Maro Shu Vaank - 21 books and stories free download online pdf in Gujarati

મારો શું વાંક ? - 21

મારો શું વાંક ?

પ્રકરણ - 21

નદીનાં અવિરત વહેણની જેમ સમય પણ નિરંતર ગતિ કરી રહ્યો હતો... મહેશશેઠ ખેતપેદાશોનાં પૂરતા ભાવ આપવામાં ખૂબ ઠાગાઠૈયા કરતો એથી એને પડતો મૂક્યો તો... સુમિતને અમદાવાદનાં વેપારીઓ સાથે ખૂબ સારા સંબંધો બંધાઈ ગયા હતા... અને અમદાવાદનાં મોટા વેપારીઓ સાથે જ શકુરમિયાંની ખેતપેદાશોની સોદેબાજી થતી.

રહેમત પણ સુમિતની સાથે ખેતપેદાશોનાં વેપારની ડિલ માટે અમદાવાદ આવતી-જતી થઈ ગઈ હતી અને શહેરી વાતાવરણથી થોડીઘણી ટેવાઇ ગઈ હતી. શકુરમિયાં અને જાવેદ સાથે રહેમત અમદાવાદ આવતી ત્યારે વાંચવાનાં શોખને કારણે લાઈબ્રેરીની અચૂક મુલાકાત લેતી.

મોટા વેપારીઓ સાથે ડિલ કરતી વખતે થોડીઘણી અંગ્રેજીમાં વાત કરવાની આવશ્યક્તા હોવાને કારણે રહેમતે ઇંગ્લિશ વ્યાકરણ અને ઇંગ્લિશમાં લખેલી ચોપડીઓ વાંચીને અંગ્રેજી બોલવામાં ખાસ્સી એવી નિપુણતા હાંસલ કરી લીધી હતી. શહેરમાં આવ-જા કરવાની હોવાથી રહેમતનો પહેરવેશ પણ થોડો શહેરી થઈ ગયો હતો. કોલેજ જતી છોકરીઓ જેવી કુરતી અને લેગિંગ્સ રહેમત પહેરતી થઈ ગઈ હતી પણ માથા ઉપર હમેશાંની જેમ દુપટ્ટો ઓઢેલો જ રાખતી.

સુમિતે આ વખતે શકુરમિયાંનાં તલ, કપાસ અને મગફળીનાં પાક માટે અમદાવાદનાં મોટા વેપારી દાનીશ મન્સુરી સાથે વાત કરી તી... દાનીશ સુમિતના કોલેજના મિત્ર સુરેશનો મિત્ર હતો. સુરેશ અને દાનીશે એક જ ઇન્સ્ટીટ્યુટમાંથી એમબીએ કરેલું હતું... જેથી એક વખત સુરેશનાં ઘરે જ સુમિતની દાનીશ સાથે મુલાકાત થઈ હતી.

દાનીશની ‘શીફા એકસ્પોર્ટ્સ’ નામની એક્સપોર્ટ કંપની હતી.. પોતાની કંપનીનું નામ તેણે પોતાની માં શીફા ઉપરથી રાખ્યું હતું. દાનીશ ભારત અને વિદેશમાં અનાજથી લઈને બધીજ ખાધ્ય પેદાશો અને રૂ જેવાં રો મટિરિયલની પણ નિકાસ કરતો.... ખૂબ જ નાની ઉંમરમાં તે પોતાના ધંધામાં સેટલ થઈ ગયો હતો અને કામનાં કારણે વિદેશ પણ આવતો જતો રહેતો.

દાનીશ મન્સુરી સાથે ખેતપેદાશની ડિલ કરવા અમદાવાદ તેની ઓફિસે સુમિત, જાવેદ અને રહેમત એ ત્રણેય જણાંએ જવાનું હતું... સાંજનાં પાંચ વાગ્યાનો સમય દાનીશે આપ્યો હતો.. કારણકે એ કોઈ કામથી દિલ્હી ગયો હતો અને સાંજ પહેલા એ એમને મળી શકે એમ નહોતો.

બરાબર સાડા ચારનાં ટકોરે સુમિત, રહેમત અને જાવેદ એ ત્રણેય જણાં દાનીશ મન્સુરીની ઓફિસે પહોચી ગયા. સર થોડીવારમાંજ આવવાનાં છે કહીને તેમને રિસેપ્સન હોલમાં બેસાડવામાં આવ્યા.

ત્યાં તો લગભગ ત્રીસેક વરસની ઉંમરના દાનીશ મન્સુરીની ફિલ્મી હીરોની જેમ એન્ટ્રી થઈ....

