Premnu Aganphool - 4 - 1 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | પ્રેમનું અગનફૂલ - 4 - 1

પ્રેમનું અગનફૂલ - 4 - 1

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

થરપાર્કર બોર્ડર પર

ભાગ - 1

શહેરમાં ચારે તરફ નાકાબંધી કરી દેવામાં આવી હતી.

શહેરની બહાર જતા રસ્તા, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ પર સઘન ચેકિંગ ચાલી રહી હતી.

રાત્રીના બાર વાગ્યાનો સમય થયો હતો.

બપોરથી કરીને અત્યાર સુધી કદમ સતત દોડતો રહ્યો હતો.

આનંદને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરાવી તેમની માતાને તરત જાણ કરી બોલાવવામાં આવી, પછી આનંદની સુરક્ષા માટે તેના કમરાથી હોસ્પિટલ અને હોસ્પિટલની આસપાસ સખત પોલીસ સુરક્ષાની વ્યવસ્થા કરી તે પોલીસ હેડક્વાર્ટર પર પહોંચ્યો હતો. તે સતત ડી.એસ.પી. ભગત સાહેબના સંપર્કમાં હતો.

કંટ્રોલરૂમથી તે આખા શહેરમાં સખત ચેકિંગ માટે વ્યવસ્થાની સગવડ કરી પોતે કંટ્રોલરૂમમાં બેઠો હતો અને સતત ઓર્ડર પાસ કર્યે જતો હતો.

‘સર... કોફી પી લો. આપે આજ બપોરથી અત્યાર સુધી કશું જ ખાધું નથી.’ ઇન્સ્પેક્ટર અનિલ રિસ્પેકટ સાથે બોલ્યો.

‘અનિલ... મામલો દુર્ગાને શોધવા સાથે દેશની સુરક્ષાનો છે.’

‘કોઇ મોટું ષડયંત્ર રચાઇ રહ્યું છે.’ કોફીનો મગ હાથમાં લેતા કદમે કહ્યુ. પછી આગળ બોલ્યો, ‘અનિલ સ્કોર્રીઓની તપાસ ક્યાં સુધી આગળ વધી.’

‘સર... સ્કોર્રીઓ બિનવારસુ હાલતમાં મળી આવી છે. આર.ટી.ઓ. ઓફિસરમાં તપાસ કરતા તે સ્કોર્રીઓ ચોરાયેલી હતી અને ચોરીની ફરિયાદ પણ એલિજબ્રિજ પોલીસ સ્ટેશને નોંધાયેલી છે.’

‘અચ્છા... અખિલેશ ગુપ્તાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવ્યા હતાં ?’

‘હા સર... પણ તેઓ તો દુર્ગાના અપહરણની ઘટના સાંભળી દિગ્મૂઢ થઇ ગયા હતા. તેઓના કહેવા પ્રમાણે તેમણે આનંદ અને દુર્ગા કોઇ ઝંઝટમાં ન પડે તે માટે તેને બખેડામાં પડવાની ના કહી હતી. બાકી રૂ. પાંચસોની નોટો ક્યાંથી આવી, બન્ને કેમ્પમાં એક જ સિરિયલ નંબરવાળી નોટો કેમ આવી. તે એકદમ અજાણ છે. અને જે સંસ્થા પાસેથી તેઓને રૂપિયા મળ્યા છે, તેને પણ તેઓ ફક્ત એક જ વાર મળ્યા હતા અને સંસ્થાએ સારા ઉદ્દેશ માટે પૈસા આપતાં તેમણે વધુ તપાસ કર્યા વગર રૂપિયા લઇ લીધા હતા. બાકી વધુ તેઓ કંઇ જ જાણતા નથી.’

‘ઇન્સ્પેક્ટર... અત્યારે મી.ગુપ્તા ક્યાં છે ?’

‘સર... અમે તપાસ કરી. તેઓને મૂકી દીધા છે અને તેમણે સામેથી કહ્યું હતું કે જ્યારે મારી જરૂર પડશે ત્યારે હું પોલીસ સ્ટેશનમાં હાજર થઇ જઇશ.’

‘ઇન્સ્પેક્ટર... તમારે તેને અટકાયતમાં લેવાની જરૂર હતી. તમે મોટી ભૂલ કરી નાખી છે. જેમ બને તેમ મી. ગુપ્તા પોલીસ અટકાયતમાં લઇ લો.’ ગંભીર મુદ્રા સાથે કદમે કહ્યું.

