Sambandh name Ajvalu - 1 books and stories free download online pdf in Gujarati

સંબંધ નામે અજવાળું - 1

સંબંધ નામે અજવાળું

(1)

આજ ભી હૈ ઔર કલ ભી રહેગા !

રામ મોરી

‘બદલાતા સમય સાથે માણસ બદલાઈ રહ્યો છે, માણસ સંવેદન બાબતે બુઠ્ઠો થઈ રહ્યો છે !’ આવું બુધ્ધીજીવીઓ અને વિદ્ધાનો માની રહ્યા છે. ચલો માની લઈએ કે સાવ ખોટું નથી તો સાવ સાચું પણ નથી જ ! બદલાતા સમય સાથે માણસની સંવેદનાઓ વ્યક્ત કરવાના માધ્યમો બદલાયા છે પણ એથી કાંઈ ફિલિંગ્સ સાવ મરી પરવારી નથી. હા એટલે કાગળ લખવાનો જે રોમાન્સ હતો એ કદાચ અમારી પેઢી નથી જાણતી પણ સામાવાળી વ્યક્તિ તમારો વ્હોટસેપ મેસેજ વાંચી લે છે, એ પછી એ જવાબ ટાઈપ કરે ત્યાં સુધી સ્ક્રીન પર જે ‘Typing…..’ લખાયેલું આવતું હોય છે એ રોમાન્સ પત્રથી જુદો છે પણ ઓછો નથી. મેસેજ ચેટીંગમાં ‘બ્લુ ટીક’ બહુ બધા જવાબોની શક્યતા રજૂ કરતી હોય છે તો આ જનરેશન એ બ્લુ ટીકની મજા માણી રહી છે. એથી કંઈ પેલો પત્રવ્યવહાર ઓછો મૂલ્યવાન સાબિત નથી થતો તો ચેટીંગની આખી પરંપરા પણ કાંઈ માત્ર સામાજિક બગાડ સાબિત નથી થતી. પોતાની જાતને અને પોતાની લાગણીઓને રજૂ કરવાનું આ એક અનોખું માધ્યમ છે.

