Premnu Aganphool - 3 - 2 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | પ્રેમનું અગનફૂલ - 3 - 2

પ્રેમનું અગનફૂલ - 3 - 2

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

અપહરણ

ભાગ - 2

આનંદ અને દુર્ગા કદમનું નામ સાંભળીને એકદમ રોમાંચિત થઇ ગયાં. તેમણે આ નામ ઘણી વખત સાંભળ્યું હતું. કદમ દેશનું ગર્વ હતો. દેશની આન,બાન અને શાન માટે તેમણે જીવ સટોસટના સાહસો ખડી દેશના દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા હતા. કદમના નામથી કેટલાય દુશ્મન દેશોના એજન્ટો ધ્રૂજી ઊઠતા. આવા કદમને પોતાની સામે જોઇ આનંદ અને દુર્ગા હર્ષના આવેગથી પુલકિત થયાં હતાં.

‘સર... આપ જેવી મહાન વ્યક્તિને મળવાનું મને સદ્દભાગ્ય થયું તે મારા માટે ગૌરવની વાત છે.’ મોબાઇલમાં કદમનું નામ સેવ કર્યા પછી આનંદે કહ્યું.

‘મિ. આનંદ... હું પણ તમારા જેવો જ એક સામાન્ય માનવ છું, પણ હા આપણી જાસૂસી સંસ્થા ‘રો’ દેશનું ગૌરવ ચોક્કસ છે.’ મુસ્કુરાતા ચહેરે કદમ આગળ બોલ્યો. ‘મિ. આનંદ...તમને તકલીફ પડે તો તરત મને મોબાઇલ પર રિંગ મારજો. કોઇ નવી બાતમી મળે તો મને જાણ કરજો. નહીંતર તમે બંને આપણી મુલાકાત ભૂલી જજો.’

‘ઠીક છે સર... હવે અમે જઇ શકીએ...?’ આદરપૂર્વક આનંદે ડી.એસ.પી. સામે જોયું.

‘ભલે તમે જઇ શકો છો, આનંદ... દુર્ગાનો ખ્યાલ રાખજે અને તમને જરા પણ ખતરો જેવું જણાય તો તુરંત કદમને મોબાઇલ કરશો, નહીંતર મને જાણ કરજો અને હા, આ નોટોનું બંડલ અને આ પાંચસોની નોટ મારી પાસે રહેવા દેશો. તમને પાછળથી તે પરત મળી જશે.’

‘ઓ.કે. સર... થેક્યું સર...’ પહેલાં ડી.એસ.પી. પછી કદમ સાથે હાથ મિલાવતાં આનંદ ઊભો થયો. દુર્ગાએ પણ ઊભા થઇ કદમ તથા ડી.એસ.પી. સામે આદરપૂર્વક હાથ જોડી નમસ્તે કર્યા. પછી કહ્યું, ‘સર મને આ રૂપિયાની જરૂર નથી. જો તે યોગ્ય જણાય તો તમે કોઇ ગરીબની સેવામાં આપી દેજો.’

‘ભલે બેટી...’ સ્નેહ નીતરતી આંખો વડે દુર્ગા સામે જોઇ ડી.એસ.પી. સાહેબ બોલ્યા પછી આનંદ અને દુર્ગા તેમની ચેમ્બરમાંથી બહાર નીકળી ગયાં.

‘તને શું લાગે છે કદમ...?’ આનંદ અને દુર્ગા બહાર ગયા પછી ડી.એસ.પી. સાહેબે કદમને પૂછ્યું.

‘સર... દેશને તોડી પાડવાનું આ મોટુ ષડયંત્ર છે, કોમી એકતાને ખંડિત કરવા માટેની સાજીસ છે. અને મને તો આમાં આપણા દુશ્મન દેશનો હાથ હોય તેવું લાગે છે.’ ક્ષણ માટે બોલતો કદમ થોભ્યો પછી આગળ બોલ્યો, ‘સર આ બધી નોટો નકલી છે.’

‘શું વાત કરે છે...?’ ડી.એસ.પી. સાહેબ કદમની વાત સાંભળી સ્તબ્ધ થઇ ગયા.

ઘરરર... નો શોર મચાવતી આનંદની મોટરસાયકલ તીવ્ર ગતિ સાથે આગળ વધી રહી હતી. સ્પીડ મીટરનો કાંટો સો ના આંક પર ધ્રૂજતો હતો.

