મોત ની સફર - 33

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 33

આઠ લોકોનું દળ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.વિરાજ ની જે ટુકડી હોય છે એ મુશ્કેલીઓ પાર કરતી આગળ વધે છે જ્યાં અમુક વસ્તુઓ પરથી એમને માઈકલ અને અબુ પર સંદેહ જાય છે કે એ બંને કંઈક ગેમ રમી રહ્યાં છે.. .બીજી તરફ જોહારી ને મોતનાં મુખમાં ધકેલી પોતે અજગરથી બચી નીકળેલાં માઈકલ નું પોત પ્રકાશમાં આવે છે અને એ પોતાનું કામ પૂરું થઈ જતાં સાહિલને પણ ઠેકાણે પાડી દેવાની વાત કરે છે.

"દોસ્તો.. આપણે જેટલી ઝડપે આગળ વધાય એટલી ઝડપે આગળ વધવું જોઈએ.. માઈકલ પહોંચે એ પહેલાં આપણે મંજીલ સુધી પહોંચવું જરૂરી છે.. "વિરાજ પોતાની સાથે ચાલી રહેલાં કાસમ, ડેની અને ગુરુને સંબોધી વારંવાર એક જ વાત રિપીટ કરી રહ્યો હતો.

એ લોકો સતત બે કલાક જેટલું ચાલ્યાં હતાં ત્યાં એમની સામે એક મોટો વિશાળકાય દરવાજો આવ્યો.. લાકડાં અને સોના નાં મિશ્રણથી બનેલો આ દરવાજો ખોલ્યાં સિવાય આગળ પ્રવેશવું અશક્ય હતું.. પણ આ દરવાજો એટલો મોટો હતો કે એ ચાર લોકો વડે તો ખુલવાની શકયતા જ નહોતી.

"વિરાજ, આ દરવાજો તો આપણાંથી રતીભાર પણ નથી હલતો.. "ચારે લોકોએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કરી લીધાં બાદ હાંફતા હાંફતા કાસમ વિરાજની તરફ જોઈને બોલ્યો.

"હા, યાર.. આ દરવાજો એટલો વજનદાર છે કે એને ખોલવો અશક્ય લાગી રહ્યું છે હાલ તો.. "વિરાજ નાં અવાજમાં પણ લાચારી દેખાઈ રહી હતી.

"ભાઈ.. મને લાગે છે જ્યાં બળ કામ ના લાગે ત્યાં કળથી કામ લેવું જોઈએ.. "દરવાજાની બનાવટની ધ્યાનથી જોઈ રહેલો ગુરુ આંખો ને ઝીણી કરીને બોલ્યો.

"તું કહેવા શું માંગે છે ભાઈ.. ?"ગુરુની વાત સાંભળી એની તરફ વિસ્મય ભર્યાં ભાવે જોતાં બોલ્યો.

"મિત્ર.. આ ઈજીપ્ત છે.. અને અહીં ની દરેક વસ્તુઓ એક ચોક્કસ પેટર્ન મુજબ જ ખુલે છે.. જે તમે નીચે આવવાનાં રસ્તે જોઈ ચુક્યાં છો.. તો આ દરવાજામાં પણ એવી કોઈક તો કળ હશે જેનાંથી આ ભારેખમ દરવાજો ખુલી જતો હશે.. "ગુરુ પોતે શું કહી રહ્યો હતો એનો અર્થ સમજાવતાં બોલ્યો.

"તો પછી એવું કંઈક નજરે કેમ નથી ચડતું.. ?"ગુરુની વાત સાંભળી પોતાની રોજની ટેવ મુજબ ડેની બોલ્યો.

ડેની નો સવાલ સાંભળી ગુરુ એ પોતાની નજરને દરવાજાની બનાવટ પર કેન્દ્રિત કરી.. કંઈક તો એવું હશે જેનાં વડે આ દરવાજો ક્યાંકથી તો ખુલતો જ હશે એમ વિચારતાં ગુરુનું ધ્યાન અચાનક ત્રણ ચાર વસ્તુઓ પર પડ્યું અને એ ખુશ થતાં બોલી ઉઠ્યો.

