મોત ની સફર - 37

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 37

આઠ લોકોનું દળ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.વિરાજ અને એની ટુકડી મમી વોરિયર નો ખાત્મો કરવામાં આખરે સફળ થાય છે.. તો બીજી તરફ માઈકલ પોતાની મંજીલ નાં આખરી કદમ ને મુકવામાં ભૂલ કરે છે અને એનાં લીધે એક તીર દીવાલમાંથી નીકળી માઈકલની તરફ આવી રહ્યું હોય છે.

પોતાની લાલચ, પોતાની મહેચ્છા અને શૈતાની વૃત્તિ નાં લીધે અન્ય લોકો નો જીવ જોખમમાં મુકવામાં સહેજ પણ ના અચકાતો માઈકલ પોતાની તરફ આવેલાં તીર ને જોઈને ડર નો માર્યો વિચારશુન્ય બની પોતાની તરફ આવતી મોત ને નજરે નિહાળી રહ્યો હોય છે.

પણ કહ્યું છે ને કે કપટી માણસ હોય એ પોતાનાં જીવનને બચાવવા માટે છેલ્લાં શ્વાસ સુધી પોતાની કપટતા છોડતો નથી હોતો.. અને માઈકલ તો એ બાબતમાં એક નંબર નો હરામી માણસ હતો.. જેને પોતાનો જીવ ખુબજ વ્હાલો હતો.એને તો ડેવિલ બાઇબલની મદદથી દુનિયાની બધી શૈતાની શક્તિઓને વશમાં કરી પોતાની જાતને સર્વોપરી સાબિત કરવી હતી.

આજ વિચારધારા એ મરવાનાં અણીનાં સમયે એને એક એવો વિચાર આપ્યો જે એની માનસિકતા ની ચાડી ખાતો હતો.. માઈકલે પોતાનો જીવ બચાવવા માટે અંતિમ સમયે અબુ નો હાથ પકડ્યો અને અબુ ને પોતાનાં અને તીર નાં રસ્તામાં લાવી દીધો.. આમ થતાં જ એ તીર સીધું અબુ ની છાતીમાં ઉતરી ગયું અને અબુ મરણતોલ ચીસ સાથે ત્યાં જ ફસડાઈ પડ્યો.

અબુ ને પોતાનો મિત્ર કહેતો માઈકલ આજે પોતાની જાન પર આવેલી આફત દરમિયાન પોતાની કુરબાની આપતાં પણ ના ખચકાયો એ બાબતનો અબુ ને અફસોસ થઈ રહ્યો હતો.. ખજાનાં ની લાલચમાં માઈકલ જેવાં લુચ્ચા માણસ નો સાથ આપી સાહિલ અને એનાં માસુમ દોસ્તો તથા કાસમ અને જોહારી જેવાં ગરીબ લોકોને છેતરવાનો ગુનો પોતે કર્યો હોવાનો પસ્તાવો અબુ ને થઈ રહ્યો હતો.

"અબુ, મારાં દોસ્ત.. "અબુ ને પથ્થર પર થી ખસેડીને સલામત જગ્યાએ લઈ જઈ પોતાનાં ખોળામાં અબુ નું માથું રાખી સાહિલ દુઃખભર્યા સ્વરે બોલ્યો.

જવાબમાં અબુ ને સાહિલનાં હાથ પર પોતાનો હાથ મુક્યો અને આંખમાં પસ્તાવા નાં આંસુ સાથે કહ્યું.

"દોસ્ત.. મને માફ કરજે.. હું તારો અને તારાં મિત્રોનો ગુનેગાર છું.. મારી આ સજા યોગ્ય છે.. "

"તું આ બધું શું બોલી રહ્યો છે.. અને તું ચિંતા ના કર હું તને કંઈપણ નહીં થવા દઉં.. "અબુ નાં શરીરમાં ઉતરી ગયેલું તીર કાઢતાં સાહિલ બોલ્યો.

"દોસ્ત, મારો અંતિમ સમય હવે નજીક છે.. મેં તારાં અને તારાં મિત્રોની સાથે જોહારી તથા કાસમ જોડે ને છેતરપિંડી કરી હતી એની મને જે સજા મળી એ યોગ્ય જ હતી.. "અબુ ને હવે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી.

"તે અમારાં જોડે શું છેતરપીંડી કરી એ તો બોલ.. છેતરપીંડી અને કાયરતા નું કામ તો અત્યારે માઈકલે તને મોત સુધી પહોંચાડ્યાનું કર્યું છે.. "માઈકલ જ્યાં ઉભો હતો એ તરફ નજર કરી સાહિલ બોલ્યો પણ ત્યાં માઈકલ ને ના જોતાં સાહિલ વિચારમગ્ન ભાવ અને આક્રમકતા સાથે બબડયો.

"ક્યાં ગયો માઈકલ.. ?"

