પ્રેમનું અગનફૂલ - 1 - 1

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

મોતનો આહાકાર

ભાગ - 1

પોં...ઓ...ઓ...ધાક...ધાક...ભયાનક શોર મચાવતી ટ્રેન વેગ સાથે ધસમસતી જઇ રહી હતી.

ટ્રેનની અંદર રામલલ્લાનો જયજયકાર ગુંજી રહ્યો હતો.

લગભગ સિત્તેર ટકા જેટલા યાત્રીઓ અયોધ્યા રામજન્મભૂમિનાં દર્શન કરીને આવી રહ્યા હતા.

ટ્રેનની બારીઓમાં લાલ ભગવો ચારે તરફ લહેરાતો હતો અને પુષ્પોની માળાએ હજુએ સુગંધ વેરી રહી હતી.

સૂર્યનારાયણ ધીરે ધીરે ક્ષિતિજમાં ડૂબતા જતા હતા અને ધરતી પર અંધકારના ઓળાઓ ઊતરતા જતા હતા.

ટ્રેનની ગતિને લીધે ઝડપથી પસાર થતા જતા જંગલનાં વૃક્ષો અને પર્વતો ધીરે ધીરે બિહામણું સ્વરૂપ લેતા જતા હતા. વાતા પવનના સુસવાટા સાથે પ્રકૃતિ અંધકારમાં ઓગળી રહી હતી.

અચાનક ટ્રેનનો ડ્રાઇવર રામપ્રસાદ યાદવ ચમક્યો.

દૂર દૂર રેલવે ટ્રેક પર આગની જવાળાઓનો પ્રકાશ ચમકતો હતો.

‘‘અરે...દુલારે...સામને આગ કી જવાલાઓ દિખાઇ દે રહી હે.’’ રામપ્રકાશ યાદવે તેના આસિસ્ટન્ટ રસુલ સામે જોયું.

‘‘ચાચા...સામને કહીં આગ લગી હુઇ હૈ, જરા સમાલના...કહીં રેલવે ટ્રેક પર કોઇ હાદસા હુવા ન હો.’’

“પોં...ઓ...ઓ...ઓ...” રામપ્રસાદ યાદવે ટ્રેનના હોર્નની સ્વિચ પર આંગળી દબાવી સતત હોર્ન વગાડવા લાગ્યો.

ધાક...ધાક...ધાક...ધક...ધક...ના શોર સાથે જોરજોરથી વાગતા હોર્નનો અવાજ ગુંજી ઊઠ્યો.

“અરે...ચાચા...યે તો આગ લગી હુઇ નહી હૈ, કિન્તુ બહોત સારે લોગ હાથોં મેં મસાલ લેકે ખડે હૈ, કુછ હાદસા હુવા હૈ. દેખો સબ હાથ ભી હિલા રહે હૈ.” ઉત્તિજેત સ્વર સાથે રસુલ બોલ્યો.

ત્યારબાદ ટ્રેનની ટ્રેક પર પડતી લંખલૂંટ પ્રકાશ વેરતી તેની હેડલાઇટની સામેનું ર્દશ્ય ર્દષ્ટિમાન થવા લાગ્યું.

કેટલાક લોકોના ટોળાં હાથમાં મશાલો લઇ અને રેલવેના પાટા પર અને આજુબાજુ પર ઊભાં હતાં.

રામપ્રકાશ યાદવાના ચહેરા પર એકદમ મૂંઝવણના ભાવ ફેલાયા. પછી તરત તેણે એરપ્રેશર ઘટાડવા માટનું બટન દબાવ્યું અને ધીરે ધીરે બ્રેક પણ મારવાનું શરૂ કર્યું.

ફૂલસ્પીડમાં જતી ટ્રેન ધીમી પડવા લાગી.

“ચાચા...ટ્રેક પર તો કુછ પડા હુઆ દિખાઇ નહી પડા રહા હૈ...ફિર સબ લોગ મશાલ લેકે ક્યું ખડે હુવે હૈ.”

“રસુલમિયાં...કુછ તો હૈ...શાયદ રેલવે કે ટ્રેક ઉખડ ગયા હોગા. હૈ, ભી જો ભી હૈ વો વહાં રૂક કે દેખ લેંગે. યે લોગોને હમેં સાવધાન કિયા વો ભી ખૂબ અચ્છા હુવા હૈ.” ફરીથી બ્રેકની પેનલ દબાવતાં રામપ્રકાશ યાદવ બોલ્યો.

