Pardarshi - 18 books and stories free download online pdf in Gujarati

પારદર્શી - 18

પારદર્શી-18
સમ્યકનાં ફાર્મહાઉસ પર આજે ઘણાં દિવસો પછી એના પપ્પા રમેશભાઇ એને મળવા આવ્યાં.સમ્યકની સામે પડેલી દારૂની ખાલી થયેલી બોટલ અને સમ્યકની મોહિની સાથેની ટેલીફોનીક વાતચીત રમેશભાઇએ જોઇ અને સાંભળી.સમ્યકને એના પપ્પા પર હવે ભારોભાર ગુસ્સો હતો એટલે એ કશું બોલ્યો નહિ તો રમેશભાઇએ શરૂઆત કરી

“દિકરા, તું આ બધુ શું કરે છે? અસહાય લોકોની મદદની વાતો કરનાર આજે એક બોટલ દારૂ પીયને એક સ્ત્રીનું શોષણ કરવા તૈયાર થઇ ગયો?”

“તો પછી મને આ અદ્રશ્ય અવસ્થાએથી બહાર કાઢો.મારે નથી જોઇતું તમારું અમરત્વ.” સમ્યક ઉંચા અવાજે બોલ્યોં.

“ચાલ, આજે તને મારા ગુરૂનાં ઘરે લઇ જાઉં.પછી તારે જે કરવું હોય તે કરજે.”

ઘરની વાત પરથી સમ્યકને દિશા યાદ આવી.પછી એના પરથી મોહિની યાદ આવી.એટલે સમ્યકે કયાંય પણ જવાની ના પાડી.સમ્યક હવે કોઇ લાલચમાં આવવા માંગતો ન હતો.આખરે એના પપ્પાએ સમ્યકનાં માથે હાથ મુકયો અને સમ્યક બેભાન થયો.
સમ્યક જયાંરે ભાનમાં આવ્યોં ત્યાંરે એ કંઇક અલગ જગ્યા પર હતો.એણે બેઠા થઇને ચારે તરફ નજર કરી.ખુબ વિશાળ વૃક્ષો જોયા પણ એના પાંદડાઓ લીલા ન હતા.કોઇ વૃક્ષનાં પાન સોનેરી, કોઇનાં કાળા ભમ્મર તો કોઇનાં લાલ રંગનાં હતા.વૃક્ષોની ઉંચાઇ પણ અસામાન્ય હતી.દુર સુધી દેખાતી સમતલ જમીનમાં કયાંય પણ ટેકરી કે પહાડો ન હતા.જમીન પણ લાલ રંગની હતી.વહેતા ઝરણાઓ અને નદીઓમાં ‘બ્લુ’ રંગનું પ્રવાહી વહેતું હતુ.આ અલગ દુનિયા જોવામાં સમ્યકની આંખો રોકાયેલી હતી ત્યાંરે કાનમાં અવાજ સંભળાયો

“હવે ઉભો થઇજા દિકરા, આપણે આગળ જવાનું છે.”

સમ્યકે એના પપ્પા તરફ જોયું.એ ઉભો થયો ત્યાંરે હવે એને બધા અવાજો પણ સંભળાવા લાગ્યા.અમુક અવાજો ઉપર વૃક્ષો પરથી આવતા હતા એટલે એ તરફ એણે જોયું.એ પક્ષીઓ હતા.એમની પાંખોમાં પીછા ન હતા પણ ચામાચીડીયા જેવી રંગીન ચામડીઓની બનેલી પાંખો હતી.એવામાં એક પક્ષી શાંત એકદમ હલનચલન વિના એક ડાળી પર બેઠું હતું.સમ્યકને એ ખુબ સુંદર અને મોહક લાગ્યું.એના પરથી સમ્યકની નજર હટી જ નહિ.એ સુંદર અવાજે ખુબ જ કર્ણપ્રીય ગીત ગાતુ હતું.સમ્યક જાણે સંમોહિત થયો હોય એમ સ્થિર થયો.એના પપ્પા તો આગળ ધીમા પગલે ચાલતા હતા.પણ અચાનક એ પક્ષીનું ગીત બંધ થયું.એ એટલું મધુર હતુ કે સમ્યકથી બોલી જવાયું “અરે ઓ ભાઇ! ગાવાનું કેમ બંધ કર્યું?” એના અવાજથી રમેશભાઇએ સમ્યક તરફ જોયું.સમ્યકની નજર એ પક્ષી પર જ મંડાયેલી હતી.ત્યાં જ એ પક્ષી જડ થયું અને કોઇ પાકેલું ફળ ઝાડ પરથી નીચે પડે એમ એ પક્ષી નીચે લાલ માટીમાં પડયું.સમ્યક દોડીને એ તરફ ગયો.પણ એની નજર સામે થોડી જ વારમાં એ પક્ષી ઓગળી ગયું જાણે કોઇ ગરમ તવા પર ‘બટર’ નો ચોસલો ઓગળી ગયો હોય.અને લાલ માટીમાં થોડી જ ક્ષણોમાં એનું અસ્તિત્વ વિલીન થયું.એને આ વિચીત્ર ઘટનાથી આઘાત લાગ્યોં.એ કંઇ સમજે એ પહેલા જ રમેશભાઇએ એના ખભ્ભે હાથ મુકયો.સમ્યકે પ્રશ્નાર્થ આંખોથી એમના તરફ જોયું.અને સવાલને શબ્દો આપતા એ બોલ્યોં
“પપ્પા, આ પક્ષી કયાં ગયું?”

