unda andhare thi books and stories free download online pdf in Gujarati

ઊંડા અંધારેથી

અમારૂં મ્યુઝિક ગ્રુપ એક ખ્યાતનામ સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યું હતું. અમે 13 લોકો, હું 24 વર્ષનો શિક્ષક અને 12 કિશોર કિશોરીઓ જૂનાગઢ આવી પહોંચ્યાં હતાં. ફાઇનલ રિહર્સલ પત્યું. સહુએ રાહતનો શ્વાસ ખેંચ્યો.


'હુરર.. ચાલો ક્યાંક આજુબાજુ ફરવા જઈએ.' શોડષિ કન્યા તદ્રૂપા ટહુકી ઉઠી.


'સર, સાસણ પાસે એક ગુફા છે. ચાલો એની સેર કરીએ. ગિરનાર ચડવું કોમન થઈ ગયું.' મનીષ ઉત્સાહથી બોલી ઉઠ્યો.


"એ સાહસવીર, ભુલા પડશું તો આટલી મહેનતે તૈયાર કરેલું એળે જશે. ચાલોને સોમનાથ દાદા જ જઈ આવીએ?" ધીર ગંભીર ગામીની બોલી.


“અરે, જુવાનીનું જૉમ છે, ઉપર ખુલ્લું વ્યોમ છે..”

શીઘ્રકવિ મનન બોલી ઉઠ્યો.


મેં પણ ટ્રેકિંગના સુચનને વધાવી લીધું.


અમે ભાડાની સાઈકલો પર નીકળી પડયાં. એક માલધારીએ અમને ગુફાનો માર્ગ ચીંધ્યો.


“સર, કહે છે આ ગુફા શરૂમાં એકદમ સાંકડી છે, પછી ખૂબ પહોળો રસ્તો. 60 કીમી. ઊંડે. છેક જૂનાગઢ સુધી. મેં ફેસબુક પર પોસ્ટ જોએલી.” સાહસિક મનીષ માહિતી આપી રહ્યો.


ગુફાનું મુખ આવ્યું. અમે સાઈકલો ત્યાં જ તાળું મારી મૂકી દીધી. અમારાં વાજિંત્રો પૈકી મોટાં તો ઉતારે જ રાખી આવેલાં. નાનાં વાંસળી, બ્લ્યુગલ જેવાં અને એક નાનું ડ્રમ પણ સાથે રાખ્યાં.


અમે ખુદ વાજિંત્રોના સમૂહ જેવાં છીએ, બધા પોતપોતાના આલાપ ગાય. પણ સાથે મળીને અદભુત સુર રેલાવીએ. ‘મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા..‘


“મોબાઈલમાં જીપીએસ વારાફરતી ઑન રાખીએ. ફેસબુક વગેરે બંધ. મોબાઈલ લાબું ચાલે.” મેં સૂચવ્યું.


“ભઈઓ, સહુ સાથે રહેજો હોં?” ગંભીર ગામીની ગર્જી ઉઠી.


“અલી ફાટે છે? થા આગળ.” તનુએ એને હળવો ધક્કો માર્યો.


“પ્લીઝ. સહુ શિસ્તમાં. ગામીની સાચી છે. અને આપણે જલ્દી પાછા ફરવું છે. એકાદ કલાકમાં.” મેં કહ્યું. 12 છોકરાંની મારી ઉપર જવાબદારી છે.


“શું સર, આખો દિવસ છે. ચાર પાંચ કલાક તો રખડીએ!” મનીષ બોલ્યો.


“હા. બરાબર. સહુ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે.. યા હોમ કરીને પડો ફતેહ છે આગે” .. વળી મનનને કવિતા સૂઝી. અમે એ જ ગીત, ડ્રમ અને બ્યુગલ વગાડતાં, એના પડઘા ગુફામાં ગજવતાં આગળ ચાલ્યાં.


નીચે ઝૂકી, બેસીને જ પસાર કરવો પડે એવો એક લાંબો માર્ગ આવ્યો.


“અલ્યા સાહસવીર, આમ જ રીખતાં આગળ વધવાનું છે કે શું? મારી તો પીઠ રહી ગઈ.” તનુ બોલ્યો.


“તનુ, જાડીયા, તું પોતે જ રહી જઈશ. ક્યાંક ફસાઈશ તો રસ્તો બ્લોક થઈ જશે.” મનને વળી તનુના ભારે શરીરની ઠેકડી ઉડાવી.


