Maro Shu Vaank - 17 books and stories free download online pdf in Gujarati

મારો શું વાંક ? - 17

મારો શું વાંક ?

પ્રકરણ - 17

સવારનાં પહોરમાં ભાવના અને જુલેખા વચ્ચે તડમજીક ઝગડો ચાલુ થઈ ગયો તો... જુલેખા ઘડીક કચ્છીમાં, ઘડીક બાવા હિન્દીમાં તો ઘડીક ગુજરાતીમાં બોલતી હતી. તો સામે ભાવના એની હારે બાવા હિન્દીમાં વાત કરતી હતી.... બંને વચ્ચે એક જ દોરી ઉપર કપડાં સૂકવવાની વાત ઉપર ઝગડો ચાલી રહ્યો હતો. ભાવના બોલી... ”તું મુરઘાં ખાતી હેગી ઓર એસે જ્યું-ત્યું ધોયેલે ગંધવાળે લૂગડે મેરી દોરી પે ડાલતી હેગી... ” મુરઘાંનું નામ સાંભળતા મનુનાં મોંઢામાં પાણી આવી ગયું. મનુ ભાવનાથી છુપાઈને જ્યારે જુલેખા ઘરમાં ના હોય ત્યારે ઇબ્રાહીમ હારે બેસીને મુરઘાંનું શાક ખાતો.

જુલેખા કચ્છીમાં બોલી.... ”હે માં ! છટ્ટારી... તું પંઢ કે નેર... કેરી ગોબરી આય.... આઉંને મુંજા કપડાં બોય ચોખ્ખા આય.... સમજણ મેં આયા છટ્ટારી.... તેરી જીભ કુ કાબૂમે રાખજે નકર કચ્છ કે રણ મે લઈ જા કે દાટ દઉંગી... સમજણ મે આયા છટ્ટારી.... ”

ભાવના તાડૂકીને બોલી... ”હવે જા કચ્છણ ! તું હું મને કચ્છનાં રણમાં દાટતી તી... મેં તેરેકું અપળે ગામકે તળાવ મેં ડૂબાડ ના દવ તો મેં મેરે બાપ કે પેટ કી નઇ... અને આ દોરી મારી છે... આ બેય બાંબુ જમીનમાં મેં ખોળ્યા છે.... તો તું કચ્છણ કાયકી ઇસકે ઉપર તેરે ગંધારે કપડે સૂકાતી હેગી .... ”

જુલેખા હવે મોટા સાદે બોલી.... હેટ છટ્ટારી ! તું ખાટ્ટા ઢોકળાં ખાણેવાલી... તારા અંદર હિમ્મત આય મને તળાવમાં ફેંકને કી? છટ્ટારી.... જો જમીન મેં ખોળેલો બાંબુ તુજો આય તો દોરી મૂજી આય.... આઉં બાંધિયા હી દોરીકે... તો હી દોરી મૂજી આય.... સમજણ મેં આયા છટ્ટારી..... તું આ કચ્છણ કુ ની પોગ સક... એટલે મૂંગી મર ને તેરે કામ કુ જા.... છટ્ટારી..... ”

ઇબ્રાહીમ ભાવના પાસે આવ્યો અને એને હાથ પકડીને ઘરમાં લઈ ગયો ... અને બોલ્યો.... શું કાકી! મારી માં ને તમે ઓળખો તો છો... તમે તો આટલા સમજદાર છો... શું ખાલી-ખોટી મગજમારી કરો છો.... તમે તો મારી બધીય વાત માનો છો... એટલે હવે ચૂપ થઈ જાઓ.

ઇબ્રાહીમનાં માથે હાથ ફેરવીને ભાવના બોલી.... મારો સલમાન ખાન! તું તો મારો દીકરો છે... એટલે તારી વાત માનું છું... નકર તારી આ કચ્છણ માં ને ક્યાંય મૂકી આવું... પોતાને સલમાન કીધું એ સાંભળીને ઇબ્રાહીમ થોડોક ફુલાઈ ગયો અને ભાવનાને ગળે લગાડીને તેનાં કપાળ પર વ્હાલભરી ચૂમ્મી કરી લીધી...

બીજીબાજુ જુલેખાને શાંત કરાવવા મનુ એને પાનો ચડાવી રહ્યો તો... જુલેખા બેન ! તમે તો હમજદાર.... મને ખબર છે તમે બોવ ચોખ્ખાં છો... આ મમતાની માં તો અમથી કચકચ કરે છે... પાછી એ તમને પોગીય નહીં શકે... એટલે મૂકોને આ ખોટી માથાકૂટ.... મનુની વાત માનીને જુલેખા બોલી... આ તો તમે સમજદાર માણસ કઈ રહ્યા છો એટલે માની જાઉં છું... નકર આ તમારી છટ્ટારી બાયડીકું આંવ કાઇં મૂક આવું...

રહેમત વહેલી સવારથી જ જાવેદ હારે ખેતરે પોગી ગઈ હતી.... ધીમે-ધીમે બધાંય દાળિયાઓય તેમના કામે આવી રહ્યા હતા. મગફળીનો પાક ઉપડાઈ ગયો હોવાથી હવે એ જમીનને જાવેદ ટ્રેક્ટર વડે ખેડી રહ્યો તો અને સમતોલ કરી રહ્યો હતો...

રહેમત દૂર ઊભી રહીને આ બધુ જોઈ રહી તી... રહેમતને ટ્રેક્ટર ચલાવતાં શીખવાની ઇચ્છા થતી હતી પણ જાવેદને કેવાની તેની હિમ્મત નહોતી થાતી.

