Sambandh name Ajvalu - 7 books and stories free download online pdf in Gujarati

સંબંધ નામે અજવાળું - 7

સંબંધ નામે અજવાળું

(7)

મોરા સૈયા મોસે બોલત નાહી

રામ મોરી

સંસ્કૃત નાટકોથી માંડીને ભવાઈ અને ભવાઈથી લઈને આજના નાટકો, ફિલ્મ, સાહિત્ય અને ચિત્ર કે નૃત્યમાં રીસાયેલી નાયિકા કે રીસાયેલો નાયક હંમેશા રસપ્રદ રહ્યા છે. કોઈ કોઈથી રીસાઈ જાય એ વાતમાં અકળામણ હોય પણ એ અકળામણનીય મજા તો છે જ. કોઈ તમારાથી રીસાઈ જાય છે કારણ કે એ તમારા પ્રેમ પર, તમારા ગમા અણગમા પર, તમારી હૂંફ પર એ પોતાનો અધિકાર સમજે છે. કોઈ તમારાથી રીસાઈ જાય છે કેમકે એ તમને પ્રેમ કરે છે. કોઈ તમારાથી રીસાઈ જાય છે કેમકે એ તમને જગતના સૌથી વધુ વ્હાલા ગણે છે. જગતનો સૌથી ગરીબ અને દયનીય માણસ તો એ છે કે જેનાથી કોઈ રીસાતું નથી. રીસ પણ એક પ્રકારનો ઉન્માદ છે. રીસાયેલી નાયિકા અને નાયકનું વર્ણન અનેક કાવ્યોમાં વર્ણવાયું છે. રીસની પોતીકી ઉર્જા છે, રીસની પોતીકી છટા છે. રીસામણા અને મનામણા એ રોજીંદા જીવનની બેસ્વાદ ઘટમાળમાં મસાલા તડકો છે. એવું કહેવાતું હોય છે કે સ્ત્રીઓ નાની નાની વાતો પર રીસાઈ જતી હોય છે. એનો અર્થ એ બિલકૂલ નથી કે સ્ત્રીઓના મન નાના છે, એનો સીધો અર્થ એ થયો છે કે એ વિના શરતે સમર્પણ સાથે પ્રેમ કરે છે. જો તમને કોઈ વ્યક્તિનું વ્હાલ મળે છે તો એની સાથોસાથ રીસામણા અને મનામણા લટકામાં આવે જ. રીસામણા અને મનામણા વિનાના પ્રેમની કલ્પના કરવી બહુ મુશ્કેલ છે. રીસમાં એવી તાકાત છે કે અશક્ય કામ પણ શક્ય બની જાય.

પૃથ્વી પર આવેલું પારીજાતનું વૃક્ષ એ પણ રીસામણાની જ દેન છે. સ્કંદપૂરાણ અને ભાગવતકથાના આધારે દ્વારિકામાં શ્રીકૃષ્ણની અષ્ટપટરાણીઓમાંની એક સત્યભામાએ જીદ કરી હતી. સત્યભામા શ્રીકૃષ્ણથી રીસાઈ હતી. અસુરો સામેના યુદ્ધમાં શ્રી કૃષ્ણએ દેવરાજ ઈન્દ્રને મદદ કરી તો દેવમાતા અદિતિએ શ્રીકૃષ્ણને ભેટમાં પારીજાતનું ફૂલ આપ્યું. શ્રીકૃષ્ણએ એ ફૂલ પોતાની પટરાણી રૂક્મિણીને આપ્યું. આ જોઈને રીસાયેલી સત્યભામાએ આખા પારીજાત વૃક્ષની જીદ કરી. પછી તો શું દ્વારિકાધીશને ઈન્દ્ર સાથે યુદ્ધ કરીને પારીજાત વૃક્ષ લાવવું પડ્યું. તો આ રીતે એક રીસથી જ અપ્રતિમ સૌંદર્યવાળા છે એવા પારિજાત ધરતી પર આવ્યા.

