Maut ni Safar - 31 books and stories free download online pdf in Gujarati

મોત ની સફર - 31

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 31

ઘણી સમસ્યાઓને હરાવી આઠ લોકોનું દળ ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યું હતું.. ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.. ગુરુ અને જોહારી ખોવાઈ ગયાં બાદ પોતાનાં દોસ્તોને સહી સલામત મળી આવે છે.. વિરાજ ની જે ટુકડી હોય છે એ સાપોથી ભરેલાં તળાવને તો પાર કરી લે છે પણ બે વિશાળ કરોળિયાં એમનાં રસ્તામાં આવીને ઊભા રહે છે.. તો બીજી તરફ એક વિશાળકાય અજગર માઈકલ અને એમની ટીમ નો રસ્તો રોકે છે.

વિરાજ અને ગુરુ અત્યારે જમીન પર પડ્યાં હતાં જ્યાં એમની સામે બે વિશાળકાય કરોળિયાં ધીરેથી એમની તરફ આગળ વધી રહ્યાં હતાં.. બંને કરોળિયાંનાં મોંઢામાંથી આવતી લાળ એ વાતની સાબિતી હતી કે વિરાજ અને ગુરુ નજીકમાં એમનો કોળિયો બનવાનાં હતાં.

ગુરુ અને વિરાજની આ હાલત જોઈ ડેની અને કાસમ સ્થિર બની ત્યાં ઉભાં રહી ગયાં હતાં.. આગળ શું કરવું એ હાલ પૂરતું તો એ બંને ને નહોતું સૂઝી રહ્યું.. અચાનક મનમાં કંઈક આવતાં કાસમે પોતાનાં કમરે લબડતાં નાઈફ પોકેટમાંથી એક ધારદાર છરી કાઢી.. અને ડેની ની તરફ જોઈ પોતાની બે આંગળી વડે આંખ તરફ ઈશારો કર્યો.. કાસમ નાં કહેવાનો અર્થ ડેની તરત જ સમજી ગયો અને એને પણ પોતાની નાઈફ પોકેટમાંથી છરી હાથમાં લીધી.

ત્યારબાદ કાસમે પોતાનાં જમણાં હાથની મુઠ્ઠીમાં છરીને બરાબર ફિટ ભરાવી અને ડેની ને પણ ઈશારો કરી કે એ પણ પોતાનાં જેવું કરી આગળ વધે.. ડેની એ પણ પોતાની આંખો વડે પોતે તૈયાર છે એવો ઈશારો કર્યો અને છરીને મુઠ્ઠી વચ્ચે બરાબરની ફિટ જકડી લીધી.

એક મોટી હાકલ કરી ડેની અને કાસમ બંને કરોળિયાં તરફ આગળ વધ્યાં.. કરોળિયાં ગુરુ અને વિરાજની બિલકુલ નજીક આવી ગયાં ત્યારે જ કાસમ અને ડેની એ બંને કરોળિયાં ની આંખમાં છરી ઘુસેડી દીધી.. છરી ને કરોળિયાં ની આંખમાં જ મૂકી ડેની એ ગુરુને હાથ આપી ઉભો કર્યો અને કાસમે ટેકો આપી વિરાજને ઉભો કર્યો.

હવે બંને કરોળિયાં અંધ થઈ ગયાં હશે એમ માની એ ચારેય લોકો ત્યાંથી દોડીને આગળ જવાં ઈચ્છતાં હતાં ત્યારે કરોળિયાં પોતાનાં દર્દને ભૂલીને પારાવાર ગુસ્સા સાથે એ લોકોની આગળ આવીને ઉભાં રહ્યાં.

હવે આ બંને કરોળિયાં નું કંઈક કરવું પડશે એમ વિચારી વિરાજે પોતાનાં ખભે લટકાવેલી બેગમાં કંઈક હથિયાર શોધવા હાથ નાંખ્યો.. વિરાજની પોતાની બેગ તો ક્યાં રહી ગઈ હતી એની એને ખબર જ નહોતી પણ ખભે લટકતી માઈકલની બેગમાં હાથ નાંખતાં જ વિરાજને હાથમાં એક રિવોલ્વર લાગી ગઈ.. જર્મન બનાવટની આ ગજબની રિવોલ્વર હાથમાં આવતાં જ વિરાજે ઉપરાઉપરી ગોળીઓ એ બંને કરોળિયાં પર વરસાવી દીધી.