“મેં એ પોસ્ટમાં જોયેલું કે આવો રસ્તો શરૂના ત્રણ કિલોમીટર છે. પછી સીધો પહોળો એઈટ લેન જેવો માર્ગ છે” મનીષે કહ્યું.


બધાની પીઠ રહી ગઈ, ઉભા થવાય એવો માર્ગ તો આવ્યો, પણ ઘોર અંધારું. જાણે બ્લેક હોલ! વચ્ચે વચ્ચે આગિયાના ઝબકારા. મોબાઇલોની ટોર્ચ ઓન કરી. છોકરીઓ ડરી ગઈ. ગામિનીએ મનનનો હાથ પકડ્યો, દિશાએ દિગીશનો, સહુથી મોટી તદ્રૂપા મારી સાથે લગોલગ ચાલતી રહી. છોકરા-છોકરીઓ અંધારામાં પણ એકમેકને ઘસાતાં જતાં હોઈ રોમાંચ અનુભવતાં હતાં.


જીપીએસનાં સિગ્નલો બંધ થઇ ગયાં. અમે ખૂબ અંદર અને ઊંડે હતાં. ઉપર ઊંચી પર્વતમાળા, નીચે અંધારામાં ગુફામાં અમે. એ ‘એઈટ લેન રોડ’ સાવ સીધો ન હતો. બે રસ્તા સામે દેખાય તો ક્યાં જવું એ હવે કેમ ખબર પડે? એ પણ ભોંયરામાં?


કોઈને એકાદ મોટો સાપ પણ લટકતો દેખાયો.


ઓચિંતો ઉપરથી જોરદાર વરસાદ ત્રાટક્યો. અમને માત્ર અવાજથી ખબર પડતી હતી. મોબાઈલોમાં સિગ્નલ બંધ થઈ ગયાં. ગુફામાં કોઈ કોઈ જગ્યાએ પાણી ઝમતું હતું જે છોકરાં પીતાં હતાં એને બદલે પાણીની ધારાઓ, ક્યાંક તો જોતજોતામાં ગર્જના કરતા ધોધ વહેવા લાગ્યા. અમારા પગ પાણીમાં ડૂબી ગયા. મેં આદેશ આપ્યો “ઝડપ કરો. જલ્દી કોઈ સલામત સ્થળે પહોંચી જઈએ.” સાહસી મનન પણ મુંઝાએલો. પાછા વળવું શક્ય ન હતું. અમે દોઢેક કલાક આગળ વધી ચૂકેલાં. પાછળ તો ઉપરથી ખુલ્લું હતું ત્યાં પાણીના ધોધ વહેતા હતા. જોતજોતામાં સહુથી નાના નાનુને ખભા સુધી પાણી આવી ગયું. હમણાં જ અમને આ પાણી ગળી જશે. તણાઈને ક્યાં જાશું એ ખબર નહીં પડે. અમે એકબીજાના હાથ પકડી સાંકળ બનાવી. પડતા ધોધ પર ક્યાંકથી થોડો પ્રકાશ પડયો. હાશ, કઈંક તો આશાનું કિરણ દેખાયું ! પાણી ઉપર મેં મોબાઈલનું કિરણ ફેંક્યું. પાણી ઉપરથી પરાવર્તિત પ્રકાશ એક ડીમલાઈટ જેટલો થઇ રહ્યો.


“સર, ઉપર. સામે ચડાણ છે. કદાચ બચી જઈએ. જલ્દી કરીએ” તદ્રૂપા બોલી. એક જગ્યાએ આંગળી ચીંધી.


નજીકમાં પગ મુકાય એવું પણ હતું. મેં પાછળથી નાનુને આગળ લાવી ઊંચકી ચડાવ્યો. એ લપસ્યો. હું અને તનુ તેનો કેચ કરવા ઉભા રહ્યા. કદાચ પડે તો. પણ એ ધાર પરથી થોડા ઇંચ કૂદી બીજી પગ ટેકવવાની જગ્યાએ પહોંચ્યો. ઝાડની ડાળી દેખાઈ. તે વાંદરાની જેમ ડાળી પકડી ઉપર જવા ગયો અને.. ડાળી તૂટી. તે સીધો પડયો. અમે કેચ કરીએ તે પહેલાં પાણીમાં તણાવા લાગ્યો. ગંભીર ગામિનીએ ડાઈવ મારી તેનો પગ ખેંચ્યો. તે તરતાં જાણતી હતી. પણ અહીં તો વહેણ પુર જોશમાં વહેતું હતું. તેની મદદથી નાનુ પરત અમારા સુધી તો આવ્યો.