ઘરે પહોંચવા માટે આનંદે રિંગ રોડ પરથી બાયપાસનો રસ્તો લીધો હતો. બપોર હોવાથી એકલદોકલ વાહન સામે આવતા હતા. બાકી રોડ એકદમ સૂનો જણાતો હતો.

એકાએક આનંદ ચોંકી ઊઠ્યો. દૂર દૂર સડક પર એક કાળી સ્કોર્પીઓ રસ્તાની વચ્ચે આડી ઊભી હતી અને તેની આગળ ચાર કાળા વસ્ત્રધારીઓ ઊભા હતાં.

‘દુર્ગા... સાંભળીને બેસજે આગળ કોઇ પ્રોબ્લેમ આવે તેવું લાગે છે, સાવચેત સાંભળીને.’ દાંત વચ્ચે હોઠ દબાવી મોં ભીંસતાં આનંદ બોલ્યો, પછી ગાડીની સ્પીડ થોડી ઓછી કરી અને આડી પડેલ સ્કોરપીઓની એક તરફથી નીકળી જવા માટે મોટર સાયકલને રોડની સાઇડ તરફ લીધી. મોટરસાયકલ સ્કોર્પીઓની એક તરફથી આગળ નીકળવા જેવી આગળ વધી કે તરત ચાર ખતરનાક દેખાતા માણસો હાથમાં હોકીઓ લઇને તે તરફ ઊભા રહી ગયા.

‘તેમનો ઇરાદો નેક નથી...’ આનંદ સમજી ગયો. પણ મોટરસાયકલને બ્રેક કરવા સિવાય કોઇ ઉપાય ન હતો. આનંદે એકદમ બ્રેક દબાવી, ચિચિયારીનો અવાજ સાથે મોટર સાયકલ ઊભી રહી ગઇ.

તરત ચારે મવાલીઓએ તેમની મોટર સાયકલને ઘેરી લીધી.

‘એય... નીચે ઉતર...’ આનંદનો કાંઠલો પકડી ખેંચતા એક મવાલીએ રાડ નાખી.

‘શું થયું...? શું છે? છોડો... છોડો...’ નીચે ઊતરતાં આનંદ ગુસ્સાભર્યા અવાજે બોલ્યો. દુર્ગા ઠેકડો મારી નીચે ઊતરી અને આનંદને છોડાવવા આગળ ધસી ગઇ.

‘એય... છોકરી આઘી ખસ...’એક મવાલીએ દુર્ગાને ધક્કો માર્યો.

દુર્ગા પાછળ ધકેલાઇ. માંડ-માંડ તે પડી જતાં બચી.

‘દુર્ગા... ! આનંદના મોંમાંથી ચીસ સરી પડી પછી તેનો ચહેરો ગુસ્સાથી તમતમી ગયો.

‘તેં... તેં... દુર્ગાને ધક્કો માર્યો... સાલ્લા હરામખોર...’ કહેતાંની સાથે દુર્ગાને ધક્કો મારનાર મવાલીએ આનંદે બંને પગ વચ્ચે લાત ફટકારી દીધી.

આ...આ...આ... ચીસ નાખતો તે મવાલી પાછળની તરફ ધકેલાયો. તરત આનંદે મુઠ્ઠીઓ વાળી તેનો કોલર પકડેલા મવાલીને મુક્કો મારવા હાથ ઊંચો કર્યો.

પણ અચાનક પાછળથી તેનો હાથ પકડીને પાછળની તરફ મરડી નાખ્યો... આનંદના ચહેરા પર પીડાના ભાવ તરવરી ઊઠ્યા.

‘સાલ્લા... હરામખોર... કહેતાં જ કાંઠલો પકડીને ઊભેલા તે મવાલીએ આનંદના ગાલ પર પૂરા જોશ સાથે તમાચો રસીદ કરી દીધો. આનંદના ગાલ ઝણઝણી ઊઠ્યાં.

‘છોડો... છોડો...’ દુર્ગા ફરીથી આગળ ધસી આવી.

‘એય છોકરી, તું ચુપચાપ ઊભી રહે નહીંતર...’ એક મવાલીએ ત્રાડ નાખી.

‘નહીંતર... તું શું કરી લેવાનો હતો...?’ ચિલ્લાતી દુર્ગાએ આનંદનો કાંઠળો પકડીને મવાલીને જોરથી ધક્કો માર્યો.

