Dervatu books and stories free download online pdf in Gujarati

દેરવટું

સાદુળ ને ગયા આજે બાર દિવસ થઈ ગયા. આજે તેનું બારમું પણ ઉકલી ગયું. આટલા દિવસ કુટુંબ, સગા વહાલા નાં આવન-જાવન અને રોકકળથી ઘર ગાજતું હતું. બારમાની વિધી પતી અને સૌ ધીમે ધીમે વિખેરાવા લાગ્યા. ઘરમાં છેલ્લે વધ્યા સાદુળ ના વિધવા અને સાદુળ ના અવસાનથી રડી રડીને ખોખલું થઈ ગયેલા બા, અડવા નાક, કાન
અને ગળા વાળી ને સૂઝી ગયેલી આંખો વાળી સાદુળ ની વિધવા પત્ની કંચન, જેને વહેવાર કે હિસાબ કિતાબ અને દુનિયાદારીની કશી જ ખબર નથી પડતી ને નકરો રાત દિવસ ખેતીમાં મજૂરની જેમ કામ કર્યા કરે તે સાદુ‌‌ળ નો ભાઈ શંભુ અને...... ઘોર ઉદાસી.

સાદુળ બધી રીતે પૂરો હતો. દેખાવે પાંચ હાથ પૂરો, શરીરે લોઠકો અને બોલવામાં તો કોઈ રાજકારભાર માંં ચાલે તેવો હોંશિયાર. તેની ખેેતી ગામને જોવા આવી પડે તેવી. દર વર્ષે બે પાંચ વિઘા જમીન ખરીદે એવી તો તે નીપજ લેતો. ફરતા પાંચ ગામમાં સારા મોળા પ્રસંગમાં તેણે આર્થિિક ટેકો દઈને ઘણાની આબરુ બચાવેલી. પાંચ વર્ષ પહેલા તેના લગ્ન થયા.

એ વખતેેે આખા ગામની બાયુના મોઢે એક જ વાત કે, " સાદુળ ની વહુ જેવી રૂપાળી ગામમાંં કોઈ બાય નથી."

કંચન પણ નામ પ્રમાણે જ ગુણ હતા. ગોરો વાન, સાદુળ ને લગોલગ પહોંચે એટલી ઊંચાઈ, સપ્રમાણ બાંધો. નવી જાંજરી પહેરી રૂમઝૂમ કરતી ગામના પાદરે આવેલ કુવે પાણી ભરવા જાય ત્યારે બજારમાં અને ઓટલે જુવાનિયાથી લઈ બુઝર્ગ સુધીના ની લાઈન જામી જતી. જુવાનિયા સીધી નજરેે જોતા તો ગઢીયા ત્રાંસી નજરેે જોતા ને પાછા વાતો કરે,

"માળા આ કોના વહુવારું છે?" બીજા તેમાં સાથ આપે, "નમણા છે કા?"

કંચન ના રૂપ ની વાત દેહળ ને મળી. પાણી ભરવાના સમયે દેહળ બળદ પાવા ગામ કુવે આવેલા હવેેેડે પહોંચ્યો. બળદ પાતા પાતા તે કંચન ને કૂવામાંથી પાણીની ભરેલી ગાગર દોરડે ખેચતી જોઈને, મનોમન કંચન પાણી પીતો રહ્યો. નેેેે મોટો નિ:સાસો નાખ્યો. પણ કરે શું? તે સાદુળ ને એકેય રીતે પહોંચી શકે તેમ નહોતો.

