Premnu Aganphool - 2 - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમનું અગનફૂલ - 2 - 3

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

ઘૂંટાતું રહસ્ય

ભાગ - 3

કેટલાય લોકો ઘરબાર વગરના થઈ ગયા હતા. જેઓએ કેમ્પમાં આશ્રય લીધો હતો, કેમ્પો સતત ચોવીસ કલાક ધમધોકાર ચાલતા હતા. રહેવા માટે ટેન્ટો બનાવેલ હતા. જમવાની સગવડ, ઘાયલ થયેલા લોકો માટે મેડિકલ સગવડ, લોકોને પુનઃ સ્થાપિત કરવા માટે રૂપિયા પણ અપાતા હતા. ધમધમાટ ચાલતા મોટા કેમ્પમાં પૈસા ક્યાંથી આવતા હતા તેનો કોઈનેય ખ્યાલ ન હતો.

આનંદ યાસ્મીનને મળવા માટે રહીમચાચાના ઘરે ગયો હતો, પણ રહીમચાચએ સમાચાર આપ્યા કે યાસ્મીન મુસ્લિમ સંગઠનના ચાલતા કેમ્પમાં સેવા કરવા માટે ગઈ છે. તેથી આનંદ કેમ્પ પર જવા નીકળી ગયો.

કેમ્પ પર તપાસ કરતાં આનંદને યાસ્મીન મળી ગઈ.

‘કેમ છો ભૈયા?’ આનંદે જોઈ તે ખુશ થઈ ગઈ.

‘કેમ છો યાસ્મીન...? હું તને મળવા રહીમચાચાને ઘરે ગયો હતો તો રહીમચાચાએ કહ્યું કે યાસ્મીન તો કેમ્પમાં સેવા આપવા માટે ગઈ છે. તને જોવા હું અહીં દોડી આવ્યો.’

‘ભૈયા.... ઘરમાં જીવ ગૂંગળાતો હતો. સતત મારા અમ્મીજાન, અબ્બાજાન અને બહેનની યાદ આવતી હતી. એટલે થયું કેમ્પ પર જઈ સેવા આપું. અહીં મારા જેવા કેટલાય દુઃખિયારા છે. સેવાની સેવા અને મારો સમય પણ પસાર થઈ જાય છે.’

‘બહુ સારું કામ છે, યાસ્મીન... તને આનંદમાં જોઈ મારા જીવને શાંતિ થઈ.’

‘ભૈયા... અહીં લોકોનાં દુઃખ જોઈ મારું દુઃખ વીસરાઈ જાય છે. બેસહારા બેબસ લોકોને આશ્વાસન આપતાં તેની સેવા કરતાં મને મારા દિલને સાંત્વના મળે છે.’ કહેતાં યાસ્મીન અટકી પછી એકાએક બોલી, ‘અરે ભૈયા... મા કેમ છે...? દુર્ગા કેમ છે...? મને યાદ રે છે કે નહીં...?’

‘યાસ્મીન, મને કાલથી મમ્મી અને દુર્ગા તને ઘરે લઈ આવવાનું કહે છે. એટલે હું આવ્યો છું.’

‘હું ઘરે આવીશ... મારું જ ઘર છે, પણ ભૈયા થોડા દિવસ મને અહીં સેવા કરવા દો. કેમ્પ પૂરો થયા પછી ઘરે થોડા દિવસ રોકાવવા ચોક્કસ આવીશ.’

‘ઠીક છે બેન તું ખુશ રહે...’ કહેતાં આનંદ ઊભો થયો. ‘હવે હું જાઉં છું, સમય મળતાં ફરી તને મળી જઈશ.’

યાસ્મીન ગ્રેજ્યુએટ હોવાથી કેમ્પ પર લોકોને અપાતી આર્થિક સહાય માટેના ટેબલ પર તેને બેસાડવામાં આવી હતી. આનંદ ઊભો થતાં યાસ્મીન પોતાના કામમં લાગી ગઈ.

એક-બે સહાયક સંસ્થા દ્વારા પાસ કરવામાં આવેલા પાંચ હજાર રૂપિયા તે ગણીને આપી રહી હતી. આનંદ ત્યાં જ ઊભા રહી તેની કાર્યવાહી નિરખી રહ્યો હતો. અચાનક કાંઈક યાદ આવતાં આનંદે હજાર-હજારની બે નોટો ખિસ્સામાંથી બહાર કાઢી.

યાસ્મીન... મારા તરફથી કેમ્પમાં રૂપિયા પંદર સોની ભેટ લખજે.

‘ભૈયા... આમ તો કેમ્પ ચલાવવા પૈસા બહારથી આવે છે. અહીં કોઈ ડોનેશન લેતા નથી. પણ તમારા પૈસા હું લઈ કેમ્પની સેવામાં વાપરી નાખીશ.’ કહેતાં યાસ્મીને આનંદ પાસેથી બે હજાર રૂપિયા લીધાં અને પાંચસોની નોટ તેને પાછી આપી.

