મોત ની સફર - 35

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 35

આઠ લોકોનું દળ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે. માઈકલ એક શૈતાની આયોજન સાથે અહીં આવ્યો હોય છે એવી શંકા ગયાં બાદ આગળ વધતાં વિરાજ અને એની ટીમ લોખંડનો દરવાજો વટાવી આગળ વધે છે જ્યાં એમની નજરે કંઈક ચડે છે જેનો ઉલ્લેખ કાસમ મમી વોરિયર તરીકે કરે છે.. જોહારી ને મોતનાં મુખમાં ધકેલી દીધાં બાદ માઈકલ સાહિલ અને અબુ સાથે રાજા અલતન્સ નાં ખજાનાં જોડે પહોંચી ગયાં હતાં.અબુ ખજાનાં તરફ આગળ વધતો હતો ત્યાં એક તીર એની તરફ આગળ વધ્યું એવું સાહિલની નજરે ચડી જતાં એ અબુને બચાવવા આગળ વધ્યો.

અબુ એ સાહિલનો અવાજ તો સાંભળ્યો પણ એનાં આમ કરવાં પાછળનું કારણ એ સમજે એ પહેલાં તો દીવાલમાંથી નીકળેલું તીર અબુની સાવ નજીક પહોંચી ચૂક્યું હતું.. સાહિલે સમયસૂચકતા વાપરી અબુને પકડીને પાછો ખેંચી લીધો અને એનો જીવ બચાવી લીધો.. પણ આ દરમિયાન એ તીર નાં ઘસરકાથી સાહિલ નાં હાથ પર એક ઘા પડી ગયો.

થોડો સમય તો ત્યાં શું બન્યું એ અબુ ને સમજાયું જ નહીં.. પણ પછી એને ખબર પડી કે સાહિલ નાં આવાં વર્તન પાછળનું કારણ શું હતું.. પોતાની પરવાહ કર્યાં વગર સાહિલે જે રીતે અબુનો જીવ બચાવ્યો હતો એ બદલ અબુ હવે આજીવન સાહિલનો આ ઋણ ભૂલવા અસમર્થ બની જવાનો હતો એ નક્કી હતું.

"આભાર દોસ્ત.. તે છેલ્લી ઘડીએ આવીને મારો જીવ બચાવી લીધો.. અને પોતાની જાતને ઘાયલ કરી મૂકી.. "સાહિલ નાં હાથ પર થયેલાં ઘાવમાંથી નીકળતાં લોહીની તરફ જોઈ અબુ બોલ્યો.

"અરે બસ આ તો નાનકડો ઘા છે.. "પોતાનાં ઘા ની પરવાહ કર્યાં વગર ચહેરા પર સ્મિત સાથે સાહિલ બોલ્યો.

અબુ એ પોતાનો હાથરૂમાલ કાઢી સાહિલનાં ઘા ઉપર બાંધી દીધો.. આ સમય દરમિયાન માઈકલ પણ ત્યાં આવી પહોંચ્યો અને અહીં શું બન્યું એ અંગે સવાલાત કરવાં લાગ્યો.. અબુએ ટૂંકમાં બધો વૃતાંત માઈકલને કહી સંભળાવ્યો.. જેનાં લીધે માઈકલ નાં ચહેરા પર અમુક ગંભીર રેખાઓ ઉપસી આવી.

"શું થયું.. કેમ આમ ચિંતિત છે.. ?"માઈકલનો ચિંતિત ચહેરો જોઈ અબુ એ સવાલ કર્યો.

"તારાં કહ્યાં મુજબ આ રસ્તે પ્રથમ પગ મુકતાં જ દીવાલમાંથી તીર નીકળ્યું.. ?"માઈકલે અબુને સામો સવાલ કર્યો.

"હા.. "અબુએ ટૂંકમાં જવાબ આપ્યો.

ઓરડાની નીચેનાં તળિયાને જોઈ રહેલાં માઈકલે થોડો સમયની ચુપકીદી બાદ કહ્યું.