"મળી ગયો અંદર જવાનો પાસવર્ડ.. "

"અંદર જવાનો પાસવર્ડ.. મતલબ.. ?"ગુરુ નાં આટલું બોલતાં જ વિરાજે ગુરુનો ચહેરો તકતાં સવાલ કરી લીધો.

"વિરાજ.. તને ખબર તો છે જ ને કે મિસર નાં લોકો પ્રકૃતિને પણ ઈશ્વર તુલ્ય ગણતાં એટલે એમનાં દેવતાઓ અને દેવીઓનાં સ્થાનકોમાં પણ પ્રકૃતિનાં મૂળભૂત અવતારો ને સ્થાન મળ્યું છે.. જેવાં કે નદીઓ, વૃક્ષો, સૂર્ય અને ચંદ્ર.. "વિરાજનાં સવાલનાં પ્રતિભાવમાં ગુરુ બોલ્યો.

"હા એ વિશે તો પહેલાં સાંભળેલું હતું અને ગિઝા નાં પિરામીડો ની સફર વખતે નજરે જોઈ પણ લીધું કે મિસર નાં લોકો પ્રકૃતિ ને કેટલી પૂજ્ય ગણે છે.. "વિરાજની આ વાત ની સાથે કાસમ અને ડેની પણ સહમત હોય એમ ડોકું હલાવતાં રહી ગયાં.

"તો પછી એ પ્રકૃતિનાં જ બે સૌથી મોટાં ભાગ એવાં સૂર્ય અને ચંદ્ર નો ઉપયોગ કરીને જ આ દરવાજો ખુલશે.. "ગુરુ દરવાજાની તરફ આંખો સ્થિર કરીને ચહેરા પર સ્મિત સાથે બોલ્યો.

"તો ભાઈ પછી જલ્દી કર અને આગળ જવાનો રસ્તો ખોલ.. કેમકે સાહિલ ની જીંદગી નક્કી જોખમમાં છે.. "વિરાજ અકળામણ અને અધીરાઈ બંને નાં મિશ્ર ભાવ સાથે બોલ્યો.

વિરાજની વાત સાંભળી ચહેરો હકારમાં હલાવી ગુરુ લોખંડ નાં વિશાળ દરવાજા ને ખોલવા આગળ વધ્યો.

***

એકતરફ જ્યાં વિરાજ પોતાની ટુકડી સાથે લોખંડના દરવાજાનાં લીધે આગળ વધતાં અટકી ગયો હતો તો બીજી તરફ પોતાનાં મનમાં ચાલી રહેલી મેલી મુરાદ પુરી કરવાં માઈકલ જોહારી ને મોતનાં મુખમાં સપડાવી સાહિલ અને અબુ સાથે ફટાફટ આગળ વધી રહ્યો હતો.

માઈકલ ને હતું કે હવે એ ખુબજ સરળતાથી ફેરો અલતન્સનાં ખજાનાં અને ડેવિલ બાઈબલનાં બાકીનાં સાત પન્ના સુધી પહોંચી જશે.. પણ અમુક વખત તમે જે વસ્તુને સરળ સમજી લો એ અણધારી મુશ્કેલ બની જાય છે.

માઈકલ પોતે કેમ ત્યાં આવ્યો હતો એ પાછળ પણ એક મોટું રહસ્ય હતું અને આ રહસ્ય ની શરૂઆત થઈ હતી લ્યુસીનાં કેટકોમ્બ માં આવેલ ફિલોસોફર સ્ટોન શોધવાની સફર દરમિયાન.. આ સફર ની માઈકલે વિરાજ અને એનાં દોસ્તોને જે વાતો કરી હતી એમાં મોટાં ભાગની વાતો તો સત્ય જ હતી પણ ડેવિલ બાઈબલ સાથે જોડાયેલી વાતમાં માઈકલે એ લોકોની સમક્ષ નર્યું ઝુઠાનું જ ચલાવ્યું હતું.

હકીકતમાં ગંભીર સ્થિતિમાં ધવાયેલાં કાર્તિક ને બચાવવા માટે લ્યુસી એ જ્યારે ફિલોસોફર સ્ટોન નો ઉપયોગ કરવાની વાત કરી ત્યારે માઈકલે લ્યુસીનો ભરપૂર વિરોધ કર્યો હતો.. માઈકલ ઈચ્છતો હતો કે ફિલોસોફર સ્ટોનની મદદથી પોતે અબજો ની સંપત્તિ નો માલિક બની શકશે.. કેમકે એ ફિલોસોફર સ્ટોનનાં સ્પર્શ માત્રથી કોઈપણ જડ વસ્તુ સોનાની બની જતી.. અને આ યુક્તિ માત્ર થી માઈકલ ધન-દોલતમાં સુવાનાં સપનાં જોઈ રહ્યો હતો.