પાંચસોની નોટ એકદમ નવી નકોર હતી.

‘એકદમ નવી નકોર નોટ છે.’ હસતાં હસતાં નોટને હાથમાં લઈ આમથી તેમ ફેરવી જોતાં, સ્વાભાવિક રીતે આનંદે કહ્યું પછી નોટને ખિસ્સામાં મુકી.

‘ભૈયા.... આજ રૂપિયા પાંચ લાખ બહારથી આવ્યા છે. બધી જ નવી નોટો છે.’ હસતાં યાસ્મીન બોલી.

પછી આનંદે યાસ્મીનની રજા લીધી. કેમ્પમાંથી બહાર આવ્યો અને મોટરસાયકલ સ્ટાર્ટ કરી ઘર તરફ આગળ વધી ગયો.

ઘરે આવી આનંદે તેમની માતા આરતી અને દુર્ગાને બધી વાત કરતાં કહ્યું, ‘યાસ્મીન કેમ્પમાં સેવા આપે છે અને કેમ્પમાં દુઃખી લોકોના દુઃખમાં ભાગ લેતાં તેનું દુઃખ થોડું હળવું થયું છે. મા, યાસ્મીનને કેમ્પની સેવામાં આનંદ મળે છે. તેથી હું તેને મળી આવ્યો, પણ ઘરે તેડી નથી આવ્યો. મા, કેમ્પ પૂરો થયા પછી હું તેને તેડી આવીશ.’

‘યાસ્મીન આનંદમાં રહે તેનું મન મોકળું થા. તેનાથી વધુ આપણને શું જોઈએ. ભલે કેમ્પમાં સેવા આપતી.’ આરતી બોલી, તેના ચહેરા પર સંતોષના ભાવ છવાયેલા હતા.

‘મમ્મી.... હું ડોક્ટર છું, મને પણ સેવા કરવાની ઈચ્છા છે. તમે રજા આપો તો હું પણ આપણા હિન્દુ આશ્રિતોના કેમ્પમાં સેવા આપવા ઈચ્છું છું....’ અચકાતાં અચકાતાં દુર્ગા બોલી.

‘બેટા... એમાં શું ખોટું છે. તું તો ડોક્ટર ચો અને એક ડોક્ટરની પ્રથમ ફરજ માનવસેવાની છે. કેમ્પમાં ઘાયલ અને દુઃખી લોકોની તું સેવા કરીશ તો મને આનંદ થશે.’ કહેતાં આરતીએ દુર્ગા સામે જોયું.

કેમ્પમાં સેવા આપવાની રજા મળતાં દુર્ગાના ચહેરા પર આનંદ છવાયેલો હતો.

દુર્ગાએ આનંદ સામે જોયું. આનંદ તેને પ્રેમભરી નજરે તાકી રહ્યો હતો.

‘દુર્ગા તારી ઇચ્છા હશે તો હું તને કાલ કેમ્પમાં લઈ જઈશ. અમારા વકીલના એક મિત્ર સેવા કેમ્પમાં અગ્રણી છે. તેને વાત કરી તને કેમ્પમાં સેવાનું કામ અપાવી દઈશ.’

અને બીજા જ દિવસે દુર્ગા પણ કેમ્પ પર સેવામાં લાગી ગઈ. બે દિવસ પછી જ્યારે આનંદ તેને મળવા ગયો ત્યારે તે ખુશ જણાતી હતી.

બંને ટેન્ટથી ઊભો કરેલ મેડિકલ કેમ્પમાં ટેમ્પરરી બનાવેલ ડોક્ટરના રેસ્ટ રૂમમાં બેઠા હતા. મોટા ટેબલની બંને બાજુ સામસામે ગોઠવેલ ખુરશીઓ પ બેઠા બેઠા કોફી પી રહ્યાં હતાં.

‘દુર્ગા... તારે કેમ્પમાં જેટલા દિવસ સેવા આપવી હોય તેટલા દિવસ અહીં આવતી રહેજે. ત્યારબાદ એમ.બી.બી.એસ. થી આગળ એમ.ડી. કે એમ.એસ. જે તારે કરવું હોય તે માટે એડમિશન લેવાનું છે.’ કોફીની ચુસકી લેતા આનંદે કહ્યું.

‘આનંદ... મારે આગળ ભણવાનું હવે સ્વપ્ન થઈ ગયું.’ બોલતાં બોલતાં દુર્ગાનો ચહેરો લેવાઈ ગયો. ‘આનંદ તને ખબર છે. એમ.એસ. કે એમ.ડી. બનવા માટે કેટલો બધો ખર્ચ આવે છે. મેરિટમાં સીટ મળી જાય તો પણ કોલેજની ફી અને હોસ્ટેલમાં રહેવાનો ખર્ચ. ખેર... મારા માટે એમ.બી.બી.એસ. થઈ તે પણ ઘણું છે.’ એક ઊંડો શ્વાસ લેતાં તે ચૂપ થઈ ગઈ.