રમેશભાઇએ કહ્યું “તું મારી સાથે ચાલ, હું ચાલતા ચાલતા તને બધુ કહીશ.”
બંને ચાલતા થયા.સમ્યકનાં માથે સવાલો ભરેલું પોટલુ ભાર કરતું હોય એમ એ ધીરે ચાલતો હતો.અનેક સવાલો મનમાં પેદા થતા હતા.કયા સવાલને બહાર કાઢવો એવી મુંઝવણ હતી એટલે જ રમેશભાઇએ શરૂઆત કરી

“જો દિકરા, આ નવો ગ્રહ મારા ગુરુનું નવું ઘર છે.બ્રહ્માંડમાં આ ગ્રહની ઉંમર ઘણી નાની છે.અહિં જીવન એના શરુઆતી તબકકામાં છે.મારા ગુરુની સેંકડો વર્ષોની મહેનતે એ આજે અહિં છે.આપણે થોડો સમય ચાલશું એટલે એમનું ઠેકાણું આવી જશે.”

સમ્યક અવાક થયો...મૌન થયો.એવામાં ખુલ્લો મેદાન પ્રદેશ ચાલુ થયો.ઉપર આકાશ તરફ એ થોડી ક્ષણ જ જોઇ શકયો ત્યાં તો ઉપરથી આવતા સોનેરી પ્રકાશે એની આંખો અંજાઇ ગઇ.એણે બંને હાથોથી આંખો દબાવી અને ફરી ખોલી તો સામેથી આવતા ચાર વિશાળકાય જીવથી એ ગભરાયો.એ પાછો જંગલ તરફ ભાગવા ગયો પણ રમેશભાઇએ રોકયો.

“દિકરા બીલકુલ ગભરાઇશ નહિ.એ આપણને જોઇ નથી શકતા.આપણે તો એમના માટે પણ અદ્રશ્ય જ છીએ.અને આ અહિનાં ડાયનોસોર છે.શરૂઆતનાં વિશાળ જીવ.”

