Premnu Aganphool - 1 - 2 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | પ્રેમનું અગનફૂલ - 1 - 2

પ્રેમનું અગનફૂલ - 1 - 2

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

મોતનો આહાકાર

ભાગ - 2

બીજા દિવસની સવાર પડતાં જ પ્રેમ, સદ્દભાવના સાથે સંપથી રહેતા, ગુજરાતમાં ચારે તરફ નફરતની આંધી ફૂંકાઇ અને વેરની અગ્નિજ્વાળાથી ગુજરાત ભડકે બળવા લાગ્યું.

આખા ગુજરાતને રાત્રે બનેલા બનાવ પછી હાઇએલર્ટ કરી દેવામાં આવ્યું હતું. કેન્દ્ર તરફથી તાત્કાલિક કડક પગલાં લેવાની સૂચના સાથે બીજાં રાજ્યોમાંથી સીમા સુરક્ષાદળના જવાનોને ગુજરાત તરફ રવાના થવાનો આદેશ આપી દેવામા આવ્યો.

રાત્રે તાત્કાલિક ધોરણે મિટિંગ બોલાવી જેમાં સરકારના બધા જ પ્રધાનો વિપક્ષના નેતાઓ અને પોલીસ હાઇ કમિશનના ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત બધા અધિકારીઓએ બોલાવવામાં આવ્યા હતા. મોડી રાત્રિ પછી મિટિંગ ખત્મ થઇ પછી પણ મુખ્યમંત્રી ત્વરાએ બનતી ઘટનાઓ પર બાજ નજર રાખતી આખી રાત કંટ્રોલ રૂમને ઓર્ડર પર ઓર્ડર આપતા તેના રિપોર્ટ લેતા પૂરી રાત જાગતા રહ્યા.

ટન...ટન...ટન...ઘંટારવાના નાદ ગુંજી રહ્યા હતા. મંદિરોમાં પવિત્રતાભર્યું વાતાવરણ છવાયેલું હતું. લોકો શ્રદ્ધા સાથે પોતપોતાના ઇષ્ટાદેવના ચરણોમાં માથું ટેકવી નમન કરી રહ્યા હતા.

‘અલ્લાહુ અકબર...’ના નારા મસ્જિદમાં ગુંજી રહ્યા હતા. મુસ્લિમ લોકો એકદમ શાંતિપૂર્વક નમાજ અદા કરી રહ્યા હતા.

અચાનક ‘મારો... મારો... કાપી નાખો’ના અવાજ સાથે કેટલાંય ટોળાં સડકો પર ક્યાંકથી ધસી આવ્યાં. કેટલાંય ટોળાં હિન્દુ લોકોનાં હતા. તો કેટલાય ટોલાં મુસ્લિમ લોકનાં હતાં.

‘દુર્ગા... ઓ દુર્ગા... બેટી દુર્ગા માર્કેટમાં જઇ રહી છે બેટા...?’

‘હા, ડેડી... થોડાં ફળ અને શાકભાજી લેવાના છે. થોડી સ્ટેશનરી લેવાની છે. કાંઇ કામ હતં, ડેડી...?’

‘હા... બેટા માર્કેટ જઇ રહી છે, તો મારા સારુ... મુવ લગાવો કમર દર્દ ભગાવ...’ મોહનભાઇ હસતા હસતા આગળ બોલ્યા, ‘બેટા દુર્ગા...મેડિકલ સ્ટોરમાંથી મુવની ટ્યુબ લેતી આવજે...’

‘હા... ડેડી લેતી આવીશ, પણ શું ડેડી તમારી કમર દુ:ખે છે.’

‘બેટા...ઉંમર-ઉંમરનું કામ કરે... પાંસઠ વર્ષ પછી શરીરમાં કાંઇક ને કાંઇક પ્રોબ્લેમ તો થવાનો જ ને...’

‘ડેડી... એક વખત ડોક્ટર બની જવા દો, પછી બીમારીની મજાલ છે કે તમારા શરીરની આજુબાજુ પણ ફરકે...’