કોઈ પોતાના ગમતીલા માણસને કાગળ લખે અને પછી જવાબ આવવાની રાહ જુએ. ટપાલી રસ્તામાં જેટલીવાર મળે એટલીવાર એને ઉભો રાખીને પોતાનો કોઈ કાગળ આવ્યો કે નહીં એ વિશેની તપાસ કરતા રહેવાનું. કાગળ આવ્યા પછી એ કાગળમાં પોતાનો કોઈ ઉલ્લેખ છે કે નહીં એ સતત જોતા રહેવાનું એ વાતનો રોમાન્સ અને રોમાંચ એક આખી પેઢીએ માણ્યો છે. અચ્છા તમે કદાચ માનશો નહીં પણ આ રોમાન્સ અને રોમાંચ અત્યારની પેઢીમાં પણ અકબંધ છે. ફેસબુક પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલવી. એ મોકલ્યા પછી સતત ફોન ચેક કરતા રહેવાનું કે એણે ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારી કે નહીં. એ માટે સતત નોટીફિકેશન જોતા રહેવાનું, જેને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હોય એની ટાઈમલાઈન સતત જોતા રહેવાની કે મારી ફ્રેન્ડ રીકવેસ્ટ એણે ખરેખર જોઈ નથી કે જોઈને અવગણીને એણે પોતાની કોઈ કાંઈ બીજી જ પ્રકારની પોસ્ટ મુકી છે ! તાલાવેલી એ જ છે, રાહ જોવાની આખી વાત પણ એ જ છે. ગમતા વ્યક્તિની પાછળ એક સમયે ચૂપચાપ જાસૂસી કરવાની એક મજા હતી. એ ક્યાં જાય છે, કોને મળે છે, એને શું ગમે છે. એને કશું કહેવાનું નહીં બસ દૂર ઉભા ઉભા એને જોયા કરવાનું. એનું હસવાનું, એનું બિન્દાસ ફરવાનું, એનું તાળીઓ આપવાનું, બોર વીણવાનું, વડવાઈના હિંચકે એનું બેફામ હિંચકવાનું કે નદીમાં પાણી સાથે બેફિકર બનીને નાહવાનું. આ બધું એક આખી પેઢી વડલાની, ઝાડીઓની, સાઈકલની, દિવાલોની અને પ્રસંગોની આડશમાં જોઈને રાજી રહેતી. પ્રેમનો આ પણ એક પ્રકાર હતો કે સામાવાળાને કહેવાનું પણ નહીં અને કોઈ અપેક્ષા વગર પણ બસ એને ગમાડ્યા કરવાનું. તમે માનશો ? આજે પણ આ વાત એટલી જ જીવંત છે. હવે ગમતા પાત્રની પાછળ સાઈકલ લઈને દોડવું નથી પડતું. મોબાઈલની સ્ક્રીન પર એની ટાઈમલાઈન ફોલોઅ કરતા રહેવાની, એણે મુકેલા દરેક ફોટો પર રીએક્ટ ‘લવ’ કે ‘વાઉ’ આપવાનું, દરેક ફોટો નીચે કમેન્ટ કરતા રહેવાનું, અથવા લાઈક કમેન્ટ વગર પણ એ દરેક ફોટા જોયા કરવાના જેમાં તમારી ગમતી વ્યક્તિનું હોવાપણું છલકાતું હોય. પ્રેમ અને પીડા આ બે એવી વસ્તુ છે જેને માપવાના કોઈ પ્રમાણમાપ નક્કી નથી થયા...જો કોઈ ચોક્કસ પ્રમાણમાપ નક્કી થયા હોત તો તો જગતના બહુ બધા સંબંધોનું ઢાંકેલું સત્ય બહાર પડી જાત. કોઈપણ સંબંધ બાબતે અને વ્યક્તિ બાબતે સૌની પોતપોતાની તિવ્રતમ લાગણીઓ હોય છે જેને એકબીજાની લાગણીઓ સાથે કંપેર ન કરી શકાય. સમય સાથે કશું સ્થિર નથી, કોઈ વ્યક્તિ માટેની લાગણી પણ નહીં ! તો પછી એક પેઢી અને તેની રીતભાતના આધારે બીજી પેઢીની સમજ અને સંવેદના માપવી એ મૂર્ખામી છે. જરૂરી નથી કે જે રસ્તા પરથી લોકો ઠેબા ખાઈ ખાઈને પસાર થયા છે એ રસ્તાના ઠેબા બીજી પેઢી ખાય જ, એને ઠેકી શકવાની સમજ જો નવી પેઢીમાં છે તો એને પૂરી આઝાદી છે. એક સમયે કોઈ વાળમાં ગુલાબનું ફૂલ મુકવા આંગળીઓ તલપાપડ હતી અને શરમ સંકોચથી કશું કરી શકતી નહોતી, કંઈક આવી જ હાલત આજની પેઢીની પણ છે. ગમતા વ્યક્તિના ફોટો નીચે કમેન્ટ લખતા કે એ ફોટોમાં રીએક્ટ ‘લવ’ કરવા આંગળીઓ કર્સરને વિનવી વિનવીને થાકી જાય પણ શરમ સંકોચ કશું થવા જ નથી દેતું !

સમય બદલાય છે પણ સંવેદનાઓ શાશ્વત રહે છે. એને વ્યક્ત કરવાના માધ્યમ બદલાય છે પણ વ્યક્ત કરનારાની મનોદશા નથી બદલાતી. પ્રેમ, પ્રેમ જ છે, એ ઈશ્ક, મહોબ્બત કે લવ એવા કોઈપણ નામના વાઘા પહેરે પણ એનો ગુલાબી રંગ અકબંધ રહે છે. સંવેદનાઓ ચામડીના પડની અંદર, છલકાતી આંખોની અંદર, અધૂરાં રહી ગયેલા સ્પર્શની અંદર, અડકતા અડકતા રહી ગયેલા બે હોઠની વચ્ચે, બે ટકરાયેલા શ્વાસની અંદર, કોઈના પાછું વળીને જોયાની ક્ષણની અંદર કે કોઈ ગલીના નાકે બિન્દાસ ફેંકાયેલા સ્મિત પર, કોઈની છૂટી પડેલી લટની અંદર, કોઈ દુપટ્ટામાં ગુંચવાયેલી બે આંગળીઓ વચ્ચે, નીચી નમી રહેલી લાંબી પાંપણોની અંદર, ચેટીંગની બ્લુ ટીકની અંદર, કોઈ પ્રોફાઈલ પીક્ચર પર ફરી રહેલી કર્સરની અંદર, એકબીજાના એંઠા કોફીના કપની કિનારી પર, અંધારામાં સ્પર્શના શોધાયેલા સરનામા પર, અધૂરી સિગારેટના કશની અંદર, ચોળાયેલા ટીશર્ટની સુગંધમાં અને કોઈ જુના પુસ્તકના પાના વચ્ચે સુકાઈને સચવાયેલા ગુલાબની પાંદડીઓમાં પ્રેમ અકબંધ છે, અખંડ છે, પાણીદાર છે અને તલપાપડ છે !

***