં હતાં. વધુ નવાઈની વાત એ હતી કે વિશાળ રણપ્રદેશની વચ્ચે હયાત આ ખંડેરો ની આજુબાજુની જમીન પ્રમાણમાં રેતાળ નહોતી.. અને એ જ કારણથી આ ખંડેરોની આજુબાજુ ઘણી વનરાજી ઊગી નીકળી હતી.

"અહીં ઊંટ રોકો.. અને નીચે ઉતરો.. "રેતાળ જમીન પરથી થોડીક ઊંચી દેખાતી માટીયાળ જમીન ઉપર આવતાં જ જોહારી બોલ્યો.

જોહારી નાં કહેતાં ની સાથે એ બધાં એ પોતપોતાનાં ઊંટ ની લગામ ને ખેંચી અને ઊંટ ને ત્યાં રોકી દીધાં.. ત્યારબાદ એક-એક કરી બધાં સાચવીને ઊંટ ઉપરથી હેઠે આવ્યાં એટલે અબુ બોલ્યો.

"આપણે આપણો સામાન ઊંટ ઉપરથી ઉતારી લઈએ.. અને અહીં નજીકમાં ક્યાંક રાત્રી રોકાણ ની સગવડ કરી લઈએ.. આજુબાજુ ઘણું ઘાસ ઉગેલું છે તો ઊંટ ને ખુલ્લાં છોડી દઈએ."

"અરે પણ આ બધાં ઊંટ ભાગી જશે તો..? "અબુ ની વાત ને અડધેથી કાપતાં ગુરુ બોલ્યો.

"ભાઈ તું ચિંતા ના કર.. અહીં રણપ્રદેશમાં હોય એનાં કરતાં છાંયડે રોકાવાની અને લીલું ઘાસ ખાવાની સગવડ પૂરતી હોવાથી આ ઊંટ અહીંથી બીજે દૂર તો નહીં જ જાય છતાં મનમાં રહેલી આશંકા ને દૂર કરવાં દોરી ને થોડી લાંબી કરીને બાંધી દો.. જેથી આજુબાજુ તો આ ઊંટ પોતાની રીતે વિચરી શકે.. "ગુરુ દ્વારા પોતાને ટોકવામાં આવતાં અબુ બોલ્યો.

અબુ નાં કહ્યાં મુજબ બધાં એ પોતપોતાનો સામાન ઊંટ પરથી હેઠે ઉતાર્યો અને ચારેય ઊંટ ને લાંબી દોરીથી બાંધી ખંડેરની ફરતે ચરવાં છોડી મૂક્યાં.. ઊંટોની યોગ્ય રીતે વ્યવસ્થા કર્યાં બાદ એ આઠેય લોકો પોતાનાં રોકાવા માટે સુવાની અને રાત્રી દરમિયાન રોકાવાની યોગ્ય જગ્યા શોધવા હાલી નીકળ્યાં.. દસેક મિનિટ ગોત્યાં બાદ એ લોકોએ પથ્થર પર સ્થિત એક ખુલ્લાં ચોક પર રાત્રી રોકાણ ની પસંદગી ઉતારી.

ચારેય બાજુથી ચાર પગથિયાં ઊંચાં પથ્થરનાં ચોકનાં ચાર છેડે પથ્થર નાં કલાત્મક સ્તંભ મોજુદ હતાં.જેની ઉપર મિસર સંસ્કૃતિમાં પૂજ્ય દેવી-દેવતાઓનાં કલાત્મક ચિત્રો હોવાનું કાસમે જણાવ્યું.. આ જગ્યા એ રાતે જમવાનું બનાવવા માટે સૂકાં લાકડાં ની સગવડ પણ ઝડપી થઈ ગઈ.. અને એ બધાં કરતાં મોટો સુખદ આંચકો એ લોકોને ત્યારે લાગ્યો જ્યારે લાકડાં શોધવા ગયેલાં સાહિલ અને અબુ એ એક સ્વચ્છ પાણી ભરેલો કુંડ શોધી કાઢ્યો.

અફાટ રણપ્રદેશમાં આમ અચાનક પાણી નું મળી જવું જાણે વરદાન થી ઓછું તો નહોતું જ.. એ લોકોએ રાતે જમવામાં સૂપ અને ટોસ્ટ ની મજા લેવાનું નક્કી કર્યું હતું.. પણ કાસમ ક્યાંકથી એક સસલું મારીને લેતો આવ્યો.. આગ પર શેકીને એ લોકોએ જ્યારે સસલાંનું કુણું માંસ આરોગ્યું ત્યારે તો એ લોકોને બત્રીસ પકવાન મળવાનો અહેસાસ થયો.