દુર્ગા એમ.બી.બી.એસ. ના બીજા વર્ષમાં ભણતી હતી. તે ખૂબ હોશિયાર હતી. એમ.બી.બી.એસ. માં તેને મેરિટમાં સીટ મળી હતી. નહિતર મોહનભાઇ પોતે ઊભા માણસ હતા તેની માસ્તરની નોકરી હતી ત્યારે પચીસ હજાર પગાર મળતો અને હવે તો રિટાર્યડ થયા પછી પેન્શન જ આવતું. દુર્ગાની માતા એટલે કે મોહનલાલની પત્ની પાર્વતીબેન ખૂબ હોશિયાર અને ડાહી હતી, તે ઘરે છોકરાઓને ટ્યૂશન ભણાવતી અને તે પૈસા અલગ રાખી મૂકતી, આજ તે પૈસા જ દુર્ગાને એમ.બી.બી.એસ. ભણતી વખતે કામ આવતા હતા. મોહનલાલનાં લગ્ન થોડી મોટી ઉંમરે થયાં હતાં અને દુર્ગાનો જન્મ પણ તેઓના લગ્ન પછી સાત-આઠ વર્ષ બાદ થયો હતો. મોહનલાલ અને પાર્વતીનું દુર્ગા એકમાત્ર સંતાન હતું. તેઓને મન દુર્ગા તેમનો દીકરો અને દીકરી બંને હતાં. ખૂબ જ લાડ-પ્યાર સાથે દુર્ગાનો ઉછેર થયો હતો.

‘અરે બેટા દુર્ગા... તારા ડેડીને કાંઇ જ કામ નથી, તું તેની સાથે વાતો કરવાનું બંધ કર અને ફટાફટ માર્કેટમાં જઇ આવ.’ મોહનલાલને દુર્ગા સાથે વાતોમાં ચડેલા જોઇ પાર્વતી બોલી.

‘હા... મમ્મી... હું જાઉં છું. વાતોમાં ને વાતોમાં દિવસ નીકળી જશે. માંડ-માંડ અઠવાડિયામાં રવિવારનો એક દિવસ તમારી સાથે રહેવા મળે છે.’ કહેતાં દુર્ગાએ થેલીને હાથમાં પકડી દરવાજા પાસે આવી સેન્ડલ પહેરવા લાગી.

‘બેટા...સાસરે ચાલી જઇશ પછી શું કરીશ, પછી તને રવિવારની રજા નહી હોય.’ મોહનલાલે હસતાં હસતાં દુર્ગા સામે જોયું.

‘ડેડી... હું સાસરે જઇશ તો ને... હું તો લગ્ન પછી પણ હંમેશા તમારી સાથે રહીશ અથવા ડેડી તમને અને મમ્મીને સાથે લઇ જઇશ.’

તેની વાત સાંભળી મોહનલાલ ખડખડાટ હસી પડ્યા.

‘બાય ડેડી... બાય મમ્મી’ કહેતા દુર્ગા ઝડપથી ઘરની બહાર નીકળી ગઇ.

‘જોઇ લીધુંને તમારી દીકરી તમને અને મને એટલો પ્રેમ કરે છે કે તેના લગ્ન કરવા માટે મુસીબત ખડી કરશે. હું સાસરે નહીં જાઉં કહેતાં રડશે.’ હસતા હસતાં પાર્વતી બોલી.

બંને બહાર જતી દુર્ગાને જોઇ જ રહ્યાં.

આનંદના જીવનમાં તેનું સર્વસ્વ તેની માતા હતી.

આનંદના પિતા આનંદ પાંચ વર્ષનો હતો ત્યારે તેની પત્ની આરતી અને આનંદને રડતા મૂકી ચાલ્યા ગયા હતા. આરતીએ લોકોનાં ઘરકામ કરી અને આનંદન ઉછેરી મોટો કર્યો. સાથે સાથે મહેનત કરી ભણાવ્યો. આરતી પોતે બાર પાસ હતી. તેથી આનંદને રાત્રે પોતે ભણાવતી. આનંદ પણ ભણવામાં હોશિયાર હતો અને બચપણથી જ માને પારકા ઘરના કામ કરી તેને ભણાવતી હતી. એ તે જોતો આવ્યો હતો. બારમું ધોરણ પાસ કરી આનંદ કોલેજમાં આવ્યો અને તરત એક વકીલ પાસે નોકરીએ લાગી ગયો. નોકરી કરતાં કરતાં તે આગળ ભણતો ગયો અને લો કોલેજ પૂરી કરી વકીલ બન્યો. પોતાની પ્રેકટિસ કરવા માટે તેને બે વર્ષ વકીલ પાસે નોકરી કરી અને સનદ્દ મેળવવાની જ બાકી હતી. દુ:ખ, ગરીબાઇમાં ઉછેરીને મોટો થયેલ આનંદનો સ્વભાવ એકદમ નિખાલસ, માયાળુ સાથે સાથે તે એકદમ સાહસી યુવાન હતો. રોજ સવારના ઊઠી દોડવા જતો, ગાર્ડનમાં રોજ કસરત કરતો. તેનો કસાયેલો સશક્ત બાંધો એકદમ આકર્ષક લાગતો.