થોડે આગળ એક કેડી જેવું દેખાયું. જો કે તે ખુબ લપસણું હતું. પેલી પડેલી ડાળી અને ડ્રમ વગાડવાની સ્ટીકથી ટેકો દઈ એક એક કરી પહેલાં છોકરીઓ, પછી છોકરાઓ એ કેડી પર ચડયા. અંતે તદ્રૂપા અને હું બચ્યાં. અમે ઉપર ચડવા જઈએ ત્યાં કોઈ પથરો તણાતો આવ્યો. તેનાથી બચવા તદ્રૂપા મને વળગી પડી. થોડી ક્ષણો અમે એક બીજાને સજ્જડ વળગી રહ્યાં. મેં ઊંચા માણસે મારો હાથ ઊંચો કરી પેલી પગથિયાં જેવી ધાર પકડી લીધી અને અમે એમ જ ટારઝનની જેમ એકમેકને આલીંગેલી સ્થિતિમાં કમર નીચે જોશભેર વહેતાં પાણીમાં ઉભાં રહી ગયાં. એના યુવાન તસતસતા ષોડશી બદનના વળાંકો, એ પણ ભીના, એણે મને ઉત્તેજિત કરી મુક્યો. એ પણ મને વળગી રહી. ધીમેથી એને મેં મારા ખભે ઊંચકીને ખડક પરથી ઉપર ચડાવી. એણે હાથ આપ્યો અને હું ચડી ગયો. કેડીનો રસ્તો પથ્થર ફસાવાથી બંધ હતો એટલે છોકરાઓ ઉપર એક થોડા પહોળા સ્થાને અને અમે બે આ સાંકડા એક જ માણસ બેસી શકે એવા સ્થાને બે જણાં અડોઅડ થોડાં નીચે બેઠાં. અમારી નીચે ધસમસતો પાણીનો પ્રવાહ. હવે વરસાદ અટકી ગયેલો પણ સરખું એવું પાણી ભરાઈ ચૂકેલું.


“મને જર્ની ટુ ધ સેન્ટર ઓફ અર્થ યાદ આવે છે” - બંદિશ બોલ્યો.


‘“ટોપા, તારી ફિલમ પછી લાવજે. હમણાં બાર્યે કેમ નીકળવું એ વિચાર. ને એ સાહસવીર, કાઢ તારા એઈટ લેઈનમાંથી બાર્ય નહીતો ફેંકી દઈશ તને આ પાણીમાં. સા….” જગુ ઉર્ફે જગજીતસિંહ બાપુ તડુક્યો.


જગ્યા મળી એટલે છોકરાંઓ મૂળ સ્વભાવ પર આવી ગયાં !


મેં નીચે બેઠે કંટ્રોલ કરવા કહ્યું “કોઈ સિગ્નલ મળે છે..?” મોબાઈલવાળા છોકરાએ જવાબ આપ્યો “ના. સર, તમને મળે છે?... “


“ના.. મને પણ નહીં…”

“હવે ફસાયા છીએ તો ચાલો, મોબાઈલ બંધ જ કરીદો. પાણી ઉતરતા સુધી અહીં જાન બચાવતા બેસી રહીએ.” મેં કહ્યું.


ચાલો અંતાક્ષરી રમીએ.” તદ્રૂપા ટહુકી.


દિશા અને દિગીશ આવી સ્થિતિમાં પણ ઇલુ ઇલુ રમતાં હોય એમ મને લાગ્યું. “ક્યાં ધ્યાન છે? “ મેં કહ્યું.


“સર, એક રિહર્સલ થઇ જાય અહીં.” નાનુ બોલ્યો.


ગજબ હિંમત છે આ ટેણીયાની. અમે રિહર્સલ શરુ કર્યું. વાંસળી, ડ્રમ અને બ્લ્યુગલ હતાં. બાકીના અમારા કંઠ. ઓછી હવામાં જલ્દી હાંફી ગયાં. મેં સહુને ધીમા શ્વાસ લેવા અને ઓછી હલચલ કરવા કહ્યું જેથી શક્તિ કઈંક બચે.