માઈકલ ની લ્યુસી સાથે કેટકોમ્બ ની સફરે જવાનું કારણ એનો લ્યુસી તરફનો પ્રેમ નહીં પણ એની આ લાલચ જ હતી.. અને એ જ કારણથી માઈકલે જ્યારે લ્યુસી દ્વારા કાર્તિક ને બચાવવા ફિલોસોફર સ્ટોનને દાવ પર મુકવાની તૈયારી બતાવી ત્યારે પોતાની નારાજગી જાહેર કરી.. પણ લ્યુસી એક ની બે ના થઇ એટલે માઈકલે એની વાત સ્વીકારવી પડી.

ડેવિલ બાઈબલ સાચેમાં માઈકલ બધાંથી છુપાવીને જ લાવ્યો હતો પણ એને કહ્યાં મુજબ કે એને સામે ચાલીને ડેવિલ બાઈબલ લ્યુસીને બતાવી હતી એ વાત તદ્દન ખોટી હતી.. સાચેમાં તો જ્યારે એ લોકો કેટકોમ્બમાંથી બહાર ફેંકાયા ત્યારે માઈકલની બેગમાંથી ડેવિલ બાઈબલ બહાર નીકળીને લ્યુસીની સામે આવીને પડી.

એક શૈતાન ની મરજીથી લખાયેલું પુસ્તક આમ બહાર લઈને આવવાં પર લ્યુસી માઈકલ પર જોરદાર ગુસ્સે થઈ.. પણ માઈકલ ઘણો ચાલાક હતો.. અને પોતાની બુધ્ધિનાં જોરે લ્યુસીનાં મનમાં ઠસાવી દીધું કે પોતે એ ડેવિલ બાઇબલને લ્યુસી માટે બહાર લાવ્યો છે.. કેમકે ફિલોસોફર સ્ટોન હાથમાં ના આવતાં આ ડેવિલ બાઈબલ થકી લ્યુસી દુનિયાનાં શ્રેષ્ઠ આર્કિયોલોજીસ્ટ ની હરોળમાં આવી જાય.

લ્યુસી પણ એ સમયે માઈકલ ની એ ચાલાકી ના સમજી શકી કે એ પોતાનો ઉપયોગ કરી ડેવિલ બાઈબલ ને સંપૂર્ણ બનાવવા ઈચ્છે છે.. લંડન પહોંચ્યાં બાદ માઈકલે જ લ્યુસીને આ ડેવિલ બાઈબલનાં બાકીનાં પન્ના શોધી એને પૂર્ણ કર્યા બાદ જ બ્રિટિશ સરકાર ને આપવાનું કહ્યું.. લ્યુસીને પણ માઈકલની એ વાત એ સમયે યોગ્ય લાગી.

માઈકલ નાં કહેવાથી જ લ્યુસીએ એ શૈતાની પુસ્તક નો ઉપયોગ કરી એ પુસ્તકનાં બાકીનાં પન્ના ક્યાં છે એની માહિતી એકત્ર કરી.. માઈકલ પોતાનો જીવ જોખમમાં મુકવા નહોતો માંગતો એટલે એને લ્યુસી સાથે ઈન્ડિયા જવાની ના કહી દીધી.. પણ લ્યુસી છ મહિના સુધી પાછી ના આવતાં માઈકલ એક વાર ઇન્ડિયા પણ જતો આવ્યો.

આખરે લ્યુસી નહીં આવે એમ વિચારી પોતાની જોડે રહેલી ડેવિલ બાઇબલની મદદથી જ માઈકલે એ પુસ્તક નાં બીજાં પન્ના ઈજીપ્ત છે એવું જાણી લીધું.. ગ્રેટ નિકોબાર ટાપુ પર મોજુદ ડેવિલ બાઈબલનાં પન્ના શોધવાનું હાલ પૂરતું મુલતવી રાખી માઈકલે ઈજીપ્ત જઈને પહેલાં બીજાં પન્ના શોધી લેવાનો વિચાર બનાવ્યો.