જગન્નાથ રથયાત્રા સાથે પણ આવી જ એક રીસની રોચક કથા જોડાયેલી છે. અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી પાસેથી આ રોચક કથા જાણી.એવું કહેવાય છે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલરામ અને નાનકી બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળે છે. જગન્નાથજી પોતાની પ્રિય પત્ની રુક્મિણીને સાથે લઈ જવાના બદલે બહેન સુભદ્રાને સાથે લઈ જાય છે જેના કારણે રુક્મિણીજી રીસાઈ જાય છે. સાંજે જ્યારે ભગવાન નીજ મંદિરે પાછા પધારે છે ત્યારે એમને મંદિરના ગર્ભ ગૃહમાં પ્રવેશ નથી મળતો. કારણ કે ગર્ભગૃહના બારણા અંદરથી બંધ કરીને રુક્મિણીજી રીસાઈને બેસી ગયા છે. ભગવાન જગન્નાથજી, બલરામ અને બહેન સુભદ્રાની આરતી રથમાં જ થાય છે એમને મંદિરમાં પુન: પ્રવેશ નથી મળતો. આખરે બીજા દિવસે સવારે રુક્મિણીજીને પશ્ચાતાપ થાય છે અને મંદિરના દ્વાર ખુલે છે. રુક્મિણીજીને મનાવવા ભગવાન એમને વચન આપે છે કે શ્રાવણમાસમાં આવતા હિંડોળા મનોરથમાં તેઓ રુક્મિણી સાથે ઝૂલા ઝૂલશે. અને આ રીતે શ્રાવણમાસમાં હિંડોળા મનોરથનો પ્રારંભ થયો. કથા કદાચ કાલ્પિનક હોય પણ એ કલ્પન પણ કેટલું પોતીકું અને બળુંકું લાગે છે. વ્રજમાં તો ક્રિષ્ન અને ગોપીઓ તેમજ ક્રિષ્ન અને રાધાના રીસામણા મનામણાના અનેક પદો છે. વૃંદાવનમાં એક જગ્યા છે રાધાકૂટીર. એવું કહેવાય છે કે એક વખત શ્રીકૃષ્ણથી રીસાઈને રાધાજી અહીં ટેકરી પર આવીને બેસી ગયા હતા. રાધાજીને ઈચ્છા થઈ કે શ્રીકૃષ્ણ પોતે મોરનું રૂપ લઈને આવીને નાચે અને રાધાજીના મનામણા કરે. એવું કહેવાય છે કે શ્રીકૃષ્ણએ મયૂર રૂપ ધારણ કરી નૃત્ય કરીને રાધાજીને મનાવ્યા હતા. કથકમાં કૃષ્ણનું મયૂર નૃત્ય બહું સુંદર નાટીકા છે. ગોપીઓની ફરિયાદો અને રીસને તપાસવા તો શ્રીકૃષ્ણએ દ્વારિકાથી ઉદ્ધવને મોકલ્યા હતા. શિવપૂરાણમાં પણ શિવ પાર્વતીના મનામણા રીસામણાની અનેક સુંદર કથાઓ છે. શિવપૂરાણમાં તો પાર્વતીથી રીસાઈને શિવજી વારંવાર ક્યાંક ભાગી જાય અને પછી બિચારા પાર્વતી અને ગણો શિવજીને શોધવા નીકળી પડે. શિવપૂરાણની કથાઓને તપાસીએ તો સમજાય કે શિવ પાર્વતીના લગ્નજીવનમાં રીસામણા અને મનામણા વારંવાર સર્જાતા રહ્યા છે. રીસ તો ન કરાવે એટલું ઓછું છે. આખી રામાયણ જુઓ તો ત્યાં તો રીસાયેલા પાત્રોની કોઈ કમી જ નથી. મંથરાની કાનભંભેરણી પછી કોપભવનમાં જઈને રીસાયેલી કૈકેયીથી રામવનવાસની ભૂમિકા બંધાય છે. રામ પર મોહિત થઈ અને કાનનાક કપાવીને અપમાનિત થયેલી શૂપર્ણખાની રીસ સીતાહરણનું કારણ બને છે. તે મને માયાવી રાક્ષસની ગૂફામાં પથ્થર મુકીને ફસાવી કેમ દીધો એ રીસ અને ગુસ્સામાં વાલી સુગ્રીવનો આખો ક્રિષ્કિંધાકાંડ. અને આખરે સીતાજીનું મનદુ:ખ કહો કે રીસ કે મારે ક્યાં સુધી મારી પવિત્રતાની કસોટી આપતું રહેવાનું અને એમનો ધરતીપ્રવેશ. મહાભારતના દરેક અધ્યાયમાં આખેઆખી સત્તા ઉલટ ફૂલટ થઈ એ રીસના કારણે જ. ભીષ્નની પ્રતિજ્ઞા, અંબા ત્યાગ, દ્રૌપદી સ્વયંવર, વસ્ત્રાહરણ, ગુપ્તવાસ, મહાભારતનું યુધ્ધ અને યુધિષ્ઠિરના રાજ્યાભિષેક સુધી માત્ર રીસ જ છે.

