Once Upon a Time - 117 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 117

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 117

જુલાઈ, 1999માં દાઉદની દીકરી બિમારીને કારણે મૃત્યુ પામી એ પછી દાઉદને બહુ આઘાત લાગ્યો હતો અને થોડા સમય માટે તેને સ્મશાનવૈરાગ્ય આવી ગયો હતો. આ દરમિયાન પાકિસ્તાનથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા હતા કે દાઉદને પુત્રીના મૃત્યુના આઘાતમાંથી બહાર કાઢવા માટે છોટા શકીલે તેને પ્રેમમાં પડ્યો હતો! આ વાત ઓગસ્ટ, 1999ના પહેલા સપ્તાહમાં પાકિસ્તાની દૈનિક ‘ડેઈલી ઓબ્ઝર્વર’માં પ્રસિદ્ઘ થઈ.

‘ડેઈલી ઓબ્ઝર્વર’માં છપાયેલા એ અહેવાલમાં કહેવાયું હતું કે છોટા શકીલે કરાંચીમાં એક પાર્ટીનું આયોજન કરીને પાકિસ્તાની હિરોઈન મીરાંને એ પાર્ટીમાં બોલાવી. શકીલે દાઉદની ઓળખાણ મીરાં સાથે કરાવી અને દાઉદ મીરાં તરફ આકર્ષાયો. થોડા દિવસોમાં જ દાઉદ અને મીરાંની વચ્ચે ગાઢ સંબંધ બંધાઈ ગયો. એ પછી અન્ય પાકિસ્તાની અખબારોએ પણ દાઉદ-મીરાં વિશે લખવાનું શરૂ કર્યું. પાકિસ્તાની હિરોઈન મીરાંએ એક તબક્કે પત્રકારોને એવું કહેવું પડ્યું કે દાઉદ સાથે મારે માત્ર દોસ્તી છે! પછી તો પાકિસ્તાની અખબારોમાં એવો અહેવાલ પણ પ્રસિદ્ધ થયો કે દાઉદે મીરાંની બહેનના લગ્નમાં રૂપિયા એક કરોડ ખર્ચી નાખ્યા હતા!

“મુમ્બૈયા અંડરવર્લ્ડની કથા અરેબિયન નાઈટ્સને ટક્કર મારે એવી છે. અરેબિયન નાઈટ્સમાં તો એક હજાર રાતની એક-એક વાર્તા છે, પણ મુમ્બૈયા અંડરવર્લ્ડની ઘટનાઓ તો હજારોની સંખ્યામાં છે.” પપ્પુ ટકલાએ કહ્યું, તેણે બ્લેક લેબલનો એક પેગ ભર્યો અને નવી ફાઈવફાઈવફાઈવ સળગાવી. બ્લેક લેબલનો ઘૂંટ ભર્યા પછી તેણે ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ લીધો અને મોંમાંથી વર્તુળાકારે ધુમાડો ધુમાડો બહાર ફેંકતા તેણે વાત આગળ ચલાવી, “કરાચીના અખબારોમાં દાઉદના રોમાન્સના સમાચારો ચમકી રહ્યા હતા ત્યારે કાઠમંડુમાં મિરઝા દિલશાદ બેગના કમોત પછી તેની બંને પત્નીઓ છોટા રાજન અને દાઉદ ઈબ્રાહિમની કઠપૂતળીઓની જેમ વર્તવા માંડી હતી. દાઉદના ખાસ સાથીદાર એવા નેપાળી રાજકારણી મિરઝા દિલશાદ બેગની છોટા રાજન અને બબલુ શ્રીવાસ્તવે હત્યા કરાવી એના થોડા સપ્તાહ પછી મિરઝા બેગની પત્ની પહેલી પત્ની હાજિરા ખાતુન અને બીજી પત્ની સુનીતા રાય ઉર્ફે શમા બાનો વચ્ચે મિરઝાની કરોડો રૂપિયાની પ્રોપર્ટીને મુદ્દે જામી પડી. શમા બાનોની જાણ બહાર હાજિરા ખાતુને પોતાની પુત્રી અને જમાઈના નામે 35 કરોડ રૂપિયાની પ્રોપર્ટી કરી દીધી એટલે શમા બાનોએએ સંપત્તિ પોતાના પુત્ર અરશદ બેગને અપાવવા માટે કાનૂનનો સહારો લીધો. શમા બાનો નેપાળના એક ભૂતપૂર્વ પ્રધાનની બહેન હતી અને મિરઝા દિલશાદ બેગની સંપત્તિ માટે કોર્ટના દરવાજા ખખડાવવાની સલાહ તેને નેપાળના એક રાજકીય નેતાએ આપી હતી. એ રાજકીય નેતા છોટા રાજનનો ખાસ મિત્ર હતો. બીજી બાજુ નેપાળમાં દાઉદના સાથીદાર એવા કેટલાક રાજકીય નેતાઓ મિરઝા દિલશાદ બેગની પહેલી પત્ની હાજિરા ખાતુનની બાજુમાં ઊભા રહ્યા હતા. આ રીતે દાઉદના સાથીદારો મિરઝા દિલશાદ બેગની સંપત્તિ તેની પહેલી પત્નીને મળે એ માટે કોશિશ કરી રહ્યા હતા. તો બીજી બાજુ છોટા રાજનના સાથીદારો મિરઝાની સંપત્તિ તેની બીજી પત્નીને અપાવવા મથી રહ્યા હતા.”