ગોળીઓ નાં વરસાદ નાં લીધે બંને કરોળિયાં ઘાયલ થઈ ગયાં અને એમને થયેલાં ઘામાંથી કાળા રંગનું લોહી નીકળવા લાગ્યાં.. થોડી વારમાં તો બંને કરોળિયાં ભોંયભેગા થઈ ગયાં અને મોત ને ભેટયા.. જેવો એ બંને કરોળિયાં એ છેલ્લો શ્વાસ છોડ્યો એ સાથે જ કાસમ, ડેની, ગુરુ અને વિરાજે રાહતનો શ્વાસ લીધો.

"હાશ, મરતાં મરતાં માંડ બચ્યાં.. "પોતાનાં ચહેરે વળેલો પરસેવો શર્ટ વડે લૂછતાં ડેની બોલ્યો.

"તારો ભાઈ જોડે હોય અને તમને કંઈ થવાં દેતો હશે.. તેરે ભાઈ જૈસા કોઈ હાર્ડ હી નહીં હૈ.. "વિરાજે મજાકિયા સુરમાં કહ્યું.

"ચલો ભાઈ હવે આગળ વધીએ.. મને લાગે છે કે આ રસ્તા નો અંત આવી ગયો છે અને નજીકમાં આપણે મંજીલ સુધી પહોંચી જઈશું.. "કાસમ વિરાજને ઉદ્દેશીને બોલ્યો.

"સારું.. ચલો ત્યારે.. "ઝટકો મારી પોતાનાં ખભેથી ઉતરી ગયેલી બેગને વ્યવસ્થિત ખભે લાવતાં વિરાજ બોલ્યો ત્યાં તો બેગની અંદરથી અમુક વસ્તુઓ નીચે પડી ગઈ.

વિરાજે જોયું તો એ બે પાસપોર્ટ હતાં અને જોડે એક જૂનું પુરાણું એક કાગળ હતું.. વિરાજે નમીને એ બંને પાસપોર્ટ ઉપાડીને પોતાનાં હાથમાં લીધાં.. એક પાસપોર્ટ માઈકલ નો હતો અને બીજો હતો અબુ નો.. વિરાજે સૌ પ્રથમ તો માઈકલનાં પાસપોર્ટ નાં પન્ના ફેરવીને પાસપોર્ટ પર લાગેલાં અલગ અલગ દેશોની એમ્બેસીનાં વિઝાનાં સિક્કા જોયાં.. આ સિક્કા જોઈને વિરાજની આંખો ઝીણી થઈ ગઈ.. કંઈક ઝબકારો થતાં વિરાજે ફટાફટ અબુનો પાસપોર્ટ ખોલ્યો અને એને પણ ફેરવીને એનાં બધાં પન્ના પર લાગેલાં વિઝાનાં સિક્કા ચકાસી જોયાં.

ત્યારબાદ બંને પાસપોર્ટ જોડે મળેલું જૂનું કાગળ હાથમાં લીધું અને એને જમીન પર મૂકીને ધ્યાનથી જોયું.. એ કાગળ બીજું કંઈ નહીં પણ આ જગ્યાનો અંદાજીત નકશો હતું.. મતલબ કે એમાં વધુ વિગતવાર તો રસ્તાઓનું વર્ણન નહોતું પણ ઘણેખરે અંશે એ લોકો જે રીતે આગળ વધ્યાં અને જે મુસીબતો આવી એ મુજબ ની સંજ્ઞાઓ રસ્તામાં બનેલી હતી.. જેમકે એક જગ્યાએ ઘણાં બધાં સાપોનું તો એક જગ્યાએ કરોળિયાઓનું ચિત્ર નકશામાં બનેલું હતું.

પણ બીજાં રસ્તે આવી કોઈ મુસીબત ભરી સંજ્ઞા બનેલી નહોતી.. હા એક જગ્યાએ ખાલી એક ચોકડી બનાવેલી હતી.. જેનો મતલબ ના સમજે એવો વિરાજ પાગલ નહોતો.. એને માઈકલ નાં એ શબ્દો યાદ આવ્યાં જેમાં એને પોતે જમણી તરફનાં રસ્તે આગળ જશે એવું કહ્યું હતું.. અમુક વસ્તુઓ હવે વિરાજનાં મનમાં ક્લિયર થઈ રહી હતી અને એ ક્લિયર થયેલી વસ્તુઓને એકબીજા સાથે જોડતાં વિરાજ જે નિષ્કર્ષ પર આવ્યો એને વિરાજને હલાવી દીધો.. એક ઝાટકા સાથે વિરાજ બોલ્યો.