તે મવાલી થોડો પાછળ ધકેલાયો કે તરત આનંદે પોતાનું માથું આગળ નમાવી જોરતી તેની છાતીમાં પાટુની જેમ ફટકાર્યું.

તે મવાલીના પગ બેલેન્સ ન જાળવી શકતા તે પાછળની તરફ ઊથલી પડ્યો.

ક્ષણનોય વિલંબ કર્યા વગર આનંદ પાછળની તરફ અર્ધગોળ ફરી ગયો અને તેનો હાથ મરોડતો મવાલીના ચહેરા પર જોરથી હાથનો મુક્કો માર્યો. સાથે સાથે બીજા હાથને ઝાટકો આપી તે મવાલીના હાથમાંથી છોડાવ્યો.

‘દુર્ગા ભાગ...’ આનંદ ચિલ્લાયો.

અને પછી તે દુર્ગાનો હાથ પકડીને આનંદ પુરપાટ વેગે દોડવા લાગ્યો.

મવાલીઓ કાંઇ વિચારે તે પહેલાં બંને દોડતાં આગળ નીકળી ગયાં.

‘પકડો... ભાગી જવા ન જોઇએ...’ જેણે આનંદનો કાંઠલો પકડ્યો હતો તેણે જોરથી ત્રાડ પાડી. તેનો ચહેરો ગુસ્સાથી તમતમી રહ્યો હતો. તે કદાચ બધા મવાલીઓનો બોસ હતો.

‘ધનીયા... કાસુ... મામદ... પકડો જલદી...’ ત્રાડ નાખતો તે પણ દોડ્યો.

આનંદ અને દુર્ગા પુરપાટ વેગે દોડતા હતા અને ચારે મવાલીઓ હાથમાં હોકીઓ લઇ તેમની પાછળ દોડતા આવતા હતા.

દુર્ગા અને આનંદનો શ્વાસ દોડવાથી ધમણની જેમ ચાલતો હતો.

સૂર્યના વરસતા કાળઝાળ તાપમાં બને પરસેવાથી રેબઝેબ થઇ ગયા હતાં.

‘આ... આનંદ... જલદી તું પેલા ‘રો’ ના અધિકારીને મોબાઇલ લગાવ. શું... શું... નામ હતું...? હા... મી. કદમનો મોબાઇલ કર...’ દોડતાં દોડતાં જ અટકતા અટકતા અવાજે દુર્ગા બોલી.

‘તારી વાત સાચી છે...’ ઝડપથી દોડતાં દોડતાં જે આનંદે ખિસ્સામાંથી મોબાઇલ બહાર કાઢ્યો અને કદમને ફોન લગાવવાની કોશિશ કરવા લાગ્યો.

‘જીવતા રહેવું હોય તો ઊભા રહી જાવ.’

‘ઊભા રહો નહીંતર હાડકા ખોખરા થઇ જશે.’ ની બૂમો ધીરે ધીરે નજદીક આવતી જતી હતી.

કદમને ફોન લાગતો ન હતો. આનંદના ચહેરા પર પરસેવાની ધારો નીતરતી હતી. પોતે એકલો હોત તો ક્યારનોય મવાલીઓને હાથ તાળી આપીને છટકી ગયો હોત પણ દુર્ગા સાથે હતી જે વધુ સમય રફતારથી દોડી નહીં શકે તે આનંદ સમજતો હતો અને તેને દુર્ગાની જ વધુ ચિંતા થતી હતી.

‘હલ્લો...’ અચાનક મોબાઇલમાં કદમનો અવાજ આવ્યો.

‘હલ્લો... હલ્લો સર... હું આનંદ બોલું છું.’ ગળામાં થૂંક ઊતરતાં આનંદ જોરથી બોલ્યો.

‘આનંદ... આનંદ... શું થયું કોઇ પ્રોબ્લમ આવ્યો...? બોલ જલદી આનંદ શું થયું. તું આટલો ગભરાયેલો કેમ છે ?’