અત્યારે તે થોડા સમય પહેલાં જ ખરીદેલી પોતાની મોટરસાયકલ પર સવાર થઇ રફતારની સડક પર આગળ વધી રહ્યો હતો. તે ઘરેથી વકીલની ઓફિસે જઇ રહ્યો હતો, આજ એક કેશને લડવામાં વકીલ દેવેન્દ્ર ભટ્ટે આનંદને કહ્યું હતું, તેથી જ આનંદ એકદમ ખુશ હતો. આજ એલ.એલ.બી. કર્યા પછી તે પ્રથમ કેસ લડવા માટે કોર્ટમાં જવાનો હતો. વહેલી સવારના આરતીએ મંદિરમાં જઇ ભગવાનને પ્રસાદ ચડાવી પોતાના પુત્ર આનંદની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. પેંડાના પ્રસાદ મીઠુ મોં કરી માતાને પગે લાગી તે ઘરેથી નીકળ્યો હતો.

ખરીદી કરી દુર્ગા અત્યારે પોતાના ડેડીની દવા લેવા મેડિકલ સ્ટોરમાં ઊભી હતી.

એકાએક રાડારાડ અને ધમાલના અવાજથી તેણે ચોંકીને પીઠ ફેરવી પાછળ નજર કરી.

તેનાથી થોડે દૂર સડક પર લોકોનું ટોળું એકઠું થયું હતું. કોઇના હાથમાં લાકડીઓ હતી તો કોઇના હાથમાં પથ્થર હતા.

મારો, કાપોના બૂમબરાડા સાથે ઉગ્ર થયેલ લોકો આગળ વધતા હતા અને ધડાધડ આવતાં વાહનો પર પથ્થરનો મારો ચલાવતા હતા. લાકડીઓ લઇને નીકળેલા લોકો ખુલ્લી દુકાનો પર ત્રાટક્યા.

ધડાધડ લાકડીઓ વીંઝવા લાગ્યા.

‘બંધ કરો દુકાનો... મારો કાપો...’

સામેથી આવતાં વાહનો પર પથ્થરમારો થતાં કેટલાય મોટરસાઇકલ સવાર ઘાયલ થયા હતા. ગાડીઓના કાચ ખનનનના અવાજ સાથે તૂટતા હતા.

કેટલાક લોકો મોટા મોટા પથ્થર ઉઠાવી લાવી રસ્તો બંધ કરવાના ઇરાદા સાથે સડક પર મૂકતા જતા હતા.

રાડારાડ અને દેકારના અવાજ સાથે ધીમે ધીમે તેઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હતા. કેટલાય લોકો દુકાનો બંધ કરવા માટે વિરોધ કરતા હતા, તો ટોળાંમાના લોકો ભેગા થઇને તેને મારવાનું શરૂ કર્યું.

‘બેટા...તું જલદી ઘર ભેગી થઇ જા. શહેરમાં કોમિનલ દંગા શરૂ થઇ ચૂક્યા છે. મને હમણાં જ મારા મિત્રનો ફોન આવ્યો હતો ક અશોકભાઇ જલદી દુકાન બંધ કરી ઘર ભેગા થઇ જાવ બેટા સામેથી ધમાલ દેકારો મચાવતા લોકોનાં ટોળા પણ આવી રહ્યાં છે.’ મેડિકલ સ્ટોરવાળા અશોકભાઇએ દુર્ગા સામે જોયું.

