Sambandho ni aarpar - 30 books and stories free download online pdf in Gujarati

સંબંધો ની આરપાર.. - પેજ - ૩૦

પ્રયાગ નાં યુ.એસ જવાનો દિવસ નજીક આવી રહ્યો હતો, તેનાં માટે યુ.એસ. માં અનુરાગ સર નાં ઘરે જ રહેવાનું નક્કી થાય છે.અદિતી માટે અનુરાગે તેનાં ગેસ્ટહાઉસમાં રહેવાની સગવડ કરાવી હતી.
અંજલિ મન થી દુઃખી છે..અનુરાગ અને અંજલિ ફોન પર વાતચીત કરી રહ્યા છે...!!

*************** હવેેઆગળ- પેજ -૩૦ **************

અંજુ....ચાલ તુજ કહે...તને શું લાગે છે ??
શુ શ્લોક ની ફરજ માં નથી આવતું ??
અને શ્લોક ને શું કામ વાંધો હોય ?
અંજુ..આમપણ તુ તો જાણે જ છે ને કે...શ્લોક ક્યારેય મારી વાત ને નાં માને અથવા નાં સ્વિકારી હોય તેમ નથી બન્યું. અને આમ પણ જ્યારે વાત પ્રયાગ નાં ભવિષ્ય ની હોય તો હું સહેજપણ રિસ્ક નાં લઈ શકુ.
અને સૌથી અગત્યની વાત...કે આટલા વર્ષે તો મને મારી ફરજ અદા કરવાનો ભગવાને મોકો આપ્યો છે...એ અવસર ને હું થોડો વેડફી દઉ ??

અનુરાગ સર નાં જવાબ થી અંજુ ને સંતોષ અને ખુશી બન્ને થયાં.
જી...આપ જેમ કહો તેમ...પણ બસ તમારા વિના આજે પણ હું.....!!!
અંજુ નાં શબ્દો મૌન હતા....!! અર્થ ભાવ સભર અને લાગણીના ગુણાકાર થી સજ્જ હતો.

અરે...અંજુ....!!! આજે શું થઇ ગયું છે તને ???
હું તો હંમેશા તારી સાથેજ રહ્યો છું ને..
હા...એ સાચુ કે, સાથે રહીને આપણે આગળ વધી શકીએ તેમ નહોતાં કદાચ. પરંતુ તે પણ બધી ભગવાનની જ ઈચ્છા હશે...બીજુ શું ...!!
પરંતુ તે જે આપ્યું છે...તે ક્યાં ઓછું છે..!! આજે, હું કે અનુરાગ ઈન્ડસ્ટ્રીઝ જે સ્થાન પર છીએ તેમાં તારો કેટલો મોટો હાથ, સાથ, અને ત્યાગ છે....તે હું થોડો ભૂલી શકુ. તે ક્યારેય તારી જાત ને અલગ ગણી જ નથી...અરે ખરેખર તો તું જીવીછુ જ કંપની ને ઉંચાઈ ઉપર લાવવા માટે , તારી દિવસ રાત ની મહેનત વગર આજે કશુંજ શક્ય બન્યું નાં હોત.
હું આજે જે કંઈ પણ છું અને અનુરાગ ગ્રુપ બન્ને જે કંઈ છે...તથા તે મને અને આ કંપની ને જે આપ્યું છે તેનાં માટે હું આજીવન તારો ૠણી રહીશ. એ ૠણ હું તને ક્યારેય નહીં ચૂકવી શકું.
એકલા હાથે તે પ્રયાગ ને અને પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ ને ઉછેર્યા છે. મારા ધ્યાનમાં આવ્યું હોય તે.. અને મારા થી શક્ય હોય તેટલું મેં તને આપવા પ્રયત્ન કર્યો છે ખાલી.

અનુરાગ નાં જવાબ થી અંજુ નાં મન ને શાંતિ મળતી હતી.

