vastini ferbadli books and stories free download online pdf in Gujarati

વસ્તીની ફેરબદલી

વસ્તીની ફેરબદલ

ઉનાળાના વાયરા ફુલાય રહ્યા . જાણે મોસમ પોતાની કરવત બદલી રહી હોય . હિન્દુસ્તાનના સરહદી ગામોમાં ખેડુતો વર્ષાની નવવધૂની જેમ રાહ જોઈ રહ્યા . કાળ પણ પોતાના અનેક રુપના દર્શન કરવવા લાગ્યો હતો . હા , આ વરસ હતું ૧૯૪૭નુ . ગોરાઓની ત્રાસદી માથી મુક્તિનું વરસ .

જેમ જેમ પ્રકૃતિના રુપમા બદલાવ થવા લાગ્યો તેમ તેમ હિન્દુસ્તાનનો મિજાજ તંગ થવા જઈ રહ્યો હતો . પોતાના માંગો સાથે અલગ દેશની માંગ સાથે ઝિન્હા અડગ હતો . જે પુર્ણ રાષ્ટ્ર માટે લોહીના ફુવારા છુટ્યા તેના નકશામાં ભાગ પડી રહ્યા હતા . ઉનાળો અને ચોમાસા વચ્ચે થોડું જ અંતર બાકી રહ્યું . એમ હિન્દુસ્તાનના ભાગલામાં પણ ખાસું અંતર જેવા નહોતુ મળતું .

કાગળ પરની ખેંચાયેલ રેખાઓ સરહદી પ્રજાના જીવન પર ખેંચાય ગઈ . માનવતા જાણે અંતિમ શ્વાસ લઈ રહી હોય તેમ , વરસોથી સાથે રહેતી હિંદુ , શીખ અને મુસ્લિમની કોમ એકબીજા સામે વેર ભાવથી વર્તવા લાગી હતી . વરસાદની ધારા પડતા જ જાણે માનવતાના નામનું નાઈ નાંખ્યું હોય . ઘણા ગામમા ખબર પણ નહોતી કે ગોરાઓ દેશ છોડી જતા રહ્યા છે , હિન્દુસ્તાનના બે ભાગ થયા છે , મજહબના નામ પર અલગ પાકિસ્તાનની રચના કરવામાં આવી . સરહદી પ્રાંત બે ભાગમાં વહેંચાય ગયો છે . કોઈ માતાના બે છોરુડા વચ્ચે તિખાણ થઈ હોય તેમ અલગ અલગ મજહબ અને ધર્મના લોકો વેરી બની ગયા હતા .

દેશની સંપત્તિના બે ભાગ થયા . સૈન્યમાં પણ મુસલમાન સૈન્ય પાકિસ્તાનમા ગયા . પાંચ નદીનો પ્રદેશ કહેવાતા પંજાબમા ભાગલાની લકીર ખેંચાય , જાણે વિધાતાએ લખેલ કહેરના દિવસોની શરૂઆત થઈ હોય . લાહોરથી ટ્રેન ભરીને ત્યાના હિંદુ અને શીખ ભારતમાં આવતા હતા . અમૃતસરમા નિરાશ્રિત માટે કેમ્પ ખોલવામા આવ્યા . શરૂઆત ના તબક્કામાં સામાન્ય કહેવાતી સ્થિતિ અચાનક પોતાના રૌદ્રરુપમા આવી ગઈ .

ઇમામ અને ગુરુદ્વારાના ભાઈની મૈત્રિ હવે ધર્મના આધારે બદલાય ગઈ . વરસોથી સાથે રહેલા , નાનપણમાં સાથે રમેલા , સાથે ભણેલા , એકબીજાના ટિફિન ખાધેલા મિત્રો સરહદી રેખા પછી જાણે એક બીજાને મારવા માટે થનગની રહ્યા હોય તેવા કિસ્સા બનવા લાગ્યા . મામલો વિફરતો ગયો , હિંદુ અને શીખ પુર્વમા અને મુસલમાન પશ્ચિમમાં સ્થળાંતર કરવા લાગ્યા . પોતાના બાપ દાદાએ વરસોથી ભેગી કરેલી સંપતિ , પોતાની જન્મભૂમિનું ઘર , પોતાના ખેતરો , ઘરવખરી , આ બધુ એક ઝાટકે છોડી પોતાનો જીવ બતાવવા ગમન કરવું પડ્યું .