"આ રસ્તો અલગ-અલગ પથ્થરોને ગોઠવીને બનાવાયો છે.. જેનાં નીચે એક એવી યાંત્રિક રચના બેસાડવામાં આવી છે જેનું જોડાણ દીવાલની અંદર આવેલાં તીર ની સાથે કરવામાં આવેલું છે.. સાત આડા અને પંદર ઉભાં સળંગ પથ્થરો મૂકીને આ ઓરડાના રસ્તાનું નિર્માણ થયું છે.. મતલબ કે આપણે પંદર વખત પગ મુકવો પડશે જો સામે જવું હોય તો.. "

"હા.. એ તો અમને પણ સમજાય ગયું.. પણ આગળ શું.. ?"સાહિલે ત્રાંસી નજરે માઈકલ ભણી જોતાં કહ્યું.

"આપણે હવે દરેક ડગલું સમજી વિચારીને ભરવું પડશે.. નહીં તો ક્યાંક એવું બનશે કે કોઈ તીર આપણી આરપાર નીકળી જાય.. અને એ માટે આ દરેક પથ્થરની યાંત્રિક રચના સમજવી પડશે.. "માઈકલે એકધ્યાને એ દરેક પથ્થર તરફ જોઈને કહ્યું.

"ભાઈ.. આ બધામાં અમને કંઈપણ ગતાગમ ના પડે.. જો તું કંઈ સમજ્યો હોય તો જણાવ.. "અબુ બોલ્યો.

અબુ ની વાત સાંભળ્યાં છતાં એનો કોઈ પ્રતિભાવ આપવાનાં બદલે માઈકલ નીચેનું તળિયું જોઈ કંઈક મનોમંથન કરતો રહ્યો.. થોડો સમય આમ જ તળિયાં તરફ તકી રહ્યાં બાદ માઈકલ ખુશ થતાં બોલ્યો.

"મળી ગયો રસ્તો.. કોયડો ઉકેલી દીધો મેં.. "

"સરસ.. તો બોલ કઈ રીતે આગળ વધવાનું છે.. ?"અબુ એ સવાલ કર્યો.

"સ્વસ્તિક.. હિન્દૂ ધર્મનું પવિત્ર ચિહ્નન સ્વસ્તિક.. ."સાહિલ અને અબુ તરફ જોઈ માઈકલ બોલ્યો.

"સ્વસ્તિક.. ?"માઈકલ ની વાત સાંભળી આશ્ચર્ય સાથે સાહિલ અને અબુ એકસાથે બોલી પડ્યાં.

"આ પથ્થરોને ધ્યાનથી જોતાં સમજાયું કે અમુક પથ્થરો થોડી થોડી જગ્યાએ સહેજ ઊંચા છે.. જ્યારે બાકીનાં એ પથ્થરો કરતાં નીચે છે.. ધ્યાનથી જોવાં પર માલુમ પડ્યું કે આ પથ્થરો મળીને સ્વસ્તિક ની નિશાની બનાવે છે.. અહીંથી આઠમી લાઈન છે એ સ્વસ્તિકની મધ્ય લાઈન છે.. ત્યાંનાં પથ્થરો સ્વસ્તિકની મધ્ય લાઈન છે.. "

માઈકલ જેમ-જેમ બોલે જતો હતો એમ-એમ અબુ અને સાહિલ પણ ધ્યાન પૂર્વક એ વાતો ની ખરાઈ કરી રહ્યાં હતાં.. આગળ જણાવતાં માઈકલ બોલ્યો.

"પણ ઉભી લાઈનમાં એક પથ્થર છોડીને બીજો પથ્થર આવશે.. મતલબ બીજી લાઈન પછી સીધો ચોથી લાઈન પર પગ મુકવાનો અને પછી છઠ્ઠી.. જ્યારે બીજી તરફ આ બધું પ્રથમ, ત્રીજી, પાંચમી એક એકી સંખ્યાની લાઈન મુજબ જ છે.. "

"સરસ.. તો પછી આગળ વધીએ.. "માઈકલ ની વાત પૂર્ણ થતાં જ અબુ અને સાહિલ બોલ્યો.

