Once Upon a Time - 99 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 99

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 99

અરૂણ ગવળી ગેંગનું ‘ઈકોનોમિક્સ’ સમજાવી રહેલા પપ્પુ ટકલાએ વચ્ચે એક નાનકડો બ્રેક લીધો. તે અંદરના રૂમમાં જઈને પાંચ મિનિટ પછી પાછો આવ્યો.

પપ્પુ ટકલાએ કદાચ ફોન પર કોઈ સાથે વાત કરવા માટે અંદરના રૂમમાં જવુ પડ્યું હશે એવું અનુમાન અમે કર્યું. એણે પાછા આવીને નવી ફાઈવફાઈવફાઈવ સળગાવી અને આદતવશ અમને પૂછી લીધું, ‘આપણે ક્યાં પહોંચ્યા હતા?’ પછી એની ટેવ પ્રમાણે અમારો જવાબ સાંભળ્યા વિના જ એણે વાતનો દોર સાધી લીધો, ‘અરૂણ ગવળીની જેમ જ દાઉદ ઈબ્રાહિમ, છોટા રાજન કે કોઈ પણ ડૉને પોતાની ગેંગ ચલાવવા માટે બેફામ ખર્ચ કરવો પડે છે. અરૂણ ગવળીના ઉદાહરણ પરથી તમારા વાચકો સમજી શકશે કે અંડરવર્લ્ડના સરદારોને પણ કોઈ ઉદ્યોગપતિ કે મોટા બિઝનેસમેનની જેમ દર મહિને પગારની ચૂકવણીનું ટેન્શન રહેતું હોય છે. અંડરવર્લ્ડના ઈકોનોમિક્સ વિશે હું હજી વધુ વિગતવાર તમને કહી શકું એમ છું, પણ એ વાત લાંબી ચાલશે અને તો કદાચ તમને સાથે તમારા વાચકોને પણ કંટાળો આવશે.’

આ કોમેન્ટ કરીને એણે અમારી સામે મજાકમાં સ્મિત ફરકાવ્યું, ‘હું તમારી જેમ સ્ટોરીઝ અને રિપોર્ટ્સનું એડિટિંગ પણ કરી શકું ને?’ પછી પાછા ગંભીર બની જઈને એણે અંડરવર્લ્ડકથા આગળ ચલાવી, ‘અરૂણ ગવળીને મુંબઈ પોલીસ તરફથી ઉપરાછાપરી ફટકા પડી રહ્યા હતા. અને બીજી બાજુ ગવળી આર્થિક રીતે ખેંચાઈ રહ્યો હતો. ત્યારે એની ગેંગમાંથી પણ અસંતોષનો સૂર ઊઠી રહ્યો હતો. ગવળી ગેંગના ઘણા ગુંડાઓને અરુણ ગવળીની રાજકીય પ્રવૃત્તિઓ ગમતી નહોતી. ગવળી ગેંગના ઘણા ખરા ગુંડાઓ એમ માનતા થઈ ગયા હતા કે અરૂણ ગવળીના રાજકારણી બનવાના ધખારાને કારણે જ ગેંગ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આ સ્થિતિમાં અરૂણ ગવળીની ગેંગમાં ભંગાણ પડ્યું. અરૂણ ગવળી ગેંગના ઘણા ગુંડા ગવળીને છોડીને બીજી ગેંગોમાં ચાલ્યા ગયા. આથી અરૂણ ગવળીને વધુ એકવાર આંચકો લાગ્યો. પણ આ આંચકો તો તદ્દન સામાન્ય લાગે એવી ઘટના ગણતરીના દિવસમાં બનશે એવી ગવળીને કલ્પના સુદ્ધાં નહોતી. ગવળીની જાણ બહાર એક ખોફનાક ઘટના આકાર લઈ રહી હતી.’

‘અરૂણ ગવળીને કારણે મુંબઈ હાઈકોર્ટે પોલીસનો ઊધડો લઈ નાખ્યો અને મુંબઈ પોલીસ કમિશનરને દંડ ફટકાર્યો એથી મુંબઈ પોલીસને જે ઝનૂન ચઢ્યું હતું એ ઓસર્યું ન હતું. મુંબઈ પોલીસે અરૂણ ગવળીના ડાબા હાથ સમા સાથીદાર ગણેશ ભોંસલે ઉર્ફે ગણેશ વકીલને ખતમ કરી નાખ્યો એના આઘાતમાંથી ગવળી બહાર આવે એ પહેલાં મુંબઈ પોલીસ ગવળીને વધુ એક ઘા મારવાની તૈયારીમાં પડી હતી,’ ચેઈન સ્મોકર પપ્પુ ટકલાએ વધુ એક ફાઈવફાઈવફાઈવ સળગાવતાં કહ્યું.

