Vandramathi manas ne manasmathi kagda books and stories free download online pdf in Gujarati

વાંદરામાંથી માણસ ને માણસમાંથી કાગડા....!

વાંદરામાંથી માણસ ને માણસમાંથી કાગડો..!

આ લેખનું ટાઈટલ જરા અઘરું ને અટપટું તો છે જ..! ટાઈટલ વાંચીને અમુકના મોંઢા વંકાશે એની પણ ખબર છે. આવાં વાંકાયેલા મિજાજવાળાને એટલું જ કહેવાનું કે, ‘જાહેરાત કંઈ અલગ ને માલ કંઈ અલગ’ એવી આપણી દાનત નથી. દુઃખતો દાંત કાઢવાને બદલે, ડોકટરે બાજુનો મજબુત દાંત ખેંચી કાઢ્યો હોય એમ, નાહકના ઉધામા નહિ કરવાનાં. વાંચનારને એવું પણ ફિલ થશે કે, ‘સાલો વાંદરો ક્યાં, માણસ ક્યાં ને આ કાગડો ક્યાં..? આ તો બિલાડું, જાણે ફેસિયલ કરાવીને ફરવા નીકળ્યું હોય તેવું લાગે..! સાચી વાત એ છે કે, જેમ મુગટ વગરનો રાજા નહિ શોભે, ને કપાળમાં ચાંદલો, સેંથામાં સિંદુર, ને ગળામાં મંગળસૂત્ર ના હોય તો અખંડ સૌભાગ્યવતી નહિ શોભે. બીજું કે, વાઈફ વગર પતિ ના શોભે એમ, ટાઈટલ વગર લેખ પણ નહિ શોભે. થોડું ઘણું આઘું પાછું તો થાય..! લેખને ટાઈટલ નહિ આપીએ તો, લેખ નોંધારો બની જાય..! ટાઈટલ આપ્યું હોય,તો જ ખબર પડે કે, લેખમાં વઘાર શાનો છે ?

એક વાત છે, જેને ધારણ કરેલાં વસ્ત્રાલંકાર જોઇને જ કન્યા સુંદર લાગતી હોય, એમના માટે ટાઈટલ જરૂરી ખરું. પછી ભલે એ કન્યામાં લાલીતા પવારનો ‘ફૂલ પાવર’ હોય કે, ‘આખી’ સાવંતનો ઝટકો ને લટકો હોય..! માત્ર ટાઈટલ વાંચીને એવું અનુમાન નહિ કરવાનું કે, ક્રિકેટની ૨૦-૨૦ મેચ, ક્રિકેટના મેદાન બદલે, ફૂટબોલના મેદાનમાં રમાડવા કાઢી છે...! માણસના પૂર્વજો વાંદરા હતાં, એની કોને ખબર નથી? પણ આ તો દૂધપાકમાંથી હાડકાં શોધવાની એક આદત પડી ગયેલી. સારું છે કે, એવું નથી પૂછતાં કે, “વાંદરામાંથી માણસ આવ્યાં હોય તો પછી પુંછડા ક્યાં ગયાં..?” એવાને પછી એવો જ જવાબ અપાય, કે પુંછડા ભગવાનને ગીરવે મુક્યા ત્યારે તો એ માણસ બનેલા..! પાણીમાં જલેબી બોળીને ખાતાં હોય, એને આપણે બીજું કહીએ પણ શું..? વાંદરામાંથી માણસ બનતા ભલે હજાર વર્ષ ગયાં હશે, પણ માણસમાંથી વાંદરો બનતા એટલે તો પાંચ મિનીટ પણ લગતી નથી. જેને પૂર્વજોની મર્યાદા જ આડી આવતી નહિ હોય, એને પૂર્વજોના કાગડા ચોંચ મારે કે નહિ..?

કાગડાઓને જોઇને પથ્થરબાજી કર નહિ જાલિમ

શ્રાધ્ધનો મહિનો છે, તારો સ્વજન પણ હોય શકે.

કોઈ સમજવા જ તૈયાર નથી કે, પૂર્વજોને માત્ર ભાદરવા મહિનાના શ્રાધ્ધના દિવસોમાં જ, પોતાના સ્વજનોને મળવાના ‘વીઝીટીંગ વિઝા’ આપવામાં આવે છે. વરસ આખું ભલે ગમે એટલાં લાંબા-ટૂંકા પુંછડા ગમે ત્યાં કાઢો, પણ શ્રાદ્ધના મહિનામાં તો સખણા રહો..? અમુકના તો માત્ર મોઢાંના નકશા જ નકશીદાર..! બાકી મગજ ખોલીને જોઈએ તો, એમાં ભુંસા જ ભરેલા હોય..! મોઢાનું ઝઘારું તો ‘ફેસિયલ’ કરાવીને પણ લવાય. પણ મગજને ઝઘારવા ‘મેસિયલ’ નહિ કરાય. ને બોડીનું ‘બોડીયલ’ પણ નહિ થાય. એટલે બાકીનો ભાગ, બ્રાન્ડેડ વેફરના પડીકા જેવો જ હોય. અંદર માલ ઓછો ને હવા વધારે..! દે ધનાધન..!!