દિગીશ થોડો આગળ ગયો. કહે કે અહીં લાકડીઓ છે. ચાલો સહેજ નીચે આગ સળગાવી કેમ્પ ફાયર કરીએ.”


“કોડા, ન જોઈ હોય તો કેમ્પ ફાયરવાળી. લાઇટર ક્યાંથી આવશે?” જગુ બરાડયો.


તદ્રૂપાએ 'શીશ..' કર્યું.


દિશા બોલી “આ મારી પાસે બે ચક્મકના પથ્થર છે. અહીં આવતાં જંગલમાંથી લઇ આવેલી. આગ પેટાવીએ."

“સર, તમને ફાવશે કે?” કોઈ છોકરી બોલી.


“આપણે આદિ માનવ. ચાલો અહીં જ ચકમક ઘસીએ. એ.. ચકમક લોઢું.. સોરી, પથરા ઘસતાં ઘસતાં...” મનન મૂડમાં આવી ગયો. પણ એનાથી ‘જામગરીમાં તણખો ન પડયો, ન ફળી મહેનત…


તનુ “હમ હોંગે કામયાબ..” કરતો પથરા ઘસવા મંડયો અને નજીકના ઘાસ પર તણખો પડતા સળગ્યું. બધાએ હો.. કર્યું.


”ખસાય એટલા ખસી જાઓ. આ ધુમાડો પેલું બાકોરું છે તેમાંથી બહાર જશે એટલે કોઈ ને કોઈ આવશે”. ગામિની બોલી.


થોડી વારમાં બે ચાર છોકરા ગૂંગળાવા લાગ્યા. બે ચાર ને ઊલટીઓ થઈ. બંધિયાર જગ્યાએ ધુમાડો ભરાઈ ગયો. અમે હતા ત્યાં જ બેઠા રહ્યા. ઉપર ચામાંચીડિયાં ઉડયાં. છોકરીઓ ચીસ પાડી ઉઠી.


નીચે ઊંડે સુધી ભરાયેલું વહેતું પાણી, કાદવ, ઓક્સિજનનો અભાવ. તો પણ મેં સાહસ કરવા વિચાર્યું. નાનુના પગ કરતાં મારાં પગલાં મોટાં હોય. મેં તદ્રુપાને મારી આગળ છાતી સાથે વાંદરી બચ્ચું વળગાડે એમ ચિપકાવી અને કૂદકો માર્યો. હાશ! અમે સામેના ખડક પર પહોંચી ગયાં. ત્યાંથી ઉપર ખુલ્લી જગ્યા દેખાતી હતી. બે પથ્થર વચ્ચે સાવ સાંકડી જગ્યાએ આગળ વધવાનું હતું. તે મારી કમર ફરતે પગ લટકાવી ચીપકી રહી.તેનાં સ્તનમંડળો મારી છાતી સાથે ઘસાતાં રહ્યાં અને નીચે.. હું ચારપગે સરકતો પેલા બીજા ખડક સુધી પહોંચી શક્યો. અમે હવે બાકીનાં છોકરાંઓ ભેગાં થઇ ગયાં.


દૂર છત પર બાકોરાંમાંથી અજવાળું આવતું હતું. અમે થાય એટલી બૂમો પડી. ડ્રમ અને બ્લુગલ વગાડયાં . કોઈ જ પ્રતિભાવ નહીં. એમ જ ફરી રાત પડી. પાણી ઓછું થાય તો નીકળીએ. પણ ફરી ગાજવીજ સાથે વરસાદ પડયો, ફરી ધોધ. આ વખતે તો અમે બે ઉભેલાં ત્યાં પણ ધોધ પડતો હતો. સાંકડમાંકડ અમે 13 જણ ગોઠવાઈ ગયાં .


જગુ અને તદ્રૂપા પાસે બિસ્કિટનાં અર્ધખાધેલાં પેકેટ હતાં. અમે ટુકડી ટુકડી બિસ્કિટ ખાધાં.


આમ તો કેટલું રહેશું?