સમ્યકને નિરાંત થઇ એટલે એણે એ વિશાળ જીવોને નીરખીને જોયા કર્યું.એ લગભગ પેલા વૃક્ષોથી અડધી ઉંચાઇનાં હતા.આકારમાં એ વાનર અને થોડા માનવ જેવા લાગતા હતા.કયાંરેક એ બે પગે ચાલતા હતા પણ ખુબ વજનદાર શરીરને લીધે કયાંરેક ચાર પગે પણ થઇ જતા.ત્યાંરે એની ઉંચાઇ ઓછી થતી એટલે એનું માથુ પણ જોઇ શકાતુ.બે હાથ, બે પગ અને આખા શરીરે ભુખરા રંગની રૂવાટી દેખાતી હતી.પણ માથાનાં ભાગે ચાર મોટી ગોળાકાર આંખો હતી.બે આગળ અને બે પાછળ.સમ્યકે એ પણ જોયું કે જ્યાંરે એ જીવ પોતાની આગળની બે આંખો બંધ કરે ત્યાંરે આપોઆપ પાછળની બે બંધ આંખો ઉઘડી જતી.અને આગળની આંખો ખુલ્લી હોય ત્યાંરે પાછળની આંખો બંધ જ રહેતી.એ ચારેય જીવ એકદમ શાંતિથી બે પગે એકબીજાની સાથે જ ચાલ્યા જતા હતા.દેખાવે રાક્ષસો જેવા પણ સ્વભાવે ગાય જેવા શાંત એમને જોઇ સમ્યક ઉભો રહી એને જોવા લાગ્યો.એમાંથી એક જીવ સ્થિર થયો.એણે પોતાના બંને હાથ ઉપર આકાશ તરફ ઉઠાવ્યાં.અને એકસાથે દસ સિંહ ગર્જના કરે એવા મોટા અવાજે એણે ત્રાડ પાડી.સમ્યક અને રમેશભાઇ બંનેએ પોતાના હાથથી કાન બંધ કરવા પડયા.પણ સમ્યકની આંખો તો એના તરફ જ મંડાયેલી હતી.થોડી જ વારમાં એ જીવ પણ પેલા પક્ષીની જેમ સજજડ થયો.અને એ નીચે જમીન પર પડયો.લાલ સુકી માટીની ડમરીઓ ઉડી.પેલા ત્રણ જીવ પણ ચાર પગે ઉભા રહી ગયા.ધુળ થોડી હટી ત્યાંરે સમ્યકે જોયું તો એ જીવનું શરીર ધીમે ધીમે ઓગળતું હતુ.અને તરલ થયેલો એના શરીરનો ભાગ જમીનમાં ભળી જતો હતો, એમાં વિલીન થતો હતો.આ ફરી જોયેલી મૃત્યુની અદભુત ઘટનાથી સમ્યક ફરી સંમોહિત થયો.એની આંખો પહોળી હતી, મોઢું ખુલ્લુ અને પગ અચલ હતા.

“જોયુને! આ ગ્રહની, આ મૃત્યુની ઘટના કેવી વિચીત્ર છે.શરીર તરત જ પાછુ આ ધરતીમાં સમાઇ જાય છે.આ શરીરને સાચવવું બહું અઘરું છે દિકરા! એ તો આપણા જેવા ભાગ્યશાળી જ કરી શકે.” રમેશભાઇએ સમ્યકને જાગૃત કરવા બોલ્યા.

સમ્યક હજુ પણ કંઇ બોલી શકવાની સ્થિતીમાં ન હતો.પેલા ત્રણેય જીવ મૌન રહી ત્યાં થોડીવાર ઉભા રહ્યાં.જયાં સુધી પેલુ શરીર સંપુર્ણ વિલીન થયું ત્યાં સુધી એ ત્યાં જ ઉભા રહ્યાં.પુથ્વીનાં પંદર મીનીટ જેટલા સમયમાં એ ઘટનાએ આકાર લીધો અને એ જીવ હવે નિરાકાર થઇ ગયો.રમેશભાઇએ સમ્યકનો હાથ પકડયો અને આગળ વધવા ઇશારો કર્યોં.

“પપ્પા, પેલુ પક્ષી પણ આમ જ મર્યું.આ ડાયનોસોર જેવો જીવ પણ આમ મર્યોં.શું અહિં બધા આમ જ મરે છે?”

“હા દિકરા.અમે લગભગ આવા જ મૃત્યુ જોયા છે.કોઇ જીવને બીજા જીવની હત્યા કરતા નથી જોયા.અહિં હજુ સુધી અમે હિંસા નથી જોઇ.” રમેશભાઇ થોડીવાર અટકયા તો પણ સમ્યક તો સાંભળતો જ રહ્યોં.રમેશભાઇએ ફરી ઉમેર્યું
“અને હા, અહિનો એકપણ જીવ માંસાહારી નથી.એવી અહિં જરૂર જ રહેતી નથી.વૃક્ષો જ એટલા કદાવર છે કે દરેક જીવને ખોરાક પણ મળી જાય.અને દરેક શરીરનાં નિર્જીવ કચરાનો આમ જ નીકાલ થઇ જાય છે.જયાંથી શરીર બન્યું એમાં તરત જ ભળી જાય છે.એટલે જ અહિં રહેવામાં જરા પણ ડર નથી.અને ઉપરથી આપણે કોઇને દેખાતા જ નથી.તો વિચાર કર કે કેટલી શાંતિ છે અહિં.......અહિં કુદરતને હિંસા મુકવાની જરૂરત નહિ લાગી હોય.”