ટકલાએ હવે ‘બરાબર’ મૂડ સાથે વાત જમાવવાની શરૂઆત કરી. સામાન્ય માણસો પીધેલા ન હોય ત્યારે બરાબર વાત કરી શકતા હોય છે, પણ પપ્પુ ટકલાનું જીવન સામાન્ય માણસો જેવું નહોતું અને એની લાઈફ સ્ટાઈલ પણ સામાન્ય માણસોથી વિપરીત હતી. આ માણસ દિવસના ઊંઘતો હતો અને રાતભર જાગતો હતો. એક ડઝન ફાઈવફાઈવફાઈવ સિગરેત ફૂંકયા પછી અને બ્લેક લેબલ વ્હીસ્કી બે પેગ પેટમાં ગયા પછી એ ‘નોર્મલ’ થતો હતો. નવી ફાઈવફાઈવફાઈવનો ઊંડો કસ ખેંચીને મોંમાંથી વર્તુળાકારે ધુમાડો છોડતાં એણે અંડરવર્લ્ડકથા આગળ ધપાવી:

‘અરૂણ ગવળી ગેંગ પર મુંબઈ પોલીસ તૂટી પડી એ દરમિયાન અબુ સાલેમ પણ મુંબઈ પોલીસની આંખે ચડી ગયો હતો. મુંબઈ પોલીસના કેટલાંક ઑફિસર્સ અરૂણ ગવળીનું ધનોતપનોત કાઢી નાખવાની વેતરણમાં પડ્યાં હતા. ત્યારે બીજા કેટલાક ઑફિસર્સ અબુ સાલેમ ગેંગને પાઠ ભણાવી રહ્યા હતા. એમાંય ફિલ્મ પ્રોડ્યુસર રાજીવ રાય અને બી.આર.ચોપડાની હત્યાના પ્રયાસ પછી મુંબઈ પોલીસના ઑફિસર્સ દાઉદ ગેંગના મહત્વના ગુંડા સરદાર અબુ સાલેમ પર વધુ ભડક્યા હતા.

ફિલ્મ પ્રોડ્યુસર રાજીવ રાયની હત્યા કરવા ગયેલા અબુ સાલેમ ગેંગના ગુંડાઓએ મુંબઈ પોલીસના જાંબાઝ કમાન્ડો મોહનસિંહને કારણે ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું અને એક શૂટર ઝડપાઈ ગયો એ પછી પણ અબુ સાલેમે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો ‘કારોબાર’ ચાલુ રાખ્યો હતો. આ દરમિયાન અબુ સાલેમે એક નવો શિકાર શોધ્યો હતો. મેગા બજેટની એક હિંદી ફિલ્મ બનાવી રહેલા ટોચના ફિલ્મ પ્રોડ્યુસર-ડાયરેક્ટર પર અબુ સાલેમની નજર ઠરી હતી...’

અચાનક પપ્પુ ટકલાએ વાત કહેવાની સ્ટાઈલ બદલી એટલે અમે સમજી ગયા કે એ હવે ફ્લેશબેકનું ગતકડું અજમાવશે. અને એવું જ બન્યું હતું. ‘ભૂતપૂર્વ-ભાવિ’ સ્ક્રિપ્ટ રાઈટર પપ્પુ ટકલાની નજર સામે દશ્ય ભજવાઈ રહ્યું હોય એમ એણે વાત માંડી.

***

‘હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના પ્રોડ્યુસર-ડિરેક્ટર એમની નવી ફિલ્મના શૂટિંગનો એક મહત્વનો સીન હીરો અને હિરોઈનને સમજાવી રહ્યા હતા. મનમોજી હીરોનો આજે થોડો મૂડ આઉટ હતો. એટલે સવારથી એક શોટ માટે રી-ટેક પર રી-ટેક થઈ રહ્યા હતા અને ફિલ્મ ડિરેક્ટર થોડા અકળાયા હતા, પણ હીરોના નખરા સહન કર્યા વિના છૂટકો નહોતો એ વાત તેઓ બરાબર સમજતા હતા. હીરો-હિરોઈનને સાતમી વાર સીન સમજાવીને એમણે ફરી એક વાર ‘સાયલન્સ’, ‘લાઈટ્સ’, ‘કેમેરા’, ‘એક્શન’ એવી બૂમ મારી અને સાતમી વાર એક જ શોટનું શૂટિંગ શરૂ થયું. આ વખતે શોટ ઓ.કે. હતો. ફિલ્મ ડિરેક્ટર નિરાંતનો શ્વાસ લઈને લંચ બ્રેક જાહેર કર્યોં. એ પછી એમણે હીરો-હિરોઈન સાથે આગળના સીન વિશે થોડી વાર વાત કરી લીધી. હીરો અને હિરોઈન સ્ટુડિયોમાં પોતપોતાના મેકઅપ રૂમમાં જવા માટે ડગલાં માંડ્યાં, પણ ફિલ્મ ડિરેક્ટર માંડ દસ ડગલાં ચાલ્યા હશે ત્યાં એમના સેલ્યુલર ફોનની રિંગ રણકી ઊઠી. સેલ્યુલરના સ્ક્રિનમાં એમણે કોઈ અજાણ્યો નંબર જોયો,. આગળના નંબર પરથી એમને સમજાઈ ગયું કે કોઈ દુબઈથી ફોન કરી રહ્યું હતું. અત્યારે વળી કોણ હશે. એવું વિચારીને એમણે સેલ્યુલર ઓન કરીને કાને માડ્યો. સામે છેડેથી આવેલો અવાજ અને એનો ટોન સાંભળીને ફિલ્મ ડિરેક્ટર હેબતાઈ ગયા. સામા છેડેથી કાનમાંથી કીડા ખરી પડે એવી ભાષામાં ધમકી અપાઈ રહી હતી.