મેં સહુને કહ્યું કે હજુ આગળ પેલું અજવાળું દેખાય એ દિશામાં જઈએ. વરસાદ ન હતો એ તક ઝડપી અમે એ દિશામાં ગયાં. તે તરફ જવા નાની ગુફામાં થઈને થોડું ચડીને જવાનું હતું. એક છોકરું ચડે એટલે બીજાને ખેંચે. પાછળથી જગુ અને હું મોબાઈલની રહીસહી લાઈટ ફેંકીએ. આગળ રસ્તા જેવું આવ્યું ત્યાં જગુની બેટરી તો પુરી. એ અજવાળું બહુ દૂર, ઊંચે અને સામી બાજુએ હતું. વચ્ચે ઊંડી ખાઈ હતી. નાના બાકોરામાંથી સુઈ, હાથ ફંફોસતો પહેલાં હું જ આગળ વધ્યો.


અમે જેમતેમ કરી ઊંચાઈએ પહોંચ્યાં તો ખરાં, ત્યાં પાછળથી દિશાની બૂમો, “ઓ..માડી રે..!” એ અને દિગીશ પાછળ રહી ચાળા કરતાં આવતાં હતાં ત્યાં કોઈક રીતે ચટકા ભરે એવાં જંતુઓનું એટલા અંધારામાં દર હશે એના પર પગ પડયો અને એ જંતુઓ દિશાના શરીર ઉપર ચડવા લાગ્યાં, ચટકા ભરવા લાગ્યાં. દિગીશ એને બરડે, પગે ઝટકાવતો હતો, એને પણ જંતુઓ ચટક્યાં. એક છોકરાને સૂઝ્યું, તે કહે ચાલો, આમેય મને લાગી છે, આ ડંખ પર મૂતરું. છૂટકો ન હતો. એ મુતર્યો અને દિગીશે પોતાના ખોબામાં થોડું એ ઝીલી દિશાને લગાવવા માંડ્યું. ‘જે લ્હાવો મળ્યો’, પેલો ધીમેથી બોલ્યો એ મેં સાંભળ્યું. દિગીશને શું યે સૂઝ્યું, ભેખડ પરથી માટી લઈ એ દિશાના શરીરે વસ્ત્રોમાં હાથ નાખી ચોપડવા લાગ્યો. દિશાની બળતરા ઓછી થઇ. મેં હવે એ બે ને જુદાં પાડી દીધાં.


ઉપર પહોંચી મેં કહ્યું કે આપણે તો સંગીતવાળા. પુરી તાકાત લગાવી આલાપ લો. ડ્રમ વગાડો. કોઈ તો સંભાળશે! બે ચાર જણે બુમ પાડી પણ અહીં અવાજ ખાસ સંભળાતો ન હતો. એ તો કલ્પના જ ન હતી કે આટલે ઊંડે હવા ખુબ ઓછી હશે! નીચે ધુમાડાની ગૂંગળામણથી બચવા ઉપર આવ્યાં તો અહીં શ્વાસ લેવાય એવું માંડ હતું.


મેં કહ્યું: “એક જ ઉપાય. સહુ સુઈ શકો એટલી જગ્યા નથી પણ આરામથી બેસો અને આંખો બંધ કરી શ્વાસ પર ધ્યાન આપો, ડર લાગે તો પ્રાર્થના કરો: ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા, મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઇ જા’..” મનમાં જ.”


ધીમે ધીમે સહુના શ્વાસ ધીમા ચાલવા લાગ્યા. દરેકને બાજુવાળાના હાથ સ્પર્શ્યા કરવાનું કહ્યું. એમ જ કેટલાંક સુઈ ગયાં જેમને તદ્રૂપાએ જગાડવા પડયા. ઊંઘમાં બેભાન થઇ જાય તો પણ પ્રાણઘાતક થઇ શકે. એ લોકોએ પહેલીવાર ધ્યાનનો અનુભવ કર્યો.


મનીષ પાસે પાવરબેંક હતી. એનાથી બે ત્રણ જણ મોબાઈલ ચાર્જ કરવા લાગ્યા. ફક્ત લાઈટ ફેંકાય એટલા પૂરતા. દૂર ક્યારેક આગિયાઓના તિખારા દેખાઈ જતા પણ અહીં તો એકમેકના હાથ સ્પર્શીને જ ખબર પડતી કે હજુ છીએ.


તદ્રૂપા સાથે લિપસ્ટિક લાવી હશે જે એના ડ્રેસમાં રહી ગયેલી. તેનાથી તેણે એક સવાર પડે એટલે એક લીટી પાછળ ખડક પર કરવી શરુ કરી. હવે ખાધા પીધા વગર કોઈનામાં સહેજ પણ શક્તિ રહી ન હતી. આમ ને આમ સાત દિવાસતો.થઈ ગયા. અમને ઉપરના અવાજો સંભળાય પણ અમારા બહાર કોઈને નહીં.


