Once Upon a Time - 121 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 121

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 121

ગવળીને રાજકારણમાં રસ પડી ગયો એટલે તેની ગેંગની પ્રવૃત્તિઓ ઓછી થઈ રહી હતી. એ સ્થિતિમાં છોટા રાજન અને દાઉદ ગેંગ વચ્ચે જ ગેંગવોરની વધુમાં વધુ ઘટનાઓ બનવા માંડી. 1999ના વર્ષમાં મુમ્બૈયા અંડરવર્લ્ડના શૂટર્સે 48 વ્યક્તિઓની હત્યા કરી, એમાં એક જ વ્યક્તિની હત્યા અરૂણ ગવળી ગેંગ દ્વારા કરવામાં આવી હતી. જો કે મુંબઈ પોલીસે 1999માં અંડરવર્લ્ડના 83 શૂટર્સને એન્કાઉન્ટરમાં ઢાળી દીધા એમાં 67 શૂટર્સ ગવળી ગેંગના હતા. આમ મુંબઈ પોલીસની તવાઈ અને ગવળીની રાજકીય મહત્વાકાંક્ષાને કારણે ગવળી ગેંગની પ્રવૃત્તિઓમાં કાપ મૂકાઈ ગયો હતો. બીજી બાજુ અમર નાઈક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો અને અશ્વિન નાઈક બાંગ્લાદેશની સરહદે ઝડપાઈ ગયો એટલે નાઈક ગેંગ પણ ઢીલી પડી ગઈ હતી. આ સ્થિતિમાં દાઉદ અને રાજન વચ્ચે જ સીધી લડાઈ ચાલી રહી હતી.

દાઉદ ઈબ્રાહિમ અને છોટા રાજનની પ્રવૃત્તિઓ પર બ્રેક લગાવવા માટે મહારાષ્ટ્રના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ અરવિંદ ઈનામદાર અને મુંબઈના કમિશનર ઓફ પોલીસ રોનાલ્ડ મેન્ડોસાએ પોલીસ અધિકારીઓને છૂટ્ટો દોર આપ્યો હતો અને એટલે જ 1998માં મુંબઈમાં અંડરવર્લ્ડના શૂટર્સે 101 વ્યક્તિની હત્યા કરી હતી એની સામે 1999માં 48 વ્યક્તિની હત્યા થઈ. અને 1998માં પોલીસે 48 ગુંડાઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા એની સામે 1999માં એન્કાઉન્ટરમાં મરેલા ગુંડાઓની સંખ્યા 83 સુધી પહોંચી ગઈ હતી. પણ 1999ના વર્ષના અંતમાં ગૃહખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન છગન ભુજબળ અને મહારાષ્ટ્રના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ અરવિંદ ઈનામદાર વચ્ચે પોલીસ અધિકારીઓની બદલીના મુદ્દે અણબનાવ થયો અને ઈનામદારની સજાકીય બદલી પૂણેના રીચર્સ સેન્ટરમાં કરી દેવાઈ એટલે ઈનામદારે રાજીનામું ધરી દીધું અને થોડા સમયમાં રોનાલ્ડ મેન્ડોસાએ મુંબઈના પોલીસ કમિશનર પદેથી બદલી માગી લીધી. આ સ્થિતિનો લાભ ઉઠાવીને અંડરવર્લ્ડના શૂટર્સે 2000ના વર્ષની શરૂઆત પોલીસના બે ખબરીઓની હત્યાથી કરી હતી.

જેલમાં પુરાયેલા સુભાષ સિંઘ ઠાકુરના શૂટર સુનિલ વિશ્વનાથ ગાયકવાડ અને સચિન ખાંબે 2 જાન્યુઆરી, 2000ની સવારે મુંબઈના વિક્રોલી પાર્કસાઈટ વિસ્તારમાં ઝિયાઉદ્દીન હક નામના પોલીસ ખબરીના ઘરે પહોંચી ગયા. તેમણે ઝિયાઉદ્દીન હકને બહાર બોલાવ્યો. ઝિયાઉદ્દીન ઊંઘમાંથી ઊઠીને આંખો ચોળતો ચોળતો દરવાજા પાસે આવ્યો એ સાથે જ તેના શરીરમાં અડધો ડઝન ગોળીઓ ધરબીને સુભાષ સિંઘ ઠાકુરના બંને શૂટર્સ નાસી છૂટ્યા. એ ઘટના પછી બીજા જ દિવસે એટલે કે 3 જાન્યુઆરી, 2000ના દિવસે મુંબઈના દાદર વિસ્તારમાં અશોક નામદેવ નામના બીજા એક પોલીસ ખબરીની હત્યા થઈ.

આ દરમિયાન છોટા રાજન અને દાઉદના શૂટર્સ પણ ફરી એકવાર મેદાનમાં આવી ગયા હતા. છોટા શકીલે 25 ફેબ્રુઆરી, 2000ના દિવસે ડોંગરી વિસ્તારમાં છોટા રાજન સાથે સંકળાયેલા અંજુમ મેમનની હત્યા કરાવી તો સામે રાજનના શૂટર્સે છોટા શકીલ અને દાઉદને જડબાતોડ જવાબ આપવા માટે એક યોજના ઘડી કાઢી. છોટા રાજન ગેંગની એ યોજનાના છાંટા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અઝહરુદ્દીનથી માંડીને કેટલાક ફિલ્મ સ્ટાર્સ સુધી ઊડ્યા અને ક્રિકેટ મેચના ફિક્સિંગ સાથે દાઉદના સંબંધ વિશે પણ ઘણી માહિતી બહાર આવી. છોટા રાજને એક કાંકરે અનેક પક્ષી મારી દીધા હતાં.