સમ્યક હવે શાંત થયો.એનું વિચલીત મન પણ મૌન થયું અને વિચારે ચડયું ‘કેટલું અલગ વિશ્વ છે આ....અમુક આપણી ધરતી જેવું તો અમુક સદંતર અલગ.કોઇ હિંસા નહિ અને કોઇ એકબીજાને મારીને ખાઇ પણ નહિં.’ પછી તરત જ સમ્યકને એક બીજો વિચાર આવ્યોં ‘ઓહો તો આ બધાની વસ્તીનું નિયંત્રણ કેમ થતુ હશે?’ જે પછી એણે શબ્દોમાં એના પપ્પા સામે રજુ કર્યોં.ચાલતા ચાલતા જવાબ આપતા રમેશભાઇ બોલ્યાં

“જો દિકરા, અહિં આ, કુદરતનો નવો પ્રયોગ લાગે છે.અહિં વસ્તીનું નિયંત્રણ પણ અલગ રીતે થાય છે.જેવો કોઇ જીવ યુવાન અવસ્થાએ આવી પ્રજનન કરે એવો તરત જ એનો પિતૃ અને માતૃ જીવ આવી રીતે મૃત્યુ પામે છે.એના માબાપ બંને જયાં પણ હોય એ મૃત્યુ પામે છે.નવી પેઢીનાં આગમનની તૈયારી જ જુની પેઢીનું કુદરતી મૃત્યુ લાવે છે.કોઇ શરીર બીજા શરીરનું ભોજન નથી બનતું એટલે એનું આમ તરત જ ધરતીમાં વિલીનીકરણ પણ થઇ જાય છે.”

સમ્યકે ફરી સવાલ કર્યોં “તો કોઇ જીવ આજીવન પ્રજનન ન કરે તો શું એ અમર થઇ જાય?”

“હા એ પણ અમર થાય અને એના માબાપ પણ અમર થાય.પણ હજુ સુધી અમે એવો કોઇ જીવ અહિં જોયો નથી.અહિંનું વાતાવરણ જ એવું છે કે દરેક જીવનાં શરીરને આમ કરવા ધકકા મારે છે.અહિં આપણી ધરતી કરતા અનેકગણો વધુ શુદ્ધ ઓકસીજન છે.જે શરીરને એકદમ ‘પરફેકટ’ વિકસીત કરે છે.અને પુર્ણ વિકસીત શરીર એના કુદરતી આવેગોથી બચી નથી શકતું.” રમેશભાઇ બોલ્યાં ત્યાંરે એણે સમ્યક તરફ જોયું.

સમ્યકનાં આંખે જોયેલા સવાલનું સમાધાન થયું.પણ બીજા ઘણાંય સવાલો એ પુછતો રહ્યોં.જેમ કે ‘વૃક્ષોનાં પાંદડા કાળા રંગનાં કેમ છે?’ તો જવાબ હતો ‘અહિં દિવસ અને રાત લાંબા સમય સુધી રહે છે.આપણી ધરતીનાં દસ દિવસ જેટલો એક દિવસ અને દસ રાત્રી જેટલી લાંબી અહિંની એક રાત્રી.એટલે રાત્રીનાં સમયે અંકુરીત થયેલા બીજમાંથી બનેલા વૃક્ષોનાં પાંદડાઓ કાળો રંગ ધારણ કરે છે.’

બંને મેદાનમાં ચાલતા રહ્યાં.રંગીન ઘાસનાં મેદાન વચ્ચે નાની નદીઓ પણ આવી.પહેલા રમેશભાઇએ ફકત એક નાની ડાળખી પકડી એને તરીને પાર કરી.એ ડાળખી એટલી નાની હતી કે એનાંથી પૃથ્વી પરની નદીમાં એક નાનો ઉંદર પણ તરી ન શકે.પછી નવાઇ સાથે સમ્યકે પણ એવું જ કર્યું.આગળ ફરી લગભગ વીસ માળની ઇમારતો જેટલી ઉંચાઇ ધરાવતા વૃક્ષોનો જંગલ વિસ્તાર આવ્યોં.રમેશભાઇએ સમ્યકને આ ગ્રહ વિશે સમજાવતા આખરે કહ્યું