પોતાની ઈજીપ્ત ની પ્રથમ સફર દરમિયાન જ ખજૂર નો ઈમ્પોર્ટ એક્સપોર્ટ નો બિઝનેસ કરતાં મૂળ ઇજિપ્શિયન નાગરિક અબુ સાથે માઈકલ નો ભેટો ફ્લાઈટમાં થયો.. અબુ પોતાની આગળની સફરમાં ઘણો કામ આવી શકે છે એમ વિચારી માઈકલે રાજ અલતન્સ નાં ખજાનાં ની લાલચ આપીને એને પોતાની યોજનામાં સામેલ કરી દીધો.

આ પ્રથમ સફર દરમિયાન જ માઈકલે હબીબી નાં ખંડેરો સુધી પહોંચવાની ઉપરછલ્લી માહિતી મેળવી લીધી.. બીજી વખત જ્યારે એ ફરી ઈજીપ્ત આવ્યો ત્યારે તો એને ઘણી મહેનત કરીને હબીબી ખંડેરો સુધીનાં રસ્તા અને ભૂગર્ભ માર્ગ ની માહિતી આપતો નકશો શોધી કાઢ્યો.

માઈકલ એ વખતે તો અબુની સાથે હબીબી ખંડેર સુધી ની સફર પર પણ ગયો.. પણ અડધે રસ્તે જ એ સમજી ચુક્યો હતો કે એ બે જણા થી તો આગળ વધી શકાય એવું નથી એટલે હતાશ થઈને એ પાછો લંડન આવી ગયો.. માઈકલે તો હવે ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવાનો વિચાર પડતો મૂકી એ પુસ્તક ને બ્લેક માર્કેટમાં મોટી કિંમતે વેંચી દેવાનું નક્કી કર્યું હતું.. પણ એનાં નસીબજોગે વિરાજ અને એનાં મિત્રો માઈકલ ને મળવા આવી પહોંચ્યાં.

એ લોકો સાથે ની પ્રથમ મુલાકાતે જ માઈકલે આ યોજના ને હવે કઈ રીતે કારગર કરવી એનું આયોજન કરી લીધું.. અને પછી એ લોકોને પોતાની વાતોમાં ભોળવી ઈજીપ્ત સુધી લઈ આવવામાં માઈકલ સફળ થયો.. અબુને જાણીજોઈને માઈકલે સ્થાનિક રહેવાસી તરીકે એ લોકો સાથે મુલાકાત કરાવી.. સાથે-સાથે અબુ એ તપાસ કરી કે કાસમ અને જોહારી નામનાં બે મિત્રો આવાં અભિયાનોમાં અનુભવી છે એટલે રૂપિયાની લાલચ આપી કાસમ તથા જોહારી ને પણ માઈકલે પોતાની સાથે સફર પર આવવા તૈયાર કરી લીધાં.

જોહારી ને તો પોતાની લાલચ માં કુરબાન કર્યાં બાદ માઈકલ ખૂબ ઝડપથી સાહિલ અને અબુ સાથે આગળ વધી રહ્યો હતો.. અચાનક એક વળાંક ઓળંગી એ લોકો જેવાં જ થોડાં આગળ વધ્યા એ સાથે જ એ લોકોની આંખોમાં ચમક પથરાઈ આવી.. થોડે દુરથી આવતો સોનેરી પ્રકાશ જોઈને એ ત્રણેય જણાનાં ચહેરા ખીલી ઉઠયાં.. અનાયાસે જ અબુનાં મુખેથી નીકળી ગયું.

"ખજાનો.. "

આટલું બોલતાં જ અબુ એ પાગલની જેમ ખજાનાં નો સોનેરી પ્રકાશ જ્યાંથી આવતો હતો એ તરફ દોટ મૂકી.. !!

વધુ નવાં ભાગમાં.

★★★

***

Rate & Review

Verified icon

Ketna Bhatti 2 weeks ago

Verified icon

Palak Vikani 4 weeks ago

Verified icon

Manoj Patel 1 month ago

Verified icon
Verified icon

Ketan 1 month ago