‘અંકલ મારે તો થોડે દૂર જવાનું છે. અને અહીં તો સડક પર ચારે તરફ તોફાની લોકોના ટોળા દેખાય છે.’ થોડા ગભરાટભર્યા અવાજે દુર્ગા બોલી.

‘બેટા, પગે તો જવું અશક્ય છે.’ તું જલદી રિક્ષા કરીને ચાલી જા. ફટાફટ દુકાનની બહાર આવી શટર બંધ કરતાં અશોકભાઇ બોલ્યા.

દુર્ગાએ રિક્ષા શોધવા માટે ચારે તરફ નજર ફેરવી. થોડે દૂર એક રિક્ષાવાળો રિક્ષાની કિક લગાવી રિક્ષા સ્ટાર્ટ કરતો હતો.

‘અરે...જગદીશ.’ રિક્ષાવાળા સામે જોઇ અશોકભાઇને રાડ નાખી. રિક્ષાવાળાએ રિક્ષા સ્ટાર્ટ કરતા તેમની તરફ જોયું.

‘જગદીશ...ઓય જગદીશ અહીં આવજે.’ દુકાનના શટરને તાળું મારતાં અશોકભાઇએ ફરીથી બૂમ પાડી અને તરત તે રિક્ષાવાળો રિક્ષા આગળ ધપાવી તેની તરફ આગળ વધ્યો. મેડિકલ સ્ટોરથી થોડે દૂર સડક પર રિક્ષા ઊભી રાખી તેણે અશોકભાઇ સામે જોયુ.

‘જગદીશ... આ બહેનને તેના ઘરે ફટાફટ મૂકી આવ તો...’

‘પણ અશોકભાઇ શહેરમાં ચારે તરફ કોમિનલ દંગા શરૂ થઇ ચૂક્યા છે. ક્યાંય જવાય તેમ નથી. હું પણ મારા ઘરે કેમ પહોંચવું તેનો વિચાર કરું છું.’ રિક્ષાવાળો મેડિકલ સ્ટોરવાળા અશોકભાઇને ઓળખતો હતો.

‘જગદીશ... આ બેન બિચારી એકલી છે અને તેને ઘરે જવા માટે કોઇ જ વાહન પણ નહીં મળે અને આવી ધમાલમાં આ એકલી પગે ચાલતા કેમ તેના ઘરે પહોંચશે. પ્લીઝ જગદીશ.’ યાચનાભર્યા સ્વરે અશોકભાઇ બોલ્યા.

‘પણ અશોકભાઇ... આવી ધમાલમાં હું પણ રિક્ષા લઇને કેમ જઇશ તમે વિચાર તો કરો... આગળ એકદમ ધમાલ મચેલી છે. હિન્દુઓ મુસ્લિમ લોકોને મારે છે અને મુસ્લિમ લોકો હિન્દુઓ પર તૂટી પડ્યા છે.’ લાચારીભર્યા ચહેરે જગદીશ અશોકભાઇ તરફ જોયું.

‘હું ચાલી જઇશ...અંકલ જે થવાનું હોય તે થાય મને લેડિઝને થોડા મારવાનો છે. હું જઉં છું.’ મક્કમ પગલે દુર્ગા મેડિકલ સ્ટોરના પગથિયા ઊતરી ગઇ.

‘એક કામ કર બેટા, મારું ઘર અહીંથી થોડે દૂર બાજુની શેરીમાં છે. તું તારે મારે ત્યાં ચાલ. ધમાલ શાંત થયા પછી ચાલી જજે.’

ડોક ઘુમાવી દુર્ગાએ પાછળ નજર ફેરવી, તે સજ્જન માણસ સામે જોયું. ‘અંકલ ચિંતા ન કરો. હું ઝડપથી ઘરે પહોંચી જઇશ. જો ઘરે નહીં પહોંચું તો મારાં મમ્મી-ડેડી મારી વાટ જોઇ ચિંતા કરશે.’