‘પણ સર...’ ઇન્સ્પેક્ટર બોલવા ગયો.

‘નહીં... ઇન્સ્પેક્ટર, હાથનો પંજો લાંબો કરતા કદમે તેમને બોલતા અટકાવી કહ્યું. ‘ઇન્સ્પેક્ટર... તાત્કાલિક ધોરણે તેમની અટકાયત કરો.

‘ઓ.કે... સર...’

‘અને હા... ઇન્સ્પેક્ટર... આનંદ સામે હોસ્પિટલમાં ચોકીપહેરો એકદમ સજ્જડ કરી દેજો, તેના પર હુમલો થવાની શક્યતા પણ છે.’

‘ઓ.કે. સર... હું હમણાં જ મી. ગુપ્તાની અટકાયત કરું છું, અને એલ.જી.હોસ્પિટલમાં ચક્કર લગાવી આનંદ માટેની સુરક્ષા પણ ચેક કરી આવું છું.’ ઇન્સ્પેક્ટર બોલ્યો.

કદમે આભારવશ ભરી નજરે તેની સામે જોયું પછી તે ઇન્સ્પેક્ટર જલદી કંટ્રોલરૂમમાં બહાર નીકળી ગયો.

ચંદ્રમાં સોળે કળાએ ખીલ્યો હતો.

ધરતી ચંદ્રની શીતળ રોશનીમાં નહાઇ રહી હતી.

તે રણપ્રદેશ હતો.

ચારે તરફ નજર પડે ત્યારે બસ રેતીના ઢૂવા જ નજર ચડતા હતા.

ઘૂમરી લેતા પવનને લીધે રેતીમાં કોઇએ આર્ટકલાકારી કરીને અર્ધરાઉન્ડ આકારના લિસોટા બનાવ્યા હોય તેવું દેખાતું હતુ.

શીતળ ચાંદનીમાં રેતી ચમકી રહી હતી.

શાંત એકદમ શાંત વાતાવરણમાં ડફલીની ધૂનનો અવાજ ચોમેર પડઘા પાડી રહ્યો હતો.

રણના શાંત અને એકાન્ત વાતાવરણમાં ચાર તંબુ બંધાયેલા હતા. તંબુમાં મીણબત્તીનો આછો પ્રકાશ વેરાઇ રહ્યો હતો.

તંબુઓની વચ્ચે નાના ચોગાનમાં હરીકેન કંડીલનો આછો ધ્રૂજતો પ્રકાશ ચારે તરફ ભય અને દહેશતનું ડરામણું વાતાવરણ બનાવતો છવાયેલો હતો.

વાંસના બનેલા નાના-નાના છાલકા ચોગાનમાં ફરતા ગોઠવેલા હતા.તેની ઉપર કેટલાય લોકો બેઠા હતા. રેતીમાં ચારે તરફ ઘૂંટણભેર એક આદમી બેઠો બેઠો ડફલી વગાડી રહ્યો હતો અને ચોગાનની વચ્ચે એક નૃત્યાંગના ડફલીના તાલ પર નાચી રહી હતી.

ત્યાં બેઠેલા આદમીઓના હાથમાં શરાબની પ્યાલીઓ પકડેલી હતી.

શરાબ પીતા-પીતા તેઓ નૃત્યાંગનાના નાચ પર ઝૂમી રહ્યા હતા.

વાતાવરણ એકદમ ભેદી અને ઘેરું બનતું જતું હતું.

પવનના સુસવાટા વચ્ચે વચ્ચે જંગલી શિયાળોની ચીસોનો અવાજ ભયભરી કંપારી પેદા કરતો હતો.

ચાર તંબુમાંના એક તંબુમાં એક સ્ત્રી બંધનઅવસ્થામાં વાંસની ખુરશી પર બેઠેલી હતી. તેના બંને હાથ ખુરશી સાથે બંધાયેલા હતા અને ખુરશી કમર ફરતે એક પટ્ટો મુસ્કેટાટ રીતે બાંધેલો હતો.

તે સ્ત્રીના ચહેરો ભયથી એકદમ સફેદ પડી ગયો હતો. તેની હરણી જેવી મોટો આંખોમાં દહેશત છવાયેલી હતી. ખોફનાક વાતાવરણની અસરથી તે ધ્રૂજી રહી હતી.