‘સર... સર... રસ્તામાં અમને કોઇ ગુંડા જેવા લાગતા લોકોએ પકડ્યા અને એમાં માંડ માંડ છટકીને ભાગ્યા છીએ. સર... તે લોકો અમારી પાછળ પડ્યા છે. સર... જલદી અમને મદદ કરો. દુર્ગા વધુ સમય ઝડપથી દોડી નહીં શકે અને તે મવાલીઓ અમને પકડી પાડશે સર... તેઓનો ઇરાદો બહુ ખતરનાક હોય તેવું લાગે છે.’ ફુલાયેલા શ્વાસને કાબૂમાં લેતો આનંદ ઝડપથી બોલતો હતો. સાથે સાથે દુર્ગાનો હાથ પકડીને વેગ સાથે દોડતો પણ હતો.

‘આનંદ.. આનંદ... તમે અત્યારે ક્યાં છો ?’ મને બતાવ આનંદ હમણાં જ આવું છું.’

‘સર... અમે રીંગ રોડથી બાયપાસ પર નહેરુબ્રિજ વટાવી આગળ વધ્યા છીએ... સર...’

‘આનંદ હું મારી ગાડીમાં બેસી ગયો છું. માત્ર પંદર મિનિટમાં સ્થળ પર પહોંચી આવીશ. તું દોડતો રહે. હિંમત ન હારતો.’ કહેતાં કદમે મોબાઇલ ઓફ કરી ગાડીને સ્ટાર્ટ કરી ગિયરમાં નાખી. કદમની ગાડી એકદમ ઝાટકા સાથે સ્પિડ પકડતી ડી.એસ.પી. ની ઓફિસમાંથી બહાર નીકળી અને રોડ પર તીવ્ર સાથે દોડવા લાગી. કદમ દાંત ભીંસીને લિવરને દબાવવા જ જતો હતો અને તેમ તેમ ગાડી આંધીની રફતાર સાથે આગળ દોડતી જતી હતી.

‘સાલ્લા... હરામીઓ...’ પાછળથી જોરથી ચીસનો અવાજ આવ્યો અને પછી સચચ... નો અવાજ કરતી હવાને કાંપતી હોકી આનંદના માથા પરથી પસાર થઇ આગળ નીકળી ગઇ.

‘દુર્ગા... દોડ...’થોડી જ વારમાં કદમ સર આવી જશે. ઝડપ વધાર, મોબાઇલ ખિસ્સામાં નાખી દાંત ભીંસતા આનંદ બોલ્યો.

‘પણ... પણ... આનંદ હવે મારાથી દોડાતું નથી.’ તેના ગળામાં શોષ પડતો હતો.

‘હિંમતથી કામ લે દુર્ગા બસ થોડા જ સમયનો પ્રશ્ન છે. લગભગ દસ મિનિટમાં કદમ સર આવી જશે.’

બંને પરસેવાથી નીતરી રહ્યાં હતાં. ફેફસાં ફાટી જાય તેવો શ્વાસ ફુલાતો હતો.

‘હોકી આપ...’ સખ્ત અવાજે બોસ જેવો લાગતો મવાલી ચિલ્લાયો.

દોડતાં દોડતાં જ તેણે ધનીયા સામે હાથ લંબાવ્યો. ધનીયા નામના મવાલીએ તેને હોકી આપી.

પછી તે મવાલીએ દાંત ભીંસ્યા. અને હોકીને હાથમાં મજબૂત રીતે પકડી હવામા ગોળ-ગોળ ફરાવતા આનંદનું નિશાન લઇ જોરથી હોકીનો ‘ઘા’ કર્યો.

સનનન... હવાને કાંપતી હોકી વેગ સાથે જોરથી આનંદના માથામાં વાગી.

દોડતો આનંદ લથડીને આગળની તરફ ગડથલિયું ખાઇ ગયો. તેના મોંમાંથી વેદનાભરી જોરદાર ચીસ નીકળી ગઇ. માથામાંથી લોહીની ધાર વહી નીકળી.

નીચે પટકાતા આનંદને જોઇ દુર્ગાના પગમાં એકાએક બ્રેક લાગી ગઇ, ભયભીત આંખોએ તેણે આનંદ સામે જોયું.

‘આનંદ...’ તેના મોંમાંથી જોરદાર ચીસ સરી પડી.

આગળ વધી ઊભા થતા આનંદને તે ઊભા થવામાં મદદ કરવા લાગી.

‘બસ... હવે ઘણું થયું નાસવાની કોશિશ કરશો તો મારે તમને અહી જ વેતરી નાખવા પડશે.’ નજદીક દોડી આવેલા મવાલીના બોસ જેવો લાગતો તે ગુંડાએ એકદમ ત્રાડ પાડી.