નાનાં...એતો તમારી સૂઝબૂઝ, ધૈર્ય અને બુદ્ધિ થી તમે આગળ આવ્યા છો, મેં તો ફકત મારા થી શક્ય હતો એટલો પ્રયત્ન કર્યો હતો.
ઘણીવાર માણસ પોતે જ આગળ વધી શકે તેમ હોય છે, એને જરૂર હોય છે ફક્ત તેનાં મોરલ ને ટકાવી શકે તેવા વ્યક્તિ કે સાથી ની...અને મેં કદાચ એજ કામ કર્યું હતું. હા ...એ વાત તમારી સાચી છે, કે મેં ક્યારેય મારી જાત ને તમારા થી કે અનુરાગ ઈન્ડસ્ટ્રીઝ થી અલગ નથી ગણી.
મારા જીવન ની પહેલી અને છેલ્લી વ્યક્તિ અને કંપની આપ જ છો...કે જેના માટે મને કશું પણ કરવું ગમતું હતું. અને મને તે ગમતું હતું તેનું કારણ પણ આપ જ છો ને... મને આ બધુંજ શીખવાડ્યું પણ કોણે ??
હું તો જ્યારે તમારી પાસે કામ કરવા માટે આવી,ત્યારે મને પણ ક્યાં કશું જ ખબર પડતી હતી કે આવડતું હતું ?? તમે જ તો મને બીઝનેસ ની સાથે સાથે જીવન ને જીવતા પણ શીખવાડ્યું છે. મારી પાસે તો શબ્દો પણ નથી કે તમે મને કેટલું બધું આપ્યું છે.
ખરેખર તો હું તમારી આભારી છુ...તમે મને જે....આપ્યું છે તેનાં માટે.

અંજલિ આજે કઈ વાતો પર ચઢી ગઈ હતી તેનું તેને પણ ધ્યાન નહોતું.

અંજુ...એતો તારી મહાનતા છે...બાકી તે જે આપ્યું છે તેનાં બદલા માં હું તને કશુંજ નથી આપી શક્યો. તારા વગર આજે હું કશુંજ નાં હોત.

અંજુ અને અનુરાગ બન્ને એકબીજા નાં વખાણ કરતા હતા, પરંતુ સત્ય એ હતું કે બન્ને એકબીજા નાં પુરક હતા. બન્ને સાથે રહી નાં શક્યા પરંતુ એકબીજાનો સાથ તો હતો જ.

બન્ને જણા વાતો કરતા કરતા સમય જોવાનું ચૂકી ગયા હતા..અને વર્તમાન ની વાતો અને ભવિષ્ય નાં બાળકો નાં સ્વપ્નાઓ ને ઓપ આપવામાં ભુતકાળ માં સરી પડ્યા હતા.
આમતો અંજુ અને અનુરાગ બન્ને સમય નાં બહુ ચુસ્ત પાબંધી હતા..છતા પણ અંજુ કરતા અનુરાગ વધુ ચોક્કસ અને ચુસ્ત આગ્રહી હતા.
પ્રયાગ અને શ્લોક ની વાતો કરતા કરતા અનુરાગ ઈન્ડસ્ટ્રીઝ ની યાદો માં ખોવાઈ ગયાં હતાં.
અંજલિ ને આજે ..બહુ બધુ યાદ આવવા લાગ્યું હતું. જોકે ખરેખરતો અંજલિ ક્યારેય પોતાની જાત ને અનુરાગ સર ના પડછાયા થી દૂર કરી જ નહોતી શકી. આજે પણ તે પ્રયાગ ને જે રીતે ઉછેરી રહી હતી અને જે રીતે તેણે પ્રયાગ ને અત્યાર સુધીમાં ઉછેર્યો હતો તેમાં અનુરાગ સર ના સાથ થી થયેલા અંજલિ નાં ઘડતર ની છાંટ નજર આવતી હતી. અંજલિ પ્રયાગ ગ્રુપ ને પણ અદ્દલ અનુરાગ સર જેમ અનુરાગ ગ્રુપ ને ચલાવી રહ્યા હતા તેવી રીતેજ તે ચલાવી રહી હતી.

અનુરાગ નું ધ્યાન તેનાં ટેબલ પર પડેલી ટેબલ ક્લોક પર પડ્યું...એટલે ઝડપ થી ફોન પતાવવા તરફ આગળ વધ્યા.
અંજુ...તુ પ્રયાગ ની કોઈ પણ જાતની ચિંતા નાં કરતી, અને હવે તારૂં ધ્યાન રાખજે તું. મારા લાયક કોઈ પણ કામ હોય તો મને જણાવજે.
પ્રયાગ ને મારા આશીર્વાદ અને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે પ્રયાગ ને દરેક ક્ષેત્રે સફળતા અપાવે. અને મહાન માણસ બને.