‘દુર્ગા... તારે આગળ ભણવાનું છે. તું ખર્ચની ચિંતા ન કર. દુર્ગા તારા ભણવાના ખર્ચ માટે હું રાત-દિવસ મહેનત કરી અને તારી ફીના પૈસા એકઠા રીશ. દુર્ગા... તુ તારી જાતને એકલી ન સમજજે. હું તારી સાથે છું. તને પૈસા માટે ક્યારેય તકલીફ પડવા નહીં દઉં. તને મારું વચન છે. દુર્ગા અને તને આપેલ વચન નિભાવવા માટે હું ગમે તે કરવા તૈયાર છું.’ મક્કમ મને આનંદ બોલ્યો, ‘હું મારી જાતને નિચોવી નાખીશ, દુર્ગા.’

‘પણ... પણ... આનંદ શા માટે? હું જેટલું ભણી છું તે મારા માટે ઘણું છે. મારા આગળ ભણવા માટે તારે આટલી તકલીફ શા માટે ઉઠાવવાની આનંદ. શા માટે...?’ દુર્ગાએ આનંદને ઝંઝોળી નાખ્યો.

‘દુર્ગા.... હું હું તને પ્રેમ કરવા લાગ્યો છું. પ્રેમ...’ આનંદે દુર્ગાના હાથ પર હાથ મૂક્યો. આવેશથી તા હાથમાં ધ્રુજારી ફેલાયેલી હતી.

દુર્ગા સ્તબ્ધ બનીને આશ્ચર્ય સાથે આનંદને તાકી રહી.

‘દુર્ગા... હું સાચું કહું છું દુર્ગા... હું તને ખરા દિલથી ચાહવા લાગ્યો છું. તને રીહમચાચાના ઘેર જોઈ ત્યારથી જ તારા પ્રત્યે મારા દિલમાં પ્રેમ જાગૃત થયો હતો. દુર્ગા... મને ખબર નથી મારા પ્રેમના એકરારથી તારા મનમાં મારા પ્રત્યે કેવા વિચાર ઉત્પન્ન થશે. મને ખબર નથી, તું મને પ્રેમ કરીશ કે નહિ. મને ખબર નથી, કદાચ તારું સગપણ પણ થઈ ગયું હોય, પણ દુર્ગા મારી માતાના સોગંદ ખાઈને કહું છું કે હું તને ખરા દિલથી ચાહું છું, તું ઈન્કાર કરીશ તો મને ખરાબ નહીં લાગે. તું પ્રેમ કર કે ન કર પણ હું હમેશાં તને ચાહતો રહીશ, દુર્ગા...’ આનંદે એક લાંબો શ્વાસ લીધા પછી આગળ બોલ્યો.

‘બે દિવસ પહેલાં તું મારી મમ્મીને કહેતી હતી કે તને આગળ ભણવાની ખૂબ જ ઈચ્છા હતી. તારાં સ્વપ્ન ચકનાચૂર થઈ ગયાં.’ દુર્ગા ત્યારે જ મેં નક્કી કર્યું હતું, કોઈપણ સંજોગમાં આગળ ભણવા માટે હું તને એડમિશન અપાવીશ. ભલે ગમે તેટલો ખર્ચ થાય, રાતદિવસ એક કરી મહેનત કરીશ પણ... પણ... દુર્ગા તારા સ્વપ્નને તૂટવા નહીં દઉં. આઈ પ્રોમીસ દુર્ગા...’

સતત બોલતા આનંદની સામે મટકું માર્યા વગર જોઈ રહેલી દુર્ગાની આંખો આંસુથી છલકાઈ રહી હતી. આનંદની આંખોમાં તેણે જોયું તો તેના પ્રત્યેના સાચા પ્રેમના ભાવનો દરિયો છલકાઈ રહ્યો હતો.

‘બસ... બસ... આનંદ બસ.’ દુર્ગાના ગળામાં ડમો બાજી ગયો.

