Mari Chunteli Laghukathao - 7 books and stories free download online pdf in Gujarati

મારી ચૂંટેલી લઘુકથાઓ - 7

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

હા, હું જીતવા માંગું છું

“આવો, જિંદગી સાથે કેટલીક વાતો કરીએ.” હા, અનુપમ ખેરે એક ટીવીમાં આવતી જાહેરાતમાં આમ જ તો કહ્યું હતું.

એ પણ છેલ્લા સાઈઠ વર્ષથી પોતાની જિંદગી સાથે વાતો કરે છે પણ જિંદગીએ તો જાણે કે તેની વાત કોઈ દિવસ સાંભળી જ ન હતી.

તેણે પોતાના બાળપણ સાથે વાત કરી હતી. સફેદ શર્ટ અને પેન્ટ પહેરીને ક્રિકેટનું બેટ ઘુમાવવાની વાત કરી હતી પરંતુ જિંદગીએ તેની વાતો સાંભળવાની જગ્યાએ તેના પિતાની વાતો સાંભળી અને તેને ફૂટબોલનો ખેલાડી બનાવી દીધો. પરિણામ આવ્યું શૂન્ય.

બાળપણથી યુવાવસ્થા આવવા સુધીમાં તેણે પોતાની જિંદગી સાથે ધીમા અવાજે વાતો કરી. આ જિંદગી સાથે પોતાના સપનાઓ વિષે વાત કરવાનો સમય હતો. તેણે જિંદગી પાસેથી પ્રોફેસર બનવાના પોતાના સપના વિષે વાત કરી, પરંતુ આ સમયે પણ જિંદગીએ તેના નસીબની વાત સાંભળી. પિતાના અચાનક થયેલા અવસાનને કારણે તે ભારત સરકારમાં એક મામુલી ક્લાર્ક બનીને રહી ગયો.

ત્યારબાદ અત્યારસુધી તે જિંદગી સાથે વાતો કરવાની અને પોતાની તકલીફો કહેવાની ખૂબ મહેનત કરતો રહ્યો પરંતુ જિંદગીએ તેને આ આંધળી દોડમાં ધકેલી દીધો હતો જેમાં તેને જરાક ઉભા રહીને વાતો કરવાની તક જ ન મળી. ઘર, પરિવાર, બાળકો અને તેની જવાબદારી...આવામાં એ ક્યાં સુધી જિંદગી સાથે પોતાની મનની વાતો કરી શકે? ક્યારે એ પોતાની વાતો મનાવી શકવાનો હતો? બસ એ તો કાયમ હારતો જ રહ્યો.

આજે એ નોકરીમાંથી નિવૃત્ત થઇ રહ્યો છે. કાર્યાલયમાં તેને વિદાયની પાર્ટી આપવામાં આવી રહી છે. અત્યારેજ એક અધિકારીએ તેના સેવા સમયની પ્રશંસા કરતા એ જાણવા માંગ્યું કે તે હવે આગળ શું કરવા માંગે છે?

“હું જિંદગી સાથે ખુલીને વાતો કરવા માંગુ છું. ફક્ત વાતો જ કરવા નથી માંગતો પરંતુ જિંદગી પાસે મારી વાતો મનાવવા પણ માંગું છું. હા હું જીતવા માંગુ છું.” બસ આટલું જ બોલી શક્યો અને પછી તેણે પોતાના બંને હાથને જોડી દીધા હતા.

***