"સાહિલ, એને કોઈની પડી નથી.. એને તો ફક્ત ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના સુધી પહોંચવાની જ પડી છે.. એને જોહરીને પણ મારી જેમ જ પોતાનો જીવ બચાવવા અજગર ની સામે મરતો છોડ્યો હતો.. "સાહિલ નો ચહેરો જોઈ અબુ બોલ્યો.

"શું માઈકલે જ જોહારી ને મરવા માટે છોડ્યો હતો.. ?.અને એ વાતની તને પણ ખબર હતી.. ?"સાહિલનાં અવાજમાં નર્યું અચરજ ભર્યું હતું.

સાહિલનો પુછાયેલો આ સવાલ સાંભળી અબુ એ માઈકલ કેવી મંછા સાથે ત્યાં આવ્યો હતો અને એનાં મનમાં શું ચાલતું હતું એ બધું ટૂંકમાં જણાવી દીધું.. સાથે-સાથે માઈકલે કઈ રીતે જોહારી ને પોતાનો જીવ બચાવવા કુરબાન કર્યો હતો એ પણ અબુ એ સાહિલ ને જણાવી દીધું.

"આટલી મોટી રમત.. હું એ માઈકલ નાં બચ્ચા ને નહીં છોડું.. "દાંત ભીંચીને ગુસ્સા સાથે સાહિલ બોલ્યો.

"સાહિલ, મેં પણ લાલચમાં આવી એવાં વ્યક્તિની મદદ કરી હતી.. એટલે હવે મારો જે અંજામ થયો એ બરાબર જ છે.. તું.. તું.. તું.. હવે સાચવ.. સાચવજે.. "તૂટતાં શબ્દોમાં અબુ એ આટલું કહ્યું અને એક આંચકી સાથે પોતાનો જીવ ત્યજી દીધો.

અબુ ની આવી દયનિય હાલતમાં મૃત્યુ થતાં સાહિલ થોડો સમય તો એનું માથું ખોળામાં લઈને બેસી રહ્યો.. તમે તો કોઈ કાર્ય ખોટી ઈચ્છા સાથે કરો તો એનું પરિણામ ખરાબ જ આવે એ સાહિલને અબુ ની મોત બાદ સમજાઈ ગયું હતું.. પણ સૌથી મોટો ગુનેગાર માઈકલ હતો જેનાં માટે પોતાનાં શૈતાની વિચારો માટે કોઈનો પણ જીવ લેવો એક સામાન્ય વાત હતી.

મનમાં ગુસ્સાથી ધબકતો લાવા લઈને સાહિલે અબુ ની આંખો ને બંધ કરી અને પછી અબુનું માથું વ્યવસ્થિત જમીન પર રાખી ઉભો થયો અને માઈકલ જે તરફ ગયો હોવાનો એને અંદેશો હતો એ તરફ આગળ વધ્યો.

વીસેક ડગલાં ચાલી સાહિલ આગળ આવ્યો ત્યાં તો એની નજર સામે ખજાનાંનો મોટો ભંડાર પડ્યો હતો.. દસ ટ્રક ભરાય એટલી સોનામહોર, સોનાનાં પાત્રો, સોનાનાં આભુષણો, રત્નો વગેરેનાં જાણે ત્યાં ઢગલાં ખડકેલાં હતાં.. આ બધી વસ્તુઓમાં એક સોનાનો રથ, સોનાનાં ગ્લાસ, થાળીઓ, મિસરનાં દેવી દેવતાઓની મૂર્તિઓ વગેરે મોજુદ હતાં.

આટઆટલો ખજાનો સામે પડ્યો હોવાં છતાં સાહિલ માટે આ ખજાનાં ની કોઈ કિંમત ના હોય એમ એને ખજાનાં તરફ અપલક નજર ફેંકી અને માઈકલ ક્યાં હાજર હતો એ જોવાં માટે આમ-તેમ ડાફેરા મારવાનાં શરૂ કર્યા.. સાહિલે દૂરથી જોયું કે માઈકલ અત્યારે એક નાનકડી ઓરડી જેવાં ભાગની આગળ ઉભો ઉભો કંઈક કરી રહ્યો હતો.

માઈકલ ને જોતાં ની સાથે જ સાહિલે ત્યાં ખજાનાં ની અંદરથી એક સોનાની તલવાર હાથમાં લીધી અને આક્રમક અંદાજમાં એની તરફ આગળ વધ્યો.. સાહિલ માઈકલથી દસેક ડગલાં જ દૂર હતો ત્યાં નીચે પડેલી સુવર્ણ મુદ્રાઓ પર સાહિલ નાં પગ પડવાનાં લીધે પેદા થયેલાં ધ્વનિએ માઈકલનાં કાન સરવા કર્યાં.. પોતાની પાછળ સાહિલ આવી રહ્યો હતો એ બાબતની પરવાહ કર્યાં વિના માઈકલ ત્યાં ઉભો ઉભો કંઈક કરી રહ્યો હતો.

