koto books and stories free download online pdf in Gujarati

કૉટૉ

દર વર્ષની માફક આ વર્ષે પણ અમે શાળામાં નવરાત્રિની ઉજવણી નો પ્રોગ્રામ રાખ્યો હતો. શાળાના મેદાનમાં સાઉન્ડ સિસ્ટમ મૂકેલી હતી. તેમાં ગરબાના સંગીતની ધમાચકડી બોલતી હતી.બાળકો ઉત્સાહથી પોત પોતાને આવડે તેવા ગરબા રમતા હતા. ગરબા રમવાનો ખાસ કરીને શાળાની બાલિકાઓ ને ખૂબ ઉત્સાહ હોય છે. પરંતુ રોજ આવતા વરસાદને કારણે પ્રોગ્રામ રોજ આગળ ઠેલાતો જતો હતો. બે દિવસના વરસાદના વિરામને લીધે આજે શાળામાં ગરબાનો કાર્યક્રમ ગોઠવી દીધો હતો.

સતત વરસતા વરસાદને લીધે આ વર્ષે મોલાતમાં ખડ હાલી મળ્યા છે.કાયમ વરસાદની માંગણી કરતો ખેડૂત લપીયા મહેમાનની જેમ વરસાદ જવાની વાટ જોવા લાગ્યો છે. બે-ત્રણ દિવસની ખરાડ આપી દે તો સાતિ હાંકવા ખેડૂતો ઘાંઘા થયા છે. પણ રેગ્યુલર સ્ટુડન્ટની માફક વરસાદ રોજ ભૂલ્યા વગર હાજરી પુરાવી જાય છે.આજે બે દિવસના વિરામ ને લીધે અમુક કાંકરિયાટ જમીનમાં દંતાળ ચાલે એવું થોડું થોડું થઈ ગયું છે.મોલાત માં થોડું ખુંદાય ખરું પણ આ વર્ષે તો સારી ખરાડય ની વાટ જોવામાં ફરી વરસાદ આવી જવાની બીક રહે છે.

ઠાકરશી દાદા ને કપાસ તો સારો ઉજરી ગયો છે. પણ સાથે સાથે ખડ પણ ખૂબ જ જામ્યું છે. આ બે દિવસની ખરાડય ને લીધે કાલે તો સવારમાં ઝાકળ ઉડયે બળદ જોડી ને સાહણુ હાકી ખડને વિખી નાંખવા માટે ઠાકરશી દાદા તલપાપડ થઈ રહ્યા છે. તેની પાસે બળદ ની જોડ પણ લોઠકી છે.અને તેમાંય આ બે મહિનાથી બેઠા-બેઠા ખાઈને બળદો પણ જોરૂકા થઈ ગયા છે. સવારમાં ઉતાવળમાં કંઈ ભૂલી નો જવાય એટલે ઠાકરશી દાદા રાત્રે જ ગાડામાં દંતા‌ળ, ઢોહરું,નાડણ, પકડ પાના, ખરપિયો, રાશ, સિકલા આ બધું યાદ કરીને મૂકતા જતા હતા. સવારે ટાઇમ થાય એટલે સીધા જ વાડી ભેગા થઈ જવાય. ઠાકરશી દાદા ના ઘરેથી માડી પણ બહુ ખટકાવાળા. તેણે પણ ચુંગીની બજર,બાકસ,ચા ની તપેલી બધું ભેગું કરી રાખ્યું છે.

" કાલ્ય હવારમાં પુગ્યાં ભેરા હાંતી જૉડી દેજો, જઈ ને તરત હોકલું નો હળગાવતા પાછા.બે મહિનાથી બેઠા-બેઠા હોકલુ જ પીવો છો.ને વહેલા જાગી ખટકો રાખી વાડી ભેગા થઈ જાજો. હું શિરામણ લઈને આવીશ."ઠપકો આપતા માડીએ કહ્યું.

ઠાકરશી દાદા સ્વભાવે આનંદી માણસ. અને માતાજીના ભુવા પણ ખરા. ચોરણી ને પેરણ પહેર્યુ હોય અને માથે પનીયું બાંધેલું હોય. પનીયામાંથી વધારેલી ચોટલી બહાર દેખાતી હોય. એકવડિયું શરીર ને હસતા ના હોય ત્યારે પણ હસમુખો લાગે તેવો તેનો ચહેરો છે.

સવારમાં વહેલા જાગી બળદોને નીરણ ખવડાવી પાણી પાઈને તૈયાર રાખ્યા છે. ગાડું જોડવાની તૈયારી કરી ત્યાં ઠાકરશી દાદા ને યાદ આવ્યું કે ચા ખાંડ ના પડીકા તો ખૂટી ગયા છે.