દાનીશની ગાડી આવતા ચોકીદારે ફટાફટ ગેટ ખોલ્યો અને ગાડીને એન્ટર કરાવી. સફેદ મર્સીડીઝમાંથી દાનીશ બહાર નીકળ્યો... મોટી કંમ્પનીનાં સીઈઓની માફક સૂટ-બૂટનો ટીપીકલ પહેરવેશ તેનો નહોતો. આજનાં નવયુવાન જેવો તે ફંકી પહેરવશ અપનાવતો અને ઓફિસની મિટિંગ્સમાં પણ તેનો આ જ લુક રહેતો.

પાંચ ફૂટ સાત ઇંચની ઊંચાઈ, વ્હાઇટીસ મીડિયમ પ્રકારનો વાન, સહેજ ભૂરા સિલ્કી વાળ, કાળી નાની આંખો, નીચે લેવીસનું સ્લિમ ફિટ જીન્સ અને ઉપર પીટર ઈંગ્લેંડનું પ્લેન વ્હાઇટ ટીશર્ટ અને એની ઉપર ટૂ બટન સ્પોર્ટ કોટનું બ્લેઝર જેકેટ, હાથમાં રોલેક્સની ડેટજસ્ટ ગોલ્ડ ચોકલેટ ડાયલની ઘડિયાળ, પગમાં વૂડલેંડનાં લેધરનાં બ્રાઉન બોટ શૂઝ અને ચહેરા ઉપર રે-બેનનાં સ્ટાઇલિશ એવિએટર સનગ્લાસ સાથે દાનીશની પર્સનાલિટી ખૂબ જ સોહામણી લાગતી હતી.

દાનીશની બોડી રેગ્યુલર કસરતને કારણે કસાયેલા બાંધાની હતી... તેની ઈમેજ ચોકલેટી બોય જેવી નહીં પણ રફ એન્ડ ટફ સ્માર્ટ યુવક જેવી હતી... કોઈપણ છોકરીએ પોતાના માટે પોતાના મનમાં ઊભી કરેલી કોઈ પુરુષની છબીનું બધું જ પરફેક્ટ મટિરિયલ દાનીશની અંદર હતું.

દાનીશ ખૂબ ઈમાનદાર અને ડાઉન ટુ અર્થ પર્સનાલિટી હતો. તેની કંમ્પનીનો આખો સ્ટાફ કોઈપણ છોછ વગર ગમે ત્યારે દાનીશ સાથે ખુલ્લામને વાત કરી શકતા. માલિક હોવાનો રોફ તે ક્યારેય પોતાનાં સ્ટાફ ઉપર ઝાડતો નહોતો.

દાનીશે ચહેરા પરથી સનગ્લાસ હટાવ્યા અને રિસેપ્શન હોલનાં દરવાજા પાસે પહોંચ્યો... ત્યાં બેઠેલા ચોકીદાર કાકા ફટાક દઈને દરવાજો ખોલવા ઊભા થયા... ત્યાં દાનીશે એમને પકડીને પાછા ખુરશી ઉપર બેસાડી દીધા અને પોતાનાં સનગ્લાસ ચોકીદાર કાકાને પહેરાવી દીધા અને હસતાં-હસતાં જાતે જ દરવાજો ખોલીને રિસેપ્શન હોલમાં દાખલ થઈ ગયો.... દાનીશની આ હરકતથી ચોકીદાર કાકાનાં ચહેરા પર પણ સ્મિત રેલાઈ ગયું.

દાનીશ પોતાની કેબિનમાં ગયો અને મળવા આવેલા ક્લાયંટ્સને અંદર મોકલવા રિસેપ્શન ઉપર ફોન કર્યો... રિસેપ્શનિસ્ટે ત્રણેય જણાંને અંદર કેબિનમાં જવા ઈશારો કર્યો.

સુમિત, જાવેદ અને રહેમત દાનીશની કેબિનમાં દાખલ થયા. સુમિતને જોઈને દાનીશ પોતાની ચેર ઉપરથી ઊભો થઈ ગયો અને સુમિત સાથે હાથ મિલાવવા આગળ આવ્યો અને બોલ્યો.... અરે યાર સુમિત ! ઘણાં દિવસ પછી ભૂલો પડ્યો... મળવા આવ્યા કર....

સામે સુમિત પણ એટલી જ ગર્મજોશીથી દાનીશને મળ્યો અને પ્રત્યુતર આપતા બોલ્યો... હા યાર... દાનીશ ! મળવા તો આવવું હોય છે પણ સમય ક્યાં મળે છે...