એક ટ્રેન લાહોરથી પંજાબમા આવી પહોંચી . બપોરનો સમય હતો . સ્ટેશન પર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા . સૈનિકો દ્વારા માટીની બોરીની છ સાત ફુટ ઉંચી દિવાલ બનાવવામા આવી ફરતી બાજુ રાઇફલ ધારી ઉભા હતા . ગામના લોકોને સ્ટેશન પર આવવાની ગામના પટેલ દ્વારા ના કહેવામા આવી . લોકો પોતાની છત પર ચઢી જોવા લાગ્યા . શુ ઘટના બની રહી છે , પણ વચ્ચે રેલવેની ઇમારત આડી આવતી હતી એટલે કશુ દેખાતું નહોતુ , પાંચ છ સૈનિક દોડા દોડી કરતા ડબ્બા માથી સિધા સ્ટેશનની ક્વાટર તરફ જતા હતા .

ગામમા જાણે કોઈ ભુતિયા ટ્રેન આવી હોય તેવું વાતાવરણ બની ગયું હતું . ઉત્તરમાં વાદળો ચડવા લાગ્યા . છોકરાને તેની માતા ટાઢો રોટલો આપી સ્ટેશન પર બનતી ઘટના જોવા લાગી . ખેડુતો પોતાના કામ છોડી પુરો દિવસ છત પર જ રહ્યા . પણ કંઈ જાણી શકાયુ નહી કે શુ બની રહ્યું છે . લોકોએ સાંભળ્યું હતું કે પાકિસ્તાનની રચના કરવામાં આવી છે . ત્યાં બહુ ખુનામરકી થાય છે . એક કોમી બીજી કોમ પર અત્યાચાર કરે છે . પણ કોમવાદી નામથી આ લોકો વાકેફ નહોતા . ઇમામ , ભાઈની રાહ જોતો હતો કે ક્યારે ગુરુગ્રંથ સાહેબનું વાંચન કરે અને ભાઈ , ઈમામની રાહ જોતો કે ક્યારે ઇમામ ખુદાની બંદગી કરે . વાતાવરણ જાણે પોતાના ઝેરથી માનવતા અને ભાયચારાને મારી નાંખતું હોય તેવું લાગવા લાગ્યું .

એક પોલીસવાળો આવ્યો ગામના મુખિયાને મળ્યો . ગામનો મુખિયો એક શીખ રહેમદિલ માણસ હતો . રોજ પોલીસખાતામા રિપોર્ટ કરવાના ગામમા શુ બન્યું તેના . મુખિયો પેલા માણસ પાસે ઉભો રહ્યો . પુરુ ગામ આ બંનેને જિજ્ઞાસાથી જોઈ રહ્યું હતું ,'પોલીસવાળો શુ કહે છે મુખિયાને ? સ્ટેશન પર શુ બની રહ્યું છે ? '
ઉતાવળમાં પોલીસવાળો બોલ્યો " પટેલ ગામમા જેટલું કેરોસીન હોય કે લાકડા હોય ફટાફટ સ્ટેશન પાસે ઉભેલા ટ્રકમા જવાદો , બધાને તેનું વળતર મળી જશે "
એક આજ્ઞાંકિત માણસની જેમ મુખિયો બોલ્યો ," જી હુકુમ સરકાર"
ગામ લોકોને ભેગા કરી મુખિયાએ પોલીસવાળાનો હુકમ સંભળાવ્યો . સાંભળી લોકો પોતપોતાના ઘર ભણી ગયા . કેરોસીન અને લાકડા સ્ટેશન પર રાખેલ ટ્રકમા પહોંચી ગયા હતા . ગામ લોકોના મનમાં એક કંપન ચાલુ થયું શુ લઈને આવી છે આ ભુતિયા ટ્રેન ?