પપ્પુ ટકલા બ્લેક લેબલનો ઘૂંટ પીવા અટક્યો અને પછી ફરી વાર તેણે વાતનો દોર સાધી લીધો: દાઉદ-રાજનની દુશ્મનીને કારણે નેપાળ ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, દુબઈ, થાઈલેન્ડ, મલેશિયા, સાઉથ આફ્રિકા, સિંગાપોર અને ઈંગ્લેન્ડ સહિતના અનેક દેશોમાં અરેબિયન નાઈટ્સની વાર્તાઓની જેમ નીતનવી ઘટનાઓ બનતી રહેતી હતી.

આ દરમિયાન દિલ્હીના રાજકારણમાં પણ ફરી એકવાર દાઉદનું નામ છવાઈ ગયું હતું. દાઉદના શૂટર્સને આશ્રય આપવાના આરોપ હેઠળ ભૂતપૂર્વ કેન્દ્રિય ઊર્જાપ્રધાન અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા કલ્પનાથ રાયને દિલ્હીની ટાડા કોર્ટના જજ એસ.એમ. ધિંગરાએ દસ વર્ષની કેદની સજા કરી અને દસ લાખ રુપિયાનો દંડ ફટકાર્યો. આ કેસના અન્ય આરોપી, ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સંસદસભ્ય બ્રિજભૂષણ શરણ સિંઘને કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ છોડી દીધા એટલે ભાજપમાં ઉત્સાહની અને કોંગ્રેસમાં હતાશાની લાગણી ફેલાઈ ગઈ. કલ્પનાથ રાયને સજા ફટકારવાની સાથે સાથે તેમણે જેને નૅશનલ પાવર થર્મલ કોર્પોરેશનના ગેસ્ટ હાઉસમાં આશ્રય આપ્યો હતો એવા દાઉદ ગેંગના જયેન્દ્ર ઠાકુર, સુભાષસિંઘ ઠાકુર અને શ્યામકિશોર ગરિકાપટ્ટીને ટાડા કોર્ટે આજીવન જેલની સજા ફટકારી અને રૂપિયા દસ-દસ લાખનો દંડ પણ કર્યો હતો. જો કે આ સમાચારથી દાઉદને આઘાતને લાગવાને બદલે આનંદ થયો, કારણ કે સુભાષસિંઘ ઠાકુર અને તેના બંને સાથીદારોએ દાઉદ સાથે છેડો ફાડીને છોટા રાજન સાથે હાથ મિલાવી દીધા હતા.

દિલ્હીના રાજકારણમાં દાઉદનું નામ ફરી એકવાર ગાજ્યું હતું ત્યારે મુંબઈ પોલીસમાં પણ દાઉદના અને રાજનના નામના પડઘા પડી રહ્યા હતા. મુંબઈ પોલીસના કેટલાક અધિકારીઓ દાઉદ સાથે તો કેટલાક અધિકારીઓ રાજન સાથે સંબંધ ધરાવતા હોવાની કાનાફૂસી તો વર્ષોથી ચાલતી હતી પણ અંડરવર્લ્ડ સાથે સંબંધ ધરાવનારા કોઈ પોલીસ અધિકારીને ક્યારેય તકલીફ પડી નહોતી. પરંતુ 1999ના પૂર્વાર્ધમાં મુંબઈ પોલીસમાં આશ્ચર્યજનક કહેવાય એવી ઘટનાઓ બની.

***

“મુંબઈના પોલીસ કમિશનર આર.એસ.મન્ડોસાએ મુંબઈ પોલીસમાં સાફસૂફી શરૂ કરી હતી. એપ્રિલ, 1999ના પહેલાં સપ્તાહમાં મુંબઈ પોલીસના અનેક અધિકારીઓની બદલી મુંબઈ બહાર કરી દેવાઈ. કેટલાક પોલીસ અધિકારીઓને તો મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં ધકેલી દેવાયા. આનો સીધો મતલબ એ થતો હતો કે એ અધિકારીઓને સજાકીય બદલી અપાઈ હતી.

જે અધિકારીઓની મુંબઈ બહાર બદલી થઈ હતી એ અધિકારીઓને અંડરવર્લ્ડના ભાઈલોગ સાથેની દોસ્તી ભારે પડી ગઈ હતી એવી વાત ફેલાઈ. જો કે પોલીસ કમિશનર આર.એચ.મેન્ડોસાએ એ વાતને સમર્થન પણ ન આપ્યું કે ન તો એ વાતને રદિયો આપ્યો. જે પોલીસ અધિકારીઓને મુંબઈ બહાર ફંગોળી દેવામાં આવ્યા હતા તેમના ગોડફાધર સમા કેટલાક રાજકીય નેતાઓએ એ બદલીઓ સામે ઊહાપોહ કર્યો, પણ એમ છતાં કોઈ અર્થ સર્યો નહીં.

મુંબઈના કેટલાક અધિકારીઓની મુંબઈ બદલી કરવામાં આવી એ પછી એક મહિના બાદ મુંબઈ પોલીસમાં વધુ એકવાર ખળભળાટ મચી ગયો.

(ક્રમશ:)