"સારું.. તો પછી હું આગળ વધુ અને તમે બંને પાછળ પાછળ આવો.. "આટલું બોલી માઈકલે સીધો જ બીજી હરોળનાં પથ્થર પર કૂદકો લગાવ્યો.

***

વિરાજ અને એની ટુકડી જેવી લોખંડનો દરવાજો વટાવી એક મોટાં ચોરસ રૂમમાં આવી એ સાથે જ એ લોકોની સામે માનવ આકૃતિઓ નજરે ચડી જેને જોતાં જ કાસમ ડરથી માર્યાં બોલી પડ્યો..

"મમી વોરિયર.. "

ગુરુ, વિરાજ અને ડેની માટે મમી વોરિયર શબ્દ એકદમ નવો જ હતો એટલે કાસમ દ્વારા આ શબ્દનો ઉલ્લેખ થતાં જ એ ત્રણેય એક સુરમાં વિસ્મય સાથે બોલી પડ્યાં.

"મમી વોરિયર.. ?"

આ દરમિયાન એ લોકોની નજર શરીર પર મમી ને વીંટાળે એવી કાપડની પટ્ટીઓ વીંટીને, હાથમાં મોટો પથ્થરનો ભાગો લઈને આગળ વધતાં ચાર વિચિત્ર અવાજ કરતાં જીવ પર સ્થિર હતી.

"દોસ્તો.. આ મમી વોરિયર ને એ સમયગાળામાં ફેરો નાં મમી ની નજીક જ જીવતાં દાટવામાં આવતાં.. આ મમી વોરિયર હકીકતમાં ફેરો નાં વફાદાર સેવકો હતાં.. જે ફેરોની મોત બાદ પણ એમની મમી અને એમનાં ખજાનાનું રક્ષણ કરી શકે એ માટે પોતાની મરજીથી જમીનમાં ગડાઈ જતાં.. આ લોકો આજે પણ અસ્તિત્વ ધરાવે છે એ ઘણી અચરજ ભરી વાત છે.. "મમી વોરિયર વિશે જણાવતાં કાસમ પોતે જાણતો હતો એટલું બોલી ગયો.

પોતપોતાની પીઠ એકબીજાને અડકારી રૂમની મધ્યમાં ઉભેલાં ચારેય મિત્રો પોતપોતાની તરફ આવેલાં મમી વોરિયર ને ઘણી બારીકાઈથી જોઈ રહ્યાં હતાં.. ધીરી પણ મક્કમ ગતિએ ચિત્ર-વિચિત્ર અવાજ કરતાં એ મમી વોરિયર સૈનિક ની માફક પગ પછાડીને ચાલતાં વિરાજ અને એનાં મિત્રો તરફ વધી રહ્યાં હતાં.

"દોસ્તો.. લડવું તો પડશે.. કંઈપણ કર્યાં વગર શરણાગતિ સ્વીકાર્યા વગર એકવાર તો ટક્કર લેવી જ પડશે.. "વિરાજે પોતાનાં દરેક મિત્રોને સંભળાય એમ ધીરજપૂર્વક કહ્યું.

વિરાજ જે કહી રહ્યો હતો એમ કરીને મમી વોરિયર ને હરાવવા કંઈ નાના બાળકનું કામ નહોતું.. છતાં મરવું તો પછી કેમ લડવું નહીં.. એવું વિચારી વિરાજ અને એનાં સાથીદારો એ યલગાર કરી અને પોતાની રહીસહી હિંમત એકઠી કરીને પોતાની તરફ આવી રહેલાં મમી વોરિયર ઉપર તૂટી પડ્યાં.