સાંજ થવા આવી હતી છતા લોકો છત પરથી નીચે આવ્યા નહોતા . સ્ટેશન બાજુ તાકી તાકી ને એક કુતૂહલથી જોઈ રહ્યા હતા પણ કંઈ દેખાય તેમ હતું નહી . અંતે બધા નીચે આવ્યા પોતાના ભુલી ગયેલ કામ કરવા લાગ્યા . વાદળો ઘેરાવ કરી રહ્યા હતા . વિજળીના લીસોટા જાણે આકાસ માથી આવી ધરતીમાં સમાય જતા હોય એવા દ્રશ્યો બનતા હતા . કાળી માજમ રાત જાણે કાળનો ભોગ બનવા જઈ રહી હોય , પોતાના જ પડોશી પર વિશ્વાસ ઓછો થવા લાગ્યો હતો . વાદળમાંથી થયેલ મેઘગર્જના સાથે વરસાદ આવે આવી સંભાવના બની હતી , પણ લોકેને વરસાદ સાથે કંઈ લેવાદેવા નહોતુ .
અચાનક સ્ટેશનની થોડો દુર આકાશમાં કેસરી રંગની જ્યોત જેવા મળી , છત પર ચઢી જોયું તો , એક નહી બે નહી પણ અનેક જગ્યા પર આગ લાગી હોય કેવું વર્તાઈ રહ્યું હતું . કેરોસીન અને લાકડાને શો ઉપયોગ થયો તે સમજવામા વાર ના લાગી , પવન પણ વેગીલો બની ગયો, હવામાં કોઈ કાચા માસની દુર્ગંધ આવવા લાગી લોકો સમજી ગયા સ્ટેશનમાં આવેલ ભુતિયા ટ્રેનમાં શુ આવ્યું હતું .

રાત જાણે ભુતાવળ જેવી બની ગઈ , માણસના શરીર કાંપવા લાગ્યા , બીજું કંઈ નહી ભાગલા થયા ત્યારે પાકિસ્તાનમા અનેક હિંદુ અને શીખ લોકોને રહેસી નાંખ્યા હતા જે લોકો હિજરત કરી પોતાના ઘરબાર છેડી ભારત તરફ આવી રહ્યા હતા તેમને ટ્રેનમાં જ લાસ બનાવી દેવામાં આવ્યા .

આ ભાગલા સમયે કેવી સ્થિતિ હતી તેની કલ્પના માત્રથી હું ધ્રુજી ગયો , કાલે એક શબ્દને પ્રયોગ કર્યો હતો જે આ લેખનું ટાઈટલ છે " વસતી ની ફેરબદલ " . જ્યા જોવે ત્યાં કત્લ-એ-આમ કરવામાં આવી રહ્યા હતા . આકાશમાં ગીધડાઓ માણસને મરવાની તાકમાં ઘુમરા મારી રહ્યા હતા . કલમના એક જ ઝાટકે વિખૂટા પડાયેલા લોકોની વેદના ઓછી હોય તેમ ઉત્તરભારતમા ૧૯૦૦ સાલ પછી પહેલીવાર વિનાશક પૂર આવ્યું . પંજાબ ની પાંચેય નદીઓ લોહીથી વહેવા લાગી . રાહત કેમ્પમા પાણી ફેરવાય ગયા .