તે રાજસ્થાનનો થરપાર્કરનું રણપ્રદેશ હતો. અને થરાપાર્કરના રણથી પાકિસ્તાન બોર્ડર લાગુ પડતી હતી.

વર્ષો પહેલાં થરપાર્કરના રણ પ્રેદશમાંથી પસાર થઇ કેટલાય લોકો ભારતની સરહદમાં ઘૂસી આવતા. ઊંટ પર સવાર થઇને એક જ રાતમાં લોકો બોર્ડર પસાર કરી ભારતમાં આવતા અને ભારતથી લોકો પાકિસ્તાન પહોંચી જતા.

પાકિસ્તાનથી હથિયાર, ગોલા, બારુદ અને ચરસ ગાંજાની ઘૂસણખોરી થતી હતી. કેટલીયવાર મોટા પ્રમાણમાં દાણચોરીનો જખીરો પકડાયા પછી આ બોર્ડર પર સખત ચોકીપહેરો તથા તારની ફેન્સિંગની જાળી બિછાવી દેવામાં આવી ત્યારબાદ થરપાર્કરના રણમાંથી થતી ઘૂસણખોરીનું પ્રમાણ એકદમ ઘડી ગયું.

બંધાયેલા તે તંબુઓવાળી જગ્યા પાકિસ્તાન બોર્ડરથી નજદીકનો પ્રદેશ હતો, ત્યાં ચાર કિલોમીટર નજદીક એક ભારત બોર્ડરનું છેલ્લું નાનું ગામડું મોહનગઢી હતું.

‘બસ... બંધ કરો ભાયા નાચગાના. બોર્ડર પરના ચોકી પહેરો બદલવાનો સમય થયો છે. કોઇ સિપાઇઓ આ તરફ આવી ગયો તો જરૂર વગરની ઉપાધિ પેદા થશે.’ બ્લુ સુરવાલ ઝભ્ભો પહેરેલા મોટી ઉંમરનો જણાતો એક વૃદ્ધ પોતાની દાઢી પર ફેરવતાં બોલ્યો.

‘ભર્યા બસ રોકો નાચગાનો તો હો ગયા, બોર્ડર પર ચોકી બદલેગી, ખામાખા તું મરાયેગો, કોઇપણ સિપાઇ આયેગો તો પકડ લે જાયેગા. થારી તો રાત કી ઊતરી નહીં.’ ચોક્કસ હોજા ભાર્યા.

‘સર, હુકમ આંખો પર સદા...’ સર ઝુકાવતી એક હાથથી સલામ કરતી નૃત્યાંગનાના પગ થંભી ગયા. ડફલીવાળાએ ડફલીને રેતીમાં ફેંકી પછી પોતે રેતીમાં લેટી ગયો.

‘સોલેમાન... અમારે ગેમ તેમ કરીને રણ પસાર કરી પાકિસ્તાન પહોંચવું છે અને તમારે એની વ્યવસ્થા કરવી પડશે.’ છાલકા પર બેઠેલા આદમીઓમાંથી એક જણ બોલ્યો, જેનું નામ રઝાક હતું.

‘રઝાક... તું સમજે છે, તેટલું આસાન નથી ભાઇ. એક જમાનો હતો. અમે ગમે તેમ કરી ઊંટ પર બોર્ડર પાર કરી દેતા પણ હવે સઘન ચોકીપહેરો બોર્ડર પર લાગેલો છે. ફેન્સિંગ તારની જાળો ગૂંથાયેલી છે. મને તો માફ કરી દો ભાયા... અને પાછું તમારી સાથે એક છોકરી છે. જેને તમે અપહરણ કરેલું છું, તે છોકરીને લઇ બોર્ડર પાર કરવી તે શક્ય નથી ભાયા. વધેલી દાઢી પર હાથ ફેરવ્યા બાદ ત્યા પડેલ પ્યાલામાંના શરાબને એકી શ્વાસે ગટગટાવી ગયો.’

‘સોલોમાન ચાચા... પાકિસ્તાનના આકાઓના આદેશનું તમે ઉલ્લંઘન કરશો ? પછી અફઝલ શાહિદને તમે શું જવાબ દેશો ?’