‘આનંદ... મને જીવન જીવવા માટેનો ધ્યેય મળી ગયો. આનંદ મને આજ સુધી લાગી રહ્યું હતું કે હવે મારે કોના માટે જીવવું... શા માટે જીવવું.... મારું તો બધું પૂરું થઈ ગયું. હું કોના આશરે જીવીશ. શા માટે જીવીશ, પણ... પણ આનંદ આજ મને જીવવા માટે તારો સહારો મળી ગયો. તારો પ્રેમ મળી ગયો. આનંદ... પ્રેમ, મહોબ્બત કોને કહેવાય તે મને ખબર ન હતી. મેં ક્યારેય કોઈને પ્રેમ કર્યો નથી. નથી પ્રેમ વિશે ક્યારેય વિચાર પણ કર્યો, પણ આનંદ આજ તારી આંખોમાં દેખાતા તારા દિલમાં ભરાતા પ્રેમે મને કરતાં શિખવાડી દીધું. મને આજ ખબર પડી સાચો પ્રેમ કોને કહેવાય. આનંદ... આજ આજ મારી લાઈફમાં પ્રથમ વખત મારા દિલમાં કોઈ માટે પ્રેમ ઉત્પન્ન થયો છે. આનંદ એ પ્રેમ તારા માટે છે. આનંદ ફક્ત તારા માટે... ‘આઈ લવ યુ આનંદ... આઈ લવ યુ’ કહેતાં આનંદનો હાથ પોતાના હાથમાં લઈ તેને ચૂમવા લાગી.

કેટલોય સમય બંને એકબીજા સામે જોતાં જોતાં એમ ને એમ બેસી રહ્યાં. બંને બોલતાં ન હતાં પણ તેઓની આંખો વાતો કરતી હતી.

એકાએક કોઈના પગરવ અને ખોખારો ખાવાના અવાજથી ચમકી ગયાં.

ટેન્ટના દરવાજા પાસે અખિલેશ ગુપ્તા સાહેબ ઊભા હતા.

‘આવો સર...’ કહેતાં આનંદ ઊભો થઈ ગયો. ગુપ્તા સાહેબ અંદર આવ્યા અને એક ખુરશી પર બેસી ગયા.

‘શું ચાલે છે. આનંદ...’ ખુરશી પર રિલેક્સ થતાં ગુપ્તા સાહેબ બોલ્યા. ગુપ્તા સાહેબ ચાલતા સેવા કેમ્પના અગ્રણીમાંના એક હતા અને આંદ જે વકીલ પાસે પ્રેક્ટિસ કરતો હતો તેના ખાસ મિત્ર હતા.

‘બસ સર... તમારા વડીલોના આશીર્વાદ છે.’ કહેતાં આનંદ ખુરશી પર બેઠો.

‘બેટા દુર્ગા... તને અહીં ફાવે તો છે ને? કોઈ અગવડ પડે તો મને જાણ કરજે.’

‘ગુપ્તા અંકલ, મને કોઈ જ અગવડ નથી અને મારે તો સેવા કરવી છે. સેવા માટે ફાવ્યું કે ન ફાવ્યુંનો સવાલ જ પેદા નથી થતો.’

‘આનંદ... દુર્ગા એકદમ ડાહી દીકરી છે. તેને જોઈ મને મારી દીકરી દિવ્યા યાદ આવી જાય છે. જે હાલમાં ઈંગ્લેન્ડમાં તેમના પતિ સાથે રહે છે. બેટા ક્યારેક તું દુર્ગાને મારે ઘરે તો લઈ આવજે.’

‘ચોક્કસ અંકલ... દુર્ગા સેવા કાર્યમાંથી ફ્રી થાય પછી તમારે ઘરે લઈ આવીશ. કેમ દુર્ગા... ?’ આનંદે દુર્ગા સામે જોયું.

‘ગુપ્તા અંકલ, અમે ચોક્કસ આવશું.’ દુર્ગાએ કહ્યું.

‘અરે હા, દુર્ગા... લે સંસ્થાવાલાઓએ તારા માટે આ કવર આપ્યું છે.’ ખિસ્સામાંથી એક કવર બહાર કાઢી દુર્ગાને આપતા ગુપ્તા સાહેબ બોલ્યા.

‘શું છે કવરમાં અંકલ?’ કુતૂહલ સાથે દુર્ગાએ પૂછ્યું.

‘બેટા, આમાં થોડા પૈસા છે. જે તને લાગશે. તું સેવા કરશે તે માટે નહીં, પણ દંગાફસાદમાં તારાં માતા-પિતા મૃત્યુ પામ્યાં. તમારું ઘર સળગી ગયું. તે માટે સંસ્થા તને થોડી હેલ્પ કરવા માંગે છે.’ મમતાભર્યા સ્વરે ગુપ્તા અંકલ બોલ્યાં.

‘ના અંકલ... મને આની જરૂર નથી. હું મારી જાતે ઊભી થઈ જઈશ, અંકલ, તમે આ પૈસા જરૂરિયાતમંદોને આપી દેજો.’ દુર્ગાના ચહેરા પર મક્કમતાના ભાવ છવાયાં.

‘અને અંકલ... દુર્ગાની બધી જ જવાબદારી મેં લીધી છે. દુર્ગા એકલી નથી, હું હંમેશાં તેની સાથે ખડે પગે ઊભો રહીશ.’ આનંદે કહ્યું.

