Once Upon a Time - 87 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 87

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 87

મુંબઈ પોલીસના ઑફિસરોની એક ટીમ અંડરવર્લ્ડના કુખ્યાત શૂટર સાધુ શેટ્ટીને મુંબઈની સેશન્સ કોર્ટમાં લઈ ગઈ. એક મર્ડર કેસમાં સાધુ શેટ્ટી સામે સુનાવણી ચાલી રહી હતી. થોડા કલાક કોર્ટમાં ગાળ્યા પછી સાધુ શેટ્ટીને લઈને મુંબઈ પોલીસની ટીમ કોર્ટ બહાર જવા નીકળી. કોર્ટમાં રાબેતા મુજબ વકીલો અને ફરિયાદીઓ અને આરોપીઓ નજરે પડી રહ્યા હતા. સાધુ શેટ્ટીને હસવું આવ્યું. એને એક સિનિયર પોલીસ ઑફિસરે સમજાવ્યો હતો કે આ બધા જોખમના ધંધા છોડીને પોતાની અને બીજા માણસોની જિંદગી બરબાદ કરવા કરતા તારી શક્તિનો સદુપયોગ કર તો લોકોના આશીર્વાદ મળશે. એ સિનિયર ઑફિસર હતા મુંબઈના ડેપ્યુટી કમિશનર દીપક જોગ, જે ગુંડાઓને પકડવામાં અને સજા અપાવવામાં જેટલો રસ લેતા હતા એટલો જ ઉત્સાહ ગુંડાઓને સારા રસ્તે વાળવામાં પણ દાખવતા હતા. તેઓ માનતા હતા કે ગુંડાઓને ગોળીએ દેવાથી કે જેલમાં ધકેલવાથી સમાજના અનિષ્ટ તત્વોનો અંત ન આવી જાય. એના માટે ગુંડાઓને સારી જિંદગી જીવવાની પ્રેરણા પણ આપવી જોઈએ. સાધુ શેટ્ટી આઈપીએસ ઑફિસર દીપક જોગની વાતોથી પ્રભાવિત જરૂર થયો હતો, પણ એ યુવાન ઑફિસરની વાત પોતાના જીવનમાં ઉતારવાનો વિચાર અને હાસ્યાપદ લાગ્યો હતો.

કોર્ટમાં ફરતા વકીલો અને ફરિયાદીઓ અને પોલીસ ઑફિસર્સને જોઈને એના મનમાં વિચાર આવી ગયો કે ગુંડાઓ કરતાં વધુ અનિષ્ટ તત્વ કહેવાય એવા તો ઘણા પોલીસ ઑફિસર્સ અને વકીલો છે. એમને ઠેકાણે લાવવામા આવે તો સમાજમાં ઘણું ન્યુસન્સ ઘટી જાય!

આવો વિચાર કરતો સાધુ શેટ્ટી પોલીસ ટીમ સાથે પોલીસ વેન ભણી આગળ વધી રહ્યો હતો ત્યારે અચાનક એના કાન પાસેથી એક ગોળી પસાર થઈ ગઈ. એક ક્ષણ માટે સાધુ શેટ્ટી હેબતાઈ ગયો. એણે ગોળી આવી હતી એ દિશામાં જોવાની કોશિશ કરી ત્યાં તો બીજી ગોળી આવી અને એ સાથે એના પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ થયું.

સાધુ શેટ્ટીને લઈને પોલીસ ટીમ કોર્ટમાં બહાર નીકળી રહી હતી ત્યારે અચાનક એક મારુતિ વેન ધસી આવી હતી અને એમાંથી ઊતરેલા છોટા શકીલ ગેંગના શૂટર્સે સાધુ શેટ્ટી ઉપર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. ભૂતકાળમાં ડઝનબંધ માણસોના ઢીમ ઢાળી ચૂકેલો સાધુ શેટ્ટી શિયાવિયા થઈ ગયો. એની આંખ સામે મોત તરી રહ્યું હતુ. પણ બીજી બાજુ પોલીસે શૂટર્સના ગોળીબારનો જવાબ ગોળીઓથી આપ્યો એટલે છેટા શકીલ ગેંગના શૂટર્સે જીવ બચાવવા ભાગવું પડ્યું. ગભરાઈ ગયેલો સાધુ શેટ્ટી જમીન પર ઊધો સૂઈ ગયો હતો. એ હુમલામાં એ આશ્વર્યજનક રીતે બચી ગયો.