ધ્રૂજતી દુર્ગાએ તેના તરફ નજર ફેરવી.

એક મવાલીના હાથમાં ધારદાર છૂરો સૂર્ય પ્રકાશમાં એકદમ ચમકારા મારી રહ્યો હતો.

આનંદ ઊભો થયો ત્યાં સુધી મવાલીઓ તેની પાસે પહોચી આવ્યા.

‘સા... હરામી અમને મારીને નાસતો હતો.’ કહેતાં એક મવાલીએ દાંત કચકચાવીને આનંદના પેટમાં પોતાનો ઘૂંટણ વાળીને પાટુની જેમ મારી દીધો.

‘આ... આ... આ..’ આનંદના મોંમાંથી ચીસ સરી પડી તે વેદનાથી તરફડી ઊઠ્યો.

બેવડો વળી ગયેલો આનંદ સીધો થાય તે પહેલાં જ મવાલીના તે બોસે એક હાથે કચકચાવીને તેના બાલ પકડ્યા અને પછી ઉપરાઉપરી બે-ચાર મુક્કા તેના ચહેરા પર લગાવી દીધા.

એક તો માથામાં હોકી વાગી હતી. ઉપરથી તે મવાલીએ તેના વાળ જોરથી પકડીને ખેંચી રાખ્યા હતા. અને ઉપરથી મોં પર પડેલ મુક્કાઓના મારથી આનંદને તેની ચારે તરફ અંધકાર ફળી વળ્યો હોય અને આકાશના તારલિયા તેની આજુબાજુ ફરતા હોય તેવું લાગ્યું. તીવ્ર વેદનાથી તેણે આંખો બંધ કરી દીધી. તેના હોઠ ચિરાઇ જતો તેમાંથી લોહી ટપકતું હતું.

આનંદને છોડાવવા દુર્ગાએ ઝનૂનથી તે મવાલીના હાથ પર જોરથી બચકું ભર્યું. જે હાથથી તેણે આનંદના વાળ પકડ્યા હતા તે મવાલીનો ચહેરો વેદના અને ગુસ્સાથી તમતમી ઊઠ્યો.

તેના હાથમાંથી આનંદના બાલ છૂટી ગયા. ક્રોધભરી આંખોએ છીંકોટા નાખતો તે દુર્ગા તરફ ફર્યો.

થાડ... એકાએક તેણે આગળ વધીને દુર્ગાને તમાચો ફટકારી દીધો.

‘સા... મારા પર હાથ ઉગામ્યો. મને બટકા ભરશે.’

પાછળની તરફ ખસતી દુર્ગા દહેશત અને પીડાભર્યા ચહેરે અને ફાટી આંખોથી તેને જોઇ રહી. તેના ગાલ પર પીડાથી ઝણઝણાટી થતી હતી.

‘પકડી લ્યો આને અને ગાડીમાં નાખો.’ દુર્ગા સામે ક્રોધભરી નજરે જોતાં તેણે રાડ નાખી અને પછી તે દાંત કચકચાવીને આનંદ તરફ આગળ વધ્યો અને શરીરનું પૂરં બળ એકઠું કરી આનંદની કમરમાં જોરથી લાત ફટકારી દીધી.

વાતાવરણમાં આનંદની ખોફનાક ચીસ ગુંજી ઊઠી.

માંડ માડં શરીરનું બેલેન્સ જાળવતા ઊભા થવાની કોશિશ કરતો આનંદ ચીસ સાથે નીચે સડક પર પછડાયો.

‘આનંદ... આનંદ...’ દુર્ગાની ચીસોના અવાજથી આનંદની ચેતનામાં સંચાર થયો તે ઝડપથી બેઠો થયો અને દુર્ગા તરફ નજર ફેરવી.

બે મવાલીઓએ દુર્ગાને પકડી હતી. એકે દુર્ગાનો ચોટલો પકડ્યો હતો તો બીજા મવાલીઓએ તેનો હાથ. બંને જણ લગભગ દુર્ગાને ઢસડતા ઢસડતા સ્કોર્પીઓ તરફ લઇ જતા હતા. જે સ્કોર્પીઓને હમણાં જ ડ્રાઇવરે લઇ આવીને ત્યાં ઊભી રાખી હતી.