"સાહિલ નો જીવ જોખમમાં છે.. અને શક્યવત આપણો બધાં નો પણ.. "

વિરાજ આવું કેમ બોલ્યો હતો એનું કારણ એને જોયેલાં પાસપોર્ટ અને નકશામાં હતું એ તો કાસમ, ડેની અને ગુરુ સમજી ગયાં હતાં પણ એ કારણ શું હતું એ જાણવા બધાં ઉતાવળાં હતાં.

***

એક તરફ જ્યાં વિરાજ અને એની સાથે મોજુદ કાસમ, ગુરુ અને ડેની પોતાની સામે આવેલી મુશ્કેલીનો સામનો કરી આગળ વધી નીકળ્યાં હતાં તો બીજી તરફ વિશાળકાય અજગર અત્યારે માઈકલ, અબુ, જોહારી અને સાહિલ ની સામે માર્ગ અવરોધક બનીને હયાત હતો.

અબુ અને સાહિલ ને તો ત્યાંથી નીકળી જવાનું માઈકલે કહી દીધું હતું પણ હવે એ પોતે અને જોહારી અજગર ની અંદર ખંજર ઘુસેડ્યા બાદ એનાં ગુસ્સાનો સામનો કરવાં કેટલાં તૈયાર હતાં એ તો હવે જ ખબર પડવાની હતી.

એક તરફ જ્યાં જોહારી એ માઈકલ ની યોજના મુજબ અજગર ને ઘાયલ કર્યો હતો તો બીજી તરફ માઈકલે પણ એ જ ક્ષણે અજગર પર ધારદાર ખંજર વડે હુમલો કરી એનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળતા મેળવી હતી.. જોહારી દ્વારા પોતાની ઉપર હુમલો થતાં પહેલાં એ અજગરે જોહારી તરફ સરકવાનું મન બનાવ્યું હતું પણ બીજી જ ક્ષણે માઈકલે કરેલાં હુમલા નાં લીધે એ અજગર જોહારી તરફ જવાનું પડતું મૂકી માઈકલ ની તરફ સરકયો.

માઈકલ જાણતો હતો કે એને ગમે ત્યારે આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે એમ હતો એટલે જ એ પોતાની સાથે જર્મન બનાવટની રિવોલ્વર લઈને આવ્યો હતો.. પણ ભૂલથી પોતાની બેગ વિરાજ જોડે રહી જતાં અત્યારે એ રિવોલ્વર એનાં માટે નકામી બની ગઈ હતી.. પણ માઈકલ હંમેશા પોતાની જોડે પ્લાન B પણ રાખતો.. અને આ પ્લાન B સ્વરૂપે એની જોડે એક નાનકડી શોટ ગન હતી.. જેની અંદર એક ગોળી ફાયર કરો પછી કારતુસ બદલ્યા બાદ જ બીજી ગોળી ફાયર થઈ શકે.

માઈકલે તત્ક્ષણ એ શોટ ગન નીકાળી અને એનું એક અચૂક નિશાન લઈ પોતાની તરફ આગળ વધી રહેલાં અજગર પર એક ગોળી છોડી દીધી.. આ એક ગોળી સીધી એ અજગરની જમણી તરફની આંખમાં ખુંપી ગઈ અને થોડો સમય પૂરતો એ અજગર દર્દથી પોતાનું માથું જમીન પર પછાડતો રહી ગયો.. આ ક્ષણ નો લાભ લઇ માઈકલે પોતાનાં પેન્ટ પર લટકતી નાનકડી પોટલીમાંથી એક કારતુસ નીકાળી શોટ ગનમાં ભરી દીધી.

આંખમાંથી નીકળતાં લોહી સાથે એ અજગર પુનઃ માઈકલ તરફ તીવ્ર ગુસ્સામાં આગળ વધ્યો.. આ સમયે માઈકલે ફરીવાર પોતાનાં ડાબા હાથનો સ્ટેન્ડ તરીકે ઉપયોગ કરતો હોય એમ શોટ ગનને ડાબા હાથ પર ટેકવી અને બીજી ગોળી અજગરની ડાબી આંખ ઉપર છોડી દીધી.. આ વખતે પણ માઈકલનું નિશાન અચૂક હતું અને અજગરની બીજી આંખ પણ એ સાથે ફૂટી ગઈ.