"દોસ્તો.. આખરે આપણે હબીબી નાં ખંડેર સુધી આવી જ પહોંચ્યાં.. આ બદલ હું તમારાં દરેકનો ખૂબ ખૂબ આભારી છું.. "જમવાનું પૂર્ણ કર્યાં બાદ માઈકલ લાગણીસભર સ્વરે બોલ્યો.

"અરે ભાઈ.. જો તારાં માટે લ્યુસીનું અધૂરું સપનું પૂરું કરવું જરૂરી એટલે હોય કે એ તારી પ્રેમિકા હતી.. તો અમારાં મન એનું સપનું પૂરું કરવું એટલે જરૂરી હતું કેમકે લ્યુસી બહાદુર દીકરી હતી.. જેને પોતાનાં માતા-પિતાનું અધૂરું સપનું પૂરું કરવાં જીવ નું જોખમ ખેડયું.. "માઈકલ ની નજીક જઈ એનાં હાથ પર પોતાનો હાથ મૂકી વિરાજ બોલ્યો.

"ચલો અત્યારે તો બધાં નિરાંતે સુઈ જઈએ.. આવતી કાલે તો બહુ દિવસે સ્નાન કરવાં મળવાનું છે.. હવે અહીં સુધી આવ્યાં પછી આપણો આગળનો ધ્યેય હશે હબીબી ખંડેરો ની અંદર જવાનો છૂપો રસ્તો શોધવું.. "જોહારી આળસ ખાતાં બોલ્યો.

"સારું ચલો ત્યારે જલ્દી પથારી કરીએ અને સુઈ જઈએ.. "પોતાનાં રાખેલાં સામાન તરફ આગળ વધતાં સાહિલ બોલ્યો.

આજે તો એ લોકો જોડે પ્રમાણમાં સારી જગ્યા હતી સુવા માટેની એટલે જ પાથરણ પાથર્યા વગર જ એ લોકો સ્લીપિંગ બેગમાં ભરાઈને સુઈ ગયાં.. રાત્રી દરમિયાન વાતો શીતળ પવન અને દિવસ ભરનાં થાક નાં લીધે એ આઠેય લોકો પડતાં જ સુઈ ગયાં.. હવે તો ડેની પણ ઘોડાની જેમ સ્ફૂર્તિવાન થઈ ગયો હતો.

***

સવારે એ લોકો જાણીજોઈને મોડાં ઉઠયાં.. કેમકે ચાર દિવસ ની એકધારી સફર બાદ હવે વહેલું ઉઠવું આજ પૂરતું તો જરૂરી નહોતું. કેમકે હવે એ લોકોને એટલાં જ વિસ્તારમાં શોધખોળ આરંભવાની હતી જ્યાં હબીબી ખંડેર હયાત હતું.. માટે જલ્દી જાગવાનું વધુ જરૂરી નહોતું.

ચાર દિવસ બાદ એ આઠેય લોકોએ સ્નાન કરવાની મજા લીધી.. આટલી ગરમીમાં પણ કુંડ ની અંદરનું પાણી શીતળ હોવાથી પાણી ની બુંદો શરીર પર પડતાં જ ગજબની આહલાદક અનુભૂતિ એ લોકોને થઈ.

સ્નાન કર્યાં બાદ એ લોકોએ નાસ્તો કરવાની જગ્યાએ ભરપેટ જમી લીધું.. કેમકે હવે એ આઠેય જણા બે-બે લોકોની ચાર અલગ-અલગ ટુકડીમાં વહેંચાઈને સૂરજ આથમે ત્યાં સુધી ઘણાં મોટાં વિસ્તારમાં આવેલાં જર્જરિત હબીબી ખંડેરો ની નાનામાં નાની જગ્યા ની તપાસ કરવામાં લાગી જવાનાં હતાં જેથી વહેલી તકે ભૂગર્ભ માર્ગ નો રસ્તો શોધી શકાય.. જ્યાં રાજા અલતન્સ નો ખજાનો અને ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના હોવાની શક્યતા રહેલી હતી.

અબુ-વિરાજ, સાહિલ-જોહારી, કાસમ-ડેની, અને માઈકલ-ગુરુ આ પ્રમાણે ચાર ટુકડીઓમાં એ લોકો વિભાજીત થઈ ગયાં.. ગુરુએ બાકીનાં બધાંને હિદાયત આપતાં કહ્યું કે 'જો કોઈ વિચિત્ર ચિહ્નન દેખાય તો એનો તુરંત પોતાનાં મોબાઈલમાં ફોટો લઈ લેવો.. "

સવાર નાં સાડા દસ વાગે તો આઠેય લોકોની એ ટોળકી લાગી પડી એ લોકોની આગળની સફરનું પ્રથમ પગથિયું એટલે કે હબીબી ખંડેરની નીચે મોજુદ રાજા અલતન્સ નાં ખજાનાં સુધી પહોંચવાની સુરંગ શોધવામાં.. એ બધાં ને એવું હતું કે થોડીવારમાં તો એ લોકો સુરંગમાં જવાનો રસ્તો શોધીને જ રહેશે પણ એ લોકોની અપેક્ષાથી વિપરીત સંજોગો ઉભાં થયાં અને સતત પાંચેક કલાકની શોધખોળ પછી પણ કોઈ જાતનો ખુફિયા રસ્તો કે સુરંગ નજરે ના ચડતાં હતાશ વદને એ બધાં પાછાં એ લોકો નો સામાન જ્યાં પડ્યો હતો એ ચોક પર એકઠાં થયાં.