‘દુર્ગા... બેટી ખરેખર તું મા દુર્ગનો અવતાર છો. તું મા દુર્ગા જેવી દયાળુ તો છો, સાથે શક્તિશાળી પણ છો અને તને આંદ જેવા સાચા માણસનો સાથ પણ મળ્યો છે, પણ બેટા આજ તું મને નારાજ ન કરીશ. સંસ્થાવાળાઓને મેં કહ્યું હતું તને સહાયરૂપ થવાનું, ખરા દિલથી મેં તને મદદ કરવાનું નક્કી કર્યું હતું. બેટી તું તો મારી દીકરી છો. એમ સમજજે કે, એક બાપે દીકરીને કાંઈક આપ્યું છે.’ લાગણી ભર્યા સ્વરે ગુપ્તા સાહેબ બોલ્યા.

‘દુર્ગા... ગુપ્તા અંકલ માણસના રૂપમાં ફરિસ્તા જેવા છે. દુર્ગા એક બાપ દીરીને સાચા દિલથી મદદ કરે છે. દુર્ગા લઈ લે... ગુપ્તા અંકલનું દિલ ન દુભાવીશ.’ આનંદ બોલ્યો.

‘ઠીક છે, અંકલ આપો. તમારા માન ખાતર. તમારું માન રાખવા માટે લઈ લઉં છું, પણ અંકલ આ રૂપિયા હું ગરીબ લોકોને દવા-સારવાર માટે વાપરું તો તમને વાંધો નથી ને?’

‘વાહ દુર્ગા... વાહ... ધન્ય છે. દુર્ગા તારી જનેતાને ધન્ય છે. તારા પિતાને જેમણે તને આવા ઉત્તમ સંસ્કાર આપ્યા છે. બેટા મારી પાસેથી રૂપિયા લીધા પછી તને ઠીક લાગે તેમ ઉપયોગ કરજે.’ કવર દુર્ગાના હાથમાં આપતાં ગુપ્તા સાહેબ બોલ્યા.

રાત્રિના નિરંતર સન્નાટામાં આનંદની મોટરસાયકલ ફુલ સ્પીડમાં દોડી રહી હતી. આજ દુર્ગા તેને પાછળથી બાથ ભરીને બેઠી હતી. દુર્ગા હંમેશાં મોટર સાયકલ પર એવી રીતે બેસતી કે તેના શરીરનો સ્પર્શ આનંદના શરીર સાથે ન થાય, આજ પહેલી વખત દુર્ગાએ પુરુષના શરીરનો સ્પર્શ કર્યો હતો. હા, એ આવાત અલગ હતો કે કોલેજ જતી વખતે બસમાં એકદમ ભીડ હોય અને દબાઈને ઊભવું, પણ એ બધુ અનાયાસે થતું હોવાથી કોઈપણના મનમાં તે વિશે વિચાર પણ ન આવે. તે સ્વભાવિક ઘટના હતી.

આજ દુર્ગા એકદમ ખુશ જણાતી હતી. મઝધારમાં ડૂબતી તેની નાવને કિનારાનો સાથ મળી ગયો હતો. સાચા પ્રેમની લાગણી આજ પ્રથમ વખત થઈ હતી. થોડા કલાકો પહેલાં દુર્ગાને ખબર હતી કે તે જિંદગી કેવી રીતે જીવી શકશે. કોના આશરે, કેમ કરીને જીવશે તે... દુઃખના તૂટી પડેલા પહાડ જેવા મોટા સમુદ્રનાં મોજાંઓ તેના વિકરાળ મોતના જડબામાં તેને લેવા માટે મથી રહ્યા હતા. જો આંદ સમય પર તેનો સહારો બન્યો ન હોત તો...? તો શું થાત તેનું...?

ચિ ઇ ઇ ઇ... બ્રેકની ચિચિયારીના શોર સાથે લાગેલ બ્રેકના ધક્કાથી તે વિચારોમાંથી બહાર આવી. ઘર ક્યારે ગયું હતું, તેનો પણ તેન ખ્યાલ આવ્યો ન હતો.

‘દુર્ગા મમ્મી દરવાજો ખોલી રહી છે.’ મોટર સાયકલ પર તેને ચીપકીને બેઠેલી દુર્ગા સામે પ્રેમ નીતરતી, હસતી આંખો આનંદે જોયું, તેનો ભાવાર્થ સમજી દુર્ગાએ આનંદની છાતી પર વીંટાળેલા પોતાના બંને હાથને દૂર કરતાં અળગી થઈ અને પછી ઝડપથી મોટરસાયકલની નીચે ઊતરી ગઈ.

ઘરની અંદર આવતાં જ દુર્ગા ઝડપથી આરતીને પગે લાગી. આરતીને થોડું આશ્ચર્ય થયું, પણ બીજી જ પળે તેણે દુર્ગાને પોતાની બાંહોમાં સમાવી લીધી. બે-ચાર ક્ષણ પછી દુર્ગા આરતીની બાંહોમાંથ છૂટી થઈ અને તરત રસોડામાં જઈ આનંદ માટે પાણીનો ગ્લાસ ભરી આવી.

