Mari Chunteli Laghukathao - 10 books and stories free download online pdf in Gujarati

મારી ચૂંટેલી લઘુકથાઓ - 10

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

એક મૂરખનો કદમતાલ

સમયના ચક્રને ઉલટું ફેરવી શકાતું નથી. હા, બનવારી લાલ આજે આ વસ્તુ બરોબર સમજી રહ્યો હતો. સમય ચાળીસ વર્ષ આગળ જતો રહ્યો હતો પરંતુ એ ત્યાંજ ઉભો ઉભો કદમતાલ કરી રહ્યો હતો. તેણે પણ ઘણી વખત સમય સાથે આગળ ચાલવાની કોશિશ કરી પરંતુ પરંપરાઓ અને જવાબદારીઓથી બંધાયેલા તેના પગે હમેશા તેને એમ કરવાથી મનાઈ કરી દીધી હતી એટલે એ લાચાર બનીને સદાય ત્યાંજ ઉભો રહી ગયો હતો.

જ્યારે બધુંજ બદલાઈ ગયું છે ત્યારે તેના પણ શા માટે કદમતાલ બંધ કરીને આગળ નથી વધતા? ત્રણેય નાના ભાઈઓ પોતપોતાની સુવિધાઓ ઉભી કરીને શહેરોમાં જઈ વસ્યા છે. તેમના બાળકો હવે સરકારી નોકરીઓમાં અધિકારીઓ છે, કેટલાક તો વિદેશ સુધી પહોંચી ગયા છે પણ તે અને તેનો પુત્ર આજ સુધી ગામડાના આ કાચા મકાનનો ઉંબરો ઓળંગી શક્યા નથી. પિતાના આશિર્વાદ તો નાનપણમાં જ ચારેય ભાઈઓના નસીબમાંથી વિદાય લઇ ચૂક્યા હતા અને આથી તે પેલા ત્રણેયનો પિતા બની ગયો. જમીન થોડી જ હતી એ તો મા નો ખંત અને તેની તનતોડ મહેનત હતી કે તેણે તમામ નાના ભાઈઓને આ કાદવથી દૂર રાખ્યા હતા.

ચારેય પુત્રોની એ ખંતીલી માતાની લીલા કાલે રાત્રે સમાપ્ત થઇ ગઈ હતી અને આજે બપોરે તે પોતાના પુત્રોના ખભે સવાર થઈને પોતાની અંતિમ યાત્રા પર જઈ ચૂકી હતી. રાત્રીના પ્રથમ પ્રહરમાં ચારેય ભાઈઓનો આખો પરિવાર પોતાના કાચા મકાનની બેઠકમાં ભેગો થયો હતો.

“મોટા ભાઈ, હવે ગામની જમીન અને ઘરના ભાગ પડી જાય તો સારું.” નાનાએ કહ્યું તો બનવારીલાલ કોઈ મૂરખની જેમ તેની સામે જોવા લાગ્યો.

“હા, હવે અમારું ગામડે આવવાનું ક્યાં થશે? માં હતી તો...” વચલાએ જાણીજોઈને પોતાની વાત અધુરી મૂકી દીધી તો મૂરખાની ગરદન એ તરફ ફરી ગઈ.

શાંત વાતાવરણમાં ત્રણેયની બોલાચાલી વધી રહી હતી. બનવારીલાલને લાગી રહ્યું હતું કે સમયનું ચક્ર ખૂબ તેજ ગતિથી ફ્રી રહ્યું છે અને તે ત્યાંજ ઉભો ઉભો કદમતાલ કરી રહ્યો છે. પણ આ શું! તેના પગ નીચેની જમીન તો છે જ નહીં!

***