"ભાઈ.. મને લાગે છે કે બાકીની થોડી ઘણી જગ્યા ની પણ વ્યવસ્થિત તપાસ કરી લઈએ.. બાકી અત્યાર સુધી તો કોઈ એવી નાનકડી વસ્તુ પણ નજરે ચડી નથી જે નીચે ભૂગર્ભમાં પ્રવેશવાનો માર્ગ દર્શાવતી હોય.. "સાહિલ નંખાયેલાં અવાજે બોલ્યો.

"હા, ભાઈ.. તું સાચું કહી રહ્યો છે.. થોડી વાર આરામ કરી લઈએ પછી બાકીની જગ્યાને પણ ખુંદી વળીએ.. "સાહિલ ની વાત ન પ્રતિભાવમાં અબુ બોલ્યો.

સાંજનાં પાંચ વાગ્યાં સુધી એ લોકો એમજ એ ચોક પર મોજુદ સ્તંભને ટેકે આરામ ફરમાવતાં બેસી રહ્યાં.. આ દરમિયાન જોહારી જઈએ ઊંટો ને કુંડમાંથી પાણી પીવરાવી આવ્યો હતો.. જોહારી નાં આશ્ચર્ય વચ્ચે કુંડ માં પાણી જેવું ઓછું થતું એ સાથે જ નીચે જમીનમાંથી પાણી આવતું અને કુંડ ને ભરી દેતું.

દોઢેક કલાક જેટલો આરામ કર્યાં બાદ એ આઠેય જણા પહેલાની માફક અલગ-અલગ ટુકડીમાં વહેંચાઈ ગયાં.. અને લાગી પડ્યાં ખંડેરો ની અંદર જવાનો રસ્તો શોધવાની મુહિમમાં.. આરામ કર્યો હોવાથી બમણી સ્ફૂર્તિ સાથે એ લોકો તૂટેલી બિસ્માર હાલતમાં મોજુદ હબીબી ખંડેર ની નાનામાં નાની દીવાલ ને સ્પર્શીને જોતાં જોતાં પોતાનું કામ બખૂબી કરી રહ્યાં હતાં.

વચ્ચે એક સમય એવો આવ્યો જ્યારે દૂર રેતાળ માટીનાં ઢૂંવા પર એક નાનકડું ચક્રવાત પેદા જરૂર થયું પણ પેદા થતાં ની સાથે વિરુદ્ધ દિશામાંથી આવતી હવાનાં જોરનાં લીધે થોડીવારમાં તો શાંત થઈ ગયું.. પણ આ બે મિનિટ નાં ખેલમાં એ આઠેય લોકો હાંફળા ફાંફળા જરૂર થઈ ગયાં હતાં.. કેમકે રણમાં ઉઠતી આંધીની પ્રચંડ તાકાત એ લોકો સાક્ષાત અનુભવી ચુક્યાં હતાં.

ધીરે-ધીરે સૂરજ પશ્ચિમ દિશામાં અગ્રેસર થતો થતો ક્ષિતિજ સુધી પહોંચી ચુક્યો હતો.. સૂરજ નો પીળો તેજસ્વી પ્રકાશ પણ હવે કેસરી ઝાંય ધરાવતો થઈ ચૂક્યો હતો.. થોડી ક્ષણોમાં રાત નો પ્રવાસી એવો ચંદ્ર આકાશમાં પોતાની હાજરી દર્શાવી દિવસ ને અલવિદા કહી રાત ને વધાવવાનો હતો.

આખરે આખો દિવસથી થકવી નાંખનારી મહેનત છતાં આઠ-આઠ લોકો મળીને પણ કોઈ જાતનો છૂપો રસ્તો શોધી જ ના શક્યાં.. જેનાં થકી રાજા અલતન્સ નાં ભવ્ય ખજાનાં કે ડેવિલ બાઈબલનાં ખોવાયેલાં પન્ના સુધી પહોંચી શકાય.. આખરે હવે કાલે એ લોકો પુનઃ પોતાની શોધખોળ ને શરૂ કરશે એમ નક્કી કરી બધાં ચોકમાં એકઠાં થયાં.