સાધુ શેટ્ટીને ફરી એકવાર ડેપ્યુટી પોલીસ કમિશનર દીપક જોગે અંડરવર્લ્ડ છોડી દેવાની સલાહ આપી. વાર્યો ન વળે એ હાર્યો વળે એ કહેવત પ્રમાણે મોત ભાળી ચૂકેલા સાધુ શેટ્ટીના ગળે આઈપીએસ દીપક જોગની સલાહ ઊતરી ગઈ. થોડા સમય પછી એ જેલમાંથી બહાર આવ્યો ત્યારે એણે મુંબઈ છોડીને બેંગલોર ભેગા થઈ જવાનો નિર્ણય કરી લીધો. સાધુ શેટ્ટીએ બેંગ્લોરમાં ‘તુલુનાડુ સેના’ નામની સંસ્થા ઊભી કરી અને કારકાલ, બેલતંગાટી, ઉડિપી અને મેંગલોરમાં એની શાખાઓ ઊભી કરી. જો કે અંડરવર્લ્ડ છોડ્યા પછી પણ તેણે છોટા રાજન સાથે મિત્રતા તોડી નહોતી.’

***

સાધુ શેટ્ટીની કરમકુંડળી પૂરી કહ્યા પછી પપ્પુ ટકલાએ ફરી વાર નવી ફાઈવફાઈવફાઈવ સળગાવી અને એનો ઊંડો કશ લઈને એણે અંડરવર્લ્ડ કથા આગળ ધપાવી: ‘આ દરમિયાન અરુણ ગવળીને પણ રાજકારણમાં રસ પડ્યો હતો. એણે અખિલ ભારતીય સેના નામના રાજકીય પક્ષની રચના કરી. જોકે એની મુખ્ય ‘પ્રવૃત્તિ’ તો ચાલુ જ હતી. એ સમયમાં મુંબઈમાં ગેંગવોર થોડી શાંત પડી હતી, પણ એ દરમિયાન વિદેશની ધરતી ઉપર છોટા રાજનના શૂટર્સે દાઉદ ઈબ્રાહિમના વિશ્વાસુ ડ્રગ સ્મગલર પીલુ ખાનને એક હોટેલમાં ગોળીએ દીધો હતો તો સામે છોટા રાજન ગેંગના શાર્પ શૂટર અને એના ખાસ માણસ ગણાતા દિવાકર ચુરી અને સંજય રગ્ગડને દાઉદ ગેંગના શૂટર્સે કાઠમંડુમાં ઠાર કર્યા હતા.

આમ છતાં છોટા રાજન દિવસે ને દિવસે વધુ પાવરફુલ બની રહ્યો હતો. છોટા રાજનના સાથીદાર સાધુ શેટ્ટીએ અંડરવર્લ્ડ છોડી દીધું હતું પણ રાજને એના સિવાય પણ બીજા ત્રણ મજબૂત સાથીદારોની મદદથી પોતાની ગેંગની પ્રવૃત્તિઓને વિકસાવવાનું કામ ચાલુ રાખ્યુ હતું. છોટા રાજન દુબઈથી કુઆલા લમ્પુર જતો રહ્યો ત્યારે એણે પોતાના ગાઢ સાથીદાર ગુરુનાથ નરહરિ સામટ ઉર્ફે ગુરુ સામટને કુઆલાલમ્પુર (મલેશિયા) બોલાવી દીધો હતો. એ સિવાય રોહિત વર્મા અને ઓમપ્રકાશ સિંઘ પણ છોટા રાજનના જમણા હાથસમા બની ગયા હતા. ગુરુ સાટમ રાજન ગેંગને સંગઠિત રાખવામાં કાબેલ સાબિત થયો તો રોહિત વર્માએ ગેંગમાં નવા નવા યુવાનોને ભરતી કરવાનું કામ સુપેરે સંભાળી લીધું અને ઓમપ્રકાશ સિંહ કોઈ પણ ઓપરેશન આયોજનબદ્ધ રીતે પાર પાડવામાં નિષ્ણાત બની ગયો હતો.