હતપ્રભ બની ગયેલા ફિલ્મ ડિરેક્ટરને દુબઈથી કોલ કરનારા માણસે સપાટ શબ્દોમાં કહ્યું, ‘તેરે કો લાઈફ સે નફરત ન હો ગઈ હો તો દો બોક્સ એક હપ્તે મે રેડી રખના.’ ધમકીને અસરકારક બનાવા માટે એણે થોડી વધુ ગાળો આપીને ફોન કટ કરી નાખ્યો.

ગભરાઈ ગયેલા ફિલ્મ ડિરેક્ટર પોતાના રૂમમાં જઈને ઊંડા વિચારમાં ખોવાઈ ગયા. અગાઉ પણ એમને એક વાર આવી ધમકી મળી ચૂકી હતી, પણ પછી એમણે પોલીસ પ્રોટેક્શન લીધું હતું અને ધમકીઓ આવતી બંધ થઈ ગઈ હતી. પણ આજે અચાનક નવેસરથી એમને ધમકી મળી હતી. અને આ વખતે ધમકી આપનાર બીજો કોઈ નહીં પણ ખુદ અબુ સાલેમ હતો! અબુ સાલેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખેરખાંઓને કાળ જેવો લાગતો હતો, પણ એને રૂપિયા બે કરોડ જેવી રકમ આપવા ફિલ્મ પ્રોડ્યુસરનું મન માનતું નહોતું. થોડી વાર વિચાર કર્યાં પછી એમણે નિશ્વય કર્યો કે પોતે અબુ સાલેમને ખંડણી નહીં ચૂકવે. આ નિશ્વય કર્યાં પછી અડધી મિનિટ પછી તેઓ મુંબઈના એક સિનિયર પોલીસ ઑફિસર સાથે વાત કરી રહ્યા હતા.’

***

‘મુંબઈના નોર્થ વેસ્ટ રીજનના એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર સત્યપાલસિંહ એમને મળવા આવેલા એક ગુજરાતી વેપારી સાથે વાત કરી રહ્યા હતા. છોટા શકીલના નામથી ખંડણી ચૂકવવા માટે ફોન પર ધમકી મળતી હોવાની ફરિયાદ એ વેપારી કરી રહ્યા હતા. ડૉક્ટર સત્યપાલસિંહે ધીરજપૂર્વક એમને સાંભળ્યા પછી એમને વિશ્વાસ અપાવ્યો કે, હું અને મારા ઑફિસર્સ તમારો વાળ પણ વાંકો નહીં થવા દઈએ. ગુજરાતી વેપારી સાથે એમની વાત પૂરી થઈ નહોતી ત્યાં એમનો મોબાઈલ ફોન રણકી ઊઠ્યો. ડોક્ટર સત્યપાલસિંહે મોબાઈલ ફોન ઓન કરીને કાને માંડ્યો. સામેથી એક પોલીસ ઑફિસરે એમને કહ્યું કે અબુ સાલેમ ગેંગના શૂટરો એક વીઆઈપીનું મર્ડર કરવા આવી રહ્યા હોવાની ઈન્ફોર્મેશન મળી છે.’

‘મોબાઈલ ફોન પર વાત પૂરી કરીને ડૉક્ટર સત્યાપાલસિંહે ગુજરાતી વેપારીને વળાવ્યા અને પછી એમના હાથ નીચેના ઑફિસર્સને બોલાવીને એમણે ધડાધડ ઓર્ડર છોડવા માંડ્યા. થોડી મિનિટો પછી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રદીપ શર્મા અને બીજા ઑફિસરો સાથેની ટીમ સાબદી થઈ ગઈ હતી. એ ટીમ મિશન પર રવાના થઈ અને એડિશનલ પોલીસ કમિશનર ડૉક્ટર સત્યપાલસિંહે પેલા વીઆઈપીનો મોબાઈલ નંબર ડાયલ કર્યો.’

(ક્રમશ:)