હવે એ લોકો જોડે જમવાનું જે કંઈપણ હતું એ માંડ બે દિવસ જેટલું ચાલે એટલું હતું.. એમાં પણ એ લોકો સમજી વિચારીને જમે તો જ.. ખુબજ ભૂખ લાગી હોવાં છતાં એ ચોકલેટ, બે ખજૂર અને ચાર બિસ્કિટ ખાઈને ઘણું બધું પાણી પીને બધાં સુવા માટે તૈયારી કરવાં લાગ્યાં.. પથારી કરતાં કરતાં ગુરુને અચાનક કંઈક યાદ આવતાં એ બોલ્યો.

"મેં તમને બધાં ને કહ્યું હતું કે તમે જ્યારે હબીબી ખંડેર ની નીચે જવાનો રસ્તો શોધો ત્યારે કંઈપણ નવીનતા જેવું જણાય તો ફોટો પાડી લેવો.. કોઈએ એ વાત મનમાં લાવી ફોટો પાડ્યાં ખરાં..? "

ગુરુ નો સવાલ સાંભળી ત્યાં મોજુદ છ લોકોએ તો પોતાનું મોઢું નકારમાં હલાવવામાં થોડો પણ સમય ના બગાડ્યો.. પણ અબુ મકબરી એ ગુરુ ની વાત સાંભળતાની સાથે જ ઉત્સાહમાં આવીને કહ્યું.

"ભાઈ.. મેં પાડ્યાં છે ને બહુ બધાં ફોટોસ.. લે તું તારે જોઈલે.. "

"સરસ.. ચલો કોઈકને તો મારી કહેલી વાત નું માન રાખવાનું સૂઝ્યું.. "અબુ જોડેથી મોબાઈલ પોતાનાં હાથમાં લેતાં કટાક્ષ યુક્ત સુરમાં ગુરુ બાકીનાં બધાં તરફ જોતાં બોલ્યો.

અબુ નાં મોબાઈલની ગેલેરી ખોલી ગુરુ એક પછી એક ફોટા બારીકાઈથી જોવાં લાગ્યો.. અબુએ લગભગ કામનાં અને નકામાં મળીને બસો આસપાસ ફોટો લીધાં હતાં.. ગુરુએ દરેક ફોટો ઝૂમ કરીને પહોળી આંખે વ્યવસ્થિત રીતે ચકાસી જોયો.. અડધો કલાક સુધી ગુરુ પુરી ચીવટથી પોતાનું કામ કરતો રહ્યો.. જ્યારે બાકીનાં બધાં કંટાળીને અને થાકીને અર્ધનિંદ્રામાં આવી ચુક્યાં હતાં.. જાણે એ લોકોને ખબર હતી કે અબુ દ્વારા જે ફોટો પાડવામાં આવ્યાં છે એનો કોઈ ફાયદો થવાનો જ નહોતો.

"ભાઈ કંઈ નજરે ચડ્યું..? "અબુએ આશભરી નજરે ગુરુ તરફ જોતાં કહ્યું.

"ના ભાઈ.. મોટાં ભાગનાં ફોટો તો જોઈ લીધાં પણ મને કોઈ જગ્યાએ કોઈ જાતનો કલુ નથી મળ્યો જેનાં પરથી હું અંદાજો લગાવી શકું કે એ જગાએ જ નીચે જવાનો માર્ગ હશે.. "અબુ નાં સવાલનાં જવાબમાં ગુરુ વધુ બોલતાં બોલતાં અટકી ગયો અને ખૂબ ઊંચા સાદે બોલી પડ્યો.

"મળી ગયું નીચે જમીનમાં જવાનો ખુફિયા રસ્તાનું પ્રવેશદ્વાર.. "

★★★

વધુ નવાં ભાગમાં.

ગુરુએ સાચેમાં ભૂગર્ભ માર્ગમાં જવાનો રસ્તો શોધી કાઢ્યો હતો...? ઈજીપ્ત ની સફરમાં ઉપયોગી વસ્તુઓ વિરાજનાં રૂમમાં રાખનારો વ્યક્તિ આખરે કોણ હતો..? શું એ લોકો ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી શકશે..? રાજા અલતન્સ નો ખજાનો સાચેમાં અસ્તિત્વ ધરાવતો હતો કે પછી એ ખાલી કહાની હતી..? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ સાચેમાં ઈજીપ્ત આવી પહોંચ્યો હતો.? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

***

***

Rate & Review

Verified icon

N M Sumra 1 week ago

Verified icon

Vandana Patel 2 weeks ago

Verified icon

Sudha 2 weeks ago

Verified icon

Priyank 3 weeks ago

Verified icon

Manoj Patel 1 month ago