પછી જાવેદ અને રહેમત સામે હાથ બતાવીને કહ્યું... દાનીશ ! જાવેદભાઈ મારા વરસો જૂનાં પાર્ટનર છે... મારો પરિવાર જ સમજી લે.... મેં તને એમની ખેતપેદાશોનાં વેચાણ કરવાની વાત કરી તી ને... એ-વન ક્વોલિટીનો માલ છે.... એ ઈરાદાથી જ આજે એમને લઈને હું તને મળવા આવ્યો છું.

ઓહ યસ... જાવેદની સાથે હાથ મિલાવીને દાનીશ બોલ્યો... સુમિતે મને તમારી ખેતપેદાશો વિશે જણાવ્યુ તુ.... માથે ઓઢણું ઓઢેલી રહેમતની સામે જોઈને દાનીશે ત્રણેય જણાંને બેસવાનો ઈશારો કર્યો અને એ પણ પોતાની ચેરમાં ગોઠવાયો...

દાનિશ જાવેદની સામે જોઈને બોલ્યો.... ડિડ યૂ બ્રિંગ અ સેમ્પલ્સ?

ફટાક દઈને રહેમતે જવાબ આપ્યો... યસ.... વી બ્રોઉટ સેમ્પલ્સ... અને પોતાનું પર્સ ખોલીને અંદર રાખેલા સેમ્પલ્સ શોધવા લાગી.

દાનીશ એકધારો રહેમતનાં માસુમિયતભર્યા ચહેરા સામે જોઈ રહ્યો... એસીનો ઠંડો પવન રહેમતનાં કોરા વાળની લટોને તેના ઓઢણામાંથી બહાર કાઢીને તેનાં ગાલ ઉપર પાથરી રહ્યો હતો... દાનીશ તેને એકધારો જોઈ રહ્યો છે તેનાથી અજાણ રહેમત ફક્ત પર્સમાંથી સેમ્પલ શોધવામાં મશગુલ હતી.

કેબિનમાં શાંતિ ફેલાઈ ગઈ હતી.. ફક્ત રહેમતનાં પર્સની ચેન ખોલવા-બંધ કરવાનો અવાજ આવતો હતો. ત્યાં શાંતિને ચિરતા અવાજે સુમિત બોલ્યો... પહેલા શકુરકાકા જ બધું સંભાળતા પણ હવે એમની તબિયત ખરાબ રહેતી હોવાથી તેમનો દીકરો જાવેદ ભાઈ અને દીકરી રહેમતબેન જ ખેતરનું કામ સંભાળે છે.

દાનીશ ઉત્સુકતાપૂર્વક બોલી ઉઠ્યો... પણ આ મેડમ તો હજી કોલેજમાં ભણતા હોય એટલા નાના લાગે છે... આટલી ઉંમરે આ બધું કામ એમના ભાઈ સાથે સંભાળે છે એ ખૂબ સારું કહેવાય.

દાનીશ રહેમતને પૂછવા લાગ્યો... મેડમ ! તમે કઈ સ્ટ્રીમ લીધી છે અને કોલેજના કેટલામાં વરસમાં છો?

રહેમતને શું જવાબ આપવો એની પહેલા એને સમજ ના પડી... પછી એ બોલી હું ફક્ત નવ ચોપડી પાસ છું અને બે બાળકોની માં છું...

દાનીશ થોડાક આશ્ચર્ય સાથે બોલ્યો... ઓહ રિયલી.... તમને જોઈને આ માનવું થોડુક અઘરું છે. તમારા પતિ ક્યાં છે? અને એ શું કરે છે? અને અગેઇન ગ્રેટ.... લગ્ન થઈ ગયા હોવા છતાં તમે તમારા પિતા અને ભાઈની કામમાં મદદ કરો છો... ખરેખર તમારા સાસરિયાં ખૂબ જ સમજદાર હશે અને તમારા પતિ તો કાબિલેદાદ વ્યક્તિ હશે.

રહેમતને હવે થોડી અકળામણ થવા લાગી અને મનમાં વિચારવા લાગી કે આ શું કામ આટલી પંચાત કરે છે. જાવેદ પણ દાનીશની વાત સાંભળીને થોડો છોભીલો પડી ગયો અને શું જવાબ આપવો એ નીચું મોં કરીને વિચારવા લાગ્યો.

જાવેદ કઇં બોલે એ પહેલા રહેમત ઊંચા સાદે દાનીશને સંભળાવતા બોલી... ખબર નહીં કેમ લોકોને બીજાની પર્સનલ લાઈફ વિશે જાણવાની આટલી તાલાવેલી કેમ હોય છે...