અંજલિ ની નજર પણ સામે ની દિવાલ પર લાગેલી ઘડીયાળ પર પડી..એટલે એ પણ સમજી ગઈ હતી...કે સમય થઈ ગયો છે.

જી...ચોક્કસ...મને ખ્યાલ છે કે તમને ક્યારેય કોઈ તમારો આભાર માને તે પસંદ નથી...અને તમને પસંદ નાં હોય તે હું ક્યારેય નહીં કરું. પરંતુ મારી ઈચ્છા છે કે પ્રયાગ નાં યુ.એસ. જતાં પહેલાં તે તમારા આશીર્વાદ લઈને જાય.

અનુરાગ નાં મન માં પણ એવુ જ હતું...કે પ્રયાગ યુ.એસ. જતા પહેલાં એક વાર તેને મળીને જાય તો સારું.
અંજુ...પ્રયાગ ને જ્યારે પણ જતા પહેલાં સમય ની અનુકુળતા હોય ત્યારે તેને મોકલી દેજે...અને જો તેને સમય નાં મળે તો ચિંતા નાં કરતી,એનાં જવાના સમયે હું પોતે એરપોર્ટ આવી જઈશ....

જી...ચોક્કસ આજે જ પ્રયાગ ને વાત કરીશ. તમે પણ તમારું ધ્યાન રાખજો.

ઓ.કે. અંજુ...મળીએ પછી....

જી....ભલે...જય અંબે.....સર..


જય અંબે...અંજુ...
બન્ને તરફ થી ફોન મુકાઇ ગયા.

****
પ્રયાગ ને જવા માં બે દિવસ જ બાકી હતાં. હવે અનુરાગ સર નાં ઘરે જ રહેવાનું નક્કી હતું ..એટલે કપડા, થોડીક તેનાં મ્યુઝીક ના શોખ ની સી.ડી ઓ, સુઝ અને જેકેટ..થોડી દવાઓ...બસ.
યુ.એસ. માં ઈન્ડીયા કરતા વધારે ઠંડી હોય એટલે અંજલિ એ જાતે પ્રયાગ માટે ગરમ કપડા ની ખરીદી કરી હતી.
અંજલિ ઘરે વહેલા પહોંચી ગઈ...આજે કિચન તેનાં હાથમાં હતું. તેનાં દિકરા ને જવાનું નજીકમાં હતું, એટલે પ્રયાગ ને ભાવતી બદામ,પીસ્તા વાળી ખીર અંજુ બનાવાની હતી.
આજે અંજલિ પણ કિચન માં શેફ ની સાથેજ હતી. પ્રયાગ હંમેશા કહેતો કે મમ્મી તમારા હાથ ની ખીર અને દુધપાક દુનિયા ના કોઈપણ શેફ બનાવે પણ તેનાથીય ઉત્તમ હોય છે.

અંજલિ ની પણ ખીર અને દુધપાક બનાવામાં સાચે જ માસ્ટરી હતી. પ્રયાગ માટે જમવાનું બનાવતી વખતે અંજુ નાં હાથમાં જે કળા હતી તેમાં તેનાં દિલ માં રહેલા પ્રેમ અને વાત્સલ્ય ને પણ તે ઘોળતી હતી. અને કદાચ એની જ મિઠાસ વધારે હતી...!!

પ્રયાગ ને પણ હવે જવાનું હતું...એટલે સાંજે ઘરે વહેલો આવી ગયો...
જેવો પ્રયાગ ને ઘર માં આવેલો જોયો તેવા તરતજ અંજલિ દોડતી અને હરખાતી હરખાતી સામે ગઈ...
પ્રયાગ બેટા આવી ગયો તું.....!!!
અંજુનાં એક હાથ માં રસોઈ નો સામાન અને બીજા હાથ માં બદામ નો બાઉલ...સાડી પર બ્લ્યુ પ્રિન્ટ કરેલું એબ્રોન પહેરેલું હતુ.
આજે અંજલિ પ્રયાગ ગ્રુપ ની ચેર પર્સન કે એમ.ડી નહીં પરંતુ એક આદર્શ ગૃહિણી અને પ્રેમાળ માં જ દેખાતી હતી.

જી...મમ્મીજી. . કહીને પગે લાગ્યો પ્રયાગ.
શું વાત છે...કેમ આજે તમે મમ્મી આમ...આવી રીતે ???