‘હં... એ એ એ ય... છોડી દો દુર્ગાને...’ આનંદે જોરદાર ત્રાડ પાડી. ક્રોધથી તેનો ચહેરો એકદમ ખૂંખાર બની ગયો. તેની આંખોમાંથી જાણે અંગારા વરસતા હોય તેવું લાગી રહ્યું હતું.

તે ઝડપથી ઊભો થયો.

‘થાડ...’ના અવાજ સાથે તેની પાછળ ઊભેલા ધનીયા નામના મવાલીએ તેના માથા પર જોરથી હોકી ફટકારી દીધી.

ફરી એક વખત આનંદની ચીસ ગુંજી ઊઠી, બંને માથું પકડીને આનંદ નીચે પછડાયો. ધીરે ધીરે તેની આંખો સામે અંધકાર ફરી વળ્યો.

‘આ... આનંદ... ’ દુર્ગાએ જોરથી ચીસ પાડી.

‘છોડી દો... પ્લીઝ... મને છોડી દો... આનંદને મારો નહીં પ્લીઝ’ દુર્ગા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

‘અબે, જુઓ છો શું... છોકરીને જલદી ગાડીમાં નાખો. આપણે અહીં બગીચામાં ફરવા નથી આવ્યા.’ મવાલીઓના બોસે જોડથી ત્રાડ પાડી.

બંને મવાલીઓએ દુર્ગાને ઢસરડીને સ્કોર્પીઓના પાછળના દરવાજા તરફ લઇ ગયા. ડ્રાઇવરે ઝડપથી પાછળનો દરવાજો ખોલ્યો પછી ત્રણે જણાએ ભેગા થઇ ઘઉંના બાચકાની જેમ દુર્ગાને અધ્ધર ઉઠાવી અને પાછળની સીટ પર ‘ઘા’ કરી. ડ્રાઇવરે ઝડપથી દરવાજો બંધ કર્યો અને ડ્રાઇવર સીટ તરફ દોડ્યો.

દુર્ગા ચીસો પર ચીસો પાડી રહી હતી.

ધનીયો અને તે મવાલીઓનો બોસ હજુ નીચે પડેલાં આનંદ પાસે ઊભા હતા. આનંદનુ શરીર તરફડી રહ્યુ હતું અને માથામાંથી લોહી વહીને ચારે તરફ સડક પર રેલાતું હતું.

‘અબે ઘનચક્કર... આટલા જોરથી હોકી મારવાનું તને કોણે કહ્યું હતું ? હરામખોર આ... આ...’ કહેતાં બોસ જેવા લાગતા તે મવાલી જેનું નામ રઝાક હતું. તેમણે જ આનંદ તરફ આંગળી ચીંધી આગળ બોલ્યોક, ‘આ... આ... હમણા જ મરી જશે. સાલ્લા... આપણે તો ખાલી તેને થોડો મેથીપાક જમાડીને છોકરીને ઉઠાવી જવાની હતી.’ ક્રોધથી સળગતી આંખો સાથે તેણે ધનીયા સામે જોયું.

‘સ... સોરી બોસ... જરા જોરથી ફટકો લાગી ગયો.’ ધ્રૂજતા ધનીયો બોલ્યો.

અચાનક ડ્રાઇવર જોરજોરથી ગાડીનો હોર્ન વગાડવા લાગ્યો.

રઝાક અને ધનીયો એકદમ ચમકી ગયા. બોસે સ્કોર્રીઓ તરફ નજર કરી.

‘બોસ... જલદી... કોઇ વાહન આવી રહ્યું છે.’ ડ્રાઇવર ચિલ્લાયો.

‘હે... હા... ચાલો જલદી...’ કહેતા મવાલીના તે બોસે ધનીયા તરફ જોયું.

‘બોસ... હવે આનું શું કરશું...? કોઇ હોસ્પિટલમાં પહોંચાડવો છે...?’ ધનીયો બોલ્યો.

‘હવે... ઘનચકકર જલદી ચાલ... જો સામેથી વાહન આવે છે નાહકનું આપણે કોઇ ઝંઝટમાં નથી પડવું. ચાલ હવે ભલે પડ્યો તે...’ કહેતાં તેણે ધનીયાનું બાવડું પકડી ખેંચ્યો.

પછી બંને ઝડપથી સ્કોર્પીઓ તરફ દોડ્યાં.