“હું જેટલું સમજાવીશ એટલું તને ઓછું પડશે.અને હજુ આ ગ્રહ વિશે અમને પણ સંપુર્ણ માહિતી નથી.અને આ ગ્રહને કુદરત કઇ દિશામાં લઇ જશે એ તો કેમ કહી શકાય?.પણ, ટુંકમાં આ ગ્રહમાં આપણી પૃથ્વી જેવો કોઇ તણાવ નથી.અહિં પરમ શાંતિ છે.એટલે જ મારા ગુરૂએ અહિં રહેવાનું પસંદ કર્યું છે.અહિં થોડું આપણી ધરતી જેવું છે અને ઘણું બધુ એવું છે જે આપણી પૃથ્વીથી બીલકુલ અલગ છે.” રમેશભાઇ બોલ્યાં તો સામે વૃક્ષોની પાછળથી કોઇનાં પગલાઓનો અવાજ સંભળાયો.થોડીવારે બે માનવ આકૃતિ સામે આવી.એક પુરુષ અને એક સ્ત્રી સામે દેખાયા.સમ્યકને ફરી અચરજ થયું પછી એ નિશ્ચીંત થયો કે ‘મને કયાં કોઇ જોઇ શકે છે? પણ આ તો બીલકુલ આપણા જેવા માનવીઓ જ છે.એ લોકો અહિં કેમ?’ ત્યાં તો એ બંનેએ નજીક આવી રમેશભાઇને બે હાથ જોડી નમસ્કાર કર્યાં.સામે રમેશભાઇએ પણ એમ જ કર્યું.સમ્યક તો માત્ર એ લોકો તરફ જોતો રહ્યોં.સમ્યકનાં આવા વર્તનથી એ લોકો સમ્યકની નજીકથી થોડું હસીને પસાર થઇ ગયા.સમ્યકને નવાઇ લાગી કારણકે પેલો પુરુષ અમેરીકન કે બ્રીટીશ જેવો વિદેશી લાગ્યો અને પેલી સ્ત્રી ભારતીય હોય એવું દેખાયું.પણ સમ્યકનાં સવાલને મનોમન સમજીને રમેશભાઇ બોલ્યાં
“આ લોકો આપણી ધરતીનાં રહેવાસી જ હતા.પચાસ વર્ષ પહેલા અહિં આપણા ગુરૂ એને લાવ્યા છે.આવા લગભગ નવ્વાણું વ્યકિત અહિં રહે છે.તું આવે તો તું એકસો એકમો પૃથ્વી વાસી થઇશ.હું તો બે મહિનામાં હવે ગમે તે સમયે આવી જઇશ.”

“પપ્પા, શું એ લોકો પતિ-પત્નિ હતા?”

“ના દિકરા, અહિં અમારા લોકમાં આપણી પૃથ્વી જેવા કોઇ સબંધો નથી હોતા.શરીરનાં પણ કોઇ સબંધ નહિં.માત્ર સુક્ષ્મ ભાવનાં સબંધો હોય.એ સબંધો તમારી વ્યાખ્યામાં ન આવે એટલે એનું કોઇ નામ ન હોય.પણ તું એને ફકત શુદ્ધ મિત્રતા જરૂર કહી શકે.”