આ ત્રિપુટીને કારણે દાઉદ ઈબ્રાહીમ ગેંગ બહુ ફાવતી નહોતી. નહીંતર દાઉદ ઈબ્રાહીમે પણ છોટા રાજન ગેંગમાં ભંગાણ પડાવવા માટે અનેક વાર પ્રયાસ કર્યો હતો. છોટા રાજને પોતાનો એક પગ મલેશિયામાં અને બીજો પગ ઓસ્ટ્રેલિયામાં રાખીને ગેંગ મજબૂત બનાવવા માંડી હતી. રોહિત વર્મા, મુંબઈ, ઓસ્ટ્રેલિયા અને થાઈલેન્ડમાં ગૅન્ગના ‘ઓપરેશન્સ’ સંભાળવા માંડ્યો. ગુરુ સાટમ મલેશિયા અને મુંબઈ વચ્ચે આવનજાવન કરવા માંડ્યો હતો અને ઓમપ્રકાશસિંહ (ઓ.પી.સિંહ) મુંબઈ, નેપાળ અને થાઈલેન્ડ વચ્ચે ફરતો રહીને ગેંગને મજબૂત બનાવવાનું કામ સંભાળી રહ્યો હતો.

છોટા રાજન અને એની આ ત્રિપુટીની સામે દાઉદ અને તેના ભાઈઓ ઉપરાંત છોટા શકીલ અને અબુ સાલેમ બરાબર ફાઈટ આપી રહ્યા હતા. દાઉદ ગેંગના સેનાપતિ સમો છોટા શકીલ મલેશિયા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને નેપાળમાં એક સાથે દાઉદ ગેંગનું નેટવર્ક વિકસાવી રહ્યો હતો તો અબુ સાલેમ દુબઈ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનમાં દાઉદ ગેંગને મજબૂત બનાવી રહ્યો હતો.’

અંડરવર્લ્ડ કથા કહેતા કહેતા વચ્ચે પપ્પુ ટકલાએ નાનકડો બ્રેક લીધો. એણે બ્લેક લેબલ વ્હીસ્કીનો વધુ એક લાર્જ પેગ બનાવીને મોટો ઘૂંટ ભર્યો એ પછી અમારી સામે જોઈને એ બોલ્યો, ‘દાઉદ ગેંગમાં જેના આગમન પછી છોટા રાજનનું મહત્વ ઘટવા માડ્યું હતું. એ અબુ સાલેમ વિશે મેં તમને અગાઉ થોડી વાત કરી હતી પણ હું એક વાત કહેતા ભૂલી ગયો હતો. મુમ્બૈયા અંડરવર્લ્ડના મોટા ભાગના ગેંગલીડર્સ નાનપણથી જ મહત્વાકાંક્ષા ધરાવતા હતા અને યુવાન થઈને અંડરવર્લ્ડમાં પ્રવેશ્યા હતા. પણ અબુ સાલેમ નાનપણમાં આવી કોઈ મહત્વાકાંક્ષા ધરાવતો નહોતો. એ આઝમગઢમાં યુવાન થયા પછી એક પરિચિતની સાથે મુંબઈ આવ્યો હતો. મુંબઈમાં જોગેશ્વરી વિસ્તારમાં એના પરિચિત મુસ્લિમે એને મુંબઈની એક બેંકમાં પ્યૂન તરીકે નોકરી અપાવી હતી. 1998માં એ મુંબઈની એક બૅન્કમાં પ્યુન તરીકે નોકરી કરતો હતો. એ વખતે સાહેબો માટે ચા લાવવાનું અને એવા બીજા કામો એ કરતો હતો. પણ અનાયાસે એનો પરિચય દાઉદ ઈબ્રાહીમના ભાઈ અનીસ ઈબ્રાહિમના એક મિત્ર સાથે થયો હતો. અનિસ ઈબ્રાહિમનો એ મિત્ર દાઉદ ગેંગના નાના-મોટા કામ કરતો હતો.