શંભુ સાદુળ નો નાનો ભાઈ. તેણે નાનપણથી ખેતી જ કરેલી. સવારે જાગી બળદ જોડી ગાડુ લઇ વાડી ભેગો થઈ જાય તે રાત્રે પાછો ઘરે આવી થાક્યોપાક્યો સુઈ જાય. તેને બીજી કંઈ ખબર ન પડે. સ્વભાવે ખૂબ શરમાળ. ને કોઈના સંપર્ક માં ન આવવાથી ને ઝીણા અવાજને કારણે થોડો બાયલો પણ લાગે. પરંતુુુ સાદુળ ની ઓથમાં તેને ક્યારેય મુશ્કેલી નહોતી પડતી. તેેે પોતાનું કામ કરે રાખે.બે ટંકનું જમવાનું ને વર્ષે બે-ત્રણ જોડી કપડા, એ પણ સાદુળ શહેરમાંથી ખરીદી લાવે તેમાં રાજી. મા ક્યારેક કહે, " હવે તને પરણાવવો પડશે ને? " ત્યારેે શંભુ શરમાઈને આઘોપાછો થઈ જતો.

બારમું પતી ગયું. આવેલા મહેમાનો માં સાદુળ ના મામા અને મોટા બનેવી રોકાયા. બારમાના જમણવાર નાં ખર્ચના ચુકવણા, માથે આવી રહેલ વાવણીની સીઝન માટે ખાતર, બિયારણ ની વ્યવસ્થા ક્યાંથી ને કેવી રીતે કરવી તેની ગોઠવણ કરતા હતા. શંભુ તો નીચું જોઈ લમણે હાથ દઈ બેઠો હતો. પણ કંચન માં જાણે હિંમત આવી ગઈ હતી. તે બધું સમજી ને ફટાફટ ઉકેલવા લાગી. ખાતર, બિયારણ ક્યાંથી લાવવુ, પૈસાના ચૂકવણાં કેમ કરવા બધુ ગોઠવવા લાગી.

આ ધા ઉપર દિવસોના પડ ચડવા લાગ્યા. બધા પોતપોતાના કામમાં લાગી ગયા. બધા ને આ અણધારી ઘટના નું દુઃખ તો છે. પણ કોઈ રસ્તો નથી. બે-ચાર મહિના પછી ફરી મામા અને બનેવી આંટો આવ્યા. તેણે સાદુળ ના બા ને સમજાવ્યા. "કંચન હજી જુવાન જોધ છે, પૂખડું ય નાનું નથી. હજી તેને બીજું ઘર મળી રહે." સાંભળીને કંચન લાજ કાઢી બહાર આવી, " મારા ભાગ્યમાં જેે હતું તે થયું. આ જનમે હું બીજે નહીં જાવ. મારી નનામી આ ઘરેથી જ ઉપડશે." વળી વડીલ વિચારવા લાગ્યા. ઘણી વારે બોલ્યા, " તો જો ખોટું ના લગાડો તો એક રસ્તો છે આ ઘરે રેવા નો. શંભુ નો હાથ થામી લ્યો."
શંભુ ક્યારનો નીચું જોઇ બેઠો હતો તે કારમો ઉંચુ જોઇ લાલચોળ મોઢું કરી કહેવા લાગ્યો, "ના...... રે...... કંચન મારી ભાભી છે તમે કો છો એ તો ક્યારેય ન બને."

વળી શાંતિ પ્રસરી ગઇ. અનુભવી આંખો વાળા ડોસી બોલ્યાં, " ભાઈ, તારે ક્યાં કંચન હારે સંસાર માંડવો છે? આ તો સમાજના મોઢે વાતું નો થાય ને કંચન આ ઘરમાં પડી રે એટલા હારુ તને કેવી. માની જા તો હારુ ભાઈ નકર આમેેય મારા ભાગમાં તો દુઃખ જ છે." આટલું બોલી ઘરડી આંખોમાંથી આંસુડા સરી પડ્યા.

આખી રાતની સમજાવટ પછી પણ કંઈ વળ્યું નહિ. શંભુ સવારે વહેલો ગાડું જોડી વાડીએ જતો રહે. વાસિદા, છાશું ને ઘરકામ કરી કંચન વાડીએ જાય. દેહળ ની દાઢ હવે ગળી. તેે રસ્તામાં કંચન ને આતરવા લાગ્યો. ધીમે ધીમેેે તેની હિંમત વધતી ગઈ. કંચન તો તેના માટે હવે કાંટા વગરનું આકડાં નું મધ.