સૌથી પહેલું કામ હતું એ મમી વોરિયર નાં અણીદાર ભાલાથી પોતાની જાતને બચાવવી.. શરુવાતમાં તો એ ચારેય જણા આમ કરવામાં સફળ થયાં.. પણ થોડીવારમાં તો સુસ્ત જણાતાં મમી વોરિયરની યુદ્ધ કુશળતા અને ચપળતા ની સામે વિરાજ અને એનાં બાકીનાં ત્રણેય મિત્રો હાર સ્વીકારવાની કગાર પર આવી પહોંચ્યાં હતાં.

ગુરુ અને કાસમ નાં શરીર ઉપર તો મમી વોરિયર નાં ભાલાનાં ઘા પડ્યાં હતાં.. એમાંથી હવે નીકળેલાં લોહીનાં લીધે કપડાં ઉપર પણ લોહીનાં ડાઘ ઉપસી આવ્યાં હતાં.. તેમ છતાં એ લોકો પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ તો કરી જ રહ્યાં હતાં.. જ્યારે કાસમ ને લાગ્યું કે આ મમી વોરિયર જોડે મુકાબલો કરવો અશક્ય છે ત્યારે એને વિરાજને ઉદ્દેશીને કહ્યું.

"વિરાજ.. તું બાકીનાં લોકોને લઈને નીકળી જા.. હું ગમે તે કરી આ વોરિયર ને રોકી રાખું.. "

વિરાજે લડતાં લડતાં એકવાર કાસમ ની તરફ નજર ફેંકી.. કાસમ નાં પગની સાથળ અને ખભેથી નીકળતું લોહી એ દર્શાવવા કાફી હતું કે એ ભારે તકલીફમાં છે.. કાસમે જે કહ્યું હતું એનો ઉત્તર આપતાં વિરાજ મક્કમતાથી એક વીર ને સાજે એમ બોલ્યો.

"દોસ્ત.. હવે અહીં સુધી સાથે આવ્યાં છીએ તો મરીશું તો સાથે મરીશું અને આગળ વધીશું તો પણ સાથે.. "

વિરાજ જે કહ્યું એ સાંભળી કાસમ ની આંખો હર્ષમાં ભીની થઈ ગઈ.. ડેની અને ગુરુ પણ વિરાજ ની આ વાત સાંભળી ગૌરવ મહેસુસ કરવાં લાગ્યાં.. વિરાજ ની આ વાતે એ લોકોમાં બમણો જોશ ફૂંકી દીધો અને રહી સહી હિંમત ભેગી કરી એ લોકોએ મમી વોરિયર ની સામે છેલ્લી વાર બાથ ભીડી લેવાનું મન બનાવી લીધું.

લડતાં લડતાં ડેની જમીન પર ફસડાઈ પડ્યો અને એક મમી વોરિયર પોતાનો ભાલો એનાં શરીરમાં ઉતારવા જ જતો હતો ત્યાં વિરાજે સમયસૂચકતા વાપરી પોતાની જોડે રહેલી જર્મન બનાવટની ગન વડે એ મમી વોરિયર પર ગોળી ચલાવી દીધી.. ગોળી તો એ વોરિયર ને વાગી પણ એનાં હાથ ને સ્પર્શી ત્યાંથી પરાવર્તિત થઈને ગુરુ ની બેગ પર ભરાવેલી પાણી ની બોટલને અડીને નીકળી ગઈ.

ગુરુ અને ડેની નજીક નજીક હોવાથી ગુરુની બોટલમાં પડેલાં છિદ્રમાંથી નીકળતું પાણી વેગ સાથે ડેની જોડે લડતા મમી વોરિયર નાં પીઠ નાં ભાગ ઉપર જઈ પડ્યું.. આ સાથે જ એક ચમત્કાર સર્જાયો જે ફાટી આંખે એ ચારેય જણા આ ચમત્કાર ને જોઈ રહ્યાં.!!

વધુ નવાં ભાગમાં.

★★★

***

Rate & Review

Verified icon

Palak Vikani 3 weeks ago

Verified icon

Manoj Patel 4 weeks ago

Verified icon

Rinkal Mehta 4 weeks ago

Verified icon
Verified icon

Ketan 4 weeks ago