ગામિની ધીમેથી કદાચ મહામૃત્યુંજય મંત્ર જપતી હતી. વચ્ચે વચ્ચે અસંબદ્ધ બોલતી હતી. મેં વહાલથી તેના ગાલે હાથ ફેરવ્યો. તે ડૂસકું ભરવા ગઈ. ન નીકળ્યું.


દૂરથી જગુના બાપાનો પહાડ કોતરે એવો “ ભઈલા,આવું છું હો? સુવાણ્ય રાખજે” અવાજ સંભળાયો. અહીં ક્યાંથી આવવાનો હતો એ? માબાપોના અવાજો, દિશાની માનો રોતો અવાજ “દિશા, દીકરી તું સલામત છો ને?” એ લોકો નજીકમાં હતાં. અમારા અવાજ એમને સંભળાતા ન હતા. ડ્રમના પણ નહીં.


એક પક્ષી દૂરથી પાંખ ફફડાવતું ઉડયું. તો રસ્તો નજીકમાં જ હોવો જોઈએ. વરસાદ ન હતો પણ બહાર રાત્રી હતી, કાદવ તો પગ મૂકતાં કેટલાયે ફૂટ અંદર ગરકાવી દે તેવો હશે. ખાઈ કોણ જાણે કેટલી ઊંડી હોય? એના પારખાં ન હોય. મને યાદ આવ્યું; 2001ની સુનામી બાદ વિવેકાનંદ રોક પર ફસાયેલા લોકો. સુકાએલા સમુદ્રમાં સામે જ કિનારો પણ ઓળંગી ન શકાય. ચક્મકનો ઉપયોગ પણ જોખમી. અહીં મિથેન જેવા ગેસ તુરત સળગે અને બધાં ભડથું.


બચવાની કોઈ આશા ન હતી. નજીક મદદ હોવા છતાં.

હવે મેં પણ ધીમેથી પ્રાર્થના કરવા માંડી ,

“નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના”.


સહુ ધીમેથી પ્રાર્થનામાં જોડાયાં. દીવાઓ ક્યારે બુઝાશે એ ક્ષણોનો જ સવાલ હતો.


આખરે ભૂખ,તરસ, થાક, ચિંતાનાં માર્યાં સહુ શાંત થઈ ધ્યાનમાં બેસી રહ્યાં. કેટલો વખત? સમય એમ જ વીતતો ગયો. સહુ ધ્યાન કરી ધીમા શ્વાસે અર્ધ મૃત્યુ પામેલા જેવી હાલતમાં ટકી રહ્યાં.


ઓચિંતી વચ્ચે રહેલા નાનુ પર લાઈટ પડી. “છે કોઈ..?” અવાજ. અમારો કોઈનો અવાજ પહોંચતો ન હતો એટલે એ પાછો ફરવા જતો હતો ત્યાં તીણા અવાજે નાનુએ જ બુમ પડી “એ હો… અમે છીએએએ..”


લાઈટ ફરી પડી. દરેકના મોં પર.


“આવીએ છીએ...” બુમ. ઉપર તરફથી માઇકમાંથી અવાજ: “તમે સહુ બહાદુરો, બધા એક, બે.. બોલી હાજરી ગણાવો.”


તનુ અને જગુએ “એ.. બધા સલામત છીએ..” બુમ પાડી. આમેય એ બે ના અવાજ તીણા અને મોટા હતા. કેટલાંક ગીતમાં ઊંચે ખેંચવા અમે એમને જ આગળ કરતા.


વારાફરતી બધા એક.. બે.. એમ બોલ્યા. મેં ‘તેર’ બુમ પાડી. અવાજ તરફ જોઈ તદ્રૂપાએ કહ્યું “લાઈટ આ તરફ..” પેલી લાઈટ ફેંકાઈ. તદરૂપાએ લિપ્સ્ટિકની લીટીઓ ગણી- સાત. “આપણે સાત દિવસ અંધારામાં રહ્યાં.”


બહાર નીકળવું સહેલું ક્યાં હતું? દોઢ ફૂટ જેટલી સાંકડી જગ્યામાંથી અમારે પસાર થવાનું, કેવી રીતે આવ્યા એ પણ ખબર નહિ કેમ કે જીપીએસ તો ક્યારનું બંધ થઇ ગયેલું. ફરી ત્રીભેટાઓ આવશે, ફરી ખોટા રસ્તે ચડીએ તો ક્યારેય બહાર ન નીકળીએ.