“ચાચા...કોઇ લુટેરે તે નહીં હૈ ?” રસુલે શંકા વ્યકત કરી.

“શુભ...શુભ...બોલ પ્યારે, લુટેરે હાથ મેં મશાલ કે સાથ બંદૂક ગોલે લેકર ખડે રહેતે હૈ.” મોં મલકાવતાં રામપ્રકાશ યાદવ બોલ્યો.

ટ્રેન એકદમ ધીમી પડી ગઇ હતી.

અંદર બેઠેલા યાત્રીઓને લાગ્યું કે આગળ સિગ્નલ મળ્યું નહી હોંય એટલા માટે ટ્રેન ધીમી પડી છે. સૌ કોઇ તે વાત પર ધ્યાન આપ્યા વગર પોતપોતાની સાથે લાવેલા ભોજન સામગ્રી કાઢવા લાગ્યા.

ટ્રેનમાં લાઇટ બત્તીઓ બધા જ યાત્રીઓએ ચાલુ કરી નાખી હતી. પણ બહાર એકદમ ગાઢ અંધકાર ફેલાઇ ગયો હતો.

“પોં...ઓ...ઓ...ઓ...” મશાલ લઇને ઊભેલા ટોળાઓથી થોડે દૂર ટ્રેન ઊભી રહી. રામપ્રકાશ યાદવ સતત હોર્ન વગાડતો હતો. તેના ચહેરા પર ઉત્તેજના અને મૂંઝવણના ભાવ ફેલાયેલા હતા, તે ઉત્સુકતા સાથે સામેથી આવતા લોકોને જોઇ રહ્યા હતો.

અને પછી થોડી જ પળોમાં મશાલ લઇને દોડતા આવતા લોકો ટ્રેન પાસે પહોંચી આવ્યો. કેટલાયના હાથમાં પ્લાસ્ટિકની કેરબા પણ નજરે ચડતા હતા.

દોડતા આવતા લોકો ઉત્તેજના સાથે રાડો નાખતા ટ્રેન તરફ ધસી ગયા.

લોકોના હાથમાં કેરબા જોઇ રામપ્રકાશ યાદવ એકાએક ચોંકી ઊઠ્યા.

“અરે...રસુલમિયાં...યે લોગ તો હાથ મેં પ્લાસ્ટિક કે કેરબા લેકર આયે હૈ, ઉસકા ઇરાદા ઠીક નહીં લગતા હૈ...” કહેતાં ફરીથી તેમણે જોરજોરથી હોર્ન વગાડવાનું શરૂ કરી દીધું.

ધીમી પડેલી ગાડી એક ધીમા આંચકા સાથે ઊભી રહી ગઇ.

“મારો...સળગાવી નાખો...ખત્મ કરી નાખો...” ની રાડોના અવાજ વાતાવરણમાં ગુંજી ઊઠ્યો. મશાલો પકડીને દોડતા આવતા લોકો મશાલના લાલ-પીળા પ્રકાશમાં ખૂંખાર દેખાતા હતા.

“ગાડી સળગાવી નાખો. ખત્મ કરી નાખો બધાને...” ફરીથી બૂમબરાડાના અવાજ ગુંડી ઊઠ્યાં.

લોકોનું ટોળું લગભગ ટ્રેન પાસે આવી ચૂકયું હતું.

એકાએક રસુલ દરવાજો ખોલી બહાર કૂદ્યો અને બંને હાથ ઊંચા કરી ટોળાની સામે ધસી ગયો.

“ઊભા રહો...રોકો...શું છે ?”ની બૂમો પાડતો રસુલ ટોળા સામે ધસી ગયો.

ટોળું નજદીક આવી જતા રસુલે હાથ લાંબા કરી રોકવાનો પ્રયત્ન કર્યો.

“મારો સાલ્લાને...” ટોળામાંથી કોઇએ જોરથી બૂમ પાડી અને પછી અચાનક ટોળામાંના એક વ્યકિતએ પોતાના હાથમાં પકડેલ મોટા પથ્થર ધડાક દેતા રસુલના માથા પર ઝીંકી દીધો.