અશોકભાઇ માણસાઇ જોઇ રિક્ષાવાળો જગદીશ તરત બોલ્યો, ‘ઠીક છે અશોકભાઇ તમે ચિંતા ન કરો. હું બેનને તેના ઘરે મૂકીને પછી મારા ઘરે ચાલ્યો જઇશ. બેન જલદી રિક્ષામાં બેસો. ટોળું આ તરફ આવી રહ્યું છે.’ એક પળ દુર્ગા સામે નજર કરતાં રિક્ષાવાળાએ પાછળ ફરી આવતા ટોળા સામે જોયું.

દુર્ગા ઝડપથી રિક્ષામાં બેસી ગઇ. અશોકભાઇએ નિરાંતનો શ્વાસ લીધો. રિક્ષા આગળ વધતાં તેઓ લગભગ દોડતા જ ઘરે જવા બાજુની શેરીમાં ઘૂસી ગયા.

ઘરરર... નો શોર મચાવતી વેગ સાથે રિક્ષા આગળ વધી રહી હતી. રોડ પર ચારે તરફ મોટા મોટા પથ્થરો પડ્યા હતા. ચારે તરફ ગાડીઓના તૂટેલા કાચ વેરાયેલા પડ્યા હતા. રિક્ષાચાલક કુશળતાપૂર્વક રિક્ષાને આગળ ધપાવતો હતો.

હજુ તો તેઓ થોડા આગળ વધ્યા હતા.

બૂમબરાડાના અવાજ સાથે જગદીશે એક તરફ નજર ફેરવી. રોડથી થોડે દૂર આગળ કેટલાય લોકો એક શોપિંગ સેન્ટરને આગ ચાંપી રહ્યા હતા. ભડ...ભડ... કરતી આગની જવાળાઓએ શોપિંગ સેન્ટરને લપેટમાં લઇ લીધું હતું.

‘અરે...જુવો રિક્ષા આવે છે. મારો સાલ્લાને...’ અચાનક ટોળામાંના કોઇની નજર આવતી રિક્ષા પર પડી. ટોળામાંના કેટલાય લોકો સડક તરફ દોડ્યા.

એક ક્ષણ તો જગદીશ ધ્રૂજી ઊઠ્યો પછી મનને મક્કમ કરી તેણે દાંત ભીંસ્યા અને એકદમ લીવર દબાવ્યું.

‘મારો...મારો... રિક્ષા તોડી નાખો.’ અવાજ સાથે કેટલાય લોકો રિક્ષાની સામે ધસી ગયા.

બે-ત્રણ લોકો લાકડીઓ હાથમાં લઇ આવતી રિક્ષાને સામે ઊભા રહી ગયા.

જગદીશે દાંત કચકચાવતા ‘હટી જાવ નહિતર ઉડાડતો જઇશ.’ ત્રાડ પાડતા જગદીશે ઊભેલા લોકોની સામે રિક્ષાને ધપાવી મૂકી.

છલાંગ મારતા લોકો એક તરફ હટી ગયા પણ બીજી જ ક્ષણે ધડાધડ કરતી રિક્ષા ઉપર કેટલીય લાકડીઓ વિંઝાણી, રિક્ષાનો આગળનો કાચ તૂટી ભુક્કો થઇને જગદીશના ચહેરા પર વેરાયા.

પાછળ બેઠેલી દુર્ગાના મોંમાંથી એક જોરદાર ચીસ નીકળી ગઇ. તે દહેશત સાથે ધ્રૂજી ઊઠી.

અચાનક એક લાકડીનો ફટકો રિક્ષાની એક તરફથી હુડ પર ઝીંકાયો. દુર્ગા પાછળની તરફ ખસી ગઇ અને તે જ પળે ધાડ કરતો એક પથ્થર ક્ષણ પહેલાં દુર્ગા બેઠી હતી તે તરફ વીંઝાયો. જો દુર્ગા પાછળની તરફ હટી ગઇ ન હોત તો પથ્થરે તેનું માથું ફાડી નાખ્યું હોત. દુર્ગાની ચીસ સાથે જ જગદીશે ઝડપથી પાછળ જોયુ. પછી ટોળામાના બે લોકોને રિક્ષાના એક તરફના લોખંડના સળિયાને પકડતા જોઇ જોરથી લીવર દબાવ્યુ. રિક્ષા જોરદાર ઝાટકા સાથે આગળ વધી. રિક્ષાને ઊભી રખાવવા લોખંડના સળિયાને પકડીને ત્યાં ઊભેલા લોકો પણ તેની સાથે આગળ ઢસડાયા પછી બીજી જ પળે તેઓના હાથ છૂટી ગયા. રિક્ષા આગળ વધી ગઇ પછી ધાડ...ધાડ...કરતી કેટલીય લાકડીઓ ફટકા રિક્ષાની પાછળથી વિંઝાયા. રિક્ષાના હુડના લીરેલીરા થઇ ગયા.