કંઈ નહીં બેટા જો...આતો તુ જવાનો છું ને, એટલે તારી ભાવતી ખીર.....અંજુ આગળ કશુંજ નાં બોલી શકી ...તેની આંખો માંથી ધીમેથી આંસુઓ ની તેજ ધાર વહી ગઈ.
પ્રયાગ પણ તેની મમ્મી અંજલિ ને આમ રળતી જોઈ ને ઢીલો પડી ગયો...અને તેની મમ્મી અંજલિ ને ગળે લગાડી ને ઉભો રહી ગયો.

મમ્મી તમે આમ ઢીલા પડશો તો...તો હું જઈશજ કેવી રીતે ??
તમે તો મારી હિંમત છો...તમે જ મારી તાકાત છો...પ્લીઝ તમે આમ રડશો નહીં કે ઢીલા પણ નાં પડશો, નહીં તો હું ત્યાં એકલા રહી પણ નહીં શકું.
હમમમ..ચાલ બેટા ફ્રેશ થઈ ને આવી જા..અને તારી બેગ ભરવાની હોય તો તારે જે કંઈ લઈ જવાનું હોય તે બધુ એક જગ્યાએ ભેગુ કરીને મૂકી દે..આપણે મોડાં થી તારી બેગ ભરી લઈશું. અને તારા ફ્રેન્ડસ અને તેમના પેરેન્ટ્સ જેમને તારે ઈન્વાઈટ કરવાનું હોય તે પણ તું નક્કી કરી રાખ તો, આવતી કાલે આપણે ઘરે જ એક નાનું ગેટ ટુ ગેધર રાખી લઈએ.

મમ્મીજી...આપણે કશુંજ રાખવું નથી .. અને મે ઓલરેડી મારા ફ્રેન્ડસ ને બહાર પાર્ટી આપી દીધેલી જ છે. અને કોઈ ને પણ આપણે ઈનવાઈટ કરીએ તો દરેક વ્યક્તિ કંઈક ગીફ્ટ અથવા ફ્લાવર્સ પણ છેલ્લે લઈને આવે...અને મને કોઈ પણ વ્યક્તિ કશું પણ આપે તે લેવાનું સહેજ પણ ગમતું નથી. મેં મન થી એવુ નક્કી કર્યું છે કે હું ક્યારેય કોઈ ની પાસે થી કોઈપણ પ્રકારની ગીફ્ટ નહીં લઉ, જ્યારે અનુરાગ સર મને ગીફ્ટ આપતા હતાં....ત્યારે તમારા કહેવા થી મેં લીધી હતી.

અંજલિ મન માં ને મન મા કોણ જાણે કેમ પણ પ્રયાગ નાં આવા જવાબ થી ખુશ થઈ. અસલ.........( મન માં જ કશુ બોલી ગઈ અંજુ)
ઠીક છે...બેટા જેવી તારી મરજી...પણ એકવાત ધ્યાન માં રાખજે...અનુરાગ સર તને ક્યારેય કશું આપે તો તે એમના આશીર્વાદ સમજીને સ્વીકારી લેજે.
અને તને કોઈ શુભ કામનાઓ પાઠવવા આવશે તો કંઈક તો કરવું જ પડે ને...? બેટા..!!

જુઓ મમ્મી...કોઈ આવશે તો તેમના માટે શેફ ને કહીને તમને ઠીક લાગે તેવું કશું બનાવડાવી દેજો. બાકી સ્પેશિયલ આમંત્રણ નથી આપવા. ખુબ વ્યવહારુ વાત કરી પ્રયાગે.

ઠીક છે...બેટા...જેમ તું કહે તેમ...કહી ને અંજુ એ પ્રયાગ ની વાત ને માંની લીધી.

ત્યાં જ વિશાલ ની એન્ટ્રી થઇ ઘર માં...બન્ને માં દિકરા ને વાતો કરતા જોયા એટલે બોલ્યો..
શું ગુસપુસ કરો છો...??? માં ને દિકરો...

અરે...પપ્પા કશુંજ નહીં...એ અમારી માં દિકરા ની વાતો તમને ક્યારેય નહીં સમજાય.

તે..કેમ હું કંઈ ગાંડો છું ?? કે મને નહીં સમજાય..