અમને ફરી કોઈએ કહ્યું “ઉપરનું કાણું પહોળું કરી અમે ઓક્સિજન સિલિન્ડર મોકલીએ છીએ. પણ એ સામેની તરફ હશે. એક દોરડી ફેંકીએ છીએ. કોઈ પણ એ દોરડી પકડજો.”


દોરડી બે વાર ફેંકાઈ પણ કોઈથી ઝીલાઈ નહિ. ત્રીજી વાર તદ્રૂપાએ જાનની બાજી લગાવી. સહેજ માટે રહી ગઈ. એણે કહ્યું “તનુ ,તને ફાવશે મને ઉંચકવી? તો હું વાંકી વળી દોરી લઇ લઉં.” તનુ એના ભારે શરીરે પોતાને જ માંડ સાચવી શકે તેમ હતો. આખરે હળવે હળવે હું તદ્રૂપા તરફ ગયો. સહેજ ધાર પર ઉભી મારે એને પગેથી પકડી રાખવી અને એ કૂદીને દોરી પકડી લે. હાથમાં આવે તે માટે પુરી તાકાત લગાવે એમ નક્કી થયું. સરકસના ખેલાડીઓની જેમ મેં એને પગેથી પકડી. દોરી ફેંકાઈ. એ કૂદી. દોરી હાથમાં આવી. એણે “હેઈ.. સર..“ બુમ પાડી ત્યાંતો દોરીના વેગવંતા આંદોલનોના બળથી એ ખાઈ તરફ ખેંચાઈ, પાછળ હું. મેં ત્વરાથી હાથ લંબાવી ઉપરનો છેડો પકડી લીધો. હવે દોરડીના સહારે તદ્રૂપા, એને વળગેલો હું. ફરી અમારાં શરીર જોરથી ચંપાયાં. એમ જ ઝૂલ્યા કર્યાં. અમે સામે ફેંકાયાં. મેં એક ખડક પાસેની ડાળ એક હાથે પકડી લીધી. ડાળ સાથે દોરડી ઘસાવા દીધી. તેની ગતિ ધીમી પડી. તદ્રૂપા નીચે પડી અને એની ઉપર હું. અમારી ફરતે વીંટળાયેલું દોરડું. અમે બે સામી બાજુએ પહોંચી ગયેલાં. ઉપરથી બીજી દોરડી ફેંકાઈ. થોડી ટૂંકી પડી. મેં એની ઉપર લટકી સામે જવાને બદલે મારા હવે ફાટેલા શર્ટને અને પછી તદ્રૂપાનાં કુર્તી, પાયજામાની બે ફાડેલી બાંય અને એનો દુપટ્ટો એટલું જોડી ખૂટતું અંતર પૂરું કર્યું. હું ચડ્ડીભેર અને એ માત્ર અંડરકલોથ ભેર ઊભાં રહ્યાં. બહારની મદદ અને સામે બાકીનાઓ વચ્ચેનો સેતુ બનીને.


દોરડી ફરી ઉપર ગઈ. મેં અહીંથી દોરડાં સાથે પથ્થર બાંધી હલાવ્યું. મારી હાજરી જણાવી. સામેથી કોઈએ ડ્રમ વગાડ્યું. દોરી પાછી આવી એટલે મારા શર્ટ પર પેલી લિપસ્ટિકવાળી આંગળીથી લખ્યું ‘અમે સામી બાજુએ . વચ્ચે ખાઈ.’


એક એક કરી આસ્તે આસ્તે પેલા ખુલ્લાં કાણાંમાંથી ઓક્સિજનની બોટલો આવી. એક દોરડાની સીડી ફેંકાઈ. એની સાથે એક બચાવનારો એક છોકરાંને લઇ જાય એમ નક્કી કરી પહેલા નાનુને લઈ તે ચડવા લાગ્યો. સીડી કાણાં સુધી પહોંચતાં સાંકડી જગ્યામાં બેય ફસાયા. તેણે નાનુને જેમતેમ કાણામાંથી પસાર કર્યો પણ પોતે સીડી છટકતાં ઊંડી કાદવ અને ગંદુ પાણી ભરેલી ખાઈમાં પડયો. એનો અવાજ પણ ન સંભળાયો. નાનુ એ કાણા પાસે એક ખડકની ધારને વળગી રહેલો. એણે બુમ પાડી કહ્યું “ અંકલ ડાઇડ... “