પળભર અમીભરી નજરે દુર્ગા સામે જોતાં આનંદ પાણીનો પૂરો ગ્લાસ ગટગટાવી ગયો.

આરતીના મનમાં ફૂટતા આશ્ચર્યના બોમ્બો વચ્ચે રંગભરી રોશની ફેલાઈ ગઈ.

‘ઓ માય ગોડ...’ આરતી બધું જ સમજી ગઈ. તેનું મન આનંદથી ઊછળી ઊઠ્યું.

આ... આજ પ્રેમ છે. આનંદના પિતા.... બસ આમ જ આનંદની જેમ તેની સામે જોઈ રહેતા અને પછી છલોછલ ભરેલો પાણીનો ગ્લાસ ગટગટાવી જતા તેનો શર્ટ પાણીથી ભરાઈ જતો અને તે તરત પોતાના પાલવથી પાણી લૂછવા લાગતા અને પછી તે તેને પોતાની બાંહોમાં સમાવી લેતા.. બસ આજ સાચો પ્યાર છે.

‘હં...હં...હં...’ હસતા ચહેરે આરતીએ ખોખારો ખાધો.

દુર્ગા અને આનંદ સંમોહનમાંથી બહાર આવ્યા હોય તેમ ઝબકી ગયા, પછી આનંદના હાથમાંથી ગ્લાસ લઈ દુર્ગા રસોડામાં દોડી ગઈ.

‘ચાલો તમે બંને હાથ-પગ ધોઈ લ્યો, હું ગરમ ગરમ રોટલી ઉતારું એટલે જલદી જમી લ્યો. બંને ભૂખ્યાં હશો.’ આરતી બોલી. આજ તે એકદમ ખુશ જણાતી હતી.

‘મમ્મી, હું રોટલી ઉતારું ચું, પણ આપણે ત્રણે સાથે જમવા બેસવું.’ હાથ ધોઈ રસોડામાં જતાં દુર્ગા બોલી.

થોડા સમય બાદ... જમીને તેઓ બેઠાં હતાં.

‘મમ્મી... આ પૈસા તમે રાખો.’ રૂપિયાનું પેકેટ પર્સમાંથી બહાર કાઢી દુર્ગાએ આરતી સામે લંબાવ્યું.

‘પૈસા...? ક્યાંથી આવ્યાં?’ આશ્ચર્ય સાથે આરતી બોલી.

‘મમ્મી... દુર્ગા કેમ્પમાં સેવા કરવા જાય છે. તે કેમ્પના અગ્રણીઓએ દુર્ગાને સહાય કરવા માટે આપ્યા છે.’ આનંદે કહ્યું.

‘સહાય.... દુર્ગાને સહાય. દુર્ગા મારી દીકરી છે. આ ઘર દુર્ગાનું છે. આનંદ દુર્ગાને કોઈની સહાયની જરૂર નથી. આનંદ, આ પૈસા કાલ તું પાછા આપી આવજે.’ અધિકારપૂર્ણ અવાજે આરતી બોલી.

‘મા... હું પણ પૈસા લેવા માંગતો ન હતો, પણ અમારા વકીલસાહેબના ખાસ મત્ર અખિલેશ ગુપ્તા સાહેબ જે કેમ્પના અગ્રણી છે. તેમણે ખાસ આગ્રહ કરીને દુર્ગા માટે આપ્યા છે. મા તેમનો સાચા દિલનો આગ્રહ હું ટાળી નથી શક્યો છતાં પણ તને ન ગમ્યું ય તો કાલ હું પાછા આપી આવીશ અત્યારે તો તે પૈસા રાખી લ્યો મા...’

‘મા આનંદનું ખરાબ લાગે... ગુપ્તા સાહેબને એવું લાગે કે મારી ભેટને તુચ્છકારી છે. તો તેઓને દુઃખ થશે, તેના કરતાં આ રૂપિયા આપણે કોઈ જરૂરિયાતમંદને આપી દઈશું. કેમ આનંદ...?’ કહેતાં દુર્ગાએ આનંદ સામે જોયું.

‘ઠીક છે બેટા... કોઈ જરૂરિયાતમંદને આપવા હોય તો આ પૈસા હું સાચવીને રાખી દઉં છું. તને એમ લાગે કે કોઈ જરૂરિયાતમંદને આપવા છે, તો મારી પાસેથી લઈ આપી દેજે. બાકી તને આ પૈસાનો ઉપયોગ કરવાનો નથી. બેટા દુર્ગા...’

દુર્ગાએ આરતી સામે જોયું.