“યા અલ્લા...પરવરદિગાર.” રસુલના મોંમાંથી ચીસ સરી પડી. પથ્થર તેના માથા પર એટલા જોરથી લાગ્યો કે રસુલ ચીસા પાડતો ઊથલી પડ્યો. તેને તમ્મર આવી ગયા.

પણ એટલાથી ન પત્યું.

ટોળાના લોકો નીચે પટકાયેલા રસુલના શરીર પર લાતો મારતા રસુલને કચડતા તેના ઉપરથી પસાર થવા લાગ્યા.

રામપ્રકાશ યાદવ ફાટી આંખે તે ર્દશ્ય જોઇ રહ્યા. એકવાર તેને થયું કે નીચે ઊતરી રસુલને મદદ કરે પણ પોતે એકલો ટોળાને નહીં પહોંચી શકે. વળી ધસી આવતા ટોળા માંહેના લોકોનો ઇરાદો સારો નથી તે પણ રામપ્રસાદ સમજી ગયો હતો અને એટલે જ એરવાલ્વ બંધ કરી તે જલદી ગાડીને આગળ વધારવા મથી રહ્યો. સાથે સાથે તે એકદમ હોર્ન પણ વગાડતો જતો હતો.

ખબર નહીં પણ ઉતાવળમાં તેનો વાયરલેસ સેટ પણ ચાલુ થતો ન હતો. તે ઝડપથી ટ્રેનની અંદર ગાર્ડને ટોળા વિશે જણાવી દેવા માગત હતો.

“મારો સળગાવો...” ની બૂમો વચ્ચે નીચે ચગદાતા રસુલની ચીસોનો અવાજ દબાઇ ગયો. કેટલીય લાતો તેની છાતીને અને પેટ પર પડી હતી.

ધીરે ધીરે તેનું દિમાગ સુન્ન થતું જતું હતું અને ચેતના પર અંધકાર છવાતો જતો હતો. એક જોરદાર લાત તેના પેટ પર પડી. કોઇ તેના પેટ પરથી પસાર થઇ ગયું. રસુલની ચીસોનો અવાજ તેના ગળામાં જ અટકી ગયો અને તેનું શરીર એકદમ શિથિલ થતું હતું.

સમયસૂકતા વાપરી રામપ્રકાશ યાદવે એન્જિનરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. રસુલની થયેલી હાલતથી તેનું મન ગ્લાનિથી ભરાઇ આવ્યું. તેની આંખોમાંથી આંસુ ટપક્યા.

રસુલને તે પોતાના દીકરાની જેમ રાખતો હતો. દીકરા જેવા રસુલની હાલત તેનાથી જોવાઇ નહીં. તેનુ ર્હદય વલોવાઇ ગયું. એક ધ્રુસકું નીકળ્યું પણ પછી તરત મનને મક્કમ કરી યાત્રીઓને બચાવવા માટે ટ્રેનને આગળ ધપાવવા મચી ગયો.

એન્જીન પછીના આગળના કોચમાં બેઠેલા યાત્રીઓને અણબનાવ બન્યો હોવાનું લાગ્યું. કેટલાય લોકો દરવાજા પાસે ધસી આવ્યા પંરતુ તે વખતે ડબ્બા પર ચારે તરફથી કેરોસીન અને પેટ્રોલનો છંટકાવ થયો અને પછી ટોળા માહેનાં કોઇએ મશાલ વડે આગ ચાંપી દીધી.

કોઇ કાંઇ સમજે-વિચારે તે પહેલાં જ આગળના બે કોચ સળગી ઊઠ્યા.

યાત્રીઓએ દરવાજા બારીઓ બંધ કરવાની કોશિશ કરી પણ લબકારા મારતી આગની જ્વાળાઓએ તેઓને ચારે તરફથી ઘેરી લીધા. બીજી તરફ બહારથી પથ્થરમારો થવા લાગ્યો.

આગળના બંને કોચ ભડભડ કરતા સળગવા લાગ્યા. “મારો...જીવતા ન છોડશો કોઇને...ખત્મ કરી નાખો...”ના જોરદાર અવાજ સાથે ટોળામાંના કેટલાય લોકો ત્રણ નંબરના કોચ તરફ આગળ વધ્યા.

અને તે જ વખતે ટ્રેન સ્ટાર્ટ થઇ આગળ સરકવા લાગી.

કેટલાય લોકોએ કોચ પર કેરોસીનનો છંટકાવ કરી નાખ્યો. પણ આગળ કાંઇ કરે તે પહેલા જ ટ્રેને ઝડપથી પકડી લીધી.