‘ઠીક છે ભાયા... તમે સૌ તૈયાર થઇ જાવ રાત્રિના બે વાગ્યાના સમયે આપણે નીકળીશુ.’ લાંબો શ્વાસ લેતાં સુલેમાન બોલ્યો.

સમ... સમ... કરતો રાત્રીનો પ્રહર નીકળી રહ્યો હતો.

ચંદ્રમાં વાદળોની ઓથમાં છુપાઇ ગયો. રેતીના ભયંકર વંટોળ ચારે તરફ ઊઠતા હતા.

ભેંકાર અંધકાર અને સન્નાટાભર્યા વાતાવરણમાં કેટલાય ઊંટો રણની રેતીને રોંગતા પાકિસ્તાન બોર્ડર તરફ જઇ રહ્યા હતાં.

સુલેમાનનો ઊંટ સૌથી આગળ ચાલતો હતો. તે વૃદ્ધને હતો પણ એક યુવાનને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે ઊંટને દોડાવત હતો.

તેની પાછળ રઝાક, મહોમ્મદન ઊંટ દોડતો હતો. તેના ઊંટના પાછળના ભાગની બેઠક પર તે બંધનગ્રસ્ત સ્ત્રીને બેસાડવામાં આવી હતી. તે સ્ત્રીના ફક્ત હાથ બંધાયેલા હતા અને મોં પર ગમપટ્ટી લાગેલી હતી. તે સ્ત્રીનો ચહેરો પૂરો ઢંકાઇ જાય તે રીતે કાળા બુરખાના લિબાસમાં પરાધીન કરવામાં આવી હતી.

તેની પાછળ બીજા ત્રણ ઊંટ સવારો ઊંટ દોડાવતા જતા હતાં.

‘રઝાકમીંયા... આપણે ભારત અને પાકિસ્તાનની બોર્ડરથી ખૂબ જ નજદીક આવી ગયા છીએ. હવે સૌ એકદમ સાવધાન થઇ જાવ.’ સુલેમાનને ઊંટને ધીમો પાડી રઝાક મહમ્મદના ઊંટની નજદીક લાવતાં કહ્યું.

દૂર-દૂર... અંધકારમાં લોખંડના તારની ફેન્સિંગ એકદમ આછી આછી દેખાઇ રહી હતી.

‘સુલેમાન ચાચા... અમે સૌ એકદમ સાવધાન છીએ. અમારી આ રિવોલ્વરો ગમે ત્યારે આગ ઓકવા તૈયાર છે.’ કમરમાં ખોસેલી રિવોલ્વરને ખેંચી કાઢી હાથમાં લઇ બતાવતાં રઝાક મોહમ્મદ બોલ્યો.

ત્યારબાદ તેઓ દોડતા ઊંટોને ધીમા પાડી ચૂપચાપ બોર્ડર પરની તારની ફેન્સિંગ તરફ જવા લાગ્યા.

સુઉઉઉ... ના ઘુઘવાટ કરતો પવનના વંટોળિયાન સાથે ધૂળોની ડમરીઓ ઉપર ઉડતી હતી અને રેતીના વરસાદના રૂપમાં તે લોકો પર વેરાતી હતી સન્નાટો એટલો ખોફનાક હતો કે પવનનો અવાજ કોઇ પિશાચનો ભયાનક અવાજ જેવો સંભળાઇ રહ્યો હતો. કાળજુ મોંમાં આવી જાય તેવું ખોફભર્યું વાતાવરણ રચાયેલું હતું.

સૌનાં પૂરાં શરીર રેતીથી ભરાઇ ગયાં હતા. રેતીના કણ ક્યારેક આંખમાં ખૂંચતા હતા તો ક્યારેક રેતીં મોં-નાકમાં ભરાઇ જતી હતી.

એટલું સારું હતું કે રાત્રી હોવાથી રેતી ઠંડી પડી ગઇ હતી. આજ લોકો રાત્રીના સમયને બદલે ભરબપોરના પસાર થયા હોત તો રેતીના ગરમ કણોએ તેઓની ચામડીને દાઝી દીધી હોત.