માઈકલ નો એકદમ ધીમો બબળાટ સાહિલનાં કાને પડ્યો.. સાહિલ માઈકલની છેક નજીક પહોંચ્યો અને જોરથી ગર્જના કરતો હોય એમ બોલ્યો.

"હરામી.. હું તને આજે જીવતો નહીં છોડું.. "

આટલું કહી માઈકલ તરફ સાહિલે તલવાર ઉગામી પણ માઈકલે પોતાનો ચહેરો સાહિલ ની તરફ ઘુમાવી તલવાર ને હવામાં જ રોકી લીધી.. સાહિલે જોયું તો માઈકલનો ચહેરો અત્યારે મનુષ્ય નાં ચહેરા કરતાં કોઈ જંગલી પશુ નો વધુ લાગી રહ્યો હતો.. ચહેરા પર ઊગી નીકળેલી વધારાની રૂંવાટી, મોંઢામાંથી બહાર આવતાં બે અણીદાર તીક્ષ્ણ દાંત અને શર્ટ અને પેન્ટ નો ઘણોખરો ભાગ ફાડીને બહાર આવેલાં સ્નાયુઓ.

માઈકલ ની આગળ એક પથ્થર પર એક પુસ્તક પડ્યું હતું જેને જોતાં જ સાહિલ સમજી ગયો કે એ ડેવિલ બાઈબલ હતી.. અને માઈકલને ડેવિલ બાઈબલનાં ખોવાયેલાં પન્ના પણ મળી ગયાં હતાં.. જેની મદદ વડે જ અત્યારે માઈકલે પોતાની જાતને શક્તિશાળી બનાવવાની પોતાની મહેચ્છા સાકાર કરી છે.. હવે સાચેમાં એ મનુષ્ય મટી શૈતાન બની ગયો છે.

માઈકલ ને જોતાં જ સાહિલ સમજી ગયો કે હવે એ મનુષ્યમાંથી શૈતાન બનવાની કગાર પર આવી પહોંચ્યો હતો.. આમ છતાં કોઈપણ જાતનાં ડર વગર સાહિલે માઈકલને લલકારતાં કહ્યું.

"નીચ માણસ.. હું તને કોઈ કાળે અહીંથી જીવિત નહીં જવા દઉં.. બે માસુમ લોકોનો જીવ તો તે લઈ લીધો પણ અહીંથી નીકળ્યાં બાદ તું હજારો-લાખો મનુષ્યોની જીંદગી સાથે રમે એ હું શક્ય નહીં બનવા દઉં.. "

સાહિલનાં આમ કહેતાં જ માઈકલ ખંધુ હસ્યો અને પછી સાહિલની તરફ જોતાં બોલ્યો.

"તું મને મારીશ.. એમ.. ?.. તો કરી જો પ્રયત્ન.. "માઈકલ નાં આટલું બોલતાં સાહિલ ની તલવાર પુનઃ હલનચલન કરવા લાયક થઈ ગઈ.. આમ થતાં સાહિલે જોશમાં આવી માઈકલ નાં પેટનાં ભાગમાં એ તલવાર ઘુસેડી દીધી.. પણ સાહિલનાં આશ્ચર્ય વચ્ચે એ તલવાર નાં લીધે માઈકલનાં પેટમાં પડેલો ઘા આપમેળે જ રૂઝાવા લાગ્યો.. અને અમુક સેંકડોમાં જ ત્યાં એવું શરીર થઈ ગયું જાણે ત્યાં કોઈ ઘા હતો જ નહીં.

આમ થતાં સાહિલે આક્રમકતાથી તલવાર નાં ઉપરાછપરી ચાર ઘા માઈકલ પર કરી દીધાં.. જેની પણ માઈકલ ને કોઈ અસર ના થઈ.. આમ થતાં જ સમસમી ગયેલાં સાહિલનો નૂર વગરનો ચહેરો જોઈ માઈકલ જોરજોરથી હસવા લાગ્યો.. એનું આ હાસ્ય અત્યારે ત્યાંની જમીન ને પણ ધ્રુજાવી મૂકે એવું હતું.

જેવું આ હાસ્ય અટક્યું એ સાથે જ માઈકલે હાથનાં ઈશારા વડે જ સાહિલ ને હવામાં ફંગોળ્યો.. જેનાં લીધે સાહિલનાં હાથમાં રહેલી તલવાર છટકી ગઈ અને એ દીવાલ સાથે જોરથી પછડાયો.. દર્દથી કરાહતાં ભોંય પર પડેલાં સાહિલ ને જોઈ શૈતાની ચમક સાથે માઈકલ એનો ખાત્મો કરવાં એની તરફ આગળ વધ્યો.!!

વધુ નવાં ભાગમાં.

★★★

***

Rate & Review

Verified icon

anjali shah 2 months ago

Verified icon

Avichal Panchal Verified icon 2 weeks ago

Verified icon

Palak Vikani 3 weeks ago

Verified icon

Manoj Patel 3 weeks ago

Verified icon

Rinkal Mehta 3 weeks ago