***

23 એપ્રિલ, 2000ની રાતના 8.00 કલાકે હાજી અલી દરગાહ સામે, હીરા પન્ના શોપિંગ સેન્ટરની બહાર છોટા રાજન ગેંગના ત્રણ શૂટર હીરાના વેપારી અશરફ પટેલની રહા જોઈ ગોઠવાયા હતા. હીરા-પન્ના શોપિંગ સેન્ટરમાં અનેક દુકાનો ધરાવતો અશરફ પટેલ ક્રિકેટ મેચ ફિક્સિંગ સાથે સંકળાયેલો હતો અને તેનો સંબંધ દાઉદ સાથે પણ હતો એવી માહિતીની ચકાસણી કર્યા પછી રાજને તેના નામનું ડેથ વોરંટ ઈસ્યું કર્યું હતું. અને રાજનના આદેશ પ્રમાણે તેના ત્રણ શાર્પ શૂટર અશરફ પટેલ બહાર નીકળે તે સાથે તેને ગોળીએ દેવા માટે ટાંપીને બેઠા હતા.

8.15 કલાકે અશરફ પટેલ હીરા પન્ના શોપિંગ સેન્ટરની બહાર નીકળ્યો, પણ તેની સાથે કારમાં બેઠેલા એક અત્યંત પાવરફુલ અને પ્રખ્યાત માણસને જોઈને છોટા રાજનના શૂટર્સ ડઘાઈ ગયા. રાજનના શૂટર્સ આ સ્થિતિમાં શું કરવું એનો નિર્ણય લે એ પહેલાં તો અશરફ પટેલની કાર આગળ નીકળી ગઈ.

છોટા રાજન સુધી આ વાત પહોંચી ત્યારે તેના દિમાગનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેણે તેના શૂટર્સને મણમણની ચોપડાવી અને ચોવીસ કલાકમાં અશરફ પટેલને ગમે ત્યાથી શોધીને પતાવી દેવાનો આદેશ આપ્યો અને રાજનના શૂટર્સે નવેસરથી અશરફ પટેલની પાછળ વોચ ગોઠવી દીધી.

***

24 એપ્રિલ, 2000ના સાંજના 6.00 કલાકે મુંબઈના અગ્રીપાડા વિસ્તારમાં 40 વર્ષીય અશરફ પટેલ તેના ઘરની બહાર નીકળ્યો એ સાથે જ તેની છાતીમાં ધક્કો લાગ્યો. અશરફ પટેલ કંઈ વિચારી શકે એ પહેલાં તો પાંચ ગોળી તેના શરીરમાં ધરબાઈ ગઈ હતી. તે કપાયેલા ઝાડની જેમ જમીન ઉપર પટકાયો. પછી થોડી ક્ષણ સુધી તરફડિયાં મારીને તેનું શરીર શાંત પડી ગયું.

***

હીરાના વેપારી અશરફ પટેલની હત્યાના અંડરવર્લ્ડ અને ક્રિકેટની બુકીઓની અને મેચ ફિક્સર્સની જમાતમાં સોપો પડી ગયો. દાઉદને કરાચીમાં આ ખબર મળ્યા ત્યારે તે પણ અસ્વસ્થ થઈ ગયો. પણ બીજી બાજુ છોટા રાજન ટેસમાં આવી ગયો હતો. તેણે એક મુમ્બૈયા અખબારે સામેથી ફોન કરીને કહ્યું કે, ‘અશરફ પટેલની હત્યા મેં જ કરાવી હતી અને હજી હું બીજા બે બુકીઓને પતાવી દેવાનો છું. મેં અશરફ પટેલની હત્યા મેચ ફિક્સિંગને કારણે કરાવી છે. દાઉદ મેચ ફિક્સિંગમાં અશરફ પટેલની મદદ લેતો હતો અને અશરફ દાઉદને મળવા અવારનવાર કરાચી જતો હતો.’

છોટા રાજને આ વાત જાહેર કરી એ પહેલાં મુંબઈ પોલીસે અશરફ પટેલની હત્યાના આરોપ હેઠળ રાજન ગેંગના ત્રણ શૂટરની ધરપકડ કરી હતી. એ શૂટર્સે પોલીસને કહ્યું કે અશરફ પટેલની હત્યાના આગલા દિવસે જ અમે તેને મારી નાખ્યો હોત, પણ એ દિવસે તે એક પ્રખ્યાત અને પાવરફુલ માણસની સાથે હતો એટલે અમે બે ક્ષણ માટે અચકાયા એમાં એ બચીને નીકળી ગયો હતો!

દાઉદના દોસ્ત અશરફ પટેલની સાથે જે વ્યક્તિ કારમાં નીકળી હતી તેનું નામ છોટા રાજનના શૂટર્સે પોલીસને કહ્યું અને એ નામ બહાર આવ્યું ત્યારે અંડરવર્લ્ડને તો નવાઈ ન લાગી પણ ઈન્ડિયન ક્રિકેટવર્લ્ડમાં જાણે ભૂકંપ આવી ગયો!

(ક્રમશ:)