Mari Chunteli Laghukathao - 5 books and stories free download online pdf in Gujarati

મારી ચૂંટેલી લઘુકથાઓ - 5

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

મૌનનું પ્રકાશપર્વ

દશેરા પછીના વીસ દિવસો તો જાણેકે કોઈ ઘોડા પર સવાર થઈને ઉડી રહ્યા હતા. બંગલાઓમાં થતી સાફ સફાઈ અને રંગરોગાને એ સ્પષ્ટ કરી દીધું હતું કે પ્રકાશપર્વ નજીક આવી ગયો છે. જે કે વ્હાઈટ સિમેન્ટ વાળી વોલ પુટ્ટી અને એશિયન પેઈન્ટથી રંગેલી દીવાલો બોલી ઉઠી હતી પરંતુ સંપ્રભાત કોલોનીની આ દીવાલોની વચ્ચે પાંચ મકાનો એવા પણ હતા જેમની દીવાલો વર્ષોથી બોલવાનું જાણેકે ભૂલી ગઈ હતી. તેમના સંતાનો પોતાના વડીલોને પોતાના દેશમાં એકલા છોડી જઈને વિદેશમાં વસી ગયા હતા.

આ વડીલો સવારે ચાલીને આવ્યા બાદ ઉંચી દીવાલો અને દરવાજાઓ વચ્ચે ઘેરાયેલા પોતાના આલીશાન બંગલાઓની લોનમાં પડેલી આરામ ખુરશીઓ પર બેસીને લોનને એકીટશે જોઈ રહ્યા હતા. માળીની ખુરપી ચાલી રહી હતી અને ગેટ પર દરવાન ચોક્કસાઈ સાથે ઉભો હતો પરંતુ તેના તરફ તેમનું ધ્યાન ન હતું. તેમનો દિવસ તો ત્યારે આગળ વધતો હતો જ્યારે કામવાળી બાઈઓ ગેટમાંથી અંદર પ્રવેશ કરતી હોય છે. સાફસૂફી થાય છે, ચા-નાસ્તો મળે છે અને બપોરનું ભોજન પેક થાય છે. થોડી વખત માટે આ મૌન તૂટે છે પરંતુ ફરીથી એ વેતાળની માફક ફરીથી આવીને અહીં પ્રસરી જાય છે.

આ વડીલો માટે દિવાળી-દશેરાનું કોઈ ખાસ મહત્ત્વ નથી રહ્યું. વિદેશોથી પોતાના સગાંઓના ફોન કોલ્સ, ‘હાય-હેલ્લો, ‘હેપ્પી દિવાલી’, ‘હેપ્પી દશેરા’... બસ આટલું જ! આ તમામ શરીરથી એકદમ તંદુરસ્ત દેખાય છે પરંતુ એક લાંબો થાક તેમની રગ રગમાં ભરાઈ રહ્યો છે. આ પાંચેય દરરોજ એકબીજાને મળે છે, લાંબી લાંબી વાતો કરે છે, પોતાની યુવાનીના દિવસોને ફરીથી યાદ કરે છે, પરંતુ પેલા થાકથી પોતાને અલગ નથી કરી શકતા.

આજે દિવાળીની સવારે જ્યારે આ પાંચેય સવારે ચાલીને આવ્યા બાદ ઉંચી દીવાલો વચ્ચે આવેલી એક લોનમાં પડેલી ખુરશીઓ પર બેસી ગયા ત્યારે એ દીવાલોએ બહુ લાંબો સમય ગણગણાટ સાંભળ્યા કર્યો. પોતપોતાના માલિકોના મોટા દરવાજાઓને બંધ જોઇને જ્યારે પાંચેય કામવાળી બાઈઓ આ દીવાલોની વચ્ચે પહોંચી ત્યારે અહીં ખડખડાટ હાસ્ય ફેલાયેલું હતું. તેઓ કશું જ સમજી ન શકી અને પોતપોતાના દિવસને આગળ વધારવા અંતે અંદર જતી રહી.

સવારનો નાસ્તો એકસાથે કર્યા બાદ એ તમામ પોતપોતાનો થાક સંકેલીને એક નિર્ણય કરી ચૂક્યા હતા.

લક્ષ્મી પૂજન બાદ જ્યારે આ વડીલો પોતપોતાના પરિવારો સાથે કોલોનીમાં પ્રસરેલા પ્રકાશપર્વને જોવા માટે અગાસીઓમાં પહોંચ્યા તો તેમની આંખો સામે એક અદભુત દ્રશ્ય ઉભું થઇ ગયું હતું.

બાજુમાં જ આવેલી કામદારોની કોલોનીમાં મીણબત્તીઓ, દીવો અને વિજળીની સેરનો પ્રકાશ ઝગમગાટ સાથે ફેલાઈ ગયો હતો. સંપ્રભાત કોલોનીના પેલા પાંચેય વડીલો બાળકોની સાથે ગોળ ગોળ ફરતા તાળીઓ વગાડી રહ્યા હતા, નાનાનાના ફટાકડાઓ ફોડી રહ્યા હતા.

***