આપણા ગીતો અને લોકગીતોમાં પણ રીસામણા મનામણા સુંદરરીતે લખાયા છે. ‘’હો રંગ રસીયા ક્યાં રમી આવ્યા રાસ જો.....’’ ગીતમાં પણ રીસાયેલી નાયિકાની નાયક પ્રત્યને ઉલટ તપાસ જ છે. ‘’જટ જાઓ ચંદનહાર લાવો ઘુંઘટ નહીં ખોલું…’’ થી માંડીને ‘’નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું...’’ રીસાયેલી પાત્ર, એની અડધી ભીની અને અર્ધી ગુસ્સાથી લાલાશવાળી આંખો, વાંરવાર ફૂલી જતું નાક, આમતેમ મરોડાતી નાકની દિશા, હાથની આંગળીઓને મરોડીને વારંવાર ફૂટતા ટચાકા, પગના અંગુઠાથી જમીનને સતત ખોતરવી, જેનાથી રીસાયેલા છે એ ગમતી વ્યક્તિની સામે જોયા વિના બીજું બીજું કામ કરતા રહેવું, જેનાથી રીસાયા હોઈએ એને ખબર જ ન હોય તો વારંવાર ખોંખારો ખાઈને કે વસ્તુઓ કે પગ જોરજોરથી પછાડીને કહેવાનું કે હું નારાજ છું આ બધાની એક મજા છે.

માણસને કોઈનાથી ફરિયાદ ત્યારે જ થાય જ્યારે એ સામેની વ્યક્તિને ભરપૂર પ્રેમ કરતો હોય. સામેની વ્યક્તિને પોતાની પણ વધારે મહત્વ આપતો હોય. ફરિયાદ વગરનો પ્રેમ એ એકબીજાને મૂર્ખ બનાવતા રહેવાની ક્ષણો છે. રીસાવવાને લિંગભેદ સાથે કોઈ મતલબ નથી. રીસાયેલી નાયિકા જેટલી સુંદર હોય એટલો જ સુંદર રીસાયેલો નાયક હોય છે. એક બહું જ સુંદર વાત સાંભળી હતી કે એક ગામમાં મોટી ઉંમરના વૃધ્ધ પતિ પત્ની એકબીજાની નારાજ હતા. શિયાળાની રાત હતી. બહુ જ ઠંડી હતી. ખેતરમાં બંને જણા તાપણી કરીને તાપતા હતા. બંને ડોસાડોસી એકબીજાની સામે પણ જોતા ન હતા. એમાં અચાનક એવું થયું કે ડોસાજીની ધોતી પર તાપણીમાંથી ઉડીને તીખારો પડ્યો. ડોસાનું ધ્યાન નહીં અને ડોસીમા જોઈ ગયા. હવે રીસાયેલા તો બંને હતા. એકબીજા સાથે વાત તો કરતા નહોતા. પણ ડોસીમાથી રહેવાયું નહીં તો એણે કહી દીધું કે, ‘’આપણે શું કામ કોઈને કહીએ કે એની ધોતી પર તીખારો પડ્યો છે.’’ તો આ છે પ્રસન્ન દાંપત્યજીવનના રીસામણા મનામણાની સૌથી સુંદર કથા.

તમારી આસપાસ પણ કોઈ એવું તો નથી ને કે જેને તમારા મનામણાની રાહ હોય. કોઈ વારંવાર એટલે પણ રીસાઈ જતું હોય છે કેમકે એને ભરોસો હોય છે કે મનાવવાના બહારને તમારું છલકાયેલું વ્હાલ એમને મળશે. મનાવવા માટે દરેક વખતે શબ્દોની જરૂર નથી પડતી. હૂંફાળો સ્પર્શ અને સ્નેહભરેલી આંખો મનાવવા માટેના જગતના શ્રેષ્ઠ સંવાદો છે.

***