જેવા તેઓ ગાડીમાં બેઠા કે તરત ડ્રાઇવરે એક આંચકા સાથે ગાડીને આગળ વધારી અને પછી લિવર પર જોરથી પગને દબાવી દીધો. સ્કોર્પીઓ પુરપાટ વેગ સાથે આગળ વધી ગઇ.

આંધીની રફતારથી આવતી તે ગાડીમાં કદમ બેઠો હતો. દૂરથી તેણે બે માણસોને સ્કોર્પીઓમાં દોડીને બેસતા અને પછી ઝડપથી સ્કોર્રીઓમાં નાસતા જોયા.

થોડા નજદીક આવતાં જ તેની નજર સડક પર પડેલ કોઇ વ્યકિત પર નજર પડી. દૂરથી તે કોણ છે તે ઓળખાયું નહીં, પણ આગળ આવતાં જ કદમ તેને ઓળખી ગયો.

‘આનંદ...’ તેના મોંમાંથી નીકળી પડ્યું.

‘માય ગોડ... પોતે થોડો મોડો પડ્યો.’ વિચાતાં જ આનંદ જ્યાં પડ્યો હતો ત્યાં ગાડીને આડી કરી ઊભી રાખી, જેથી બીજાં કોઇ વાહનની હડફેટમાં આનંદનું શરીર ન આવી જાય, જો કે તે સમયે કોઇ વાહનની અવરજવર પણ ન હતી.

ગાડી ઊભી રાખી દરવાજો ખોલી કદમ બહાર કૂદ્યો અને ઝડપથી આનંદ પાસે પહોંચ્યો.

‘આનંદ આનંદ... કદમે રાડો નાખી પર કોઇ ઉત્તર ના મળ્યો. કદમ આનંદ પાસે બેસી ગયો, તેનો હાથ પોતાના હાથમાં લઇ તેણે આનંદના પલ્સ ચેક કર્યા. આનંદના ધબકારા ધીમી ગતિથી ચાલી રહ્યા હતા. કદમે તેના શરીરનું નિરીક્ષણ કર્યું. ફક્ત માથામાંથી લોહી વહી રહ્યુ હતું.

કદમ તરત ઊભો થયો અને ગાડી પાસે દોડ્યો. ગાડીના પાછળની સીટવાળો દરવાજો ખોલી નાખી, ક્ષણમાં જ તેઓ ગાડીનો કપડાનો સીટ કવર ફાડી નાખ્યો અને પછી આનંદ પાસે દોડી આવ્યો.ત્યારબાદ સીટ કવરના લીરા કરી આનંદના માથા પર પાટો બાંધ્યો. ત્યારબાદ કદમે આનંદના શરીરને બંને હાથેથી અધ્ધર ઊંચક્યો અને ઉતાવળે પગલે ગાડી પાસે પહોંચ્યો અને ગાડીના ખૂલેલા પાછળના દરવાજા પાસે નમીને આનંદને પાછળની સીટ પર સુવડાવ્યો પછી દરવાજો બંધ કરી તે ડ્રાઇવિંગ સીટ પર બેઠો. વળતી પળે તેની ગાડી હવામાં વાતો કરતી સ્પીડ સાથે સડક પર દોડી રહી હતી. તેનાં પૂરાં કપડાં આનંદના લોહીથી ખરડાઇ ગયાં હતાં. તેના ચહેરા પર પરસેવાનાં બુંદ ટપકતાં હતાં.

‘હલ્લો...’ ચાલુ ગાડીએ ખિસ્સામાંથો મોબાઇલ કાઢીને તેણે ડી.એસ.પી. નો કોન્ટેક્ટ કર્યો.

‘હલ્લો... કદમ, ભાઇ શું થયું... ?’ સામેથી ડી.એસ.પી. નો ચિંતાભર્યો સ્વર સંભળાયો.

‘સર... દુર્ગાનું અપહરણ કરવામાં આવ્યું છે અને આનંદ બૂરી રીતે ઘાયલ થયેલ છે. આપ જલદી તેની સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં વ્યવસ્થા કરાવો, હું આનંદને લઇને સીધો ત્યાં પહોંચું છું.’

‘ઓ...કે... કદમ હમણાં જ વ્યવસ્થા થઇ જશે અને હું પણ ત્યાં પહોંચું છું.’ કહેતાંની સાથે ડી.એસ.પી. ફોન કાપી નાખ્યો.

***