આકાશ સમડી અને ગીધડાઓથી ભરચક હતું . તેઓ ઊડીને નીચે આવી હાડપિંજર પર બેસતા અને હાડપિંજર દડવા માંડે અને તેમનામા અક્કડ રીતે હલામાં ઊડેલા હાથથી તેમને ભગાડે ત્યાં સુધી તેઓ તેમના પોતાની ચાંચ ભોકતા . માનવશબોને અગ્નિદાહ દેવા માટે પૂરતા લાકડા ન હોવાથી ઘણી વાર પોલીસના વાહનોમાંથી ડીઝલ અને કેરોસીન કાઢી તેમનો ઉપયોગ કરાયો અને અર્ધા બળેલા શબોને સડકો માટે છોડી દેવાયા . કેટલીવાર વહાલા સ્વજનોના કેટલાક છૂટા પડી ગયેલા અવયવો જ અગ્નિદાહ માટે મળ્યા . શરીરના બાકીના અવયવો તો કદી મળ્યા જ નહી .

માર્ગરેટ બૌર્ક વ્હાઇટના ચરિત્રકાર વિકી ગોલ્ડબર્ગ લખે છે : " ગલી ટૂંકી અને સાંકડી હતી એક માળના મકાન બંધ હતા . તેમની નાનીનાની ઊભી બારી દેખાતી હતી . ગલીના વિસ્તારોમાં તેની ખુલ્લી ગટરોમાં શબ કચરાની જેમ પડ્યા હતા . કેટલાક શબના આંતરડા બહાર આવી ગયા હતા . તે કેટલાક શબના ટુકડા કરી નંખાયા હતા . આ બધા શરીર મોત પછી ખુલ્લામા તડકામાં પડ્યા રહ્યા હોવાથી ફૂલી ગયા હતા . કેટલાક શબોને તે માત્ર હાડપિંજર બની જાય ત્યાં સુધી ગીધડાએ કોરી ખાધા હતા .

દેશના વિભાજન માટે જે રાજકીય દબાણ હતા તેના પરિણામે એટલી હદે ધિક્કાર ફેલાયો કે એક નવી નાસ્તિકતા ઊભરી આવી . જુદા ધર્મના જૂથોના તમામ સભ્યોને લૂંટવા ને તેમની હત્યા કરવી તે વાજબી ગણાવા લાગ્યું .પાકિસ્તાનમાથી આવેલા શીખ શરણાર્થીઓએ જણાવ્યું કે કંઈ રીતે સ્ત્રીઓએ આગમાં રે કરવામાં કુદીને મુસલમાનોના હાથમા પડવાથી પોતાની જાતને બચાવી હતી . જે કુદી ન શકી એમને નગ્ન કરી શેરીઓમાં ફેરવાઈ , એમના પર બળાત્કાર ગુજારાયા અને બાદમા એમને મારી નાખવામા આવી .

અંતે તો એટલુ જ કહીશ કે ગાંધીની અહિંસાવાદી અને ઉદાર નીતિએ લાખો લોકોને કાળના મોઢામાં હોમી દીધા . આશરે ચાલીસ લાખ જેટલા લોકોને રહેસી નાંખ્યા . અનેક ઘરોમાં લૂંટફાટ થઈ , અનેક નારીના સિયળ વિભાજનની આગમાં હોમાય ગયા . ક્રિયાની પ્રતિક્રિયા આપવા રક્તપાત કરી રહ્યા હતા . આ બધા દ્રશ્યો રાત્રે ઉંધ માથી મને જગાડી પરસેવે રેબઝેબ કરી મુકી છે . કાલે આપેલ ટાઈટલ પર ખરો ઉતરવાનો પ્રયત્ન કર્યો છે . કોઈની ધાર્મિક લાગણી સાથે છેડછાડ કરી નથી જે લખાણ લખ્યું છે તે અનેક વક્તા અને પુસ્તકનો સંદર્ભ લઈ લખ્યું છે . ફરી આ દેશ આવી ભુલ ના કરે એ માટોનો મારો ઉપદેશ રહ્યો છે .

મનોજ સંતોકી માનસ