પ્રયાગ ને તેના અને અંજલિ માટે કોઈપણ વ્યક્તિ એક પણ શબ્દ ઘસાતો બોલે તો ગુસ્સો આવી જતો ... પ્રયાગ માટે તેની મમ્મી અંજલિ એટલે આખી દુનિયા જ હતી.
પ્રયાગ ને મન માં અકળામણ થઈ ગઈ...પરંતુ હવે બે દિવસ જ બાકી હતાં એટલે બહુ બોલવું ઉચિત નાં લાગ્યું તેને, તેમ છતાં પણ એક વાત તે બોલ્યો...
પપ્પા તમે...શુ... આવાજ છો ?? અને કાયમ આવાજ રહેશો ??

પ્રયાગ ની વાત થી વિશાલ નાં ચહેરા નાં હાવભાવ તંગ થવા લાગ્યા..
એક નો એક દિકરો ...તેનાં ઘર અને પરિવાર ને મુકીને તેમના થી દૂર ખાસ્સા બે વર્ષ માટે જવાનો છે...અને તેનાં જીવન ની નવી યાત્રા શરૂ કરવા જઈ રહ્યો હતો ,ત્યારે એક પિતા ને ખુશી થવી જોઈએ અને સાથેસાથે તેનાં દિકરા નું મોરલ વધે તેવું કહેવું અને કરવું જોઇએ તેની જગ્યાએ વિશાલ આજે અલગ જ વર્તન કરી રહ્યો હતો.

વાત વણસી નાં જાય...એટલે અંજલિ એ આખી બાજી પોતાનાં હાથ માં લઈ લીધી...અને તરતજ બોલી..
શુ...વિશાલ ...તમે પણ ...??
હવે...દિકરો જવાની તૈયારી માં છે...અને તમે આ બધું શુ લઇને બેઠા છો ??
અંજલિ એ વાત ને વાળી તો લીધી, પરંતુ પ્રયાગ ને ચિંતા થતી હતી તે જ્યારે ખરેખર જશે...અને તેની મમ્મી ઘર માં એકલી હશે...તે સમય ની...એને ડર હતો કે જો પપ્પા ત્યારે પણ ઘર માં અને મમ્મી સાથે આવું જ વર્તન કરશે તો મમ્મી નું શું થશે ??

અરે...તુ જા બેટા...તું મારી ચિંતા નાં કરતો...મારા મા એટલી સમજ તો છે જ કે તારી ગેર હાજરીમાં મારે કેવી રીતે રહેવું. રોજે તને હેરાન કરવાની છું....હું...તને વોટસેપ પર વીડીઓ કોલ કરી ને.
તારો ચહેરો મને રોજે બતાવી દેજે. નાનાં સ્મિત સાથે અંજુ એ વાક્ય પુરું કર્યું.
અંજુ...દુઃખ ને હાસ્ય માં ફેરવતાં અનુરાગ પાસે થી જ શીખી હતી..અને કદાચ તે જ કારણ હતું કે અંજલિ દરેક પરિસ્થિતિમાં સ્થિર રહી શકતી હતી.

પ્રયાગ ને મન માં થયુ...સાલું આ દર વખતે મમ્મી ને ખબર કેવી રીતે પડે છે ? કે ..મારા મન માં શું ચાલી રહ્યું છે.

એ...તારી માં છુ.. બેટા...મને તારા મનમાં શું ચાલે છે તે બધુ ખબર પડી જ જાય છે. જા હવે, તારા રૂમમાં જઈ ને થોડો ફ્રેશ થઈ આવ..પછી જમવા બેસીએ.

પ્રયાગ..તેનાં રૂમમાં ગયો એટલે અંજુ એ વિશાલ ને કીધું...
વિશાલ પ્લીઝ આ બે દિવસ ...સાચવી લો...પ્રયાગ ને દુઃખ થાય તેવું કશુંજ બોલશો નહીં અને તે તમારા માટે ખરાબ ધારણાં બાંધી લે તેવું કોઈ વર્તન પણ કરશો નહીં.
એ છોકરો બધુ જ અંહીયા જ મુકીને જઈ રહ્યો છે...એનું ઘર,એનાં મિત્રો, આ બધીજ સુખ સાહ્યબી અને બધે બધુ જ. હવે આ ઘર માં બે વર્ષ માટે ફક્ત તેની યાદો જ રહેવાની છે.
એની ગેરહાજરીમાં આ આખુ ઘર મને ખાવા દોડશે...મારા માટે તો મારો પ્રયાગ જ મારું વિશ્વ છે. એનાં એક એક રૂંવે રૂંવે મારૂં લોહી ધબકે છે.
મને તમારે જે કહેવું હોય તે કહેજો, મને કશું દુઃખ નહીં થાય...પણ મારાં પ્રયાગ ને દુઃખ થાય તેવું કશુંજ નાં કરશો. અંજુ ની આંખો માં અને મનમાં ઉઠેલી વેદના તેનાં અવાજમાં અને શબ્દો માં દેખાતી હતી.