અનીસ ઈબ્રાહિમના એ મિત્ર સાથે સંપર્કમાં આવ્યા પછી એ અબુ સાલેમ એની પાસેથી દાઉદની વાતો સાંભળીને પ્રભાવિત થઈ ગયો હતો. અને એની અંદર મહત્વાકાંક્ષા જાગી હતી. અબુ સાલેમનું સાચું નામ અબ્દુલ ક્ય્યુમ અંસારી છે. એ અનીસ ઇબ્રાહિમના મિત્રની સાથે જોડાઈ ગયો અને એણે બૅન્કમાં પ્યુનની નોકરી છોડી દીધી. એ પછી એ દાઉદ ગેંગના ગુંડાઓને શસ્ત્રો અને બીજા સામાન પૂરો પાડવાની જવાબદારી સંભાળવા માંડ્યો હતો. એની હિંમત ટૂંક સમયમાં ખૂલી ગઈ હતી. દાઉદ ગેંગના ગુંડાઓને સામાન પૂરો પાડવાનું કામ એને સોંપાયું એ પછી દાઉદ ગૅન્ગમાં એ અબુ સામાન તરીકે ઓળખાવા માંડ્યો હતો. અબુ સાલેમની દાઉદ ગેંગ પ્રત્યેની નિષ્ઠા અને એની હિંમત જોઈને અનીસ ઈબ્રાહિમ એને મહત્વના કામ સોંપવા માંડ્યો હતો. ફિલ્મ સ્ટાર સંજય દત્ત જે એ.કે. ફિક્ટી સિક્સ રાઈફલને કારણે કાનૂની સંકજામાં ફસાયો એ એ.કે. ફિક્ટી સિક્સ સંજય દત્તને પહોંચાડવાનું કામ પણ એને જ સોંપાયું હતું. 1993માં મુંબઈમાં સિરિયલ બૉમ્બ બ્લાસ્ટસ થયા ત્યાં સુધીમાં તો અબુ સાલેમ ઘણો સિનિયર બની ગયો હતો. અબુ સાલેમ પોતાની હિંમત બતાવીને અનીસ ઇબ્રાહિમ અને દાઉદનો વિશ્વાસુ બની ગયો હતો. મુંબઈમાં બૉમ્બ બ્લાસ્ટ્સ પછી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ખંખેરવાનો રસ્તો પણ એણે જ શોધી કાઢ્યો હતો. એણે 1994માં ફિલ્મ પ્રોડ્યુસર જાવેદ રિયાદ સિદ્દિકી અને ફિરોઝ સરફરાઝ ખાનના મર્ડર કરાવીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દાઉદ ઈબ્રાહિમ ગેંગની ધાક બેસાડી દીધી હતી.’

અબુ સાલેમ વિશે પૂરક માહિતી આપીને પપ્પુ ટકલા મેઈન ટ્રેક પર પાછો વળી રહ્યો હતો ત્યાં અચાનક એના મોબાઈલ ફોનની રિંગ વાગી. એણે અમારી સામે જ મોબાઈલ ફોન પર વાત કરી તેના ચહેરા પર આશ્વર્યનો ભાવ તરી આવ્યો. એણે અમારી સામે જોયું.

(ક્રમશ:)