એ કહેવા લાગ્યો, "આ જન્મારો હુકામ બગાડે સ, મારુ ઘર માંડી લે રાણી બનાવીને રાખીશ."

એક દિવસ તો તેણેે કંચન નું બાવડુ જાલી લીધું. પરંતુ કંચનની વાઘણ જેવી આંખો જોઈ પાછો હટી ગયો.

આજે કંચને મામા અને બનેવીનેે તેડાવ્યા છે. શંભુ ને સમજાવ્યો કે, " તારું નામ મારી હારે લગાડી દે એટલે ઓછાયા આઘા રે.."

બધું સમુસુતરું પાર ઉતરી ગયું. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે કંચને દેરવટુ વાળ્યું. મોઢા એટલી વાતો થવા લાગી. કોઈ કહે, "સારુ થયું બિચારી ભવ તો કાઢી હકસે."

તો કોઈ કહે, " ઈ બાયલો શંભુ કંચન ને શું સુખ દેહે?"

પરંતુ આ વાતને લીધે કંચન થી હવે ઓછાયા થોડા આધા રહેવા લાગ્યા. ને ખાસ દેેેહળ હવે દેખાતો ન હતો. કાયમ ડોશી પાસે ખાટલો રાખી શંભુુુુ સૂતો. કંચન ની પથારી ઘરમાં થતી. આજેેે શંભુ ને બધાએ મળી ઘરમાં પૂર્યો. ઘરમાં જઈ જોયું તો બંને ખાટલાની ઇહું અડીને પથારી કરેલી હતી. શંભુ એ મંદિરમાંથી અંબેમાની છબી લઈ બંને ખાટલા વચ્ચે મૂકી દીધી. ને ગોદડુ ઓઢીને સૂઈ ગયો. કંચન ભાણા ધોઈ પરવારી આવીને જોયું ત્યાં બંનેે ખાટલા વચ્ચે તેને અંબાજી ની છબીના દર્શન થયા. તેનેેેે શંભુ માટે માન થઈ આવ્યું. શંભુ આખો દિવસ નો થાકેલો નસકોરા બોલાવતો હતો. કંચન પણ કાયા સંકોડી માતાજી ને પ્રણામ કરી બાજુના ખાટલે સુઈ ગઈ. ડોશી ને એમ હતુંં કે સમય સમયનું કામ કરશે. પરંતુુુુુુ આ તો રોજિંદો ક્રમ થઈ ગયો.

લગભગ છ મહિનાનો સમય વળી લપસી ગયો આ વાત પરથી. ગામમાં શંભુને બાઈલો કહેવા વાળા પોતેે સાચા હોવાનો પુરાવા તરીકે આ વીતેલા છ મહિના ને રજુ કરવા લાગ્યા. આજે બપોરનો સમય છે. કંચન શંભુ નું ભાત લઈને જઈ રહી છે. રસ્તો સૂમસામ હતો. વોકળામાં ઉતરતા જ દેહળ હાથમાં ડાંગ લઈ મૂછોને વળ દેતો સામે આવી ઊભો રહ્યો. કંચન નો હાથ પકડી તે ઓકળામા ખેંચવા લાગ્યો. કંચન બૂમાબૂમ કરતા તે ગભરાઈ ગયો ને કંચન ને છોડી દીધી.

જતાં-જતાં કહેતો ગયો, "તારા બાયલા થી કાંઈ થાવાનું નથ. આ તારી કાયા ની ભૂખ કેટલા દાડા સહન કરીશ. એક દાડો તો તારે આવવાનું જ છે. મારા થી બચીને ક્યાં જવાની છો??"

આમ કહી મુછે વળ દેતો ડાંગ પછાડતો જતો રહ્યો.

આજે કંચન ને સાદુળ ખૂબ યાદ આવ્યો. એ હતો ત્યારે કોઈની તાકાત ન હતી કેે તેની સામે આંખ ઉંચી કરી જોઈ શકે.