‘બેટા... તને જ્યારે પણ પૈસાની જરૂર પડે ત્યારે બેધડક તું પૈસા લઈ જજે. તારે મને પણ પૂછવા કરવાની જરૂર નથી. લે આ ઘરની ચાવી આજથી તને સોંપું છું.’ કેડ પર લટકાવેલ ઝૂડો કાઢી આરતીએ દુર્ગાને આપ્યો.

‘મા... દુર્ગા ઊભી થઈ આગળ વધી આરતીને ભેટી પડી. મા, મને પૈસાની જરૂર પડશે તો તમારી પાસે કે આનંદની પાસે હકથી માંગી લઈશ, પણ આ ઘરની ચાવીઓ તમારે જ રાખવાની છે. મા તમે છો પછી મને શેની ચિંતા, મા.’

આરતીએ દુર્ગાને પોતાની છાતી સરસી ચાંપી લીધી.

આનંદના ચહેરા પર સ્મિત ફરકી રહ્યું હતું.

થોડીવાર પછી આરતીએ દુર્ગાને સિનામાંથી અલગ કરી.

‘મા... તે પેકેટ મને આપો તો...! હું જોઈ તો લઉં કે તેમાં કેટલા રૂપિયા છે.’ આનંદે હાથ લંબાવ્યો. આરતીએ પેકેટ આનંદના હાથમાં મૂક્યું.

આનંદે પેકેટ ખોલ્યું, અંદરથી પાંચસો-પાંચસોની એકદમ નવી નકોર નોટોનું બંડલ નીકળ્યું. આશ્ચર્યથી આંદ નોટોને જોઈ રહ્યો. પછી તેણે રૂપિયાને ગણ્યા, પૂરા વીસ હજાર હત. આનંદ એકદમ વિચારમાં ખોવાઈ ગયો.

એકાએક કંઈક વિચાર આવતાં આનંદે પોતાના ખિસ્સામાંથી પાકીટ બહાર કાઢી તેમાંથી પાંચસોની એક નોટ બહાર કાઢી.

દુર્ગા અને આરતી વિસ્મય સાથે આનંદની કાર્યવાહીને જોઈ રહ્યાં હતાં.

ખિસ્સામાંથી બહાર કાઢેલ પાંચસોની નોટ પર આંગળીઓ ફેરવતા તે કાંઈક વિચારી રહ્યો અને પછી તેણે પાંચસોની તે નોટ નવા સિરિયલ નંબર જોયા અને પછી દુર્ગાને આપવામાં આવેલ નોટના સિરિયલ નંબર તપાસ્યા.

આનંદ એકદમ સ્તબ્ધ થઈ ગયો. તેનું દિલ એકદમ જોરજોરથી ધડકવા લાગ્યું. તેના ચહેરા પર પરસેવાનાં બુંદો નીતરી પડ્યાં.

‘આનંદ...શું થયું...?’ આનંદના ચહેરા પર ફેલાયેલા ભાવ અને પરસેવાનાં નીતરતાં બુંદો જોઈ આરતી બોલી ઊઠી.

દુર્ગાએ આનંદના હાથમાંથી નોટોની થપ્પી તથા તેના ખિસ્સામાંથી કાઢેલ પાંચસોની નોટ જલદી ઝૂંટવી લીધી. પછી હાથમાં લઈ આશ્ચર્ય સાથે જોવા લાગી પણ તેને આનંદની મૂંઝવણનું કારણ જાણવા ન મળ્યું.

દુર્ગાએ આનંદ સામે પ્રશ્નનાર્થ ર્દષ્ટિએ જોયું.

હજુ આનંદના ચહેરા પર તણાવના ભાવ ફેલાયેલા હતા.

‘આનંદ શું થયું...?’ દુર્ગા થોડા ઊંચા અવાજે બોલી.

‘દુર્ગા... આ નોટોની થોકડી અને મારી પાકીટમાંથી મેં બહાર કાઢી તે નોટ બંનેમાં તને કાંઈ જણાય છે....?’

‘મને તો કશી જ સમજણ નથઈ પડતી. આ નોટોનું બંડલ પાંચસોની નોટોનું છે અને તે પણ ખિસ્સામાંથી કાઢેલ નોટ પાંચસોની છે. હા, બધી નોટો એકદમ નવી નકોર છે. તેના સિવાય મને તો કશી જ ખબર નથી પડતી.’ દુર્ગાના ચહેરા પર મૂંઝવણ તરવરી.

‘દુર્ગા... આ નોટો જે તને આપવામાં આવી તે આપણા હિન્દઓના સેવા કેમ્પમાંથી આવેલ છે ને જે મેં ખિસ્સામાથી નોટ હમણાં બહાર કાઢી તે મુસ્લિમ રાહત કેમ્પમાંથી આવેલી છે. જે મેં કાલ તને અને મમ્મીને જણાવ્યું હતું કે મેં યાસ્મીનને રૂપિયા પંદરસો કમ્પમાં ડોનેશનના આપ્યા હતા. હવે મેં યાસ્મીનને હજાર હજારની બે નોટ આપી હતી અને મને યાસ્મીને આ પાંચસોની નોટ પાછી આપી હતી જે રાહત કેમ્પમાં સહાયના રૂપે આવેલ પૈસામાંની હતી.’ કહેતાં આનંદે એક ઊંડો શ્વાસ લીધો.