રાડારાડ કરતું ટોળુ પાછળ રહી ગયું અને ટ્રેન ઝડપથી આગળ વધી ગઇ.

ટ્રેન ઝડપથી આગળ વધી કે તરત તેની સ્પીડે લીધે પાછળ પવનની ઝડપ પણ વધી અને લબકારા મારતી આગની જવાળાએ ત્રણ નંબરના કોચને પણ લપેટમાં લીધો.

કોચ નંબર એક અને બેમાં ભીષણ આગ લાગી ચૂકી હતી. અંદર રહેલા યાત્રીઓના ચિત્કારથી બંને કોચ ગુંજી ઊઠ્યા.

અંદર ફેલાયેલી ભીષણ આગે યાત્રીઓને ચારે તરફથી લપેટમાં લઇ લીધા. કેટલાય યાત્રીઓએ દરવાજો ખોલી બહાર નીકળવાની કોશિશ કરી પણ દરવાજો ખૂલતાં જ બહારથી ભયાનક લપકારા લેતી આગ અંદત ધસી આવી.

શું કરવું...શું ન કરવું તેની સમજ પડે તે પહેલાં જ યાત્રીઓ આગની લપેટમાં આવી ગયા હતા. પોતાની જાતને બચાવવા માટે યાત્રીઓ ડબ્બામાં આમથી તેમ દોડાદોડ કરતા હતા. સ્ત્રીઓ અને નાનાં બાળકોની વેદનાભરી ચીસો ગુંજી રહી હતી.

કોચ નંબર ત્રણ પણ ભડ...ભડ...કરતો સળગવા લાગ્યો હતો, પણ ત્યાં ધસી આવેલ રેલવેના ગાર્ડ અને ટી.સી. અને કેટલાક સાહસિક લોકોએ યાત્રીઓને કોચ નંબર ત્રણમાંથી કોચ નંબર ચાર તરફ ધકેલવા લાગ્યા હતા.

ભયાનક ધુમાડાથી કાંઇ જ દેખાતું ન હતું. સૌને શ્વાસ રુંધાતો હતો.

ઝડપથી બનેલી ઘટનાની જાણ આજુબાજુના રેલવે સ્ટેશન પર કરી નાખવામાં આવી હતી અને થોડી જ વારમાં હવાની જેમ ઘટનાની જાણ ચારે તરફ પ્રસરી ગઇ.

આગને આગળ વધતી અટકાવવા બે કિલોમીટર આગળ વધ્યા પછી ટ્રેનને થોભાવી દેવામાં આવી.

પણ કોચ નંબર એક અને બે ને કોઇ જ મદદ ન કરી શક્યું.

સળગતા માનવીઓની ચીસોથી તે બંને કોચ ગુંજતા રહ્યા. બંને કોચ આગમાં સળગતા યાત્રીઓ પિલાઇ-પિલાઇને મૃત્યુની ગોદમાં સમાઇ ગયાં.

બનેલ ગમખ્વાર બનાવે માનવતાને મારી નાખી. પિલાઇ-પિલાઇને સળગી મરેલ યાત્રીઓનો જીવ માંડ-માંડ નીકળ્યો હતો. તેઓને કોઇ બચાવી ન શક્યું.

ટ્રેન ઊભી રહેતાં જ ઠેકડો મારી રામમોહન યાદબ બહાર કૂદી પડ્યો. આગે આટલું ભયાનક સ્વરૂપ લઇ લીધું હતું. તે તો તેને બહાર આવ્યા પછી જ ખબર પડી.

ધડાધડ નીચે ઊતરી ગાર્ડ, ટી.સી. રેલવે કર્મચારીઓ અને અન્ય યાત્રીઓ કોચ નં. એક અને બે પાસે ધસી આવ્યા.

લોકો નીચેથી ધૂળ ઉઠાવીને કોચ પર આગ બુજાવવા માટે ફેંકવા લાગ્યા, સમય સૂચકતા વાપરી એન્જિનને છૂટું પાડવામાં આવ્યું અને કોચ એક-બે ત્રણને પાછળના કોચથી અલગ કરવામાં આવ્યા.

રાડા-રાડ અને ધમાલ મચી ગઇ હતી.

