Sapnu books and stories free download online pdf in Gujarati

સપનું

સપનું

હાથમાં તલવાર લઈને કે પછી બંદૂક લઈને હત્યા કરે એ તો સમજ્યા, પણ કોઈ સપનું હત્યા કરે તો? હા, ઘણા સપનાના માર્યા હોઈ છે, જેને કોઈ હથિયાર સ્પર્શ પણ નથી કરી શક્યું. એ સપનું કેવું રહ્યું હશે? જે અંધકારમાં આવે અને જીવનમાં અંધકાર પાથરી જાય?

આંખો બંધ થાય છે ત્યાં તને જોવાય છે, ઘણા તો ખુલ્લી આંખોએ તને જોવે છે. હા, હું જ ખુલ્લી આંખોએ તને જોતો હતો. એક ઝનૂન સવાર હતું આ દુનિયા પર હુકુમત કરવાનું, પુરી દુનિયાને ઝુકાવી દેવાનું. પણ એ સપનું વધુ આ આંખોમાં રહી ન શક્યું એનું આગમન થયું અને એ ભાંગી પડ્યું કે પછી એક ખૂણામાં રહી એને આત્મહત્યા કરી લીધી. એ મરતાની સાથે જ અનેક નવા સપનાના જન્મ ફરી આ આંખોમાં થયા, સાલું કેવું છે હે આ આંખો ઝડપી ફલિત થઈ જાય છે અને સપનાનો ગર્ભ રહી જાય છે અને ક્યારે ગર્ભપાત થાય એ પણ ખબર નથી રહેતી.
એમની સાથે જીવનભર રહેવાના પામર સપના પણ આ આંખોમાં વસ્યા હતા. સમય અને સંજોગ આ બે એવા પરિબળ છે જે ગમે એ માણસને ભાંગી નાખે છે, તોડી નાખે છે, ગમે એ સ્થિતિ માંથી ઉથલાવી ફેંકી દે છે. તો આ આંખમાં વસેલા સપનાની શુ ઔકાત છે. આ જ સમય અને સંજોગ છે જેને અર્જુનને નગ્ન કરી નાખ્યો હતો. શુ દ્રૌપદીએ એવું ક્યારેય વિચાર્યું હશે ખરું કે હસ્તિનાપુરની સભામાં યુગના પ્રખર યોદ્ધાવો ઈજ્જતને લૂંટતી જોતા હશે. એને પણ પોતાની ઈજ્જતને સપના તો સેવ્યા જ હશે ને!

જીવનમાં એક પત્રનો ઉમેરો થયો, ધંધો પણ ખૂબ સારો હતો, જે સપનું જોયું એ સાકાર થવા લાગ્યું હતું ત્યારે જ સમય અને સંજોગ પોતાના કામે લાગી ગયા. એક નોર્મલ જીવનમાં એવો તો વંટોળ આવ્યો કે બધું ઉડાવી લઈ ગયો. હા, મેં જે જીવનસાથીના સપના જોયા એ, મારો ધંધો, બસ રહી ગયો તો ફક્ત હું, શુ આને સપનાનો ગર્ભપાત કહેવો કે પછી સપનાનું કુપોષણથી થયેલ મોત?

અનેકવાર આ સપનાની ઉમારત પરથી હું પડ્યો છું, ઘવાયો છું, રડ્યો છું, વિસાદી રહ્યો છું, એ સપનાના કટકા હાથમાં લઈને મેં એને શબ્દમાં અલંકૃત કર્યા છે. આ બધા એ જ ટુકડા છે જે એક સમયે મેં જોયેલા સપનાના તારલા હતા. હું તપ્યો છું વિયોગની ભઠ્ઠીમાં, હું ચાલ્યો છું ઉઘાડા પગે ઉજ્જળતા સભર રણમાં, હું સૂતો છું અપમાનિત થતી પથારીમાં, ભૂખ લાગી તો માણસની સલાહ ખાધી છે, તરસ લાગી તો મેં ખુદના આંસુ પીધા છે. છતાં જીવ્યો છું માનભેર, સપનાઓના કટકા પર પગ મૂકીને ચાલતો રહ્યો.

એક જગ્યા એ પણ આવી જ્યાં હું શૂન્ય હતો, ત્યાં કોઈ બીજું આવ્યું અને ફરી આંખોમાં નવા સપનાનું બીજરોપણ કર્યું, પ્રેમનું પાણી સીંચ્યું, લાગણીનો ટેકો આપ્યો, સહકાર નામનું ખાતર નાખ્યું અને જોતજોતામાં સપનાનો છોડ મોટો થવા લાગ્યો. હા, એનું હું પણ જતન કરી રહ્યો છું અલમસ્ત, અલગારી બની.

અનેક સપનાઓ જન્મ્યા છે, અનેક નો ગર્ભપાત થયો કે કુપોષણથી મૃત્યુ પામ્યા છે, છતાં એમની ચીખો મેં બહાર નથી આવવા દીધી, અંદર જ એ ચીખનેમારી નાખી, આજે દુનિયા વચ્ચે હું ઉભો થયો. હા, એમને નવા સપનાના વાવેતર કર્યા. હા, એ જ હું છું અને એ જ સ્થિતિ થી પણ સ્થિતિ અને સમયને જોવાનો અભિગમ બદલ્યો છે. વેદના વચ્ચે મને ખુશ રહેતા આવડી ગયું છે. હું ખુશ છું, હું મસ્ત છું, હું નિજાનંદમાં તરબોળ છું......

મનોજ સંતોકી માનસ