સમ્યક તો ચારે તરફથી આ નવા દ્રશ્યો પોતાના મગજમાં ગોઠવવા લાગ્યોં.એની બધી જ ઇન્દ્રીયો અત્યાંરે ગ્રાહ્ય બની.બધી દિશાઓમાંથી એ બધુ જ અંદર લઇ રહ્યોં હતો.એવામાં રમેશભાઇ અચાનક ઉભા રહી ગયા.પણ સમ્યકનાં પગ તો યંત્રવત થયા હતા એટલે એ પપ્પા સાથે અથડાયો.અને રમેશભાઇએ કહ્યું “મારા ગુરુનું રહેઠાણ આવી ગયું.જો સામે દેખાયું રહ્યું છે એ સરોવર, એની વચ્ચે આવેલી પેલી નાની ટેકરી પર બધા આપણા જેવા પૃથ્વીવાસીઓ રહે છે.”
સમ્યકે એ તરફ નજર કરી.એ એક વિશાળ ‘બ્લુ’ રંગનાં પાણીથી ભરેલું સરોવર હતુ.આજુબાજુ બધે જ દુર દુર સુધી વિશાળ વૃક્ષો અને મેદાન પ્રદેશો જ હતા.આ એક જ ટેકરી આંખે ઉડીને વળગતી હતી.અને એ પણ સરોવરની બરાબર વચ્ચે જ બનેલી હતી.ચારે તરફ પાણી ફેલાયેલું હતુ.આકાશેથી આવતો સોનેરી પ્રકાશ મંદ મંદ ગરમી આપતો હતો અને પવનની સતત આવતી લહેરો ઠંડક આપતી હતી.ચારે તરફ ફેલાયેલા સુંદર રંગો, આ ધરતીની સોમ્ય સુવાસ, આકાશેથી ઉતરતો સોનેરી પ્રકાશ અને ઠંડક આપતો હલકો પવન સમ્યકને મોહિત કરતો હતો.સમ્યક એનો સંસાર ભુલીને અહિં આકર્ષીત થયો.માત્ર અચરજ અને જીજ્ઞાસા સિવાય મનમાં કોઇ વિચાર નહિ એવો સમ્યક હવે શાંત હતો.પપ્પા જયાં લઇ જાય ત્યાં દોરવાતો હતો.આખરે ટેકરી પર માણસો જોયા.બરાબર વચ્ચે ટોંચ પર એક મોટું વૃક્ષોની ડાળીઓ અને પાંદડાઓથી બનેલી રંગબેરંગી મકાન જેવું રહેઠાણ દેખાયું.સરોવરનાં કિનારે રમેશભાઇ બેસી ગયા અને સમ્યકને પણ બેસવા ઇશારો કર્યોં.

“પપ્પા, ચારે તરફ પાણી છે.તો ટેકરી પર કેમ જઇશું? કે પછી પેલી નદી પાર કરી હતી એમ જઇશું?” સમ્યક એકદમ શાંત સ્વરે બોલ્યો.

“અહિં થોડી રાહ જોવી પડશે.ગુરૂને જાણ થશે પછી જ રસ્તો ખુલશે.”

સમ્યક ચારે તરફ નિરીક્ષણ કરવા લાગ્યોં.ઉપર આકાશ તરફ જોયું.નીચે સરોવરનાં પાણી તરફ જોયું અને મનમાં ઉઠેલા સવાલને રજુ કર્યોં
“પપ્પા, અહિં વરસાદ કયાંરે આવે? આ પાણી, વૃક્ષો અને ઘાસ જોતા લાગે છે કે રોજ વરસાદ વરસતો હશે.”

સમ્યકનાં પપ્પા પહેલા ખડખડાટ હસ્યાં અને બોલ્યા
“દિકરા, અહિં વરસાદ હોતો જ નથી.દિવસ દરમિયાન આવી થોડી હુંફ અને રાત્રી દરમિયાન ઠંડી, બસ.”

“તો આ પાણી?”

“આપણી માન્યતાથી આ કુદરત ઘણી આગળ છે.અહિં ધરતીની નીચે જ મીઠા પાણીનો સાગર છે.નથી અહિં બહું ગરમી, નથી કોઇ ખારા પાણીનો દરીયો, નથી એનું બાષ્પીબવન કે નથી વરસાદ.”

“તો પછી આપણે જોયેલી પેલી નદી?”

“એ ધરતીનાં પેટાળમાંથી કયાંક નીકળેલું પાણી ઢોળાવ તરફ વહી જાય છે.એ નદી થોડો સમય રહે છે.પછી બંધ થઇ જાય અને વળી બીજે કશે પાણી નીકળીને વહેવા લાગે.બીલકુલ ગરમ લાવાની જેમ.અહિં ધરતીનાં પેટાળમાં ગરમ લાવા નહિ પણ મીઠું અને ઠંડુ પાણી છે."

સમ્યક તો કાન અને આંખો પહોળી કરી સાંભળતો હતો.એના પપ્પાએ ફરી કહ્યું
“છે ને આશ્ચર્ય પમાડે એવું? હજુ તો તું અહિં કાયમીનો રહેવાસી બનીશ તો બધુ ખબર પડશે.” ત્યાં જ પાણીમાં હલનચલન થયું.અને ટેકરી સુધીનો એક લાંબો પુલ બહાર ડોકાયો.રમેશભાઇ એના પર ચાલતા થયા.સમ્યક પણ પૃથ્વી ભુલી અહિંનો જ રહેવાસી હોય એમ રમેશભાઇની પાછળ ચાલતો થયો.
ક્રમશઃ
--ભરત મારૂ