તારની ફેન્સિંગ પાસે આવી સુલેમાને ઊંટને અટકાવ્યું પછી જરાય અવાજ ન થાય તે રીતે ઊંટના ગળામાં બાથ ભરી તે ચુપચાપ નીચે ઉતર્યો. પછી તારન ફેન્સિંગ પાસે પહોંચી ખિસ્સામાંથી તાર કાપવાની એક નાની પકડને બહાર કાઢી ચુપા-ચુપ તાર પાસે બેસી ગયા. ત્યારબાદ તેના હાથની પકડ તાર પર ફરવા લાગી. ધીરે ધીરે તે લોખંડનો એકદમ મજબૂત તારને ખૂબ આસાનીથી કાપી રહ્યો હતો. તેના સિવાયના સૌ ઊંટ પર બેઠા બેઠા અંધકારમાં આંખો મીંચી ખેંચી ખેંચી તેની કાર્યવાહી જોઇ રહ્યાં હતાં.

સિત્તેર ટકા જેટલો તાર કપાઇ ગયો હતો.

વૃદ્ધ સુલેમાનના બાવડામાં અસીમ તાકાત ભરેલી હતી. તે ફટાફટ જરાય અવાજ કર્યા વગર જમીન પર બેઠા બેઠા તાર કાપતો જતો હતો.

રઝાક મોહમ્મદે ચહેરા પર ફેલાયેલી રેતી હાથ વડે દૂર કરી ચારે તરફ નજર ફેરવી જોયું.

અચાનક તે ચમક્યો.

દૂર-દૂરથી કોઇ આકાર પવનના વંટોળ સાથે રફતારથી તે લોકોના તરફ આવી રહ્યો હતો.

રઝાક મોહમ્મદના ધબકારા એકદમ વધી ગયાં.

દહેશતથી તે ક્ષણ માટે ધ્રૂજી ઊઠ્યો.

‘સુલેમાનન ચાચા... દૂરદૂરથી કોઇ આ તરફ આવી રહ્યું છે.’ એકદમ ધીમા અવાજે ધ્રૂજતા અવાજે તો બોલ્યો.

‘શું...? કોઇ આ તરફ આવી રહ્યું છે.’ સુલેમાનના ચહેરા પર ચિંતા ફરી વળી અને પછી તે અવાજ થાય તેની પરવા કર્યા વગર તાર કાપવા લાગ્યો.

‘રઝાક... કોઇ પણ હોય જેવો આગળ આવે કે તરત તું ગોળી મારી દેજે.’ માથા પર પરસેવા સાથે બાઝેલા રેતીના કણને બાવળા પરના પહેરણથી લૂંછતા તે આગળ બોલ્યો

‘અને હા તારી રિવોલ્વર પર સાયલેન્સ તો નથી ગોળી છોડીશ તો ધડાકાનો અવાજ તો થશે જ.’ ગભરાટભર્યા અવાજે રઝાકે કહ્યું.

‘મૂર્ખ... નથી તમે સાથે નાઇટ વિઝન દૂરબીન લાવ્યા કે નથી રિવોલ્વર પર સાયલેન્સ ચડાવી આવ્યા છો.’ કહેતાં તે ઝડપથી તાર કાપવા લાગ્યો.

ધૂળોના વંટોળ વચ્ચે દોડતી આવતી એક આકૃતિ હવે રાત્રિના અંધકારમાં ઊપસી આવી.

કોઇ ફોજી ઊંટ પર સવાર થઇને ઊંટને દોડાવતો તે લોકો તરફ ભીંસી રઝાકે સુલેમાન તરફ જોયું.

‘કટ...’ અવાજ સાથે છેલ્લો તાર કાપતાં સુલેમાન ઝડપથી ઊભો થયો અને કપાયેલા તારના ગુચ્છાને એક તરફ બંને હાથના જોરથી બળપૂર્વક ધકેલતા ધીમા સુસવાતા અવાજે બોલ્યો, ‘ચાલો જલદી ભાગો.’ કહેતાં તે પણ છલાંગ લગાવી પોતાના ઊંટ પર સવાર થઇ ગયો.

અને પછી બધા ઊંટોને દોડાવતા બોર્ડરની ફેન્સિંગ તરફ ધસી ગયા.

દૂરથી આવતો તે બી.એસ.એફ. નો યુવાન તેઓની ભેદી હિલચાલથી એકદમ ચમક્યો. વીતેળી ક્ષણ પછી તરત તેઓ નાઇટ વિઝન દૂરબીન આંખો પર લગાવી જોયું.