ચારે તરફ ગાઢ અંધકાર છવાયેલો હતો. સળગતા કોચની આગના પ્રકાશમાં સૌ દાડાદોડી કરતા હતા. કેટલાય લોકો બીજા કોચના ટોયલેટમાંથી પાણી ભરી ભરી દોડી આવી, સળગતા કોચ પર છંટકાવ કરી આગ બુજાવવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા હતા.

બંને કોચ સળગીન ભથ્થું થઇ ગયા. અંદર રહેલા યાત્રીઓ પણ આગમાં સળગીને ભડથું થઇ ગયા.

થોડી જ વારમાં ચારે તરફથી મદદ માટે ગાડીઓ, અગ્નિશામક દળ અને કેટલાય અધિકારીઓ સ્થળ પર ધસી આવ્યા, પંરતુ તે સમયે બધું જ ખત્મ થઇ ગયું હતું.

બનેલા બનાવથી આખા દેશમાં ખળભળાટ મચી ગયો.

બનાવની જાણ થતાં જ મીડિયી, ટેલિકાસ્ટ માટે સ્થળ પર ધસી આવ્યા અને પછી આખા દેશમાં લાઇવ ટેલિકાસ્ટ શરૂ થઇ ગયું, પૂરા દેશના લોકો બનેલી ઘટનાની ધ્રૂજી ઊઠ્યાં.

સન્નાટાભરી કાળી મનહુસ રાત્રિનો સમય પસાર થઇ રહ્યો હતો. પૂરો દેશ સન્નાટામાં રહી ગયો હતો. બનેલી ઘટનાથી દેશભરના લોકો દહેશતમાં આવી ગયા હતા. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક ધોરણે બનેલી ઘટના સ્થળે ધસી ગયા. તેઓના ચહેરા પર દુ:ખ અને વેદના છવાયેલાં હતા. દુ:ખ બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે હતું અને વેદના છવાયેલા હતાં. દુ:ખ બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે હતું અને વેદના તેના રાજ્યામાં રહેતા લોકોમાં ધર્મના નામે ફેલાયેલી અંટંસ વિશે હતી. રાજ્યમાં અલગ અલગ ધર્મના લોકો પ્રેમ અને સદ્દભાવના સાથે રહેતા હતા. હિન્દુઓ મુસ્લિમનો તહેવાર મનાવતા અને મુસ્લિમો હિન્દુઓના તહેવારમાં આનંદ સાથે ભાગ લેતા, પણ અચાનક શું થયું કે ધર્મના નામ પર તેઓના સંબંધોમાં તિરાડ પડી ગઇ. ભાઇચારો તૂટી ગયો. તેઓ ભૂલી ગયા કે ભારતને આઝાદી અપાવવા હિન્દુ, મુસલમાન ભાઇઓ ખભા સાથે ખભો મિલાવી લડાઇ લડ્યા હતા. તેઓ ભૂલી ગયા કે આઝાદી મળ્યા પછી જ્યારે પાકિસ્તાન ભારતથી અલગ થયું ત્યારે તેઓએ ભારતમાં જ હિન્દુ ભાઇઓ સાથે હળીમળીને રહેવાનું નક્કી કર્યું હતું. હિન્દુઓએ ત્યારે પ્રેમથી મુસ્લિમ ભાઇઓને ગળે લગાવી કહ્યું હતું, ‘ભાઇ...તમે પાકિસ્તાન ન જશો. તમે મારા ભાઇ છો. અહીં આપણે સૌ સુખ-દુખમાં સાથે રહીશુ. આપણા ધર્મ અલગ છે તો શું થયું આપણે સૌ ભારતીય છીએ. ભારતમાં ધર્મનિરપેક્ષતા અપનાવશું, મજબહ નહીં સિખાતા આપસ મેં બૈર રખના. શું ભુલાઇ ગયું બધું ? કેમ માણસ ધર્મના નામ પર લાચાર થઇ ગયો ? બેબસ થઇ ગયો. ગીતા, કુરાનમાં તો ક્યાંય કોઇ ધર્મ માટે ટીકા નથી. ક્યાંય કોઇ ઉલ્લેખ તો બતાવો કે બીજા ધર્મ પાળનારાઓને ખરાબ દર્શાવવામાં આવ્યા હોય.