વિશાલ ને પણ થયું કે આમ તો અંજલિ ની વાત સાચી જ છે.તે બોલતા તો બોલી ગયો હતો...પણ તે સમજી ગયો હતો કે પોતે જ ખોટી રીતે વાત કરી હતી. અને હવે ક્યાં બે વર્ષ સુધી પ્રયાગ ઘરે જ આવવાનો હતો.
ઠીક છે...હું ધ્યાન રાખીશ હવેથી..કહી ને વિશાલ પોતાના રૂમમાં જતો રહ્યો.

અંજલિ પણ તેનાં કામમાં મન પરોવવા લાગી..પરંતુ મન મા મુંઝવણ અનુભવી રહી હતી...કે, વિશાલ ને શું સમજાવું ?? શું તેને સમજ નહીં પડતી હોય ?? છતાંય અંજુ એ ગમેતેમ કરી ને પોતાના મન ને મનાવ્યું અને તેનાં કામ માં વ્યસ્ત થઈ ગઈ.

વિશાલ ને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી, એટલે ફ્રેશ થઈ ને ડ્રોઈંગરૂમમાં આવ્યો...અને સોફા પર બેઠો...અને અંજલિ ને કહેવા લાગ્યો...ચાલો હવે જે થયું તે ...તું પ્રયાગ ને બોલાવી લે...પછી આપણે સાથે જમવા બેસીએ.

તમે બેસો...હું જરા ઉપર તેનાં રૂમમાં જતી આવું છું,અને તેને બોલાવતી આવું. એમ કહીને અંજલિ પ્રયાગ નાં રૂમમાં જવા ગઈ...તેનાં રૂમ નાં દરવાજે અંજુ એ નોક કર્યું.
બેટા.. આવું કે અંદર ???

મમ્મી...હવે બે..દિવસ છે.. પછી કોને પુછશો ?? કયા દરવાજા ને નોક કરશો ?
અને....મમ્મી.. તમને મારા રૂમમાં આવવા માટે કોની પરમીશન લેવાની ??
એક માં ને તેનાં જ ઘર માં અને તેનાં જ દિકરા નાં રૂમમાં જવા માટે પરમિશન લેવાની હોય ??
પ્રયાગ નાં શબ્દે શબ્દે અંજુ ના ગળા માં ડૂમો ભરાતો જતો હતો..અને પ્રયાગ નો અવાજ પણ ઘેરાતો જતો હતો...છેલ્લા વાક્યો તે બોલી જ નહોતો શકતો.
પ્રયાગ નાં રૂમ નો દરવાજો તો ખુલ્લો જ હતો..અને આખા રૂમમાં તેને લઈને જવાની વસ્તુઓ ફેલાયેલી હતી. કપડા, લેપટોપ, શુઝ,પરફયુમ,તેનો કેમેરો, મ્યુઝીક ની સી.ડી.ઓ, ફાઈલ,અગત્યના પેપર્સ...બધુ આડુ અવડુ પડ્યું હતું.

બન્ને માં દિકરા એ એકબીજાને ભેટી ને મન હલકું કરવા આંખોમાં ઝામેલા ચોમાસા ને વરસાવી દીધું.
મમ્મી તને હું બહુ મીસ કરવાનો છું...તારા વગર....આગળ કશુંજ બોલી નાં શક્યો પ્રયાગ...!!