દરિયામાં મોતી કાઢવા જતાં, મરજીવાનું લક્ષ, માત્ર મોતી ઉપાર જ રહેવું જોઈએ. ગાઢ દરિયામાં ડૂબકી માર્યા પછી, ભાવતા માછલાં શોધવાના રવાડે નહિ ચઢાય. ચઢે તો માછલાં જ હાથમાં આવે, મોતી નહિ. એમ લેખનું ટાઈટલ જ નહિ જોવાનું. , કાગડાની જેમ ગમે ત્યાં ચોંચ મારવાની આદત બહુ સારી નહિ. કાગડામાં ને એનામાં પછી ફરક શું..? શ્રાદ્ધના દિવસો ચાલતાં હોય, ત્યારે સ્થિતપ્રજ્ઞ જ રહેવું ઉત્તમ..! પૂર્વજો કાગડા બનીને માથે ફરતાં હોય, ત્યારે ઉઘાડે માથે ભલે ફરીએ, ને હેલ્મેટ નહિ પહેરો તો પણ ચાલે. પણ માપમાં જ રહેવાય..!

આવા બરમુડા મોલમાં જ મળે એવું નથી. ગમે ત્યાં અથડાય. એની સાથે બીજી દલીલ પણ શું કરીએ દાદૂ..? પૂર્વજો વગરનો કોણ પેદા થાય છે અહીં..?. એટલે, ‘મિચ્છામી દુક્કડમ’ સિવાય બીજું હથિયાર પણ કયું કાઢીએ..? એમ થાય કે, આવાં દુનિયામાંથી ,ઉકલી ગયાં પછી, શ્રાધ્ધના મહિનામાં એમને કાગડા પણ ભાડે મળશે કે કેમ..? યાર, લેબલ ગમે તે હોય, અંદરનો માલ બ્રાન્ડેડ હોવો જોઈએ. ચાહના ડબ્બા ઉપર ભલે ‘વાઘ-બકરી’ લખ્યું હોય, પણ અંદરથી ચાહ જ નીકળવી જોઈએ. વાઘ-બકરી નહિ..! શું કહો છો મામૂ..?

ભાદરવાનો શ્રાદ્ધ મહિનો એટલે, આપણા પૂર્વજોનું ‘ એન્યુઅલ જનરલ ઇન્સ્પેકશન’ શ્રાદ્ધના મહિનામાં હાથી-ઘોડાને માન-પાન નહિ આપીએ તો ચાલે, પણ કાગડાને તો સો તોપની સલામી જેટલું માન તો આપવું જ પડે. આ લેખનું ટાઈટલ એટલે એવું આપ્યું છે કે, ‘વાંદરોમાંથી માણસ, ને માણસમાંથી કાગડો..! ‘ વાંદરો, માણસ કે કાગડો, આમ ભલે જુદી-જુદી પાર્ટીના મેમ્બર જેવાં લાગે, પણ માણસની સાથે સંકળાયેલા. આ બધા પૂર્વ જનમના આપણા ઇતિહાસના પાના છે, કહેવાય છે કે, માણસનું સર્જન વાંદરામાંથી થયેલું. ને એ માણસ ઉકલી જાય પછી, શ્રાધ્ધના મહિનામાં કાગડો બનીને આવે. એટલે, મલાજો તો રાખવો જ પડે. આપણે ક્યાં એમને મર્યા પછી આખી જિંદગી સાચવવાનાં છે ? શ્રાદ્ધના એક જ મહિનો પુરતો જ આલાપ-વિલાપ કરવાનો ને..? માત્ર એક મહિનો સાચવી લેવાથી, જો આખા વર્ષનો સંબંધ બંધાતો હોય તો, એ ધંધો કરવામાં વાંધો શું..? એ આપણા બધાં ઉપરી અધિકારી છે. ને ઉપરી અધિકારી સાથે સંબંધ નહિ બગાડાય એમ, કાગડા સાથે પણ સલુણો વ્યવહાર રાખવો જ પડે, એ આપણો પૂર્વજ છે દાદૂ..? સંબંધ સાચવ્યા હોય તો, પૂર્વજોને લોચા-લબાચાનું કોઈ અવળું-સવળું રીપોર્ટીંગ તો નહિ જાય..? પણ જેનામાં સમજણના જ સુકા દુકાળ હોય, એને સમજાવે કોણ..? સમજણના મામલામાં ક્યારેય ઉતાવળે નિર્ણય નહિ લેવાના. ભલે ને ભારે ઉતાવળ હોય, બ્રશ કરવું હોય તો, ‘ટુથ-પેસ્ટ’નો જ ઉપયોગ થાય. બામ હાથવગો નજીકમાં પડ્યો હોય, તેથી કંઈ બ્રશ ઉપર બામ લગાવીને દાંત સાફ નહિ કરાય. આમ કરવાથી દાંત ઘસાય નહિ. પણ ગંધાય..!