આજે તે ખૂબ રડી. શંભુ હેઠું ખોચીને જમણ ભાતું ખાતો જતો હતો.

કંચન આંસુ સારતી કહેવા લાગી, "તમારો ભાઈ મને હંંગાથ લઇ ગ્યો હોત તો હારુ હતું.આ લોક અને ગામનો ઉતાર દેહળો મને વખ ઘોળાવશે એવું લાગસ."

રોજના નિત્યક્રમ મુજબ શંભુ સાંજે ગાડુ લઇ આવ્યો.બળદ બાંધી નીરણ પૂળો કરી. હાથ-પગ ધોઈ, વાળુ કરી. પથારી ભેળો થઈ ગયો. કંચન વાસણ કુસણ કરી રોજના ક્રમ મુજબ ઘરમાં આવી. તેને તો એમ હતું કે રોજની માફક શંભુ નસકોરા બોલાવતો હશે. પરંતુ આજે તેને આ દ્રશ્ય જોઈનેે નવાઈ લાગી. કાયમ બંનેની પથારી વચ્ચે અંબે માતાની છબી મુકવાની શરતે જ શંભુ એ કંચન ને સ્વીકારી હતી. એટલે કંચન પણ પથારી કરે ત્યારે વચ્ચે અંબે માતાની છબી મૂકી દેતી આ રોજ નો ક્રમ હતો.

શંભુના હાથ માં અંબેે માતાની છબી હતી. તે લઈ મંદિરમાંં પધરાવતો હતો. તે અગરબત્તી કરી ક્યાં સુધી હાથ જોડી માથું નમાવી ઊભો રહ્યો. કંચન દરવાજામાં ઉભી આ બધું જોઈ રહી હતી. પાછા વળેલા શંભુ એ મર્દાના નજરથી કંચન સામે જોયું. કાયમ નીચે નજર રાખનારો શંભુ આજે કંચન ને જુદો જ લાગ્યો. શંભુ ની આ નજર કંચન ખમી ના શકી તે શરમાઈને નીચું જોઈ ગઈ.

તે રાતે ઘરના નાના જાળીયા માંથી દેખાતો પૂનમનો ચાંદ, શંભુ અનેે કંચન આખી રાત સુતા નહીં. કેટલીય રાતોના ઉજાગરા કરતા દીવડાને આજે આખી રાત સુવા મળ્યું.

બીજા દિવસે બરાબર મધ્યાન થવા આવ્યું છે. કંચન નેેેે માથે ભાત છે. આજે કંચન નું રૂપ ખીલી ઉઠયું છે. તેની ચાલમાં પણ આજે ફેર છે.ઝાંઝરી આજે અલગ જ ઝણકાર કરી રહી છે. બરાબર ઓકળાનો ગાળો આવ્યો. સામે દેહળ ડાંગ ના ટેકે મૂછના વળ ચડાવી રહ્યો છે.

સુરજદાદો બરાબર ઉપર આવી રહ્યો છે. ઓછાયા પોતાની જાતને સંકોરવા લાગ્યા છે. દેહળે જોયું તો કંચન ની પાછળ ખભે ડાંગ ને ચોરણી કેડીયુ અને માથે ફાળિયું બાંધી મદમસ્ત ચાલથી શંભુ હાલ્યો આવે છે. કાયમ ફાટેલી, મેલી ચોરણી ને જૂનું પહેરણ, ઉઘાડે માથે નમાલી ચાલ વાળો શંભુ ને જોવા ટેવાયેલી દેહળ ની આંખો આ શંભુ જ છે એ માનવા તૈયાર ન થઈ.

ઘડીક તો તેને લાગ્યુ કે, " સાદુળ જ છે કે શું?"
ઉપરથી સુરજદાદાનો તેજ ને આ બાજુથી શંભુુના તેજથી બધા ઓછાયા ઘડીકમાં જાણે હવાામાં ઓગળી ગયા.

લેખક: અશોકસિંહ ટાંક (૩/૧૨/૧૯)