ત્યાંથી દોડતાં સાહિલ અને અબુ નાં કાને ઉપરાઉપરી બે ગોળીઓ છૂટવાનો અવાજ સંભળાયો પણ વિશાળકાય અજગરની મસમોટી કાયા પાછળ શું થઈ રહ્યું હતું એ જોઈ શકવું એમનાં માટે શક્ય નહોતું એટલે એ બંને એ આગળ વધવાનું ચાલુ જ રાખ્યું.. અબુ ને ચાલવામાં તકલીફ તો પડી રહી હતી પણ સાહિલની મદદથી અબુ મહા મુસીબતે આગળ પડતાં સાંકડા રસ્તા તરફ આગળ વધી રહ્યો હતો.

સાહિલ અને અબુ બીજું કંઈ ઝાઝું તો કરી શકે એમ નહોતાં પણ એ બંને પોત પોતાનાં ઈષ્ટદેવ ને યાદ કરી માઈકલ અને જોહારી સહી સલામત બચી જાય એવી પ્રાર્થના તો કરી રહ્યાં હતાં.. અબુ અને સાહિલ દસેક મિનિટ જેટલું દોડીને ઘણાં દૂર આવી ચુક્યાં હતાં જ્યાંથી દૂર શું થઈ રહ્યું છે એ એમની નજરે સાફ-સાફ નહોતું પડી રહ્યું.

એક સમય એવો હતો જ્યારે એમની નજરે માઈકલ અને જોહારી એમની તરફ દોડીને આવતાં નજરે જરૂર પડ્યાં પણ બીજી જ ક્ષણે એ અજગર દ્વારા એમનો રસ્તો રોકવામાં આવતાં એ બંને દેખાવાનાં જ બંધ થઈ ગયાં.

બીજી બે-ત્રણ મિનિટ વીતી હશે ત્યાં એમની નજરે કોઈ માનવ આકૃતિ ચડી જે એ અજગર ને વટાવી એમની તરફ દોડતી આવતી હતી.. એ જગ્યાએ એટલો તો પ્રકાશ હતો નહીં કે સ્પષ્ટ જોઈ શકાય કે એ કોણ હતું છતાં અબુ અને સાહિલ ને અંદાજો આવી ચુક્યો હતો કે એ માઈકલ જ હતો.. માઈકલ જાણે જીંદગીની આખરી રેસમાં દોડતો હોય એ ગતિએ દોડીને છેક એમની નજીક આવી ગયો ત્યારે એમને જોયું કે હા એ સાચેમાં માઈકલ જ હતો.

"જલ્દી, અંદર ઘુસો.. એ અજગર પાછળ આવતો જ હશે.. "પોતાની પાછળ ગરદન ઘુમાવી જોતો માઈકલ ડર નાં ભાવ સાથે મોટેથી અબુ અને સાહિલને ઉદ્દેશીને બોલ્યો.

માઈકલ નાં આમ બોલતાં જ સાહિલ અને અબુ એ માઈકલની પાછળની તરફ જોયું તો સાચેમાં એ અજગર સરકતો સરકતો એ તરફ જ આવી રહ્યો હતો.. આ જોતાં જ એ બંને એ પણ માઈકલ ની સાથે એ સાંકડા રસ્તે દોટ મૂકી.. એ રસ્તાનું શરૂઆતનું મુખ થોડું પહોળું હતું એટલે જ્યાં સુધી એ અજગર અંદર ના આવી શકે એવો સાંકડો રસ્તો ના આવ્યો ત્યાં સુધી ત્રણ-ચાર મિનિટ સુધી એ ત્રણેય જણા મુઠ્ઠીઓ વાળીને એકધારું બસ ભાગતાં જ રહ્યાં.

આખરે માઈકલ ને પોતે સુરક્ષિત જગ્યાએ આવી પહોંચ્યો છે એવું લાગ્યું એ સાથે જ એ અટકી ગયો.. માઈકલ નું આંખું શરીર પરસેવે રેબઝેબ હતું અને એની છાતી પણ શ્વાસોશ્વાસ ની ઝડપી ગતિની સાથે ધામણની જેમ ઊંચી નીચી થઈ રહી હતી.. અબુ અને સાહિલ પણ થાકી જરૂર ગયાં હતાં.. મોત ને સામે જોઈ અબુનું બધું દર્દ પણ એક પળમાં ગાયબ થઈ ચૂક્યું હતું.

જેવો માઈકલ થોડો સ્વસ્થ થયો એ સાથે જ સાહિલ અને અબુ એ એકસાથે એની તરફ જોતાં સવાલ કર્યો.

"જોહારી ક્યાં ગયો.. ?"

વધુ નવાં ભાગમાં.

★★★