હવે તમારે જાણવું જ છે તો કહી દઉં... મારા પતિને બીજી સાથે પ્રેમ થઈ જતાં એની સાથે લગન કરી લીધા છે.... અને શકુરમિયાં એટલે કે મારા અબ્બા એ મારા સસરા છે અને જાવેદભાઈ મારા જેઠ થાય.. મારો પતિ મને જે દિવસથી મૂકીને ગયો છે ત્યારથી મારા સાસરામાં મને એમની દીકરી બનાવી લેવામાં આવી છે... અને દીકરાને મળતા બધાં જ અધિકાર અને છૂટ મને આપવામાં આવ્યા છે. મારા પરિવારે મને પગભર બનાવી છે અને સમાજમાં મારી એક અલગ ઓળખાણ બનાવવામાં હમેશાં મારી પડખે ઊભા રહ્યા છે. બોલો હવે ખેતપેદાશની ડિલ કરવામાં હજી કાઇં વધારે પર્સનલ ઇન્ફોર્મેશન જરૂર છે તો બોલો.. રહેમત દાનીશને કટાક્ષ કરતાં બોલી.

દાનીશનું મગજ રહેમતની વાત સાંભળીને થોડીકવાર સુન્ન થઈ ગયું... અને આવી વાત પૂછવા બદલ એને પોતાની જાત ઉપર શરમ આવવા લાગી.

તે જાવેદ અને રહેમતની સામે જોઈને બોલ્યો... મેડમ ! મારો તમારી લાગણી દુભાવવાનો કોઈ ઇંટેન્શન નહોતો... તમે આટલી નાની ઉંમરમાં આટલું સરસ કામ કરી રહ્યા છો એટલે કુતૂહલવશ મારાથી પૂછાઇ ગયું... મારે કોઇની પર્સનલ લાઇફ વિશે ના પૂછવું જોઈએ. મેડમ! જાવેદ ભાઈ ! તમારી પર્સનલ લાઈફમાં ઈંટરફિયર કરવા બદલ હું તમારી માફી માંગુ છું. લાવો સેમ્પલ બતાવો.... કહીને દાનીશે સેમ્પલ માંગ્યા.

રહેમતે મગફળી, તલ અને કપાસના સેમ્પલો આપ્યા. દાનીશે બધાંની બરાબર ક્વોલિટી ચકાસી અને સુમિત સામે જોઈને બોલ્યો... ખરેખર એ-વન ક્વોલિટીનો માલ છે.

જાવેદ સામે જોઈને દાનીશ બોલ્યો... જાવેદ ભાઈ હું કોઈ પણ માલનો એની ક્વોલિટીનાં હિસાબે ભાવ આપું છું... આજ સુધી કોઇની ખરી મહેનતના ઓછાં ભાવ નથી આપ્યા અને એક રૂપિયો પણ હરામની કમાઈનો ખાતો નથી... ખોટી રીતે પાકનાં ભાવ ડાઉન કરીને રક-ઝક કરવાની મારી આદત નથી એ સુમિત બરાબર જાણે છે.

સીધો મારો જે લેવાનો ભાવ હોય એ જ બોલું છું. મને તમારો બધો જ માલ પસંદ પડ્યો છે. મગફળીનો ભાવ સિત્તેર રૂપિયે કિલો, તલનો ભાવ એકસો વીસ રૂપિયે કિલો અને કપાસનો ભાવ નેવું રૂપિયે કિલો લગાવીને તમારો બધો જ પાક ખરીદવા માંગુ છું... જો ઇચ્છા હોય તો હા કહો નહિતર પછી તમને આનાથી વધારે ભાવ મળી શકતા હોય તો તમને જવાની છૂટ...

બોલો આ મારો છેલ્લો ભાવ છે. હવે આમાં હું કોઈપણ પ્રકારની રક-ઝક નહીં કરું.. તમને મંજૂર છે?

સામેથી ત્રણેય જણાં એક સૂરમાં બોલ્યા... હા મંજૂર છે.... દાનીશે અને જાવેદે એકબીજાનાં ડૉક્યુમેન્ટસમાં સાઇન કરી અને ડિલ ફાઇનલ કરી લીધી.

દાનીશે કહ્યું... કાલે સવારે તમારા ગામેથી માલની ડિલીવરી કરાવી દેજો... મારા માણસો આવી જશે... જો મારાથી શક્ય બનશે તો હું પણ આવીશ..

ડિલ ફાઇનલ કરીને ત્રણેય જણાં જવા ઊભા થયા.. દાનીશ હજી પણ રહેમતનાં માસુમિયતથી છલકાતાં ચહેરાને જોઈ રહ્યો તો.. ઊભાં થતાં-થતાં રહેમતે જ્વાળામુખીમાંથી નીકળતા આગનાં શોલાઓની જેમ ગુસ્સાથી દાનીશ સામે જોયું અને ઝડપથી કેબિનની બહાર નીકળી ગઈ.

***