એક પવિત્ર અને ખળખળ વહેતી નદી અંજુ... માં થી ઝરણું બની ને વહેતો પ્રયાગ, હવેથી નવાં નવાં ચઢાવો ચઢી ને જીવનરૂપી નદી માં તેની વ્હાલી મમ્મી થી અલગ થઈ ને એ નદી માં ભળી જવાનો હતો...અને વહી જવાનો હતો.
એક મહા નદી.. નું હવે વિભાજન થવાનું હતું....ગંગા નું ભાગીરથી અને ભાગીરથી નું જ ગંગા..
બન્ને એક જ નદીઓ, પરંતુ હવે થી પોત પોતાની રીતે અલગઅલગ વહેવા ની હતી. તથા, બન્નેવ ને અલગ થવાની અસહ્ય વેદના થતી હતી. પરંતુ બન્ને માંથી કોઈપણ પોતાની વેદના ને સાચી વાચા આપી શકતું નહોતું. બન્ને ની મન ની સ્થિતિ સમાન હતી, બે માંથી કોઈ ને પણ અલગ થવુ ગમતું નહોતું...અને તેમ છતા...બે માંથી એક પણ તેને રોકી શકે તેમ પણ નહોતાં...કારણ સવાલ પ્રયાગ ના ભવિષ્ય નો હતો...એટલે અંજલિ ને મન પર પથ્થર મુક્યા વિનાં ચાલે તેમ પણ નહોતું.
બન્ને માં દિકરો કશુ જ બોલ્યા વિના એમજ ભેટી ને ઊભા રહ્યાં હતાં.

લાવ બેટા ચલ...તારી બેગ માં શું શું ભરવાનું છે ?? જોઈ લઈએ...કહીને અંજલિ એ મન ને હળવું કરવા અને બીજી બાજુ વાળવા પ્રયત્ન કર્યો.

મમ્મી...પહેલા ફ્રેશ થઈ જા....વોસ બેસીન માં ગરમ પાણી આવે છે. અને હું પણ થઈ જઉં છુ... નહીં તો નીચે....પપ્પા.....!!

હમમમ....એમ પણ જમવાનું રેડી છે...તો પહેલા જમી લે...પછી આપણે તારા રૂમમાં પાછા આવશું, કહીને અંજલિ એ વોસ બેસીન માં તેનો ચહેરો ધોઈ નાંખ્યો.
ઘણીવાર આ પાણી પણ કમાલ કરે છે....થોડીકવાર પહેલા જ બન્ને ની આંખો માં થી જે આંસુ વહી રહ્યા હતા તે પણ પાણી હતું...અને અત્યારે વોસ બેસીન માંથી હૂંફાળું વહી રહ્યું હતું તે પણ પાણી જ હતું...ને..
એક પાણી આંસુ બની ને દુઃખ અને સુખ માં વહે....અને બીજું પાણી એજ આંસુઓ ને ધોઈ ને ફરી થી મન ને હળવું બનાવે.
અંજલિ પોતાની જાત સાથેજ વાતો કરતી હતી. પોતે ફ્રેશ થઈ અને પછી પ્રયાગ ને પણ અંજુ એ ફ્રેશ થવા મોકલ્યો.

અંજલિ અને પ્રયાગ બન્ને ફ્રેશ થઈ ને ડ્રોઈંગરૂમમાં ગયા...જ્યાં વિશાલ પહેલેથી સોફા પર બેસી ને ટી.વી. જોઈ રહ્યો હતો.

પ્રયાગ ક્યારેય કોઈ વાત ને પકડી ને બેસી રહેતો નહીં...થોડીકવાર પહેલા જ તેનાં પપ્પા સાથે થયેલા અણબનાવ ને તેણે...પોતાનો ચહેરો ધોવા ગયો ત્યારે, વોસ બેસીન માંથી આવતા હુંફાળા પાણી થી ધોઈ ને આવ્યો હતો...તેનાં પપ્પા ને જોતાં જ પ્રયાગ બોલ્યો....
પપ્પા....મારા વગર...તમને આ ઘર ખાલી ખાલી લાગશે કે નહીં ???

વિશાલ ને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી...એટલે બોલ્યો..
બેટા...હું મારા કામ માં બીઝી રહેતો હોઉ એનો મતલબ એવો તો નથીને કે મને તારા માટે લાગણી નાં હોય...!!
હા એક વાત સાચી કે. .હું ક્યારેય તારી મમ્મી જેટલો અને જેવો પ્રેમ તને નથી કરી શક્યો...પણ કદાચ એ કુદરતી જ હશે..


*********** ( ક્રમશ:) *********