કેટલાય ઊંટ સવારોને તેણે ફેન્સિગના તાર તરફ દોડતા જોયા અને પછી તરત તેમણે ખભા પર લટકતી મશીનગનને હાથમાં લીધી.

‘કોણ છે ત્યાં...? થોભી જાવ... નાસવાની કોશિશ કરશો તો છલ્લી કરી નાખીશ.’ ફોજીની ત્રાડ અધકારભર્યા વાતાવરણ અને ભયાનક સન્નાટામાં ગુંજી ઊઠી.

અને પછી સુલેમાને ઊંટ દોડાવતા જ એક હાથમાં પકડેલી રિવોલ્વર તે ફોજી પર ઘુમાવી.

‘ધાંય... ધાંય... ધાંય... અંધકારમાં આગના લિસોટા વેરતી કેટલીય ગોળીઓ ધમાકાભેર તે ફૌજી તરફ છૂટી.

ઊંટ પર બેઠેલા તે ફૌજીએ મોતને પોતા તરફ ધસી આવતું જોઇ. તરત તે માથું નમાવી એકદમ નીચો નમી ગયો. કેટલીય ગોળીઓ સુસવાટા કરતી તેના માથા પરથી પસાર થઇ ગઇ.

‘ભાગો... જલદી...’ ફૌજી તરફ ગોળીબાર કર્યા પછી સુલેમાને ત્રાડ પાડી સાથે-સાથે બૂટની એડીને જોરથી ઊંચા પગ તરફના પડખામાં જોરથી મારી.

ઊંટ એકદમ રફતાર સાથે દોડવા લાગ્યું. તેની પાછળ રઝાક અને તેમના સાથીઓના ઊંટો પણ વેગ સાથે દોડતા હતાં.

દૂરદૂરથી ભયાનક ધૂળની ડમરીઓ સિવાય કશું જ દેખાતું ન હતું. સૌના ચહેરા પર પરસેવાની ધારો નીતરી રહી હતી.

એક તો રાત્રિનો ગાઢ અંધકાર અને ઉપરથી ઊડતી ધૂળની ડમરીઓ કોઇને કાંઇ જ ખબર પડતી ન હતી કે તેઓ કઇ દિશા તરફ જઇ રહ્યાં છે. આંખો ખોલતા રેતીના કણો આંખોમાં ઘુસી જતા હતા.

તેઓની પાછળ આંધીની જેમ તે ફૌજી ઊંટ દોડાવતો ધસી આવતો હતો. ફૌજીની આંખોમાં ગુસ્સાથી આગના તણખા વેરતા હોય તેવું લાગતું હતું. તેણે પોતાનું મોં એકદમ ભીંસીને દાંત કચકચાવ્યા. પછી મશીનગનને હાથમાં સીધી કરી, નાસતા લોકો તરફ તેની નાળ ફેરવી.

‘ધાંય... ધાંય... ધાંય... ધાંય...’ના શોર સાથે કેટલીય ગોળીઓ તેની મશીનગનમાંથી છૂટી અને ગોળીઓના ધડાકાઓ સાથે એક ખોફનાક ચીસ ગુંજી ઊઠી.

‘સુલેમાન... મારા એક આદમીને ગોળી લાગી છે.’ રઝાક જોરથી ત્રાડ પાડી.

‘રઝાક... તું ભાગ... તારા માણસોની ચિંતા છોડ નહીંતર તું જાન ગુમાવી બેસીશ. ભાગ...’ સુલેમાન ચીસભર્યા અવાજે બોલ્યો.

‘થોભી જાવ... નહીંતર મર્યા સમજજો.’ તેની ચીસોના અવાજ સાંભળી ફૌજી ચિલ્લાયો.

પણ ત્યાં સુધી તો સુલેમાન, રઝાક અને તેના સાથીઓ ભારતની બોર્ડર પાર કરી. તુડેલ કાંટાળ તારન વાડમાંથી પસાર થઇ પાકિસ્તાનની બોર્ડરમાં ઘૂસી ગયા હતા.

***

Rate & Review

Hemal Sompura

Hemal Sompura 3 months ago

Bharat Maghodia

Bharat Maghodia 3 years ago

Nitin Patel

Nitin Patel 2 years ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 years ago

Ilaben

Ilaben 2 years ago