તેણે માડીને સાદ દીધો, " અલી તું બધું તૈયાર કર ત્યાં હું ઓધાભાઈ ની દુકાનેથી ચા મુરસના પડીકા લઈ ખોટા રૂપિયાની જેમ આવું પાછો." માડી એ ડોળા તગતગાવ્યા પણ ઠાકરશી દાદા ભાળ્યું નો ભાળ્યું કરી ઉપડી ગયા.

ચા ખાંડ લેતા ત્યાં દુકાને માતાજીનો ગરબો, " મા એ ગરબો કોરાવ્યો ગગન ચોકમાં રે...."ઠાકરશી દાદાને સંભળાયો. તેનું ધ્યાન એ તરફ ખેંચાયુ. તેણે દુકાનવાળા ઓધાભાઈને પૂછ્યું, "એલા આ ગરબા કિનકોર વાગે છે?"

ઓધાભાઈ એ કહ્યું, "હમણાં છોકરા તૈયાર થઈને જાતા' તા એટલે નિશાળે ગરબાનો પ્રોગ્રામ રાખ્યો હશે."

" હાળું મોડું તો થાય છે પણ એક કામ કર્યને ચોકલેટુના તણ સાર પડીકા આપી દેને સોકરાને પરસાદી દેતો હાલું." ઠાકરશી દાદા એ કહ્યું.
ચોકલેટ ના ત્રણ પેકેટ લઇ ઠાકરશી દાદા ઉતાવળા પગે નિશાળ બાજુ ચાલ્યા. તેને એક બાજુ વાડીએ જવાનું મોડું થઈ ગયું હતું.ને બીજી બાજુ તેના ઘરેથી ડોશીમાના ગુસ્સાથી તગ તગતા ડોળા દેખાતા હતા. છતાં પણ તે નિશાળે આવ્યા મને બોલાવ્યો. હું બાળકો સાથે ગરબા રમતો રમતો બહાર આવ્યો. તેણે મને ચોકલેટના પૅકેટ આપી બાળકોને પ્રસાદી વહેંચી દેવા કહ્યું. તેના ચહેરા પર માતાજી નું કાર્ય કર્યાનો સંતોષ દેખાતો હતો.

મેં તેમને ગરબાના બે ફેર નાખવા આગ્રહ કર્યો. તેમને ઈચ્છા તો બહુ થઈ આવી પણ વાડીએ જવાની ઉતાવળ પણ હતી.

તેણે કહ્યું, "રેવા દિયો ને માસ્તર."

મે કહ્યુ, "ઠાકરશી દાદા ખાલી બે ફેર નાખી દો ને મજા આવશે, હું પણ તમારી સાથે રમીશ."
મેં તેમનો હાથ પકડી ખેંચ્યા ત્યાં વળતા પાણીના પ્રવાહમાં વેલો તણાઈ તેમ મારી પાછળ ખેંચાતા આવ્યા. ને પછી તો એક પછી ગરબા વાગતા ગયા અને વિદ્યાર્થીઓ, શિક્ષક સ્ટાફ ને ઠાકરશી દાદા ગરબે ઘૂમતા ગયા. ઠાકરશી દાદા દેશી સ્ટાઇલમાં ખૂબ ગરબા રમ્યા. પરસેવે રેબઝેબ થઈ ગયા. ગરબાનું મ્યુઝિક પૂરું થયું. ત્યારે ઠાકરશી દાદા ને યાદ આવ્યું કે વાડીએ જવાનું તો મોડું થઈ ગયું. પરંતુ તેના મોઢા પર ખૂબ ખુશી દેખાઈ આવતી હતી.

આજનો આનંદ તે શબ્દોમાં વર્ણવી ના શક્યા. તે મને ભેટી ગયા. તેના શરીર અને કપડાં પર લાગેલી માટીમાં પરસેવો ભળવાથી એક અજીબ પ્રકારની ગંધ પણ મને આજે એ ગામડિયા ના સ્નેહનું અત્તર લાગી રહ્યું હતું.

જતા જતા તેણે મારો જમણો હાથ પોતાના બંને હાથ માં દાબી દીધો. તેની આંખોમાં જળ ના આવરણ બાઝી ગયા હતા.

તેણે કહ્યું, " માસ્તર સાહેબ મારા હમ.....આજ મને કૉટૉ ચડી ગયો...."

આટલું કહી ઉતાવળા પગે તે નિશાળના દરવાજા તરફ ચાલવા લાગ્યા. તેણે માથે બાંધેલા ફાળિયામાથી છૂટીને ફેલાયેલી ચોટલી માંથી ટપકતા પરસેવાના બુંદ ને હું જોતો રહ્યો.
( કૉટૉ: અતિ ઉત્સાહ)
લેખક : અશોકસિંહ ટાંક
(૩/૧૦/૧૯)