‘હં... તો...?’ દુર્ગાએ પ્રશ્ન કર્યો.

‘આ બંને નોટો પાંચસોની છે અને બંને નોટો એકદમ નવી નકોર છે દુર્ગા.’

‘અરે... આનંદ... અત્યારે ચારે તરફથી પાંચસોની નોટો જ આવે છે. બંને કેમ્પમાં પાંચસોની નવી નોટોનાં બંડલો આપ્યાં તેમાં શું નવું છે. તેમાં તું કેમ આટલો ટેન્શનમાં આવી ગયો છે.’

દુર્ગા... તને આપવામાં આવેલ નોટોનું બંડલ અને મને યાસ્મીને આપેલ નોટ બંને પાંચસોની નવી નકોર નોટ છે અને બધી જ નોટોના સિરિયલ નંબર એક છે.’ આનંદે ધડાકો કર્યો. દુર્ગા અને આરતી એકદમ સ્તબ્ધ થઈ ગયાં.

‘આ... આવું કેમ બને?’ નોટોના સિરિયલ નંબર ચેક કરતાં દુર્ગાએ કહ્યું.

‘બન્યું છે દુર્ગા અને આ ઘટના પાછળ કોઈ ભેદી રહસ્ય છુપાયેલું છે.’

‘આનંદ... જે હોય તે આપણે શું કરી શકીએ. આપણે ઊંડાણમાં ઊતરવું નથી.’ આરતી ધડકતા દિલે બોલી.

‘ના... મમ્મી... આના ઊંડાણ સુધી પહોંચવું પડે... એક તરફ સંપીને ભાઈચારા સાથે રહેતી બંને કોમો વચ્ચે મોટાપાયે રમખાણો થાય છે. બીજી તરફ બંને કોમના રાહત કેમ્પમાં આવેલ સહાય કોઈ એક ચોક્કસ જગ્યાએથી આવે છે. મા દેશની સુરક્ષાનો મામલો છે. દેશમાં દંગાફસાદ, ભાંગફોડની આ પ્રવૃત્તિઓ પાછળ કોઈ એક ગૂઢ અથવા મોટા સંગઠન કે પછી કોઈ એક દેશનો હાથ હોય તેવું મને લાગી રહ્યુ છે, મા...’

‘મા... આનંદની વાત સાચી છે. આજ મારા મા-બાપને જીવતા સળગાવી નાખવામાં આવ્યા. યાસ્મીનના માતા-પિતા, બહેનને ખુલ્લેઆમ કત્લ કરવામાં આવ્, મા આવી તો કેટલીય દુર્ગા અને યાસ્મીન અનાથ અને અસહાય બની હશે. કેટલાય લોકો ઘર વગરના થઈ ગયા તો કેટલાય લોકોની રોજી-રોટી ચાલી ગઈ, મા... અત્યાર આપણા દેશ પર ત્રાસવાદરૂપી બારુદ ફેલાવવાં આવેલ છે. મા... આ ઘટનાની તપાસ આનંદ નહીં કરે તો પણ હું ચોક્કસ કરવાની છું.’ મક્કમતાપૂર્વક દુર્ગા બોલી.

‘ઠીક છે, બેટા...’ ઊંડો શ્વાસ લઈ આરતી બોલી, ‘બેટા... તું અને આનંદ મારી બે આંખો છો. મારી ચેતના , મારું હૃદય છો, તમને કાંઈ તકલીફ થાય તો મારો જીવ નીકળી જશે. હવે દુઃખો સહન કરવાની શક્તિ મારામાં નથી રહી બેટા. મને તો તારી તથા આનંદની ફિકર થાય છે. એટલે મેં કહ્યું, પણ દેશ માટે હું બધું કુરબાન કરવા તૈયાર છું, આ દેશની ધરતી માટે કેટલાય આનંદની અને દુર્ગાને હું ન્યોછાવર કરી દઉં તેમ છું.’

‘મા... એવું કાંઈ જ નહીં થાય. હું અને દુર્ગા આ બાબતની તપાસ કરી તેનો રિપોર્ટ ક્રાઈમબ્રાંચને આપી દેશું. પછી તેઓ ફોડી લેશે, કેમ દુર્ગા...?’

‘હા... આપણે તો તપાસ કરી પોલીસને જાણ કરવાની ફરજ બજાવવાની છે. બાકીની તપાસ પોલીસ પોતે કરી લેશે.’

***