મ્યાન ગમે એવી ફાંકડી હોય એ મહત્વની નથી, તલવાર ધારદાર હોવી જોઈએ. સ્વયં માણસની આ જિંદગી જ એક ઉખાણું છે, ત્યાં ટાઈટલની શું કથા કરવી ? અમુક યોની પસાર કરો, એટલે પાછું આ જ ધરતી ઉપર ટીચાવાનું છે. ધરતી ઉપરની આપણી આ સફર કંઈ પહેલી ને છેલ્લી થોડી છે..? આપણી આવન-જાવન તો કરોડો વર્ષથી ચાલુ છે. જેમ પુત્રના લક્ષણ પારણામાંથી એમ, ટાઈટલ નો શબ્દાર્થ કાઢવા કરતાં, ભાવાર્થ સમજવાની વાત છે. ચૂલે મુકેલા ચોખાનું તપેલું થોડું છે કે, ચોખાના બે-ત્રણ દાણા ચકાસો એટલે ચોખા ચડી ગયાની સમજણ મળી જાય...!

આપણામાં કહેવત છે, કે, ‘ સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો...! ‘ વર્ષના ૩૪૯ દિવસ ભલે આપણા હોય, પણ શ્રાધ્ધના ૧૬ દિવસ કાગડાના હોય.! ૩૬૫ દિવસમાં જે જે તિથીએ ડોહાઓ ઉકલી ગયેલાં એ તિથી કાગડાની....! આ ૧૬ દિવસોમાં પૂર્વજો, કાગડા સ્વરૂપે સામેથી દર્શન આપવા, આપણા આંગણે આવે છે, એવું નહિ વિચારવાનું કે, બધું વસાવેલું-મુકેલું ડોફાઓએ ટકાવ્યું છે, કે ઉલેળી મુક્યું છે એ જોવા માટે આવે છે..! આવ્યાં છે તો રસોઈનો ટેસ્ટ પણ ભેગા કરતાં જાય. કે, રસોઈમાં કંઈ સુધર્યા છે કે પછી હજી એવાં ને એવાં જ છે ...! આ તો એક ગમ્મત...!! પણ શ્રદ્ધા રાખવાની. માત્ર ટાઈટલના ભાવાર્થમાં ગળાડૂબ નહિ રહેવાનું. માનવીનું માત્ર શરીર નાશવંત છે. આત્મા ક્યારેય મારતો નથી, એ તરતો જ હોય ને શ્રાદ્ધના દિવસોમાં ફરતો જ હોય. માયા ક્યારેય માણસથી છૂટાછેડા લેતી નથી.

સરકારે તો સરાધીયાના દિવસોને પણ, સમૂહ લગ્નની માફક ‘સમૂહ શ્રાદ્ધ ઉત્સવ‘ તરીકે યોજવો જોઈએ. ગામેગામ ‘ હોર્ડિંગ ‘ બોર્ડ મૂકીને જન જાગૃતિ લાવવી જોઈએ. કે, “ સરાધીયાના દિવસોમાં કોઈપણ જાલીમે કાગડાઓ જોઈને પથ્થરબાજી કરવી નહિ...! બીજાને જે કહેવું હોય તે કહે, પણ કોઇપણ કાગડાને ‘ લુચ્ચો ‘ કહેવો નહિ....! સંભવ છે કે, એમાંનો એકાદ કાગડો કોઈનો સ્વજન પણ હોય....! એટલે બને ત્યાં સુધી તો, શ્રાદ્ધના દિવસોમાં કાગડાનું પૂરું સન્માન જ જાળવવું. તમામ કાગડાઓને ખાસ મહેમાન તરીકે જ ટ્રીટ કરવા. જેથી તેઓ સ્વર્ગમાં રીટર્ન થાય ત્યારે, આપણી સારી છાપ લઈને જાય. અને આપણી આન-માન ને શાન સ્વર્ગ સુધી પહોંચે. નીચે ખાસ લખવું કે, ‘ સૌનો વાસ સૌની સુવાસ.....!

-------------------------------------------------------------------------------------------------------------------------