‘બેન તમને વાગ્યું તો નથી ને...?’ ટોળાથી આગળ નીકળી ગયા. બાદ રિક્ષાચાલક જગદીશે ગરદન ગુમાવી દુર્ગા સામે જોયું.

‘ના ભાઇ મને તો નથી વાગ્યું પણ તમારા ચહેરા પરથી લોહી નીકળી રહ્યું છે. ભાઇ તમે મને બચાવવા જતાં તમારા જીવને જોખમમાં મૂકી દીધું, તમારી રિક્ષાને પણ ઘણું નુકસાન થયું.’

‘એવું તો ચાલ્યા કરે બેન, હેમકેમ તમને ઘેર પહોંચાડી દઉં એટલે ગંગા નાહ્યા.’ કહેતાં જગદીશે લિવર દબાવ્યું.

ઘરરર... ગગડાટીનો શોર મચાવતી રિક્ષા પૂર ઝડપે આગળ વધી રહી હતી. રસ્તામાં બે-ત્રણ જગ્યાએ હિંસક લોકોના ટોળા જોવા મળ્યા, પણ જગદીશની હોશિયારી અને સમયસૂચકતાથી તેઓ બાલ બાલ બચી ગયા.

રિક્ષા જ્યારે દુર્ગાની પોળ પાસે આવી ત્યારે ત્યાં સન્નાટો છવાયેલો હતો. ચારે તરફ રસ્તા પર પથ્થરો, કાચ, હથિયારો પડ્યાં હતા. કેટલીય દુકાનો સળગતી હતી.

દુર્ગા રિક્ષામાંથી નીચે ઊતરી દહેશતભરી નજરે ચારે તરફ જોવા લાગી. જાણે સ્મશાનમાં આવીને એકલી અટુલી ઊભી હોય તેવું દુર્ગાને લાગી રહ્યું હતું.

‘ભાઇ...તમારો મોબાઇલ નંબર આપો હું એક-બે દિવસ પછી શાંતિ થાય બાદ તમારી રિક્ષાને થયેલ નુકસાન અને ભાડાના પૈસા આપીને તે મેડિકલ સ્ટોરમાં આપી જઇશ, અત્યારે...’

‘બેન...તમે ભાડાની કે નુકસાનની ચિંતા ન કરો. જલદી તમારા ઘરે ચાલ્યા જાવ, હજુ મારે પણ મારા ઘરે પહોંચવાનું છે.’

‘પણ ભાઇ તમારા પૈસા...’

‘બેન... તમે જલદી ઘરે ચાલ્યા જાવ અત્યારે વાત કરવાનો સમય નથી. કોણ જાણે ક્યારે કયાંથી ટોળાંઓ પૂટી નીકળશે તો મુસિબત થશે.’ દુર્ગાની વાત કાપી નાખતાં તે રિક્ષાવાળો બોલ્યો.

અને પછી ‘ભલે બેન સાચવીને ઘરે પહોંચી જજો.’ કહેતાંની સાથે રિક્ષાનું લિવર દબાવી આગળ વધી ગયો.

રિક્ષા ચાલી જતાં જ ફરીથી ચારે તરફ સમ્શાનવત સન્નાટો છવાઇ ગયો. દુર્ગાના દિલ ધક... ધક... ધક... નું શોર મચાવતું ધડકી રહ્યું હતું. તેની આંખોમાં ખોફ છવાયેલો હતો.

તે ઝડપથી પોતાની પોળ તરફ આગળ વધી ગઇ.

***

Rate & Review

Bharat Maghodia

Bharat Maghodia 3 years ago

Gadhvi Aaspar

Gadhvi Aaspar 1 year ago

seema

seema 2 years ago

Nitin Patel

Nitin Patel 2 years ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 years ago