‘ખરેખર, મિત્રો સૌ સંપી હળી-મળીને રહેતા હતા. હું નાનો હતો ત્યારે માતા પિતા મને મહોરમના દિવસે નીકળતા તાજિયાના જૂલુસને બતાવવા લઇ જતા, ત્યારે અમે સૌ એક મોટો તહેવાર આવ્યો સમજી આનંદથી તાજીયા જોવા જતા અને વડીલો અમને તાજિયાની વચ્ચેથી પસાર કરાવતા, કહેતા કે તું ક્યારેય હવે બીમાર નહીં પડે, મિત્રો યાદ છે. બચપણના હોળીના દિવસો બધા મિત્રો ભેગા થઇ હોળી રમતા. રંગોની બૌછાર થતી અને તેમાં મારા કેટલાય મુસલમાન મિત્રો પણ સાથે ભાગ લેતા, ઉત્તરાયણ પતંગ ઉડાડવા અમે જ્યારે મકાનની ઉપર ચડતા ત્યારે ક્યારેય વિચાર નહોતો આવ્યો કે અમે જે મકાન પર ચડ્યા છીએ તે હિન્દુનું મકાન છે કે મુસલમાનનું. અરે...કેટલાય મકાનોનાં નળીયાં તૂટતાં ત્યારે વડીલો હસતા હસતા કહેતા, ચોમાસું આવશે તે પહેલાં સંચાર થઇ જશે. તમે તારે ઉડાડો પતંગ બેટા. આનંદ કરો...ત્યારે કોઇ જોવા ન આવતું કે નળિયાં તોડનાર કે જેનાં નળિયાં તૂટ્યા તે મકાનમાલિક હિન્દુ છે કે મુસલમાન.

‘અરે...! શું થઇ ગયું આ દેશના લોકોને...?’

‘મિત્રો...કેટલા કેટલા લોકોએ ભારતને આઝાદી અપાવવા માટે સીનામાં ગોલીઓ ખાધી, કેટલાક લોકો હસતા મોંએ ફાંસીના ફંદાને ફૂલની માળા માનીને ગળામાં પહેરી લીધી. જલિયાંવાલા બાગમાં લોકોને કીડા-મકોડાની જેમ મારી નાખવામાં આવ્યા.’

‘અરે...દુશ્મન તો તેઓ હતા આપણા... આપણે સૌ તો ભાઇઓ હતા. ભારતમાતાના સંતાન... તો શું થઇ ગયું આ દેશના લોકોને...’ દુ:ખ અને વેદના સાથે મુખ્યમંત્રીની આંખોમાંથી આંસુ સરી પડ્યા. મનહુસ રાત્રિનો કાળસમય ધીરે ધીરે પસાર થઇ ગયો. પછી બીજા દિવસનો સૂર્ય ઊગ્યો પણ તે દિવસે ભારત દેશના માથે કાળી ટીકી લગાવી દીધી, ભારતનું સ્વપ્ન છિન્નભિન્ન થઇ ગયું. દુનિયામાં વસતા ભારતીયો કહેતા, ‘અમારો ભારત એક એવો દેશ છે, જ્યાં હિંદુ, મુસલામાન, શીખ, પારસી ખ્રિસ્તી, ઇસાઇ જેવી કેટલીય કોમના લોકો વસે છે, પણ હંમેશાં તેઓ વચ્ચે પ્રેમ અને ભાઇચારો છે. ભારત એક સર્વ ધર્મ સમભાવના આદર્શ ગુણો ધરાવતો દેશ છે. જે ધરતીને માતા કહી પૂજે છે. પિતા સમજી આસમાન સામે નમન કરે છે. અહીં ગંગા નદીને માતાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જ્યાં કૈલાસધારા પર શિવનો વાસ છે. સૌ હળીમળીને રહે છે, અમારો દેશ એક દિવસ પ્રગતિ કરી દુનિયામાં સૌથી આગળ હશે. અહીં પક્ષીઓ ગગનમાં મુક્ત વિહરતા રહે છે, જંગલોને અભ્યારણ્ય બનાવી દેવામાં આવ્યાં છે. જ્યાં મુક્તિ છે, આઝાદી છે, ત્યાં આવું બધું શું કામ ?’

***

Rate & Review

Dhirajlal Maheta
Nitin Patel

Nitin Patel 1 year ago

ATULCHADANIYA

ATULCHADANIYA 1 year ago

Kano

Kano 1 year ago

N M Sumra

N M Sumra 1 year ago