પ્રકાશ ફેંકાયો. કાણું એટલે સરકસના તંબુ જેટલું નહીં, નહીં નહીં તો 300 ફૂટ ઊંચે તો હશે જ. વચ્ચે ભેખડો. આખરે અમને નીચે દોરડીમાં ચિઠ્ઠી મોકલાઈ મેં મોબાઇલની લાઈટે વાંચી. “એક બચાવનારનું મૃત્યુ થયું હોઈ આ રસ્તો હાલ તુરત બંધ. તમને જલ્દી બહાર કાઢીએ છીએ.”


ફરી ધોધમાર વરસાદ. મેં કહ્યું “સહુ ભલે પલળો, જગ્યાએથી હટશો નહીં.“ દિશા દિગીશને ખભે માથું મૂકી ઉભેલી. મનનનું ધ્યાન બીજે હતું પણ ગામિની તેનો હાથ પકડી ઉભેલી. તદ્રૂપા નીચું જોઈ શરમાઈ ગયેલી પણ મને અડકીને ઉભા સિવાય તેને છૂટકો ન હતો. તેના માત્ર આંતરવસ્ત્રોવાળાં ભીનાં શરીરને મારી હૂંફ મળતી હતી.

સહેજ આગળ સપાટ છત હતી ત્યાં ટેટા ફોડી જગ્યા પહોળી કરાઈ.


સૂર્યપ્રકાશે મારી આંખ આંજી દીધી. આખરે ઊંડા અંધારેથી પરમ તેજે પ્રભુ લઇ આવ્યા..


અમે બે ટકેલાં એ જગ્યાને બેઝ કેમ્પ બનાવી મદદ આવવા લાગી જે અમે સામે ખાઈને પેલે પાર મોકલતાં રહ્યાં. પહોળી જગ્યામાંથી વચ્ચે ટ્રેકરો વાપરે એવી મેટલની સીડી મુકાઈ. એક એક કિશોરને હવે એ ડરે નહીં એટલે આંખે પાટા બાંધી બચાવગીરો દ્વારા ઉપર લઇ જવામાં આવ્યા. અંતે તદ્રૂપા અને છેલ્લે હું બહાર નિકળ્યાં ત્યાં તો મોટો જયઘોષ થયો.


હવે જ ખબર પડી કે અમને બચાવવાનું મોટું, અશક્ય લાગતું બચાવ અભિયાન સરકારે સાત દિવસ ચલાવેલું.

બાળકોને તેમના વાલીઓને મોં બતાવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ગૂંગળામણ, ભૂખમરો, ઝેરી પદાર્થોનો સંપર્ક વગેરેને લીધે સહુની સારવાર જરૂરી હતી. બે ચાર છોકરાંને ડર દૂર કરવા માનસિક સારવાર પણ અપાઈ.


જનતાએ બચાવટુકડીનો ખુબ આભાર માન્યો. ત્યાં તપ કરતા બાવાઓને ખાસ પ્રાર્થના કરવા કેટલાક લોકો બોલાવી આવેલા. તેમણે ‘અમારી પ્રાર્થનાને લીધે બચ્યા’ એવું જાહેર કર્યું. ભલે. સહુની પ્રાર્થના હતી તો અમે બચ્યાં. ટીવી અને મીડિયામાં અમારા સાહસની ખૂબ પ્રસિદ્ધિ થઈ. હિંમતની પ્રશંસા થઈ.


પેલી સ્પર્ધા તો કેન્સલ થયેલી. ફરી સ્પર્ધામાં ઉતરવા અઠવાડિયામાં અમે સજ્જ થઇ ગયાં.


હવે અમે ‘..ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા’ કમ્પોઝ કર્યું. પછી જોશીલું દો આંખે બારા હાથ ફિલ્મનું ગીત રજુ કર્યું “રાત અંધીઆરી હો.. આંધી ઔર તુફાન હો,..પાંવ તેરે મજબૂર હો તો ક્યા કરોગે? તક તક ધૂમ ધૂમ…”

અને પછી ..


એ વખતે અમે જ પ્રથમ આવ્યાં.

-સુનીલ અંજારીયા