ત્યાં જાવેદે જોરથી બૂમ પાડી.... રહેમત! યાં ઊભી-ઊભી શું કરેશ? અયાં આવ બેટા... તારે ટ્રેક્ટર ચલાવતાં શીખવાનું છે... એ શીખવુંય તારા માટે જરૂરી છે.

વગર કીધે પોતાનાં મનની વાત જાણી લેનાર જાવેદની અંદર રહેમતને પોતાનાં અબ્બા દેખાતા હતા... રહેમત ભાગતા પગલે જાવેદ તરફ દોડી અને બોલી.... હા ભાઈ! આવું છું....

જાવેદ ટ્રેક્ટર ઉપરથી ઉતરીને નીચે ઊભો તો... ચહેરા ઉપર મુસ્કાન સાથે દોડીને થાકી ગયેલી હાંફતી રહેમત જાવેદ પાસે પહોચી.... હવે તે જોરથી હસવા લાગી તી... રહેમતને ઘણાં સમય પછી આવી રીતે હસતાં જોઈને જાવેદનાં ચહેરા ઉપરેય મુસ્કાન આવી ગઈ હતી...

હસતાં ચહેરે જાવેદ બોલ્યો... કેમ બેટા! આજે હું ગાંડા જેવો લાગુ છું... જે તું મને જોઈને આમ હસી રહી છે... તું જો રોજ આમ જ હસતી રે તો રોજ હું મારી દીકરી... તારા માટે ગાંડો બનવા તૈયાર છું.

રહેમત પાછું જોરથી હસીને બોલી... શું ભાઈ! તમેય... તમે ગાંડા થોડી છો.. તમે તો વગર કહ્યે મારી વાત સમજી જનાર મારા મોટા ભાઈ છો.

મને ચોકલેટ ખાવાનું મન થાય ત્યારે વગર કહ્યે મારા અબ્બા મારા ચહેરાનાં ભાવ જાણી લેતા અને સાંજે મારી ચોકલેટ હાજર હોય... એવી જ રીતે ભાઈ તમને ટ્રેક્ટર ચલાવતાં જોઈને મને ટ્રેક્ટર શીખવાની ઇચ્છા થઈ તી પણ તમને કેવાની હિમ્મત નોતી થાતી... પણ તમે મારા વગર કહ્યે અબ્બાની જેમ મારા મનની વાત જાણી લીધી એટલે મારા માટે આવેલી ચોકલેટ જોઈને જેમ હું હસી પડતી તી એવી રીતે આજેય હું હસી પડી...

હા તો ... તારા મનની વાત હું જાણી જ લઉં ને... એમને એમ તારો બાપ થોડી બન્યો છું... મારી દીકરીનાં મનમાં શું હાલે છે એ હું ના જાણું તો બીજું કોણ જાણે? રહેમતનાં માથે વ્હાલભરી ટાપલી મારીને બોલ્યો... હાલ... હવે વાતૂડી! કામે લાગ.... ટ્રેક્ટર ઉપર ચડ... હું હલાવું એ જો પછી તનેય ટ્રેક્ટર હલાવતા શીખવાડું...

લગભગ આઠથી દસ ચક્કર લગાવીને ટ્રેક્ટર કઈ રીતે હલાવાય એ રહેમતને દેખાડ્યું... પછી રહેમતને સીટ ઉપર બેસાડી અને પોતે બાજુમાં બેસીને ટ્રેક્ટરનું સ્ટિયરિંગ રહેમતનાં હાથમાં સોંપી દીધું.... રહેમત ધીરે-ધીરે ટ્રેક્ટર ચલાવવા માંડી... સ્ટિયરિંગ કાબૂ બહાર જતો રે તો જાવેદ તેને સંભાળી લે.... અને કહેતો જાય... આમ જ ટ્રેક્ટર ચલાવતાં શીખાય...

કામે આવેલા દાળિયાઓ કામ કરતાં જાય અને રહેમતને ટ્રેક્ટર ચલાવતી જોતાં જાય... શર્ટ કાઢીને પોતાની સલમાન જેવી બોડી બધાં ને દેખાય એ રીતે કામ કરતાં ઇબ્રાહીમ આગળ રહેમત ટ્રેક્ટર ચલાવીને જાય ત્યારે.. ઇબ્રાહીમ સલમાન ખાનનો ડાયલોગ મારે... ”કમ ઓન... રહેમત બેન ! એક બાર જો ટ્રેક્ટર ચલાને કી કમિટમેંટ કર દી તો ફીર અપનેઆપ કી ભી મત સુનના... ”

રહેમત પાછી ઇબ્રાહિમને પાનો ચડાવે અને કહે.... ભલે સલમાન ભાઈ ! ત્યાં તો ઇબ્રાહિમ મલકાતો પાછો એ જ ડાયલોગ મારે.. ત્યાં જાવેદ હાકોટો કરીને બોલ્યો... એ નાગા ! કપડાં પેર ને છાનોમાનો કામ કરવાં મંડ. આ સાંભળીને રહેમત ખિલખિલાટ હસવા માંડી તો જાવેદ એનેય ખીજાણો... શું ખી.. ખી.... કરેશ.... તુય છાનીમુની ટ્રેક્ટર હલાવવા મંડ... જાવેદની વાત સાંભળીને રહેમત વધારે જોર-જોરથી હસવા માંડી... અને જાણે રહેમતનાં ખિલખિલાતા હાસ્યથી શકુરમિયાનાં ખેતરમાં નવી તાજગી છવાઈ ગઈ હોય એમ રહેમતનાં હાસ્ય સાથે બધાં જ પાક પવનથી લહેરાવા માંડ્યા.

***